Opinion Magazine
Number of visits: 10,229,403
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રે બરખા, ઐસી ન બરસ કિ વો આ ન સકે, અગર બરસે તો ઐસી બરસ કિ વો જા ન સકે

સુમન શાહ|Opinion - Literature|3 August 2019

વરસતા વરસાદમાં લારી પર દાળવડાં ઝાપટનારાંને પણ જીવન સરસ જ લાગતું હોય છે

વર્ષાઋતુ બેસે એટલે મન મારું ઊડું ઊડું થાય. ઘનઘોર વાદળાંની જેમ એને પણ થાય કે ક્યાં જઇને વરસું, જઇને કોના પર તૂટી પડું. પણ વાદળાં કરી શકે એ મારાથી ન થાય. સંભવિત ખરું પણ શક્ય નહીં. એમ પણ કહેવાય કે શક્ય ખરું પણ અસંભવિત. 'સર્જનાત્મક જૂઠ' ચલાવવાની મહાકવિ હોમરની ક્ષમતા વિશે વાત કરતાં ઍરિસ્ટોટલે 'પોએટિક્સ'-માં કહેલું કે સર્જકોએ 'સંભવિત અશક્યતાઓ' માટે મથામણ કરવી જોઇએ, નહીં કે 'અસંભવિત શક્યતાઓ' માટે. સર્જક કલ્પનાનો એ એક મહા સિદ્ધાન્ત છે. સિદ્ધાન્તનું દૃષ્ટાન્ત એમણે એવું આપ્યું કે 'નિદ્રિત' ઓડિસ્યસ ઈથાકા પ્હૉંચી ગયો. આમ, કવિ હોમર જ લખી શકે. ઓડિસ્યસ ભલે પ્હૉંચી ગયો બાકી મારા-તમારાથી ઊંઘતાં ઊઘતાં થોડું કંઇ અમદાવાદથી વડોદરા પ્હૉંચી જવાય? પણ સર્જકો એમ લખી શકે; કરી પણ શકે. પણ છોડો, વાતો આજે કરવી છે વરસાદની. પણ હા, વરસાદની વાતો કરવાથી વરસાદ જો આવે, તો માનવું કે સંભવિત શક્ય થયું અથવા શક્ય હતું તે સંભવ્યું.

પ્રેમ હોય તો, ના, પ્રેમ હોય તો જ વિરહ હોય. વર્ષાઋતુમાં વિરહીઓના હાલ બૂરા હોય છે. એ ભઇલો ભલે બીજાની તો બીજાની પણ આ પંક્તિ ખાસ લવલવ્યા કરવાનો : રે બરખા, ઐસી ન બરસ કિ વો આ ન સકે, અગર બરસે તો ઐસી બરસ કિ વો જા ન સકે : બધો મદાર વરસાદ પર બાંધીને રસ્તો જોતો બારીએ બેસ્યો રહે. એની પ્રેમિકાને ય ભાન રહેવું જોઇએ કે વાદળ ઘેરાયાં લાગે કે તરત પ્હૅરેલે કપડે નીકળી જવાનું હોય, તડપનમાં ઝાઝું પડ્યાં ન રહૅવાય. મારે એમ પણ કહેવું છે કે અતિ પ્રેમ હોય તો અતિ વિરહ હોય, સ્હૅવાય નહીં, અસહ્ય થઇ પડે એવો વિરહ. આ વિશે મેં કાલિદાસને પૂછ્યું. તો કહે, વર્ષાકાળે વિરહ તીવ્રથી અતિ તીવ્ર થઇ ઊઠે છે એટલે તો મેં 'મેઘદૂત' રચ્યું છે – કશ્ચિત્ કાન્તાવિરહગુરુણા … એમની વાત સાચી છે. મન્દાક્રાન્તા છન્દમાં ૧૨૨ જેટલા શ્લોકમાં વિરહ ખૂબ ઘોળાયો છે. છન્દોલય સાચવીને 'મેઘદૂત' ગાવાથી વિરહ સહ્ય થઇ જાય તો થઇ જાય. મને એવી મનોવસ્થા હોય ત્યારે રાગ મેઘ-મલ્હાર સાંભળવો ગમે છે ને ચાલુ વરસાદે તો બહુ જ. એકવાર ભીમસેન જોશીના કણ્ઠે ગવાયેલો સૂર-મલ્હાર સાંભળતો'તો, અને 'ગરજત બાદલવા' પરની એમની કણ્ઠલીલાથી હું દ્રવિત થઇ ગયેલો.

રવીન્દ્રનાથના એક અધ્યેતા રૂપે મેં નૉધ્યું છે કે એમની સૃષ્ટિમાં લોટ કે બુસ્કાંની જેમ વરસતી રજ-વર્ષાથી માંડીને ઘેરી ઘનશ્યામ વર્ષાનાં બધાં જ રૂપો આલેખાયાં છે, કવિ એક પણ રૂપ ચૂક્યા નથી. વિરહની પીડાનું નિવારણ કાવ્યગાનથી થઇ જાય તો સારી વાત છે. બાકી એવી કશી ગૅરન્ટી નથી હોતી. કેમ કે કલાઓ માત્ર સાંત્વના આપી શકે. પણ એક સાવ શક્ય ઇલાજ સાંભળો : ડોલમાં ગરમ પાણી લઇ વરસતા વરસાદમાં આંગણામાં કે બાલ્કનીમાં કે ટૅરેસમાં બેસીને ન્હાવાનું. તમારે તમારી કાયા પર ગરમને રેડતા રહેવાનું, ઉપરથી વરસાદ તો વરસતો જ હશે. હું તો નાનાપણથી એ ઊની-ભીની મજા વરસોથી લેતો આવ્યો છું. આ ઇલાજથી સંભવિત છે કે વિરહનાશ થાય અને મિલનસમ્મુખ થઇ જવાય. બને કે ટુવાલ લઇને કોઇ સ્મિતવદના તમને ઢબૂરી લેવાને આતુર ઊભી હોય. બાકી જીવનમાં સમ-વિષમ જળનું મિશ્રણ રસાનુભાવ્ય હોય છે. રવીન્દ્રનાથના શતાબ્દીવર્ષમાં, ૧૯૬૧માં, હું જુનિયર બીએમાં હતો. કૉલેજે ઉત્સવ યોજેલો. એક બેઠક રવીન્દ્રનાથનાં ગીતોનાં ગાયન માટે હતી. અમે ગાતાં'તાં. અમે જ્યારે 'બાદલ મેઘે માદલ બાજે' ગીત શરૂ કર્યું તો જોતજોતામાં બારીઓના આકાશેથી વરસાદ વરસવા લાગ્યો. આખી સભાએ તાળીઓના ગડગડાટથી આનન્દ પ્રગટ કરેલો. તાળીઓ અમને અમારા માટે લાગેલી. સભાઓમાં તાળીઓ બહુ-સૂચક હોય છે.

પહેલાં તો સાત સાત દિવસની હેલી થતી. આમ મને સારું લાગે પણ આમ ન લાગે. જીવ સૉરાય. ગૂંગળામણ થાય. મનુષ્યજીવ તરીકે આ ધરતી પર એકલા પડી ગયાની તીવ્ર લાગણી થવા માંડે. મૂંઝારાનું મારું એ આછુંપાછું સંવેદન સમર્થ આધુનિક કવિ બૉદ્લેરના Spleen કાવ્યના સમ્પર્કમાં મુકાયા પછી સાવ ખીલી ગયું. પાંચ ચતુષ્કના એ કાવ્યના ત્રીજા ચતુષ્કની પહેલી બે પંક્તિનો ભાવાર્થ અહીં મૂકી શકાય એમ છે : વર્ષાની અવિરત ધારાઓ એકધારું વરસતી હોય છે ત્યારે એ કોઇ વિરાટ જેલના સળિયા જેવી લાગે છે : પછી તો કવિ એમ પણ કહે છે કે ત્યારે થાકેલા કરોળિયા પોતાની જાળ ગૂંથવાને આપણાં મગજમાં સળવળવા લાગે છે… વગેરે. પૃથ્વીનો આ ગોળો કોઇ વિરાટ જેલ હોય ને વર્ષાની ધારાઓ જેલના સળિયા ! અદ્ભુત-રસિત છતાં વાસ્તવશીલ છે આ કલ્પન. કવિેએ ક્યારેક એમ પણ કહ્યું છે કે

'ધ સ્કાય ! બ્લૅક લિડ ઑફ ધ ગ્રેટ કિટલિ 
વ્હૅર હ્યુમેનિટી 
સીમર્સ, વાસ્ટ ઍન્ડ ઈમ્પર્સૅપ્ટિબલ :

રે આકાશ, જેમાં માનવતા ઊકળે છે એ મહા કિટલિ (પૃથ્વી)નું તું શ્યામ ઢાંકણ, વિરાટ ને અગોચર …(અનુવાદ, કામચલાઉ).

રામ્બોના Drunken Boat કાવ્યનું etching કરેલું વિખ્યાત કલાકાર કર્ટ કૅમ્પે …

Courtesy : Etching Artist : Kurt Kemp

વરસી ગયેલા વરસાદનાં પાણી ફળિયાની નાની નીકોમાં વહેતાં હોય ત્યારે કાગળની હોડીને વહેતી કરીને એકીટશે જોવાની મજા કોણે ન લીધી હોય? પણ હોડી હાલકડોલક કરતી ક્યાંક તો બેસી પડે. નસીબનો વાંક દેખાય. કેમ કે એ ઉમ્મરે 'જીવનનાવ' શબ્દ થોડો સાંભળ્યો હોય? કદાચ એટલે મને વર્ષાના દિવસોમાં ફ્રૅન્ચ કવિ આર્થર રામ્બોનું Drunken Boat કાવ્ય ખાસ યાદ આવે છે. માણસ ડ્રન્કન હોય, પીધેલ, લથડિ યાં ખાતો જતો હોય, પણ બોટ? પીધેલ બોટનું કાવ્ય કેવુંક હોય? સાંભળો : કાવ્યમાં એક એવી નાવની કથા છે જે પોતાના બધા અંકુશ ગુમાવી બેઠી છે ને દિશાહીન અફળાતી-કૂટાતી સાગર ભણી ફંગોળાતી જાય છે. નથી કોઇ નાવિક, નથી પતવાર, કે નથી લંગર. અબાધ સ્વતન્ત્રતા છે, સાગરને પામવાની ગાંડીતૂર ઘેલછા છે. માર્ગમાં પરાક્રમો અને મુકાબલાઓની કઠિનાઇઓ છે, અવનવું પામ્યાનાં સુખસંતોષ છે. પણ જીવનના એ સંમિશ્ર અનુભવથી થાકીહારીને નાવ છેલ્લે છૂટકારો ઇચ્છે છે… રામ્બોએ આ કાવ્ય ૧૬ વર્ષની ઉમ્મરે લખેલું – એવા સક્ષમ કવિઓ સમક્ષ રજૂ કરેલું જેમને એ ૧૮૭૧માં પૅરીસમાં મળવાનો હતો. ૨૫ રૂબાઈમાં વ્હૅંચાયેલી ૧૦૦ પંક્તિનું આ છન્દોબન્ધ કાવ્ય મુક્તિ ઝંખતા લબરમૂછિયા તરુણની, એટલે કે રામ્બોની ખુદની, લાગણીઓ અને વિચારોનું એક સ-રસ ભાવસંકુલ છે. રામ્બો માત્ર૩૭ વર્ષ જીવેલા. આધુનિક સાહિત્યકલાના અગ્રયાયી. ફ્રૅન્ચ પ્રતીકવાદી કવિતાનો બળુકો અવાજ. આ કાવ્યનો અનુવાદ રામ્બોથી વયમાં ૩૩ વર્ષ મોટા બૉદ્લેરે કરેલો ! નીવડેલા કવિની નવ્ય કવિને કેવી તો ભાવાંજલિ !

આમ, વરસાદ ન હોય કે હોય કે આવે; પણ સંગીત હોય, સાથમાં આવા સમર્થ શબ્દસ્વામીઓ હોય, કેટલું સરસ ! જો કે વરસતા વરસાદમાં લારી પર દાળવડાં ઝાપટનારાંને પણ જીવન સરસ જ લાગતું હોય છે. ગરમ સુખડીના સાથમાં મીઠામરચાવાળા તળેલા સિંગદાણા ખાનારાંને પણ જીવન સરસ જ લાગતું હોય છે. તું ભલા ! સરસ સરસના ભેદની ચિન્તા શીદને કરે છે… કૃષ્ણને કરવું હોય એ કરવા દે ને …

= = =

શનિવાર, તારીખ ૩/૮/૨૦૧૯-ના ‘નવગુજરાત સમય' દૈનિકમાં પ્રકાશિત લેખ અહીં સૌજન્યસહ મૂક્યો છે

Loading

ચકરાવો

મનહર જે. વૈષ્ણવ|Opinion - Short Stories|3 August 2019

રમાબહેન દિવાળી બાદ પોતાનો કબાટ વ્યવસ્થિત ગોઠવતાં હતાં, ત્યારે તેમણે જોયું કે એમનો એક પારાવાળો અછોડો (ચેઈન) મળતો ન હતો. આખો કબાટ, કપડાં, અન્ય દાગીનાનાં બૉક્સ, ખોટાં ઇમિટેશનનાં બૉક્સ ફેંદ્યાં; પણ ક્યાં ય અછોડો મળ્યો નહીં. રમણભાઈ બહારથી આવ્યા અને બેડરૂમમાં રમાબહેનનું રમખાણ જોયું ને આશ્ચર્યથી પૂછ્યું, ‘શું થયું, રમા? કેમ આમ બધું વેરણછેરણ પડયું છે? ચોરે કરવા જેવું કામ તેં કેમ કર્યું?’

‘તમને મશ્કરી સૂઝે છે; પણ મારો અછોડો મળતો નથી. તેની બેચેની નથી દેખાતી?’ 

‘પણ મને શી ખબર કે તારો અછોડો નથી મળતો? બરાબર જો. તારી ટેવ મુજબ ઓશીકા નીચે કે કિચનમાં ભૂલમાં મુકાઈ ગયો હોય.’

‘બધે જોઈ લીધું. નક્કી કોઈના હાથમાં આવી ગયો હશે.’ તેનો ઈશારો કોની તરફ હતો તે મેં જાણી લીધું. કામવાળી બાઈ અને અમારો ડ્રાઈવર – એ બે સિવાય અન્ય તો ‘કોઈ’ હતું જ નહીં!

રમણભાઈએ કોર્ટની જેમ મુદ્દત પાડી કહ્યું, ‘ચાલ, અત્યારે સ્વસ્થ થા. ઓચિન્તો બેચાર દિવસમાં મળી જશે.’

આ વાતને એક માસ વીતી ગયો. ચેઈનનો અફસોસ પણ, સ્વજનની વિદાય પછીના વીતી જાતા સમયની જેમ ભુલાતો ગયો.

એક દિવસ શિયાળાની ઠંડીમાં, અમારો ડ્રાઈવર સવારમાં કોટ પહેરીને આવ્યો. કોટ જોતાં જ મને નવાઈ લાગી. આ તો મારો જ કોટ! દિવાળી પહેલાં ઘરની સાફસૂફી બાદ, જે નકામી ચીજ – વસ્તુઓ દૂર કરીએ, તેમ થોડાં જૂનાં કપડાં, – જેમાં આ કોટ પણ હતો – તે, જૂનાં કપડાંના બદલામાં વાસણ આપી જતા ફેરિયાને આપી દીધેલો. મેં ડ્રાઈવરને પૂછ્યું, ‘આ કોટ ક્યાંથી લીધો? સરસ છે.’

‘સાહેબ, આ શિયાળે કંઈક ગરમ કપડાં લેવામાં કોટનો વિચાર હતો. નવો તો પોસાય નહીં; એટલે ગુજરીમાં તપાસ કરતાં એક જગ્યાએ મળી ગયો. મને બરાબર ફીટ બેઠો, એટલે ખરીદી લીધો. હજુ બે જ દિવસ થયા. કેવો છે? બરાબર છે ને?’

‘હા … હા … બરાબર છે. મારે પણ આવો જ કોટ હતો.’ ‘તને મફતમાં આપવાનો જીવ ન ચાલ્યો’ તે શબ્દો રમણભાઈએ મનમાં રાખ્યા અને કહ્યું, ‘એમ કર, ગુજરીમાંથી લીધો છે તો એને એક વાર ડ્રાઈક્લિન કરાવી લે, એટલે નવો નકોર લાગશે.’

‘હા સાહેબ, એ વાત સાચી.’

આ વાતને પણ આઠેક દિવસ વીતી ગયા અને ડ્રાઈવર એક દિવસ ઓચિન્તો કસમયે ટપકી પડ્યો.

‘સાહેબ, આપે કહ્યું તેમ પેલો કોટ ડ્રાઈક્લિન કરવા આપ્યો હતો તે આજે લેવા ગયો. તો ડ્રાઇક્લિનરે શું કહ્યું ખબર છે? મને કહે, ‘ભાઈ, કપડાં આપો ત્યારે બધાં ખિસ્સાં બરાબર તપાસી લેવાનું રાખો. તમારા કોટના અંદરના ખિસ્સામાંથી એક અછોડો (ચેઈન) નીકળ્યો. અમારો તો ધંધો જ પ્રામાણિકતા ઉપર નભે, એટલે કોઈની ચીજ મળે, તે ગમે તેટલી કિંમતી હોય તો પણ; અમારાથી રાખી ન લેવાય. એમણે મને કોટ અને અછોડો બન્ને આપ્યા. મને તો દિવાળી અને ગુજરી બન્ને ફળી હોં!’

રમણભાઈ અવાક્ રહી ગયા. પોતાનો કોટ અને તેના ખિસ્સામાંથી નીકળેલો અછોડો! દોડતા કિચનમાં જઈ રમાબહેનને કહ્યું, ‘રમા, અછોડો મળી ગયો અને નથી પણ મળ્યો.’

આ દ્વિઅર્થી સંવાદથી રમાબહેન અકળાયાં, ‘શું તમે પણ ગાંડા કાઢો છો! હું તો ભૂલી ગઈ; પણ તમે હજુ અછોડો ભુલ્યા લાગતા નથી.’

‘અરે, સાંભળ તો ખરી! શ્રાવણી મેળામાં આપણે ગયેલાં ત્યારે આ અછોડો તેં પહેરેલો બરાબર? મેળામાં અછોડાતોડ (ચેઈનપુલીંગ) બહુ થાય, એટલે તેં કાઢીને મને સાચવવા આપેલો. મેં અછોડો સાચવીને કોટના અંદરના ખિસ્સામાં મુકેલો. હવે ઘરે આવી મેળામાં કરેલા આનન્દમાં, આ વાત ભુલાઈ ગઈ. મેં કોટ કાઢી કબાટમાં મૂકી દીધો. ત્યાર બાદ દિવાળીની સફાઈમાં, જૂનાં કપડાં સાથે આ કોટ પણ તેં ફેરિયાને આપી દીધો. ફેરિયા આવાં કપડાં સસ્તા ભાવે ગુજરીમાં વેચી નાખે. આ કોટ પણ વેચાયો. ગુજરીવાળા આવાં સારાં કપડાં વ્યવસ્થિત ગડી કરી, સંકેલી ગુજરીબજારમાં વેચવા બેઠા હોય. તેમાં આપણા ડ્રાઈવર મોહનને આ કોટ ગમી ગયો અને ખરીદી લીધો. મારી સલાહ મુજબ તેણે તેને ડ્રાઈક્લિનીંગ માટે આપ્યો. અને અછોડાનો ચકરાવો લોન્ડ્રીવાળાને ત્યાં પૂરો થયો. હવે મોહન પાસેથી તે કેમ માંગવો તે પ્રશ્ન છે. તે તો રાજી રાજી થઈ ગયો છે! એટલે કંઈક ઉપાય શોધ.’

બે’ક દિવસ બાદ રમાએ ડ્રાઈવરને દિવાળીની શુભેચ્છા પેટે, મીઠાઈનું એક બૉક્સ આપ્યું અને કહ્યું, ‘મોહનભાઈ, અરે વાહ ! તમારો કોટ તો બહુ સરસ છે. અસલ તમારા સાહેબ જેવો જ. પણ શું વાત કરું, મોહનભાઈ, છેલ્લે શ્રાવણી મેળામાં પહેરેલો અને તેમાં મારો અછોડો એમણે સાચવીને મુકેલો. પછી એ કોટ, દિવાળીમાં વાસણના ફેરિયાને આપી દીધો. હવે ન જાણે એ ફેરિયાએ તે કોટનું શું કર્યું હશે! તેને અંદરથી અછોડો મળ્યો હશે કે કેમ; પણ જેનાં જેવાં નસીબ!

બીજે દિવસે મોહને રમાબહેન પાસે આવી પેલો અછોડો બતાવ્યો અને કહે, ‘બા જુઓ, આ અછોડો મને કોટમાંથી મળ્યો. હવે આ કોટ જો સાહેબનો જ હોય તો અછોડો પણ તમારો જ હોય. જરા જોઈ જુઓ તો!’ અછોડો જોતાં જ રમાબહેન રાજી થઈ ગયાં ને કહ્યું, ‘અરે મોહનભાઈ, આ જ મારો અછોડો છે.’ પછી થોડાં અચકાઈ ગયાં અને કહ્યું, ‘પણ હવે તો એ તમને મળ્યો એટલે તમારો જ ગણાય ને?’

‘અરે બા, આ કંઈ વાત છે! મને મળ્યો એટલે? મને તો પેલા લોન્ડ્રીવાળાએ પરત કર્યો. હું શું તેના કરતાં ઊતરતી કક્ષાનો છું? બા, ખરેખર અછોડો તમારો જ છે તે તો, આ અછોડાએ લીધેલો ‘ચકરાવો’ બતાવે છે કે, કેટલી જગ્યાએ ફરીને એ પાછો તમારી પાસે આવ્યો!’

રમાબહેન ખુશ થઈ ગયાં. રમણભાઈ પણ ખુશ થઈ એટલું જ બોલ્યા, ‘રમા, એક અછોડાના આ ‘ચકરાવા’માં, ‘શ્રમિક’ ગણાતી કેટકેટલી વ્યક્તિની નિર્દોષતા અને કેટકેટલી વ્યક્તિની પ્રામાણિકતા ભરેલી છે! ખરેખર, અછોડો શુકનિયાળ જ છે.’

માર્ચ, 2017ના “અખંડ આનન્દ”નાં પાન : 37-38 ઉપરથી લેખકની અનુમતિથી સાભાર ..

સર્જક સમ્પર્ક : મનન ઈન્કમટૅક્સ સોસાયટી, એરોડ્રામ પાસે, રાજકોટ – 360 007

eMail : manhar.vaishnav@gmail.com

સૌજન્ય : સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ પંદરમું – અંકઃ 432 – August 04, 2019

Loading

ફરિયાદી મહિલા કચડાય છે, આદિવાસીઓ ગોળીએ વીંધાય છે, ઉત્તર પ્રદેશમાં યોગીરાજ ચાલે છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|2 August 2019

ઉન્નાવમાં ધારાસભ્ય વિરુદ્ધ લડત આપનાર રેઇપ સર્વાઇવરને કચડી નાખવાના અને સોનભદ્રમાં આદિવાસીઓના હત્યાકાંડના બનાવો માત્ર ભા.જ.પ.ની યોગી સરકાર જ નહીં, કેન્દ્રની મોદી સરકાર માટે પણ વધુ એક લાંછન છે

સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે, ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના નાનાં ગામની બળાત્કાર પીડિતાને ઝડપી ન્યાય મળે તે માટે, રાજય સરકાર અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સી.બી.આઈ.)ને કડક નિર્દેશો આપ્યા છે. અત્યારે ઓગણીસ વર્ષની યુવતીએ ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)ના બળિયા ધારાસભ્ય કુલદીપ સેંગરની સામે 20 જૂન 2017ના દિવસે બળાત્કારની ફરિયાદ કરી. ત્યારથી લઈને અત્યાર સુધી અસાધારણ હિમ્મતવાળી આ છોકરી રાજ્યનાં અમાનુષ (અ)વ્યવસ્થાતંત્રનો  સામનો તો કરતી જ રહી હતી.

પણ અત્યારે તે વેન્ટિલેટર થકી મોતનો સામનો કરી રહી છે – આરોપીએ રચેલાં હોવાનું કહેવાતાં કાર-ટ્રક  અકસ્માતનાં કથિત કાવતરામાં તે 28 જૂનના રવિવારે ગંભીર રીતે ઘવાઈ છે. આ યુવતી રેઇપ વિક્ટિમ એટલે કે બળાત્કાર પીડિતા હોવાની સાથે રેઇપ સર્વાઇવર એટલે કે બળાત્કારનો ભોગ બન્યા પછી પણ ટકી રહેનાર અને લડનાર નાગરિક છે. તે એવી સર્વાઇવર્સની હરોળમાં છે કે જે વીરાંગનાઓ આસારામ, રામ રહિમ જેવા કે મુંબઈનાં શક્તિ મિલ કમ્પાઉન્ડમાં કે રાજસ્થાનનાં ગામડામાં બળાત્કાર આચરનારા નરાધમોની સામે લડી હોય. ઉત્તર પ્રદેશનુ તંત્ર જાણે એક ધારાસભ્યની સામે પડનાર ગરીબ ઘરની છોકરીને ખતમ કરીને પોતાની ઇજ્જત બચાવવામાં ગયાં દોઢેક વર્ષથી પડ્યું છે. આ કન્યા, કે જેને પોલીસ રક્ષણ પૂરું પાડવાનો પોલીસને આદેશ છે, તેની કારને રવિવારે બપોરે એક ભીષણ અકસ્માત થયો. તેમાં તેના બે કાકી મોતને ભેટ્યાં. તેના વકીલ પણ ગંભીર રીતે ઘાયલ થઈને વેન્ટિલેટર પર છે. તેના કાકા જે તેના પરિવાર વતી લડી રહ્યા હતા તે તાજેતરમાં જ દસ વર્ષની સજા સાથે રાયબરેલીની જેલમાં ધકેલાયા છે. છોકરીનાં માતા, ત્રણ બહેનો અને એક ભાઈ સરાઇ થોક માખી ગામમાં તેમનાં ઇંટ-માટીનાં જર્જરિત મકાનમાં, ગામજનોના બહિષ્કાર વચ્ચે દિવસો ખેંચી રહ્યાં છે. બે ટંક ખાવાનાં સાંસા છે, ભણતર તો અટકી જ ગયું છે. ગામમાં સેંગરના ‘ચેલાઓ’નો ખૌફ છે અને લોકો દબાતા અવાજે ‘સાજીશ’ની વાત કરે છે.

ઉન્નાવની છોકરીએ, સેંગરની સામે પોતે કરેલી ફરિયાદ છતાં કોઈ પગલાં ન લેવાતાં, 8 એપ્રિલ 1918ના દિવસે લખનૌમાં આદિત્યનાથના ઘરની સામે આત્મવિલોપનની કોશિશ કરી. તેનાં બીજા જ દિવસે તેના પિતાને એક કેસમાં આર્મ્સ ઍક્ટ હેઠળ કસ્ટડીમાં પૂરી દેવામાં આવ્યા, અને જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમનું મોત થયું. સરકારે કેસ સી.બી.આઇ.ને સોંપ્યો. પણ પાટલી બદલુ અને ચાર વખતથી ધારાસભ્ય એવા સેંગરની ધરપકડ તો 13 એપ્રિલ 2018 અલ્હાબાદની વડી અદાલતે આદેશ આપ્યા બાદ જ થઈ. જો કે સર્વાઇવર અને તેના પરિવારને આરોપીના માણસો ડરાવતા રહ્યા અને પોલીસ પણ તેમને કનડતી જ રહી. અનેક રજૂઆતોને અંતે હમણાં 12 જુલાઈએ છોકરીએ દેશના સર્વોચ્ચ ન્યાયાધીશને પત્ર લખ્યો. તેના થોડા દિવસ અગાઉ સેંગરની સામેની લડતમાં છોકરીની સાથે રહેનાર તેના કાકાને 2000ની સાલના એક હત્યાના કેસમાં દસ વર્ષની સજા મળી. એમને મળવા જઈ રહેલી છોકરીને ઉપર્યુક્ત અકસ્માત નડ્યો. તેની ગાડીને ઠોકર મારનાર ટ્રકની નંબર પ્લેટ પર કાળો રંગ લગાવેલો હતો. આ અકસ્માતને પગલે સેંગર સામે ખૂન અને ખૂનની કોશિશના આરોપ દાખલ કરવામાં આવ્યા. ભા.જ.પે. તેને સસ્પેન્ડ કર્યો કે કેમ એ અંગે પક્ષના મોવડીઓમાં જ મતભેદ છે. જો કે દોઢ મહિના પહેલાં 5 જૂને ભા.જ.પ.ના ઉન્નાઓના સાંસદ સાક્ષી મહારાજે જેલની મુલાકાત લઈને ચૂંટણીમાં સહકાર બદલ સેંગરનો આભાર માન્યો હતો. વડી અદાલતે સેંગરની બાબતમાં નોંધ્યું હતું : ‘કાયદો અને વ્યવસ્થાનું તંત્ર સીધું જ [સેંગરની] સાંઠગાંઠમાં અને તેના પ્રભાવમાં હતું’.

 

courtesy : "The Hindu", 02 August 2019

કાયદો અને વ્યવસ્થાના અંધેરનો ઉત્તર પ્રદેશનો તાજેતરનો બીજો એક ભયંકર દાખલો સોનભદ્ર જિલ્લાના ઉંભા ગામના આદિવાસીઓના હત્યાકાંડનો છે. તેનો હેતુ, ગામથી ત્રણેક કિલોમીટર દૂર આવેલી, મૂળભૂત ગ્રામસભાની માલિકીની જમીન પર, સાઠેક વર્ષથી ખેતી કરતા ગોંડ જાતિના આદિવાસીઓને જમીન પરથી ખદેડીને જમીન પચાવી પાડવાનો છે. આ હત્યાકાંડ 17 જુલાઈની સવારે અગિયાર વાગ્યાના સુમારે થયો. તેમાં બાજુના મૂર્તિયા ગામના સરપંચ (પ્રધાન) યજ્ઞ દત્તએ વિવાદાસ્પદ જમીન પર એકઠાં થયેલા ગોંડ આદિવાસીઓમાંથી ત્રણ સ્ત્રીઓ સહિત દસ વ્યક્તિઓને ગોળીબાર કરીને મારી નાખ્યા અને બાવીસને ઘાયલ કર્યા. સરપંચ દસેક ટ્રૅક્ટરોમાં દસ-બાર બંદૂકો સહિતના સો સાગરિતોને લઈને આવ્યો હતો. ગોંડ ભારતમાં અત્યારે પણ એક સહુથી પછાત ગણાતી આદિજાતિ છે, સોનભદ્ર પંથકમાં તે અનુસૂચિત જાતિ કે દલિત વર્ગમાં આવે છે. હુમલો કરનાર યજ્ઞ દત્ત ઓ.બી.સી. ગણાતી શક્તિશાળી જમીનદાર ગુજ્જર કોમનો છે. બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ રાજ્યોની સરહદો જેને અડે છે તે સોનભદ્ર જિલ્લાની જમીન ખનીજોથી ભરપૂર છે. વારાણસીથી 80 અને પાટનગર લખનૌથી 370 કિલોમીટરના અંતરે ઉત્તર પ્રદેશના પૂર્વ હિસ્સામાં આવેલો આ જિલ્લો રાજ્યનો એક પછાત અને દુર્ગમ વિસ્તાર ગણાય છે. જે જમીન માટે હત્યાકાંડ થયો તે ખેડનારા ભૂમિહીન આદિવાસીઓ ગરીબ છે, કાચાં ઝૂંપડાંમાં રહે છે અને પરંપરાગત ઢબે ખેતી કરે છે. સરકારી યોજનાઓ અને કથિત વિકાસનાં ફળ હજુ અહીં ભાગ્યે જ પહોંચ્યાં છે.

ઉંભા ગામની જે 90 વીઘા જેટલી જમીન આદિવાસીઓ ખેડી રહ્યા છે તે વિવાદાસ્પદ બની રહી છે. ઉત્તર પ્રદેશના 1950ના જમીનદારી નાબૂદી અને જમીન સુધાર ધારા હેઠળ આ વિસ્તારની 600 વીઘા બિનઉપજાઉ જમીનને ગ્રામસભાની માલિકીની જાહેર કરવામાં આવી અને તેની ઉપર ગોંડ લોકો ખેતી કરવા લાગ્યા. 1953માં એક તહેસિલદારે તેમાંથી 463 એકર જમીન ‘આદર્શ કૃષિ સહકારી સમિતિ’ને નામે કરી. આ સમિતિ બિહાર કૅડરના એક આઇ.એ.એસ. ઑફિસરના સસરાના પ્રમુખપદે ચાલતી હતી. આદિવાસીઓ આ જમીનનું ભાડું સમિતિને ચૂકવતા હતા. પ્રમુખના મૃત્યુ બાદ 1984માં એક સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે તેમાંથી 145 વીઘા જમીન ઑફિસરની પત્ની અને દીકરીના નામે કરી. તેમની પાસેથી તે હિસ્સો  યજ્ઞ દત્ત ને બીજા દસ જણે અંદાજે બે કરોડ રૂપિયામાં 2017માં ખરીદ્યો. આ પ્રકારનું ખરીદ-વેચાણ વાંધાજનક હોવા છતાં આદિવાસીઓ મજબૂરીથી તેમની આવકના એકમાત્ર સાધન એવી આ જમીન માટે તેના નવા માલિક દત્તને પણ ભાડું ચૂકવવા તૈયાર હતા, પણ તેને જમીન જ જોઈતી હતી.

વાટાઘાટો નિષ્ફ્ળ નીવડતા અંતે આદિવાસીઓએ દત્તની સામે કેસ કર્યો. તેણે આદિવાસીઓની સામે ત્રણ ક્રિમિનલ કેસેસ કર્યા. તદુપરાંત તેમને ખદેડવા માટે દબાણ તો કરતો જ રહ્યો. આદિવાસીઓએ સંભવિત જોખમની સામે રજૂઆતો પણ કરી હતી. ગ્રામસભાની જમીનને લગતાં આખા ય વ્યવહારની ન્યાયપૂર્ણતા તપાસવાની વર્ષો લગી તસદી ન લેવાઈ. પોલીસ અને પ્રશાસન નિષ્કિય રહ્યાં. આખરે આદિવાસીઓનો ભોગ લેવાયો. ધરપકડો થઈ, વિરોધ પક્ષોએ નિશાન તાક્યું, પ્રિયાંકા વાદ્રાને પીડિતોની મુલાકાત લેતાં રોકવામાં આવ્યાં. આદિત્યનાથે જાતમુલાકાત લઈને વળતર અને તપાસની જાહેરાત કરી.

ઍન્ટિ-રોમિયો સ્ક્વાડ, ખાનગી સેનાઓ, એન્કાઉન્ટર પોલીસ અને  લિન્ચ મૉબ્સથી ખદબદતાં દીનદૂબળાં અને લઘુમતીઓ માટે સતત જોખમકારક એવા યોગીરાજમાં સોનભદ્રના આદિવાસીઓને કેવો અને ક્યારે ન્યાય મળે છે તે જોવાનું રહે. 

*****

01 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 02 ઑગસ્ટ 2019

 

Loading

...102030...2,8982,8992,9002,901...2,9102,9202,930...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved