Opinion Magazine
Number of visits: 9968525
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દક્ષા પટેલ

માલિનીબહેન દેસાઈ|Opinion - Opinion|23 May 2019

ગુજરાતી આલમનાં એક ઊંચેરાં કમર્શીલ કેળવણીકાર, વિચારક લેખક દંપતી માલિનીબહેન − જ્યોતિભાઈ દેસાઈએ, ઘણું કરીને વિક્રમ સંવત 2044 વેળા, મધ્ય અમેિરકાનો શંતિસૈનિકને નાતે પ્રવાસ કરેલો. ત્યાંના અનુભવો તેમ જ સંસ્મરણોને આલેખતા એમણે જે પત્રો લખેલા, તેનું ‘અમાસ’ (મધ્ય અમેરિકાના પ્રવાસના છ પત્રો) નામે આ પુસ્તક 1988 વેળા પ્રગટ થયું હતું. તે પુસ્તિકાના પાન 40-42 પરે આ લેખ અપાયો છે.  

આ તો આપણા ગુજરાતનાં બહેન. વર્ષોથી ગ્વાટેમાલા જઈને વસ્યાં છે. એ મૂળ વતની પૂર્વ આફ્રિકાના − અને ભારતીઓએ ત્યાંથી નીકળીને ઇંગ્લૅન્ડ કે અમેિરકા જવું પડયું ત્યારે આ બહેન પોતાનાં પતિ સાથે આ દેશમાં વ્યાપાર અર્થે ગયાં. ગ્વાટેમાલા એલચીના પાક માટે પ્રસિદ્ધ છે. ગુજરાતીઓ વ્યાપારખેડૂઓ-સાહસી તેમાં દક્ષાબહેન કંઈક વિશેષ બહાદુર, નિડર અને સાહસી લાગ્યાં.

અમે અમારા વીસા અને પાસપોર્ટ મેળવવા માટે તા. 25મી જૂને જ્યારે ભારતીય એલચી કચેરીમાં ગયા ત્યારે મારી સાડી જોઈ તરત જ ત્યાં કામ કરતાં સ્પેનીશ સેક્રેટરી બહેને પૂછ્યું, ‘બહેન તમે ભારતના કયા પ્રદેશનાં ?’ મેં જવાબ આપ્યો, ‘અમે ગુજરાતથી આવીએ છીએ.’ એણે તરત બીજો સવાલ કર્યો, ‘તમે કોઈ ભારતીયને અહીં ઓળખો છો ?’ મેં કીધું, ‘ના, અમે હજુ ગઈ કાલે રાત્રે તો વિમાનમથકે અટકાવેલ. વગેરે વગેરે. અમે ક્યાંથી કોઈને જાણીએ ?’ એણે કીધું, ‘મારાં એક બહેનપણી છે. ગુજરાતી છે. નામ દક્ષા પટેલ, એ કહેતાં હોય છે કે કોઈ ભારતીય અને તેમાં પણ ગુજરાતી આવે તો મને તરત જણાવજો. તમારે મળવું છે ?’ મેં તરત હા પાડી. હું તો ખુશ ખુશ થઈ ગઈ. કોઈ આપણા દેશનું મળશે તો કેવું સારું. રાત્રિના અનુભવથી થોડી અસ્વસ્થ તો હું હતી જ. જ્યોતિભાઈ તદ્દન સ્વસ્થ અને એમને આવા પ્રસંગો આવે તો ગમે; કહે, ‘કસોટીઓમાંથી પસાર ન થાઓ તો જીવન જીવવું નકામું. ખુમારીથી જીવવું હોય તો આવી કપરી, વિપરીત ઘટનાઓ ઘટવી જ જોઈએ.’ વિમાનમથકે પણ એ મને એમ જ કહી આશ્વાસન આપે કે આપણો અહિંસક સત્યાગ્રહ અહીંથી જ શરૂ થયો. શાતિ કાર્ય માટે આવ્યાં છો ને ? તો આ શરૂઆત છે એમ સમજવું. જેલ લઈ જાય તો ઓર મજા. તદ્દન પાસેથી જેલ જોવા મળે અને ઘણું શીખવા મળે. જાત અનુભવ જેવું શિક્ષણ કયું ?’

પેલાં સેક્રેટરી બહેને તરત ફોન જોડ્યો અને દક્ષાબહેન તો શુદ્ધ ગુજરાતીમાં બોલવા માંડ્યાં ! ‘ક્યાંથી આવ્યાં ? શું કામ આવ્યાં ? નામ ઠામ ગામ, અમારે ત્યાં કેમ ન ઉતર્યાં ? તરત આવતાં રહો. ગુજરાતીમાં બોલવાવાળું કોઈ મળે તો મને પણ સારું લાગે છે. વગેરે વગેરે. મારે ઘેર કામવાળી બાઈ છે. ઘર મોટું છે. ગુજરાતી ભોજન રાંધીને ખાઈશું. તમને ભારતીય – ગુજરાતી ભોજન યાદ આવતું હશે ને ?’ પોતાનું સરનામું, કેવી રીતે ત્યાં પહોંચવું વગેરે વગેરે ફોન નંબર આપ્યો. અમે કીધું, ‘અમારે પહેલાં પાસપોર્ટ-વીસા પ્રાપ્ત કરવા છે. પછી તમને જણાવીશું અને આવીશું.’

દક્ષાબહેન હાલ બે દુકાનોના ત્યાં માલિક છે. એ દુકાનોમાં ભારતીય કળા કારીગરીની વસ્તુઓ વેચે છે. દર વર્ષે બે વાર ભારત આવીને જાતે પસંદ કરી લઈ જાય છે. ધનવાન લત્તામાં રહે છે. તેમની સાથે એક અંગરક્ષક કાયમી હોય છે. ઉત્તમ સ્પેનીશ બોલી શકે છે. પહેરવેશ ત્યાંનો જ અપનાવી લીધો છે. અમને મળવા, શાંતિમથકે આવેલાં ત્યારે અમે એમને ગુજરાતી તરીકે નહિ ઓળખ્યાં, પણ જ્યારે ગુજરાતીમાં બોલવા માંડ્યાં ત્યારે જાણ્યું કે અરે ! આ તો અમને મળવા આવેલાં બહેન, દક્ષાબહેન છે ! હશે માંડ 35થી 40 વર્ષની ઉંમરની. ત્યક્તા છે. પણ ખુમારીથી અને નિર્ભયતાથી સ્વાલંબી જીવન જીવે છે. ખુશખુશાલ છે.

એમના જીવનની કથા એક નવલકથા સમાન છે. જે અમે એમનાં બહેનપણી અલકા શ્રીવાસ્તવ, જેઓ પણ એક એવાં જ નીડર અને સાહસી પત્રકાર છે. એલસેલવેડોરમાં પોતાના પતિ રઝા સાહેબ સાથે રહે છે, તેઓની પાસેથી એમને ત્યાં ગયાં ત્યારે સાંભળી. અલકાબહેનની પણ પોતાની કહાની છે જે કદાચ ચોથા કે પાંચમા પત્રમાં આપીશું.

ગ્વાટેમાલામાં 1986 પહેલાં જે ઘણી વધુ ગડબડો થઈ તેમાં દક્ષાબહેનના પતિને કોઈ ઉપાડી ગયેલું. દક્ષાને ખબર પડતાં વેંત એણે આકાશ પાતાળ એક કરી એની શોધ ચલાવેલી. રડવા ન બેઠી. વખત ન ગુમાવ્યો, હાંફળી ફાંફળી ન થઈ. ન લમણે હાથ દઈ એ બેઠી. મોટા મોટા ઓફિસરો સૈનિક પ્રતિનિધિઓ, પોલીસખાતું ઇત્યાદિ જેની દ્વારા પતિે છોડાવી શકાય એવું હોય તેમનો સંપર્ક કરીને પ્રયત્નો કરતી જ રહી. જ્યારે કાંઈ પરિણામ ન આવ્યું ત્યારે મિત્રોની સલાહથી એક ખાનગી જાસૂસી (ડિટેક્ટીવ) સંસ્થાને મળી. 30 લાખ રૂપિયા આપો તો છોડાવી લાવીએ. દક્ષાને આ આશાસ્પદ જવાબ લાગ્યો ને એણે ક્ષણનો પણ વિચાર કર્યા વગર બન્ને દુકાનો ગીરવી મૂકી 30 લાખ આપવાના કબૂલ્યા. 24 કલાકમાં પતિ શ્રી પટેલ ઘેર આવી પહોંચ્યા. મિત્રો, વિચાર માત્રથી રુંવાડા ઊભા થઈ જાય ! આપણા દેશમાં થાય તો આવી હિમ્મત કરે તે સમજાય, કારણ ઓળખીતા, સગાં વહાલાં ભાષા જાણીતી વગેરે, પણ પરદેશમાં આ રીતે એક મહિલા પોતાના પતિને છોડાવી લાવે? એના પર 4 દિવસ શું વીતી હશે? કેવા કેવા વિચારો આવ્યા હશે? કેવા કેવા સાથે પાલો પડ્યો હશે? અમે જ્યારે આ સાંભળ્યું ત્યારે આભા જ બની ગયાં. ક્ષણવાર તો સ્તબ્ધ બની બેઠાં. અલકા કહે, मालिनीबहेन ! इन देशोमें डरपोक लोगोंका काम नहीं। दक्षा जैसे ही टीक सकते है।’ દક્ષાએ 30 લાખ ધીમે ધીમે વાળવા માંડ્યા. પણ એના જીવનની કરુણતા હજી બાકી હતી. પતિ ગભરાઈ ગયેલા, સ્વાભિવક જ છે. જેલમાં એની પર ઘણી વીતેલી એ ગ્વાેમાલાથી ભાગી છૂટવા તૈયાર થયા. એમનાં મા-બાપે આગ્રહપૂર્વક ઘેર આવવા દબાણ કર્યું. દક્ષા અહીં જ રહી દેવું ચૂકવી ફરીથી નવજીવન શરૂ કરવાના પક્ષમાં હતી. આ ગૃહયુદ્ધમાં પતિ પત્નીએ જુદાઈ પસંદ કરી. દક્ષા આજે હિમ્મતપૂર્વક દેવું ચૂકવી ગ્વાટેમાલા શહેરની વચ્ચે બે દુકાનો જેમાંની એક તો Centro, આપણા દેશમાં શહેરોમાં જે શ્રીમંતોનું બજાર હોય છે તેવા વિભાગમાં ચલાવે છે. ઘણા નોકરો રાખ્યા છે. પોતે સવારે 9થી 1 અને બપોર પછી 3થી 7 દુકાનમાં હાજર હોય છે. અંધારામાં કે રાત્રે કશે ન જવાનું જીવનનો નિયમ બનાવી લીધો છે. છતાં જવું જ પડે તો અંગરક્ષક રાખ્યો છે જે પેલી ડિટેક્ટીવ સંસ્થાનો માણસ છે તે છૂપાવેશમાં સાથે રહે છે. દક્ષા ખુશખુશાલ, હિમ્મતભેર ખુમારીભર્યું જીવન જીવી રહી છે.

મેં પૂછ્યું, ‘તમે ભારતમાં કેમ ન વસ્યાં ?’

જવાબમાં તેણે કહ્યું, ‘તમે જાણો છો ભારતમાં ત્યક્તાની શી સામાજિક દશા થાય છે. અને હું કાયમ સ્વતંત્ર રહી છું, પગભર છું. અને ભારત તો કદી રહી જ નથી. તેથી ત્યાં ન ગમે. મારું ક્ષેત્ર, વલણ − પરિસર ભારતીય રહ્યું નથી. છતાં ભારત પ્રતિ પ્રેમ ખરો. તેથી જ કોઈ પણ ભારતીય આ દેશમાં આવે તો મારા મહેમાન બને એવું હું ઇચ્છું છું. બા, બાપુજીને મળવા ગુજરાત આવું છું. વડોદરામાં બહેન છે તેને મહિનામાં બે વાર ફોન કરી ખબર અંતર પૂછી લઉં છું, મારા પણ આપું છું. માયામી − ઉત્તર અમેરિકા તથા ઇંગ્લૅન્ડમાં ભાઈ-બહેન છે તેમને મળી આવું છું પણ રહેવાનું તો − પોતાનું વતન તો ગ્વાટેમાલા જ એવું અનુભવું છું. મને બીક નથી લાગતી. મારી બહેનપણીઓ ઘણી છે અને નિરાંતે પ્રસન્ન રહું છું.’

આ રીતે આ બહેનની નિર્ભયતા − ખુમારી − બહાદુરી જોઈ જાણી અમને પણ એનો ચેપ લાગ્યો અને મધ્ય અમેરિકાના આ બે દેશોમાં આપણી બહાદુર મહિલાઓને મળવાનો જે લહાવો મળ્યો તેથી ધન્ય થયાં.

•

Loading

ચૂંટણી પંચ : બઢતી ઉમરિયા, ઘટતી ચુનરિયા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 May 2019

“આવશે તો મોદી જ’ના અવાજ અને પડઘા વચ્ચે ૨૩મી મેની સવારથી ઈ.વી.એમ. ખૂલશે અને સાંજ સુધીમાં હારજીતનો ફેંસલો જણાઈ આવશે. લોકસભાની આ ચૂંટણીમાં કાં સત્તાપક્ષ જીતશે કાં વિપક્ષ. પણ હાર ચૂંટણી પંચની થઈ છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૨૪માં ચૂંટણી પંચની રચના અને સત્તાઓ નિર્ધારિત કરવામાં આવ્યાં છે. ચૂંટણી પંચનું કાર્ય માત્ર ચૂંટણીઓ કરાવવાનું છે તેવી માન્યતા ઘણે અંશે સાચી છે પરંતુ ચૂંટણીને આનુષાંગિક અને તે ઉપરાંતના ઘણાં કામો પણ તેણે કરવાનાં હોય છે. મતદાર યાદીઓ તૈયાર કરવાનું ગંજાવર કામ ચૂંટણી પંચનું મહત્ત્વનું કાર્ય છે. મતદાર યાદીઓ જેટલી સાચી અને અધ્યતન તેટલી ચૂંટણી પ્રક્રિયા દૂષિત થવાની શક્યતા ઘટે છે. એ જ રીતે મતવિસ્તારોનું સીમાંકન, રાજકીય પક્ષોની નોંધણી, મતદાર ઓળખકાર્ડ અને છેલ્લે મતદાન અને મત ગણતરીની કામગીરી ચૂંટણી પંચ બજાવે છે.

આમ તો ભારતનું ચૂંટણી પંચ તેની તટસ્થતા અને સ્વતંત્રતા માટે વિશ્વખ્યાત છે. પરંતુ હાલની લોકસભા ચૂંટણીમાં તેની કામગીરી જોતાં તેની શાખ તળિયે બેઠેલી લાગે છે. કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણી પંચ કેન્દ્ર સરકારના દબાણ હેઠળ કામ કરી રહ્યાનું જણાવે છે તો દલિત નેતા અને ભારતીય બહુજન મહાસંઘના પ્રમુખ પ્રકાશ આંબેડકર, તેમનો પક્ષ સત્તામાં આવશે તો ચૂંટણી પંચના હાલના ભેદભાવભર્યા વલણ માટે ચૂંટણી કમિશનરોને જેલભેગા કરવાની આત્યંતિકતા વ્યક્ત કરે છે. દેશના ૬૬ પૂર્વ નોકરશાહો પણ રાષ્ટ્રપ્રમુખને પત્ર લખી ચૂંટણી પંચ વિશ્વસનીયતાની કટોકટીમાંથી પસાર થઈ રહ્યાનું જણાવી તેની તટસ્થતા અંગે સવાલો ઉઠાવે છે.

દેશમાં મુક્ત અને સ્વતંત્ર ચૂંટણીઓ કરાવવાનું કામ સ્વાયત્ત એવા ચૂંટણી પંચનું છે.  આ કામ ભારે પડકારભર્યું છે. આ વખતે સાત ચરણોમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થયું. મતદાનની જે તારીખો ચૂંટણી પંચે જાહેર કરી તેની સામે જ સવાલો થયા હતા. વડાપ્રધાનના મત વિસ્તારમાં સૌથી છેલ્લે મતદાન હોય કે ભા.જ.પ. માટે પડકારરૂપ વિપક્ષી રાજ્યોની લોકસભા બેઠકો પર બહુ મોડેથી કે અંતિમ ચરણમાં મતદાનનો કાર્યક્રમ શંકા જન્માવનારો નીવડ્યો હતો. આ મતદાનની તારીખો વડાપ્રધાન અને સત્તા પક્ષને માફક આવે તે રીતે ગોઠવાઈ હોવાનો આરોપ ચૂંટણી પંચ સામે લગાવવામાં આવ્યો હતો.

તટસ્થ, ન્યાયી અને મુક્ત ચૂંટણી માટેના નિયમો કહેતાં આદર્શ આચાર સંહિતાનું પાલન કરાવવું ચૂંટણી પંચ માટે લોઢાના ચણા ચાવવા જેટલું કઠણ હોય છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આચાર સંહિતાના પાલનમાં પંચ સરેઆમ નિષ્ફળ રહ્યાની વ્યાપક લાગણી પ્રવર્તે છે. આદર્શ આચાર સંહિતાને કોઈ કાનૂની પીઠબળ નથી. તમામ રાજકીય પક્ષોની સર્વ સંમતિથી તે ઘડાઈ છે. એટલે તેના અમલની જવાબદારી રાજકીય નેતાઓની અને રાજકીય પક્ષોની પણ  બને છે. જો કે આ ચૂંટણીમાં કૉન્ગ્રેસ અને બી.જે.પી.ના પ્રમુખો જ નહીં ખુદ વડાપ્રધાન આદર્શ આચાર સંહિતાનું પાલન કરવામાં ઊણા ઉતર્યાની ફરિયાદો થઈ છે. આ ફરિયાદોના નિકાલમાં પંચે જે વિલંબ કર્યો તેનાથી તેનું વલણ પક્ષપાતી જ નહીં, સત્તા પક્ષના મદદગારનું હોવાની છાપ દ્રઢ બની હતી. ત્રણ ચૂંટણી કમિશનરો(સુનીલ અરોરા, સુશીલ ચંદ્રા અને અશોક લવાસા)એ વડાપ્રધાન સામેની આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદોમાં સર્વાનુમતે નહીં પણ બહુમતીએ નિર્ણય લઈને વડાપ્રધાનને નિર્દોષ ઘોષિત કર્યા હતા. ચૂંટણી પંચના આ સર્વાનુમત નહીં પણ બહુમત નિર્ણય એ વાતની ગવાહીરૂપ છે કે પંચ હજુ સ્વતંત્ર ,સ્વાયત્ત અને નકારને સાંભળવા-સ્વીકારવાની તટસ્થતા ધરાવે છે.

ચૂંટણી પંચની સ્વતંત્રતા અને તટસ્થતા સ્વીકારવી પડે તેવા નિર્ણયો તેણે લીધા છે. બ.સ.પા. પ્રમુખ માયાવતી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ, સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાન અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને આચાર સંહિતાનાં ઉલ્લંઘન માટે થોડા દિવસની ચૂંટણી  પ્રચારબંધીની  સજા પંચે ફરમાવી હતી. પરંતુ એ પણ નોંધવું રહ્યું કે પંચનું આ પગલું સુપ્રીમ કોર્ટની ફટકાર અને પંચને પોતાની સત્તાઓનું ભાન કરાવી તેનો અમલ કરવાનું કહેવાયા પછી બહુ વિલંબથી લેવાયું હતું. પંચે વડાપ્રધાન પરની બાયોપિક તે જોયા સિવાય જ રોકી હતી. તો ગુજરાતમાં તલાળા વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરવામાં અક્ષમ્ય ઉતાવળ કરી હતી. પંચ ગુજરાત અને કર્ણાટકમાં વિધાનસભાની ખાલી બેઠકોની પેટાચૂંટણી તાબડતોબ કરાવે છે પણ  તમિલનાડુ વિધાનસભાની ખાલી બેઠકોની પેટાચૂંટણી ન કરાવે તે કેવું ? એ પ્રશ્ન થવો સહજ છે. બંગાળની ચૂંટણી હિંસા અને પંચના એક નિરીક્ષકની તેની ૧૫ વરસ પૂર્વેના બિહાર સાથેની સરખામણી પછી પણ પંચે કોઈ ઠોસ કદમ લીધાં જણાતાં નથી.

બંધારણીય હોદ્દે રહેલા રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંઘ, સત્તા પક્ષના નેતાની જેમ વર્તી ‘વડાપ્રધાન તરીકે તો મોદી જ આવવા જોઈએ’ તેવું જે જાહેર ઉચ્ચારણ કર્યું હતું તે આચાર સંહિતાનો ભંગ છે અને તે માટે પંચ કલ્યાણ સિંઘને દોષી પણ ઠેરવે છે. પરંતુ તેમની સામે પગલાં લેવા રાષ્ટ્રપ્રમુખને પત્ર લખીને સંતોષ માને છે. બીજી તરફ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર કૉન્ગ્રેસના ચૂંટણી ઢંઢેરાની ટીકા કરે અને તે ય બંધારણીય હોદ્દે રહીને તો પંચ તેમને હોદ્દેથી ફારેગ કરવાને બદલે ઠપકો આપે છે. પંચનું આ બેવડું વલણ બેશક ટીકાપાત્ર રહેવાનું .

રાજકીય પક્ષોના ઈ.વી.એમ. સંબંધી વિચારો અવસરવાદી હોય તો પણ જ્યારે ૨૧ વિપક્ષો ઈ.વી.એમ. [Electronic Voting Machine] અને વી.વી.પી.એ.ટી.[Voter verifiable paper audit trail]ની ચકાસણી માટે સર્વોચ્ચ અદાલતમાં ધા નાંખે છે ત્યારે આ મુદ્દે પંચનું વલણ સાવ જ વિપક્ષવિરોધી જણાય છે. વી.વી.પી.એ.ટી. સાથે ઈ.વી.એમ.ની ચકાસણી વધુ માત્રામાં થાય તેનો પંચનો વિરોધ અને સત્તાપક્ષનો વિરોધ પંચની સ્વતંત્રતા અને તટસ્થતા જોખમાવે તેવો છે.

સાત દાયકા વળોટી ચૂકેલી ભારતીય લોકશાહીના સ્વાયત્ત અને સ્વતંત્ર ચૂંટણી પંચ સામે  આ વખતે જે રીતે સવાલો ઉઠયા તેના પરથી પંચની છાપ, ઉત્તર ભારતના લોકગીતની આ પંક્તિ” ઉમરિયા બઢતી જાયે રે, ચુનરિયા ઘટતી જાયે રે”ની પડી છે. હાલની સ્થિતિ અને ચૂંટણી પંચની લોપાતી મર્યાદા સ્વસ્થ લોકશાહી માટે યોગ્ય નથી. ચૂંટણીનાં પરિણામો ભલે ગમે તે આવે ચૂંટણી પંચની શાખ બની રહેવી જોઈતી હતી. આ સ્થિતિનું નિવારણ સૌએ સાથે મળીને કરવું જોઈએ. ચૂંટણી કમિશનરોની નિયુક્તિ રાષ્ટ્ર પ્રમુખ કરે છે પણ તે સરકાર એટલે કે વડાપ્રધાન અને મંત્રીમંડળની ભલામણ મુજબ કરે છે .તેને બદલે તટસ્થ સમિતિ મારફત ચૂંટણી કમિશનરોની નિયુક્તિ થાય અને પંચના સભ્યો માત્ર સનદી અધિકારીઓ જ ન હોય પણ બિનસરકારી સભ્યો પણ હોય તે દિશામાં વિચારવું પડશે.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ’ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 22 મે 2019

Loading

દસ લાખ જાતનાં જીવો અને વનસ્પતિ નાશને આરે છે, તેની સાથે માણસનો વિનાશ પણ જોડાયેલો છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|22 May 2019

દુનિયાના જૈવિક વૈવિધ્ય અને પર્યાવરણ અંગેનો નવો અહેવાલ ચેતવે છે. વળી તે કુદરત સાથે સંવાદિતા સાધનારા આદિવાસી-વનવાસી સમૂહો પાસેથી શીખવાનું પણ કહે છે. બુધવારે પર્યાવરણ દિન છે.

ધોમ ધખતા મે મહિનામાં તેજસ્વી પીળાં ફૂલોનાં ઝૂમખાંથી લચી પડેલાં ગરમાળાનાં ઝાડ  હમણાં પાંચ-સાત વર્ષ પહેલાં સુધી અમદાવાદમાં ઠેર ઠેર જોવાં મળતાં, હવે તે બહુ જ ઓછાં છે, હજુ બે-પાંચ વર્ષ પછી બિલકુલ નહીં હોય. ગુલમહોરનું તો એવું થયું જ  છે. સફેદ ફૂલોવાળું ચાંદનીનું ઝાડ હવે ભાગ્યે જ દેખાય છે. છત્રી આકારની ઘટા જેવા આસોપાલવ ગયાં. ખિસખોલી, કાચિંડા, ભમરા, તમરા નથી દેખાતાં. ચકલીઓ અને સમડીઓ લગભગ ગઈ. ઊંટ બહુ ઓછાં દેખાય છે, ગધેડાં દેખાતાં નથી. અમદાવાદમાં આપણી આસપાસમાં આ બધું થતું રહ્યું છે, જે માત્ર એક સાવ નાનો દાખલો છે. દુનિયામાં બધે જ આ થતું રહે છે. માનવ સિવાયની જીવસૃષ્ટિનાં અનેકવિધ રૂપોની આવરદા કુદરતી ક્રમમાં પૂરી થાય તેના કરતાં વહેલાં પૂરી થઈ રહી છે. કોઈક એક હેતુ માટે એક બાંધકામ ઊભું થાય છે. રહેઠાણ, ઉદ્યોગ, વાહનવ્યવહાર, બજાર … સેંકડો વાજબી હેતુઓ હોઈ શકે. એટલે એ બાંધકામ થવાની સાથે એ જગ્યા પરની માટી જાય છે. માટી સાથે પાણી, ઘાસ, મૂળિયાં, વનસ્પતિ, કેટલાં ય જીવો એ જગ્યા પરથી નાશ પામે છે અથવા પોતાનું રહેઠાણ ગુમાવે છે. આવાં સેંકડો બાંધકામો દર ક્ષણે દુનિયાભરમાં ઊભાં થતાં રહે છે અને તેની સાથેની જીવસૃષ્ટિ ખતમ થતી રહે છે. આ રીતે પૃથ્વી પરનાં જીવવૈવિધ્યના નાશની સાદી, કદાચ વધારે પડતી સરળ, સમજૂતી આપી શકાય.

માણસ સિવાયની જીવસૃષ્ટિનો આ નાશ અટકાવી ન શકાય તો ય ધીમો પાડવો પડે કારણ કે તે માણસના જ નાશ તરફ દોરી જવાનો છે. કેવી રીતે ? બે સાદી વાત : ઝાડ અને માટીની. ઝાડનો નાશ ચાલે નહીં, ઝાડ કાપીએ એટલે તે જે પ્રાણવાયુ આપે છે તેનું પ્રમાણ ઘટે, તે હવામાંથી જે અંગારવાયુ લે છે તેનું પ્રમાણ આપણી હવામાં વધે, વળી ધુમાડાના ફેલાવાથી અંગારવાયુમાં ઉમેરો થાય. ઝાડ કપાતાં જમીન સહિત સર્વત્ર ઠંડકનો અભાવ થાય, પૃથ્વીનું તાપમાન વધે, જળસ્રોતો જલદી સૂકાય, વરસાદ ઘટે ,દુષ્કાળ માનવજીવનનો નાશ કરે. અતિઠંડા પ્રદેશોમાં ય તાપમાન વધે, એટલે બરફ ઓગળે, નદીઓ અને સમુદ્રોમાં પૂર આવે માનવજીવનનો નાશ કરે. માટીનો નાશ ચાલે નહીં, કારણ કે જીવવા માટે અનિવાર્ય એવાં પાણીનાં રહેવાનું અને વનસ્પતિનાં ઊગવા-ટકવાનું એકમાત્ર સ્થાન જ માટી છે. મુદ્દો એ છે કે સૃષ્ટિના એક પછી એક ઘટકોનો નાશ થતો જશે તો માનવનું જીવન વધુ ને વધુ આકરું બનશે અને અંતે નાશ પામશે. આ બંનેમાં પહેલો વારો હાડમારીમાંથી થોડાક સમય માટે પણ બચવાના રસ્તા જેમની પાસે નથી એવાં વંચિતોનો આવશે. કુદરતનો નાશ ધીમો પાડવો પડશે.   

કુદરત પહેલાં ક્યારે ય નહીં એવી ઝડપે ખતમ થઈ રહી છે એવી ચેતવણી તાજેતરમાં બહાર પડેલાં ગ્લોબલ ઍસેસમેન્ટ રિપોર્ટ ઑન બાયોડાઇવર્સિટી ઍન્ડ ઇકોસિસ્ટમ સર્વિસેસ (જીવવૈવિધ્ય અને પરિસરતંત્ર સાથે સંકળાયેલી સેવાઓ પરનું વૈશ્વિક મૂલ્યાંકન) નામના અહેવાલમાં આપવામાં આવી છે. અહેવાલ જણાવે છે કે દસ લાખ જાતનાં જીવો અને વનસ્પતિ નાશને આરે છે, પૃથ્વી પરની જમીનના 75% અને 66% દરિયાઈ હિસ્સાને નોંધપાત્ર નુકસાન થયું છે. વેટલૅન્ડ એટલે કે સપાટી પર દેખાતાં પાણીવાળી કે ભીનાશવાળી જમીનનો 85% ભાગ અલોપ થયો છે. દુનિયાની 23% જમીનની ફળદ્રૂપતા ઘટી ગઈ છે. દરિયાકાંઠા પરનાં કુદરતી જીવોનાં વસતીસ્થાનો (હૅબિટાટ્સ) ખલાસ થઈ રહ્યાં છે. આ હૅબિટાટ્સથી પૂર અને વાવાઝોડાં કાબૂમાં રહેતાં. પણ આ આપત્તિઓનાં જોખમ હેઠળ હવે દુનિયાના એક કરોડથી ત્રણ કરોડ જેટલા લોકો જીવી રહ્યા છે. પ્લાસ્ટિકને કારણે ફેલાતાં પ્રદૂષણમાં 1980થી દસ ગણો વધારો થયો છે.

કુદરતને થઈ રહેલાં નુકસાન અંગેની અનેક હકીકતો આપતો ઉપર્યુક્ત અહેવાલ ઇન્ટરગવર્નમેન્ટલ સાયન્સ-પૉલિસી પ્લૅટફૉર્મ ઑન બાયોડાઇવર્સિટી ઍન્ડ ઇકોસિસ્ટમ સર્વિસેસ નામના મંચે તૈયાર કર્યો છે, આ મંચની સાથે 135 દેશો જોડાયેલા છે. હમણાંના અહેવાલ માટે પચાસ દેશોના 145 નિષ્ણાતોએ ગયાં પચાસ વર્ષને લગતાં પંદર હજાર વૈજ્ઞાનિક અભ્યાસો અને સરકારી દસ્તાવેજોને આધારે ત્રણ વર્ષ કામ કર્યું છે. પોતાની રીતે પહેલા એવા આ અભ્યાસમાં આર્થિક વિકાસની કુદરત પર અને અને પર્યાવરણ પર પડેલી અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેના જર્મન સહપ્રમુખ જોસેફ સેટલ કહે છે: ‘અનેક પ્રજાતિઓ, પરિસર શૃંખલાઓ, વન્યજીવોની વસ્તીઓ, રોજબરોજની જિંદગીમાં જોવા મળતાં વનસ્પતિ અને પ્રાણીઓ – આ બધાંની સંખ્યા ઘટી રહી છે એટલું જ નહીં તે અલોપ પણ થઈ રહ્યાં છે. એકબીજા સાથે જોડાયેલી જીવશૃંખલાઓની પૃથ્વી પરની જાળ નાની થતી જઈ રહી છે અને ઘસાઈ જઈ રહી છે. આ માનવ-પ્રવૃત્તિઓને કારણે થઈ રહ્યું છે અને તેને લઈને દુનિયાના તમામ પ્રદેશોના માણસો જોખમમાં છે.’

બાયોડાઇવર્સિટી અહેવાલમાં સંખ્યાબંધ મહત્ત્વની વિગતો આપવામાં આવી છે. વનવિસ્તારની બાબતમાં એ કહે છે કે ખેતીના કુલ ફેલાવાનો અરધો વિસ્તાર એ જંગલોને ભોગે થયો છે. વિકાસશીલ અને વિકસિત દેશોના પાંચસો ચોરસ કિલોમીટરથી મોટો વિસ્તાર ધરાવતાં જંગલોમાં 2000 પછીના તેર વર્ષમાં 7% ઘટાડો નોંધાયો છે. 1992થી લઈને અત્યાર સુધીમાં શહેરીકરણ 100% વધ્યું છે અને 1970થી અત્યાર સુધી વિશ્વની વસ્તી 3.7 બિલિયનથી વધીને 7.6 બિલિયન એટલે કે 105% વધી છે. આ ગાળામાં પાણી, ખોરાક અને જમીન માટે 2500 સંઘર્ષો નોંધાયા છે. દરિયાઈ પેદાશોમાં 3-10% અને ફિશ બાયોમાસમાં 3-25 % ઘટાડો નોંધાયો છે. દુનિયાનાં પાણીમાં દર વર્ષે ત્રણસોથી ચારસો ટન ઔદ્યોગિક કચરો છોડવામાં આવે છે. 1980થી અત્યાર સુધીમાં હવામાં છોડવામાં આવતાં કાર્બન ડાયોકસાઈડ, ક્લોરોફ્લુરોકાર્બન સહિતના વાયુઓનાં પ્રમાણમાં 100% વધારો થયો છે તેને કારણે પૃથ્વીનું તાપમાન ઓછામાં ઓછું 0.7 ડિગ્રી વધ્યું છે. પર્યાવરણ માટે લડનારા કર્મશીલો અને તેના માટે લખનારા પત્રકારોમાંથી સો જણની 2001-13 દરમિયાન હત્યા કરવામાં આવી.

અનેક ચેતવણીઓની વચ્ચે આ અહેવાલમાં એક આશાસ્પદ વાત કહેવામાં આવી છે : ‘મૂળનિવાસી લોકો (ઇડિજેનસ પીપલ) અને સ્થાનિક સમૂહો (લોકલ કમ્યૂનિટીઝ) કુદરતનો ઉપયોગ જ્યાં કરે છે ત્યાં કુદરતને માથે જોખમ ઓછું છે.’ આ બાબત મહત્ત્વની એટલા માટે છે કે અહેવાલમાં જણાવ્યા મુજબ આ લોકો દુનિયાની ઓછામાં ઓછી ચોથા ભાગની જમીન સાથે જુદી જુદી રીતે જોડાયેલા છે. તેઓ પરંપરાગત રીતે કાં તો એના માલિકો છે અથવા તેની પર સદીઓથી રહે છે, તેઓ તેનો ઉપયોગ કરે છે અને તેની સાથે તેની સંભાળ પણ રાખે છે. એટલા માટે આ અહેવાલ એ સ્વીકારે છે કે મૂળ નિવાસી અને સ્થાનિક સમૂહોનાં મંતવ્યો, દૃષ્ટિકોણ, અધિકાર અને તેમની પ્રદેશની તેમ જ તેના પર્યાવરણની સમજને પૂરેપૂરી બેશક રીતે ધ્યાનમાં લેવામાં આવે તો દુનિયાને ફાયદો થશે. સાદી ભાષામાં કહીએ કે સદીઓથી દુનિયા સંસ્કૃતિ અને પ્રગતિને નામે આદિવાસી-વનવાસી-ગિરીવાસીઓને તેમની ભૂમિમાંથી ખદેડતી આવી છે. તેમને કુદરતી સંપત્તિના આપણા ઉપભોગમાં અને વિકાસમાં અવરોધ માનતી આવી છે. પણ ખરેખર તો તેમનાં સૂઝબૂઝ, જીવશૈલી, કેટલાંક રીતરિવાજો અને પરંપરાગત જ્ઞાનમાં જળ-જંગલ-જમીનની સાચવણીનો ખ્યાલ રહેલો જ છે. તેમની પાસેથી દુનિયાએ ઘણું શીખવાનું છે.

*******

14 મે 2019

પ્રગટ : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 22 મે 2019  

Loading

...102030...2,9002,9012,9022,903...2,9102,9202,930...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved