Opinion Magazine
Number of visits: 9968770
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વિવેકનો મારગ અઘરો, ભાઈ!’

રમેશ ઓઝા|Opinion - Opinion|19 May 2019

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ; બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચાર આશ્રમ; સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણ; પ્રેય અને શ્રેય અથવા સ્વાર્થ અને પરમાર્થ; વ્યષ્ટિ અને સમષ્ટિ; ભક્તિ, જ્ઞાન અને સાધના એ ત્રણ મોક્ષપ્રાપ્તિના માર્ગ એ સ્થૂળ જીવનને અને સકળ જગતને જે તે અવસ્થાઓમાં વિભાજીત કરતાં ખાનાં છે કે પછી માણસે કરવો જોઈતો સારાસાર વિવેક છે? વિચારી જોશો તો ખ્યાલ આવશે કે દાર્શનિકો આમાં આપણને વિવેક કરવાનું શીખવે છે. જો આપણે આપણા જીવનને સાર્થક કરવું હોય તો આમાં વિવેક કરવો જરૂરી છે અને ભગવદ્ ગીતામાં મુખ્યત્વે સારાસાર વિવેક કરવાનું કહેવામાં આવ્યું છે.

આધુનિક યુગમાં વિદ્વાનોએ પોતપોતાની રીતે અને વિશેષ કરીને પોતાના વલણ અનુસાર ગીતાનું અર્થઘટન કર્યું છે. લોકમાન્ય તિલકે તેને કર્મયોગ તરીકે ઓળખાવી છે, વિનોબા ભાવેએ તેને ‘સામ્યયોગ’ તરીકે ઓળખાવી છે અને ગાંધીજીએ તેને ‘અનાસક્તિ યોગ’ તરીકે ઓળખાવી છે. બીજા અનેક લોકોએ ગીતા સાથે ભલે કોઈ ઓળખવાચક વિશેષણ નથી જોડ્યું, પરંતુ ભાષ્ય કરવામાં તેમનું વલણ પ્રગટ થાય છે. ડોલરરાય માંકડ કહેતા કે ગીતાને બુદ્ધિયોગ તરીકે ઓળખાવવી જોઈએ કારણ કે તેમાં બુદ્ધિપૂર્વક વિવેક કરવાનું કહેવામાં આવ્યું છે.

મને એમ લાગે છે કે ગાંધીજીનું ગીતાનું અનાસક્તિપરક વિવરણ ગીતાના આશયથી સૌથી વધુ નજીક છે. આસક્તિ આવી કે વિવેક ચૂક્યા પછી એ આસક્તિ સત્યની કે અહિંસાની પણ કેમ ન હોય? વાછડો રીબાતો હોય તો તેને ઇન્જેક્શન આપી દેહમુક્ત કરવો એ ધર્મ છે અર્થાત્ અહિંસા પરત્વે અનાસક્તિ છે, પરંતુ જૈનો ધર્મગ્રંથ ટાંકીને તેનો વિરોધ કરે તો તે અહિંસા પરત્વેની આસક્તિ છે જે ધર્માસક્તિ કે ગ્રંથાસક્તિનું પરિણામ છે. આવું જ સત્યનું અને બીજા ગુણોનું.  આવું જ જ્ઞાન, ભક્તિ અને ધ્યાન કે ઉપાસનાનું. સારાસાર વિવેક મુખ્ય છે અને વિવેક ત્યારે જ શક્ય બને જ્યારે માણસ આસક્તિથી મુક્ત હોય.

આગળના લેખમાં કહ્યું હતું એમ મહાભારત જેવું મહાકાવ્ય લખ્યા પછી અને તેમાં સોનીના ત્રાજવે માનવવહેવારનું સારા-નરસાપણું તોળી આપ્યા પછી ભગવાન વ્યાસને પ્રશ્ન થયો હશે કે વાંચનાર આમાંથી કાંઈ પામશે કે પછી વાર્તા સમજીને બાજુએ મૂકશે? માનવીની આંખ ઉઘાડવાનો પ્રયત્ન એળે ન જાય એટલા સારુ તેમણે અર્જુનને વિષાદગ્રસ્ત બનાવીને ભગવાન કૃષ્ણના મોઢે જીવનદર્શન બોલાવડાવ્યું છે. હું હાથ ઊંચા કરી કરીને કહું છું, છતાં મારું કોઈ સાંભળતું નથી એમ વ્યાસે પણ કહ્યું છે અને ગાંધીએ પણ કહ્યું છે.

ગાંધીજી તો માનતા હતા કે જેને ધર્મક્ષેત્ર તરીકે ઓળખાવ્યું છે એ કુરુક્ષેત્ર એ બહારની સ્થૂળ રણભૂમિ નથી, પરંતુ અંદરની રણભૂમિ છે. આપણી અંદર; સત્ય-અસત્ય વચ્ચે, શ્રેય અને પ્રેય વચ્ચે, ત્યાગ અને મમતા વચ્ચે ચોવીસે કલાક અનંત યુદ્ધ ચાલ્યા જ કરે છે. એનો અંત ત્યારે જ આવે જ્યારે જ્ઞાન થાય અને ડોળા પરના પડળો દૂર થાય. આ જ્ઞાન પણ પાછું ભક્તિ અને સાધનાને નકારનાર કે ઓછું આંકનાર કહેવાતા જ્ઞાનયોગનું જ્ઞાન નહીં, વિવેકપુરઃસર જ્ઞાન. વિવેક સ્વભાવત: અવિરોધી હોવાનો. એટલે ગાંધીજી કહેતા કે મહાભારતમાં જે યુદ્ધની વાત છે એ રૂપક છે, બાકી વાત આપણી અંદર ચાલતા આંતર્યુદ્ધની છે.

બાહ્યયુદ્ધ નહીં, પણ આંતર્યુદ્ધ એવું યુદ્ધ વિશેનું ગાંધીજીનું અર્થઘટન તેમની અહિંસા માટેની આસક્તિનું પરિણામ છે એમ તમને લાગતું હોય તો તમે એ અભિપ્રાય થોડી વાર માટે અવશ્ય પકડી રાખજો. આવું કેટલાક રાષ્ટ્રવાદી વિદ્વાનોએ તો કહ્યું પણ છે. તેમને બાહ્ય યુદ્ધનો ખપ છે જેમાં પ્રજા વીર્યવાન બને, દુશ્મનને ઓળખે, તેની તાકાત પિછાણે અને છેવટે અન્યાયકર્તાને પરાજીત કરે. ભારતની પ્રજા વીર્યવાન બને એ તેમની પહેલી નિસ્બત હતી અને એ જરા ય ખોટી નહોતી. ગાંધીજી ભારતમાં આવ્યા અને અહિંસા વિષે આગ્રહ સેવતા ભાષણો આપતા હતા ત્યારે લાલ-બાલ અને પાલની ઉગ્રવાદી ત્રિપુટીમાંના એક લાલા લજપત રાયે તો ‘મૉડર્ન રિવ્યૂ’માં લેખ લખીને ગાંધીજી સાથે જાહેરમાં વિવાદમાં ઉતર્યા હતા. તેમણે ગાંધીજીની અહિંસાને વળગણ તરીકે ઓળખાવી હતી અથવા કહો કે અહિંસા માટેની આસક્તિ કહી હતી.

તેમના ધ્યાનમાં એક વાત નહોતી આવી કે ગાંધીજી અહિંસાની સાથે નિર્ભયતાની વાત કરતા હતા અને ધર્મપાલન(કર્તવ્યપાલન)ની પણ વાત કરતા હતા. એટલે જો કોઈ દુષ્ટ માણસ સ્ત્રી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરે તો નિર્ભયી અને ધર્મનિષ્ઠ માણસ પોતાનો ધર્મ બચાવવા નિર્ભયતાથી પ્રતિકાર કરશે અને જરૂર પડ્યે હિંસા પણ કરી શકાય. જો વાછડો રીબાતો હોય અને તેનો કોઈ ઈલાજ ન હોય તો તેને મારી નાખીને દેહમુક્ત કરવો એ પણ ધર્મ છે. પંડિત સુખલાલજીએ જૈનોને કહ્યું હતું કે ગાંધીજીની અહિંસા જૈનોની અહિંસા નથી, પણ તેનાથી ઘણી આગળ ભાવાત્મક (પોઝિટીવ) અહિંસા છે.

તો સત્ય અને અહિંસાની વાત કરતી વખતે બીજી ત્રણ ચીજ ગાંધીજી કહેતા હતા જે પ્રજાને વીર્યવાન બનાવવા ઈચ્છા રાખનારાઓ ભૂલી જાય છે. પહેલો ધર્મ. સકળ વિશ્વના હિતમાં મારે જે કરવાનું હોય એ ધર્મ. સંકલ્પ-વિકલ્પના અંતે એક વાર સંકલ્પ થઈ ગયો એ પછી ફરજની બાબતમાં હિમાલય જેટલી અડગતા. બીજી નિર્ભયતા. ફરજ-પાલનમાં મૃત્યુને ભેટવું પડે તો એ જીવનની સાર્થકતાનું ઇનામ કહેવાય. છેક દક્ષિણ આફ્રિકાના દિવસોથી ગાંધીજીએ જેટલો બલિદાની મૃત્યુને (સાધારણ મૃત્યુ નહીં, બલિદાની મૃત્યુ) પ્રેમ કર્યો છે એટલો કદાચ ઇતિહાસમાં કોઈએ નહીં કર્યો હોય. હજારો વાર તેમણે બલિદાની મૃત્યુનો મહિમા ગાયો છે. અંતે તેમને મૃત્યુ પણ એવું જ મળ્યું !

અને ત્રીજુ નિર્વૈર. જ્યાં વેર હોય ત્યાં કરુણા ન હોય અને જ્યાં કરુણા ન હોય ત્યાં વ્યવહાર-વિવેક ન હોય. મારે તારી સામે લડવું પડશે; એટલા માટે નહીં કે મારી તારી સાથે કોઈ દુશ્મની છે પણ એટલા માટે કે તું સમજાવ્યો સમજતો નથી અને મારે મારો ધર્મ (કર્તવ્ય-પાલન) બચાવવાનો છે. શુદ્ધ કરુણાભાવથી અને નિર્ભયતાથી. ગાંધીજી આ ત્રણ વાત પણ સત્ય અને અહિંસાની વાત કરતી વખતે સાથે સાથે કહેતા હતા, પરંતુ તેના તરફ લોકોનું ધ્યાન બહુ ઓછું ગયું છે. લાલા લજપત રાયનું ધ્યાન નહોતું ગયું. સેંકડો વરસથી નમાલી બની ગયેલી ભારતની પ્રજાને વીર્યવાન બનાવવાની છે એટલે થોડી દુશ્મની, થોડો ધિક્કાર, થોડુંક ચડિયાતાપણું, થોડાંક સત્ય સાથેના સમાધાન અને અનિવાર્ય હોય એટલી ખપ પૂરતી હિંસા જરૂરી છે. પ્રજાને વીર્યવાન બનાવવી એ રાષ્ટ્રધર્મ છે એવું તેમને લાગતું હતું.

આમ ગાંધીજીની અહિંસા એ અહિંસા માટેની આસક્તિ નહોતી અને ગીતામાં કૃષ્ણ અર્જુનને લડવા માટે પ્રેરે છે એ કૃષ્ણની હિંસા માટેની આસક્તિ નહોતી. હકીકતમાં બન્ને અવિરોધી છે. ગીતાને આંતર્યુદ્ધના રૂપક તરીકે ન લો અને જમીન માટેના કે અન્યાય સામેના પ્રત્યક્ષ યુદ્ધ તરીકે લો તો પણ અવિરોધી છે. ભગવાન અર્જુનને વિવેક કરવાની સલાહ આપે છે, યુદ્ધ કરવાની સલાહ નથી આપતા. યુદ્ધ તો વિવેકનું પરિણામ છે; પછી તે આંતરિક હોય કે બાહ્ય.

જતા જતા એક કોયડો અહીં ઉપસ્થિત કરવાની રજા લઉ છું. કદાચ વિદ્વાનો આના પર પ્રકાશ પાડી શકે. ભગવદ્ ગીતાનો સમાવેશ પ્રસ્થાનત્રયીમાં થાય છે અને છતાં ગીતા લખાયા પછી  સેંકડો વરસ સુધી કેમ તેના વિષે વાત નથી થઈ? મારી જાણ મુજબ ઈ. સ.ની આઠમી સદીમાં શંકરાચાર્યે લખેલું ભાષ્ય એ ગીતા પરની પહેલી ઉપલબ્ધ ટીકા છે. એની પહેલાં બ્રાહ્મણ કે શ્રમણ કોઈ પરંપરામાં ગીતા વિષે બહુ વાત થઈ હોય એવું જોવા મળતું નથી. આ વચ્ચેના સમયમાં કેમ ગીતા વિષે ખાસ વાત થઈ નથી? મધ્યકાલીન સંતોએ પણ ગીતા વિષે ખૂબ લખ્યું છે એવું નથી, તેમની ભક્તિરચનાઓમાં ગીતા જુદા જુદા સ્વરૂપે આવ્યા કરે છે એટલું જ. મરાઠી ભાષામાં લખાયેલી જ્ઞાનેશ્વરી અને એવા બીજા ગણ્યાગાંઠ્યા ગ્રંથો આમાં અપવાદ છે. વળી જ્ઞાનેશ્વરી એ ગીતાનો મરાઠી અનુવાદ છે, ભાષ્ય નથી.

તો શું ગીતાનો ખપ આધુનિક યુગમાં વધારે વર્તાવા લાગ્યો એવું છે? કદાચ એવું જ છે. આપ-ઓળખનો બોધ થવા લાગ્યો એ પછી વીર્યશોધનની જરૂરિયાત પડવા લાગી અને એમાં ગીતાનો ખપ ધ્યાનમાં આવ્યો હશે. જો કે વચ્ચેના સમયમાં ગીતા વિષે બહુ ઓછી વાત કેમ થઈ એ સવાલ તો ઊભો જ છે. ગીતાને જીવનશોધનના ભાગરૂપે પણ તપાસવી જોઈતી હતી, પણ એવું ઓછું બન્યું છે.

છેલ્લે એક રમૂજી કિસ્સો ટાંકું છું. આપણા કવિ બળવંતરાય ઠાકોર ગાંધીજીના સહપાઠી હતા અને ગાંધીજીની બૌદ્ધિકક્ષમતા વિષે બહુ નબળો અભિપ્રાય ધરાવતા હતા. ઠાકોરસાહેબનો દોહિત્ર લંડનમાં ભણતો હતો. તેણે એક વાર લંડનથી ઠાકોરસાહેબને પત્ર લખ્યો કે તે આજકાલ ગાંધીજીનું ગીતા પરનું ભાષ્ય ‘અનાસક્તિ યોગ’ વાંચે છે. બળવંતરાય ઠાકોરે તેને તેની નબળી રુચિ વિષે ઠપકો આપતાં લખ્યું કે તને અરવિંદ તિલક કોઈ જડ્યા નહીં તે મોહનભાઈનું પુસ્તક વાંચે છે? એ હાથવણાટની ખાદીના પગલૂછણિયાં જેવું હશે. તું તારો સમય બગાડી રહ્યો છે એ જોઈને મને તારા પર ગુસ્સો આવે છે.

આને કહેવાય બૌદ્ધિક તર્ક માટેની આસક્તિ! કાનજીસ્વામીની શૈલીમાં કહી શકાય કે, ‘વિવેકનો મારગ અઘરો, ભાઈ!’

સૌજન્ય :  ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 મે 2019

Loading

નાગરિકો માટે પરિણામ પછીના પડકાર

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|19 May 2019

ચૂંટણીપ્રચારનાં હુંસાતુંસી, શાબ્દિક અને શારીરિક હિંસા, ઉશ્કેરણી, ફેંકાફેંકી, ગરમાગરમી … બધાનો અંત આવ્યો. હવે શુક્રવાર સુધી એક્ઝિટ પોલનો ખેલ ચાલશે. પછી પરિણામનું ઢેનટેણેન, નવી સરકાર અને પછી?

પછી કંઈ નહીં. બધું રાબેતા મુજબ. કેમ કે, આપણી લોકશાહી નેતાપક્ષે અને નાગરિકપક્ષે પણ ચૂંટણીકેન્દ્રી બનીને રહી ગઈ છે. ચૂંટણીમાં જે જીતે તે શૂર. તેનાં બધાં પાપ માફ. કારણ કે, લોકોએ ચૂંટયા એટલે પાપમાફીની સત્તા એવું આપણા ઘણાખરા નેતાઓ માને છે. યોગી પોતાની સામેના કેસ મુખ્ય મંત્રી બન્યા પછી માંડવાળ કરાવી દે એની નવાઈ નથી લાગતી.

૨૦૧૪માં ભા.જ.પ.નો ચૂંટણીપ્રચાર જોઈને એવું જ લાગે કે કેન્દ્રમાં એક વાર ભા.જ.પ.ની સરકાર બની જવા દો. પછી વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાંનો વરસાદ થશે, રોબર્ટ વાડ્રા જેલના સળિયા ગણતા હશે, ઇમાનદાર અફ્સર અશોક ખેમકાની બદલીઓ થતી અટકશે, સરકારી નિર્ણયો પારદર્શક બનશે, ભ્રષ્ટાચાર ઘટશે … પરંતુ સરખી બહુમતી મળ્યા પછી આવું કશું થયું નહીં તેમાં વર્તમાન સરકારની ખામી તો છે જ. સાથોસાથ, મતદાતા તરીકે – નાગરિક તરીકે આપણા માટેનું વિચારભાથું પણ છે.

રાહુલ ગાંધીએ આ વખતની ચૂંટણીને પ્રેમ વિરુદ્ધ ધિક્કારની લડાઈનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો. પણ તેમનો આ સંદેશો ખુદ તેમના પક્ષના નેતાઓ જ અમલમાં મૂકી શક્યા હોય, એવું લાગ્યું નહીં. તે નેતાઓ બિનજરૂરી વિવાદો ઊભા કરતા રહ્યા અને નાગરિકસમાજની અપેક્ષાઓ પર પાણી ફેરવતા રહ્યા. એક તરફ કેટલાક નાગરિકો દેશમાં ઊભા થયેલા ભયગ્રસ્ત અને ઝેરીલા વાતાવરણ તરફ આંગળી ચીંધીને, લોકોને આ ચૂંટણીનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા, ત્યારે વિપક્ષ તરીકે કૉન્ગ્રેસે આ તકે લોકોને સાચા રસ્તે દોરવાનો મોકો ઝડપ્યો જ નહીં. કેવળ જાહેરખબરો બનાવી દેવાથી કે ઢંઢેરા બહાર પાડી દેવાથી લોકોમાં સંદેશો પહોંચી જશે, એવું શી રીતે માની લેવાય? જમીની હાજરીના મામલે કૉન્ગ્રેસ ઊણી ઉતરી. કેન્દ્ર સરકાર સામે લોકોના અસંતોષનાં વાજબી કારણો અને પ્રસંગો આવ્યા ત્યારે પણ કૉન્ગ્રેસ કે બીજા વિરોધ પક્ષો નિવેદનોથી આગળ ભાગ્યે જ વધી શક્યા.

વર્તમાન સરકાર પર ધિક્કારનું વાતાવરણ ફેલાવવાનો આરોપ મુકાયો, પણ તેની સામે પ્રેમનું વાતાવરણ કેવું હોય તે કૉન્ગ્રેસ સહિતના વિપક્ષો દર્શાવી શક્યા નહીં. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને ભેટે કે તેમના વિશે શાલીનતાથી વાત કરે ત્યારે જાહેર જીવનની સભ્યતાની રીતે સારું લાગે, પણ મામલો શાલીનતાથી આગળ વધીને, વર્તમાન સમસ્યાઓ અંગેના તેમના આગવા દૃષ્ટિકોણ સુધી ન પહોંચે, ત્યારે કશુંક નહીં, ઘણું બધું ખૂટતું લાગે. ખેત સમસ્યાનો ઉકેલ કૉન્ગ્રેસને પણ લોનમાફીમાં જ દેખાતો હોય અને તે પણ ભા.જ.પ.ની જેમ કશો તર્ક કે નક્કર આધાર પૂરો પાડયા વિના નોકરીઓ આપવાના વાયદા કરતી હોય, ત્યારે તેના દાવા પર ભરોસો કેમ મૂકી શકાય? જુઠ્ઠાને સાચી રીતે જુઠ્ઠો કહેવાથી પોતે સાચા નથી થઈ જવાતું, એ નેતાઓ તો નહીં જ કહે. પણ નાગરિક તરીકે આપણે સમજવું પડે.

છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં જે રીતે શેરીયુદ્ધ ચાલ્યું તે નવું નહીં, છતાં ખેદજનક હતું. બંને પક્ષોએ એકબીજાની ગુંડાગીરી પ્રત્યે આંગળીઓ ચીંધી, પણ આપણે તો એટલું જ કહેવાનું થાય કે તમારો પરિચયવિધિ પૂરો થયો હોય તો આગળ વધીએ? એક સીધુંસાદું અને નિર્દોષ કાર્ટૂન કે રમૂજી ફેરફર કરેલી તસવીર સહન કરી શકતાં ન હોય, એવાં મમતા બેનરજી અન્યોની વાજબી ટીકા કરે, તો પણ તેમના મોઢેથી એ કેટલી શોભે? અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, ગુંડાગીરીથી મુક્તિ, સરકારી સત્તાના દુરુપયોગનો અંત, લોકશાહી પરંપરાઓનો આદર … આવું બધું ઇચ્છતા નાગરિકો માટે આ બધા નેતાઓ વચ્ચે પસંદગી કરવાપણું ક્યાં રહ્યું?

આ સવાલ ફ્ક્ત નરેન્દ્ર મોદી કે મમતા બેનરજી કે રાહુલ ગાંધી પૂરતો સીમિત નથી. ચૂંટણીનાં પરિણામ ગમે તે આવે, ૨૦૧૯ના ભારતમાં કેટલાક ગંભીર પડકાર ઊભા થઈ ચૂક્યા છે અને જૂના પડકારો વકરી ચૂક્યા છે. આપણા આંખ મીંચી દેવાથી કે પક્ષીય વફદારીના ડાબલા પહેરી લેવાથી તે દૂર થઈ જવાના નથી. નાગરિકો જેટલા વહેલા તે પડકારો ઓળખી લે, તેટલું ભારતની લોકશાહીના હિતમાં છે.

સૌથી પહેલો પડકાર છેક નીચલા સ્તર સુધી ફેલાવાયેલા ધિક્કારનો અને ધ્રુવીકરણનો છે. નેતાઓ કરતાં તેમના ટેકેદારો વધારે ઝેરીલા, ખતરનાક અને સામાજિક પોતને નુકસાન પહોંચાડનારા નીવડી રહ્યા છે. તેમને ફૂલવાફલવાનું વાતાવરણ આપવા માટે નેતાઓ જ જવાબદાર છે. પણ સોશ્યલ મીડિયા પર અને જાહેર ચર્ચાઓમાં ‘નાગરિકો’ ઓછા જોવા મળે છે. મોટા ભાગના લોકો એક યા બીજા પક્ષની કંઠી પહેરીને જ મેદાનમાં ઉતરે છે અને ઘણી વાર તો પોતાના જૂના સામાજિક સંબંધોને હોડમાં મૂકે છે.

ધિક્કારને રાજ્યાશ્રય મળે ત્યારે મોબ લિન્ચિંગની ઘટનાઓ સામાન્ય બને છે. છેક ઉપલા સ્તરેથી મૌન ધરીને આવી ઘટનાઓને આડકતરું સમર્થન આપવામાં આવે, ત્યારે નીચલા સ્તર માટે સંદેશો સ્પષ્ટ બની જાય છે. સાથોસાથ, રાજનેતાઓને ગાળ દેતી વખતે એક વાત ભૂલવા જેવી નથીઃ તેમનો ધિક્કારનો સંદેશો ઝીલનારા અને તેનો અનુકૂળ પડઘો પાડનારા આપણે લોકો છીએ. આપણે ધિક્કાર નહીં ઝીલીએ, તો તેમણે બીજી કોઈ તરકીબ વિચારવી પડશે.

વગર કટોકટીએ બંધારણીય સંસ્થાઓની વિશ્વસનિયતાનો લોપ એ પણ નવી સરકાર આવ્યા પછી મહત્ત્વનો પડકાર બનશે. નાગરિકો એ બાબતે જાગ્રત નહીં થાય, તો કાન આમળતી તટસ્થ સંસ્થાઓ એકેય સત્તાધીશોને ગમતી નથી હોતી.

સૈન્યને રાજકીય રંગમાં રંગવાના કે તેના થકી વ્યક્તિવિશેષની છબી ઉપસાવવાના પ્રયાસો ભારે જોખમી અને હાડોહાડ બેજવાબદાર છે. એટલું જ નહીં, તે દેશભક્તિથી વિપરીત દેશનું ભારે અહિત કરનારા છે. નકરો પોતાનો જ સ્વાર્થ જોતા નેતાઓ એ નથી સમજતા, એટલે આ બાબતમાં તેમને ટપારવાનું અઘરું કામ પણ, પક્ષીય વફદારીઓ બાજુ પર રાખીને, આપણે નાગરિકોએ જ કરવાનું છે.

નાગરિકોની સૌથી મોટી જવાબદારી અને તેમની સામેનો સૌથી મોટો પડકાર નવી સરકારને ક્ષુલ્લક મુદ્દાથી દૂર રાખીને, વાસ્તવિક સમસ્યાઓના ઉકેલના પાટે ચલાવવાનો છે. તેમાં નિષ્ફ્ળ જવાશે તો કેવળ નેતાઓને દોષ દઈને છટકી નહીં શકાય.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 મે 2019

Loading

મોદી વૈતરણી પાર ઉતરશે ? ભારતમાં હિન્દવી શાસન સ્થપાશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|19 May 2019

આઠસો વરસની ગુલામી પછી ૨૦૧૪માં પહેલી વાર હિદુઓને આઝાદી મળી અને હિન્દવી શાસન આવ્યું જેનો ઉપસંહાર ભારતીય જાગરણના પાયાના પથ્થરોમાંના એક ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના પૂતળાને તોડવા સાથે થયો એ યોગાનુયોગ હોવા છતાં સાંકેતિક છે. કઈ રીતે એ સમજીએ.

પહેલી વાત તો એ કે આઠસો વરસની હિંદુઓની ગુલામીની વાત ક્યાંથી આવી? ૧૭૫૭માં પ્લાસીની લડાઈમાં સિરાઝ-ઉદ્દ-દૌલાને અંગ્રેજોએ પરાજીત કર્યો એ સાથે ભારત ગુલામ બનતો ગયો એવું ઇતિહાસમાં ભણાવવામાં આવે છે. આમ ભારતે આઝાદી ૧૭૫૭ પછી ગુમાવી અને ૧૯૪૭માં પાછી મેળવી એમ ઇતિહાસ કહે છે તો પછી આ આઠસો વરસની ગુલામીની વાત ક્યાંથી આવી?

આ તમે જે ઇતિહાસ ભણ્યા છો એ ઉદારમતવાદી સર્વસમાવેશક સેક્યુલર રાષ્ટ્રવાદીઓએ  લખેલો ઇતિહાસ છે જે હિન્દુત્વવાદીઓને કબૂલ નથી. તેમને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ ગમે છે. અંગ્રેજો કહી ગયા છે કે ભારતમાં મુસ્લિમ આક્રમકો એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઈને ભારતમાં આવ્યા હતા અને હિંદુઓને પરાજીત કરીને ગુલામ બનાવ્યા હતા. સેંકડો વરસની ગુલામી પછી છેક ૧૭૫૭માં અંગ્રેજોએ મુસલમાનોને પરાજીત કરીને હિંદુઓને મુસલમાનોથી મુક્તિ અપાવી હતી. તમને ખબર છે અંગ્રેજોએ ભારતમાં વિવિધ શાસનકાળની વિભાગણી કઈ રીતે કરી છે? ઈ. સ. ૧૨૦૬થી લઈને ૧૭૫૭ સુધીનો કાલખંડ એ ઇસ્લામિક યુગ કે મુસ્લિમ યુગ અને ૧૭૫૭ પછીનો કાલખંડ એ બ્રિટિશ યુગ. બીજી બાજુ અંગ્રેજોના કાલખંડને ખ્રિસ્તી યુગ તરીકે નથી ઓળખાવવામાં આવતો, પણ બ્રિટિશ યુગ. અંગ્રેજોની બાબતમાં ધર્મને ગાળી નાખવામાં આવ્યો હતો; પણ ઘોરી, લોદી, ખિલજી, ગુલામ, મુઘલ કાલને એક કૌંસમાં મૂકીને ચાહી કરીને તેને મુસ્લિમ યુગ તરીકે ઓળખાવ્યો છે.

અંગ્રેજોની આ ચાલાકી હિન્દુત્વવાદીઓને નહોતી સમજાતી એવું નથી, પણ જો બાધવું જ હોય અને બાધવા માટેની સામગ્રી અંગ્રેજો પૂરી પાડતા હોય તો સત્ય શોધવાની શી જરૂર છે? જો સત્ય શોધવા જાવ તો હિંદુઓ અને મુસલમાનો વચ્ચેના સંપની ઘટનાઓ હાથ લાગે, અકબર જેવા ઉદાર મુસ્લિમ શાસકોનો સેક્યુલર અભિગમ સામે આવે, ધર્મપરિવર્તન કરનારા હિંદુઓ કોણ હતા અને તેમણે શા માટે અને કઈ રીતે ધર્મ પરિવર્તન કર્યું હતું એની હકીકત સામે આવે. સૂફીઓની માનવીય એકત્વની ભાવના નજરે પડે. ટૂંકમાં અંગ્રેજોએ લખેલા ઇતિહાસને સત્યની એરણે ચકાસો તો બાધવાની સમાગ્રી હાથમાંથી જતી રહે. અંગ્રેજોને પણ સમજાઈ ગયું હતું કે ભારતમાં હિંદુઓ અને મુસલમાનો એકબીજા સામે બાધવાની સામગ્રી શોધી રહ્યા છે એટલે તેમણે ચોક્કસ પ્રકારે ઇતિહાસ લખીને સામગ્રી પૂરી પાડવાનું બીડું ઝડપ્યું હતું. તેઓ માત્ર હિંદુઓને જ નહીં, મુસલમાનોને પણ બાધવાની સામગ્રી પૂરી પાડતા હતા. અંગ્રેજોની એ નીતિ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ તરીકે ઓળખાય છે.

ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના બીજા છેડાના સમકાલીન બંગાળી વિચારક અને સાહિત્યકાર બંકિમચન્દ્ર ચેટર્જીએ તો હિંદુઓને મુસલમાનોથી મુક્ત કરાવવા માટે અંગ્રેજોનો આભાર પણ માન્યો હતો. આ સત્ય નહોતું, પણ અંગ્રેજોએ દૃઢ કરેલી પણ માફક આવતી માન્યતા હતી એટલે તેને સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવ્યું હતું. આમ હિન્દુત્વવાદીઓ માટે અંગ્રેજો મુસલમાનોથી મુક્તિ અપાવનારા મુક્તિદાતા હતા. એટલે તો તેમણે અંગ્રેજોની વિરુદ્ધ ચાલતા આઝાદી માટેના આંદોલનમાં ભાગ નહોતો લીધો. ભારત આઝાદ થાય એમાં તેમને રસ નહોતો, હિંદુ આઝાદ થાય એમાં તેમને રસ હતો અને ગાંધીજી તેમ જ કૉન્ગ્રેસના નેતૃત્વમાં હિંદુ આઝાદ થવાના નહોતા અને હિંદુઓનું રાજ આવવાનું નહોતું. આવા નકલી સ્વરાજ માટે શા માટે કુરબાની વહોરવી! આઝાદી પછીનાં શરૂઆતનાં વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતની આઝાદીને નકારી પણ હતી. આઝાદીના દિવસને મનાવવામાં નહોતો આવતો અને તિરંગાને માન આપવામાં નહોતું આવતું. પાછળથી તેમના ધ્યાનમાં આવ્યું હતું કે આવું વલણ કોળાવામાં બાધારૂપ બની શકે એમ છે, એટલે તેમણે કમને અને ઢોંગ તરીકે; આઝાદી, બંધારણ, બંધારણનિર્મિત આધુનિક રાજ્ય, તિરંગો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત અપનાવ્યાં હતાં. વાસ્તવમાં તેમને મન હિંદુઓએ આઝાદી હજુ મેળવવાની બાકી હતી.

એ આઝાદી ૨૦૧૪માં હિન્દુત્વવાદીઓને બંધારણીય લોકશાહીના માર્ગે મળી હતી. પહેલી વાર હિંદુ રાષ્ટ્રનાં સપનાં જોનારાઓને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હતી. અગિયાર સો વરસ પછી પહેલી વાર દેશમાં હિન્દવી શાસન આવ્યું. હવે ગિરનારની એક જ ટુક ચડવાની બાકી રહી હતી અને તે હતી ભારતીય બંધારણ બદલીને હિન્દવી બંધારણ ઘડવાની. એ માટે લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી અને ગમે તેવા સંજોગોમાં પણ સાથ ન છોડે એવું હિંદુ માનસ ઘડવાનું હતું. આજકાલ આવા લોકો ભક્તો તરીકે ઓળખાય છે. ભગવાન કાંઈ પણ બોલે કે કરે, આંગળી નહીં છોડવાની. પ્રતિબદ્ધ ભક્તોની મોટી જમાત અને લોકસભામાં પ્રચંડ બહુમતી મળી જાય એ પછી હિન્દવી રાજ્ય માટેનું હિન્દવી બંધારણ ઘડી શકાશે.

એટલે તો અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝીને તેની કવર સ્ટોરીમાં નરેન્દ્ર મોદીને ‘ડીવાઈડર ઇન ચીફ’ તરીકે ઓળખાવ્યા છે. ભારતીય સમાજમાં આડી-ઊભી એટલી તિરાડો પાડો કે જેણે આંગળી પકડી છે એ ક્યારે ય છોડે નહીં અને જેણે નથી પકડી એ ડરના માર્યા પકડી લે. એમના મનમાં એવું ઠસાવી દેવું કે ગાંધી-નેહરુનો સેક્યુલર દેશ હવે ઇતિહાસ બની ગયો છે અને સામે જે નજરે પડી રહ્યું છે એ ભારતની નવી વાસ્તવિકતા છે અને આવનારા અનેક દાયકાઓ માટેની વાસ્તવિકતા છે, જેમ અંગ્રેજોએ ભારતનાં હિંદુઓ અને મુસલમાનોના મનમાં ઠસાવી દીધું હતું કે અંગ્રેજ રાજ કમસે કમ સો દોઢસો વરસ માટેની ભારતની વાસ્તવિકતા છે. એક વાર માણસ વાસ્તવિકતા કબૂલી લે પછી તેને સ્વીકારતો થઈ જાય છે. તેનો વિરોધ મંદ પડવા લાગે છે અને પરિસ્થિતિ સાથે સમાધાન કરવા લાગે છે જે રીતે પાકિસ્તાનમાં પ્રગતિશીલ મુસલમાનોએ સમાધાન કરી લીધું છે.  

હિન્દવી શાસનને ધીમે ધીમેં હિન્દવી રાજ્યમાં ફેરવવાની આ યોજના સફળ નીવડી છે કે નિષ્ફળ એની જાણ ૨૩મી તારીખે થઈ જશે. નરેન્દ્ર મોદી સામેની પ્રતિકૂળ પરિસ્થિતિ હોવા છતાં ભક્તોને ઊંડે ઊંડે હજુ પણ ભરોસો છે કે સાહેબ વૈતરણી તરી જશે; કારણ કે એ નરેન્દ્ર મોદી છે અને નરેન્દ્ર મોદીને કોઈ પરાજીત ન કરી શકે. નરેન્દ્ર મોદી સામેની આવી પ્રતિકૂળતા નજરે પડતી હોવા છતાં પણ સેક્યુલર હિંદુઓને ભરોસો બેસતો નથી કે તેઓ સો ટકા પરાજીત થશે,  કારણ એ જ કે; તેઓ નરેન્દ્ર મોદી છે.

આમ હિન્દવી શાસનને ધીમે ધીમે હિન્દવી રાજ્યમાં ફેરવવાની આ યોજનાના પહેલા પર્વના છેલ્લા અઠવાડિયામાં ભારતીય જાગરણના પાયાના પથ્થર ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરનું પૂતળું હિન્દુત્વવાદીઓએ તોડી નાખ્યું એ યોગાનુયુગ હોવા છતાં સાંકેતિક છે. રાજા રામમોહન રોય, ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર, દેવેન્દ્રનાથ ઠાકુર, કેશબચન્દ્ર સેન, જ્યોતિબા ફૂલે, ગોપાલ ગણેશ આગરકર, મહાદેવ ગોવિંદ રાનડે, નારાયણ ગુરુ, કંઈક અંશે વિવેકાનંદ, ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર વગેરે સેંકડો લોકોએ અત્યારના ભારતનું જે ભવન તૈયાર કર્યું છે એ ભારતભવન અને લક્ષ્ય હિંદુભવન બાંધવાનું છે.

17 મે 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 મે 2019

Loading

...102030...2,9022,9032,9042,905...2,9102,9202,930...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved