Opinion Magazine
Number of visits: 9968641
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો’ : કાવ્ય પરંપરાના ઉઘડતા સંદર્ભો

રંજના હરીશ|Opinion - Literature|19 May 2019

વર્ષોથી વતનથી દૂર અમેરિકામાં વસતાં લબ્ધપ્રતિષ્ઠિત ગુજરાતી કવયિત્રી પન્ના નાયકના પ્રથમ અંગ્રેજી કાવ્યસંગ્રહ 'ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો'(વોર્શિગ્ટન ડી.સી. : 2018)ની ચર્ચા આપણે ગયે વખતે કરી. આ કાવ્યસંગ્રહમાંથી પસાર થતાં મારા મનમાં બ્રિટિશ  તેમ જ ડાયસ્ફોરિક કાવ્ય પરંપરાના સંદર્ભો ઉઘડતા ગયા.

જેમ જેમ સંગ્રહ વાંચતી ગઈ તેમ તેમ વોલેસ સ્ટીવન્સ, એમિલી ડિકિન્સન, વર્જીનિયા વુલ્ફ જેવાં કવિઓનું સ્મરણ થતું ગયું. તો વળી આ સંગ્રહની કાવ્યસૃષ્ટિનાં ભારતીય મૂળ, તેમાં ઝૂલતાં કેસૂડાં, સૂર્યમુખી, મોગરા, તથા તુલસી, તેમ જ વિસ્મૃતિની પ્રતિક સમી શકુંતલાની વીંટી, મને ભારતીય મૂળ ધરાવતાં સુજાતા ભટ્ટ તથા ઉમા પરમેશ્વરન્‌ જેવાં કવિઓની યાદ અપાવતા રહ્યા. મનુષ્યજીવનના સંબંધોની નિરર્થકતા તેમ જ સંકુલતા વિષયક કાવ્યો વાંચતા અનાયાસે થિયેટર ઓફ એપ્સર્ડ સ્મર્યું. શું આ સઘળું પન્ના નાયકે અમેરિકાની ધરતી પર એક સફળ લાઈબ્રેરિયન તરીકે ગાળેલ દીર્ઘ સમયનો પ્રભાવ છે ? કે પછી સાહિત્ય તત્ત્વની સાર્વત્રિકતાનો પુરાવો ?

પ્રસ્તુત સંગ્રહનાં મનગમતાં કાવ્યો પ્રયાસ વિના સહજરૂપે ગુજરાતીમાં અનુસર્જનરૂપે ઊતરી આવ્યાં. એમાંના થોડાક અહીં પ્રસ્તુત છે :

સ્વપ્ન

આપણે
બે શરીર એક આત્મા .
સ્વપ્નો સાકાર કરવા આપણે
દોડ્યા છીએ આપણે સાથોસાથ
હજારો જોજનો
હજારો ઇચ્છાઓ.
પરંતુ ક્યાંક ઊંડે ઊંડે
પડઘાય છે આપણી વચ્ચે
ખાઈ બનતી જતી તિરાડ …
આપણે બેઉ
જાણે એક પુસ્તકનાં બે પાન
અન્યોન્યની સામોસામ
પુસ્તક આકારે બંધાયેલ તો ય અલગ
સીવાયેલ એક સાથે નાશવંત માનવ ભાગ્ય થકી.

000

હિમશીલા (આઈસબર્ગ)

મારી મૃત કવિતાની સફરે જઈને
તમે કંઈ નહિ પામો
તેને તમે દફનાવી દો તે જ સારું
નહિ તો પછી કવિતાને ખોદીને
તેના ગહન ઊંડાણમાં પહોંચો તો
ત્યાં તમને મળશે તૂટેલ-ફૂટેલ વહાણોની અવદશા
અને તે મધ્યે વર્ષોથી
અડગ ઊભેલ એક
મહાકાય, વણતૂટી હિમશીલા

000

મોગરા

સ્વપ્નમાં ચૂંટેલ મોગરા ગુમાવે વર્ષો થયાં
તો ય તેની મહેક
મારા આંગળાને આજે ય કેમ ચોંટતી હશે ?

000

સ્ત્રી સ્વાતંત્ર્ય

પુરુષને મન
સ્ત્રી સ્વાતંત્ર્ય અને અધિકાર
એટલે પોતે સ્ત્રી પર વરસાવેલ કૃપા
જે આપે છે તેને સ્વતંત્રતા
એ નક્કી કરવાની કે
કયો પગ ઉકળતા પાણીમાં નાખવો
અને કયો બરફના ચોસલા પર મૂકવો

000

સિંહણ

તારા આંગળાથી તું
ભલે મારી ગરદન પંપાળ
હવે હું ત્રાડ નહીં પાડું
કેમ કે હવે હું પાલતુ પ્રાણી બની ગઈ છું
મારાથી બીવાની લગીરે જરૂર નથી
હવે હું ખુંખાર સિંહણ નથી …
મારી જરૂરિયાતો ટૂંકી છે
સહેજ અમથું દૂધ, માંસનો એક ટુકડો
અને તારા આલીશાન આલયનો એક નાનોશો ખૂણો
તું સિંહ અને હું સિંહણ …
જો હું કેવી પાલતુ સિંહણ છું !
પણ તને હું પાલતુ પ્રાણી તરીકે પણ ખપતી નથી
મને ખબર છે તું મને સુદૂર જંગલોમાં છોડી મૂકવા ઇચ્છે છે
તેનું કારણ પણ મને ખબર છે
હું તારી અપેક્ષાઓ સંતોષી શકું તેમ નથી માટે.
તને જોઈએ છે એવી સિંહણ જે કદીએ ત્રાડ ન પાડે,
જેની લેશ માત્ર બીક ન હોય
કેવી નરી મૂર્ખતા !
તને ખપે છે તેવું પ્રાણી તો અસ્તિત્વમાં જ નથી !
તું કલ્પિત મિથકને ઝંખી રહ્યો છે

000

સૂટકેસમાં પુરાયેલ સમય

પ્રત્યેક સવાર પૂછે છે મને
કે આખી રાત તેં શું કર્યું ?
પ્રત્યેક રાત પૂછે છે
કે આખે દિવસ તેં શું કર્યું ?
પ્રત્યેક વર્ષાંત પૂછે છે
કે બાર માસ તેં શું કર્યું ?
પ્રત્યેક દસકો પૂછે છે
કે આ બધાં વર્ષો તેં શું કર્યું ? તેં શું કર્યું ?
સમય માગે છે જવાબદેહી.
જવાબ આપવાનું ટાળીને
હું સમયને સૂટકેસમાં
મૂકીને તાળું મારી દઉં છું.
અને મૂકી દઉં છું સૂટકેસને ભંડકિયામાં.
ઘરે પાછા ફરતા
ફરી એ જ પ્રશ્નો અને તેના પદચિહ્નો
મને ઘેરી વળે છે .

તા.ક.

'વર્લ્ડ લિટરેચર ટુડે'ના સ્પ્રીંગ 2019ના અંકમાં, આ સંકલનના ભારોભાર વખાણ વાંચીને આનંદ આનંદ. પ્રિય મિત્ર પન્ના નાયકનું અંગ્રેજી સાહિત્ય વિશ્વમાં ઉમળકાભર્યું સ્વાગત છે.

E-mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : "નવગુજરાત સમય", 15 મે 2019

Loading

‘ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો’ : પન્ના નાયકનો અંગ્રેજી કાવ્યસંગ્રહ

રંજના હરીશ|Opinion - Literature|18 May 2019

પન્ના નાયક એટલે ગુજરાતી સાહિત્યના નામાંકિત કવયિત્રી. છેલ્લા ચાર દશકથી પન્નાબહેને ગુજરાતી સાહિત્યને દસ જેટલા કાવ્યસંગ્રહો આપ્યાં છે. તદુપરાંત ટૂંકી વાર્તાઓ પણ ખરી. છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકાના ફિલાડેલ્ફિયામાં વસતાં પન્ના નાયક ફિલાડેલ્ફિયા યુનિવર્સિટીનાં લાઈબ્રેરિયન તેમ જ પેન્સિલવેનિયા યુનિવર્સિટીનાં એડજમ્ટ પ્રોફેસર રહી ચૂક્યાં છે. 2018માં પ્રકાશિત 'ધ એસ્ટ્રોલોજર્સ સ્પેરો' પન્નાબહેનનો પ્રથમ અંગ્રેજી કાવ્યસંગ્રહ છે. જેમાંથી પસાર થતાં એક નિવડેલ કવિનું સાનિધ્ય સતત વરતાય છે.

વર્ષોના વિદેશ વસવાટને કારણે પન્નાબહેનનાં કાવ્યમાં ડાયસ્ફોરિક પ્રજાનો ઘર ઝુરાપો એક મુખ્ય વિષય તરીકે ઊભરી આવે છે. સ્ત્રી જીવનનાં અનુભવો તથા અભિલાષાઓ અને હતાશાઓ પણ આ કાવ્યસંગ્રહનાં કથાવસ્તુ બની રહે છે. મૂળ મુદ્દે કવિ કવિતા લેખનનો બહોળો અનુભવ ધરાવતાં પન્ના નાયકની અંગ્રેજી કાવ્યસૃષ્ટિમાં પણ બિંબ, પ્રતિક તથા રૂપક ભરપૂર પ્રમાણમાં જોઈ શકાય છે. ગુજરાતીની જેમ તેમનું અંગ્રેજી ભાષાકર્મ પણ સબળ તથા પ્રભાવશાળી છે. અમેરિકાનાં કાવ્ય જગતમાં બહોળો આવકાર પામેલ પ્રસ્તુત કાવ્ય સંગ્રહના સ્વાગત સાથે તેમાંથી ચુનંદા કાવ્યોનો મેં કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

એકાકાર

રોજ સવારે
કૃષ્ણની મૂર્તિ સામે
દીવો કરતાં
ચિતાની ધગધગતી જ્વાળા
મારી આંખને દંશે છે
દીવો કે ચિતા બંને રંગરૂપમાં અગ્નિ,
બંને ઈશ્વરને અર્પાયેલ અંજલિ.
અનન્ય અજવાળું પથરાય છે મારા ચહેરા પર
હું જાણું છું, આ અજવાળું છે તેનો પ્રકાશ
વાતાવરણ રણઝણે છે
સંગીતના સ્વરો વધાવે છે
અમારા મિલનને
વસ્ત્રો સરી પડે છે મારા તનથી
હું જ જાણે પેલી દીપશીખા છું
હું જ છું ચિતાના અગ્નિ સાથે એકાકાર જ્યોત.
મારો આત્મા દેહને છોડી જાય છે
કૃષ્ણે લંબાવેલ હાથ મને વધાવી લે છે
જમીન પર જે પડી છે
તે તો ફકત છે મારી રાખ (ppppP75)

……………

મૃત્યુ પામેલ પ્રેમીના દર્શને આવનાર પ્રેમી માટે…

હું હવે કયા પ્રકારે ફરિયાદ કરું
તારા મોડા પડ્યાની ?
આસપાસ કેટકેટલા લોકો છે !
અને મારા હોઠ સીવાયેલ છે !

……….

બિનકાયદેસર આગંતુક

વર્ષો થયાં મારા એ સતત સાથ આપતા
સ્મરણ નામના મારા દોસ્તને
દેશનિકાલ આપે.
હવે મળસ્કે
મને સંભળાય છે કોઈ ફુસફુસાટ
આ ઘૂસણખોર એ તો નહીં હોય ને ?
રુંધાયેલ શ્વાસ સાથે
વર્ષોથી બંધ બારી ખોલું છું
બારી ખોલવાના અવાજ સાથે
પવનનો સુસવાટ માત્ર છે !
હું મારી જાતને કહું છું
'તરછોડાયેલ સ્મરણ
એટલી સરળતાથી
પાછો ક્યાંથી આવે ?'
પણ શું સાચે જ બારીથી અંદર આવવા મથતો
તે જ ન હતો ?
આ વિચાર માત્ર મને મુંઝવે છે,
શું સ્મરણને ખબર નહીં હોય કે
અમેરિકામાં
બિનકાનૂની આગંતુકને
પોલીસ હાથકડી પહેરાવીને
જેલમાં નાખી દે છે
કોર્ટમાં લઈ જય છે
જો ગુનો સાબિત થાય તો તેને
દેશનિકાલ પણ અપાય છે ?
શા માટે તેને ફરી ફરીને
દેશનિકાલ જોઈએ છે ?

000

ઓરડામાં પાછા ફરતા હું તેને
મારા પલંગ પર આડો પડેલ જોઉં છું
ખુલ્લી બારીમાંથી આવતા
ચંદ્રપ્રકાશમાં તે ચમકે છે

000

ત્યાં તો પોલીસનો સ્વર સંભળાય છે
'બારી ખોલીને તમે પહેલી ભૂલ કરી' (34)

………..

ઘર ઝુરાપો

ફૂલમઢ્યા એ વૃક્ષને મેં
સુદૂર વસેલ ગરમ પ્રદેશ મુંબઈમાંથી મૂળ સોતું ઉખાડીને
ફિલાડેલ્ફિયાના ઠંડા, અજાણ પ્રદેશમાં રોપ્યું
તેને જીવતું રાખવા હું પ્રતિજ્બદ્ધ હતી ….
પરંતુ જ્યારે અહીંનાં વૃક્ષો
માંદલા ગુલાબી રંગના ચેરીબ્લોઝમથી ભરાઈ જાય છે ત્યારે
હું વતનમાં ધીમે ધીમે ઉઘડતા કેસૂડાનાં ફૂલોને સ્મરું છું
આ તે કેવો ઘર ઝુરાપો ?
મન થાય છે કે
બેગ પેક કરીને
અબઘડી વતન પાછી ફરું.
પરંતુ હવે ક્યાં છે મારું વતન ?

તા.ક.

પ્રસ્તુત કાવ્ય સંગ્રહના સંદર્ભે પ્રશ્ન પૂછવાનું મન થાય કે પન્નાબહેન, શીર્ષકની યથાર્થતા સ્થાપિત કરતું કાવ્ય ભૂલમાં ડિલીટ થઈ ગયું કે શું ? શીર્ષકની ચકલી પોપટ તો નથી ને ? ભવિષષ્યવેત્તાનો પોપટ.

પન્ના નાયકને અભિનંદન.

E-mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : “નવગુજરાત સમય”, 24 ઍપ્રિલ 2019

Loading

નીરવ પટેલે મોત સામે મલકતાં રહીને સાંપ્રદાયિકતા અને અસમાનતા પર તેજાબી રાજકીય કવિતા રચી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|17 May 2019

નીરવે ફેસબુક પર 19 ડિસેમ્બર 2018થી  28 ફેબ્રુઆરી 2019 દરમિયાન જે 68 નીડર કવિતાઓ લખી જે તેમાં વાચકો ખંધા રાજકારણીઓ અને ખૂંખાર રાજરમતોને જોઈ શકે છે

કાળઝાળ કવિતાઓ કરનારા નીરવ પટેલ આખરે ગયા, કૅન્સરની સામે લડ્યા પણ કેવી રીતે ? – પ્રગતિશીલ પ્રતિબદ્ધ સર્જક તરીકે ઉદ્દામ કવિતાઓ રચીને ફેસબુક પર મૂકતાં અને ચર્ચા કરતાં, પ્રિયજનોને હળતાં-મળતાં-ફોટા પડાવતાં તે ગયા. આખરી માનવંદના ચોથી તારીખે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા  સન્માન રૂપે સ્વીકારી. અલબત્ત, તેઓ દેશના અગ્રણી દલિત કવિ તરીકે નામના મેળવી ચૂક્યા જ  હતા. અંગ્રેજી કવિતાઓના તેમના બે સંગ્રહો છે  : ‘બર્નિન્ગ ફ્રૉમ બોથ ધ એન્ડસ’ અને ‘વૉટ ડિડ આઇ ડુ ટુ બી સો બ્લૅક ઍન્ડ બ્લ્યુ’. તેમની ગુજરાતી કવિતાઓના અંગ્રેજી અનુવાદ થયા છે, તેમની મુલાકાતો પ્રસિદ્ધ થઈ ચૂકી છે. અમદાવાદ, હૈદરાબાદ, જયપુર અને ટૉરેન્ટોના લિટરરિ ફેસ્ટિવલ્સમાં તે નિમંત્રિત સર્જક હતા. બહુ મહત્ત્વના કાવ્યસંગ્રહ ‘બહિષ્કૃત ફૂલો’ માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર અને એકંદર સર્જન માટે ગુજરાત સરકારનું કબીર સન્માન અને ભારતીય દલિત સાહિત્ય અકાદમીનું સન્માન મળ્યું હતું.

નીરવ અમદાવાદ પાસેના ભુવાલડી ગામમાં જન્મ્યા હતા. તેમના પિતાએ આપબળે ચર્મકારથી જમીનદાર સુધીની પ્રગતિ સાધી હતી. પણ આખા કુળમાં પહેલા શિક્ષિત એવા નીરવે અંગ્રેજીમાં એમ.એ. અને દલિત સાહિત્ય પર પીએચ. ડી. પ્રાપ્ત કર્યું હતું. પૂર્વ અમદાવાદની મિલકામદારો અને શ્રમજીવીઓની ચાલીઓમાં 1960થી ‘80ના સમયના ધબકતા રાજકીય અને સામાજિક  માહોલે નીરવના દલિત સાહિત્યકાર તરીકેના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તેઓ ભાષા, સર્જકતા અને વાચનથી સજ્જતા પ્રાપ્ત કરીને દલિત ચેતનાની કવિતા રચતા જતા હતા. દલિત પૅંથર ચળવળ, મિલ કામદારોનાં સંગઠન, ગુજરાતમાં જેતલપુર તેમ જ ગોલાણામાં દલિતોનાં થયેલાં હત્યાકાંડો અને અનામત આંદોલનો જેવાં અનેક પરિબળોનો ઘેરો પ્રભાવ નીરવના સર્જન-ચિંતન પર છે. દલિત સાહિત્યના પહેલા સામયિક ‘આક્રોશ’થી લઈને કેટલાંક  સામયિકો અને સંચયોનાં સંપાદન નીરવે કરેલાં છે. સંપાદન હોય કે સર્જન, નીરવ મૂળભૂત રીતે સામાજિક વેદના અને વિદ્રોહના કવિ છે. સંસ્થાગત ધર્મવ્યવસ્થાએ ઊભી કરેલી અસમાનતાને કારણે વંચિતોની હિંસાપૂર્વક કરેલી અવદશા જોઈને કવિ અત્યંત વ્યથિત થાય છે. એ વ્યવસ્થા તોડી પાડીને સ્વાતંત્ર્ય-સમતા-બંધુતા આધારિત સુંદર દુનિયાના સ્વપ્ન તે જુએ  છે.

કવિનું આ માનસ જિંદગીના આખરી તબક્કા સુધી ટકી રહ્યું છે. તેમણે 19 ડિસેમ્બર 2018થી  28 ફેબ્રુઆરી 2019 દરમિયાન લખેલી 68 કવિતાઓ ફેસબુક પર છે. આ કવિતાઓમાં દેશમાં પ્રવર્તી રહેલી એકંદર અસમાનતા અને સાંપ્રદાયિકતાની વાત તો છે જ, પણ હમણાંની  સ્પેસિફિક ઘટનાઓ તેમને અત્યંત અસ્વસ્થ કરે છે. પુલવામા પછી તે પૂછે છે :

આ શહીદોના માનમાં યોજાયેલ 
કૅન્ડલ માર્ચ હતી 
કે કોઈ અદ્રશ્ય નેતાનો રોડ શો?

‘આદિવાસી’ કવિતામાં તે લખે છે :

ગઈ કાલે સુપ્રીમ કોર્ટે પેનના એક ગોદે
20 લાખ આદિવાસીઓને ખદેડી મૂક્યા
એમની જંગલઝૂંપડીઓમાંથી.

ગાંધી પુણ્યતિથિએ હિન્દુત્વવાદી જૂથોએ ગાંધીજીની હત્યાની ઘટનાને રિ-એનેક્ટ કરી તે  અંગેના સમાચાર આંબેડકરના અભ્યાસી કવિને અસ્વસ્થ કરે છે :

ગાંધીજીએ આ દેશને સ્વતંત્ર કર્યો : 
હવે સૌ પોતપોતાની રીતે સ્વતંત્ર છે
કંઈ પણ કરવા માટે.
ગાંધીનો વધ કરો,
ગોડસેની પૂજા કરો.

‘વાઇબ્રન્ટ ગ્લોબલ ઇવેન્ટ’ને એક મદારીના નજરબંધીના ત્રણ દિવસના ખેલ તરીકે બતાવતી કવિતા અહીં છે. ઉત્તરાયણને દિવસે લખાયેલી કવિતા છે : ‘2019નું ઇલેક્શન’. તેમાં ‘લોકશાહીના ઉત્સવ’ની સામે ‘હિન્દુ રાષ્ટ્રનું સપનું રોળાઈ જશે’ એવી સંભાવનાનો અલબત્ત વક્રોક્તિપૂર્ણ ઉલ્લેખ છે. ‘ચાણક્ય’ના મુખમાં આ ચૂંટણી અને પાનીપતની સરખામણી છે. જનતા માટે બેફિકર રહી સત્તા અને સંપત્તિ માણતા નેતા એક વખત રિન્ગમાસ્ટર તરીકે અને એક કરતા વધુ વખત રાજા નીરો તરીકે આવે છે. વળી રાજકારણી એક વખત મતપેટીમાંથી નીકળતા, તો બીજી વખત ‘પ્રાણીઓની નહીં, પાર્લામેન્ટની ભાષા’ બોલતા જાનવર તરીકે આવે છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ કવિતામાં હિંસાચાર, બળાત્કાર અને આત્મહત્યાની વાસ્તવિકતાની સામે કવિ જી.ડી.પી., માથાદીઠ આવક, વિશ્વગુરુની પરિભાષા મૂકે છે. ઝનૂની રાષ્ટ્રવાદના સંદર્ભો  સાથેના કાવ્યોમાં સહુથી સીધું છે તે ‘વન ડે માત્રમ’. અન્યત્ર પણ માર્મિક શબ્દરમત છે :

વંદેમાતમ વંદેમાતમની બૂમો પાડીએ,
પરજાસટાક પરજાસટકના ભેંકડા તાંણીએ?

આ સર્જક પાસેથી ‘ધર્મઆભડેલ જનાવર’, ‘રાજધાર્મિક ક્રિયા’ કે ‘દલિતનારાયણીઓ’ જેવા શબ્દપ્રયોગો પણ મળે છે.

ધર્મસંસ્થા કે પરંપરાઓને પડકારવાની, મૂર્તિભંજક રીતે મૂકવાની દલિત સહિત્યની લાક્ષણિકતા ધરાવતી કવિતાઓ ઘણી છે. ‘હર મંદિરનો જિર્ણોદ્ધાર કરીને વિદ્યાલય બનાવો, વાચનાલય બનાવો’ એવી કવિની અપીલ છે. પુલવામા વિશેના ‘કલિંગબોધ’ કાવ્યમાં

ખંધા રાજકારણીઓ
ભગવાનો અને ધર્મગ્રંથોને ટાંકે છે.

‘વગડાની જેમ દેશમા પણ વસંત ખીલે’ તે માટે બત્રીસ લક્ષણાનો ભોગ લેવાને લગતો ઉલ્લેખ નીરવ જેવા કવિ જીવનના અંતિમ તબક્કે ન કરે તો જ નવાઈ. ‘બ્રાહ્મણ’ એવા જ નામની કવિતા એ તર્ક આપે છે પ્રબુદ્ધ હોવામાં કે બુદ્ધુ હોવામાં બ્રાહ્મણ અને અન્ય જ્ઞાતિમાં કોઈ ફેર હોતો નથી. ‘હિન્દુ’ નામની કવિતાની છેલ્લી પંક્તિઓ છે :

હિંદુઓ મૂળે બે જ પ્રકારના હોય છે : 'વસુધૈવ કુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ’ અને 'શ્રેણીબદ્ધ બહુજાતિ હિન્દુકુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ.’ ધર્મ એ માત્ર એક વિભાવના જ છે એ વાતનું નિરૂપણ કરતી રચનાને અંતે કવિ લખે છે :

કપોળકલ્પિત ઈશ્વર અને એના આઉટડેટેડ ધર્મ કરતાં 
UNOનું એક યુનિવર્સલ ચાર્ટર વધારે ઈફેક્ટિવ છે.

દેશની એકંદર હાલત ‘દશામા’ કવિતામાં છે :  ‘દેશ માથે દશામા બેઠાં છે’ એમ કહીને તે એક વાર વસંતનું વર્ણન કરે છે, અને પછી કહે છે :

દેશમાં ગંગા ગંધાય છે,
પ્રદેશમાં સાબરમતીને લોકો ગટરગંગા કહે છે,
નર્મદાનાં નીર નર્યાં કાદવિયાં થયાં છે.

‘ગાવડી’ નામની વલોવી નાખતી રચના ગાયને ખૂબ હેતથી ઉછેરતા મુસ્લિમ પરિવારના લિન્ચિન્ગ પર છે. ‘માયાનગરી’ અને ‘રિવરફ્રન્ટ’ વિકાસના ફુગ્ગાને ટાંકણી મારે છે. જો કે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે ‘રિપ વાન વિન્કલ’ કવિતા. અમદાવાદના ત્રણ બગીચાઓ પરનાં મનોહર કાવ્યો છે. બજેટ, સ્વચ્છતા અભિયાન, ગોલાણાના શહીદો, રેશનાલિઝમ, પુસ્તકો  જેવાં અનેક વિષયો પરની કવિતાઓ મળે છે. સમાજમાં સબૉલ્ટર્ન હોવા પર અને કે કવિતામાં મિથકના હોવા પર પણ નીરવ લખે છે. નીરવની કવિતામાં વિધાનો, વાગ્મિતા અને અલબત્ત, અનેક કાવ્યપ્રયુક્તિઓ છે. કવિતા અને કવિકર્મ પણ વિષયો તરીકે આવે છે. ‘કવિતા દલિતોની મુક્તિદાત્રી છે’, સરસ્વતી દલિત કવિની કમ્પૅનિયન છે. આજુબાજુના હિંસક, ભેદભાવી જગતથી સાબદા રહેવા દરરોજ એક તાજી કવિતા જરૂરી છે. નીરવને મતે ઉત્તમ કવિ ‘કર્મશીલ-કમ- કવિ છે’. 

નીરવે મૃત્યુને ‘માયા’ ગણીને કવિતા કરે છે. ‘દુનિયા’ કવિતામાં તે લખે છે : ‘મને ભોગિયાને તો બિલકુલ નથી ગમતું આ દુનિયા છોડી જવાનું.’ એક કવિતા છે ‘શાંગ્રિલા’ :

તંગ આવી ગયો છું
આ લિંચિસ્તાનથી.
આ રેપિસ્તાનથી.
આ ભદ્રિસ્તાનથી.
મારું શાંગ્રિલા શોધું છું.

એમનું શાંગ્રિલા એટલે એક નોખો દેશ.

એ દેશમાં સૌ માનવી.
સૌ સરખા.
સૌ સરખા સુખી,
સૌ સરખા દુઃખી. 

કવિ ત્યાં પહોંચી ગયા, ગઈ કાલે સવારે , ‘વેજલપૂરના સ્મશાનગૃહના ધૂમાડિયામાંથી છટકીને’ .

+++++++

16 મે 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 17 મે 2019

Loading

...102030...2,9032,9042,9052,906...2,9102,9202,930...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved