Opinion Magazine
Number of visits: 10,229,621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 3

દીપક મહેતા|Opinion - Opinion|28 July 2019

(હપ્તો ૩)

વાર શનિ. મહિનો ડિસેમ્બર. તારીખ બીજી. અને વર્ષ ઈ.સ. ૯૯૯. મુંબઈની તવારીખમાં આ દિવસનું મહત્ત્વ ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવ્યું છે. એ દિવસે કેટલાક પારસીઓ મુંબઈ નજીકની કેનેરી ગુફાઓ જોવા આવ્યા હતા અને જતાં પહેલાં પોતાનાં નામ ગુફાની એક દીવાલ પર કોતરી ગયા હતા, તારીખ-વાર સાથે. અલબત્ત, આ લખાણ પહેલવી ભાષામાં છે. પણ મુંબઈની ધરતી પર પગ મૂકનારા આ પહેલવહેલા ગુજરાતીઓ. કેનેરીનું મૂળ નામ તો કૃષ્ણ ગિરિ, એટલે કે કાળો પર્વત. એ પર્વત પર કુલ ૧૦૯ ગુફાઓ આવેલી છે. તેનું નિર્માણ ઈ.સ. પૂર્વે પહેલી સદીમાં શરૂ થયું હતું, અને ઈ.સ.ની ૧૧મી સદી સુધી એ કામ ચાલ્યું હતું. જો કે ઈ.સ.ની ત્રીજી સદી સુધીમાં તો કેનેરી બૌદ્ધ ધર્મનું એક મહત્ત્વનું કેન્દ્ર બની ચૂક્યું હતું. એટલે કે આ પારસીએઓએ જ્યારે મુલાકાત લીધી ત્યારે કેનેરી એ કાંઈ આજની જેમ એક પર્યટન ધામ નહોતું, પણ બૌદ્ધ ધર્મનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. એટલે કોઈ બીજા – પારસી – ધર્મના અનુયાયીઓ અહીં આવે એ વાત મહત્ત્વની ગણાય.

પણ એ પારસીઓ તો મુલાકાતીઓ હતા. પણ અંગ્રેજોએ મુંબઈમાં પહેલી વાર પગ મૂક્યો તે પહેલાં ગુજરાતથી આવીને અહીં કેટલાક લોકો વસ્યા હતા. સુરત પાસેના એક ગામડામાંથી દોરાબજી નાનાભાઈ ઈ.સ. ૧૬૪૦માં મુંબઈ આવીને વસ્યા હતા. મુંબઈના એ પહેલા ગુજરાતી વસાહતી. મુંબઈ આવ્યા તે પહેલાં દોરાબજી વેપાર કરતા હતા અને તેને કારણે જુદા જુદા લોકોના પરિચયમાં આવેલા. તેને કારણે તેઓ મરાઠી અને પોર્ટુગીઝ જેવી ભાષાઓના પણ જાણકાર બની ગયા હતા. મુંબઈ આવ્યા પછી તેઓ અહીંના કોળી લોકો સાથે સારી રીતે હળીભળી ગયા હતા. એ વખતે પોર્ટુગીઝ શાસકો અહીંની સ્થાનિક ભાષાઓ જાણતા નહોતા. એ ભાષાઓ તથા પોર્ટુગીઝ જાણનાર દોરાબજી તેમની આંખમાં વસી ગયા. એટલે પોર્ટુગીઝ શાસકો મુંબઈના વહીવટમાં નિયમિત રીતે તેમની સલાહ લેતા એટલું જ નહિ, વહીવટની કેટલીક જવાબદારી પણ તેમને સોંપેલી. પણ પછી પોર્ટુગીઝ રાજાએ દાયજામાં મુંબઈ શહેર અંગ્રેજોને આપ્યું અને પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. પણ જતાં પહેલાં તેમણે દોરાબજીની વફાદારીપૂર્વકની સેવાની કદર કરી અને આજે જે કાવસજી પટેલ સ્ટ્રીટ તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં તેમને જમીન અને એક બંગલો ભેટ આપતા ગયા. એટલું જ નહિ, જતાં જતાં તેઓ નવા આવેલા અંગ્રેજ શાસકોને દોરાબજી માટે ભલામણ કરતા ગયા. મુંબઈ પોતાના તાબામાં આવ્યું તે પછી ૧૬૬૮માં અંગ્રેજોએ મુંબઈના લોકો પર મુન્ડકા વેરો લાદ્યો. દેખીતી રીતે કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો. અહીંના લોકોને જો કોઈ સમજાવી-પટાવી શકે તો તે દોરાબજી. એટલે આ વેરો ઉઘરાવવાનું કામ સરકારે તેમને સોંપ્યું. દોરાબજીએ લગભગ ૨૬ વર્ષ સુધી અંગ્રેજોની સેવા વફાદારીપૂર્વક કરી. તે પછી ઈ.સ. ૧૬૮૮માં તેઓ બેહસ્તનશીન થયા. આમ, દોરાબજી ગુજરાતથી આવીને મુંબઈમાં વસનારાઓમાં સૌથી પહેલા હતા એટલું જ નહિ, મુંબઈના વહીવટમાં મહત્ત્વનો ભાગ ભજવનાર પહેલા ગુજરાતી હતા.

પારસી દોરાબજી નાનાભાઈ મુંબઈમાં આવનારા પ્રથમ ગુજરાતી હતા, જેમણે શહેરના વહીવટમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો

દોરાબજી પછી તેમની જગ્યા તેમના બેટા રુસ્તમજીએ લીધી. તેમણે તો બાપ કરતાં ય સવાઈ વફાદારી અંગ્રેજ સરકાર તરફ બતાવી. અને ૧૬૯૨માં એક પ્રસંગે તો તેમણે અસાધારણ હિંમત, કૂનેહ, અને વફાદારી બતાવી. બન્યું એવું કે એ વર્ષમાં જંજીરાના સિદીઓએ મુંબઈ પર આક્રમણ કર્યું. એ વખતે અંગ્રેજોની ફેક્ટરી(ઓફિસ)નો વડો બહારગામ ગયો હતો. રૂસ્તમજીએ મુંબઈના સ્થાનિક કોળી યુવાનોને ભેગા કર્યા અને તેમનું સૈન્ય બનાવી સીદીઓ સામે લડ્યા એટલું જ નહિ, તેમને હરાવીને ભગાડ્યા. આ હુમલાના ત્રણ દિવસ દરમ્યાન આખા શહેરનો કારભાર પણ રૂસ્તમજીએ જ સંભાળ્યો હતો. ત્યારથી લોકો તેમને જનરલ રૂસ્તમજી તરીકે ઓળખવા લાગ્યા. અને સરકારે તેમને ‘મુંબઈના પટેલ’નો ખિતાબ આપ્યો. ત્યારથી તેમના વંશજોએ પટેલ અટક અપનાવી. આજે વિચિત્ર લાગે એવો બીજો એક હક્ક પણ અંગ્રેજોએ રૂસ્તમજીને આપેલો: માછલી પકડીને જેટલા મછવા મુંબઈના કોઈ પણ બંદરે આવે તેણે એક-એક માછલી રૂસ્તમજીને વેરા તરીકે આપવી પડતી! વળી મુંબઈનાં ખેતરોમાં પાક લણતાં પહેલાં ખેડૂતે રુસ્તમજીને વેરો ચૂકવવો પડતો અને તે પછી જ પાકની લણણી શરૂ થઇ શકતી. બ્રિટિશ સરકાની ૭૧ વર્ષ સુધી વફાદારીપૂર્વક સેવા કર્યા પછી, ૯૬ વર્ષની પાકટ વયે, ૧૭૬૩ના એપ્રિલની ૧૨મી તારીખે રૂસ્તમજી બેહસ્તનશીન થયા.

રુસ્તમજીના અંગત જીવનનો એક કિસ્સો પણ મજેદાર છે. પહેલાં લગ્ન પછી થોડાંક વર્ષોમાં તેમનાં પત્ની ગુજરી ગયાં. એ વખતના સામાન્ય રિવાજ મુજબ રુસ્તમજીએ બીજાં લગ્ન કર્યાં. દામ્પત્યજીવન સુખી, પણ ઓલાદ નહિ. પણ જેવી ખોદાયજીની મરજી એમ માની મન મનાવી લીધેલું. પીરોજાબાનુ નામની ૧૩-૧૪ વર્ષની છોકરી એક જર્મન મુસાફર સાથે ઈરાનથી મુંબઈ આવી. પીરોજા હતી રૂપરૂપનો અંબાર, અને એ વખતે ઈરાનના મુસલમાનો આવી છોકરીઓને ઉઠાવી જઈને તેમની સાથે બળજબરીથી નિકાહ પઢતા. એટલે કોઈ સારો પારસી મુરતિયો જોઈ તેની સાથે પરણાવી દેવાની વિનંતી સાથે પીરોજાના પિતાએ જ તેને પેલા જર્મન મિત્ર સાથે મુંબઈ મોકલેલી. કોટ વિસ્તારમાં આજે જ્યાં ફોર્બ્સ સ્ટ્રીટ છે ત્યાં એ વખતે એક તળાવ હતું. સાંજ પડ્યે પારસી પુરુષો તેને કાંઠે ભેગા થઇ ગામગપાટા હાંકતા. એક દિવસ શેઠ ભીખા બહેરામ પોતાની સાથે પીરોજાને લઈને ત્યાં આવ્યા. કહ્યું કે અ બધા બેઠા છે તેમાંથી કોઈ એકને પસંદ કરી લે. પીરોજાએ વારાફરતી બધા પુરુષો સામે જોયું. પછી ત્યાં બેઠેલા રુસ્તમજીનો હાથ પકડીને બોલી કે પરણું તો એવણને જ પરણું. આ સાંભળી રુસ્તમજી જનરલ તો ઊભી પૂંછડીએ ભાગ્યા. કારણ ભલે ઓલાદ નહોતી, પણ ઘરસંસાર સુખી હતો. ત્રીજું ઘર માંડવાની ઈચ્છા નહોતી. બીજી સાંજે પણ શેઠ ભીખા બહેરામ પીરોજાને લઈને ત્યાં આવ્યા. બીકના માર્યા રુસ્તમજી તો આવ્યા જ નહોતા! ફરી એ જ વાત: અ બધા બેઠા છે એમાંથી કોઈ એક મુરતિયો પસંદ કરી લે. પણ છોકરી માની નહિ. કહે, પરણું તો રુસ્તમજીને, નહિતર નહિ. છેવટે ભીખા બહેરામ અને બીજા કેટલાક પારસી આગેવાનો રુસ્તમજીને ઘરે ગયા. સમજાવ્યા: છોકરી સારી, સુશીલ, ગુણવાન છે. તમારું ઘર ઉજાળશે. અને ખોદાયજીની ઈચ્છા હશે તો તમારો વંશવેલો પણ વધારશે. બીજાં પત્નીએ પણ સંમતિ આપી. એટલે છેવટે રૂસ્તમજી પીરોજાને પરણી ગયા. વખત જતાં પીરોજા અને રૂસ્તમજીને ચાર દીકરા થયા : કાવસજી, દોરાબજી, કેખુશરૂ, અને તેમુલજી.

રુસ્તમજીના અવસાન પછી તેમના વડા બેટા કાવસજી સરકારી કામમાં જોડાયા. તેમને સરકારે એક નવી જવાબદારીએ સોંપી : સરકારી માલસામાનની હેરફેર માટે જરૂરી વહાણો ભાડે મેળવી આપવાની. વખત જતાં મુંબઈ નજીકનાં થાણા અને વસાઈ પણ અંગ્રેજોના તાબામાં આવ્યા. તેના સઘળા વહીવટની જવાબદારી સરકારે કાવાસજીને સોંપી. એટલું જ નહિ, આ બે જગ્યાએથી મુંબઈની મુલાકાતે આવતાં પહેલાં અને મુંબઈથી એ બે જગ્યાએ જતાં પહેલાં હર કોઈ ‘દેશી’એ કાવસજીની લેખિત મંજૂરી લેવી પડતી. આ કાવસજીના માનમાં જ કોટ વિસ્તારના એક રસ્તાનું નામ કાવસજી પટેલ સ્ટ્રીટ રાખવામાં આવ્યું. અને હવે તો એ તળાવનું નામોનિશાન રહ્યું નથી, પણ હજી આજે ય તે ખેતવાડી નજીકનો જે વિસ્તાર સી.પી. ટેંક તરીકે ઓળખાય છે તે તળાવ ઈ.સ. ૧૭૭૫માં કાવસજીએ પોતાને ખર્ચે બંધાવેલું એટલું જ નહિ, તેની જાળવણી અને સમારકામનો બધો ખર્ચ દાયકાઓ સુધી પટેલ ખાનદાનના નબીરાઓ કરતા હતા. કાવસજીએ બંધાવેલું આ તળાવ તે જ કાવસજી પટેલ (સી.પી) ટેન્ક. મુંબઈમાં બાંધવામાં આવેલું જૂનામાં જૂનું તળાવ. ૧૭૯૯ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે માત્ર ૫૭ વર્ષની ઉંમરે કાવસજી બેહસ્તનશીન થયા.

એક વાર દોરાબજીએ મુંબઈનાં બારણાં ઉઘાડી આપ્યાં પછી તો ગુજરાતથી અહીં પારસીઓ આવ્યા, કપોળ વાણિયા અને નાગર આવ્યા, વોરા, ખોજા અને મેમણ આવ્યા, જાતભાતનાં કારીગરો અને વસવાયાં આવ્યાં. એક જમાનામાં મુંબઈનો ‘સી’ વોર્ડ એ ગુજરાતીઓનો ગઢ ગણાતો. ગુજરાતના બધા પ્રદેશની, બધી જ્ઞાતિઓની, બધા વ્યવસાયોની, બધા કારીગરોની બોલી જો કોઈ એક જ જગ્યાએ સાંભળવી હોય તો તે ગુજરાતમાં નહિ, મુંબઈના ‘સી' વોર્ડમાં સાંભળવા મળતી. અમદાવાદવાસી કવિ દલપતરામ બે-ત્રણ વખત મુંબઈ આવ્યા હતા અને મુંબઈને જોઇને દંગ થઇ ગયા હતા. આથી જ તેમણે લખ્યું:

જનો દેશદેશોતણા ત્યાં ફરે છે,
જુદી વાણી ને વેશ જુદા ધરે છે;
દિસે જાણીયે ઈશ્વરે ધારી લીધું,
જનોનું ભલું સંગ્રહસ્થાન કીધું.
લંકાની લક્ષ્મી બધી, છે મુંબઈ મોઝાર;
જેણે મુંબઈ જોઈ નહિ, અફળ ગયો અવતાર.

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 27 જુલાઈ 2019

Loading

પર્યાવરણની ચિંતા હોય તો વિગનિઝમના તર્કને સમજવો જ રહ્યો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 July 2019

વિગનિઝમઃ આ વિચાર ધર્મના પ્રચાર અને પ્રાણી ક્રૂરતા નિવારણ સુધી સીમિત નથી

ડેરી અને માંસ ઉદ્યોગ માટે થતું પશુપાલન કુદરતી સ્રોતનો સૌથી વધુ ઉપયોગ કરે છે

આપણાં દેશમાં અત્યારે એક સાથે ઘણું બધું ચાલી રહ્યું છે. ક્યાંક પૂર, તો ક્યાંક પાણીની તંગી, તો ક્યાંક હોટેલ્સમાં મંત્રીઓના મેળાવડા, તો ક્યાંક લિન્ચીંગ, તો ક્યાંક ઓનર કિલીંગ, તો ક્યાંક ટ્રમ્પ કાશ્મીરનું શું કરશે, એવી બધી ચર્ચા.

આ બધાંની સમાંતર આપણાં દેશમાં જ નહીં, પણ આખી દુનિયામાં એક અહિંસક યુદ્ધ ચાલી રહ્યું છે જેનો હેતુ પર્યાવરણને સંતુલિત કરવાનો છે. પર્યાવરણમાં આવેલું અસંતુલન, ગ્રીનહાઉસ ગેસ અને કાર્બન ડાયોક્સાઇડનાં ઉત્સર્જન, જંગલોનો સફાયો આ બધું જ ચેતવણીની નિશાનીને પાર કરી ચૂક્યું છે. પર્યાવરણવાદીઓ આગવી રીતે તેની સામે યુદ્ધ લડી જ રહ્યાં છે, અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે એક એવાં અહિંસક શસ્ત્રની ધાર કાઢી છે જે લાઇફસ્ટાઇલ ચેન્જીઝ પર આધારિત છે.

‘વિગનીઝમ’ શબ્દ વિશે આપણને જાણ છે. વિગન એટલે એવાં લોકો જેઓ શાકાહારી તો છે જ પણ તેઓ કોઇપણ ડેરી પ્રોડક્ટનો ઉપયોગ નથી કરતાં, જેમાં દૂધ, દહીં, ઘી, પનીરનો સમાવેશ થાય છે, વળી સિલ્ક, ફર, મધ જેવાં એકેય પ્રાણીજ ઉત્પાદનો તેમની રોજિંદી જિંદગીનો ભાગ નથી હોતાં. થોડા વખત પહેલાં વર્લ્ડ વિગન ઓર્ગેનાઇઝેશનની ચોથી આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ અને ભારતની સૌપ્રથમ વિગન ઇન્ડિયા કૉન્ફરન્સનું આયોજન દિલ્હીમાં કરાયું હતું. પર્યાવરણનાં અસંતુલન સામે વિગનિઝમ કેવી રીતે શસ્ત્ર હોઇ શકે, શું આ ધર્મને લગતો અને પ્રાણી સાથે આચરાતી ક્રૂરતા પૂરતો જ વિચાર નથી? આ માનવું સાવ ખોટું છે કારણ કે વિગનિઝમની સાદગીનો ફોર્સ ધાર્યા કરતાં કંઇક ગણો વધારે છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીનાં સંશોધન અનુસાર જો ડાયેટમાંથી માંસ અને ડેરી ઉત્પાદનો બાદ કરવામાં આવે, તો દરેક વ્યક્તિની કાર્બન ફૂટપ્રિન્ટમાં ૭૩ ટકા ઘટાડો થઇ શકે. ૨૦૧૪માં બનેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘કાઉસ્પિરસીઃ ધી સસ્ટેનેબલિટી સિક્રેટ’માં પશુ પાલનનાં ઉદ્યોગનું કડવું સત્ય ઉઘાડું પાડવામાં આવ્યું છે. ગ્લોબલ વૉર્મિંગ, પાણીનો ઉપયોગ, જંગલોનો સફાયો, મહાસાગરોમાં વિકસેલાં ડેડ ઝોન્સ જેવાં વિષયો પર આ ડૉક્યુમેન્ટરી વાત કરે છે. ક્રાઉડ ફંડિગ દ્વારા બનાવાયેલી તથા કિમ એન્ડરસન અને કીગન કુન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ગ્રીનપીસ, સિએરા ક્લબ અને સર્ફરાઇડર જેવી પર્યાવરણ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરી અને અભિગમ પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આ ફિલ્મને કારણે અને પ્રાણી તથા પર્યાવરણની તરફેણમાં કામ કરનારાઓને પગલે ઘણી હકીકતો છતી થઇ છે. આ ફિલ્મ નેટ-ફ્લિક્સ પર ઉપલબ્ધ છે.

ક્લાઇમેટ ચેન્જમાં કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન સૌથી મોટો ફાળો ભજવે છે. ક્લાઇમેટ સાયન્ટિસ્ટના મતે કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રીન હાઉસ ગેસીઝનાં ઉત્સર્જનનું સલામત સ્તર આપણે ક્યારનાં ય વટાવી ચૂક્યાં છીએ. પશુપાલન ઉદ્યોગ વાહનોનાં પ્રદૂષણ કરતાં ગ્રીન હાઉસ ગેસીઝનું વધારે ઉત્સર્જન કરે છે. ૧૮ ટકા ગ્રીન હાઉસ ગેસીઝ પશુ પાલન ઉદ્યોગને આભારી છે. પશુ પાલન ઉદ્યોગ અને તેમનાં મળ મૂત્ર વગેરે દર વર્ષે ૩૨,૦૦૦ મિલિયન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે આખા વિશ્વનાં ગ્રીન હાઉસ ગેસનાં ૫૧ ટકા છે. ગાય, ભેંસ, ડુક્કર વગેરેનાં મળમાંથી મિથેન પેદા થાય છે જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં સો ગણો વધુ નુકસાનકારક છે અને તે ગ્લોબલ વોર્મિંગ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૮૬ ગણી વધારી ક્ષમતા ધરાવે છે. આ સાબિત કરે છે કે ક્લાઇમેટ ચેન્જ એ ફોસિલ ફ્યુઅલની બચતથી કંઇકગણું વધારે છે. ‘કાઉસ્પિરસી’માં આપેલા અનેક ઉદાહરણોમાંનું એક છે; અમેરિકામાં કુદરતી રીતે ગેસ મેળવવા માટે હાઇડ્રોલિક ફેક્ચરિંગનો ઉપયોગ થાય છે જેમાં દર વર્ષે ૧૦૦ બિલિયન ગેલન્સ પાણીનો ઉપયોગ થાય છે, પરંતુ અમેરિકામાં જ પશુ પાલન ઉદ્યોગ માટે ૩૪ ટ્રિલિયન ગેલન્સ પાણી વપરાય છે અને બંન્નેમાંથી મિથેનનું ઉત્સર્જન એક જ સરખું થાય છે. એક હેમ્બર્ગર બનીને ડિશમાં પહોંચે ત્યાં સુધીમાં તેની પાછળ ૬૬૦ ગેલન પાણી વપરાય છે.

વાત માત્ર પાણી પર નથી અટકતી. વિશ્વની ૮૩ ટકા ખેતી લાયક જમીન પશુપાલન ઉદ્યોગમાં વપરાય તો છે પણ પ્રાણીજ ઉત્પાદનો ખાનારાની કુલ ૧૮ ટકા કેલરિઝ જ તે ઉત્પન્ન કરે છે. વનસ્પતિજ ઉત્પાદનોનો ઉપયોગ જમીનના ઉપયોગમાં ૭૬ ટકા ઘટાડો કરે છે અને પ્રાણીજ ખાદ્ય ઉત્પાદનો બનાવવામાં ઉત્સર્જિત થતાં ગ્રીનહાઉસ ગેસીઝ અને અન્ય પ્રદૂષણોનું પ્રમાણ અડધું કરી દે છે. ઇંડા, માંસ, ડેરી અને માછલીઓમાં સોયા ઉમેરવા માટે જે રીતે તેની ખેતી થાય છે, તેમાં જંગલો અને માર્શલેન્ડ સાફ થઈ જાય છે. સોયાનું પ્રોટીન જો સીધું જ લેવામાં આવે અને આ પ્રાણીજ ઉત્પાદનો દ્વારા ન લેવાય તો તેની ખેતી માટે જરૂરી જમીનનું પ્રમાણ પણ ઘટી જાય. વળી ફ્રી રેન્જ મીટનો વિચાર પણ પર્યાવરણ માટે હાનિકારક છે. ઘાસને માંસમાં ફેરવવાની આ રીત જંગલો માટે નુકસાનકારક છે. છૂટાં ફરીને ચરનારાં પશુને માટે મોટો વિસ્તાર જરૂરી છે, જેને માટે જંગલો કાપી નંખાય છે. આખી દુનિયામાં પાક ઊગાડવા માટે જેટલી જમીન વપરાય છે, તેનાં કરતાં બમણી જમીન ઢોરો ચરી શકે તે માટે વપરાય છે. આ જમીનનો ઉપયોગ પાણીનાં નાનાં સ્રોતો, અન્ય જીવોનાં સંવર્ધન વગેરે માટે કરીને કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય છે. બીજી તરફ ઢોરાં ઉછેરતાં હોય ત્યારે તેનું એક કિલો વજન વધે તે માટે તેને દસ કિલો ધાન ખવડાવવું પડે છે, સ્વાભાવિક છે આ ધાન ઊગાડવા માટે પણ જમીન, પાણી, ફોસીલ ફ્યુઅલ, પેસ્ટીસાઇડ્ઝ, હર્બીસાઇડ્ઝ અને ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.

આ બધાં ઉપરાંત દૂધ માટે ગાયો કે ભેંસોનો થતો દુરુપયોગ, માંસ માટે માંડ બે મહિનાનાં વાછરડાની થતી કતલ, ડુક્કર, મરઘાં સાથે આચરાતી ક્રૂરતા વિષે જેટલું કહેવાય એટલું ઓછું છે. વનસ્પતિ આધારિત જીવનશૈલી હશે તો મોટાભાગનાં કઠોળ કે દ્વીદળી ધાન જેમાંથી પ્રોટીન (પ્રોટીનને નામે જ ડેરી અને માંસ ઉદ્યોગ ચાલે છે) મળી શકે છે તે હવામાંથી નાઇટ્રોજન મેળવી જાતને ખાતર પૂરું પાડશે, જમીનનું નાઇટ્રેટ સ્તર વધારશે જેથી તે લણણી બાદ જે પણ પાક ઊગાડાશે તેને કામ લાગશે. આ સંતુલન કેળવવાનું શ્રેય આપણે શા માટે જતું કરવું? માત્ર સ્વિચીઝ બંધ કરવાથી કે ઓછું પાણી વાપરવાથી કે સાઇકલિંગ કરવાથી ફેર નથી પડવાનો. પર્યાવરણની ખરેખર ચિંતા હોય તો વનસ્પતિજ ઉત્પાદનો આધારિત જીવનશૈલી અનુસરવી સૌથી હિતકારી પગલું બનશે. 

બાય ધી વેઃ 

માંસ અને ડેરી ઉદ્યોગ એવો ખર્ચો બની રહ્યાં છે જે આપણને કે આપણાં પર્યાવરણને પોષાય એમ નથી. પશુઓ ઉછેરમાં બેફામ વપરાતાં પાણી અને જમીન આપણને દિવસમાં જરૂર પડતાં આઠ ટકા પ્રોટીનથી કંઇક ગણાં વધારે છે. વનસ્પતિ આધારિત ડાયેટ અને જીવનશૈલી માત્ર પૃથ્વીનાં જ નહીં પણ તમારાં સ્વાસ્થ્યનાં હિત માટે પણ અનિવાર્ય છે. માંસ અને ડેરી ઉત્પાદનોનો ઉપયોગ જો અટકી જાય, તો વૈશ્વિક ખેતી લાયક જમીનનો ઉપયોગ ૭૫ ટકા ઘટી શકે છે – આ વિસ્તાર અમેરિકા, ચીન, યુરોપિયન યુનિયન અને ઑસ્ટ્રેલિયાને ભેગાં કરીએ તો જેટલો પ્રદેશ થાય એટલો મોટો થાય અને છતાં ય દુનિયા ભૂખે તો નહીં જ મરે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2019 

Loading

ભારતીય સંસ્કૃતિની એક ગૌરવપૂર્ણ ઘટના : બ્રાહ્મણ-શ્રમણ પરંપરાનો સમન્વય

રમેશ ઓઝા|Opinion - Opinion|28 July 2019

બ્રાહ્મણ પરંપરામાં જ્યારે યાચનાઓનો અતિરેક થવા લાગ્યો, દેવતાઓને પ્રસન્ન કરવા કે તેમની નારાજગીથી બચવા કર્મકાંડનો અતિરેક થવા લાગ્યો, યજ્ઞ-યાગ અને તેમાં પશુહિંસા થવા લાગી, કોણ શું કરવાને લાયક અને કોણ ના-લાયક એવા અધિકારભેદ થવા માંડ્યા અને તેને કારણે સામાજિક ભેદભાવ વધવા માંડ્યા, ત્યારે તેની સામે બૌદ્ધિક વિદ્રોહ થયો હતો, જેને શ્રમણ પરંપરા તરીકે ઓળખાવવામાં આવે છે. આપણે સંક્ષેપમાં મહાવીર અને બુદ્ધનાં વિચાર અને વલણ તપાસી ગયા છીએ એટલે તેની પુનરોક્તિ કરવાની જરૂર નથી.

સવાલ એ છે કે જો એ વિદ્રોહ હતો તો તેનું સ્વરૂપ કેવું હતું અને વૈદિકોએ તેમ જ સ્થાપિત હિતોએ તેનો મુકાબલો કઈ રીતે કર્યો હતો? દરબારની દીકરી જ્ઞાતિનાં બંધન તોડીને હરિજન સાથે લગ્ન કરે, એને સાંખી નહીં શકનારો અને હરિજન યુવકની હત્યા કરનારો સમાજ આજે જ્યારે જોઈએ છીએ, ત્યારે વિસ્મય થાય કે પ્રાચીન ભારતમાં તો શ્રમણોએ વેદોના પ્રમાણને જ નકારવાનું સાહસ કર્યું હતું! માત્ર વેદોના પ્રમાણની વાત નહોતી, તેમણે તો દેવતાઓની પ્રસન્નતા રળી આપનારા અને નારાજગીથી બચાવનારા બ્રાહ્મણોને નારાજ કર્યા હતા. તેમણે વચ્ચેથી દેવતાઓના દ્વારપાળોને હટાવીને પુરુષાર્થ પર ભાર મુક્યો હતો. અધિકારભેદ નકાર્યા હતા અને બુદ્ધે તો હજુ આગળ વધીને સામાજિક સમાનતા પર ભાર મુક્યો હતો. મહાવીર અને બુદ્ધે સ્થાનિક લોકભાષામાં ઉપદેશ આપીને બ્રાહ્મણોની જ્ઞાન પરની ઈજારાશાહીને પણ પડકારી હતી.

એમાં કોઈ શંકા નથી કે વિદ્રોહ પ્રચંડ હતો, પણ તો પછી તેનો બ્રાહ્મણો(બ્રાહ્મણ જાતિ અને પરંપરા એમ બન્ને અર્થમાં)એ પ્રતિકાર કર્યો કેવી રીતે અને જો પ્રતિકાર નહોતો કર્યો તો પચાવ્યો કઈ રીતે? આજના યુગ માટે આ પ્રાસંગિક પ્રશ્ન છે. વિચારવાનું એ પણ બને કે માત્ર પ્રતિકાર કરવામાં જ મોટાઈ છે કે પછી પચાવવામાં પણ મોટાઈ છે. 

એવું નથી કે પ્રાચીન ભારતમાં શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચે સંઘર્ષ નહોતો થયો. એ યુગના લગભગ દરેક ગ્રંથમાં શ્રમણ-બ્રાહ્મણ સંઘર્ષના ઉલ્લેખ મળે છે. પાણિનિના વ્યાકરણના ગ્રંથમાં સુદ્ધાં શ્રમણ-બ્રાહ્મણ સંઘર્ષના ઉલ્લેખો મળે છે. બન્નેએ એકબીજાની નિંદા તો ઠીક, ઠઠ્ઠા કરી હોય એવા પણ પ્રસંગ મળે છે. ફરક એ છે કે જેવો સંઘર્ષ યહૂદીઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે થયો હતો, ખ્રિસ્તીઓમાં કેથલિક અને પ્રોટેસ્ટંન્ટ વચ્ચે થયો હતો, ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચે થયો હતો, મુસલમાનોમાં શિયા અને સુન્નીઓ વચ્ચે થયો હતો અને આજે પણ થઈ રહ્યો છે, સુન્નીઓના વિવિધ ફિરકાઓ વચ્ચે થયો હતો અને આજે પણ થઈ રહ્યો છે, ખ્રિસ્તીઓ તેમ જ મુસલમાનોનો મૂર્તિપૂજકો તેમ જ તેમને અભિપ્રેત એવા ચોક્કસ પ્રકારના ધર્મમાં નહીં માનનારા આદિવાસીઓ કે બીજા અનેકોશ્વરવાદીઓ સાથે થયો હતો, મુસલમાનો અને યહૂદીઓ વચ્ચે થયો છે અને આજે પણ થઈ રહ્યો છે એવો સંઘર્ષ ભારતમાં જોવા મળ્યો નથી. ધાર્મિક યુદ્ધોનો લાંબો અને લોહિયાળ ઇતિહાસ છે, પણ ભારતે એવો સંઘર્ષ જોયો નથી.

આનું શું કારણ? શું આપણે યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસલમાનો કરતાં વધારે સમજદાર અને સહિષ્ણુ હતા એટલા માટે? વિચારીને જવાબ આપજો. પોતાની પીઠ થાબડી લીધા પછી પીછેહઠ કરવા નહીં મળે. જો એ સમજદારી અને સહિષ્ણુતા હતી, તો તેનો વારસો જાળવી રાખવો પડશે. હા, તમે આ યુગમાં હાથ ખંખેરી નાખવા માંગતા હો તો જુદી વાત છે. તમે એમ કહી શકો કે મારા પૂર્વજો મહાન હતા, પણ આ યુગમાં એવી મહાનતા મને પરવડતી નથી અથવા તમે એમ પણ કહી શકો કે આપણા પૂર્વજો મૂર્ખ હતા. તેઓ જગતની ભૂંડી વાસ્તવિકતાથી અજાણ હતા. તેમના અવ્યવહારુ આદર્શવાદને કારણે હિંદુઓ સતત પરાજિત થતા આવ્યા છે. આવું કહેનારા હિન્દુત્વવાદીઓ છે જેની વાત આગળ કરવામાં આવશે. વિવેક નહોતો પરવડતો  એટલે તો ગાંધીજીની હત્યા કરવી પડી હતી!

આપણે ‘આપણે’ છીએ એટલે મહાન અને બીજા ‘બીજા’ છે માટે દુષ્ટ એવું સાધારણીકરણ બેવકૂફી છે. દરેક વ્યક્તિમાં સારા-નરસાપણું રહેલું હોય છે એટલે દરેક સમાજનો સારો-નરસો ઇતિહાસ હોય છે. આપણે પક્ષે કેટલુંક ગૌરવ લેવા જેવું છે તો શરમાવાપણું પણ છે અને બીજાઓના પક્ષે જો કેટલુંક શરમાવાપણું છે તો ગૌરવ લેવા જેવું પણ છે. આપણે જ્યારે માનવસભ્યતાઓનો ઇતિહાસ તપાસીએ ત્યારે તેને વિવેકપૂર્વક તપાસવો જોઈએ. જો વિવેક જાગૃત હશે તો અપનાવવા જેવું અપનાવવાની અને છોડવા જેવાને છોડવાની શક્તિ વિકસશે. પરાણે પકડી રાખવું અને પરાણે નકારવું એ મૂર્ખતા છે. અહીં કોઈ દલીલ કરી શકે કે શ્રમણ પરંપરા એ બ્રાહ્મણ પરંપરામાં થયેલો આંતરિક સુધારો છે અને આવો સુધારો વેદોના પ્રામાણ્યને નહીં નકારનારા ઉપનિષદોના ઋષિઓએ, પતંજલિએ, ભગવદ્ ગીતા લખનારા વેદ વ્યાસે પણ પોતાની રીતે કર્યા છે.

આ વાત બિલકુલ સાચી છે, પણ સાચી વાત તો એ પણ છે કે ઈસુએ સુધ્ધાં મુસાએ પ્રસ્થાપિત કરેલા ધર્મમાં સુધારા જ સૂચવ્યા હતા. એ સુધારાઓનો પ્રતિકાર કરવામાં આવ્યો હતો તે ત્યાં સુધી કે ઈસુને શૂળીએ ચડાવવામાં આવ્યા હતા. એક રીતે મહમ્મદના સંદેશ પણ જૂની પરંપરામાં સુધારારૂપે જ હતા. ખેતરમાં ઘાસ ઊગે ત્યારે નિંદામણ કરવાનું હોય. અમારું ખેતર અમારું છે માટે એમાં ઘાસ ઊગી જ ન શકે અને તમે તેમાં ઘાસ જોનારાઓ ધર્મદ્રોહી છો એવી દલીલ કરી શકાય છે. આમ પશ્ચિમમાં નિંદામણને નકારનારો પ્રતિકારનો રસ્તો અપનાવવામાં આવ્યો અને આપણે ત્યાં પ્રારંભિક પ્રતિકાર પછી પચાવવાનો માર્ગ અપનાવવામાં આવ્યો. આ આપણી વિશેષતા છે. આને માટે ગર્વ અનુભવવો કે શરમાવું એ તમે નક્કી કરો. આગળ કહ્યું એમ એક વાર ગર્વ અનુભવ્યા પછી પાછા ફરવામાં મુશ્કેલી પડશે.

આમ શ્રમણ-બ્રાહ્મણ પરંપરા વચ્ચે થયેલો સમાગમ પહેલાં સંઘર્ષમાં અને એ પછી સમન્વયમાં પરિણમ્યો હોવો જોઈએ. ‘હોવો જોઈએ’ એમ એટલા માટે કહ્યું છે કે એ સમયે થયેલા વિચાર-વ્યાપારનાં સ્વરૂપની કોઈ સિલસિલાબંધ વિગતો મળતી નથી. દસ્તાવેજીકરણ અને ઇતિહાસ લેખનની આપણે ત્યાં પરંપરા નથી. એકંદરે એટલું સમજાય છે કે આપણા પૂર્વજોએ આપ-લે કરી હતી.

થોડાક દાખલાઓ જોઈએ:

શ્રમણોના યાચનાઓ સામેના આક્રમણને રોકવા માટે જૈમિનિ ઋષિએ વેદની યાચનાપરક  સંહિતાઓનું મોક્ષપરક અર્થઘટન કર્યું હતું. ફરજિયાત કરવું પડ્યું હોય તો પણ તેમાં તેમની મહાનતા હતી. શ્રમણ પરંપરા સ્થાપિત થઈ એ પહેલાં ભગવાન્ શબ્દ ઈશ્વર માટે નહોતો વપરાતો. ભગવાન્ શબ્દ મહાવીર અને બુદ્ધ માટે વપરાતો હતો. પુલ્લિંગ ભગવાન્ અને સ્ત્રીલિંગ ભગવતીનો અર્થ થાય છે; યશસ્વી, પ્રસિદ્ધ, સમ્માનિત, શ્રદ્ધેય, પવિત્ર, પ્રતિષ્ઠિત, આદરણીય. આ બધા વ્યક્તિ માટે વાપરવામાં આવતાં વિશેષણો છે. બુદ્ધ અને મહાવીરે ત્યાગ, તપશ્ચર્યા અને વિચાર દ્વારા એટલી માનવીય ઊંચાઈ પ્રાપ્ત કરી હતી કે માનવ માટે વિશેષણ તરીકે વપરાતું જોઈતું ભગવાન્ વિશેષણ બુદ્ધ અને મહાવીર માટે વપરાવા લાગ્યું હતું અને સમય જતાં રૂઢ થઈ ગયું હતું.

માનવીની ઈશ્વરબરોબરી કરનારી મહાનતા જોઇને વૈદિકોએ ઈશ્વર માટે ભગવાન્ શબ્દ વાપરતા થયા હતા. બ્રાહ્મણ પરંપરાના દેવો આપસમાં લડતા હતા, વેર રાખતા હતા, એક બીજાને નીચા દેખાડતા હતા, જગતના બધા જ ભોગ ભોગવતા હતા જ્યારે અહીં તો એવા માનવ થયા જેની સામે દેવતાઓ ઝાંખા પડવા લાગ્યા. બુદ્ધે તો કહ્યું પણ છે કે તેમનો નિર્વાણ દેવતાઓ માટે પણ છે. વૈરાગસૂચક ભગવો રંગ પણ શ્રમણોની દેન છે જે બ્રાહ્મણોએ અપનાવી લીધો છે. સંન્યાસ પણ બ્રાહ્મણોએ શ્રમણો પાસેથી લીધો છે. એ પહેલાનાં આપણા બધા જ ઋષિઓ પરણેલા ગૃહસ્થ હતા. વૈદિક પરંપરા માટે સંન્યાસ લગભગ અજાણી ચીજ હતી. સ્ત્રીને સંન્યાસની અને મોક્ષની અધિકારી પણ શ્રમણોએ જ માની છે. અને એ તો જાણીતી હકીકત છે કે બ્રાહ્મણોએ ભગવાન બુદ્ધને વિષ્ણુના નવમા અવતાર તરીકે અપનાવી લીધા હતા.

શ્રમણ ધર્મને કારણે બ્રાહ્મણ ધર્મ સામે અસ્તિત્વનું સંકટ પેદા થયું હતું અને માટે તેમણે શ્રમણ પરંપરાને પોતાના પેટમાં સમાવવાનો પ્રયાસ કર્યો હતો એમ કેટલાક લોકો કહે છે. આ કોઈ જાગૃતિપૂર્વકનો સમન્વય નહોતો, વિચારો વચ્ચેનો ચયાપચય નહોતો, પણ સનાતન ધર્મીઓની લબાડી હતી એવો પણ તેઓ આક્ષેપ કરે છે. આવું માનનારાઓમાં બહુજન સમાજના અને દલિત સમાજના કેટલાક વિચારકો છે. પ્રગતિશીલ સવર્ણો પણ છે.

સમન્વય હતો કે લબાડી એની ચર્ચા અત્યારે બાજુએ રાખીએ, વધારે મહત્ત્વની વાત એ છે કે  આપણા પૂર્વજોએ પ્રતિકારનો માર્ગ અપનાવવાની જગ્યાએ પચાવવાનો માર્ગ અપનાવ્યો હતો. હું તો આપણા પૂર્વજો માટે ગર્વ અનુભવું છું, તમે?

24 જુલાઈ 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 જુલાઈ 2019

Loading

...102030...2,9052,9062,9072,908...2,9202,9302,940...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved