Opinion Magazine
Number of visits: 10,228,807
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખાનગીકરણનો મોહ લોકશાહીને મૂડીવાદમાં ન ફેરવી દે તેની તકેદારી જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 January 2020

સરકારી સ્કૂલો, હોસ્પિટલો અને જાહેર વાહન વ્યવહારનું તંત્ર રેઢિયાળ હોય છે તે લોકોએ સ્વીકારી લીધું છે, પણ તેનાં ખાનગીકરણમાં લોકોનું હિત પ્રાથમિકતા ન હોય ત્યારે મધ્યમવર્ગ સૌથી વધુ હેરાન થાય છે.

ખાનગીકરણ કઇ સેવાઓનું કરવું તેનાં કરતાં કેટલી હદે કરવું એ પ્રશ્નનો ઉત્તર હોવો આવશ્યક છે.

એર ઇન્ડિયાનું ખાનગીકરણ ભારત સરકાર માટે પ્રાથમિકતા બની ચૂક્યું છે. રેવન્યુના મામલે સતત ખોટનાં વાદળોમાં ગોટે ચઢેલા એર ઇન્ડિયામાં ૨૦૧૨માં સરકારે ભંડોળ પૂર્યું હતું પણ હવે એનું તળિયું પણ દેખાવા માંડ્યું છે, હવે એર ઇન્ડિયાના ખાનગીકરણમાં વિલંબ કરાશે તો ફરી વાર ભંડોળનું ઇંધણ પૂરવું પડે એવી સ્થિતિ ખડી થઇ શકે છે જે સરકારને પોસાય એમ નથી. જો કે વિશેષજ્ઞોનું કહેવું છે કે કંપનીનું વેચાણ સફળતાપૂર્વક થાય એ માટે સરકારે ધીરજ રાખવી રહી. અત્યારે જ્યારે રૂપિયાનું મૂલ્ય ઓછું છે ત્યારે આ વેચાણ અર્થતંત્ર માટે પણ બહુ ફાયદાકારક સાબિત નહીં થાય. છેલ્લા કેટલાક સમયથી ખાનગીકરણની ચર્ચાઓ વિવિધ ક્ષેત્રે ચાલી છે, તેમાં ય ખાસ કરીને ભારતીય રેલવેનો વહીવટ ખાનગી ઑપરેટર્સને આપવાની વાત થઇ છે ત્યારથી ખાનગીકરણનાં જોખમોની ચર્ચા પણ વહેતી થઇ છે. જાણીતા પત્રકાર વિનોદ દુઆએ પણ પોતાના એક વીડિયોમાં એવાં પ્રશ્નો કર્યા છે કે રેલવેને ખાનગી ઑપરેટર્સનાં હાથમાં આપવાની વાત થાય ત્યારે વિચાર આવે કે ટિકીટ, સ્ટેશનની જાળવણી, સિગ્નલ્સ કે પછી ડબ્બા અને એન્જિન જ્યાં બનશે ત્યાં બધે જ ખાનગી ભાગીદાર હશે કે કેમ?  આમ તો આઇ.આર.સી.ટી.સી. જે એક કંપની છે અને સરકારી રેલવે તંત્રના ભાગ રૂપે જ કામ કરે છે તે ખાનગી વહીવટકર્તા જ છે. હવે ખાનગીકરણનો ઢોળ રેલવેના પાટે કેટલો ચઢાવાશે એ તો સરકાર જાણે. નીતિ આયોગ અને ભારતીય રેલવેએ કરેલી ચર્ચા અનુસાર ૧૦૦ રૂટ્સ પર ચાલતી ૧૫૦ ટ્રેઇન્સ ખાનગી ઑપરેટર્સને સોંપવાની વિચારણા થઇ રહી છે. ખાનગી વહીવટ હોય તો ટેક્નોલોજી, સવલતો, સર્વીસીઝ બધું બહેતર હશે તેવી વાત થઇ રહી છે. જો કે તેજસ એક્સપ્રેસમાં ગણતરીનાં દિવસો પહેલાં પીરસાયેલા બગડેલા ખોરાકને આ બાબત કદાચ લાગુ નહીં પડતી હોય! ખાનગીકરણ દેખાવમાં ભલે ગમે એટલું આકર્ષક હોય અંતે તે મધ્યમવર્ગની પીઠનો ભાર વધારનારું જ સાબિત થાય છે. અમેરિકા, બ્રિટન, આર્જેન્ટીના, ન્યુઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં રેલવેનું ખાનગીકરણ કર્યા પછી લોકોની માંગ, આંદોલનો, અકસ્માતો વગેરેને પગલે ફરી રેલવેનો વહીવટ સરકારે પોતાના હાથમાં લેવો પડ્યો છેની ઘટનાઓ બની જ છે. 

ક્યાંક ખાનગીકરણનું કારણ ખોટ છે તો ક્યાંક વિસ્તાર વધારીને કમાવાની દાનત ખાનગી વહીવટકારોને આવકારનારી સાબિત થાય છે.

જ્યારે પણ જાહેર સાહસોનાં ખાનગીકરણની વાત આવે ત્યારે એક અભિગમ છે કે શા માટે ઘરનું ધન કોઇના હાથમાં સોંપવું?  સરકારનું કામ બિઝનેસ સંભાળવું નથી એવું વિચારનારાઓ પણ છે તો એક દૃષ્ટિકોણ છે જ્યાં લોકોનું માનવું છે કે જ્યારે જાહેર સાહસ ખોટમાં ન હોય ત્યારે તેનું ખાનગીકરણ શા માટે કરવું? ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ ત્રીજા પ્રશ્નમાં ફિટ થતું જાહેર સાહસ છે. આપણા દેશમાં તકલીફ ત્યાં છે કે જે માંદા સાહસો હોય અને જ્યાં ખાનગીકરણ અથવા તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ જરૂરી છે ત્યાં તો એમ નથી થતું પણ શિક્ષણ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સ્વાસ્થ્યની સવલતોમાં ખાનગીકરણ થવા માંડે છે. શિક્ષણનું ખાનગીકરણ આપણે ત્યાં એ હદે થયું છે કે સરકારી નિશાળ કે શિક્ષણ સંસ્થાનોની હાલત વિષે કંઇ ટિપ્પણી કરવા જેવું રહ્યું નથી. બીજી તરફ બી.એસ.એન.એલ. – ભારત સંચાર નિગમ લિમિટેડ કે મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ જેવા સાહસોની હાલત એર ઇન્ડિયા જેવી છે જ્યાં ખોટનો આંકડો રેવન્યુઝ કરતાં ઘણો મોટો છે. આવા સાહસોમાં બ્યુરોક્રેટ્સ નહીં પણ ટેક્નોક્રેટ્સની આવડત કામ લાગી શકે છે પણ એ કરવામાં આપણે પાછા પડીએ છીએ.

ખાનગીકરણનો વિકલ્પ સરકારે ત્યારે જ અપનાવવો જોઇએ જ્યારે જાહેર સાહસનો આર્થિક દેખાવ સરકાર માટે શરમજનક સાબિત થાય. સરકારને જેની કંગાળ હાલતની શરમ લાગવી જોઇએ તેવા જાહેર સાહસો ભગવાન ભરોસે, કર્મચારીઓનાં ભથ્થાં-પગાર વગેરેની ગેરહાજરીમાં મરવાને વાંકે ચાલ્યા કરે છે પણ જે સાચા અર્થમાં મધ્યમ વર્ગની જરૂરિયાત છે ત્યાં ખાનગીકરણનાં અજગરે કચકચાવીને ભરડો માર્યો છે. રાષ્ટ્રીયકૃત બેંકોની સ્થિતિ પણ આપણે અજાણ નથી.

અમેરિકા જેવી મહાસત્તાની વાત કરીએ તો આજે રાષ્ટ્ર આર્થિક રીતે વધુ સક્ષમ બન્યું છે પણ સમયાંતરે બદલાતાં રાજકીય સમીકરણોએ ઘણું બધું બદલી નાખ્યું છે. એક સમયે સરકાર નાગરિકોની નાની મોટી દરેક બાબતનો વહીવટ પોતાના હાથમાં જ રાખતી પણ કોર્પોરેશન્સનો પગપેસારો થતો ગયો અને આજે ખાનગી કોન્ટ્રાક્ટરોનો આંકડો બહુ જ મોટો છે. આ કોન્ટ્રાક્ટર્સ અફઘાનિસ્તાન, ઇરાકનાં યુદ્ધો લડવાથી માંડીને, કેદખાનાં, ઇમીગ્રેશન ડિટેન્શન ફેસિલિટીઝથી માંડીને આતંકવાદ સામે લડવાની સવલતો, કચરો ભેગો કરવાની કામગીરી સુદ્ધાં પૂરી પાડે છે. આજે આ ખાનગી કોન્ટ્રાક્ટર્સ નિયમો ઘડવામાં, ઊર્જા,વાહનવ્યવહાર,સ્વાસ્થ્યથી માંડીને પર્યાવરણને લગતી નીતિ બનાવવામાં પણ ભાગ લે છે. કરવેરા ભેગા કરવાનું કામ પણ તેમનું છે અને વહીવટી ખર્ચાઓ પર નજર રાખવાની જવાબદારી પણ તેમને માથે છે. ખાનગીકરણની તરફેણ થાય તે રીતે વિચારો પણ વહેતા મુકાય છે. સરકારી ખાતાઓનું અંદરખાને ખાનગીકરણ ચાલતું રહે છે જ્યાં સરકારી કર્મચારીઓનો છેદ ગમે ત્યારે ઉડી જાય એ રીતે નિયમો લાગુ કરાય છે. ટ્રમ્પની સરકારમાં આ પ્રક્રિયા ઘણી ઝડપી છે. ખાનગીકરણનાં ફાયદા હોઇ શકે છે અને હશે જ પણ સરકાર લોકશાહીને બદલે મૂડીવાદી લાગવા માંડે એ હદે નાગરિકોથી પર ન થઇ શકે. શેનું ખાનગીકરણ કરવું તેના કરતાં મોટો પ્રશ્ન છે કે કઇ રીતે, કેટલી હદે ખાનગીકરણ કરવું. યુરોપમાં પણ આવા સંજોગો ખડા થયાં જ છે.

અમેરિકા, યુરોપ કે ભારત હોય, ખાનગીકરણ ત્યારે જ સફળ જાય છે જ્યારે જાહેર સવલતોનાં વિકલ્પોમાં દમ નથી હોતો. શિક્ષણ, સ્વાસ્થ્ય અને વાહન વ્યવહાર સરકારી હોય છે ત્યારે તેમાં અવ્યવસ્થા અને ગુણવત્તાનાં પ્રશ્નો હોય છે પણ એ પ્રશ્નો ઉકેલી શકાય એમ હોય છે. માત્ર સરકારમાં એ દાનતની જરૂર હોય છે. પ્રાથમિક જરૂરિયાતોને પહોંચી વળવામાં જાહેર સેવાઓ વધારે સફળ રહે છે તથા સમાજમાં સમાનતા પણ વધે છે. ઓક્સફામે ૧૦૦ દેશોમાં કરેલા સરવે અનુસાર જાહેર સેવાઓને પગલે આર્થિક અસમાનતામાં પ્રભાવી રીતે ઘટાડો થાય છે અને ગરીબ અને તવંગર વચ્ચેની ખાઇ સાંકડી થાય છે તથા જીવન ધોરણ જાળવવામાં થતો ખર્ચ પણ ઘટે છે. જો કે જાહેર સેવાઓ સારી રીતે ચલાવવાનું નાણાં ભંડોળ ક્યાંથી લાવવુંનો પ્રશ્ન પણ કાયમી છે. પરંતુ જે સારી રીતે ચાલે છે, જે મજબૂત છે તેનો ટેકો લઇને માંદા ઉદ્યોગો, ક્ષેત્રો અને જાહેર સેવાઓમાં ચેતન પૂરી શકાય. જો કે ઝડપથી અર્થતંત્રને પાટે ચઢાવવાની લ્હાયમાં લોકોનું હિત પ્રાથમિકતા નથી રહેતું જે આપણી વ્યવસ્થાનો રસપ્રદ વિરોધાભાસ છે. મૂડીવાદ એ હદે ન પ્રસરવો જોઇએ કે લોકશાહી માત્ર નામની જ રહી જાય એ તકેદારી સમાજ, રાજકારણ અને અર્થંતંત્રના ભાગીદારોએ રાખવી રહી.

બાય ધી વેઃ

સરકારી કામગીરીના ફાળા કે અસરકારકતાને કેન્દ્રમાં રાખીને ખાનગીકરણ કરાય તો તેમાં કાચું કપાશે. સ્વાભાવિક છે કે સરકાર કામ નથી કરતી કે પહોંચી નથી વળતી એટલા માટે ખાનગીકરણ કરાતું હોય તો તે જાહેર હિત માટે સારી બાબત છે જ નહીં. જાહેર હિત માટે અનિવાર્ય વિશ્વસનિયતા અને સુસંગતતા ખાનગીકરણનાં દિશા દર્શક હોવા જોઇએ. જો કે આવું ત્યારે જ થઇ શકશે જ્યારે જનતાની માંગ અને હિત વહીવટી તંત્રની પ્રાથમિકતાની યાદીમાં સૌથી પહેલાં હશે. અંધાધૂંધ ખાનગીકરણ ભ્રષ્ટાચાર પણ વધારે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જાન્યુઆરી 2020 

Loading

ન તો હિન્દુઓએ આત્મપરીક્ષણ કર્યું કે ન મુસલમાનોએ!

રમેશ ઓઝા|Opinion - Opinion|19 January 2020

ગયા સપ્તાહના લેખમાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે જેમ ૧૨મી અને ૧૩મી સદીમાં ભાગ્યે જ કોઈ હિંદુ શાસકને કે હિંદુ વિદ્વાનને પ્રશ્ન થયો હતો કે આટલા ઓછા સમયમાં, ચપટી વગાડતા મુસ્લિમ આક્રમણકારો ભારત કબજે કેમ કરી શક્યા; એમ જ ૧૮મી સદીમાં ભાગ્યે જ કોઈ ભારતીયે પ્રશ્ન કર્યો હતો કે, મુઠ્ઠીભર અંગ્રેજો, આટલે દૂરથી આવીને, આપણા જ લોકોની મદદથી, આપણે જ પૈસે, ભારતમાં કાયમી વસવાટ કર્યા વિના – ભલે ૧૧૧ લડાઈ લડવી પડી હોય – પણ કબજે કરી શક્યા એમ કેમ બન્યું? ૧૨મી સદીનું અને ૧૮મી સદીનું એમ બન્ને આશ્ચર્યો એક સરખાં છે!

આ પ્રશ્નનો જવાબ ત્રણ રીતે આપી શકાય અથવા ત્યારે આપી શકાતા હતા. એક. હિંદુ હિંદુઓની અને મુસલમાન મુસલમાનોની ખામી શોધીને અથવા પોતાની કોમનું સ્વભાવ નિરીક્ષણ કરીને આપી શકે. આપણામાં શું ખૂટે છે? ઔરંગઝેબના મૃત્યુ પછી પેદા થયેલા રાજકીય શૂન્યાવકાશમાં હિંદુ પેશ્વાઓને એક મોકો મળ્યો હતો જે તેમણે કેમ ગુમાવી દીધો? સામ્રાજ્ય કેમ રચાય એનું પણ ભાન નહોતું? આ જ રીતે ઔરંગઝેબના અવસાન પછી મુસલમાનોએ મદદ માટે ભારતની બહાર શા માટે નજર દોડાવી? પાંચ સદીથી ભારતમાં રહેવા છતાં દારુલ હર્બ અને દારુલ ઇસ્લામનું વિભાજન કરીને  શાસકવર્ગના મુસલમાનો ભારતીય નહોતા થયા. મુસલમાનોએ વિચારવું જોઈતું હતું કે આપણામાં શું ખૂટે છે. પણ નહોતું હિંદુઓએ આત્મપરીક્ષણ કર્યું કે નહોતું મુસલમાનોએ. 

બે. પરાજિત હિંદુએ અને પરાજિત મુસલમાને ઘડીભાર ભારતીય બનીને ઉપરના પ્રશ્નનાં કારણ શોધવા જોઈતાં હતાં, પણ જ્યારે હિંદુ હિંદુ તરીકે અને મુસલમાન મુસલમાન તરીકે આત્મનિરીક્ષણ ન કરે ત્યારે ભારતીય બનીને ખામી શોધવાનો પ્રયાસ કરે એ તો વધારે પડતી અપેક્ષા કહેવાય.

ત્રણ. એકબીજા પર દોષારોપણ કરીને પોતાનું મન મનાવવા અથવા તો પોતાની જાતને છેતરવા માટે ખામીઓ શોધી શકાય. હિંદુઓ અને મુસલમાનોએ આ જ કર્યું હતું. આ બહુ ભાવતી પ્રવૃત્તિ હતી. આમાં પોતાની જાતને અને પોતાની કોમને બચાવી શકાતી હતી. આમાં સવર્ણો બહુજન સમાજને બહાર રાખતા હતા એ પરાજયનું એક મહત્ત્વનું કારણ હતું એવા તારણથી બચી શકાય.

આ બાજુ ચાલાક અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે ભારતની બન્ને પ્રજાને પરાજયનો ખાસ કોઈ ગમ નથી. હિંદુઓને તો જરા ય નથી. તુલસીદાસે કહ્યું હતું એમ શાસક આવે ને જાય પ્રજાને શું! અત્યાર સુધીના શાસક આપણા જેવી ચામડી ધરાવતા હતા તો હવે નવા શાસકો ગોરી ચામડી ધરાવે છે એનાથી શો ફરક પડે છે! મુસલમાનોની દારુલ હર્બ અને દારુલ ઇસ્લામની કાથાકૂટ પર અંગ્રેજોની નજર રહેતી હતી, કારણ કે કદાચ મુસલમાનો તરફથી ખતરો આવી શકે છે એવી તેમને ધાસ્તી હતી. હિંદુઓની બાબતમાં તેઓ નિશ્ચિંત હતા. તેમણે એ પણ જોયું હતું કે હિંદુ કે મુસ્લિમ બેમાંથી કોઈ આત્મનિરીક્ષણ કરવા તૈયાર નથી અને ખામી દૂર કરવા તો બિલકુલ તૈયાર નથી. જે પ્રજા ખામી શોધવા જ તૈયાર ન હોય ત્યાં ખામી દૂર કરવાનો તો સવાલ જ નથી. ઊલટું અંગ્રેજોના ધ્યાનમાં એ આવ્યું હતું કે બન્ને પ્રજા એકબીજા પર દોષારોપણ કરવામાં મશગૂલ છે.

તેમણે વિચાર્યું કે બંને પ્રજામાં દોષારોપણની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને જ પ્રોત્સાહિત કેમ ન કરવી? તેમને જે ભાવે છે એ જ ચારો નીરતા રહીએ તો ગોળી ચલાવ્યા વિના સેંકડો વરસ સુધી રાજ કરી શકાય. હિંદુ વિદ્રોહને શાંત કરવા મુસ્લિમ શાસકોએ શસ્ત્રો હાથમાં લેવાં પડ્યા હોય એવું તો ભારતના ઇતિહાસમાં ક્યારે ય બન્યું નથી. તેઓ એકબીજાની રિયાસતો જીતવા લડતા હતા, પણ એ તો સત્તાની લડાઈ હતી. એવી સત્તાની લડાઈ તો મુસલમાન શાસકો વચ્ચે આપસમાં પણ ઘણી થઈ છે. જો મુસ્લિમ શાસકોને પાંચ સદી દરમ્યાન હિંદુ વિદ્રોહનો સામનો નથી કરવો પડ્યો તો આપણે પણ ગોળી ચલાવ્યા વિના સેંકડો વરસ સુધી રાજ કરી શકીએ. આમાં જરૂરિયાત માત્ર એટલી છે કે બંને કોમને દોષારોપણનો અને અણગમાનો ચારો નીરતા રહેવો. હા, ઉપર કહ્યું એમ દારુલ હર્બ અને દારુલ ઇસ્લામના કારણે તેઓ મુસલમાનોની બાબતમાં સાબદા રહેતા હતા અને હિંદુઓની બાબતમાં તો સાવ જ નિશ્ચિંત હતા.

પણ ભારતમાં અત્યાર સુધી રાજ કરી ગયેલા હિંદુ કે મુસ્લિમ શાસકોમાં અને અંગ્રેજોના શાસનમાં પાયાનો ફરક હતો. એક ફરક એ હતો કે આગળ જેટલા વિદેશી આક્રમણકારો ભારતમાં આવ્યા એ બધા ભારતમાં વસી ગયા હતા. તેઓ ભારતીય બની ગયા હતા. પણ અંગ્રેજો ક્યારે ય ભારતમાં કાયમ માટે વસ્યા નહોતા કે ભારતીય બન્યા નહોતા.

બીજો ફરક એ હતો યુરોપિયન પહેલાના વિદેશી શાસકો ભારતને આર્થિક રીતે લૂંટવા કે આર્થિક શોષણ કરવા નહોતા આવ્યા; તેઓ તો માત્ર રાજ કરવા આવ્યા હતા. આમ અંગ્રેજો પહેલાના શાસકો માટે ભારત શાસિતભૂમિ હતી, જ્યારે અંગ્રેજો માટે એ સંસ્થાન (કોલોની) અર્થાત્‌ શોષિતભૂમિ હતી. અંગ્રેજો પહેલાના વિદેશી શાસકો શાસકીય લાભ આપવામાં થોડો કોમી પક્ષપાત જરૂર કરતા હતા, જ્યારે અંગ્રેજો પક્ષપાત કર્યા વિના શોષણ અને અન્યાય કરતા હતા અથવા એમ કહી શકાય કે શોષણ અને અન્યાયમાં થોડી રાહત આપીને પક્ષપાત કરતા હતા.

આમ મુસ્લિમ શાસકો કરતાં અંગ્રેજોનો પક્ષપાત બીજા છેડાનો હતો અને એ પણ એકબીજા માટે અણગમો તેમ જ અંતર વધારનારો હતો. જેમ કે કોઈ પ્રાંતમાં હિંદુ જમીનદારો હોય અને મુસ્લિમ ખેતમજૂરો હોય તો એવી રીતનો જમીનસુધારો કરવો કે મુસ્લિમ રાજી થાય અને હિંદુ નારાજ થાય અથવા બીજી દિશાના સુધારા કરવા. જેવી જરૂરિયાત. શોષણ તો બન્નેનું થતું હતું, કારણ કે ભારતનું થતું હતું; પરંતુ રાહતનો અનુભવ બન્ને પ્રજાને થતો હતો. એક દિવસ ભારતની પ્રજાને રાહત એટલી મીઠી લાગવા માંડી કે તેઓ શોષણ થઈ રહ્યું છે એ વાત જ ભૂલી ગયા. જે કોમને રાહત મળતી હતી એ બીજી કોમ કરતાં પોતાને ચડિયાતી કે શાસકોની લાડલી સમજીને પોરસાતી હતી.

ત્રીજો પાયાનો ફરક એ હતો કે અંગ્રેજોના શાસનમાં ભારતનાં ગામડાંઓએ આર્થિક-સામાજિક સ્વાયત્તા ગુમાવી દીધી હતી. ભારતની આ એક કમાલની વિશેષતા હતી. અંગ્રેજો આવ્યા એ પહેલાં ગામડાંઓ એકંદરે આત્મનિર્ભર હતાં. આર્થિક અને સામાજિક પરસ્પરાવલંબન હતું. શહેરો અને શહેરી બજારોની જરૂર નહીં જેવી હતી. નાણાંકીય ચલણ હોવા છતાં ન હોવા જેવું જ હતું. ગામડાંઓમાં સામાજિક ઢાંચો એ જ શાસન હતું. જે સામાજિક નિસરણી પર ઉપર હોય એનો બોલ એ આદેશ. આને કારણે રાજ્યનો પ્રવેશ ગામડાઓમાં મહેસૂલ ઉઘરાવવા પૂરતો જ હતો, પછી રાજ્ય હિંદુનું હોય કે મુસલમાનનું. માટે તુલસીદાસે કહ્યું હતું કે શાસક આવે ને જાય પ્રજાને શો ફરક પડે છે!

અંગ્રેજોએ આ ઢાંચો બદલી નાખ્યો હતો, કારણ કે આગળ કહ્યું એમ તેમનો ઈરાદો આર્થિક શોષણ કરવાનો હતો. શાસન તો તેઓ શોષણ કરવા માટે કરતા હતા. આને કારણે સદીઓથી સુષુપ્ત અવસ્થામાં રહેલ ભારતીય ગ્રામીણ ઢાંચો તૂટી ગયો હતો. એમાંથી સારાં અને નરસાં એમ બંને પ્રકારનાં પરિણામો પેદા થયાં હતાં. સારું એ કે ભારતના નીચેના સામાજિક રીતે શોષિત સમાજને થોડી રાહત મળી અને નરસું એ અર્થમાં કે ગ્રામીણ ભારતે તેની આત્મનિર્ભરતા અને સ્વાયત્તતા ગુમાવી દીધી. ભારત સંપૂર્ણપણે ગુલામ બન્યું.

અંગ્રેજ પહેલાના શાસકોએ ભારતને નહોતું બદલ્યું એટલું અંગ્રેજોએ બદલી નાખ્યું. ભારતમાં વસ્યા વિના, ભારતને વતન બનાવ્યા વિના.

અને ચોથો પાયાનો ફરક શિક્ષણના ક્ષેત્રે હતો જેની વાત હવે પછી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 જાન્યુઆરી 2020

Loading

ચલ મન મુંબઈ નગરી — 27

દીપક મહેતા|Opinion - Opinion|19 January 2020

મુંબઈની મોટી સાહ્યબી, સુખ સ્વર્ગ સમાન

દિલગીરીવાળી દેખાય છે, જેવું મોટું મસાણ

દલપતરામના દેવ તું, સૌની કરજે સહાય

શેર બજારે આ શું કર્યું, વાળ્યો દુનિયાનો દાટ,
લાજ લીધી લાખો લોકોની, ઉપજાવ્યા ઉચાટ.
પ્રથમ તો પૈસા પમાડિયા, લલચાવિયા લોક,
મૂડી વગર કીધા માનવી, ફાંફાં મારતા ફોક.
મુંબઈની મોટી સાહ્યબી, સુખ સ્વર્ગ સમાન,
દિલગીરીવાળી દેખાય છે, જેવું મોટું મસાણ.
કૈંકે વાસણ વેચિયાં, વેચ્યા બંગલા બાગ,
કોઈક કરજ દરિયે પડ્યા, તેનો ન જણાય તાગ.
ઘરમાં સંતાઈ ઘણા રહે, લાગે લોકમાં લાજ,
દલપતરામના દેવ તું, સૌની કરજે સહાય.

કવીશ્વર દલપતરામ

આ પંક્તિઓ લખનાર કવીશ્વર દલપતરામ, મુંબઈનું શેર બજાર, અને અમેરિકાના પ્રમુખ અબ્રહામ લિંકન વચ્ચે સીધો સંબંધ છે એમ કોઈ કહે તો માનો? પણ એ હકીકત છે. આજે અમેરિકાના પ્રમુખને શરદી થાય તો ભારત સહિત બીજા ઘણા દેશોને છીંક આવવા લાગે છે. અને ૧૯ સદીમાં પણ એવું જ બનેલું. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની સ્થાપના થઈ ત્યારથી તેનાં કેટલાંક રાજ્યોમાં ગુલામીની પ્રથા ઘર કરી ગઈ હતી. અને દક્ષિણનાં રાજ્યોને તેમાં ખાસ કશું ખોટું પણ લાગતું નહોતું. જ્યારે ઉત્તરનાં રાજ્યોમાં ગુલામીની પ્રથા ઓછી હતી અને તેનો વિરોધ પણ અવારનવાર થતો હતો. પણ અમેરિકાના પ્રમુખ થયા પછી અબ્રહામ લિંકને અમેરિકામાંથી ગુલામીની પ્રથા નાબૂદ કરવાનું નક્કી કર્યું અને તે અંગેનાં પગલાં લેવા માંડ્યાં. દક્ષિણનાં રાજ્યોએ તેનો વિરોધ કર્યો, અને પછી સંઘમાંથી અલગ થઈ ઉત્તરનાં રાજ્યોના લશ્કર સામે પોતાના લશ્કરને મેદાનમાં ઉતાર્યું. ૧૮૬૧ના એપ્રિલની ૧૨મી તારીખથી અમેરિકામાં આંતર વિગ્રહ શરૂ થયો.

પ્રેસિડન્ટ અબ્રહામ લિંકન

એ જમાનો હતો સુતરાઉ કાપડની બોલબાલાનો. ગ્રેટ બ્રિટનની મિલો અમેરિકાથી રૂ આયાત કરતી, તેનું કાપડ બનાવતી, અને મોંઘા ભાવે એ કાપડ હિન્દુસ્તાન અને બીજાં સંસ્થાનોમાં વેચતી. પણ આંતરવિગ્રહને કારણે અમેરિકન રૂની આયાત બંધ થઈ ગઈ. એટલે એ મિલોએ હિન્દુસ્તાનથી રૂ આયાત કરવાનું મોટે પાયે શરૂ કર્યું. આથી આપણા દેશમાં રાતોરાત રૂના ભાવ વધીને આસમાને ગયા. કહે છે કે લોકોએ પોતાના ઘરનાં ગાદલાં-તકિયા ફાડીને તેમાંનું રૂ પણ વેચી નાખેલું. હવે રૂ ‘સફેદ સોનું’ કહેવાતું હતું. અગાઉ વરસે દહાડે રૂની પાંચ લાખ ગાંસડીની નિકાસ થતી. ૧૮૬૫માં બાર લાખ ગાંસડીની નિકાસ થઈ. રૂની નિકાસની સાથે બીજા કેટલા ય ધંધા-રોજગાર વધ્યા. આ બધાને લોન આપવા માટે નવી નવી ખાનગી બેંકો શરૂ થઈ. તેમણે ઊંચા વ્યાજે પૈસા ધીર્યા. બચતના પૈસા જ નહિ, બેંકો પાસેથી કે ગમે ત્યાંથી પૈસા લઈને લોકોએ એ પૈસા શેરોમાં રોક્યા. વેપારીઓ તો ઠીક, પણ સરકારી નોકરો, મજૂરો, ઝાડુવાળાઓ, બધા શેર બજારના વાદે ચડ્યા. ઘણાએ પોતાનાં ઘર, ઘરેણાં વેચી એ પૈસા શેરમાં નાખ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ તો હજુ શરૂ પણ નહોતું થયું. ટાઉન હોલની સામે એક મોટું વડનું ઝાડ હતું તેની છાયામાં વેપારીઓ અને દલાલો શેર લિયા-દિયાનો વેપલો કરતા. કહે છે કે આ શેર મેનિયા દરમ્યાન ત્યાં એટલા લોકો રોજ ભેગા થતા કે એ જમાનામાં પણ ત્યાં ટ્રાફિક જામ થઈ જતો. અને કેમ ન થાય?  બેક બે રેકલમેશન કંપનીનો પાંચ હજાર રૂપિયાનો શેર પચાસ હજાર રૂપિયામાં વેચાતો હતો, બેંક ઓફ બોમ્બેનો ૫૦૦નો શેર ૨૮૫૦માં વેચાતો હતો.

સર કાવસજી જહાંગીર

શેર-સટ્ટાનાં આ ઘોડાપૂર સામે લાલ બત્તી બતાવનાર એક જણ હતો : સર કાવસજી જહાંગીર રેડીમની. એવણ હતા બેંક ઓફ બોમ્બેના એક ડિરેક્ટર. એ બેંક આડેધડ લોન આપતી હતી એનો વિરોધ કરી અટકાવવાની મહેનત કરી. પણ શેર-સટ્ટાનાં ઢોલ વાગતાં હોય ત્યારે પીપુડીનો અવાજ કોણ સાંભળે? છેવટે એમણે બેંકમાંથી રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ આવ્યા કોટન કિંગ પ્રેમચંદ રાયચંદ. વહેલી સવારથી તેમના ભાયખલાના બંગલા બહાર લોકોનું ટોળું જામતું. શેઠ સાહેબ ખુશ થઈને એક-બે શેર આપી દે તો ન્યાલ થઈ જવાય! અરે, શેર નહિ, શેરની ‘ટિપ’ આપે તો ય ઘરવાળીનાં ઘરેણાં વેચી શેર લેવાય.

કોટ વિસ્તારમાં ખુલ્લામાં ચાલતું શેર બજાર – ૧૯મી સદી

અમદાવાદ અને ગુજરાતના પણ કેટલાયે લોકોએ પોતાની નોકરીઓ છોડી, ને શેરના સટ્ટામાં પડ્યા. આ રીતે શેરબજાર પાછળ પડનારાઓમાંના એક હતા કવીશ્વર દલપતરામ. ગુજરાત, તેનાં ભાષા, સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃતિના ચાહક અંગ્રેજ સરકારના એક ઉચ્ચ અધિકારી એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ કવીશ્વરના મિત્ર અને માર્ગદર્શક. તેમના થકી દલપતરામ અમદાવાદમાં ફાર્બસે સ્થાપેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં વર્ષોથી કામ કરતા હતા. પાંચમાં પૂછાતા હતા, કવીશ્વર તરીકે માનપાન પામતા હતા. નોકરીમાંથી રાજીનામું ન આપવા ફાર્બસે સમજાવ્યા, ઉપરી કર્ટિસે સમજાવ્યા, પણ લક્ષ્મી દેખી મુનીવર ચળે, તો દલપતરામનું શુ ગજું? વર્ષો જૂની નોકરી છોડીને પડ્યા શેરના સટ્ટામાં. શરૂઆતમાં કમાયા, અમદાવાદમાં બંગલો બંધાવવાનું શરૂ કર્યું. એ માટે બેંક પાસેથી લોન લીધી.

પણ પછી શેર બજાર ઊંધે માથે પટકાયું. કેમ? કારણ, ૧૮૬૫ના જૂન મહિનાની બીજી તારીખે અમેરિકાના આંતરવિગ્રહનો અંત આવ્યો. એ દેશમાંથી ગુલામીની પ્રથા નાબૂદ થઈ. એટલે તરત જ ગ્રેટ બ્રિટનની કાપડ મિલોએ હિન્દુસ્તાનથી રૂ મગાવવાનું બંધ કર્યું અને ફરી અમેરિકાથી રૂ આયાત કરવાનું શરૂ કર્યું. આપણા દેશમાં રૂના ભાવ રાતોરાત તૂટ્યા. રૂના વેપારીઓ ભિખારીઓ થઈ ગયા. તેમણે બેંક પાસેથી લીધેલી લોનના પૈસા ડૂબ્યા. પહેલી જુલાઈને દિવસે કેટલા ય સટોડિયા શેરબજારમાં વલણ ચૂકવી ન શક્યા અને દેવાળું કાઢ્યું. એટલે તેમને લોન આપનારી બેંક એક પછી એક ભાંગી. મુંબઈમાં બેકારી, ઉદાસી, હતાશા, છવાઈ ગઈ. કેટલાય લોકો મુંબઈ છોડી પાછા ‘દેશ’ ભેગા થઈ ગયા. ૧૮૬૪માં મુંબઈની વસતી ૮ લાખ ૧૬ હજારની હતી તે ઘટીને ૧૮૭૨ સુધીમાં ૬ લાખ ૪૪ હજારની થઈ ગઈ.

એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ

તે પહેલાં ૧૮૬૨માં ગ્રેટ બ્રિટનની રાણીએ એક ઢંઢેરા દ્વારા બોમ્બે હાઈકોર્ટની સ્થાપના કરી હતી અને તેના પહેલા છ અંગ્રેજ ન્યાયાધીશની નિમણૂક કરી હતી. તેમાંના એક હતા ફાર્બસ. એટલે ૧૮૬૨થી ફાર્બસ મુંબઈમાં હતા, દલપતરામ અમદાવાદમાં. ફાર્બસની તબિયત પણ સારી રહેતી નહોતી. જીવનમાં પહેલી વાર ફાર્બસની સલાહની અવગણના કરી હતી અને શેર બજારના ફંદામાં ફસાયા હતા. એટલે ફાર્બસને મોઢું બતાવતાં પણ દલપતરામને સંકોચ થતો હતો. પણ આફતમાંથી ઉગારી શકે એવો એક જ જણ હતો, ફાર્બસ. એટલે ઓગસ્ટની શરૂઆતમાં દલપતરામ મુંબઈ આવ્યા. ભારે પગલે ફાર્બસના વાલકેશ્વરના બંગલે ગયા. ફાર્બસને મળી ખબરઅંતર પૂછ્યા. પણ જે વાત કહેવા આવ્યા હતા તે કહેતાં જીભ ઊપડે નહિ. માથું નીચું ઢાળીને બેસી રહ્યા. આંખમાં ઝળઝળિયાં. અનુભવી, ચતુર ફાર્બસ સમજી ગયા. કહે : ‘કવીશ્વર, સપડાઈ ગયા લાગો છો.’ તો ય દલપતરામની જીભ ઉપડે નહિ. ‘કાંઈ ફિકર નહિ. મોટા મોટા જજો તથા બેરિસ્ટરો સપડાયા છે. જે વાત હોય તે કહો.’ અને દલપતરામે બધી વાત પેટછૂટી કરી. બીજી થોડી વાતો કરી બંને છૂટા પડ્યા. દલપતરામના ગયા પછી ફાર્બસે બેન્કના ડાયરેક્ટર ખરસેદજી નસરવાનજી કામાને અને પ્રેમચંદ રાયચંદને બોલાવ્યા. ચર્ચા કરી નક્કી કર્યું કે બેન્કે ત્રણ હજાર રૂપિયા લઈ દલપતરામનું બાકીનું ૧૭ હજારનું દેવું જતું કરવું અને બંગલો પાછો સોંપવો. એ જ વખતે ફાર્બસે પોતાના ખિસ્સામાંથી એક હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે બાકીની રકમ બે-ચાર દિવસમાં કવીશ્વર પાસેથી મળી જશે.

પ્રેમચંદ રાયચંદ

બીજે દિવસે દલપતરામને બોલાવી બધી વાત કરી. વાત સાંભળી તેઓ કહે : પણ મારી પાસે તો એક રૂપિયો પણ નથી, ત્યાં બે હજાર ક્યાંથી આપું? દલપતરામની સ્થિતિ કેટલી ખરાબ છે તેનો ખ્યાલ આવતાં બાકીની રકમ પણ ઊભી કરવાનું ફાર્બસે માથે લીધું. ૬૦૦ રૂપિયા પ્રેમચંદ રાયચંદે અંગત રીતે આપ્યા. સર મંગળદાસ નથ્થુભાઈએ ૪૦૦ આપ્યા. વિનાયક શંકરશેટે ૧૫૦ આપ્યા. કરસનદાસ માધવદાસે ૧૦૦ રૂપિયા આપ્યા. ઠક્કર કરસનજી નારણજી અને રતનજી શામજીએ ૧૫૦ આપ્યા. વિનાયકરાવ વાસુદેવે ૧૦૦ રૂપિયા આપ્યા. તોય હજી ૫૦૦ રૂપિયા ખૂટતા હતા. એટલે ફાર્બસે લુવાણા ઠક્કર હંસરાજ કરમસીને બોલાવીને કહ્યું : ‘૧૦૦ કવિતા રચીને તેનું પુસ્તક કવીશ્વર તમને અર્પણ કરશે તેની ખાતરી હું આપું છું. પણ એક કવિતાના પાંચ રૂપિયા લેખે ૫૦૦ રૂપિયા તમે હમણાં જ આપો.’ બીજે દિવસે ફરી દલપતરામને બોલાવી ખૂટતી રકમ તેમના હાથમાં મૂકી. પછી અમદાવાદમાં કર્ટિસનો સંપર્ક કરી દલપતરામને નોકરીમાં પાછા લેવા કહ્યું. પણ તેમની જગ્યાએ તો વ્રજલાલ શાસ્ત્રીની નિમણૂક થઈ ગઈ હતી. તેને છૂટા કેમ કરાય. ફાર્બસ કહે, બંનેને રાખો. દલપતરામનો પગાર હું આપીશ. છેલ્લે દિવસે બંને મળ્યા ત્યારે દલપતરામનાં કેટલાંક પુસ્તકો, હસ્તપ્રતો વગેરે પોતાની પાસે હતાં તે ફાર્બસે પાછાં આપી દીધાં. અને ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં દલપતરામ અમદાવાદ પાછા ગયા. તેમના ગયા પછી ફાર્બસની માંદગી ખૂબ વધી. હવાફેર અને સારવાર માટે પૂના લઈ ગયા. અને ત્યાં જ ૩૧મી ઓગસ્ટે ફાર્બસનું અવસાન થયું, માત્ર ૪૪ વર્ષની વયે.

ફાર્બસના આવા અકાળ અવસાનનો ઘા દલપતરામ માટે કારમો હતો. ફાર્બસ વિરહ નામનું લાંબુ કાવ્ય રચ્યું તેમાં લખ્યું :

દાખે દલપતરામ, પામરનો પાળનાર,
મુંબઈમાં હતો તે લુંટાઈ ગયો માળવો.

બીજે જ વર્ષે, ૧૮૬૬ના મે મહિનામાં હંસરાજ શેઠના આમંત્રણથી દલપતરામ સકુટુંબ મુંબઈ આવ્યા. શેઠે આગતાસ્વાગતા કીધી. કવીશ્વરને અને તેમનાં કુટુંબીજનોને ભેટો આપી. સાતમી મેએ મુંબઈના ભાટિયા મહાજનોએ સભા ભરી દલપતરામને માનપત્ર આપ્યું. વરસાદ શરૂ થતાં પહેલાં જૂનની શરૂઆતમાં દલપતરામ અમદાવાદ પાછા ગયા. દસેક વર્ષ પછી દલપતરામના આંખના દર્દે ફરી જોર કર્યું. અમદાવાદમાં ઉપચાર થાય તેમ નહોતું. એટલે ૧૮૭૭માં કવીશ્વર ફરી મુંબઈ આવ્યા અને સર મંગળદાસની વાડીમાં ઊતર્યા. તે અગાઉ ૧૮૭૪માં ડો. ભાઉ દાજીનું તો અવસાન થયું હતું. બીજા ડોકટરોને બતાવ્યું. તેમણે કહ્યું : ‘મોતિયો આવે છે, પણ હજી પાક્યો નથી. પાકે પછી આવજો તો ઉતારી આપશું.’ હતાશ થઈને ત્રણેક અઠવાડિયાં પછી કવીશ્વર અમદાવાદ પાછા ગયા. પણ પછી ૧૮૭૯માં અમદાવાદમાં નવી શરૂ થયેલી રણછોડલાલ ડિસ્પેન્સરીમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું, પણ સફળ ન થયું. આંખો લગભગ ગઈ. હોસ્પિટલમાંથી જ ગુજરાત વર્નાક્યુલર સોસયટીની નોકરીમાંથી રાજીનામું મોકલી દીધું.

દલપતરામે મુંબઈની છેલ્લી મુલાકાત લીધી ૧૮૮૭માં. એ વર્ષે અમદાવાદમાં ‘દલપતમહોત્સવ’ ઉજવવાનું નક્કી થયું. ત્રણેક વર્ષની મહેનત પછી તે માટે સાડા બાર હજાર રૂપિયા એકઠા થઈ શક્યા હતા. મહોત્સવ સમિતિએ નક્કી કર્યું કે દલપતરામનું એક તૈલચિત્ર તૈયાર કરાવી હેમાભાઈ હોલમાં મૂકવું. પણ તે વખતે આવું ચિત્ર તૈયાર કરી શકે એવો કોઈ કલાકાર અમદાવાદમાં નહોતો. એટલે સમિતિ પોતાને ખર્ચે મે મહિનામાં દલપતરામને મુંબઈ લાવી. બોર્ન એન્ડ શેફર્ડ નામની કંપનીમાં તેમનું તૈલચિત્ર તૈયાર થયું. મૂળ બ્રિટિશ કંપની કલકત્તામાં ૧૮૬૩માં શરૂ થઈ હતી અને છેક ૨૦૧૬માં બંધ થઈ. તેની મુંબઈ શાખા ૧૮૭૬માં શરૂ થઈ અને ૧૯૦૨ સુધી કામ કરતી હતી. ચિત્રનું કામ પૂરું થયે દલપતરામ પાછા અમદાવાદ ગયા.

દલપતરામના જન્મને ૨૦૦ વર્ષ થયાં. પણ તેમની કેટલીક કવિતા ૧૯મી સદીમાં નહિ, પણ ૨૦૨૦માં લખાઈ હોય તેવી લાગે છે. તેવી એક ગરબીની થોડી પંક્તિઓ સાથે કવીશ્વરને આદરાંજલિ આપીએ :

દેશમાં સંપ કરો સંપ કરો,
દિલે દેખી કુસંપથી ડરો રે, દેશમાં …
હાં રે તમે ટંટા ધરમના ટાળો,
જે જે પ્યારો લાગે તે ધર્મ પાળો, દેશમાં …
હાં રે છળ દગા કપટ દો છોડી,
આખા દેશની થઈ આબરૂ થોડી રે, દેશમાં …
હાં રે વાંચો દલપતરામની વાણી,
પક્ષપાત વિના સત્ય પ્રમાણી રે, દેશમાં …

e.mail : deeepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 18 જાન્યુઆરી 2020

Loading

...102030...2,7382,7392,7402,741...2,7502,7602,770...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved