Opinion Magazine
Number of visits: 10,228,915
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્મૃતિકોષે કૉંગ્રેસ રેડિયો

ઉષા મહેતા|Opinion - Opinion|21 January 2020

[ડૉ. ઉષાબહેન મહેતાનું નામ ‘હિંદ છોડો’ આંદોલનનો અવિભાજ્ય હિસ્સો છે. તેમણે શરૂ કરેલો અને ચલાવેલો ‘કૉંગ્રેસ રેડિયો’ના સાહસિક સંભારણાં તેમના આ લેખમાં થોડાં ઝિલાયાં છે.]

1942ના 8 અને 9 ઑગસ્ટના એ યાદગાર દિનો, જ્યારે બાપુએ અંગ્રેજ સરકારને ‘ભારત છોડો’નો આદેશ આપ્યો અને દેશને ‘કરો યા મરો’નો અભય મંત્ર ! ગાંધીજી, જવાહરલાલજી, સરદાર પટેલ, મૌલાના આઝાદ આદિ નેતાઓની સિંહગર્જના સાંભળી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્રારા સંચાલિત હિંદીના વર્ગમાં ભણતા અમે થોડા વિદ્યાર્થીઓએ સંકલ્પ કર્યો, કે આઝાદીના આ આખરી સંગ્રામનો સંદેશ ગમે તે ભોગે દેશના ઘરેઘર અને ગામેગામ ગુંજતો કરવો જોઈએ. આ માટે સભાસરઘસ વગેરે ઉપાયો તો ન જ અજમાવી શકાય, કારણ એના પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. ભૂગર્ભ બુલેટિનનો વિચાર આવ્યો, કારણ આગળના આંદોલનમાં એનો સહારો લેવામાં આવ્યો હતો અને એ વખતના થોડા સાથીઓ પણ અમારી સાથે હતા, પણ બાબુભાઈને અને મને કંઈક નવો ઉપાય શોધવાની હોંશ હતી. સૌ સાથીઓ સાથે વિચારવિનિમય કરતાં અમને થયું કે એક ભૂગર્ભ રેડિયો ચલાવી શકાય તો લોકોમાં નવચેતનાનો સંચાર કરી શકાય. ‘શુભસ્ય શીઘ્રમ’ની વૃત્તિથી પ્રેરાઈ અમે તરત જ રેડિયોના વર્ગ ચલાવતા એક તંત્રવિદ્ (Technician) પ્રિંટરનો સંપર્ક સાધ્યો. એમણે તરત જ અમને સેટ બનાવી આપવાની તૈયારી બતાવી, પણ અમારે એમને દશ હજાર રૂપિયા આપવાના હતા. આથી અમે તો વિમાસણમાં પડ્યા : આટલા પૈસા લાવવા ક્યાંથી ? ઘરે જઈ આ અંગે બાબુભાઈ, ચંદ્રકાંતભાઈ, સુમન, મનુ, બિપિન વગેરે સૌ સાથીઓ ચર્ચા કરવા લાગ્યાં. અમારાં માસી, જેને સૌ ‘જયાબા’ કહેતાં, એ આ બધી ચર્ચા સાંભળતાં હતાં. એઓ બહાર આવ્યાં અને કહે કે ‘છોકરાંઓ, જરા ય ચિંતા ન કરો, મેં સાચવેલા મારા બધા દાગીના, હું તમને આપી દઈશ, પણ તમે આ કામ શરૂ કરો.’ અમે એ લેવાની આનાકાની કરી તો કહે મારા સ્ત્રીધનનો આથી સારો ઉપયોગ બીજો શો થઈ શકે ? માટે હવે તમે વધુ સમય ન બગાડતાં કરો કેસરિયાં. પછી અમારે એમનાં ઘરેણાં લેવાની જરૂર ન પડી, કારણ રવીન્દ્રભાઈ, નારણભાઈ, કાંતિભાઈ આદિ વેપારીઓએ અમને થોડાં નાણાં એકઠાં કરી આપ્યાં. અમે એ પ્રિંટરને આપ્યાં. બે-ચાર દિવસમાં અમારો સૅટ તૈયાર થઈ ગયો અને અમે વાલકેશ્વરમાં એક જગ્યા પણ મેળવી લીધી.

15મી ઑગસ્ટ, 1942ના શુભદિને અમારો રેડિયો કૉંગ્રેસ રેડિયો શરૂ થઈ ગયો. શરૂઆત વંદેમાતરમની અને ગાંધીજી તથા અન્ય નેતાઓનાં ભાષણોની રેકોર્ડથી કરી અને તે પછી આંદોલન અંગે જે કંઈ સમાચાર મળતા એ પ્રસારિત કરવા લાગ્યા.

ડૉ. રામમનોહર લોહિયા, જે તે વખતે મુંબઈમાં હતા. એમણે સમાચાર સાંભળ્યા અને તરત જ રેડિયોની દુકાનવાળાઓ તેમ જ કૉંગ્રેસમાં કામ કરતા રેડિયો એન્જિનિયરોનો સંપર્ક સાધી આ રેડિયો ક્યાંથી ચાલે છે એની તપાસ શરૂ કરી. એક દિવસ 17 કે 18મી ઑગસ્ટે એમણે મારા મામા અજિત દેસાઈ, જે રેડિયો એન્જિનિયર પણ હતા અને જેમણે 1930-32ની લડતમાં લાંબો જેલવાસ ભોગવ્યો હતો, એમને બોલાવ્યા. એમણે તરત જ કહ્યું કે ‘કાલે આ કાર્યકરો આપને મળશે.’ અમને આ સંદેશ પહોંચાડ્યો અને બીજે દિવસે એમની મારફત ડૉ. લોહિયા સાથે અમારી મુલાકાત ગોઠવાઈ. ડૉક્ટરે અમને અભિનંદન આપ્યા, અમારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તરત જ આજથી આ કામની જવાબદારી અમે, એટલે કે અચ્યુતરાવ પટવર્ધન, ડૉ. લોહિયા અને અન્ય સમાજવાદી નેતાઓ લઈએ છીએ. હવે તમારે બસ કામ કરવાનું : બાકી સમાચારો મેળવવા, વાર્તાલાપો તૈયાર કરવા તેમ જ આ કામ માટે પૈસા ભેગા કરવા વગેરે કામો માટે તમારે જરા પણ ચિંતા નહીં કરવાની.’ આમ અમારો ભાર હળવો કરતા અમારા નેતા પ્રત્યે અમે કૃતજ્ઞભાવે જોઈ રહ્યા.

એ પછી થોડા દિવસ અમે સવાર-સાંજ પ્રસારણ કરતાં શરૂઆત થતી ‘This Congrss Radio, speaking from somewhere in India from 12.34 meter …’ એ પછી ‘હિંદોસ્તાં હમારા’ની રેકૉર્ડ વાગતી .. તે વખતે સુચેતાદેવી કૃપાલાણી કૉંગ્રેસની કચેરીનો કાર્યભાર સંભાળતાં. એ અમને ગામેગામથી આવતા આંદોલનના સમાચારો પૂરા પાડતાં, એ સમાચારો પ્રસારિત કરાતા. એ પછી ડૉક્ટર લોહિયા, અચ્યુતરાવ પટવર્ધન, જયપ્રકાશજી આદિ ભૂગર્ભ નેતાઓના સંદેશાઓ કે ભાષણો પ્રસારિત થતાં અને છેવટે વંદેમાતરમ્ ગીતની રેકૉર્ડ વગાડાતી. જેલમાં મહાદેવભાઈ દેસાઈના દેહવિલયના સમાચાર સર્વ પ્રથમ કૉંગ્રેસ રેડિયો પરથી જ પ્રસારિત કરવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે મુંબઈ અને જમશેદપુરની મિલો અને કારખાનાંઓની હડતાળ, અષ્ટી અને ચિમૂરમાં મહિલાઓ પર થયેલા અત્યાચારો આદિના સમાચારો પણ કૉંગ્રેસ રેડિયો પરથી જ આપવામાં આવ્યા હતા. નેતાઓના સંદેશમાં લોકોને ગમે તે ભોગે સ્વરાજ મેળવવા માટે હાકલ કરવામાં આવતી. સૈનિકોને જાલીમ સરકાર સામે બળવો પોકારવાની સલાહ અપાતી. દરેક પ્રકારના શોષણનો અંત કરી શોષણવિહીન સમસમાજની સ્થાપન કારવાની પ્રેરણા આપવામાં આવતી. ડૉક્ટર લોહિયાએ લોકોને અહિંસક લડાઈ માટે સજ્જ થવાની સલાહ આપતાં કહ્યું હતું ‘દેશમાં રક્તની નદીઓ જરૂર વહેશે પણ એ રક્ત અંગ્રેજોનું નહીં પણ દેશ કાજે સ્વાર્પણ કરનારા સેવકો અને સૈનિકોનું હશે.’

આ કાર્યક્રમ ઑગસ્ટની 15મીથી નવેમ્બરની 13મી સુધી લગભગ ત્રણ મહિના સતત ચાલ્યો. રેડિયો દ્વારા દેશમાં જ નહીં પણ પરદેશમાં પણ આંદોલનના સમાચાર પહોંચતા હતા એની જાણ સુભાષબાબુએ ડૉક્ટર લોહિયા પર ઑગસ્ટ 1942માં લખેલા એક પત્ર પરથી અમને થઈ. એમણે લખ્યું હતું કે એઓ રોજ સાંજે 7.30 વાગ્યે આ રેડિયોના સમાચારની આતુરતાપૂર્વક રાહ જોતા. આ કામ કરનાર અમે સાત-આઠ જણ હતા. કામની તૈયારી બાબુભાઈની કોટની ઑફિસમાં બેસી એ અને હું કરતાં. નેતાઓની ધરપકડ ન થાય એ વાતની તકેદારી રાખવા માટે વિઠ્ઠલભાઈ ઝવેરીએ રેકૉડિગની વ્યવસ્થા કરી હતી. એ માટે અમને સુમતિબહેન, ઠાકરસી બંધુઓ, શિકાગો રેડિયોના જગન્નાથ વગેરેની મદદ મળી હતી. દરરોજ પોતે હાજર રહી નેતાઓને રેકૉડિગ માટે લઈ આવે, એમનાં ભાષણો રેકૉર્ડ કરી લે અને એમને પાછાં એમના ભૂગર્ભવાસમાં પહોંચાડી દે. સમાચાર વાંચવાનું કામ કુમી દસ્તુર (પાછળથી કમલ વુડ) મોઇનુદ્દીન હૅરિસ અને હું કરતાં. સમાચાર મેળવવાનું કામ ભાઈ બિપિન અને રવીન્દ્ર કરતાં અને પૈસાની મદદ વિઠ્ઠલભાઈ અને ચંદ્રકાંતભાઈ કરતા.

પોલીસ સતત અમારો પીછો કરતી. આ ઉપરાંત રેડિયોની બધી જ મોટી દુકાનો પર દરોડા પડ્યા હતા. તેમ જ પોલીસની એક ગાડી રેડિયો કઈ દિશામાંથી ચાલે છે એની શોધ કરવા અમારા કેન્દ્રની આજુબાજુ ફરતી રહેતી. આ ગાડી દિશાનો સંકેત આપી શકતી પણ ચોક્કસ જગ્યાનો નિદૈશ ન કરી શકતી આ ઉપરાંત અમે દર દસ-પંદર દિવસે અમારા કેન્દ્રનું સ્થાન બદલતા રહેતાં એટલે પોલીસોને નવેસરથી શરૂઆત કરવી પડતી. જ્યારે જગ્યા બદલીએ ત્યારે અમે નવી જગ્યા ભાડે મેળવવા માટે નવાનવા નુસખા અજમાવતાં. કોઈક વખત કહીએ કે અમારા બૂઢા કાકા ઑપરેશન કરાવવા મુંબઈ આવે છે એમને માટે જગ્યા જોઈએ છે, તો કોઈક વખત કહીએ કે દેશમાંથી જાન આવે છે, ના ઊતારા માટે જગ્યા જોઈએ છે. આમ જૂઠાં કારણો આપવા માટે અમારી ટીકા પણ થતી; પરંતુ લોકો એમ માનતા કે અમે નાની ઉંમરમાં પણ વૃદ્ધો અને સગાંવહાલાંઓની સેવા કરનારાં સમાજસેવકો હતાં અને ડૉક્ટર અમારા ટીકાકારોને સચોટ જવાબ આપતા કહેતા કે, ‘આ તો પોલીસ અને આપણા જુવાનિયાઓના બુદ્ધિબળની કસોટી છે’ એટલે આ જૂઠાણાઓને જૂઠાણું ન કહેવાય, અને જો જૂઠાણું હોય તો પણ એ ક્ષમ્ય છે, પ્રશસ્ય છે.’

રોજની જેમ નવેમ્બરની 12મી તારીખે અમે બાબુભાઈ, રવીન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈ, હું બધાં બાબુભાઈની ઑફિસમાં મળ્યાં હતાં. જગ્યા, પૈસા વગેરે માટે ચર્ચા કરી, પછી હું ડૉક્ટરના તે દિવસના ભાષણની નકલ કરવા આગળના ઓરડામાં બેઠી હતી. ત્યાં પ્રિંટર સહિત ચાર-પાંચ માણસો ઑફિસમાં ઘૂસી આવ્યા. અંદર બાબુભાઈ પાસે ગયા કે એમણે કૈંક કહ્યું અને બાબુભાઈએ મોટેથી કહ્યું, ‘અમને કંઈ ખબર નથી, તમારે મારી ઑફિસમાં જે કંઈ જોવું હોય એ જોઈ શકો છો, તલાશી લઈ શકો છો.’ આ સંકેત સમજી હું અંદર ગઈ અને બાબુભાઈને પૂછયું કે બાની તબિયત માટે આજે ડૉક્ટરે શું કહ્યું ? એટલે કે રેડિયો માટે ડૉક્ટર લોહિયાનો શો સંદેશો પહોંચાડવાનો છે ? એમણે જવાબ આપ્યો, ‘આજે મારાથી કદાચ નહીં આવી શકાય. ડૉક્ટરને ઠીક લાગે એ કરે. જો દવા બદલવાની જરૂર લાગે તો બદલે.’ પોલીસે આ અંગે એમને પૂછયું ત્યારે એમનો જવાબ હતો કે આ છોકરી મારા પાડોશમાં રહે છે. એના મા બીમાર છે. ઘરમાં બીજું કોઈ છે નહીં : એ કંઈ સમજતી નથી એટલે હંમેશાં મારી જ મદદ લે છે.’ હું તરત ઑફિસની બહાર નીકળી. અમારી બધી ફાઈલો ભટ્ટની કેન્ટીનમાં મૂકી અને ઠાકરશીના બંગલા પર પહોંચી, જ્યાં વિઠ્ઠલભાઈ ડૉ. લોહિયા અને હેરિસભાઈનું રેકૉડિંગ કરી રહ્યા હતા. મેં એમને ઑફિસ પર પડેલા દરોડાના સમાચાર આપ્યા અને પૂછયું કે ‘હવે શું કરવાનું ?’ ડૉક્ટરે કહ્યું, ‘તારી શી સલાહ છે ?‘ મેં કહ્યું ‘મારે સલાહ ન આપવાની હોય, તમારા આદેશનું પાલન જ કરવાનું હોય, પણ જો સલાહ માગતા જ હો તો એટલું કહેવાનું કે કોઈ પકડાય કે ન પકડાય, આપણું કામ અટકવું ન જોઈએ.’ ડૉક્ટરે કહ્યું, ‘બરાબર છે, એમ જ થવું જોઈએ.’ મેં કહ્યું ‘થશે,’ ‘કેવી રીતે !’ મેં કહ્યું, ‘એ સમજવા માટે આજે સમય નથી.’ અને સીધી પ્રિંટરના સહાયક મિરઝા પાસે જઈ એમને રાતોરાત બીજો સેટ બનાવવા કહ્યું. ત્યાંથી ઘરે ગઈ. બાને બધી વાત કરી સાડી બદલી અને ‘કદાચ આજે પાછી ન પણ આવું’ એમ કહી, એમને પ્રણામ કરી નીકળી. ત્યાં ચંદ્રકાંતભાઈ આવ્યા. કહે, ‘બહેન, આમ સામે ચડી વાઘના મોંમાં ન જાવ.’ મેં કહ્યું ‘ડૉક્ટરને વચન આપ્યું છે એટલે જવું તો જોઈશે જ.’ તો કહે ’તમને એકલાને નહીં જવા દઉં અને મારી સાથે ચાલ.’

અમે બંને પારેખવાડીમાં અમારા રેડિયો સ્ટેશન પર પહોંચ્યાં. ચંદ્રકાંતભાઈ બહાર પહેરો ભરે, મેં અંદર જઈને પ્રાસારણ શરૂ કર્યું. કાર્યક્રમ પૂરો થયો અને ‘વંદેમાતરમ્’ની રેકૉર્ડ વાગતી હતી ત્યાં ધડાધડ બારણાં તૂટવાના અવાજ સંભળાયા અને જોતજોતામાં અમારા Technician પ્રિંટર અને પોલીસની મોટી પલટણ મારી સમક્ષ આવીને ઊભી રહી ગઈ. આવતાંની સાથે ટુકડીના વડાએ કડક સ્વરમાં ફરમાન કર્યું, ‘રેકૉર્ડ બંધ નહીં થાય તેમ જ સાવધાન થઈ ઊભા રહો. Stand on attention અને એમણે એમ કર્યું. એ પછી તો પ્રિંટર સાહેબે કંઈ કરામત કરી, Fuse ઊડી ગયો. અંધારું થયું. ફાનસને દીવે પંચનામું થયું. નીચે પહેરો ભરતા ભૈયાજીને પંચ તરીકે બોલાવવામાં આવ્યા. એમણે પંચનામા પર સહી કરવાની ના પાડી. કારણ પૂછ્યું તો કહે આ લાકડાનું ખોખું રેડિયો સેટ બોલે છે એમ તમે કહો છો પણ હું એ માનતો જ નથી.. ચંદ્રકાંતભાઈએ અને મેં એમને ખૂબ સમજાવ્યા કે એમના બયાનથી અમને કોઈ નુકસાન નહીં થાય ત્યારે જ એમણે સહી આપી. અમારું કેન્દ્ર બીજે માળે હતું. અમે બહાર આવ્યા. પગથિયે પગથિયે બંદૂકધારી પોલીસ, આગળ ચંદ્રકાંતભાઈ અને હું, પાછળ પોલીસની પલટણ. મેં કહ્યું, ‘ભાઈ, જિંદગીમાં કોઈ આપણને સલામી – Guard of Honour – આપે કે નહીં પણ અત્યારે તો વણમાગી સલામી મળી રહી છે. એમણે સંમતિ આપતાં કહ્યું, ‘હા હો ! આ તો આપણી જિંદગીનો એક યાદગાર દિન – એક મહામૂલો અવસર બની રહેશે.’ એ પછી તો પૂરા છ મહિના બધી તપાસ ચાલી. ત્યાર બાદ સ્પેશ્યલ કોર્ટમાં સતત દોઢ મહિના સુધી કેસ ચાલ્યો. અમે પાંચ આરોપીઓ હતા : બાબુભાઈ, વિઠ્ઠલભાઈ, ચંદ્રકાંતભાઈ, નાનક મોટવાની અને હું. અમારા પર આરોપો હતા સરકારને ઊથલાવવાનું કાવતરું કરવાના, સૈન્યમાં બળવો જગાડવાના, સરકાર પ્રત્યે અસંતોષ ફેલાવવાના અને એવા બીજા ઘણા. મોતીલાલ સેતલવડ, કનૈયાલાલ મુનશી, તેંડુલકર અને ઠક્કર જેવા નામાંકિત વકીલોએ અમારા બચાવમાં અનેક સદ્ધર દલીલો કરી. નાનાભાઈ અને વિઠ્ઠલભાઈ નિર્દોષ ઠર્યા. બાબુભાઈને પાંચ વર્ષની, મને ચાર વર્ષની અને ચંદ્રકાંતભાઈને એક વર્ષની સજા ફરમાવાવામાં આવી, જે અમે હસતે મોઢે સ્વીકારી અને પૂરી કરી.

અમને પૂનાની યરવડા જેલમાં લઈ જવામાં આવ્યાં. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે લગભગ 250 મહિલા કેદીઓ હતી. અમને બધાને સાંજે છ વાગે બૅરેકમાં બંધ કરી દેતા. બીજે દિવસે સવારે 8 વાગ્યા સુધી બૅરેકમાં જ રહેવું પડતું. આથી અમને બહુ ગુસ્સો આવતો એટલે અમે એનો વિરોધ કરવાનું નક્કી કર્યું એક દિવસ અમે બધાં બહાર કમ્પાઉન્ડમાં બેસી ગયાં અને બૅરેકમાં જવાની ના પાડી. અમારાં સાથીદારોમાં પ્રેમાબહેન કંટક, કિસનતાઈ, લક્ષ્મીબાઈ ઠુસે, મૃણાલિની દેસાઈ વગેરેની સાથે ધુળેનાં કમલાબાઈ અષ્ટપુત્રને અને પૂનાનાં સાવિત્રીબહેન માદન પણ હતાં.

કમલાબાઈ અને સાવિત્રીબહેન મને બૅરેકની અંદર લઈ ગયાં અને એમને દૂધ દહીં મૂકવા માટે પાંજરું આપ્યું હતું એનું વચ્ચેનું પાટિયું કાઢી નાખ્યું, પછી મને કહે કે, ‘હવે તું આમાં બેસી જા અને અમે કહીએ નહીં ત્યાં સુધી બહાર ન આવતી.’ હું તો તરત એમના કહ્યાં પ્રમાણે પાંજરામાં ગોઠવાઈ ગઈ. ત્યારે તો એ લોકો બારણું બંધ કરીને ચાલ્યાં ગયાં પણ પછી થોડી થોડી વારે વારાફરતી આવે. થોડી. વારે બારણું ખોલીને થોડી હવા અંદર આવવા દે, એમ કરતાં રાતના બાર વાગ્યા. એક પછી એક અઢીસોએ અઢીસો કેદીઓને ટીંગાટોળી કરી બૅરેકમાં બેસાડ્યાં. એ પછી ગણતરી કરી તો એક કેદી ઓછો. થયો. મુકાદમે, વોર્ડને અને જેલરે પણ ગણતરી કરી તોયે કેદી ક્યાં ય ન મળે. ગણતરીમાં એક કમ જ આવ્યા કરે, એટલે છેવટે પગલી ઘંટી (Alaram Bell) વગાડી અને સુપરિન્ટેન્ડેન્ટને જગાડ્યા. અડધી રાતે સુપરિન્ટેન્ડેન્ટ અને સાહેબ ધુંઆપુંઆ થતા આવ્યા. બધી બૅરેકમાં ગણતરી લેવાઈ. છેવટે અમારી બૅરેકમાં આવ્યા. એ પહેલાં સાવિત્રીબહેને પાંજરું ખોલ્યું. કમલાબાઈએ પાસે જ મારે માટે જાજમ પાથરી. હું પાંજરામાંથી એમાં સરકી ગઈ. ચાદર ઓઢી લીધી અને અમે ત્રણે જણા ભરઊંઘમાં હોઈએ એમ સૂઈ ગયાં. ત્યાં સુપરિન્ટેન્ડેન્ટે સહિત ઑફિસરની પૂરી પલટણ બૅરેકમાં આવી. ગણતરી કરી અને કેદીની સંખ્યા બરોબર થઈ. ત્યાંને ત્યાં જ સુપરિન્ટેન્ડેન્ટે જેલર, વોર્ડન, મુકાદમ સૌને પાણીથી પાતાળા કરી નાખ્યા. એમ કહીને કે પાંચ વરસના બચ્ચાને આવડે એવી સીધી સાદી ગણતરી પણ કરતાં નથી આવડતી ! આવા મહામૂરખોની જમાત ભેગી થઈ છે. બધા બબડતા અને મૂર્ખ શિરોમણિ બનાવવા માટે ફફડતા, અમને ગાળો દેતા બે વાગે ત્યાંથી ગયાં. બીજે દિવસે સવારે ર્વાર્ડને મને ઑફિસમાં બોલાવી. બધાં ફફડી ઊઠ્યાં. કેટલાકે ન જવાની સલાહ આપી. બીજી કેટલીક બહેનપણીઓએ જાપ કરવાના શરૂ કર્યા. હું તો હિંમતથી ગઈ. વોર્ડન કહે, મારે તમને આકરી સજા કરવી પડશે. મેં કહ્યું કે એ માટે હું તૈયાર જ છું પણ પહેલાં મારો ગુનો શું છે એ તમારે કહેવું પડશે. એ કહે, કાલે તમે ક્યાં હતાં ? મેં કહ્યું, તમે મને જ્યાં જોઈ ત્યાં, એટલે ? એટલે કે બૅરેકની અંદર. મારે જ્યાં હોવું જોઈએ ત્યાં, આપ જેલમાં નિયામોનું ચુસ્તપણે પાલન કરવા માટે તમે ભલે મને શાબાશી ન આપો પણ સજા આપો તો કદાચ તમે જ સજાને પાત્ર ગણાવ. આ સામે કોઈ દલીલ ન મળતાં એમણે રુક્ષ સ્વરે કહ્યું You can go – તમે જઈ શકો છો. અંદર જતાં જ દરવાજા આગળ ઊભેલા સૌ હર્ષઘેલાં થઈ નાચવા લાગ્યાં. તરત જ એક સભા ભરી અને ઠરાવ કર્યો કે ભવિષ્યમાં હું જ્યારે લગ્ન કરું ત્યારે મને આ કેદીઓ તરફથી સોનાનું પાંજરું ભેટ આપવું. મેં કહ્યું તમારી લાગણી માટે હું ખૂબ આભારી છું. પણ તમારી ભેટનો સ્વીકાર નથી કરતી, કારણ કે મને પાંજરું તો ન જ ખપે. સોનાનું પણ નહીં.’

આવા હતા એ યાદગાર દિવસો. આજે આઝાદીનાં આટલાં વર્ષો થાય છે. આ સ્વપ્ન સાકાર થવાનાં તો બાજુએ રહ્યાં ! એનાં ખંડેર થઈ ચૂક્યાં છે. આવે સમયે એ અનુભવોમાંથી થોડોક પદાર્થપાઠ શીખીએ તો એ સૌ માટે હિતાવહ થાય એમ લાગ્યા કરે. એ છે :

(1) જે ધગશથી દેશના આબાલવૃદ્ધ દેશની મુક્તિ કાજે લડ્યા એ જ ધગશથી એનાં નવનિર્માણનાં કાર્યો માટે આજે લોકો આગળ આવે.

(2) ‘હિંદુ, મુસલમાન, પારસી, બનો એકતાની આરસી’ ગાતાં સ્વાતંત્ર્ય સૈનિકો એક બની અંગ્રેજ સરકાર સામે લડ્યા, એમ જ આજે બધી કોમોએ એક થઈ કોમવાદ, પ્રદેશવાદ આદિ દુશ્મનોનો સામનો કરવો

(3) સાધારણ સમયમાં તેમ જ કટોકટી કે કસોટીના કપરા કાળમાં પણ પોતાના અનુયાયીઓ કે યુવાન કાર્યકર્તાઓની સલાહ લઈને કામ કરવું એ ડૉક્ટર લોહિયાએ પાડેલી પ્રથા લોકશાહીને સંપૃષ્ટ કરવા માટે ખૂબ જરૂરી છે. કારણ, એમ થાય તો જ લોકશાહી સાચી લોકશાહી બને જેમાં સર્વનો સહભાવ અને સહયોગ હોય એવો સહકાર બની રહે.

(4) વખત આવ્યે લોકોએ દેશના કાયદાનું ઉલ્લંઘન કરી સત્યાગ્રહી બની બળવો પોકારવા સદા તૈયાર રહેવું જોઈએ. પણ એ સાથે જ કાયદો તોડવા માટે જ સજા હોય એનું પાલન કરવાની પણ પૂરી તૈયારી રાખવી જોઈએ, નહીં તો સત્યાગ્રહ દુરાગ્રહ અથવા સ્વાર્થાગ્રહ જ બની રહે.

સ્વાતંત્ર્યસંગ્રામ અને એના સંચાલનમાંથી આપણે થોડાક પાઠ શીખીએ તો એ સંગ્રામ એળે ગયો છે એવી ભાવના ન સેવતાં આપણે સ્વરાજ્યને સુરાજ્ય બનાવવાના રાષ્ટ્રપિતા અને અન્ય નેતાઓના સ્વપ્નને સાકાર કરી શકીશું.

સૌજન્ય : “શાશ્વત ગાંધી”, પુસ્તક : 66; જાન્યુઆરી 2020; પૃ. 17 – 21

Loading

ઈશ દર્શન નિમિત્તે માનવ્યને લાધતા સત્યશોધકની આનંદયાત્રા

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|21 January 2020

ચોથો સુજ્ઞપુરુષ

દસ પાશ્ચાત્ય નવલિકાઓ : વાર્તા સંગ્રહ : સં. રેમંડ પરમાર : રંગદ્વાર પ્રકાશન : પૃ.160 : ISBN: 978-93-80125-42-8

વિશ્વના ઉત્તમ વાર્તાસર્જકોની દસ નવલિકાઓના અનુવાદનો સંગ્રહ 'દસ પાશ્ચાત્ય નવલિકાઓ'. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદની સુદીર્ઘ પરંપરામાં અનુવાદક રેમંડ પરમારે ગુજરાતી સાહિત્યને કરેલું આ નોંધપાત્ર પ્રદાન છે. સંગ્રહની ભૂમિકામાં ડૉ. સગુણા રામનાથન અનુવાદ સંદર્ભે નોંધે છે કે – 'Translation' લેટિન અર્થચ્છાયા ધરાવતો 'Carring across' (સામે પાર લઇ જવું) એવા અર્થવાળો શબ્દ પ્રયોગ છે. આ અર્થને સાર્થક કરતી 'આ નવલિકાઓ વાંચવી એટલે આપણા પોતાના જગતને વળોટીને એક જુદા જગતમાં પ્રવેશ કરવો’.(દ.પા.ન. પૃ.૮) આમ પણ અનુવાદક Cultural Ambassador હોય છે.' સાંસ્કૃતિક સાતત્ય સાધવામાં ને સંસ્કૃતિઓ વચ્ચે સમજણ વધારવામાં અનુવાદનો ફાળો સર્વાધિક છે.' વિકસતા આધુનિક વિશ્વને વિજ્ઞાન – ટેકનોલોજી, ધર્મ અને શિક્ષણ જેવા ક્ષેત્રોની સાથે સાહિત્યિક અને સાંસ્કૃતિક સંબંધો સ્થાપિત કરવા માટે અનુવાદ અતિ આવશ્યક છે. . – ' કોઈ પણ દેશની સંસ્કૃતિ અને કલાનો પરિચય અન્ય દેશની પ્રજાને એની ભાષામાં કરાવવો પડે'. અનુવાદ દ્વારા જ જગતની જુદી જુદી ભાષાઓમાં પડેલું ઉત્તમ સાહિત્ય આપણને ઉપલબ્ધ થઇ શકે .'

'દસ પાશ્ચાત્ય નવલિકાઓ'માંની અમેરિકન વાર્તાકાર હેન્‌રી વાન ડાઈક(૧૮૫૨-૧૯૩૩)ની નવલિકા 'ચોથો સુજ્ઞપુરુષ' (The Fourth WiseMan) આ ચર્ચાના કેન્દ્રમાં છે. હેન્‌રી વાન પેન્સિલવેનિયાના જર્મનટાઉનમાં જન્મેલા અને બ્રુકલીન ઉછરેલા અંગ્રેજી સાહિત્યના અધ્યાપક હતા. એક સર્જક લેખે એમની ઓળખ કવિ, નિબંધકાર અને નવલિકાકાર તરીકેની છે. તો વળી તેમની બીજી ઓળખ ન્યૂયોર્કના પ્રિસબિટેરિયન ફિરકાના સુપ્રસિદ્ધ અને પ્રભાવક વક્તા તરીકેની પણ છે.

તેમનાં સર્જન તરફ એક નજર નાંખીએ તો કાવ્ય ક્ષેત્રે -'Hymns' સંગ્રહ, નિબંધ ક્ષેત્રે -'Little river' 1895 અને 'Fisherman's Luck' 1899 વાર્તા સંગ્રહ -'The Blue Flower' 1902. આ ઉપરાંત તેમની લોકપ્રિય રચનાઓમાં – 'The Other Wiseman (1896) અને The First Christmas tree ( 1902)  નામની બે Christmas story ખૂબ જાણીતી છે. લઘુ પ્રશિષ્ટ કૃતિ તરીકે ખૂબ જાણીતી થયેલી અને યુરોપની લગભગ તમામ ભાષાઓમાં અનૂદિત થયેલી 'ધ અધર વાઈઝ મેન' નવલિકાની લોકપ્રિયતાનું કારણ એમાં વણાયેલું ધાર્મિક ઈસાઈ કથાનક નથી, બલકે એને આધારે એમાં પ્રગટ થયેલી સર્વદેશીય આધ્યાત્મિકતા છે. માનવજાતને પરમેશ્વરનો ભેટો, એમના દર્શન 'દરિદ્રનારાયણ 'માં થાય છે તે છે આ કૃતિનો સનાતન સંદેશ.

ઈસાઈ મૂલ્યો અને પ્રસંગો પર આધારિત આ નવલિકાનું કથાબીજ બાઈબલના 'નવા કરાર'માં આવતા માથ્થીના પુસ્તકના બીજા અધ્યાયની એકથી અઢાર કલમોમાંથી લેવામાં આવ્યું છે. મૂળ પ્રસંગ જોઈએ તો ઇસુ ખ્રિસ્તના જન્મ અગાઉ ૭૦૦ વર્ષ પૂર્વે યર્મિયા પ્રબોધકે કરેલા ભવિષ્ય કથન પ્રમાણે યહૂદિયા પ્રાંતના બેથલેહેમમાં મસીહા ઇસુનો જન્મ થયો. ઈસુના જન્મ સમયે આ શુભ પ્રસંગની નિશાની રૂપે આકાશમાં એક તેજસ્વી તારો દેખાયો. આ શુભ સમાચાર સાંભળી ‘માગી' નામના પૂર્વના (ઈરાનના જરથોસ્તી પુરોહિતો જે માગી નામે ઓળખાય છે.) વિદ્વાન પંડિતો નવા જન્મેલા રાજા ઈસુના દર્શન કરવા આવ્યા. આ સમયમાં હેરોદ રાજા ત્યાં રાજ્ય કરતો હતો. માગીઓએ યરુશાલેમ આવીને પૂછ્યું કે – 'યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે ? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઇને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ’. (માથ્થી ૨:૨:૩) આ સાંભળી હેરોદ ચિંતામાં પડી ગયો, તેણે યહૂદી મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓને બોલાવી ખ્રિસ્તના જન્મ સંબંધી પૃચ્છા કરી. જવાબમાં તેમને જણાવ્યું કે પ્રબોધકોએ એમ લખ્યું છે કે – 'ઓ યહૂદાહ દેશના બેથલેહેમ …. તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇસ્રાએલી લોકોનો પાળક થશે.' (મા.૨:૬ ) ત્યાર પછી રાજાએ માગી પંડિતોને એકાંતમાં બોલાવી તારા સંબંધી જાણકારી મેળવી લીધી અને તેઓને બેથલેહેમ મોકલતાં કહ્યું કે -'તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો, ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું .' ત્યાર પછી માગીઓ તારાની નિશાનીએ તેની પાછળ ચાલતા ચાલતાં તારો જ્યાં થંભ્યો ત્યાં આવ્યા અને નવા જન્મેલા રાજા(બાળ ઈશુ )ના દર્શન કરી કીમતી ભેટ સોગાદો સોનું, રૂપું, બોળ અને લોબાનનું અર્પણ ચઢાવી પૂજા અર્ચના કરી. માગીઓને સ્વપ્નમાં હેરોદ પાસે પાછા ન જવા ચેતવવામાં આવ્યા તેમ જ દેવદૂતે યુસૂફ અને મરિયમને પણ બાળક સાથે મિસર ચાલ્યા જવા જણાવ્યું. પોતે છેતરાયો હોવાનું ભાન થતા અને નવા રાજાના જન્મની બીકથી  હેરોદે  ગુસ્સે ભરાઈને બેથલેહેમની આસપાસના બે વર્ષથી નાના બધાં જ બાળકોની કતલ કરવાનું ફરમાન છોડ્યું. અહીં યર્મિયા પ્રબોધકની બીજી ભવિષ્ય વાણી પણ સત્ય ઠરી – 'રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામામાં સંભળાયો’. (મા.૨:૧૮ )

ઇસુ જન્મના આ જાણીતા કથાનકને કેન્દ્રમાં રાખી, નવલિકાકાર એક નવા જ દ્રષ્ટિકોણ સાથે માનવજાતને સનાતન સંદેશ આપે છે. ' માનવતામાં જ પ્રભુતા છે.' દરિદ્રનારાયણની સેવા એ જ ઈશ્વરની સેવા છે. હેન્‌રી વાનની આ નવલિકા આપણને હરીન્દ્ર દવેની નવલકથા 'માધવ ક્યાંય નથી ..'ની યાદ અપાવે છે. નારદના પરિભ્રમણોમાં કૃષ્ણ જીવે છે. એમ આ નવલિકાનો નાયક આર્તબાન પોતાના પરિભ્રમણોમાં દીન, દુઃખી અને દરિદ્રમાં દેવના દર્શન કરે છે. વાસદાના લયમાં, તપતાં રણની તરસમાં કે દીન દુઃખીઓ પ્રત્યેની દયામાં જ્યાં ઇસુ ન હોય તેવું કોઈ સ્થાન કલ્પી શકાય ખરું ? – 'ભક્તના ખરા હૃદય તલસાટમાં જ ઈશ્વરનો સાક્ષાત્કાર થવો એ ભારતીય સંત ભક્તોએ સ્થાપેલો મહામૂલો વારસો છે. (પૃ.૧૨૮ હરીન્દ્ર) સ્વમાંથી સર્વમાં વ્યાપી જતી વિનમ્રતામાં જ પ્રભુ વસે છે. વાર્તાકાર વાને આ નવલિકાને પાંચ ખંડમાં વહેંચી છે. (૧) હરિનો મારગ (૨) બાબિલ ભણી પ્રયાણ (૩) નાના બાળકને ખાતર (૪) પીડાનો માર્ગ (૫) નવલખું મોતી. આધુનિક ટૂંકીવાર્તાના દ્રષ્ટિકોણથી જોઈએ તો રચના સંવિધાનની રીતે શિથિલ જણાતી, ઘટના, પ્રસંગો અને વર્ણનોથી ભરપૂર આ એક દીર્ઘ નવલિકા છે. વાર્તામાં એક લાંબી ભૌગોલિક યાત્રા છે. ઈરાન – ઇઝરાયેલ – ઈજીપ્ત સુધીની. ભૌગોલિક અંતરની જેમ જ સમયનો પણ એક લાંબો પટ નવલિકામાં દર્શાવાયો છે.

ખ્રિસ્તી ધર્મનાં મૂળ મૂલ્યો પ્રેમ, દયા, કરુણા, મદદની ભાવનાના સિદ્ધાંત પર આ નવલિકા રચાઈ છે. નવલિકાની કથાવસ્તુ પર નજર કરીએ તો આજથી ૨,૦૦૦ વર્ષ પૂર્વે ઇઝરાયેલ અને જગતમાં રોમન સામ્રાજ્યનો સૂર્ય તપતો હતો. ત્યારે બેથલેહેમમાં થયેલ ઇસુજન્મનો સમય અહીં આલેખાયો છે. ઈસુના જન્મ સમયે દેખાયેલા તેજસ્વી તારાને જોઈ પૂર્વના ત્રણ માગી (સુજ્ઞ પુરુષો) નવા જન્મેલા રાજાની સેવા કરવા કિંમતી ભેટ સોગાદો સાથે આવે છે.  પરમેશ્વર રાજાની સેવા અને અર્પણો દ્વારા પૂણ્ય કમાવાની ઈચ્છા દરેક સામાન્ય માણસમાં હોય છે. પરંતુ આ વાર્તાનો નાયક તો Other Wise man છે. એની શોધ માનવ્યની છે. એનો માર્ગ 'હરિનો માર્ગ છે.' જે માર્ગે જવું એ કાચા પોચાનું કામ નથી કેમ કે – 'હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો’. નવલિકાનો નાયક આર્તબાન સર્વસ્વ ત્યાગીને એ માર્ગે નીકળી પડે છે. આર્તબાન ઈરાનના પહાડી પ્રદેશમાં આવેલ એક્બાતાના નગરીનો ધનવાન પંડિત છે. પ્રકૃતિપ્રેમી આર્તબાન જરથોસ્તી પુરોહિત હતો .જે 'માગી' નામે ઓળખાતા. નમ્ર અને ભલા આર્તબાનનું લેખકે આલેખેલું શબ્દચિત્ર જોઈએ તો – 'ચાળીસેક વર્ષની એની ઉંમર, ઊંચો ને શ્યામવર્ણો એનો દેહ, ભ્રમરો નીચે ચમકદાર આંખો, સોહામણો પાતળા હોઠ, હોઠ ફરતે અંકાયેલી દ્રઢતાની રેખાઓ, લલાટ એક સ્વપ્ન દ્રષ્ટાનું ને મુખ એક યોદ્ધાનું. આર્તબાન સંવેદનશીલ છતાં દ્રઢ મનોબળ ધરાવતો પુરુષ હતો ,' ( પૃ. ૧૨૩ ) જરથોસ્તી પુરોહિત 'માગી' તરીકેની એની વેશભૂષા – શુદ્ધ શ્વેત ઊનનો જામો, ઉપર રેશમી ઉપરણો, લાંબા કાળા વાળ પર એક સફેદ ઊંચી અણિયારી ટોપી. એ અગ્નિપૂજક રાજવંશી પુરોહિત હતો. નવલિકાને પ્રારંભે આર્તબાન સહપૂજારીઓ સાથે પોતાની ભવ્ય હવેલીમાં મુલાકાત યોજે છે. યજ્ઞવેદી પાસે અગ્નિમાં હવિ વૃક્ષની ડાળીઓ અર્પતાં પરમાત્મા અહૂર મઝદનું સ્તોત્ર ગાન કરે છે. યજ્ઞના પ્રકાશથી ઝળહળી ઊઠેલા ખંડનું વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે તે જ સમયે અગ્નિપૂજક આર્તબાન પિતાને ઉદ્દેશીને એક વાત પૂછે છે. – 'આપણે અગ્નિની પૂજા કરતા નથી પણ જેણે અગ્નિને પોતાના પ્રતીક તરીકે પસંદ કર્યો છે તે એક માત્ર વિશુદ્ધત્તમ છે તેની અર્ચના કરીએ છીએ. સાક્ષાત્‌ પ્રકાશરૂપ હુતાશન જે પરમ સત્ય છે. તેનું હું આપણી આગળ નિવેદન કરું છું.' એના પિતા આગ્બારુસ જવાબમાં એને કહે છે. – 'પ્રબુદ્ધો કદાપિ મૂર્તિપૂજકો હોતા નથી. તેઓ તો એના સ્થૂળરૂપ પરથી જવનિકા હઠાવે છે.' ને જે સત્યરૂપ છે એના દર્શન કરે છે.

ગ્રહો, તારા અને નક્ષત્રોનું અદ્દભુત જ્ઞાન ધરાવતા આ પંડિતો, ખગોળશાસ્ત્રના જ્ઞાનને ઉત્તમ ગણાવે છે અને અંધકાર તથા પ્રકાશના સાયુજ્ય સંઘર્ષને સ્વીકારે છે કે એનો અંત આવવાનો નથી. પરંતુ આર્તબાન આ વાતને નકારતાં કહે છે કે – 'જો પ્રતીક્ષા અંત વિનાની ને વણબુઝાય એવી હોય તો પછી ખોજ કરવી ને રાહ જોવી મિથ્યા છે' જરથોસ્તી ધર્મગ્રંથોને ટાંકતા તે કહે છે કે – 'મનુષ્ય મહાપ્રકાશની ઉજ્જવળતા સગી આંખે નિહાળવા પામશે' એના પિતા પણ એની વાતનું સમર્થન કરતાં કહે છે – 'કયામતને દહાડે વિજયવંત ભક્ત નબીઓમાંથી બેઠો થશે, એની ચોમેર મહાપ્રભા ઝળહળી ઊઠશે. એનું પોતાનું જીવન સનાતન, નિર્લેપ અને અવિનશ્વર બની જશે અને મરેલાં પાછા સજીવન થશે’. (૧૨૬ ) આ સાંભળી આર્તબાન ખુશ થઇ ગયો અને આ આગાહીને તે પોતાના દિલમાં સંઘરી બેઠો – 'દિવ્ય આશાવિહોણો ધર્મ એટલે અગ્નિવિહોણો યજ્ઞકુંડ' આર્તબાન પ્રાચીન લખાણોનો સંદર્ભ આપી મહાન જ્યોતિર્વિદ બલામને ટાંકે છે.  – 'યાકોબના વંશમાંથી એક સિતારો ઊગશે, ઈસ્ત્રાએલમાં એક શાસ્ત્રનો ઉદય થશે'. આ ઉપરાંત તે દાનિયેલ પ્રબોધકની ભવિષ્યવાણીનો પણ ઉકેલ મેળવી લીધો હોવાની વાત કરતાં કહે છે કે તારા – નક્ષત્રોની ગણતરી પ્રમાણે એ ગેબી વર્ષ આ વર્ષે જ આવે છે. એની શોધ માટે આર્તબાન પોતાના મિત્રો અને સહપ્રવાસીઓ કાસ્પર, મેલ્કિયોર અને બાલ્થાઝર સાથે તૈયાર થાય છે. તેના મિત્રો બોરસિપ્પાના સપ્તર્ષિ મંદિર પાસે આકાશમાં નજર માંડી બેઠા છે. તારો દેખાય એટલે નવા રાજાના દર્શન અર્થે  યેરુશાલેમ તરફ પ્રયાણની તૈયારી છે.

આર્તબાન તો તૈયારી રૂપે પોતાની ભવ્ય હવેલી અને સઘળી માલમત્તા વેચીને બાળરાજાને ચરણે ધરવા અતિ મૂલ્યવાન નીલમ, માણેક અને મોતી જેવા રત્નો ખરીદી લે છે, એટલું જ નહિ સૌ માગીઓને પોતાની સાથે યાત્રામાં જોડાવા કહે છે. પણ આ પ્રસ્તાવથી આશ્ચર્ય પામેલા સહપૂજારીઓ તેને કહેવા લાગ્યા કે – 'આ તો એક મિથ્યા સ્વપ્ન છે, તારાઓ જોઈ જોઈ ને તારું ભમી ગયું છે.' દરેકે તેના આ સાહસને મિથ્યા અને દુ:સાહસ ગણાવ્યું, પરંતુ તેના પિતાએ તેને પ્રેરણા પૂરી પાડી, તેમણે આકાશમાં દેખાયેલા તારાને સત્યના પ્રકાશની નિશાની ગણાવી, કદાચ તે માત્ર પ્રકાશની છાયા નીકળે તો પણ બેસી રહેવા કરતાં એની પાછળ નીકળી પડવું હજાર દરજ્જે બહેતર છે. મિથ્યા થતું હોય તો પણ ઉપડવું ઉત્તમ છે. અજાયબ ચીજો ઢુંઢનારા તો ઘણીવાર એકલા જ નીકળી પડે … પિતાની મંજૂરી અને આશીર્વાદ મળ્યાં. મોડી રાત્રે આકાશ દર્શન કરતાં આર્તબાનને એક તેજસ્વી તારો નજરે પડે છે. આર્તબાન ખુશીથી પોતાનું શિર નમાવી કહે છે. – 'આ જ છે એ નિશાની બાળરાજા અવતરી રહ્યા છે. એના દર્શને હું જઈશ.' હરિનો મારગ સહેલ નથી આર્તબાને સહપૂજારીઓની મજાક સહેવી પડી, સર્વસ્વનો ત્યાગ કરવો પડ્યો, એશોઆરામ છોડી આકરી મુસાફરી આદરવી પડી !

'બાબિલ ભણી પ્રયાણ' શીર્ષકથી કહેવાયેલ બીજા ખંડમાં આર્તબાનની તૈયારીનું વર્ણન મળે છે. વાસદા એની પ્રિય ઘોડી છે. ઠરાવેલ સમયે મિત્રોને મળવા એણે ૧૫૦ કોશ લાંબી મજલ કાપવાની છે. પ્રકૃતિનું રમ્ય – રૌદ્ર રૂપ, દુર્ગમ પહાડો, યુફ્રેતિસ -તિગ્રીસ નદીનાં વહેળા – વમળો અને  કોતરો વટાવતો તે આખરે પ્રાચીન બાબિલ નગરીના બિસ્માર કોટ પાસે આવીને થંભ્યો. આરામની ઈચ્છા હોવા છતાં નિર્ધારિત સમયે રાહ જોતા મિત્રો પાસે સપ્તર્ષિ મંદિરે પહોંચવાનું હતું. હજુ પણ ત્રણ કલાકની મજલ બાકી હતી. મક્કમપણે તેને મુસાફરી જારી રાખી. ખજૂરીના વન પાસે પહોંચતાં જ આર્તબાનની શોધનો પહેલો પડકાર આવ્યો. ખજૂરીની છાયા હેઠળ પડેલો હજારો ગુલામ યહૂદીઓમાંનો એક ગુલામ યહૂદી. પીળી પડી ગયેલી સૂકી ચામડી, ભૂખના દુઃખે દુઃખી લાચાર અને મોતના મુખમાં પડેલ યહૂદી પ્રત્યે એને દયાભાવ જાગ્યો તો ખરો પરંતુ એને હડસેલી એ આગળ વધવા ગયો પણ … પેલા લાચાર ગુલામે આર્તબાનના જામાની ચાળ ખેંચી, એક અણધારી માગણીથી એ ગભરાયો એની સેવાવૃત્તિ સામે આ પડકાર હતો. હવે એ બોરસિપ્પા પહોંચી રહ્યો ! સમયે ન પહોંચાયું તો પેલા સાથીઓ નીકળી જશે … ભારે મનોમંથન અનુભવતો આર્તબાન વિચારે છે કે – 'તારાની પાછળ જવું પડતું મેલવું ? પોતાની શ્રદ્ધાને મળેલી મહાન બક્ષિસ ઠુકરાવવી ? ને તે પણ એક ગરીબ ડચકાં ખાતાં ગુલામ યહૂદી માટે ? આર્તબાને ઈશ્વરને પ્રાર્થના કરી – 'હે સત્યસ્વરૂપ, પરમ વિશુદ્ધ પરમાત્મા ! …. શાણપણનો માર્ગ કેવળ તું જ જાણે છે. મને તારા પાવન પંથે પ્રેર' (૧૩૪) આર્તબાન એને ખજૂરી હેઠળ લઈ ગયો. પાણી વડે એનાં મોં અને કપાળ ભીના કર્યા. આર્તબાન સારો હકીમ પણ હતો તેના કમરબંધમાંના ઓસડિયાં કાઢી એને ભેળવી એક ઘૂંટડો એના ફિક્કા હોઠો વચ્ચે રેડયો. કલાકોની જહેમત પછી પેલા યહૂદીમાં કૌવત પાછું આવ્યું. તેણે આર્તબાનને પૂછ્યું તમે કોણ છો ? આર્તબાને કહ્યું કે – 'હું  આર્તબાન છું ….. ને યરુશાલેમ જઈ રહ્યો છું … ત્યાં સર્વ મનુષ્યોનો તારણહાર જન્મ લેવાનો છે. હું એની શોધ કરી રહ્યો છું.' સમય ન હોવાની કારણે એને માટે દવા દારૂ અને ખોરાક મૂકી, સ્વસ્થ થયે પોતાની વસાહતમાં પાછા જવા સૂચન કરી જવા નીકળે છે. ગુલામ યહૂદીએ એની સુખદ સફર માટે પ્રાર્થના કરી અને એક સૂચન કર્યું કે મસીહા યરુશાલેમ નહિ પણ બેથલેહેમમાં જન્મનાર છે એવી દેવવાણી છે. તરોતાજા થયેલી વાસદા પર સવાર થઇ આર્તબાન સપ્તર્ષિ મંદિર પહોંચે છે પણ …. મોડું થઇ ચુક્યું હતું. કોઈ દેખાતું ન હતું. જર્જરિત મકાનની અગાસી પર ચઢી જુએ છે પણ વણઝારનો કોઈ અણસાર દેખાતો નથી. અગાસીમાં ઈંટના ટુકડા નીચે દબાવેલ ચર્મપત્ર લખાયેલું લખાણ મળ્યું. – 'અમે તાબડતોડ ઉપડીએ છીએ, તું રણમાં અમારી પાછળ હાલ્યો આવ'. નિરાશ, હતાશ આર્તબાન ચિંતાતુર થયો એણે રત્ન વેચી ઊંટો ખરીદી સફરની તજવીજ કરી. એને ચિંતા થઇ આવી કે દયા દાખવવામાં બાળરાજાના દર્શન ચૂકી તો નહિ જવાય ને ?

નાના બાળકને ખાતર – આ ખંડમાં લેખક સ્વપ્ન દ્રશ્ય આલેખતા હોય એમ કથક બનીને આર્તબાનની યાત્રાનું વર્ણન ભાવકો સમક્ષ કરે છે. મોતના મુલક સમું અફાટ રણ, ઉજ્જડ અને ખડકાળ પ્રદેશ, અસહ્ય તાપની વચ્ચે ઊંટ પર બેસી કપટી ઢુવા અને રાતની કાતિલ ઠંડીની પરવા કર્યા વિના આર્તબાન આગળ વધતો રહે છે. દમસ્કસ નગરની સુંદર પ્રકૃતિ, હોર્મોન પર્વતની ગિરિમાળા, યર્દનની ખીણ અને ગાલીલ સમુદ્રના નીલવર્ણા  જળને જોતાં જોતાં એ બેથલેહેમ પહોંચે છે. શરીર થાક્યું છે પણ અંતરમાં ઉત્સાહ છે બાળરાજાના દર્શનનો. માણેક અને મોતી એના ચરણોમાં ધરવા એ અધીરો બન્યો છે.

બેથલેહેમની નિર્જન જણાતી ગલીઓમાં આર્તબાન એક નાનકડી કુટીર પાસે આવે છે. અંદરથી આવતા કોઈ સ્ત્રીનાં ગીતનો અવાજ સાંભળી તે અંદર ગયો તો ત્યાં એક જુવાન માતા પોતાના બાળકને હાલરડું ગાઈ ઢબૂરી રહી છે. આર્તબાનની પૂછ પરછમાં તેણે ત્રણ દહાડા અગાઉ દૂર પૂર્વથી એક તારાના તેજે તેજે અહિ આવેલા ત્રણ અજાણ્યા પુરુષોની વાત કરી એટલું જ નહિ પણ … નાઝરેથથી આવેલા યુસૂફ – મરિયમે ધાવણા બાળક સાથે અહીં ઊતારો કર્યાનું અને પેલા અજાણ્યા પુરુષોએ એ બાળકને ચરણે સોનું, બોળ અને લોબાનનું નજરાણું ધરી પૂજા કરી હોવાની વાત કરી. પેલા ત્રણ પુરુષો પછી તરત તાબડતોડ પરત ચાલ્યા ગયા અને નાઝરેથનું નવા જન્મેલા બાળકવાળું કુટુંબ તે જ રાતે ગુપ્તરીતે મિસર ચાલ્યું ગયું. ત્યાર પછીથી કઈંક અમંગળના એંધાણ વર્તાઈ રહ્યા છે. યરુશલેમથી આવેલા રોમન સૈનિકોના ડરથી લોકો ભાગી રહ્યા છે.

આર્તબાને બાઈના બાળકને વહાલ કર્યું તેને લાગ્યું કે કદાચ 'આ બાળકતો નહિ હોય ને!' સ્ત્રીએ આર્તબાનને જમવા બેસાડ્યો તે જ સમયે બેથલેહેમની ગલીઓમાં અંધાધૂંધી મચી ગઈ, ઠેર ઠેર સ્ત્રીઓની રોકકળ અને રાડારાડ થઇ …. રાજા હેરોદના સૈનિકો બે વર્ષથી નાના યહૂદી બાળકોની કતલ કરી રહ્યા હતા. પેલી સ્ત્રી ગભરાઈ ગઈ પોતાના બાળકને ઓઢણાં હેઠળ સંતાડી રહી હતી. આર્તબાન ઊઠીને બારણે હાથ પહોળા કરીને ઊભો રહ્યો. આર્તબાનના રજવાડી દેખાવને જોઈ લોહિયાળ હાથવાળો સિપાહી પાછો હઠી ગયો તો એનો નાયક આર્તબાનને હટાવવા આવ્યો. આર્તબાને એને કિંમતી માણેક આપી ખરીદી લીધો એટલે તેણે 'અહીં કોઈ બાળક નથી' કહી સિપાહીને આગળ વધવા હુકમ કર્યો. આર્તબાને માસૂમ બાળકને બચાવવાનું પુણ્ય કર્મ તો કર્યું પરંતુ … પોતે જેને માટે નીકળ્યો હતો તેનું શું ? તેણે મનોમન પ્રાર્થના કરી – 'હે સત્યસ્વરૂપ પરમાત્મા ! મારો અપરાધ માફ કરો. મેં આણેલી બે ભેટો તો ગઈ. જે ઈશ્વરનું હતું તે મેં મનુષ્યો પાછળ ખર્ચી કાઢ્યું, હું રાજાનું મુખ નિહાળવાપાત્ર રહીશ કે કેમ ?'

પીડાનો માર્ગ – ત્રીજો ખંડ પણ સ્વપ્નલોકના મૌન સાથે શરૂ થાય છે. આર્તબાનના જીવનનાં વર્ષો ઝડપથી પસાર થઇ રહ્યાં છે. મિસરની ગલીઓમાં નવા જન્મેલા રાજાની (બેથલેહેમથી આવેલા પરિવારની) શોધ કરતો રઝળે છે. કથક નોંધે છે તેમ એલેક્ઝાન્દ્રિયાના એક અંધારિયા ઘરમાં યહૂદી ધર્મગુરુ જોડે આર્તબાનને ગોષ્ઠી કરતો જુએ છે – તેણે આર્તબાનને મસીહાને વેઠવા પડનાર જાકારો, તિરસ્કાર અને વેદનાની વાત કરી. તેમ જ તે કોઈ મહેલમાં નહિ પણ દરિદ્રોની વચ્ચે મળશે. એ નૂતન પ્રકાશ હશે. માટે જેઓ તેને શોધી રહ્યા છે તેમણે તેને રંકજનો, ગરીબો, દુઃખી અને શોષિત પીડિત લોકોની વચ્ચે જ શોધવો પડશે. માટે આર્તબાન મિસરના ગરીબ, નિરાશ્રિતોની વસતીમાં ભટકે છે. રોટલા માટે ટળવળતા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં, જીવતા દોઝખ જેવા મહામારીના વિસ્તારોમાં ભટકી તે  ગરીબ, ભૂખ્યા, માંદા, બીમાર, લોકોની સેવા કરતો રહે છે. માનવસેવાના આ કાર્યમાં જાણે એ પોતાનું ધ્યેય વીસરી ગયો ન હોય.

નવલખું મોતી – આર્તબાનની રઝળપાટમાં જિંદગીનાં તેત્રીસ વર્ષો વીતી ગયાં, એના કાળા વાળ હિમ જેવા સફેદ બની ગયા હતા, આંખોનું તેજ ઘટવા લાગ્યું હતું, શરીર જીર્ણ થયું હતું છતાં યાત્રાપથ પર આગળ વધતો છેલ્લી વારકો યરુશાલેમ આવ્યો. યરુશાલેમની ગલીએ ગલીએ, ગીચ વસ્તીમાં ફર્યો પણ કોઈ પત્તો ન લાગ્યો. યરુશાલેમમાં યહૂદીઓના પર્વ 'પાસ્ખા'નો સમય હતો. દુનિયાભરમાંથી લોકો પાસ્ખા ઉજવવા આવતા હતા.  આખા નગરમાં ઉત્તેજના હતી દમસ્કસના કોટ ભણી જઈ રહેલી મેદનીમાં આર્તબાન પોતાની માતૃભૂમિ ઈરાનના યહૂદીઓનું એક જૂથ જુએ છે. એમની પાસેથી એને ઘટનાની માહિતી મળી કે આજે ગલગથા(ખોપરીની જગા)એ બે લૂંટારાઓ અને નાઝરેથના ઈસુને ક્રુસ પર ચઢાવવાનો છે. ઈસુએ અદ્દભુત કાર્યો કર્યા છે પણ યહૂદી પુરોહિતો એને મારી નાંખવા માંગે છે. કારણ કે એણે પોતાને 'ઈશ્વરપુત્ર' જાહેર કર્યો છે, માટે રોમન સૂબાએ તેને 'યહૂદીઓનો રાજા' એમ કહીને મૃત્યુદંડ ફટકાર્યો છે. આર્તબાનને આ શબ્દો 'યહૂદીઓનો રાજા' ભારે અસર કરી ગયા. જે માણસની શોધમાં પોતે નીકળ્યો હતો 'તે આ જ માણસ તો નહિ હોય ને !' તેનામાં અજબ ઉત્તેજના વ્યાપી ગઈ, 'આખરે મને રાજાનો ભેટો થશે ખરો' ભલે અત્યારે એ દુશ્મનોના હાથમાં હોય, પરંતુ હું મારા આ કિંમતી મોતીની ખંડણી ચૂકવી એને છોડાવીશ. આશાના સંચાર સાથે વૃદ્ધ આર્તબાન એ માનવમહેરામણમાં સામેલ થઇ ગયો. રસ્તામાં પોલીસચોકી આવી ત્યાં મક્દોનિયાના સૈનિકો કોઈ ફાટેલાં કપડાંવાળી જુવાન છોકરીને ઘસડી લાવતા હતા. ત્યાં ઊભેલા આર્તબાનને જોઈ છોકરી દોડીને એના ઘૂંટણને બાઝી ચીસ પાડી ઊઠી – 'પરમ પવિત્ર પરમાત્માને ખાતર મને બચાવી લો'.  બાપનું દેવું વસૂલ કરવા યુવાન છોકરીને પકડી લાવી એને ગુલામ તરીકે વેચી દેવાની હોવાથી છોકરી ચિત્કારી રહી હતી. આર્તબાનના દિલ દિમાગમાં ભારે સંઘર્ષ પેદા થયો. તે ધ્રુજી ઊઠ્યો – 'એક બાજુ એની શ્રદ્ધાની માગણી બીજી બાજુ પ્રેમનો સંવેગ. જે ભેટ એણે ધર્મ માટે રાખી હતી, માનવ સેવાને અર્થે  બબ્બે વાર બાબિલના ખજૂરીના દ્વીપકલ્પમાં અને બેથલેહેમના છાપરામાં તેના હાથમાંથી લઈ લેવામાં આવી હતી. હવે આ ત્રીજું પારખું હતું. આ એક મહાન મોકો હતો કે અંતિમ પ્રલોભન ? એ કશું કરી શકે એમ નહોતો. એણે નક્કી કર્યું કે  – 'આ નિરાધાર છોકરીની વહારે ધાવું, પ્રેમની એ જ હતી સાચી કરણી' (પૃ.૧૪૬) એણે મન મક્કમ કર્યું આ જ છે તારી મુક્તિનું ચુકવણું 'બાળરાજાની અર્ચના માટે રાખી મુકેલી આ છેલ્લી દોલત તેણે ગુલામ છોકરીના હાથમાં મૂકી. ઇશદર્શનની ક્ષણ નજીક આવે છે ત્યાં જ એની આકરી પરીક્ષા થાય છે.  એ બોલતો હતો તે દરમ્યાન જ ચારે તરફ અંધકાર વ્યાપી ગયો, જમીન ખળભળી ઊઠી, મકાનની દીવાલો તૂટી પડી, પથ્થરો ગબડ્યા, પ્રચંડ આંધીમાં સિપાહીઓ લથડિયાં ખાઈ ગયા અને ભયના માર્યા ભાગ્યા. આર્તબાન અને આઝાદ કરાવેલી છોકરી પિલાત(રોમન સૂબા)ના મહેલની દીવાલ પાસે બેસી પડ્યાં.

આર્તબાનની નવા રાજાની શોધ પર પાણી ફરી વળ્યું હતું, પોતાની પ્યાસ અબૂઝ રહી ગઈ હતી. હવે એ તરસનો અંત આવી ગયો હતો. તેમ છતાં એક ગજબની શાંતિ એનામાં વ્યાપી વળી હતી. એ જાણતો હતો કે એણે પીછેહઠ નહોતી કરી, જાણે બધું જ પાર પડી ગયું હતું ! ઉત્તમ રીતે પાર પડ્યું જે પ્રકાશ પોતાને લાધ્યો હતો તેને પોતે વફાદાર રહ્યો હતો. જે થવા કાળ હતું તે જ થયું છે. જો ફરી વાર પણ પોતાને જિંદગી જીવવાની મળે તો આનાથી ઊલટું કશું જ ન બનવું જોઈએ. એમ વિચારતો ત્યાં બેઠો હતો એટલામાં ફરી ધરતી ધણધણી મહેલની છતમાંથી એક નળિયું પડ્યું અને વૃદ્ધ આર્તબાનના કપાળમાં વાગ્યું, તેણે છોકરીના ખભે માથું ઢાળી દીધું ઘામાંથી લોહી વહી રહ્યું હતું. આર્તબાનના મૃત્યુની બીકે તે ડરી ગઈ હતી. દૂર દૂરથી સંગીતના સૂરોનો અવાજ આવતો હતો. અર્થ તો પકડાતો ન હતો. પણ વૃદ્ધ આર્તબાનના હોઠ ફફડ્યા ઈરાની ભાષામાં તે બોલ્યો …'એવું નહોતું, મારા પ્રભુ ! મેં તમને ક્યારે ભૂખ્યા જોયાને રોટલો ખવડાવ્યો ? અથવા તરસ્યા જોયા ને પાણી પાયું ? તમને ક્યારે માંદા જોયા, કારાવાસમાં જોયા અને મેં તમારી ખબર કાઢી ? તમને શોધવા તેત્રીસ તેત્રીસ વર્ષો લગી અથડાતો કૂટાતો રહ્યો પણ મેં કદી તમારા મુખના દર્શન કર્યા નહિ . હે મારા રાજા, મારાથી તમારી પૂજા પણ ના થઇ'. અહીં ફરી લેખક માત્થીના પુસ્તકની કલમ ૨૫:૪૦નો સંદર્ભ આપે છે – 'આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું .'  ફરી દૂર દૂરથી, ખૂબ મંદ અને મધુર અવાજ આવ્યો – 'હું સાચું કહું છે કે મારા ભાઈઓમાંના અદનામાં અદના માટે તેં  જે કાંઈ કર્યું છે તે મારા માટે જ કર્યું છે.' (૧૪૮) આર્તબાનનું ફિક્કું મુખ આનંદ અને આશ્ચર્યની શાંત પ્રભાથી ઝળહળી ઊઠયું. અનંત વિશ્રાંતિનો એક દીર્ઘ અને આખરી શ્વાસ એના મુખમાંથી સરી પડ્યો . – 'એનું નજરાણું સ્વીકારી લેવાયું હતું ….. આ સુજ્ઞ પુરુષને રાજાની ભાળ લાગી હતી.

ખ્રિસ્તીધર્મના કેન્દ્રમાં માનવસેવા છે. દેવસેવા માટે જોડાયેલા બે હાથ કરતાં મદદ માટે લંબાવેલો એક હાથ વિશેષ મૂલ્ય ધરાવે છે. દેવપુત્ર હોવા છતાં ઇસુ એક સામાન્ય માણસ તરીકે આ પૃથ્વી પર રહ્યા અને સૌ દીન દુઃખી, દલિત, પીડિત શોષિતની સેવા માટે કાર્ય કર્યું અને પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું. માનવધર્મની મહત્તા સ્થાપિત કરનાર મસીહાના જન્મ નિમિત્તે લેખક નીતિ નિયમો અને કર્મકાંડોમાં બંધાયેલ ધર્મની સામે સાચા ધર્મને મૂકી લેખક માનવ્યનો સનાતન સંદેશ આપે છે. માનવપ્રેમથી ઊભરાતું હૃદયમંદિર એ જ ખરું તીર્થધામ છે.

સંદર્ભગ્રંથ :


૧. દસ પાશ્ચાત્ય નવલિકાઓ – અનુવાદ : રેમંડ પરમાર

૨. બાઈબલ

૩. નવો કરાર

૪. હરીન્દ્ર દવે

૫. Henry van Dyke – wikipedia

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, Mirzapur Rd, Opp Lucky Restaurant, Old City, Gheekanta, Lal Darwaja, Ahmedabad, Gujarat 380 001

Loading

ન તો હિન્દુઓએ આત્મપરીક્ષણ કર્યું કે ન મુસલમાનોએ!

રમેશ ઓઝા|Opinion - Opinion|19 January 2020

ગયા સપ્તાહના લેખમાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે જેમ ૧૨મી અને ૧૩મી સદીમાં ભાગ્યે જ કોઈ હિંદુ શાસકને કે હિંદુ વિદ્વાનને પ્રશ્ન થયો હતો કે આટલા ઓછા સમયમાં, ચપટી વગાડતા મુસ્લિમ આક્રમણકારો ભારત કબજે કેમ કરી શક્યા; એમ જ ૧૮મી સદીમાં ભાગ્યે જ કોઈ ભારતીયે પ્રશ્ન કર્યો હતો કે, મુઠ્ઠીભર અંગ્રેજો, આટલે દૂરથી આવીને, આપણા જ લોકોની મદદથી, આપણે જ પૈસે, ભારતમાં કાયમી વસવાટ કર્યા વિના – ભલે ૧૧૧ લડાઈ લડવી પડી હોય – પણ કબજે કરી શક્યા એમ કેમ બન્યું? ૧૨મી સદીનું અને ૧૮મી સદીનું એમ બન્ને આશ્ચર્યો એક સરખાં છે!

આ પ્રશ્નનો જવાબ ત્રણ રીતે આપી શકાય અથવા ત્યારે આપી શકાતા હતા. એક. હિંદુ હિંદુઓની અને મુસલમાન મુસલમાનોની ખામી શોધીને અથવા પોતાની કોમનું સ્વભાવ નિરીક્ષણ કરીને આપી શકે. આપણામાં શું ખૂટે છે? ઔરંગઝેબના મૃત્યુ પછી પેદા થયેલા રાજકીય શૂન્યાવકાશમાં હિંદુ પેશ્વાઓને એક મોકો મળ્યો હતો જે તેમણે કેમ ગુમાવી દીધો? સામ્રાજ્ય કેમ રચાય એનું પણ ભાન નહોતું? આ જ રીતે ઔરંગઝેબના અવસાન પછી મુસલમાનોએ મદદ માટે ભારતની બહાર શા માટે નજર દોડાવી? પાંચ સદીથી ભારતમાં રહેવા છતાં દારુલ હર્બ અને દારુલ ઇસ્લામનું વિભાજન કરીને  શાસકવર્ગના મુસલમાનો ભારતીય નહોતા થયા. મુસલમાનોએ વિચારવું જોઈતું હતું કે આપણામાં શું ખૂટે છે. પણ નહોતું હિંદુઓએ આત્મપરીક્ષણ કર્યું કે નહોતું મુસલમાનોએ. 

બે. પરાજિત હિંદુએ અને પરાજિત મુસલમાને ઘડીભાર ભારતીય બનીને ઉપરના પ્રશ્નનાં કારણ શોધવા જોઈતાં હતાં, પણ જ્યારે હિંદુ હિંદુ તરીકે અને મુસલમાન મુસલમાન તરીકે આત્મનિરીક્ષણ ન કરે ત્યારે ભારતીય બનીને ખામી શોધવાનો પ્રયાસ કરે એ તો વધારે પડતી અપેક્ષા કહેવાય.

ત્રણ. એકબીજા પર દોષારોપણ કરીને પોતાનું મન મનાવવા અથવા તો પોતાની જાતને છેતરવા માટે ખામીઓ શોધી શકાય. હિંદુઓ અને મુસલમાનોએ આ જ કર્યું હતું. આ બહુ ભાવતી પ્રવૃત્તિ હતી. આમાં પોતાની જાતને અને પોતાની કોમને બચાવી શકાતી હતી. આમાં સવર્ણો બહુજન સમાજને બહાર રાખતા હતા એ પરાજયનું એક મહત્ત્વનું કારણ હતું એવા તારણથી બચી શકાય.

આ બાજુ ચાલાક અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે ભારતની બન્ને પ્રજાને પરાજયનો ખાસ કોઈ ગમ નથી. હિંદુઓને તો જરા ય નથી. તુલસીદાસે કહ્યું હતું એમ શાસક આવે ને જાય પ્રજાને શું! અત્યાર સુધીના શાસક આપણા જેવી ચામડી ધરાવતા હતા તો હવે નવા શાસકો ગોરી ચામડી ધરાવે છે એનાથી શો ફરક પડે છે! મુસલમાનોની દારુલ હર્બ અને દારુલ ઇસ્લામની કાથાકૂટ પર અંગ્રેજોની નજર રહેતી હતી, કારણ કે કદાચ મુસલમાનો તરફથી ખતરો આવી શકે છે એવી તેમને ધાસ્તી હતી. હિંદુઓની બાબતમાં તેઓ નિશ્ચિંત હતા. તેમણે એ પણ જોયું હતું કે હિંદુ કે મુસ્લિમ બેમાંથી કોઈ આત્મનિરીક્ષણ કરવા તૈયાર નથી અને ખામી દૂર કરવા તો બિલકુલ તૈયાર નથી. જે પ્રજા ખામી શોધવા જ તૈયાર ન હોય ત્યાં ખામી દૂર કરવાનો તો સવાલ જ નથી. ઊલટું અંગ્રેજોના ધ્યાનમાં એ આવ્યું હતું કે બન્ને પ્રજા એકબીજા પર દોષારોપણ કરવામાં મશગૂલ છે.

તેમણે વિચાર્યું કે બંને પ્રજામાં દોષારોપણની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને જ પ્રોત્સાહિત કેમ ન કરવી? તેમને જે ભાવે છે એ જ ચારો નીરતા રહીએ તો ગોળી ચલાવ્યા વિના સેંકડો વરસ સુધી રાજ કરી શકાય. હિંદુ વિદ્રોહને શાંત કરવા મુસ્લિમ શાસકોએ શસ્ત્રો હાથમાં લેવાં પડ્યા હોય એવું તો ભારતના ઇતિહાસમાં ક્યારે ય બન્યું નથી. તેઓ એકબીજાની રિયાસતો જીતવા લડતા હતા, પણ એ તો સત્તાની લડાઈ હતી. એવી સત્તાની લડાઈ તો મુસલમાન શાસકો વચ્ચે આપસમાં પણ ઘણી થઈ છે. જો મુસ્લિમ શાસકોને પાંચ સદી દરમ્યાન હિંદુ વિદ્રોહનો સામનો નથી કરવો પડ્યો તો આપણે પણ ગોળી ચલાવ્યા વિના સેંકડો વરસ સુધી રાજ કરી શકીએ. આમાં જરૂરિયાત માત્ર એટલી છે કે બંને કોમને દોષારોપણનો અને અણગમાનો ચારો નીરતા રહેવો. હા, ઉપર કહ્યું એમ દારુલ હર્બ અને દારુલ ઇસ્લામના કારણે તેઓ મુસલમાનોની બાબતમાં સાબદા રહેતા હતા અને હિંદુઓની બાબતમાં તો સાવ જ નિશ્ચિંત હતા.

પણ ભારતમાં અત્યાર સુધી રાજ કરી ગયેલા હિંદુ કે મુસ્લિમ શાસકોમાં અને અંગ્રેજોના શાસનમાં પાયાનો ફરક હતો. એક ફરક એ હતો કે આગળ જેટલા વિદેશી આક્રમણકારો ભારતમાં આવ્યા એ બધા ભારતમાં વસી ગયા હતા. તેઓ ભારતીય બની ગયા હતા. પણ અંગ્રેજો ક્યારે ય ભારતમાં કાયમ માટે વસ્યા નહોતા કે ભારતીય બન્યા નહોતા.

બીજો ફરક એ હતો યુરોપિયન પહેલાના વિદેશી શાસકો ભારતને આર્થિક રીતે લૂંટવા કે આર્થિક શોષણ કરવા નહોતા આવ્યા; તેઓ તો માત્ર રાજ કરવા આવ્યા હતા. આમ અંગ્રેજો પહેલાના શાસકો માટે ભારત શાસિતભૂમિ હતી, જ્યારે અંગ્રેજો માટે એ સંસ્થાન (કોલોની) અર્થાત્‌ શોષિતભૂમિ હતી. અંગ્રેજો પહેલાના વિદેશી શાસકો શાસકીય લાભ આપવામાં થોડો કોમી પક્ષપાત જરૂર કરતા હતા, જ્યારે અંગ્રેજો પક્ષપાત કર્યા વિના શોષણ અને અન્યાય કરતા હતા અથવા એમ કહી શકાય કે શોષણ અને અન્યાયમાં થોડી રાહત આપીને પક્ષપાત કરતા હતા.

આમ મુસ્લિમ શાસકો કરતાં અંગ્રેજોનો પક્ષપાત બીજા છેડાનો હતો અને એ પણ એકબીજા માટે અણગમો તેમ જ અંતર વધારનારો હતો. જેમ કે કોઈ પ્રાંતમાં હિંદુ જમીનદારો હોય અને મુસ્લિમ ખેતમજૂરો હોય તો એવી રીતનો જમીનસુધારો કરવો કે મુસ્લિમ રાજી થાય અને હિંદુ નારાજ થાય અથવા બીજી દિશાના સુધારા કરવા. જેવી જરૂરિયાત. શોષણ તો બન્નેનું થતું હતું, કારણ કે ભારતનું થતું હતું; પરંતુ રાહતનો અનુભવ બન્ને પ્રજાને થતો હતો. એક દિવસ ભારતની પ્રજાને રાહત એટલી મીઠી લાગવા માંડી કે તેઓ શોષણ થઈ રહ્યું છે એ વાત જ ભૂલી ગયા. જે કોમને રાહત મળતી હતી એ બીજી કોમ કરતાં પોતાને ચડિયાતી કે શાસકોની લાડલી સમજીને પોરસાતી હતી.

ત્રીજો પાયાનો ફરક એ હતો કે અંગ્રેજોના શાસનમાં ભારતનાં ગામડાંઓએ આર્થિક-સામાજિક સ્વાયત્તા ગુમાવી દીધી હતી. ભારતની આ એક કમાલની વિશેષતા હતી. અંગ્રેજો આવ્યા એ પહેલાં ગામડાંઓ એકંદરે આત્મનિર્ભર હતાં. આર્થિક અને સામાજિક પરસ્પરાવલંબન હતું. શહેરો અને શહેરી બજારોની જરૂર નહીં જેવી હતી. નાણાંકીય ચલણ હોવા છતાં ન હોવા જેવું જ હતું. ગામડાંઓમાં સામાજિક ઢાંચો એ જ શાસન હતું. જે સામાજિક નિસરણી પર ઉપર હોય એનો બોલ એ આદેશ. આને કારણે રાજ્યનો પ્રવેશ ગામડાઓમાં મહેસૂલ ઉઘરાવવા પૂરતો જ હતો, પછી રાજ્ય હિંદુનું હોય કે મુસલમાનનું. માટે તુલસીદાસે કહ્યું હતું કે શાસક આવે ને જાય પ્રજાને શો ફરક પડે છે!

અંગ્રેજોએ આ ઢાંચો બદલી નાખ્યો હતો, કારણ કે આગળ કહ્યું એમ તેમનો ઈરાદો આર્થિક શોષણ કરવાનો હતો. શાસન તો તેઓ શોષણ કરવા માટે કરતા હતા. આને કારણે સદીઓથી સુષુપ્ત અવસ્થામાં રહેલ ભારતીય ગ્રામીણ ઢાંચો તૂટી ગયો હતો. એમાંથી સારાં અને નરસાં એમ બંને પ્રકારનાં પરિણામો પેદા થયાં હતાં. સારું એ કે ભારતના નીચેના સામાજિક રીતે શોષિત સમાજને થોડી રાહત મળી અને નરસું એ અર્થમાં કે ગ્રામીણ ભારતે તેની આત્મનિર્ભરતા અને સ્વાયત્તતા ગુમાવી દીધી. ભારત સંપૂર્ણપણે ગુલામ બન્યું.

અંગ્રેજ પહેલાના શાસકોએ ભારતને નહોતું બદલ્યું એટલું અંગ્રેજોએ બદલી નાખ્યું. ભારતમાં વસ્યા વિના, ભારતને વતન બનાવ્યા વિના.

અને ચોથો પાયાનો ફરક શિક્ષણના ક્ષેત્રે હતો જેની વાત હવે પછી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 જાન્યુઆરી 2020

Loading

...102030...2,7372,7382,7392,740...2,7502,7602,770...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved