ગયા સપ્તાહના લેખમાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે જેમ ૧૨મી અને ૧૩મી સદીમાં ભાગ્યે જ કોઈ હિંદુ શાસકને કે હિંદુ વિદ્વાનને પ્રશ્ન થયો હતો કે આટલા ઓછા સમયમાં, ચપટી વગાડતા મુસ્લિમ આક્રમણકારો ભારત કબજે કેમ કરી શક્યા; એમ જ ૧૮મી સદીમાં ભાગ્યે જ કોઈ ભારતીયે પ્રશ્ન કર્યો હતો કે, મુઠ્ઠીભર અંગ્રેજો, આટલે દૂરથી આવીને, આપણા જ લોકોની મદદથી, આપણે જ પૈસે, ભારતમાં કાયમી વસવાટ કર્યા વિના – ભલે ૧૧૧ લડાઈ લડવી પડી હોય – પણ કબજે કરી શક્યા એમ કેમ બન્યું? ૧૨મી સદીનું અને ૧૮મી સદીનું એમ બન્ને આશ્ચર્યો એક સરખાં છે!
આ પ્રશ્નનો જવાબ ત્રણ રીતે આપી શકાય અથવા ત્યારે આપી શકાતા હતા. એક. હિંદુ હિંદુઓની અને મુસલમાન મુસલમાનોની ખામી શોધીને અથવા પોતાની કોમનું સ્વભાવ નિરીક્ષણ કરીને આપી શકે. આપણામાં શું ખૂટે છે? ઔરંગઝેબના મૃત્યુ પછી પેદા થયેલા રાજકીય શૂન્યાવકાશમાં હિંદુ પેશ્વાઓને એક મોકો મળ્યો હતો જે તેમણે કેમ ગુમાવી દીધો? સામ્રાજ્ય કેમ રચાય એનું પણ ભાન નહોતું? આ જ રીતે ઔરંગઝેબના અવસાન પછી મુસલમાનોએ મદદ માટે ભારતની બહાર શા માટે નજર દોડાવી? પાંચ સદીથી ભારતમાં રહેવા છતાં દારુલ હર્બ અને દારુલ ઇસ્લામનું વિભાજન કરીને શાસકવર્ગના મુસલમાનો ભારતીય નહોતા થયા. મુસલમાનોએ વિચારવું જોઈતું હતું કે આપણામાં શું ખૂટે છે. પણ નહોતું હિંદુઓએ આત્મપરીક્ષણ કર્યું કે નહોતું મુસલમાનોએ.
બે. પરાજિત હિંદુએ અને પરાજિત મુસલમાને ઘડીભાર ભારતીય બનીને ઉપરના પ્રશ્નનાં કારણ શોધવા જોઈતાં હતાં, પણ જ્યારે હિંદુ હિંદુ તરીકે અને મુસલમાન મુસલમાન તરીકે આત્મનિરીક્ષણ ન કરે ત્યારે ભારતીય બનીને ખામી શોધવાનો પ્રયાસ કરે એ તો વધારે પડતી અપેક્ષા કહેવાય.
ત્રણ. એકબીજા પર દોષારોપણ કરીને પોતાનું મન મનાવવા અથવા તો પોતાની જાતને છેતરવા માટે ખામીઓ શોધી શકાય. હિંદુઓ અને મુસલમાનોએ આ જ કર્યું હતું. આ બહુ ભાવતી પ્રવૃત્તિ હતી. આમાં પોતાની જાતને અને પોતાની કોમને બચાવી શકાતી હતી. આમાં સવર્ણો બહુજન સમાજને બહાર રાખતા હતા એ પરાજયનું એક મહત્ત્વનું કારણ હતું એવા તારણથી બચી શકાય.
આ બાજુ ચાલાક અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે ભારતની બન્ને પ્રજાને પરાજયનો ખાસ કોઈ ગમ નથી. હિંદુઓને તો જરા ય નથી. તુલસીદાસે કહ્યું હતું એમ શાસક આવે ને જાય પ્રજાને શું! અત્યાર સુધીના શાસક આપણા જેવી ચામડી ધરાવતા હતા તો હવે નવા શાસકો ગોરી ચામડી ધરાવે છે એનાથી શો ફરક પડે છે! મુસલમાનોની દારુલ હર્બ અને દારુલ ઇસ્લામની કાથાકૂટ પર અંગ્રેજોની નજર રહેતી હતી, કારણ કે કદાચ મુસલમાનો તરફથી ખતરો આવી શકે છે એવી તેમને ધાસ્તી હતી. હિંદુઓની બાબતમાં તેઓ નિશ્ચિંત હતા. તેમણે એ પણ જોયું હતું કે હિંદુ કે મુસ્લિમ બેમાંથી કોઈ આત્મનિરીક્ષણ કરવા તૈયાર નથી અને ખામી દૂર કરવા તો બિલકુલ તૈયાર નથી. જે પ્રજા ખામી શોધવા જ તૈયાર ન હોય ત્યાં ખામી દૂર કરવાનો તો સવાલ જ નથી. ઊલટું અંગ્રેજોના ધ્યાનમાં એ આવ્યું હતું કે બન્ને પ્રજા એકબીજા પર દોષારોપણ કરવામાં મશગૂલ છે.
તેમણે વિચાર્યું કે બંને પ્રજામાં દોષારોપણની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેને જ પ્રોત્સાહિત કેમ ન કરવી? તેમને જે ભાવે છે એ જ ચારો નીરતા રહીએ તો ગોળી ચલાવ્યા વિના સેંકડો વરસ સુધી રાજ કરી શકાય. હિંદુ વિદ્રોહને શાંત કરવા મુસ્લિમ શાસકોએ શસ્ત્રો હાથમાં લેવાં પડ્યા હોય એવું તો ભારતના ઇતિહાસમાં ક્યારે ય બન્યું નથી. તેઓ એકબીજાની રિયાસતો જીતવા લડતા હતા, પણ એ તો સત્તાની લડાઈ હતી. એવી સત્તાની લડાઈ તો મુસલમાન શાસકો વચ્ચે આપસમાં પણ ઘણી થઈ છે. જો મુસ્લિમ શાસકોને પાંચ સદી દરમ્યાન હિંદુ વિદ્રોહનો સામનો નથી કરવો પડ્યો તો આપણે પણ ગોળી ચલાવ્યા વિના સેંકડો વરસ સુધી રાજ કરી શકીએ. આમાં જરૂરિયાત માત્ર એટલી છે કે બંને કોમને દોષારોપણનો અને અણગમાનો ચારો નીરતા રહેવો. હા, ઉપર કહ્યું એમ દારુલ હર્બ અને દારુલ ઇસ્લામના કારણે તેઓ મુસલમાનોની બાબતમાં સાબદા રહેતા હતા અને હિંદુઓની બાબતમાં તો સાવ જ નિશ્ચિંત હતા.
પણ ભારતમાં અત્યાર સુધી રાજ કરી ગયેલા હિંદુ કે મુસ્લિમ શાસકોમાં અને અંગ્રેજોના શાસનમાં પાયાનો ફરક હતો. એક ફરક એ હતો કે આગળ જેટલા વિદેશી આક્રમણકારો ભારતમાં આવ્યા એ બધા ભારતમાં વસી ગયા હતા. તેઓ ભારતીય બની ગયા હતા. પણ અંગ્રેજો ક્યારે ય ભારતમાં કાયમ માટે વસ્યા નહોતા કે ભારતીય બન્યા નહોતા.
બીજો ફરક એ હતો યુરોપિયન પહેલાના વિદેશી શાસકો ભારતને આર્થિક રીતે લૂંટવા કે આર્થિક શોષણ કરવા નહોતા આવ્યા; તેઓ તો માત્ર રાજ કરવા આવ્યા હતા. આમ અંગ્રેજો પહેલાના શાસકો માટે ભારત શાસિતભૂમિ હતી, જ્યારે અંગ્રેજો માટે એ સંસ્થાન (કોલોની) અર્થાત્ શોષિતભૂમિ હતી. અંગ્રેજો પહેલાના વિદેશી શાસકો શાસકીય લાભ આપવામાં થોડો કોમી પક્ષપાત જરૂર કરતા હતા, જ્યારે અંગ્રેજો પક્ષપાત કર્યા વિના શોષણ અને અન્યાય કરતા હતા અથવા એમ કહી શકાય કે શોષણ અને અન્યાયમાં થોડી રાહત આપીને પક્ષપાત કરતા હતા.
આમ મુસ્લિમ શાસકો કરતાં અંગ્રેજોનો પક્ષપાત બીજા છેડાનો હતો અને એ પણ એકબીજા માટે અણગમો તેમ જ અંતર વધારનારો હતો. જેમ કે કોઈ પ્રાંતમાં હિંદુ જમીનદારો હોય અને મુસ્લિમ ખેતમજૂરો હોય તો એવી રીતનો જમીનસુધારો કરવો કે મુસ્લિમ રાજી થાય અને હિંદુ નારાજ થાય અથવા બીજી દિશાના સુધારા કરવા. જેવી જરૂરિયાત. શોષણ તો બન્નેનું થતું હતું, કારણ કે ભારતનું થતું હતું; પરંતુ રાહતનો અનુભવ બન્ને પ્રજાને થતો હતો. એક દિવસ ભારતની પ્રજાને રાહત એટલી મીઠી લાગવા માંડી કે તેઓ શોષણ થઈ રહ્યું છે એ વાત જ ભૂલી ગયા. જે કોમને રાહત મળતી હતી એ બીજી કોમ કરતાં પોતાને ચડિયાતી કે શાસકોની લાડલી સમજીને પોરસાતી હતી.
ત્રીજો પાયાનો ફરક એ હતો કે અંગ્રેજોના શાસનમાં ભારતનાં ગામડાંઓએ આર્થિક-સામાજિક સ્વાયત્તા ગુમાવી દીધી હતી. ભારતની આ એક કમાલની વિશેષતા હતી. અંગ્રેજો આવ્યા એ પહેલાં ગામડાંઓ એકંદરે આત્મનિર્ભર હતાં. આર્થિક અને સામાજિક પરસ્પરાવલંબન હતું. શહેરો અને શહેરી બજારોની જરૂર નહીં જેવી હતી. નાણાંકીય ચલણ હોવા છતાં ન હોવા જેવું જ હતું. ગામડાંઓમાં સામાજિક ઢાંચો એ જ શાસન હતું. જે સામાજિક નિસરણી પર ઉપર હોય એનો બોલ એ આદેશ. આને કારણે રાજ્યનો પ્રવેશ ગામડાઓમાં મહેસૂલ ઉઘરાવવા પૂરતો જ હતો, પછી રાજ્ય હિંદુનું હોય કે મુસલમાનનું. માટે તુલસીદાસે કહ્યું હતું કે શાસક આવે ને જાય પ્રજાને શો ફરક પડે છે!
અંગ્રેજોએ આ ઢાંચો બદલી નાખ્યો હતો, કારણ કે આગળ કહ્યું એમ તેમનો ઈરાદો આર્થિક શોષણ કરવાનો હતો. શાસન તો તેઓ શોષણ કરવા માટે કરતા હતા. આને કારણે સદીઓથી સુષુપ્ત અવસ્થામાં રહેલ ભારતીય ગ્રામીણ ઢાંચો તૂટી ગયો હતો. એમાંથી સારાં અને નરસાં એમ બંને પ્રકારનાં પરિણામો પેદા થયાં હતાં. સારું એ કે ભારતના નીચેના સામાજિક રીતે શોષિત સમાજને થોડી રાહત મળી અને નરસું એ અર્થમાં કે ગ્રામીણ ભારતે તેની આત્મનિર્ભરતા અને સ્વાયત્તતા ગુમાવી દીધી. ભારત સંપૂર્ણપણે ગુલામ બન્યું.
અંગ્રેજ પહેલાના શાસકોએ ભારતને નહોતું બદલ્યું એટલું અંગ્રેજોએ બદલી નાખ્યું. ભારતમાં વસ્યા વિના, ભારતને વતન બનાવ્યા વિના.
અને ચોથો પાયાનો ફરક શિક્ષણના ક્ષેત્રે હતો જેની વાત હવે પછી.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 જાન્યુઆરી 2020