Opinion Magazine
Number of visits: 10,228,602
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેતાઓ જાણે ન જાણે ભારતીયો તેમનો નાગરિક ધર્મ જાણે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|9 February 2020

આખો દેશ આશ્ચર્યચકિત છે! માત્ર ભારત નહીં, આખું વિશ્વ ફાટી આંખે ભારત તરફ જોઈ રહ્યું છે. મુસ્લિમ વિશ્વ ચોંકી ગયું છે અને સૌથી વધુ આંચકો હિન્દુત્વવાદીઓને લાગ્યો છે. સહિયારા ભારતને બચાવવા અને મૂળભૂત અધિકારયુક્ત સહિયારું ભારત જેમાં કંડારવામાં આવ્યું છે એ ભારતના બંધારણને બચાવવા મોટા પ્રમાણમાં યુવાનો બહાર નીકળ્યા છે. હું જ્યારે યુવાનો કહું છું ત્યારે તેમાં યુવતીઓનો સમાવેશ થઈ જાય છે અને યુવતીઓની સંખ્યા તો યુવાનોથી ઘણી વધારે છે. મુસલમાનોના પ્રતિકારનો ચહેરો સ્ત્રીઓ છે. તેમની ધૂંવાધાર બુદ્ધિપૂર્વકની દલીલો સાંભળીને ભક્તો ડઘાઈ ગયા છે અને પોતાના નેતાઓની બુદ્ધિદરિદ્રતા જોઇને થોડા લજવાય પણ છે.

સવાલ એ છે કે આવું બન્યું કેમ? આપણે નાગરિકશાસ્ત્ર તો સરખું ભણાવ્યું નથી; તો પછી લોકોને અધિકાર, હક, સમાનતા, નાગરિકતા, કાયદાનું રાજ, ફાસીવાદ વગેરે ચીજોની જાણ કેવી રીતે થઈ? સો માર્ક્સના પેપરમાં ૭૫ માર્ક્સ ઇતિહાસના અને ૨૫ માર્ક્સ નાગરિકશાસ્ત્રના અને એ પણ કોઈ પસંદગીનો અભણ શિક્ષણ ભણાવે. ચાર દાયકા પહેલાં કોઠારી કમિશને નિરીક્ષણ કર્યું હતું કે જેમ ‘અભણ’ ખેડૂતને સારો નાગરિક બનતા શીખવાડવું જરૂરી છે એમ જ ‘ભણેલ’ સારા ડૉક્ટરને પણ સારો નાગરિક બનતા શીખવાડવું પડે એમ છે. કોઈ વિષયમાં તજજ્ઞ હોવું એ એક વાત છે અને દેશનો નાગરિક હોવું એ બીજી વાત છે. તજજ્ઞ તો ડૉક્ટરની જેમ તેના કામમાં ખેડૂત પણ છે. દેશના દરેક નાગરિકને નાગરિકધર્મની જાણ હોવી જોઈએ. આ માટે તેમણે કૉલેજોમાં દરેક ફેકલ્ટીઝમાં નાગરિકધર્મનું પ્રશિક્ષણ આપનારો ફાઉન્ડેશન કૉર્સ દાખલ કરવાની ભલામણ કરી હતી. આ પ્રયોગ પણ કૉલેજોના મેનેજમેન્ટે અને શિક્ષકોએ મળીને નિષ્ફળ બનાવ્યો હતો, કારણ કે એ પાસ-નાપસનો નિર્ણય લેનારો કે ટકાવારી વધારનારો ફરજિયાત વિષય નહોતો. 

આપણા સંસદીય રાજકારણમાં રાજકીય શિક્ષણને તો કોઈ પ્રાથમિકતા આપી જ નથી. મોટા ભાગના પક્ષો બાપીકી પેઢી જેવા પારિવારિક છે. જે આવા પક્ષો નથી તેમાં પણ લોકતંત્રનો અભાવ છે એટલે સામાજિક-રાજકીય પ્રશ્નોની પક્ષના મંચ પરથી કોઈ ચર્ચા થતી નથી. કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ કરવામાં આવતું નથી. ચૂંટણીઓ સત્તા મેળવવા માટે લડવામાં આવે છે, એટલે ચૂંટણી ટાણે મતદાતાઓ સાથે રાજકીય વિમર્શ થતો નથી. કેટલાક રાજકીય પક્ષ ધર્મ, જ્ઞાતિ, ભાષા અને પ્રદેશવાદનું સંકુચિત રાજકારણ કરે છે એટલે તેઓ તો લોકોના માનસની ક્ષિતિજ વિસ્તારવાની જગ્યાએ સંકુચિત કરે છે.

સંસદમાં અને વિધાન સભાઓમાં કોઈ સૈદ્ધાંતિક કે બૌદ્ધિક રાજકીય ચર્ચાઓ થતી નથી. ત્યાં તો ચર્ચા જ થતી નથી અને હવે તો ખરડાઓ પણ વગર ચર્ચાએ પસાર થવા લાગ્યા છે. ટી.વી. ચેનલો પર તો આજકાલ શ્વાનયુદ્ધ જોવા મળી રહ્યું છે એટલે ત્યાં ભારતના નાગરિકની કોઈ કેળવણી થઈ હોય એ શક્ય નથી. પ્રિન્ટ મીડિયામાં પણ કોઈ ગંભીર ચર્ચા ચાલે છે એવું નથી. અદાલતોમાં, વડી અદાલતોમાં અને હવે સર્વોચ્ચ અદાલતમાં પણ જજો એવાં નિરીક્ષણો કરે છે અને ચુકાદા આપે છે કે આપણને પ્રશ્ન થાય કે તેમણે બંધારણ વાંચ્યું છે કે કેમ?

ટૂંકમાં દરેકેદરેક સંસ્થાએ (શાળા, કોલેજ, રાજકીય પક્ષો, પ્રતિનિધિગૃહો, મીડિયા, અદાલતો વગેરે) ભારતના નાગરિકને નાગરિકધર્મથી વંચિત રાખ્યો છે તો પછી ભારતનો યુવા નાગરિક આ બધું શીખ્યો ક્યાંથી? સ્ત્રીઓને તો પરિવારમાં અને સમાજમાં પાછળ રાખવામાં આવે છે અને આજે આપણા દરેકના આશ્ચર્ય વચ્ચે જોઈએ છીએ કે પુરુષોએ સ્ત્રીઓને જગ્યા કરી આપવી પડે છે. દિલ્હીના શાહીન બાગમાં દોઢ મહિનાથી ધરણા કરી રહેલી ૯૦ વરસની દબંગ દાદી સાથે શાસકપક્ષનો કોઈ પણ માણસ ચર્ચામાં ઉતરી બતાવે. વડા પ્રધાન સહિત કોઈ પણ. પરિણામની ગેરંટી.

કાંઈક તો આ દેશની માટીમાં એવું છે જે કવિ ઇકબાલના શબ્દોમાં મીટે નહીં મિટતા. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશ જુનિયર બુદ્ધિમતા માટે કોઈ ખ્યાતિ નથી ધરાવતા, પણ તેમણે બે વાત એવી કહી હતી જે આપણને ગૌરવનો અનુભવ કરાવે છે. ભારત સાથે અમેરિકાએ અણુસંધિ કરી ત્યારે પાકિસ્તાને પહેલાં તેનો વિરોધ કર્યો હતો અને પછી માગણી કરી હતી કે અમેરિકા પાકિસ્તાન સાથે પણ ભારત જેવી સંધિ કરે. એ સમયે પાકિસ્તાનને સંભળાવવા જ્યોર્જ બુશે કહ્યું હતું કે ભારતમાં ૧૭ કરોડ મુસલમાન છે, પણ ભારતે કે ભારતીય મુસલમાનોએ એક પણ ત્રાસવાદી પેદા નથી કર્યો.

બીજો પ્રસંગ સહઅસ્તિત્વનો છે. આજકાલ જગત નાનું બની રહ્યું છે અને અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકોને સાથે રહેવું પડે છે. આજના યુગના લોકોની એ ઈચ્છા કરતાં મજબૂરી છે. જગત કોસ્મોપોલિટન બની રહ્યું છે અને એ પ્રવાહને રોકી શકાય એમ નથી, ઉલટાવવો તો બહુ દૂરની વાત છે. તો અમેરિકા પણ છેલ્લાં દાયકાઓમાં હતું એનાં કરતાં ઘણું વધારે કોસ્મોપોલિટન બની ગયું છે અને બની રહ્યું છે. આ બધી પચરંગી પ્રજાઓ આપસમાં ઝઘડ્યા વિના સાથે કઈ રીતે જીવી શકે અને સહિયારો વિકાસલક્ષી અભિગમ કઈ રીતે વિકસાવી શકે એ પ્રશ્ન અમેરિકામાં ચર્ચામાં આવ્યો હતો. બ્રિટનની જેમ અમેરિકામાં પણ એક એવા પંચની રચના કરવામાં આવે જે અત્યારે જગત આખામાં જોવા મળતા બહુસંસ્કૃતિવાદ(મલ્ટી કલ્ચરલિઝમ)નો અભ્યાસ કરે એવો પ્રસ્તાવ હતો. એ સમયે અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે કહ્યું હતું કે નવા યુગમાં સાથે કેમ જીવાય એ શીખવા જગતે ભારત પર નજર કરવી જોઈએ. સહિયારાપણું અને સહઅસ્તિત્વ ભારત પાસેથી શીખવું જોઈએ.

ભારતની વિશેષતા પાછળનું પહેલું કારણ તો એ નજરે પડી રહ્યું છે કે સહઅસ્તિત્વ, સહિયારાપણું અને મર્યાદા ભારતીય પ્રજાને ગળથૂથીમાં મળે છે. આમાં જેમની અંદર ઝેર વાવવામાં આવ્યાં છે અને ઝેર ઊંડે સુધી પ્રસરી ગયું છે એવા કોમવાદીઓ જુદા, તેમની પાસેથી માણસાઈની અપેક્ષા રાખવી નકામી છે, પછી એ ગમે તે ધર્મના હોય. સરેરાશ ભારતીય સહઅસ્તિત્વ, સહિયારાપણું અને મર્યાદાના ગુણ ધરાવે છે.

બીજું કારણ એ છે કે સરેરાશ ભારતીય ભારતને જેટલું ઓળખવું જોઈએ એટલું ઓળખે છે. જેટલું એટલે કેટલું? કહો કે પ્રાથમિક ઓળખ. સરેરાશ ભારતીયને એ વાતની જાણ છે કે ભારતમાં અનેક કોમ વસે છે. અનેક ધર્મો, ભાષાઓ, રીતિરિવાજો એમ બહુવિધતાઓનો પાર નથી. એની વચ્ચે ભારત દેશ સદીઓથી ટકી શક્યો છે. લડીને આઝાદી મેળવી છે. આટલી વિવિધતા છતાં લગભગ દરેકને સ્વીકાર્ય બને એવું બધારણ ઘડ્યું છે. લોકશાહી ટકાવી રાખી છે અને લોકશાહી જાળવી રાખીને શક્ય એટલો વિકાસ સાધ્યો છે. ભારતની સાથે આઝાદ થયેલા બીજા દેશો નથી લોકશાહી ટકાવી શક્યા કે નથી વિકાસ સાધી શક્યા ત્યારે ભારતને બંનેમાં સંપૂર્ણપણે ભલે નહીં, પણ મહદઅંશે સફળતા મળી છે. આટલી પાયાની અને પ્રાથમિક જાણકારી સરેરાશ ભારતીય ધરાવે છે. આ બધું જ ભારતનાં બંધારણમાં પરીણત થયું છે. માટે રાષ્ટ્રવાદ, દેશપ્રેમ કે ધર્મપ્રેમ એટલો બધો ગાંડો ન હોવો જોઈએ અને વિધર્મીઓ પરત્વેનો દ્વેષ એટલો બધી આંધળો ન હોવો જોઈએ કે ગોળા સાથે ગોફણ પણ ફગાવી દઈએ.

ત્રીજું કારણ માતાનું વાત્સલ્ય છે. સ્ત્રીઓ આટલા મોટા પ્રમાણમાં રસ્તા ઉપર ઊતરી છે એનું કારણ માતૃહ્રદય છે. મને એવું ભારત નહીં ખપે જે મારાં સંતાનને નાગરિકતાવિહોણું બનાવે અથવા નાગરિકતા છીનવી લે. હું મરી જઈશ, ખપી જઈશ પણ મારા વારસનું માદરે વતન છીનવાઈ જાય એવું નહીં થવા દઉં. જે હાંસિયામાં છે એવી મુસ્લિમ, દલિત, આદિવાસી અને બીજી પછાત વર્ગની માતાઓ રણચંડી બનીને રસ્તા ઉપર ઊતરી છે. મુસ્લિમ સ્ત્રીઓએ પુરુષોને પણ કિનારે ધકેલી દીધા છે. કડકડતી ઠંડીમાં ૫૦ દિવસ ઉઘાડામાં બેસવા માટે માતાનું હ્રદય જોઈએ. આમાં ભારતની પાયાની કે પ્રાથમિક પરિચય ધરાવનારો અને બંધારણનું મૂલ્ય સમજનારો હિંદુ પુરુષ જોડાયો છે. હાંસિયામાં જીવતી પ્રજા બંધારણીય રાજમાં સુરક્ષિત હોવાની બહુમતી રાજમાં નહીં.

અહીં એક શંકા તો થાય જ છે. જે રીતે જગત બદલાઈ રહ્યું છે અને દેશ બદલાઈ રહ્યો છે એ જોતાં આ જોવું ગમે એવું મીઠું સપનું છે કે પછી વાસ્તવિકતાનો કોઈ આધાર છે? ખાસ કરીને યુવકો હાથમાં બંદૂક લઈને ત્રાસવાદીની જેમ રસ્તા ઉપર ઊતરે, ગોળીબાર કરે, ટેક્સી ડ્રાઈવર સી.એ.એ.નો વિરોધ કરનાર પેસેન્જરને પોલીસ સ્ટેશને પહોંચાડે ત્યારે પ્રશ્ન તો થાય જ કે ઝેર કેટલું ફેલાયેલું છે અને કેટલું ઊંડે ઊતરેલું છે? દિલ્હીની ચૂંટણીનાં પરિણામો આનો ઉત્તર આપશે. દિલ્હીના મતદાતાઓ કામ કરનારાઓની કદર કરે છે કે લડાવનારાઓની તેની જાણ ૧૧મી તારીખે થશે. દિલ્હીની ચૂંટણી આ દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ફેબ્રુઆરી 2020

Loading

વો સુબહ કભી તો આયેગીઃ લોકશાહીને ધ્રુવીકરણનો અપચો થશે ત્યારે ઘૃણાના રાજકારણનો તખ્તો ફેરવાશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 February 2020

ગમે એટલું ધ્રુવીકરણ, વાડાબંધી, હુંસાતુંસી થાય પણ ભણેલા-ગણેલા લોકો માટે અંતે તો વિકાસલક્ષી, બને એટલી પારદર્શી, ઉદારમતવાદી અને નક્કર પરિણામ લાવી આપે એવી જ સરકારમાં રસ છે.

લોકશાહીમાં ચૂંટણી એક બહુ મોટું હથિયાર છે, આમ તો આ હથિયારની ધાર કાઢવી કે તેનો યોગ્ય ઉપયોગ કરવો નાગરિકોના હાથમાં જ હોય છે પણ સત્તા ભૂખ્યા રાજકારણીઓને આ હથિયારનો દુરુપયોગ બહુ સારી પેઠે આવડે છે. પણ છતાં ય ચૂંટણી નામના આ હથિયારનો હાથો અંતે તો નાગરિકોના હાથમાં જ હોય છે. દિલ્લીની ચૂંટણી માથે છે ત્યારે ઓપિનિયન પૉલ્સમાં અરવિંદ કેજરીવાલની જીત સ્વાભાવિક હોઇ શકે છે તેવું દેખાઇ રહ્યું છે. જો અરવિંદ કેજરીવાલ જીતી જાય તો એ સાબિત થઇ જશે કે લોકોને સુશિક્ષિત, વિકાસલક્ષી અને સમાજનું ધ્રુવીકરણ ન કરે તેવી લોકશાહીમાં જ રસ છે. પાટનગરની ચૂંટણીના માહોલમાં એક નવો શબ્દપ્રયોગ પ્રચલિત થયો છે, ‘પૉલિટિક્સ ઑફ હેઇટ’ અને આવું રાજકારણ એ લોકશાહી માટે ઊધઇ સાબિત થાય છે. મૂળ તો એ મુદ્દાની વાત કરવાની છે કે સાત દાયકાથી આપણે જે લોકશાહી જીવી રહ્યા છીએ તે આમ તો ઉદારમતવાદી હોવી જોઇએ, ન કે જ્યાં માત્ર બહુમતીનું શાસન ચાલતું હોય અને ધ્રુવીકરણનું રાજકારણ ટોચ પર હોય. ઉદારમતવાદી લોકશાહી નાગરિકોના મૂળભૂત અધિકાર, લઘુમતી અને સામાજિક રીતે વંચિતોના રક્ષણ, ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જૂદા પડતાં જૂથોની વાજબી સ્વાયત્તતા આ તમામનું રક્ષણ કરી શકે તેવું સ્વતંત્ર ન્યાયતંત્ર અને આ આખા ય માળખા પર ચાંપતી નજર રાખી શકે, કોઇપણ દબાણ વિના પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે તેવો લોકશાહીનો ચોથો પાયો એટલે કે મીડિયા.

છેલ્લા સાત દાયકામાં વાણી અને વ્યક્તિ સ્વાતંત્ર્યથી માંડીને લોકોના અધિકારોની વાતને મામલે આપણી લોકશાહીને બેલનશીટમાં એક કરતાં વધારે વાર અસંતુલન જોવા મળ્યું છે. સિત્તેરના દાયકામાં ઇંદિરા ગાંધીની સરકારે કટોકટી જાહેર કરી અને નાગરિકોના અધિકાર છીનવી લીધા. રાજકીય ઇતિહાસકારોના મતે આ બંધારણીય રીતે શક્ય હતું જેને પગલે રાષ્ટ્ર અને નાગરિકોના અધિકારોને શક્તિશાળી-સત્તાધારી કેન્દ્ર ધારે તો પોતાના હાથમાં લઇ શકે. બંધારણનાં બ્રહ્માસ્ત્રનો સરકારે સરિયામ દુરૂપયોગ કર્યો. પણ નાગરિકોને ત્યારે જ યાદ આવ્યું કે તેમના હાથમાં ચૂંટણી નામના શસ્ત્રનો હાથો છે અને તેમણે તેનો ઉપયોગ કર્યો. ઇંદિરા ગાંધીની સરકાર પડી ભાંગી, એ વાત અલગ છે તે કૉન્ગ્રેસ ફરી સત્તા પર આવી પણ પછી ઘણું બધું બદલાયું પણ. લોકશાહીને અંદરથી ખોતરીને પાંગળી કરતા રાજકરાણીઓને આવડ્યું જ છે. નરેન્દ્ર મોદીની ભા.જ.પા. આ મામલે બધી હદ પાર કરી ચૂકે એ સ્તરે પહોંચી છે. લોકશાહીને સતત પોલી કરતા રહે એવાં શક્ય એટલા બધા બેફામ નિર્ણયો, આડેધડ જાહેરાતો અને વિધાનો ઉચ્ચારવામાં આ સરકાર આંખનું મટકું પણ નથી મારતી.

૨૦૧૪માં જ્યારે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ફલક પર રાજકારણી તરીકે પગ મૂક્યો ત્યારે તેમની છબી એક એવા માણસ તરીકે ખડી કરાઇ જેણે ગુજરાતનો ચહેરો બદલ્યો હતો અને તે બાકી રાષ્ટ્રમાં પણ એવો વિકાસ લાવી શકશે. વળી તેમના સામાન્ય બેકગ્રાઉન્ડને, તેમની જાતને પણ વારંવાર નાગરિકો સામે મુકવામાં આવ્યું એટલે લોકોને લાગે કે આ તો આપણામાંનું જ કોઇ છે. મોદીની સરકાર સત્તા પર આવી અને આર્થિક સફળતાનાં બધાં વચનો પોકળ સાબિત થયાં, બેરોજગારી વધી, રોકાણને નામે બધું તળિયે બેસી ગયું. કમનસીબે આ મુદ્દાઓ બધા ગૌ રક્ષા, બીફ બાન, ટ્રીપલ તલાક એ બધી બુમરાણમાં ઊંચા અવાજે અને સ્પષ્ટ ચર્ચાયા જ નહીં. ૨૦૧૯માં જ્યારે બીજી ટર્મ માટે ચૂંટણી લડવાની આવી ત્યારે રાષ્ટ્રવાદ, સામાજિક કલ્યાણ અને મોદીવાદ આગળ ધરાયા જેને કારણે ધ્રુવીકરણ વધ્યું, મીડિયાનું પક્ષપાતી વલણ વધારે ધાટું બન્યું અને ભા.જ.પા.ના સદ્દનસીબે વિરોધપક્ષ કોઇ આદર્શ પડકાર ન મેળવી શકવાને કારણે ભા.જ.પા. ૨૦૧૪ની ચૂંટણીમાં મેળવી હતી તેના કરતા કંઇક ગણી મોટી જીત મેળવી.

ઉદારમતવાદી લોકશાહીની સ્થિતિ આખી દુનિયામાં ચકાસણી માગે તેવી હાલતમાં છે પણ આપણે તો ઘરભણી જ નજર કરવી રહી. દિલ્હીની ચૂંટણીમાં જો કેજરીવાલની સરકાર આવે તો એ સાબિત થઇ જશે કે ગમે એટલું ધ્રુવીકરણ, વાડાબંધી, હુંસાતુંસી થાય પણ ભણેલા-ગણેલા લોકોને માટે અંતે તો વિકાસલક્ષી, બને એટલી પારદર્શી (રાજકારણમાં કશું ય પૂરેપૂરું પારદર્શી નથી હોતું), ઉદારમતવાદી અને નક્કર પરિણામ લાવી આપે એવી જ સરકારમાં રસ છે. દિલ્હીની આસાપાસના જ રાજ્યોમાં જોઇએ તો ત્યાં નાગરિકોને ધ્રુવીકરણનું રાજકારણ માફક આવે છે અને તેનું સૌથી મોટું કારણ છે ત્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે. ભણેલા-ગણેલા, મેટ્રો સિટીઝમાં રહેતા લોકોને ધર્મ, જાતિ, ઊંચ-નીચના રાજકારણમાં રસ નથી જ એવું કહી દેવું યોગ્ય નથી, પણ તેમને માટે આ મુદ્દાઓ જીવન-મરણનો સવાલ નથી. તેમને રસ છે એવી સત્તામાં જે તેમને કામ કરવા દે, જેની કામગીરીને કારણે વિરોધ પ્રદર્શનોના આવેગમાં શક્તિ ન ખર્યાય, લાઇટ-પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે અધધધ પૈસા ચૂકવ્યા બાદ પણ કરવેરાના બોજમા ખાલી ન થઇ જવું પડે, એવી સરકાર જ્યાં તેમને પોતે અમુક ધર્મનાં હોય તો ભેદભાવનો ભોગ ન બનવું પડે. કમનસીબે આવો વર્ગ ભારતમાં હોવા છતાં ય નિરક્ષરતા અને ઝનૂન એક બહુ મોટા વર્ગ પર અસર કરતો રહે છે. બહુમતીની સરકાર ચલાવનારાઓ માટે આ વર્ગને મેનેજ કરવો બહુ અઘરો નથી કારણ કે અહીં તેમણે વિવાદી-જોશ ઉછાળતા વિધાનો કરવાના છે અને વૉટ્સઅપ એક્ટિવિસ્ટ્સને કામે લગાડવાના છે. બહુ મોટો વર્ગ જે હવે સેલફોન ધારી છે તેને માટે ફોન પર ફેલવવામાં આવેલી બધી જ માહિતી સાચી છે અને તેમને તેની ખરાઇ કરવાની જરૂર તો શું વિચાર સુદ્ધાં નથી આવતો. ભારતીય ઇતિહાસને લગતી ધડ-માથાં વગરની ચર્ચાઓ ચલાવવામાં આ સેલફોનધારી ભક્તો મચી પડે છે અને તેમને લાગે છે કે તેમણે બહુ મોટું યોગદાન આપ્યું છે. રાજકારણીઓનાં ઠાલાં વચનો તેમનું પેટ ભરી દેશે, દેશને સાફ કરી દેશે (લઘુમતીથી પીછો છોડાવીને) તેવું વિચારનારા આ વર્ગને લોકશાહીનું સત્વ નથી સમજાતું. આ પાછું આખી દુનિયામાં લાગુ પડે છે, પછી આ મોદી ભક્તો હોય, બ્રેક્ઝીટને ટેકો આપનારા હોય, બ્રાઝીલિયન પ્રેસિડન્ટ જેર બોલ્સોનારોને ટેકો આપનારા હોય કે ટ્રમ્પ પ્રેમીઓ હોય.

CAA સામેના વિરોધે જ્યારે ગતિ પકડી ત્યારે ઘણાંને ઉત્કંઠા હતી કે સરકાર શું કરશે? સરકાર આ વિરોધો જેમ ચાલે છે તેમ ચાલવા દેશે કે પછી તેમને ડામી દેશે? પણ ભા.જ.પા. જેમાં માહેર છે એ જ કરી રહ્યો છે અને આ વિરોધોનો ઉપયોગ તેઓ કોમવાદ અને હિંસા ફેલાવવામાં જ કરશે, જે દિલ્હીના ચૂંટણી પ્રચારમાં દેખાઇ જ રહ્યું છે. ભારતીય લોકશાહી પરનો આ બહુ મોટો ધબ્બો છે કે સંજોગાવસાત હિંસાનો ઉપયોગ મત ભેગા કરવામાં હંમેશાં કરવામાં આવે છે. આપણે એમ માની લેવાની ભૂલ ન કરવી જોઇએ કે હિંસાનું રાજકારણ કે ધિક્કારનું રાજકારણ હવે કામ નથી કરતું. જેને આ ફાવે છે તેઓ તેનો બિંધાસ્ત ઉપયોગ કરે છે. કટ્ટરવાદને કાબૂમાં લેવા માટે માત્ર ચૂંટણી કામ ન આવી શકે, ભારતીય રાજકારણનું માળખું, લોકશાહીની રચના બદલાઇ રહી છે. પરંતુ તેની સામે એ પણ એટલું જ સાચું છે કે અરવિંદ કેજરીવાલને પાકિસ્તાન સાથે જોડવા, તેમને આતંકવાદી કહેવા, શાહીનબાગની વાત કર્યા કરવા જેવા આંડબરી વિધાનો કેટલા પોકળ છે એ લોકોને ખબર પડે જ છે.

અમિત શાહ, યોગી આદિત્ય નાથ કે અનુરાગ ઠાકુર (બધાની રાશિ તો પાછી મેષ જ છે) આ બધા માત્ર દિલ્હીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામ નથી કરી રહ્યા, તેઓ તેમના પક્ષની મર્દાનગીનું પ્રદર્શન કરવામાં એક્કા છે અને હજ્જારો યુવાનોને આવું બળવાન લાગતું સ્વમાન માફક આવે છે. હિંસાનો તર્ક બદલાઇ રહ્યો છે, લોકશાહી નહીં પણ બહુમતીના રાજકારણમાં આ તેનો પ્રભાવ વર્તાય જ છે. પણ છતાં ય દિલ્લી ચૂંટણીનું પરિણામ શિક્ષિત વર્ગની પસંદગી સ્પષ્ટ કરનારું સાબિત થશે, બસ, મત ગણતરીમાં બને એટલી પારદર્શિતા રહેવી જોઇએ. આ કહેવું જ પડે છે કારણ કે ઝનૂની રાજકારણનાં દાવપેચમાં કશું પણ અણધાર્યું બની જ શકે છે.

બાય ધી વેઃ

લોકશાહીની નક્કરતા જળવાય તે અંતે તો નાગરિકોના હાથમાં જ છે. આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા હોવા છતાં ય બહુ મોટા હિસ્સાને ધ્રુવીકરણનું રાજકારણ માફક આવવા માંડ્યું છે જે લોકશાહી માટે બહુ મોટું જોખમ છે. લોકશાહી માત્ર મોહરું રહી જાય તેવું ન બનવું જોઇએ કારણ કે અંતે તે આપણી ઓળખ છે. આપણે યાદ રાખવું પડશે કે આપણને ઝનૂનમાં નહીં પણ એક શાંત, સ્થિર, હળીમળીને રહેતા હોય એવા સમાજમાં રસ છે. સાત દાયકા સુધી લોકશાહી શ્વસેલું આપણું રાષ્ટ્ર, કટોકટી જેવા સંજોગોની સામે પણ જીતેલી આપણી લોકશાહી ‘વિવિધતામાં એકતા’વાળા સૂત્રને તાંતણે ટકી રહી છે, ગણ્યાગાંઠ્યા લોકોની સત્તા ભૂખને પગલે આપણે તેને પોકળ ન થવા દઇએ તે નાગરિક તરીકે આપણી જવાબદારી છે. દિલ્હીની ચૂંટણી ત્યાંના વહીવટને બહેતર બનાવવા માટે થઇ રહી છે તેમાં પાકિસ્તાન, કીચડ ઉછાળ માનસિકતા કે કટ્ટરવાદીઓને જ સાંભળવી ગમે એવી વાતો માટે નથી જ થઇ રહી. આ ચૂંટણીને CAA સાથે પણ લેવાદેવા નથી. રાજ્ય કક્ષાએ પક્ષે રસ્તા, પાણી, વાહન વ્યવહાર, પ્રદૂષણ, હેલ્થકેરની વાતો કરવાની છે અને લોકોને એ સમજાય છે. મજાની વાત એ છે કે લોકોની સમજણ અંગે અમુક રાજકારણીઓને ગતાગમ નથી અને તેઓ પોતાના ઘોંઘાટમાં મસ્ત છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ફેબ્રુઆરી 2020 

Loading

અંગ્રેજોની સમસ્યા હતી, ભારતીયપણાને બદલવું શી રીતે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|9 February 2020

મિશનરીઓને એમ લાગતું હતું કે ભારતનું કલ્યાણ ભારતીય પ્રજાને ખ્રિસ્તી બનાવવામાં છે. પાશ્ચાત્યવાદીઓ અને સામ્રાજ્યવાદીઓને એમ લાગતું હતું કે ભારતનું હિત પૌર્વાત્ય ભારતના અસ્તમાં છે. એવું ભારત બનાવવામાં આવે જે ચામડીના રંગને છોડીને દરેક અર્થમાં પાશ્ચાત્ય કે બ્રિટિશ હોય. વિવેકીઓ, જવાબદાર લોકો, ઉદારમતવાદીઓ અને માનવતાવાદીઓને એમ લાગતું હતું કે ભારત પરત્વેનો અભિગમ ન્યાયી, સહાનુભૂતિવાળો અને એકંદરે માણસાઈવાળો હોવો જોઈએ.

હવે વિચારો કે કંપની સરકારને આ અભિગમોમાંથી કયો અભિગમ માફક આવે? ભારતના લોકોને વટલાવીને ખ્રિસ્તી બનાવવામાં આવે એ તો ઉત્તમ છે, પણ એમાં જોખમ છે. વટલાવવા જતાં સમૂળગા ઉચાળા ભરવાનો વારો આવે. બીજું ભારતમાં પ્રવર્તતા ધર્મોનું સ્વરૂપ એવું છે જેમાં કોઈની સત્તા નથી. ઇષ્ટદેવની પણ નહીં. બાપ અને દીકરાના ઇષ્ટદેવ નોખા હોય. ચીકણી માટીના લોંદાની જેમ તેનો આકાર ભલે બદલાયા કરે, પણ અસ્ત ન થાય. આશ્ચર્યો પરસ્પર હતાં. પશ્ચિમના લોકો ભારતીય ધર્મોનું સ્વરૂપ જોઈને આભા થઈ ગયા હતા અને ભારતના લોકો ઈસાઈ ધર્મનું સ્વરૂપ જોઇને આભા થઈ ગયા હતા. આમ મિશનરીઓની ધર્મપ્રચારની આક્રમકતા કંપનીને બહુ માફક આવે એવી નહોતી.

ઉદારમતવાદીઓ કે માનવતાવાદીઓનો અભિગમ તો જરા ય ન પોસાય. જેવો વહેવાર ઈંગ્લેંડમાં બ્રિટિશ પ્રજા સાથે કરવામાં આવે છે એવો જ જો ભારતમાં ભારતની પ્રજા સાથે કરવામાં આવે તો શોષણ કઈ રીતે કરવું? શોષણ કરવા માટે માણસાઈને તો કોરે મૂકવી જ પડે. બીજી સમસ્યા વ્યવહારુ હતી. ઉદારમતવાદી અભિગમ અપનાવવાનો અર્થ એ થાય કે ભારતીય સમાજવ્યવસ્થાના સ્વરૂપમાં; ભારતીય પ્રજા ઈચ્છે નહીં અને સ્વીકૃતિ આપે નહીં ત્યાં સુધી હાથ નહીં લગાડવાનો. બળજબરીનો તો સવાલ જ નથી.

એક હદથી વધુ બળજબરી કરવામાં તો અંગ્રેજોને પણ ડર લાગતો હતો, પરંતુ સાવ હાથ જ લગાડીએ તો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપવું કેવી રીતે અને રાજકાજ અને શોષણ કરવાં કેવી રીતે? અંગ્રેજોને એમ લાગ્યું હતું કે ભારતીય સામાજિક-રાજકીય વ્યવસ્થા ચોક્કસ આકાર વિનાની છે અથવા તો તેનો જેવો જે આકાર છે તે સંસ્થાનવાદી શોષણ માટે અને સામ્રાજ્ય વિસ્તારવા માટે અનુકૂળ નથી. આખો દેશ એક કેન્દ્રીય સત્તા દ્વારા અને વહીવટી તેમ જ ભૌતિક માળખા દ્વારા જોડાયેલો ન હોય તો સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ માટે અનુકૂળતા પેદા ન થઈ શકે. તેમની પ્રાથમિકતા સામ્રાજ્ય અને સંસ્થાન હતી અથવા કહો કે સત્તા અને સંપત્તિ હતી.

આ સ્થિતિમાં અંગ્રેજોને પાશ્ચાત્યવાદીઓ અને સામ્રાજ્યવાદીઓનો અભિગમ માફક આવે એવો હતો. બંનેના અભિગમમાં શોષણને છોડીને બીજો કોઈ ફરક નહોતો. સામ્રાજ્યવાદીઓને એમ લાગતું હતું કે અંગ્રેજ સામ્રાજ્યના ભાગ બનીને આજના ગુલામો આવતી કાલના સભ્ય બ્રિટિશ નાગરિકો બનશે. ગુલામી અને શોષણ તેમની મુક્તિ માટે જરૂરી છે અને તે કદાચ ઈશ્વરી યોજના છે. સામ્રાજ્યવાદીઓથી ઊલટું, પાશ્ચાત્યવાદીઓને સત્તા અને શોષણમાં રસ નહોતો. પાશ્ચાત્યવાદીઓ એક રીતે માનવતાવાદી હતા, પરંતુ પશ્ચિમના દર્પણથી. તેઓ કરુણાશીલ પણ હતા, પરંતુ પશ્ચિમના દર્પર્ણથી. ‘આવો, અમે જે સભ્યતા વિકસાવી છે તેને સ્વીકારો. એમાં જ જગત આખાની પ્રજાનું કલ્યાણ છે. અમે તમારા દુશ્મન નથી, પણ તમારું કલ્યાણ ઈચ્છીએ છીએ. વિચારી જુઓ, તમારી સભ્યતામાં જો સત્ત્વ હોત તો આમ બટકી પડી હોત! સમય સાથે ચાલો, વાસ્તવિકતા સ્વીકારો અને પરિવર્તન માટે તૈયાર થાઓ. અમે તમે ખ્રિસ્તી બનો એવો આગ્રહ નથી ધરાવતા, પરંતુ પશ્ચિમની સભ્યતાનો સ્વીકાર કરવાનું કહીએ છીએ.’ આ ભાષા મારી છે, પણ એકંદરે તેઓ લગભગ આ જ ભાષામાં ભારતીય પ્રજાને પશ્ચિમની સભ્યતા સ્વીકારવા કહેતા હતા.

અંગ્રેજ શાસકો સામ્રાજ્યવાદીઓની તો ખરી જ પણ પાશ્ચાત્યવાદીઓની ભૂમિકા પણ માફક આવે એવી હતી. ભારતની પ્રજા શક્ય એટલા પ્રમાણમાં પૂર્વના સંસ્કાર છોડે અને પશ્ચિમના સંસ્કારો અપનાવે એમાં લાભ હતો. ભારતની પ્રજાનો દૃષ્ટિકોણ બદલાય તો તે સહેલાઈથી બ્રિટિશ શાસનને સ્વીકારતી થઈ જાય. પ્રતિકારનું પ્રમાણ ઘટી જાય.

હવે હાથ લગાડવા માટેનાં કે નહીં લગાડવા માટેનાં ક્ષેત્રો ચાર હતાં. ધર્મ, ધર્મ અને પરંપરા આધારિત રીતિરિવાજ, ભાષા અને ન્યાયતંત્ર. આમાં પહેલાં બેમાં હાથ લગાડવામાં જોખમ હતું એટલે સંભાળીને ચાલવાનું હતું. મિશનરીઓ પહેલાને એટલે કે ધર્મને હાથ લગાડતા હતા અને અંગ્રેજ શાસકો સલામત પ્રમાણમાં હાથ લગાડવા પણ દેતા હતા. તેઓ હિંદુ અને ઇસ્લામ ધર્મની આલોચના કરતા હતા, મર્યાદા બતાવતા હતા, મનઘડંત અર્થઘટનો કરતા હતા, અને હાંસી પણ ઉડાડતા હતા. શાસકો મિશનરીઓને આવો પ્રચાર કરવા દેતા હતા એનું કારણ એ હતું કે એ રીતે હિંદુઓ અને મુસલમાનોનું મોરલ તૂટે. તેમની અંદર લઘુતાગ્રંથિ પેદા થવી જોઈએ અને શરમનો ભાવ પેદા થવો જોઈએ. જો મિશનરીઓ આટલું કામ કરી આપે તો પાશ્ચાત્યવાદીઓને પણ કોઈ વાંધો નહોતો.

ધર્મ અને પરંપરા આધારિત સામાજિક રીતિરિવાજોને જો હાથ લગાડવો હોય તો એ કામ શાસકો જ કરી શકે. આમાં જોખમ તો હતું, પણ એ જોખમ ઉઠાવવું જોઈએ?  ભારતીય પ્રજાને જો પશ્ચિમની સભ્યતાને અનુકૂળ બનાવવી હોય તો એ જરૂરી હતું. આ સિવાય તાજી જન્મેલી બાળકીને દૂધ પીતી કરવી કે સતી જેવી કમકમાં આવે એવી ક્રૂર પ્રથા સ્વીકારવી શક્ય નહોતી. કદાચ અંગ્રેજ તરીકેની લાજ તેઓ અનુભવતા હતા. અંગ્રેજ શાસકોએ ધીરે ધીરે ભારતીય પ્રજામાં સામાજિક સુધારા કરવા માંડ્યા હતા અને પ્રતિબંધો લાદવા માંડ્યા હતા. તેમણે આ કામ ભારતીય સુધારકોને પેદા કરીને અને તેમને સહાય કરીને કર્યું હતું કે જેથી ઓછામાં ઓછો અવરોધનો સામનો કરવો પડે. ભારતીય પ્રજાનો સુધારકવર્ગ લોકોમાં સુધારાનો પ્રચાર કરે અને પછી અંગ્રેજો જરૂર પડે તો કાયદો કરે. જેમ કે રાજા રામ મોહન રોયને આગળ કરીને અંગ્રેજોએ સતીપ્રથા પર પ્રતિબંધ મુક્યો હતો.

આનો પણ વિરોધ તો થયો જ હતો. રાજા રામ મોહન રાયનું કામ આસાન નહોતું. તેમણે ઘણાં અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. અનેક સુધારકોને સમાજ બહાર કરવામાં આવ્યા હતા અને તેમની સાથે રોટીબેટી વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યા હતા. અનેક સુધારકો સુધારાનો પ્રચાર તો કરતા હતા, પણ અંગત જીવનમાં કસોટીની પળ આવે ત્યારે પીછેહઠ કરતા હતા. આના પરથી કલ્પના કરો કે ત્યારનો યુગ કેવો હશે અને સુધારકોને કેવી વસમી સ્થિતિનો સામનો કરવો પડતો હશે. ૧૮૫૭નો બળવો થયો એના કેટલાંક મહત્ત્વનાં કારણોમાં એક કારણ સામાજિક રીતિરિવાજમાં અંગ્રેજોએ કરેલો હસ્તક્ષેપ હતો. ૧૮૫૭ પછી અંગ્રેજોએ સામાજિક સુધારાઓ કરવાનું બંધ કરી દીધું હતું.

ભાષા અને ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ કરવામાં કોઈ મોટું જોખમ નહોતું. ઊલટું ભાષા દ્વારા તો ભારતીયોનું ભાવવિશ્વ બદલી શકાય એમ હતું. સામ્રાજ્યવાદીઓ અને પાશ્ચાત્યવાદીઓ જે પ્રકારનો ભારતીય ઘડવા માગતા હતા એવો ભારતીય ભાષા દ્વારા ઘડી શકાય એમ હતું. બસ એક જ કામ કરવાનું હતું. ભારતીય ભાષાઓની જગ્યાએ અંગ્રેજીને શિક્ષણ અને વહીવટીતંત્રની અને એ રીતે અંગત સુખાકારીની ભાષા બનાવવામાં આવે. એ પછી બધું આપોઆપ થઈ જશે. જે સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદને જેવો ભારતીય જોઈએ છે એ મળી જશે.

લેખ પૂરો કરતાં પહેલાં હું તમને કહું કે ભારતીય ભાષાઓ પર અંગ્રેજી ભાષા લાદનારા અંગ્રેજોએ ભારતીય ભાષાઓને સમૃદ્ધ કરવાનું કામ પણ કર્યું છે અને માત્ર તેમણે જ તેમાં પહેલ કરી છે અને સિંહફાળો આપ્યો છે તો એ જાણીને તમને આશ્ચર્ય થશે. પણ આ પણ સત્ય હકીકત છે. એ કઈ રીતે એ હવે પછી જોઈશું.     

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 ફેબ્રુઆરી 2020

Loading

...102030...2,7192,7202,7212,722...2,7302,7402,750...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved