Opinion Magazine
Number of visits: 10,228,598
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાહીનબાગની સ્ત્રીઓ

ભરત મહેતા|Poetry|1 February 2020

બરતન માંજતે માંજતે
કપડે ધોતે, ધોતે
રોટિયાઁ શેકતે, શેકતે
શાહીનબાગની સ્ત્રીઓને સંભળાય છે
નવા મૌલવી જેવા વઝીરેઆઝમની ફતવા જેવી તકરીર.
ચાય બનાને વાલે છોકરે કી તરહ વહ ચિલ્લાતા હૈ,
NRC, NRC, છીં, છીં, છીં, છીં, છી, છીં
CAA, CAA, હેં, હેં, હેં, હેં, હેં, હેં
ને વળી સંભળાય છે – ‘તુમ કૌન હો?’
અરે ઉલ્લુ કે પઠ્ઠે
હમ? હમ જોધા અકબર કી સાસ હૈં
હમ? હમ અઠરાસો સત્તાવન કી હઝરતમહાલ હૈં
હમ? હમ પંડિત જગન્નાથ કી માશુકા હૈં
દંગે કે વખત હિન્દુ ઔરત કી તરહ હી
પરેશાન હોતી અમ્મા, બીબી ઔર બેટી હૈં.
તુમ્હેં અલ્લાહ કી ઔલાદ માનકર
તીન તલ્લાક કે ટાઇમ દુવા દેને વાલી આયા હૈં.
લેકિન તુમ તો, શેતાન કી દૂમ નિકલે
વોટ માંગણે વખત ભાઈયોં-બહેનોં-ભાઈયોં-બહેનોં કરતા થા,
અબ પૂછતે હો કિ તુમ કૌન હો?
તુમ પારલેમેન્ટ મેં હો, હમ સડક પે હૈં
લેકિન યાદ રખણા પારલેમેન્ટ બોત છોટી હોતી હૈ સડક સે
બાબરી સે દાદરી તક હમ સેહતે રહેં
આર્મીવાલે કે ભાઈ અખલાક કો તુમને માર દિયા,
નઝીબ પઢને ગયા હૈ, અબ તક લૌટા હી નહીં!
ફિર ભી હમ ચૂપ બેઠે
લેકિન અબ તો તુમને, બોલે તો ક્યા બોલે, બોત વિકાસ કર દિયા!
હરેક કો પૂછતે હો કિ તુમ કૌન હો?
જરા અપને ગિરેબાન મેં ઝાંકો જહાંપનાહ, કિ તુમ કૌન હો?
દો હજાર દો કે દંગે કે લહુ કે છીંટે અભી ભી પડેલે હૈં
તુમ્હારી વર્દી પે!
ફિર ભી હમ ચૂપ થે,
લેકિન ચુપ્પી કા મતલબ યે તો નહીં કિ
હમ જિંદા લાશ બન જાય,
હમારા હોને કા વજૂદ હમ સે હી માંગા જાય!
શાહીનબાગ મેં આકે દેખ ઉમટા હુઆ હૈ સૈલાબ
યહાં આજા, ડર મત,
હમારી ઝૂર્રિયોં મેં અભી ભી મહોબ્બત બચેલી હૈ,
હમ ઔરતેં જનમ દેતી હૈં, મૌત નહીં
હમ ચીડિયોં કે ઘોંસલો કી તરાહ આશિયાના બનાતી હૈં
હમ બંદર થોડે હૈં કિ તોડ કે કિસી કા આશિયાના!
હો સકે તો હમ સે થોડા સીખ લે,
ઘર ચલાને સે જ્યાદા મુશ્કિલ નહીં હૈં
દેશ ચલાના.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 24

Loading

‘પુનશ્ચ’-માં, ‘a g a i n-‘માં,

સુમન શાહ|Opinion - Opinion|31 January 2020

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાના મુખ્ય મુદ્દા બાબતે પરિષદે સૌ સંસ્થાઓ સાથે સમ્મિલનનો રસ્તો પસંદ કર્યો છે, એ પ્રશંસનીય છે.

પરન્તુ ગુજરાત સાહિત્ય અકાદમી શી રીતે ચાલી રહી છે? સાંભળો : કાર્યક્રમોથી માંડીને સાહિત્યસંલ્ગન કોઈપણ પ્રવૃત્તિ માટે નિર્ણયો લેનારી અને થયેલાં કામોને મંજૂરી આપનારી કાર્યવાહ કસમિતિ ત્યાં છે જ નહીં ! માત્ર અધ્યક્ષ અને મહામાત્રના આપ-સૂઝ્યા વિચારોને આધારે બધું હાલી રહ્યું છે. કહેવાનો સાર, આપખુદી પ્રવર્તે છે.

મેં દોઢ-બે વર્ષ પહેલાં સાહિત્ય અકાદમી, દિલ્હી સહિતની ત્રણેય સંસ્થાઓ માટે આ બધા મુદ્દાઓ સંદર્ભે જાહેરમાં લખેલું એ લેખ અહીં પુન:પ્રકાશિત કરું છું.

સ્વાયત્તતા વિશે બોલવાના મારા સ્વાધિકાર સામે પ્રશ્નો કરીને તાજેતરમાં એક વ્યક્તિ મારી ઇમેજને ઇજા પ્હૉંચાડી રહી છે.

અકાદમી-અધ્યક્ષ આજકાલ 'આપ' અને 'ખુદ' જેવી બાલિશ શબ્દરમત કરીને 'લોકો' અને 'પોતે' જેવો મહા-મતલબી અનર્થ સરજીને સાહિત્યસમાજને ભોળવી રહ્યા છે.

ત્યારે, મારા એ લેખના પુન:પ્રકાશનને 'પુનશ્ચ'-માં, 'a g a i n-'માં, તાકીદનું સમજું છું.

ત્રણેય સાહિત્યસંસ્થાઓ માટે

આ 'સાહિત્ય સાહિત્ય'-ની છતરી હેઠળ હું બેઠેલો છું એવો મેં તાજેતરમાં ઉલ્લેખ કરેલો. એટલે એક નવોદિત સન્મિત્રે ફોનમાં કહ્યું કે એ છતરી હેઠળ તમારે આપણી સાહિત્યસંસ્થાઓ — અકાદમી, પરિષદ અને દિલ્હી અકાદમી — વિશે પણ લખવું જોઈએ; કેમ નથી લખતા? પરિષદમાં સિતાંશુ યશશ્ચન્દ્ર પ્રમુખ ચુંટાયા છે તો એમને તમે સ્વાયત્તતા વિશે પૂછો. એમની રાબહરી હેઠળ થયેલાં કામો વિશે રાજેન્દ્ર મહેતાએ RTI-ની ભૂમિકાએ પ્રશ્નો કર્યા છે, જાહેરમાં ચર્ચામાં મૂક્યા છે, એ વિશે પૂછો. અકાદમીમાંથી માધવ રામાનુજે રાજીનામું આપ્યું, તમે વિદેશ છો, તો નિર્ણયો કોણ લે છે? જણાવો : મેં કહ્યું : દોસ્ત, આમાં મને તારી પૂરેપૂરી નિસબત વરતાય છે, અભિનન્દન : હા પણ તમે સંસ્થાઓમાં માનતા નથી એટલે લખશો કે કેમ? : હું વાક્ય પૂરું કરું એ પહેલાં જ બોલેલો. મેં કહ્યું : હા, બધા વિશે લખીશ. શનિવારે 'છતરી' તું જોઈ લેજે : ઓકે ફાઇન, કહીને ફોન એણે મૂકી દીધેલો.

આમ તો હું સંસ્થાઓ વિશે ઇન-જનરલ અને હાસ્યવ્યંગની રીતે કહેતો હોઉં છું, આવા પર્ટિક્લુયર પ્રશ્નોને નથી અડતો. પણ ત્રણેય સંસ્થાઓ વિશેની સન્મિત્રની આ માંગ તીવ્ર છે એટલે ટાળી નથી શકતો. તો, એ પરત્વે આવું કંઈક લખું :

સન્મિત્રને જણાવું કે —

અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઈને ચૅટ-મૅસેજમાં આવા મતલબનું હું ઑલરેડી લખી ચૂક્યો છું : માર્ગદર્શક મંડળમાં અને કાર્યવાહક સમિતિમાં સભ્યસંખ્યા જુદાંજુદાં કારણોથી ઘટી ગઈ છે. તાજેતરમાં માધવ રામાનુજે રાજીનામું આપ્યું છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે કઈ બહુમતિથી નિર્ણયો લેવાય છે. મને ડર છે કે જે નિર્ણયો લેવાશે એ, હકીકતમાં નહીં હોય તો પણ, આપખુદ લેખાશે : ખાસ ઉમેર્યું છે : બનતી ઉતાવળે બન્નેની નવરચના કરજો. આ વર્તમાનની તાકીદ છે બલકે અકાદમીની ભાવિ નીતિરીતિ અને તે અનુસારની બહુસમ્મત કાર્યપ્રણાલિ પરત્વે અત્યન્ત જરૂરી છે : મને આશા છે, ઘટતું થશે.

પરિષદના પ્રમુખ તો ખરા પણ સિતાંશુ યશશ્ચન્દ્ર મારા મિત્ર છે એ નાતે એમને આવું આવું કંઈક કહું : સ્વાયત્તતા માટેની લડતને પરિષદ ભલે ચાલુ રાખે. પણ એ માટે અકાદમીના કાર્યક્રમો અને 'શબ્દસૃષ્ટિ' જોડે અસહકાર બાબતે ફતવાથી કે અન્ય દબાણોથી, રાજીનામાં વગેરે ઘટનાઓ ઘટેલી એ વાતનું દુઃખ સાહિત્યસમાજથી વીસરાયું નથી. વળી, એ કારણે આ લડત સમગ્ર સાહિત્યસમાજની છે એમ માનવું ત્રાહિત પ્રજાજનો માટે આજે પણ મુશ્કેલ રહ્યું છે. ખાસ તો એથી, અકાદમી-સંલગ્ન વ્યક્તિઓ પ્રત્યે દ્વેષ કે ખાર પ્રગટેલો છે. એને નષ્ટ કરે. કોઈપણ સાહિત્યકાર મુક્ત અને પોતીકી સ્વાયત્તતાનો અનુભવ અને વિનિયોગ કરી શકે એ હેતુથી એ ઠરાવોને સુધારે ને જાહેર કરે. એથી આપણે સૌ સૌહાર્દની ભૂમિકાએ વિકાસશીલ થઈ શકીશું. નવોદિત પેઢીને વિશ્વાસપૂર્વકનું પ્રાણસભર વાતાવરણ મળશે.

ત્યારે મિત્ર અકાદમી દિલ્હી સાથે જોડાયેલા હતા, એ સંદર્ભે કહેલું કે રાજેન્દ્ર મહેતાએ RTI-ની ભૂમિકાએ જે જાહેર પૃચ્છા કરી છે તેનું શક્યતમ નિરસન કરે. એટલે કે, એ પ્રશ્નો અંગેનાં તથ્યો સાહિત્યસમાજ માટે પ્રકાશિત કરે. નિયમાનુસાર, અકાદમી એવી ચર્ચામાં ન ઊતરી શકે એમ હોય તો પણ વાતનું નિરાકરણ કરવું વાતાવરણની શુદ્ધિ માટે ખૂબ જરૂરી છે. અનૌપચારિક ભૂમિકાએ અસંભવિત નથી.

મારી દૃષ્ટિએ, સાહિત્યસંસ્થાનું કામ સાહિત્યસમાજ માટે સાહિત્યિક પ્રવૃત્તિઓ કરવી એ છે. વ્યાખ્યાનો પરિસંવાદો અધિવેશનો જ્ઞાનસત્રો કે પ્રકાશનો વડે : સાહિત્યના સર્વ અભિગમોનું સ્વાગત થઈ શકે એવું નિષ્પક્ષ એટલે કે પોષક હવામાન રચી શકે : સાહિત્યપદાર્થ-સંલગ્ન સત્યોનું પ્રસરણ કરી શકે : નીવડેલાઓને જોડીને આશાસ્પદ નવોદિતોને ભાથું બંધાવી શકે : આ બાબતોનું સરખું પાલનપોષણ થાય તો, કોઈ પણ સંસ્થા 'સાહિત્યિક સંસ્કૃતિ' માટે શ્રેયસ્કર છે.

પરન્તુ, સાહિત્યિક પ્રવૃત્તિ અને વૈયક્તિક સર્જન/લેખન વચ્ચેનો ભેદ સૌ સમજી રાખે એ અત્યન્ત જરૂરી છે. સર્જક કે સમીક્ષક તો વ્યક્તિએ પોતે જાતે, જાતના બળે, થવાનું હોય છે. સંસ્થાના મોહમાં એ સત્યને એ જો વીસરી જાય, તો નુકસાન એને છે. ઘરના એકાન્તે કરવાનું કામ — જેથી સમગ્ર કારકિર્દીના મૂળાધાર સમી નિજી સમ્પદા એકઠી થાય. સદા પોતાની વર્કશોપને અધીન રહેવાની વાત. કેમ કે વૈશ્વિક સાહિત્ય-સમજની તુલનામાં સંસ્થાઓની કાર્યપદ્ધતિ બંધારણબદ્ધ હોય છે. ગાંઠે બાંધી રાખવાની વાત. પરન્તુ એ લાલો સંસ્થામાં આવતો-જતો રહે છે એટલે ભ્રમમાં આવી જાય છે કે પોતે સાહિત્યકાર થઈ ગયો! એને પ્રમુખ બનવાનાં સપનાં આવવા લાગે છે. સંસ્થાઓ આપવડાઈમાં વીસરી જાય છે કે પોતાથી સર્જક મોટો છે ને સર્વથા સ્વાયત્ત છે.

ઇન્સ્ટિટ્યુશન સાહિત્યપદાર્થને ઇન્સ્ટિટ્યુટ કરે પણ સાહિત્યકાર આખેઆખો ઇન્સ્ટિટ્યુટ થઈ જાય તો સાહિત્યનું સત પ્રશ્નાર્થ હેઠળ આવી જાય. સર્જનશક્તિ કે સમીક્ષાત્મક નિપુણતા, બીબાંઢાળ બની જાય. લાલચને કારણે માણસો બીબાંમાં ઢાળ્યા ઢળાય પણ ખરા. આ સંભવિત હ્રાસમાં ઉમેરાય છે, સંસ્થાકીય રાજકારણ. અને સંસ્થાઓમાં રાજકારણ તો મુખ્ય રસાયન છે! કોઈ પણ ક્ષણે વ્યક્તિના ખૉળામાં જઈ પડે ને એને દઝાડીને જંપે. અને સાંભળો, રાજકારણ સ્મૃતિનાશક છે. સંભવ છે કે એમાં રચ્યોપચ્યો સાહિત્યકાર પોતાનું લખવાનું ભૂલી જાય; સાહિત્યનો વહીવટદાર થઈ મ્હાલે ને ચોપાસ રૂઆબ છાંટે.

હા, ચૂંટણી લડીને સપનું સાચું પાડી શકે. પ્રમુખ થાય. નિજી સમ્પદાથી સભર હોય તો જુએ કે આજે વિશ્વસાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય સાથેનો આપણો અનુબન્ધ નહિવત્ રહી ગયો છે. કેટલી હાણ થઈ રહી છે. પણ લોકશાહી છે એટલે નિજી સમ્પદાવાળા ન પણ મળે. મુક્તચિત્ત મતદારને થાય, કોને મત આપું? લિસ્ટમાં ખરા સાહિત્યકારો તો જૂજજાજ છે! એને થાય, મારે 'આને' 'પ્રમુખ' ચૂંટવાનો !?

સમજો, લોકશાહી પોતાના સ્વરૂપે કરીને અલ્પતમ ગુણવાનને ય પ્રવેશ તો આપે છે પણ આવશ્યક વિવેક ન હોય તો ફળ નથી આપી શકતી. લોકશાહીની એવી અન્તર્ગત મર્યાદાઓથી સાહિત્યકલાને બચાવવાનું હંમેશાં મુશ્કેલ રહેવાનું. સંસારમાં ઉત્તમ સાહિત્યો વર્કશોપોમાંથી કે કોટરીઝમાંથી – સમાન રસરુચિધારીઓની મંડળીમાંથી – પ્રભવ્યાં છે એ સત્ય તો સાવ ભુંસાઈ જવાનું.

આ કારણોથી હું સંસ્થામાં નથી માનતો. પણ હું સંસ્થાદ્રોહી નથી. નિમન્ત્રણથી પરિષદનાં કામો હંમેશાં કર્યાં છે. અકાદમી દિલ્હીની સલાહકાર સમિતિનો સભ્ય રહ્યો છું ને મીટિન્ગોમાં નકામી યોજનાઓના જરૂરી વિરોધ કર્યા છે, છતાં, મેં એને સમ્પાદનો કે અનુવાદો કરી આપ્યાં છે.

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટે ઉમાશંકરે શરૂ કરેલી ઝુંબેશમાં, 'શબ્દસૃષ્ટિ'-નો હું પહેલો માનાર્હ તન્ત્રી હતો તે છતાં, જાહેરમાં, લખીને, સૂર પુરાવેલો છે. એથી પ્રગટેલા કંકાસને કારણે અકાદમીમાંથી મુક્ત થતાં મેં વાર ન્હૉતી કરી.

તેમ છતાં, ત્યારે અકાદમીના નિમન્ત્રણથી બન્ને સમિતિઓમાં જોડાયેલો. હાલ એથી પણ મુક્ત થયો છું. ટૂંકમાં, મારાં ધોરણોને અનુકૂળ કામો માન-અપમાનની પરવા વગર સાહિત્યની સેવા અર્થે હંમેશાં કર્યાં છે.

મારે કહેવું તો એ છે કે ઉપર્યુક્ત વિચારો મને કોઈ ચૉપડીમાંથી નથી મળ્યા. ૫૪ વર્ષથી ગુજરાતી સાહિત્યની સન્નિકટે અહોરાત રહેવાથી અને એના નિરન્તરના સખળડખળ પરિદૃશ્યને નિઃસ્વાર્થ ભાવે નિહાળવાથી સૂઝેલા છે.

રામ રામ.

= = =

(30 Jan 2020: India)

Loading

ભલે ઊગ્યો ભાણની જેમ ફીઅરલેસ ઇન્ડિયાને કોટિકોટિ પ્રણામ!

રમેશ ઓઝા|Opinion - Opinion|30 January 2020

પોલેન્ડના વિશ્વપ્રસિદ્ધ સંગીતકાર ડબ્લ્યુ. લુતોસ્તાવસ્કી ૧૯૨૯ની સાલમાં ૧૬ વર્ષના તરુણ હતા, ત્યારે તેમણે ગાંધીજીને પત્ર લખીને પૂછ્યું હતું કે ‘તમે ધ્યાન-ધારણામાં અને ચિંતનમનનમાં વખત ગાળો છો? મારા મન પર એવી છાપ પડી છે કે આપ પ્રવૃત્તિમય જીવન ગાળો છો.’ ગાંધીજીએ તેમને ઉત્તરમાં લખ્યું હતું કે, “સક્રિય પ્રવૃત્તિથી અલગ એવા ધ્યાનમાં હું મારો વખત ગાળતો નથી. મારી સક્રિય પ્રવૃત્તિ જ મારાં ધ્યાન-ધારણાં છે તે કલ્પના તમે બરાબર કરી છે.”

શા માટે ૧૬ વરસના તરુણને આ પ્રશ્ન થયો અને શા માટે ગાંધીજીએ “સક્રિય પ્રવૃત્તિથી અલગ એવા ધ્યાનમાં હું મારો વખત ગાળતો નથી. મારી સક્રિય પ્રવૃત્તિ જ મારાં ધ્યાન-ધારણાં છે,” એમ કહ્યું; જ્યારે કે સંતો માટે ધ્યાન-ધારણા અનિવાર્ય લેખવામાં આવે છે? જો વિચારશો તો આનો ઉત્તર બહુ આસાન છે. ૧૬ વરસના લુતોસ્તાવસ્કીને આશ્ચર્ય થયું હતું કે જગતમાં જે માણસ અનોખા સંત તરીકે ઓળખાય છે તે નિવૃત્તિમાર્ગી કેમ નથી? અને ગાંધીજીએ આવો ઉત્તર એટલા માટે આપ્યો હતો કે તેમણે આધ્યાત્મિકતાની એક નવી ભોંય ભાંગી હતી.

પણ જે ખુલાસો મેં તમને અહીં આપ્યો છે એ નવો પ્રશ્ન પેદા કરે છે. ગાંધીજીએ કઈ રીતે આધ્યાત્મિકતાની નવી ભોંય ભાંગી હતી?

એ છે કરુણા અને નિર્ભયતા. સત્ય અને અહિંસાની વાત તો ગાંધી પહેલાં અનેક સંતોએ અને અવતારપુરુષોએ કરી છે. કરુણાભાવનો પણ આગલા મહાનુભાવોએ ઉપદેશ આપ્યો છે, પરંતુ ગાંધીજીની કરુણા નિષ્ક્રિય નહોતી, સક્રિય હતી. બીજું, ગાંધીજીની કરુણામાં ન્યાય અને અન્યાયનો પણ સમાવેશ થતો હતો. આ દૃષ્ટિએ ગાંધીજીએ આધ્યાત્મિકતાની નવી ભોંય ભાંગી હતી. તમારા કલ્યાણમાં જ મારું કલ્યાણ અથવા આ સકળ સંસારનાં કલ્યાણથી અલગ મારું કલ્યાણ ન હોઈ શકે એ જ્યારે સમજાઈ જાય ત્યારે પરમ કરુણાવાન પ્રામાણિક માણસ એ શોધવાનો પ્રયત્ન કરવા લાગે. જો એવો કોઈ માર્ગ જડે તો એ તેને લોકો સુધી વહેંચવા લાગશે. લોકો જો ખોટા માર્ગે જતા નજરે પડે તો તેને રોકવાનો પ્રયત્ન કરશે. હાથ જોડશે. વિનવશે વગેરે.

અને પછી એનાથી પણ આગળ. જો એમ માલુમ પડે કે લોકો દ્વારા સામૂહિક રીતે અપનાવવામાં આવતા ખોટા માર્ગની પાછળ ધાર્મિકતા રહેલી છે, ધાર્મિક શાસ્ત્રોનાં વચનો રહેલાં છે, પરંપરા અને પરંપરામાં શ્રદ્ધા રહેલી છે, કોઈ વિચારધારા રહેલી છે, જુલમ કરનારી અને તેને ઉચિત ઠેરવનારી વ્યવસ્થા રહેલી છે અને સૌથી વધુ ભય રહેલો છે તો? તો તો પડકાર હજુ મોટો થઈ ગયો. મહાત્મા જો નક્કર ટકોરાબંધ સાચો હોય તો તેની સામે પ્રશ્ન થશે કે હ્રદયમાં સાચી કરુણા છે અને સત્ય સમજાઈ ગયું છે તો બોલ્યા વિના અને રસ્તો અવરોધ્યા વિના બીજો વિકલ્પ જ ક્યાં છે? માર્ગ બે જ બચે છે. કાં કમંડલ લઈને હિમાલય નાસી જવું અને કાં નિર્ભય બનીને માર્ગમાં ખડકની જેમ ઊભા રહેવું.

દક્ષિણ આફ્રિકાનાં પિટરમોરિત્ઝ્બર્ગ સ્ટેશને રંગભેદમાં માનનારા ગોરા ઉતારુએ ગાંધીજીને અને ગાંધીજીના સામાનને સ્ટેશનનાં પ્લેટફોર્મ ઉપર ફેંકી દીધા ત્યારે એ જ સમયે ગાંધીજીએ પણ તેમની અંદર રહેલો ભય ફગાવી દીધો હતો. ફગામણી પરસ્પરની હતી. આધ્યાત્મિક પરિભાષામાં જેને કેવળજ્ઞાન કહીએ છીએ તે આ. ભયમુક્તિ એ સાચી ક્ષણ છે અને ક્ષણે ક્ષણે ભયમુક્ત રહેવું એ મુક્ત પુરુષનાં જીવનની કલગી છે અને આપણા માટે માપદંડ છે. ગાંધીજીના સત્યના પ્રયોગો એ વાસ્તવમાં ભયમુક્તિના પ્રયોગો છે. ભયભીત માણસ સત્યના પક્ષે ઊભો જ ન રહી શકે જે રીતે આજકાલ અધ્યાત્મના કેટલાક વેપારી બાવાઓ માનવતાની ભાષા છોડીને જુદી ભાષામાં બોલવા લાગ્યા છે. વચ્ચેનાં વર્ષોમાં તેઓ સાત્વિકતાની આરાધના કરતા હતા, કારણ કે સમાજ તામસી નહોતો અને સાત્વિકતાનો ડોળ કરવામાં પ્રતિષ્ઠા મળે છે. હવે જ્યારે સમાજ તામસિક થઈ ગયો છે એટલે તેમણે અરણ્યનો રઝળપાટ છોડીને ઘરવાપસી કરી છે. સારું થયું, માડી તારો કેશવો હતો એવો પાછો આવ્યો. તેમને એની જાણ નથી કે તેઓ ભારતના અત્યારે ઘડાઈ રહેલા અને ભવિષ્યમાં લખાનારા કલંકિત ઇતિહાસના ભાગીદારો તરીકે ઇતિહાસમાં પોતાનાં નામ લખાવી રહ્યા છે. ઈતિહાસ કોઈને ય છોડતો નથી અને વર્તમાન ટૂંકો છે અને ઇતિહાસ અનંત છે.

આજના શહીદીના દિવસે માટીપગાઓ આપણી ચર્ચાનો વિષય ન બનવા જોઈએ એટલે તેમને અહીં જ છોડી દઈએ. હા, એટલું સારું થયું કે તેઓ પાંચ વર્ષ પહેલાં આ ફાની દુનિયા છોડીને જતા ન રહ્યા. જો જતા રહ્યા હોત તો આપણને તેમના સાચા ચહેરાની જાણ જ ન થાત. મૃત્યુની ઈર્ષ્યા તો કદાચ તેમને પણ થતી હશે. જો જતા રહ્યા હોત તો બાંધી મુઠીએ જતા રહીને અમર થવા મળત.

ડર આખરી માપદંડ છે. જે માણસ ડરપોક છે એ વામણો છે.

સત્યને કરુણા સાથે સંબંધ છે અને કરુણાને નિર્ભયતા સાથે. અહિંસા તો સાધન તરીકે આવે છે. દક્ષિણ આફ્રિકા જેવા પરાયા દેશમાં કેટલા ભારતીય હતા! પચાસ હજાર પણ નહીં. એમાંથી મોટા ભાગના તો શોષણને કારણે ચેતના ગુમાવી દીધેલા ગિરમીટિયા હતા. સરકાર નિર્દયી હતી અને ભારતમાં હિંદી પ્રજામાં હજુ એટલી જાગૃતિ નહોતી કે તે દક્ષિણ આફ્રિકાની લડતને ટેકો આપી શકે. આમ છતાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની શોષણ કરનારી વ્યવસ્થાને અને એ વ્યવસ્થાને કાયદાકીય વાઘા પહેરાવનારાં શાસનને પડકાર્યા હતાં. કઈ તાકાતથી? અંદરની તાકાતથી.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. ૧૯૧૬માં બનારસમાં બનારસ હિંદુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન હતું. ગાંધીજીએ ભારત ખાતેના બ્રિટિશ ગવર્નરને જણાવી દીધું કે આટલી બધી સુરક્ષાની વચ્ચે કેમ ફરવું પડે છે? જો ડરતા હો તો ઘરે જતા રહો. ડરીને જીવવા કરતાં ઘરે જતા રહીને નિવૃત્ત જીવન જીવવું બહેતર છે. ડરીને જીવવું એ કોઈ જીવતર છે? તેમણે શ્રોતાઓને અને તેમના દ્વારા ભારતની પ્રજાને ઉદ્દેશીને કહ્યું હતું કે જો તેઓ આપણાથી ડરતા હોય તો એ આપણા માટે શરમની વાત છે. આપણે તેમને ઈજા પહોંચાડીને ન્યાય નથી મેળવવો; પણ સામી છાતીએ ઊભા રહીને, આંખમાં આંખ પરોવીને, સાચી માગણી કરીને અને તેને માટે મરીફીટીને ન્યાય મેળવવો છે. તેમણે ત્યાં ઉપસ્થિત રાજા-મહારાજાઓને કહ્યું હતું કે તમે આ જે આભૂષણ પહેર્યાં છે એ શાન નથી, પરંતુ શરમ છે. આ શોષણનું સર્જન છે એટલે હ્રદય વલોવાવું જોઈએ, ચિત્ત પોરસાવું ન જોઈએ.

એવું જ બીજા વરસે ચંપારણમાં. હું અહીં ગળીનું વાવેતર કરતા મારા ગરીબ શોષિત ભાંડુઓની સ્થિતિ જાણવા-સમજવા આવ્યો છું. એ સમજ્યા વિના હું અહીંથી જવાનો નથી. તમે મારી ધરપકડ કરશો તો છૂટ્યા પછી પાછો આવીશ. જેટલી વાર છોડશો એટલી વાર આવીશ. ગાંધીજીનું આ નિવેદન સાંભળ્યા પછી અંગ્રેજ જજ અને વકીલો એકબીજાની સામે જોવા લાગ્યા હતા અને પ્રજાને સમજાઈ ગયું હતું કે તેમની બેડીઓનો તોડનાર આવી ગયો છે.

વાત એમ છે કે દુષ્ટ શાસન અને શોષણ ભયના પાયા પર જ ચાલે છે પછી એ શાસન અને શોષણ રાષ્ટ્રવાદના નામે ચાલતું હોય, દેશપ્રેમના નામે ચાલતું હોય, ધર્મના નામે ચાલતું હોય, સંપ્રદાયના નામે ચાલતું હોય, જ્ઞાતિ-ગૌરવના નામે ચાલતું હોય, પરિવારની પ્રતિષ્ઠાને નામે ચાલતું હોય, સ્ત્રીની આંકી આપવામાં આવેલી મર્યાદાના નામે ચાલતું હોય, પરંપરાના નામે ચાલતું હોય, પ્રદેશ અને ભાષાને નામે ચાલતું હોય કે બીજું કોઈ પણ સ્વરૂપ હોય. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી શોષણ અને શાસન છે. ભય ગયો કે પત્યું. ગાંધીજીએ સકળ જગતને આ વાત શીખવી અને માટે ગાંધીને મારવાના લાખ પ્રયત્ન છતાં ગાંધી મરતો નથી.

જુઓને! ગાંધીજીને દાટી દેવાના, તેને ભૂલાવી દેવાના, તેને બદનામ કરવાના, તેને સ્વચ્છ ભારતમાં નાનો બનાવીને સમેટી લેવાના કેટકેટલા પ્રયત્નો કરાયા. કોઈ પાર નથી. ગાંધીજીનો અ-ક્ષર-દેહ સો ખંડમાં છે તો ગાંધીજીની અનેક પ્રકારે હત્યા કરવાના પ્રયત્નોની વિગતો આપવામાં આવે તો જો સો નહીં તો પચાસ ખંડ તો બને જ. આટઆટલા પ્રયત્નો પછી અચાનક આપણે જોઈએ છીએ કે ફીઅરલેસ ઇન્ડિયા સામે આવીને ઊભું રહી ગયું છે. ૧૮-૨૦ વરસનાં તરુણોએ અને ખાસ કરીને સ્ત્રીઓએ ભયને ફગાવી દીધો છે. ક્યાંથી આ શક્તિ આવી? કોની પ્રેરણા હતી? સામાન્ય માણસની અંદર જીગર ક્યાંથી પ્રગટ્યું? કોઈ બાવાની શીખનું આ પરિણામ નથી. ઊલટું આજકાલ બાવાઓ સમાજને નિર્વીર્ય કરવાનું કામ કરી રહ્યા છે. આ પ્રભાવ છે સોક્રેટિસથી લઈને ગાંધી સુધી થયેલા નિર્ભયજનોનો.

ભલે ઊગ્યો ભાણની જેમ ફીઅરલેસ ઇન્ડિયાને કોટિકોટિ પ્રણામ!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30  જાન્યુઆરી 2020

Loading

...102030...2,7292,7302,7312,732...2,7402,7502,760...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved