પોલેન્ડના વિશ્વપ્રસિદ્ધ સંગીતકાર ડબ્લ્યુ. લુતોસ્તાવસ્કી ૧૯૨૯ની સાલમાં ૧૬ વર્ષના તરુણ હતા, ત્યારે તેમણે ગાંધીજીને પત્ર લખીને પૂછ્યું હતું કે ‘તમે ધ્યાન-ધારણામાં અને ચિંતનમનનમાં વખત ગાળો છો? મારા મન પર એવી છાપ પડી છે કે આપ પ્રવૃત્તિમય જીવન ગાળો છો.’ ગાંધીજીએ તેમને ઉત્તરમાં લખ્યું હતું કે, “સક્રિય પ્રવૃત્તિથી અલગ એવા ધ્યાનમાં હું મારો વખત ગાળતો નથી. મારી સક્રિય પ્રવૃત્તિ જ મારાં ધ્યાન-ધારણાં છે તે કલ્પના તમે બરાબર કરી છે.”
શા માટે ૧૬ વરસના તરુણને આ પ્રશ્ન થયો અને શા માટે ગાંધીજીએ “સક્રિય પ્રવૃત્તિથી અલગ એવા ધ્યાનમાં હું મારો વખત ગાળતો નથી. મારી સક્રિય પ્રવૃત્તિ જ મારાં ધ્યાન-ધારણાં છે,” એમ કહ્યું; જ્યારે કે સંતો માટે ધ્યાન-ધારણા અનિવાર્ય લેખવામાં આવે છે? જો વિચારશો તો આનો ઉત્તર બહુ આસાન છે. ૧૬ વરસના લુતોસ્તાવસ્કીને આશ્ચર્ય થયું હતું કે જગતમાં જે માણસ અનોખા સંત તરીકે ઓળખાય છે તે નિવૃત્તિમાર્ગી કેમ નથી? અને ગાંધીજીએ આવો ઉત્તર એટલા માટે આપ્યો હતો કે તેમણે આધ્યાત્મિકતાની એક નવી ભોંય ભાંગી હતી.
પણ જે ખુલાસો મેં તમને અહીં આપ્યો છે એ નવો પ્રશ્ન પેદા કરે છે. ગાંધીજીએ કઈ રીતે આધ્યાત્મિકતાની નવી ભોંય ભાંગી હતી?
એ છે કરુણા અને નિર્ભયતા. સત્ય અને અહિંસાની વાત તો ગાંધી પહેલાં અનેક સંતોએ અને અવતારપુરુષોએ કરી છે. કરુણાભાવનો પણ આગલા મહાનુભાવોએ ઉપદેશ આપ્યો છે, પરંતુ ગાંધીજીની કરુણા નિષ્ક્રિય નહોતી, સક્રિય હતી. બીજું, ગાંધીજીની કરુણામાં ન્યાય અને અન્યાયનો પણ સમાવેશ થતો હતો. આ દૃષ્ટિએ ગાંધીજીએ આધ્યાત્મિકતાની નવી ભોંય ભાંગી હતી. તમારા કલ્યાણમાં જ મારું કલ્યાણ અથવા આ સકળ સંસારનાં કલ્યાણથી અલગ મારું કલ્યાણ ન હોઈ શકે એ જ્યારે સમજાઈ જાય ત્યારે પરમ કરુણાવાન પ્રામાણિક માણસ એ શોધવાનો પ્રયત્ન કરવા લાગે. જો એવો કોઈ માર્ગ જડે તો એ તેને લોકો સુધી વહેંચવા લાગશે. લોકો જો ખોટા માર્ગે જતા નજરે પડે તો તેને રોકવાનો પ્રયત્ન કરશે. હાથ જોડશે. વિનવશે વગેરે.
અને પછી એનાથી પણ આગળ. જો એમ માલુમ પડે કે લોકો દ્વારા સામૂહિક રીતે અપનાવવામાં આવતા ખોટા માર્ગની પાછળ ધાર્મિકતા રહેલી છે, ધાર્મિક શાસ્ત્રોનાં વચનો રહેલાં છે, પરંપરા અને પરંપરામાં શ્રદ્ધા રહેલી છે, કોઈ વિચારધારા રહેલી છે, જુલમ કરનારી અને તેને ઉચિત ઠેરવનારી વ્યવસ્થા રહેલી છે અને સૌથી વધુ ભય રહેલો છે તો? તો તો પડકાર હજુ મોટો થઈ ગયો. મહાત્મા જો નક્કર ટકોરાબંધ સાચો હોય તો તેની સામે પ્રશ્ન થશે કે હ્રદયમાં સાચી કરુણા છે અને સત્ય સમજાઈ ગયું છે તો બોલ્યા વિના અને રસ્તો અવરોધ્યા વિના બીજો વિકલ્પ જ ક્યાં છે? માર્ગ બે જ બચે છે. કાં કમંડલ લઈને હિમાલય નાસી જવું અને કાં નિર્ભય બનીને માર્ગમાં ખડકની જેમ ઊભા રહેવું.
દક્ષિણ આફ્રિકાનાં પિટરમોરિત્ઝ્બર્ગ સ્ટેશને રંગભેદમાં માનનારા ગોરા ઉતારુએ ગાંધીજીને અને ગાંધીજીના સામાનને સ્ટેશનનાં પ્લેટફોર્મ ઉપર ફેંકી દીધા ત્યારે એ જ સમયે ગાંધીજીએ પણ તેમની અંદર રહેલો ભય ફગાવી દીધો હતો. ફગામણી પરસ્પરની હતી. આધ્યાત્મિક પરિભાષામાં જેને કેવળજ્ઞાન કહીએ છીએ તે આ. ભયમુક્તિ એ સાચી ક્ષણ છે અને ક્ષણે ક્ષણે ભયમુક્ત રહેવું એ મુક્ત પુરુષનાં જીવનની કલગી છે અને આપણા માટે માપદંડ છે. ગાંધીજીના સત્યના પ્રયોગો એ વાસ્તવમાં ભયમુક્તિના પ્રયોગો છે. ભયભીત માણસ સત્યના પક્ષે ઊભો જ ન રહી શકે જે રીતે આજકાલ અધ્યાત્મના કેટલાક વેપારી બાવાઓ માનવતાની ભાષા છોડીને જુદી ભાષામાં બોલવા લાગ્યા છે. વચ્ચેનાં વર્ષોમાં તેઓ સાત્વિકતાની આરાધના કરતા હતા, કારણ કે સમાજ તામસી નહોતો અને સાત્વિકતાનો ડોળ કરવામાં પ્રતિષ્ઠા મળે છે. હવે જ્યારે સમાજ તામસિક થઈ ગયો છે એટલે તેમણે અરણ્યનો રઝળપાટ છોડીને ઘરવાપસી કરી છે. સારું થયું, માડી તારો કેશવો હતો એવો પાછો આવ્યો. તેમને એની જાણ નથી કે તેઓ ભારતના અત્યારે ઘડાઈ રહેલા અને ભવિષ્યમાં લખાનારા કલંકિત ઇતિહાસના ભાગીદારો તરીકે ઇતિહાસમાં પોતાનાં નામ લખાવી રહ્યા છે. ઈતિહાસ કોઈને ય છોડતો નથી અને વર્તમાન ટૂંકો છે અને ઇતિહાસ અનંત છે.
આજના શહીદીના દિવસે માટીપગાઓ આપણી ચર્ચાનો વિષય ન બનવા જોઈએ એટલે તેમને અહીં જ છોડી દઈએ. હા, એટલું સારું થયું કે તેઓ પાંચ વર્ષ પહેલાં આ ફાની દુનિયા છોડીને જતા ન રહ્યા. જો જતા રહ્યા હોત તો આપણને તેમના સાચા ચહેરાની જાણ જ ન થાત. મૃત્યુની ઈર્ષ્યા તો કદાચ તેમને પણ થતી હશે. જો જતા રહ્યા હોત તો બાંધી મુઠીએ જતા રહીને અમર થવા મળત.
ડર આખરી માપદંડ છે. જે માણસ ડરપોક છે એ વામણો છે.
સત્યને કરુણા સાથે સંબંધ છે અને કરુણાને નિર્ભયતા સાથે. અહિંસા તો સાધન તરીકે આવે છે. દક્ષિણ આફ્રિકા જેવા પરાયા દેશમાં કેટલા ભારતીય હતા! પચાસ હજાર પણ નહીં. એમાંથી મોટા ભાગના તો શોષણને કારણે ચેતના ગુમાવી દીધેલા ગિરમીટિયા હતા. સરકાર નિર્દયી હતી અને ભારતમાં હિંદી પ્રજામાં હજુ એટલી જાગૃતિ નહોતી કે તે દક્ષિણ આફ્રિકાની લડતને ટેકો આપી શકે. આમ છતાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાની શોષણ કરનારી વ્યવસ્થાને અને એ વ્યવસ્થાને કાયદાકીય વાઘા પહેરાવનારાં શાસનને પડકાર્યા હતાં. કઈ તાકાતથી? અંદરની તાકાતથી.
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. ૧૯૧૬માં બનારસમાં બનારસ હિંદુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન હતું. ગાંધીજીએ ભારત ખાતેના બ્રિટિશ ગવર્નરને જણાવી દીધું કે આટલી બધી સુરક્ષાની વચ્ચે કેમ ફરવું પડે છે? જો ડરતા હો તો ઘરે જતા રહો. ડરીને જીવવા કરતાં ઘરે જતા રહીને નિવૃત્ત જીવન જીવવું બહેતર છે. ડરીને જીવવું એ કોઈ જીવતર છે? તેમણે શ્રોતાઓને અને તેમના દ્વારા ભારતની પ્રજાને ઉદ્દેશીને કહ્યું હતું કે જો તેઓ આપણાથી ડરતા હોય તો એ આપણા માટે શરમની વાત છે. આપણે તેમને ઈજા પહોંચાડીને ન્યાય નથી મેળવવો; પણ સામી છાતીએ ઊભા રહીને, આંખમાં આંખ પરોવીને, સાચી માગણી કરીને અને તેને માટે મરીફીટીને ન્યાય મેળવવો છે. તેમણે ત્યાં ઉપસ્થિત રાજા-મહારાજાઓને કહ્યું હતું કે તમે આ જે આભૂષણ પહેર્યાં છે એ શાન નથી, પરંતુ શરમ છે. આ શોષણનું સર્જન છે એટલે હ્રદય વલોવાવું જોઈએ, ચિત્ત પોરસાવું ન જોઈએ.
એવું જ બીજા વરસે ચંપારણમાં. હું અહીં ગળીનું વાવેતર કરતા મારા ગરીબ શોષિત ભાંડુઓની સ્થિતિ જાણવા-સમજવા આવ્યો છું. એ સમજ્યા વિના હું અહીંથી જવાનો નથી. તમે મારી ધરપકડ કરશો તો છૂટ્યા પછી પાછો આવીશ. જેટલી વાર છોડશો એટલી વાર આવીશ. ગાંધીજીનું આ નિવેદન સાંભળ્યા પછી અંગ્રેજ જજ અને વકીલો એકબીજાની સામે જોવા લાગ્યા હતા અને પ્રજાને સમજાઈ ગયું હતું કે તેમની બેડીઓનો તોડનાર આવી ગયો છે.
વાત એમ છે કે દુષ્ટ શાસન અને શોષણ ભયના પાયા પર જ ચાલે છે પછી એ શાસન અને શોષણ રાષ્ટ્રવાદના નામે ચાલતું હોય, દેશપ્રેમના નામે ચાલતું હોય, ધર્મના નામે ચાલતું હોય, સંપ્રદાયના નામે ચાલતું હોય, જ્ઞાતિ-ગૌરવના નામે ચાલતું હોય, પરિવારની પ્રતિષ્ઠાને નામે ચાલતું હોય, સ્ત્રીની આંકી આપવામાં આવેલી મર્યાદાના નામે ચાલતું હોય, પરંપરાના નામે ચાલતું હોય, પ્રદેશ અને ભાષાને નામે ચાલતું હોય કે બીજું કોઈ પણ સ્વરૂપ હોય. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી શોષણ અને શાસન છે. ભય ગયો કે પત્યું. ગાંધીજીએ સકળ જગતને આ વાત શીખવી અને માટે ગાંધીને મારવાના લાખ પ્રયત્ન છતાં ગાંધી મરતો નથી.
જુઓને! ગાંધીજીને દાટી દેવાના, તેને ભૂલાવી દેવાના, તેને બદનામ કરવાના, તેને સ્વચ્છ ભારતમાં નાનો બનાવીને સમેટી લેવાના કેટકેટલા પ્રયત્નો કરાયા. કોઈ પાર નથી. ગાંધીજીનો અ-ક્ષર-દેહ સો ખંડમાં છે તો ગાંધીજીની અનેક પ્રકારે હત્યા કરવાના પ્રયત્નોની વિગતો આપવામાં આવે તો જો સો નહીં તો પચાસ ખંડ તો બને જ. આટઆટલા પ્રયત્નો પછી અચાનક આપણે જોઈએ છીએ કે ફીઅરલેસ ઇન્ડિયા સામે આવીને ઊભું રહી ગયું છે. ૧૮-૨૦ વરસનાં તરુણોએ અને ખાસ કરીને સ્ત્રીઓએ ભયને ફગાવી દીધો છે. ક્યાંથી આ શક્તિ આવી? કોની પ્રેરણા હતી? સામાન્ય માણસની અંદર જીગર ક્યાંથી પ્રગટ્યું? કોઈ બાવાની શીખનું આ પરિણામ નથી. ઊલટું આજકાલ બાવાઓ સમાજને નિર્વીર્ય કરવાનું કામ કરી રહ્યા છે. આ પ્રભાવ છે સોક્રેટિસથી લઈને ગાંધી સુધી થયેલા નિર્ભયજનોનો.
ભલે ઊગ્યો ભાણની જેમ ફીઅરલેસ ઇન્ડિયાને કોટિકોટિ પ્રણામ!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 જાન્યુઆરી 2020