સિનેમા વિશે એવું કહેવાય છે કે વાર્તા જેટલી લોકલ એટલે કે સ્થાનિક હશે તેટલી વધુને વધુ લોકો સુધી પહોંચશે.
કોઈ એક શહેરના ગરીબ અને પૈસાદાર પરિવાર વચ્ચેનો ભેદ રજૂ કરતી આવી જ એક સાઉથ કોરિયન ફિલ્મ આજકાલ ખાસ્સી ચર્ચામાં છે. વર્ષ 2019માં આવેલી 'પેરાસાઈટ' (Parasite) નામની આ સાઉથ કોરિયન ફિલ્મને આ વર્ષે યોજાનાર અકાદમી (Oscar) એવોર્ડ્સ માટે કુલ 4 નોમિનેશન્સ મળ્યા છે અને વિશ્વ પ્રખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તે સુપ્રસિદ્ધ 'Palme d'Or' એવોર્ડ જીતી ચૂકી છે.
સાઉથ કોરિયન લેખક-ડિરેક્ટર બોંગ જૂન-હો (Bong Joon-ho)ની ફિલ્મ 'પેરાસાઈટ'(Parasite)નો અર્થ થાય છે પરોપજીવી એટલે કે બીજા ઉપર જેના જીવનનો આધાર છે તેવું. આ ફિલ્મમાં જે વાર્તા રજૂ કરવામાં આવી છે તે દુનિયાના કોઈ પણ દેશને લાગુ પડે છે કારણ કે તમામ દેશોમાં પૈસાદાર અને ગરીબો વચ્ચેની ખાઈ વધી રહી છે, પૈસાદાર લોકો વધુ પૈસાવાળા અને ગરીબ લોકો વધુ ગરીબ થઈ રહ્યા છે.
હાલમાં જ એક એવો ચોંકાવનારો રિપોર્ટ પ્રકાશિત થયો છે કે ભારતના અરબપતિઓ પાસે દેશના કુલ બજેટ કરતાં પણ વધુ પૈસા છે. ભારતના કુલ 63 અરબપતિઓ પાસે દેશના નીચલા તબક્કાના 95 કરોડ લોકો કરતાં ચાર ગણી વધારે સંપત્તિ છે. દુનિયા હાલ જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે અને વસ્તીમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતાં બેરોજગારી સૌથી મોટો પડકાર છે. 'પેરાસાઈટ' (Parasite) નામની આ ફિલ્મમાં શહેરના પૈસાદાર બિઝનેસમેનના ઘરે નોકરી કરતા એક ગરીબ પરિવારના કુલ ચાર સભ્યોની વાર્તા છે. કામની શોધમાં ભટકતા આ ગરીબ પરિવારના દીકરાને બિઝનેસમેનના ઘરે અંગ્રેજીના શિક્ષક તરીકેની નોકરી મળે છે અને તે તેના આખા પરિવારને (માતા, પિતા અને બહેન સહિત) ત્યાં વિવિધ કામોમાં નોકરી અપાવે છે. પૈસાદાર બિઝનેસમેનના પરિવારને તેમના ત્યાં કામ કરતાં આ ગરીબ લોકો માટે નહીં પણ તેમના કપડાંમાંથી આવતી ગંધની ચીડ હોય છે. ગરીબનાં કપડાંમાંથી આવતી દુર્ગંધને નફરત તરીકે જોતા પૈસાદાર પરિવારને તેની કેટલી મોટી કિંમત ચૂકવવી પડે છે તે આ ફિલ્મના અંતમાં ખુલ્લુ થાય છે. પેરાસાઈટ એક ડાર્ક કોમેડી થ્રિલર ફિલ્મ છે કે જેમાં રહસ્ય, રોમાંચ, હિંસા, લાગણીનો સમન્વય છે.
સાઉથ કોરિયન ફિલ્મ 'પેરાસાઈટ' (Parasite) શરૂ થાય છે શહેરના નીચલા તબક્કાનું જીવન જીવતાં લોકોની વસ્તીમાં માત્ર એક રૂમના ઘરમાં રહેતાં ચાર સભ્યોના પરિવારની વાર્તાથી. આ ગરીબ પરિવારમાં માતા-પિતા અને તેમના અકેક દીકરો-દીકરી છે. પરિવારની આર્થિક સ્થિતિ નાજુક છે અને તેઓને બે ટંકના ભોજનનાં પણ ફાંફાં છે. તેઓ નોકરી શોધી રહ્યાં છે ત્યારે જ એક હિતેચ્છુ મિત્ર આવીને આ પરિવારના દીકરા માટે નોકરીની વ્યવસ્થા કરી આપે છે. બેરોજગારીનો સામનો કરી રહેલાં પરિવારના દીકરાને આખરે શહેરના શ્રીમંત બિઝનેસમેનના ઘરે શાળામાં અભ્યાસ કરતી તેમની છોકરીને અંગ્રેજી શીખવાડવાનું કામ મળે છે. બિઝનેસમેનના પરિવારમાં પણ કુલ ચાર સભ્યો, પતિ-પત્ની અને તેમનાં બે બાળકો (નાનો દીકરો અને ટીનેજ દીકરી) છે. ગરીબ પરિવારનો આ યુવક જ્યારે પહેલી વખત બિઝનેસમેનના ઘરે જાય છે, ત્યારે તેમનું ઘર અને વૈભવી જીવનશૈલી જોઈને ચોંકી જાય છે. અહીં કામ શરૂ થાય બાદ આ યુવક તેની બહેનને આ બિઝનેસમેન પરિવારના નાનકડા પરંતુ તોફાની દીકરાના કેરટેકર તરીકે નોકરીએ લગાડે છે. પછી તેમના પિતાને આ બિઝનેસમેનના ડ્રાઈવર તરીકે અને માતાને ઘરની સેવિકા તરીકે નોકરીએ લગાડે છે. આમ આ આખા ગરીબ પરિવારના ચારેય સભ્યો તે બિઝનેસમેનના પરિવારમાં કોઈના કોઈ કામે નોકરીએ લાગી જાય છે.
એક દિવસ આ બિઝનેસમેન પરિવાર બહારગામ ફરવા જાય છે એટલે ગરીબ પરિવારના ચારેય સભ્યો આ વૈભવી ઘરમાં આવીને મસ્તી કરવા લાગે છે ત્યાં જ અચાનક આ ઘરમાં અગાઉ કૂક (રસોઈયા) તરીકે કામ કરતી મહિલાનો પ્રવેશ થાય છે અને ફિલ્મમાં અણધાર્યો વળાંક આવે છે. જ્યારે આ મહિલા ઘરમાં પ્રવેશે છે ત્યારે ત્યાં નોકરી કરતાં અને માલિકની ગેરહાજરીમાં પાર્ટી કરતાં આ ગરીબ પરિવારના સભ્યો સંતાઈ જાય છે, માત્ર તેમની માતા કે જે ત્યાં સેવિકા છે તે હાજર રહે છે. ત્યાં જ આ ફિલ્મનું એક મહત્ત્વનું રહસ્ય ખૂલીને દર્શકો સામે આવે છે જે જબરદસ્ત ચોંકાવનારું હોય છે. બાદમાં ફિલ્મમાં જે એક પછી એક ઘટનાઓ બને છે તે જોઈને દર્શકો હચમચી જાય છે, જેમાં હત્યા, દગો, ઈર્ષ્યા, ચીડ, અભિમાન વગેરે સામેલ છે.
'પેરાસાઈટ' (Parasite) ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ એક જ ઘરમાં કરવામાં આવ્યું છે, ફિલ્મમાં કોઈ એક મુખ્ય હિરો નથી અને તમામ પાત્રોની મુખ્ય ભૂમિકા હોય તે રીતે વાર્તા લખવામાં આવી છે. ફિલ્મમાં જે ગરીબ પરિવારની વાત છે તેઓ જમીનની નીચે ભોંયરામાં એક રૂમમાં રહેતાં હોય છે જ્યારે શ્રીમંત પરિવાર રસ્તાથી ઉપરની બાજુએ ઢાળ પર મોટા બંગલામાં રહેતો હોય તેવું દેખાડ્યું છે જે પૈસાદાર અને ગરીબ વચ્ચેના ભેદને સાંકેતિક રીતે રજૂ કરે છે (આ ઘર પણ ફિલ્મના કોઈએક પાત્ર તરીકે ઉપસી આવે છે). ગરીબ પરિવારના ઘરમાં હવા-ઉજાસ નથી આવતો, જ્યારે પૈસાદારના ઘરના મુખ્ય હોલમાં જ સામે ગાર્ડન છે જ્યાં ભરપૂર સૂર્ય પ્રકાશને અવકાશ છે. બિઝનેસમેનના ત્યાં નોકરી કરતાં પરિવારના આ ચારેય લોકોનાં કપડાંમાંથી આવતી ગંધને લઈને તે બિઝનેસમેન ચીડ અનુભવે છે. ફિલ્મના એક દ્રશ્યમાં તે બિઝનેસમેન તેની પત્નીને કહે છે કે આ ગરીબ લોકો તેમની મર્યાદામાં રહે છે પણ તેમનાં કપડાંમાંથી આવતી ગંધ હવે તે મર્યાદા પાર કરી ગઈ છે.
ફિલ્મ 'પેરાસાઈટ' (Parasite) વિશે વાત કરતાં તેના ડિરેક્ટર બોંગ જૂન-હો (Bong Joon-ho) એક ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે હું મારી ફિલ્મો સાઉથ કોરિયામાં બનાવું છું જે એક નાનકડો દેશ છે. જેમાં તમને સાઉથ કોરિયાનો ઇતિહાસ અને સામાજિક સંદર્ભો ચોક્કસ જોવા મળશે. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મેં એક પૈસાદાર પરિવાર માટે શિક્ષક તરીકે નોકરી કરી હતી જે અનુભવ મેં મારી ફિલ્મ 'પેરાસાઈટ'માં દર્શાવ્યા છે. 'પેરાસાઈટ'માં જે બિઝનેસમેનની વાત છે તે કોઈ ખરાબ વ્યક્તિ નથી પણ તે પરિસ્થિતિ અનુસાર વિચારે છે અને નિર્ણય લે છે. મેં આ ફિલ્મ દ્વારા સમાજમાં જોવા મળતી અસામનતા, વર્ગ સંઘર્ષ, ધ્રુવીકરણને પડદા પર રજૂ કર્યાં છે જેમાં પૈસાદાર પરિવારના ઘરે નોકરી કરતાં ગરીબ પરિવારના ચાર સભ્યોની મજબૂરીની વાત છે. આપણે અત્યારે જે સમયમાં જીવી રહ્યા છીએ ત્યાં સમાજમાં મૂડીવાદ સત્તાધીશ છે અને આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. માત્ર સાઉથ કોરિયા નહીં પણ સમગ્ર વિશ્વ તે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં મૂડીવાદ(capitalism)ના સિદ્ધાંતોને નકારી શકાય નહીં. પેરાસાઈટની વાર્તા વિશ્વવ્યાપી છે, તે દુનિયાના કોઈ પણ દેશના શહેરમાં રહેતા અમીર-ગરીબ વચ્ચેનો ભેદ છે. દુનિયાની દરેક વ્યક્તિ તેના અને તેની સામેથી પસાર થતી વ્યક્તિના ક્લાસ (અમીર-ગરીબ) વિશે વિચારતો હોય છે. તે વ્યક્તિ કેટલી પૈસાદાર છે? શું તે પ્લેનમાં જ મુસાફરી કરે છે? શું તેનું ઘર ખૂબ મોટું છે? આ પ્રકારના પ્રશ્નો આપણને પણ થતા હોય છે અને તે ફિલ્મ 'પેરાસાઈટ'(Parasite)નો એક ભાગ છે.
ફિલ્મમેકિંગની પ્રક્રિયા વિશે વાત કરતાં 'પેરાસાઈટ'ના ડિરેક્ટર બોંગ જૂન-હો (Bong Joon-ho) વધુમાં જણાવે છે કે ફિલ્મ લખતી વખતે મારા મગજમાં જે-તે દ્રશ્યો અને તેનો અવાજ આકાર લે છે, હું ફિલ્મના વિવિધ દ્રશ્યોના સ્ટોરી બોર્ડ તૈયાર કરું છું અને પછી શૂટિંગ શરૂ કરું છું. જો હું ફિલ્મમેકિંગમાં ના આવ્યો હોત તો હું કાર્ટૂનિસ્ટનું કામ કરતો હોત, પણ હવે ફિલ્મમેકિંગ સિવાય બીજુ કશું કામ આવડતું નથી. અલગ-અલગ વિષય આધારિત ફિલ્મોનું નિર્માણ કરતા ફિલ્મેમકર બોંગ જૂન-હો(Bong Joon-ho)ની અન્ય જાણીતી ફિલ્મો 'મેમરીઝ ઓફ મર્ડર' (2003), 'ઓક્જા' (2017), 'ધ હોસ્ટ' (2006), 'મધર' (2009) અને ફ્રેન્ચ ગ્રાફિક નોવેલ આધારિત ફિલ્મ 'Snowpiercer' (2013) વગેરે છે. બોંગ જૂન-હો (Bong Joon-ho) વિશ્વની જે ફિલ્મોથી પ્રભાવિત થઈને ફિલ્મમેકિંગના ક્ષેત્રમાં આવ્યા તેમાં ડિરેક્ટર આલ્ફ્રેડ હિચકોક, બ્રાયન દે પાલ્મા, Werner Herzogની ફિલ્મોનો સમાવેશ થાય છે. ભારતીય સિનેમાઘરોમાં ફિલ્મ 'પેરાસાઈટ' (Parasite) તારીખ 31 જાન્યુઆરી, 2020ના રોજ રિલીઝ થશે. અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 1946માં આવેલી ડિરેક્ટર ચેતન આનંદની ભારતીય ફિલ્મ 'નીચા નગર'માં પણ અમીર-ગરીબ વચ્ચેના વર્ગ સંઘર્ષની વાત હતી. આ ફિલ્મને પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સુપ્રસિદ્ધ 'Palme d'Or' એવોર્ડ મળ્યો હતો.
(લેખક iamgujarat.comમાં પત્રકાર છે.)
e.mail : nbhavsarsafri@gmail.com