મિશનરીઓને એમ લાગતું હતું કે ભારતનું કલ્યાણ ભારતીય પ્રજાને ખ્રિસ્તી બનાવવામાં છે. પાશ્ચાત્યવાદીઓ અને સામ્રાજ્યવાદીઓને એમ લાગતું હતું કે ભારતનું હિત પૌર્વાત્ય ભારતના અસ્તમાં છે. એવું ભારત બનાવવામાં આવે જે ચામડીના રંગને છોડીને દરેક અર્થમાં પાશ્ચાત્ય કે બ્રિટિશ હોય. વિવેકીઓ, જવાબદાર લોકો, ઉદારમતવાદીઓ અને માનવતાવાદીઓને એમ લાગતું હતું કે ભારત પરત્વેનો અભિગમ ન્યાયી, સહાનુભૂતિવાળો અને એકંદરે માણસાઈવાળો હોવો જોઈએ.
હવે વિચારો કે કંપની સરકારને આ અભિગમોમાંથી કયો અભિગમ માફક આવે? ભારતના લોકોને વટલાવીને ખ્રિસ્તી બનાવવામાં આવે એ તો ઉત્તમ છે, પણ એમાં જોખમ છે. વટલાવવા જતાં સમૂળગા ઉચાળા ભરવાનો વારો આવે. બીજું ભારતમાં પ્રવર્તતા ધર્મોનું સ્વરૂપ એવું છે જેમાં કોઈની સત્તા નથી. ઇષ્ટદેવની પણ નહીં. બાપ અને દીકરાના ઇષ્ટદેવ નોખા હોય. ચીકણી માટીના લોંદાની જેમ તેનો આકાર ભલે બદલાયા કરે, પણ અસ્ત ન થાય. આશ્ચર્યો પરસ્પર હતાં. પશ્ચિમના લોકો ભારતીય ધર્મોનું સ્વરૂપ જોઈને આભા થઈ ગયા હતા અને ભારતના લોકો ઈસાઈ ધર્મનું સ્વરૂપ જોઇને આભા થઈ ગયા હતા. આમ મિશનરીઓની ધર્મપ્રચારની આક્રમકતા કંપનીને બહુ માફક આવે એવી નહોતી.
ઉદારમતવાદીઓ કે માનવતાવાદીઓનો અભિગમ તો જરા ય ન પોસાય. જેવો વહેવાર ઈંગ્લેંડમાં બ્રિટિશ પ્રજા સાથે કરવામાં આવે છે એવો જ જો ભારતમાં ભારતની પ્રજા સાથે કરવામાં આવે તો શોષણ કઈ રીતે કરવું? શોષણ કરવા માટે માણસાઈને તો કોરે મૂકવી જ પડે. બીજી સમસ્યા વ્યવહારુ હતી. ઉદારમતવાદી અભિગમ અપનાવવાનો અર્થ એ થાય કે ભારતીય સમાજવ્યવસ્થાના સ્વરૂપમાં; ભારતીય પ્રજા ઈચ્છે નહીં અને સ્વીકૃતિ આપે નહીં ત્યાં સુધી હાથ નહીં લગાડવાનો. બળજબરીનો તો સવાલ જ નથી.
એક હદથી વધુ બળજબરી કરવામાં તો અંગ્રેજોને પણ ડર લાગતો હતો, પરંતુ સાવ હાથ જ લગાડીએ તો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપવું કેવી રીતે અને રાજકાજ અને શોષણ કરવાં કેવી રીતે? અંગ્રેજોને એમ લાગ્યું હતું કે ભારતીય સામાજિક-રાજકીય વ્યવસ્થા ચોક્કસ આકાર વિનાની છે અથવા તો તેનો જેવો જે આકાર છે તે સંસ્થાનવાદી શોષણ માટે અને સામ્રાજ્ય વિસ્તારવા માટે અનુકૂળ નથી. આખો દેશ એક કેન્દ્રીય સત્તા દ્વારા અને વહીવટી તેમ જ ભૌતિક માળખા દ્વારા જોડાયેલો ન હોય તો સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ માટે અનુકૂળતા પેદા ન થઈ શકે. તેમની પ્રાથમિકતા સામ્રાજ્ય અને સંસ્થાન હતી અથવા કહો કે સત્તા અને સંપત્તિ હતી.
આ સ્થિતિમાં અંગ્રેજોને પાશ્ચાત્યવાદીઓ અને સામ્રાજ્યવાદીઓનો અભિગમ માફક આવે એવો હતો. બંનેના અભિગમમાં શોષણને છોડીને બીજો કોઈ ફરક નહોતો. સામ્રાજ્યવાદીઓને એમ લાગતું હતું કે અંગ્રેજ સામ્રાજ્યના ભાગ બનીને આજના ગુલામો આવતી કાલના સભ્ય બ્રિટિશ નાગરિકો બનશે. ગુલામી અને શોષણ તેમની મુક્તિ માટે જરૂરી છે અને તે કદાચ ઈશ્વરી યોજના છે. સામ્રાજ્યવાદીઓથી ઊલટું, પાશ્ચાત્યવાદીઓને સત્તા અને શોષણમાં રસ નહોતો. પાશ્ચાત્યવાદીઓ એક રીતે માનવતાવાદી હતા, પરંતુ પશ્ચિમના દર્પણથી. તેઓ કરુણાશીલ પણ હતા, પરંતુ પશ્ચિમના દર્પર્ણથી. ‘આવો, અમે જે સભ્યતા વિકસાવી છે તેને સ્વીકારો. એમાં જ જગત આખાની પ્રજાનું કલ્યાણ છે. અમે તમારા દુશ્મન નથી, પણ તમારું કલ્યાણ ઈચ્છીએ છીએ. વિચારી જુઓ, તમારી સભ્યતામાં જો સત્ત્વ હોત તો આમ બટકી પડી હોત! સમય સાથે ચાલો, વાસ્તવિકતા સ્વીકારો અને પરિવર્તન માટે તૈયાર થાઓ. અમે તમે ખ્રિસ્તી બનો એવો આગ્રહ નથી ધરાવતા, પરંતુ પશ્ચિમની સભ્યતાનો સ્વીકાર કરવાનું કહીએ છીએ.’ આ ભાષા મારી છે, પણ એકંદરે તેઓ લગભગ આ જ ભાષામાં ભારતીય પ્રજાને પશ્ચિમની સભ્યતા સ્વીકારવા કહેતા હતા.
અંગ્રેજ શાસકો સામ્રાજ્યવાદીઓની તો ખરી જ પણ પાશ્ચાત્યવાદીઓની ભૂમિકા પણ માફક આવે એવી હતી. ભારતની પ્રજા શક્ય એટલા પ્રમાણમાં પૂર્વના સંસ્કાર છોડે અને પશ્ચિમના સંસ્કારો અપનાવે એમાં લાભ હતો. ભારતની પ્રજાનો દૃષ્ટિકોણ બદલાય તો તે સહેલાઈથી બ્રિટિશ શાસનને સ્વીકારતી થઈ જાય. પ્રતિકારનું પ્રમાણ ઘટી જાય.
હવે હાથ લગાડવા માટેનાં કે નહીં લગાડવા માટેનાં ક્ષેત્રો ચાર હતાં. ધર્મ, ધર્મ અને પરંપરા આધારિત રીતિરિવાજ, ભાષા અને ન્યાયતંત્ર. આમાં પહેલાં બેમાં હાથ લગાડવામાં જોખમ હતું એટલે સંભાળીને ચાલવાનું હતું. મિશનરીઓ પહેલાને એટલે કે ધર્મને હાથ લગાડતા હતા અને અંગ્રેજ શાસકો સલામત પ્રમાણમાં હાથ લગાડવા પણ દેતા હતા. તેઓ હિંદુ અને ઇસ્લામ ધર્મની આલોચના કરતા હતા, મર્યાદા બતાવતા હતા, મનઘડંત અર્થઘટનો કરતા હતા, અને હાંસી પણ ઉડાડતા હતા. શાસકો મિશનરીઓને આવો પ્રચાર કરવા દેતા હતા એનું કારણ એ હતું કે એ રીતે હિંદુઓ અને મુસલમાનોનું મોરલ તૂટે. તેમની અંદર લઘુતાગ્રંથિ પેદા થવી જોઈએ અને શરમનો ભાવ પેદા થવો જોઈએ. જો મિશનરીઓ આટલું કામ કરી આપે તો પાશ્ચાત્યવાદીઓને પણ કોઈ વાંધો નહોતો.
ધર્મ અને પરંપરા આધારિત સામાજિક રીતિરિવાજોને જો હાથ લગાડવો હોય તો એ કામ શાસકો જ કરી શકે. આમાં જોખમ તો હતું, પણ એ જોખમ ઉઠાવવું જોઈએ? ભારતીય પ્રજાને જો પશ્ચિમની સભ્યતાને અનુકૂળ બનાવવી હોય તો એ જરૂરી હતું. આ સિવાય તાજી જન્મેલી બાળકીને દૂધ પીતી કરવી કે સતી જેવી કમકમાં આવે એવી ક્રૂર પ્રથા સ્વીકારવી શક્ય નહોતી. કદાચ અંગ્રેજ તરીકેની લાજ તેઓ અનુભવતા હતા. અંગ્રેજ શાસકોએ ધીરે ધીરે ભારતીય પ્રજામાં સામાજિક સુધારા કરવા માંડ્યા હતા અને પ્રતિબંધો લાદવા માંડ્યા હતા. તેમણે આ કામ ભારતીય સુધારકોને પેદા કરીને અને તેમને સહાય કરીને કર્યું હતું કે જેથી ઓછામાં ઓછો અવરોધનો સામનો કરવો પડે. ભારતીય પ્રજાનો સુધારકવર્ગ લોકોમાં સુધારાનો પ્રચાર કરે અને પછી અંગ્રેજો જરૂર પડે તો કાયદો કરે. જેમ કે રાજા રામ મોહન રોયને આગળ કરીને અંગ્રેજોએ સતીપ્રથા પર પ્રતિબંધ મુક્યો હતો.
આનો પણ વિરોધ તો થયો જ હતો. રાજા રામ મોહન રાયનું કામ આસાન નહોતું. તેમણે ઘણાં અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. અનેક સુધારકોને સમાજ બહાર કરવામાં આવ્યા હતા અને તેમની સાથે રોટીબેટી વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યા હતા. અનેક સુધારકો સુધારાનો પ્રચાર તો કરતા હતા, પણ અંગત જીવનમાં કસોટીની પળ આવે ત્યારે પીછેહઠ કરતા હતા. આના પરથી કલ્પના કરો કે ત્યારનો યુગ કેવો હશે અને સુધારકોને કેવી વસમી સ્થિતિનો સામનો કરવો પડતો હશે. ૧૮૫૭નો બળવો થયો એના કેટલાંક મહત્ત્વનાં કારણોમાં એક કારણ સામાજિક રીતિરિવાજમાં અંગ્રેજોએ કરેલો હસ્તક્ષેપ હતો. ૧૮૫૭ પછી અંગ્રેજોએ સામાજિક સુધારાઓ કરવાનું બંધ કરી દીધું હતું.
ભાષા અને ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ કરવામાં કોઈ મોટું જોખમ નહોતું. ઊલટું ભાષા દ્વારા તો ભારતીયોનું ભાવવિશ્વ બદલી શકાય એમ હતું. સામ્રાજ્યવાદીઓ અને પાશ્ચાત્યવાદીઓ જે પ્રકારનો ભારતીય ઘડવા માગતા હતા એવો ભારતીય ભાષા દ્વારા ઘડી શકાય એમ હતું. બસ એક જ કામ કરવાનું હતું. ભારતીય ભાષાઓની જગ્યાએ અંગ્રેજીને શિક્ષણ અને વહીવટીતંત્રની અને એ રીતે અંગત સુખાકારીની ભાષા બનાવવામાં આવે. એ પછી બધું આપોઆપ થઈ જશે. જે સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદને જેવો ભારતીય જોઈએ છે એ મળી જશે.
લેખ પૂરો કરતાં પહેલાં હું તમને કહું કે ભારતીય ભાષાઓ પર અંગ્રેજી ભાષા લાદનારા અંગ્રેજોએ ભારતીય ભાષાઓને સમૃદ્ધ કરવાનું કામ પણ કર્યું છે અને માત્ર તેમણે જ તેમાં પહેલ કરી છે અને સિંહફાળો આપ્યો છે તો એ જાણીને તમને આશ્ચર્ય થશે. પણ આ પણ સત્ય હકીકત છે. એ કઈ રીતે એ હવે પછી જોઈશું.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 ફેબ્રુઆરી 2020