Opinion Magazine
Number of visits: 10,226,912
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક સમયે અશ્વપાલન કરનાર પૂનાવાલા પરિવાર દેશનો સૌથી મોટો વેક્સિન ઉત્પાદક બન્યો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 January 2021

૧૯૯૬માં સિરમ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાયું અને જે જમાનામાં સતત વેક્સિન્સ શોધાતાં તે સમયે આ ઇન્સ્ટિટ્યૂટે ગતિ પકડી. ૭૯ વર્ષનાં સાયરસ પૂનાવાલા અત્યારે દેશના છઠ્ઠા સૌથી ધનિક શખ્સ છે.

કોરોના વાઇરસની વેક્સિનના વાવડ બસ આવી પૂગ્યા છે. ડ્રાય રન, પહેલો તબક્કો, બીજો તબક્કો, કયા વેક્સિનની કેટલી એફિકસી વગેરે વાતો હવે આપણે ચાની ચૂસ્કીઓ અને કાયમી પાના ગલ્લા પર ટોળે વળીને કરવા માંડ્યા હોઇશું. હા, સોશ્યલ ડિસ્ટન્સિંગ આપણે જાણીએ છીએ, પણ નથી જાણતા એવું છે એટલે ટોળે વળવા-વાળું રાખ્યું. જો કે આપણે હજી એવી ચર્ચાઓ પણ ચાલુ કરવાની છે, “ભારત બાયોટેકની વેક્સિન લેવાના?” કે ”કોવિશિલ્ડ કે કોવેક્સિન – શેમાં જવા જેવું છે?” આ બધી વાતોની વચ્ચે એક નામ છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે અને તે છે આદર પૂનાવાલા. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના આ સી.ઇ.ઓ.નું નામ અને ચહેરો સમાચારોમાં સતત ઝળક્યા કરે છે. શાર્પ ફિચર્સ વાળો ચહેરો, કોર્પોરેટ અટાયર્સમાં સજ્જ આદરના ઘણાં ઇન્ટરવ્યુઝ આપણે હજી સુધી જોઇ લીધા છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ભારત માટે એસ્ટ્રાઝેનેકા ઑક્સફર્ડ વેક્સિન કોવિશિલ્ડ તૈયાર કરી રહ્યું છે ત્યારે દેશની આ સૌથી મોટી વેક્સિન બનાવતી કંપની વિશે જાણવું રસપ્રદ રહેશે.

મે મહિનામાં આપણે જ્યારે હજી વાસણ માંજી રહ્યા હતાં અને વાઇરસ આ જન્મમાં જશે કેમ એવા અસ્તિત્વલક્ષી સવાલો પર વિચાર કરવો જોઇએ કે કેમ એવી ભાંજગડમાં હતાં, ત્યારે પૂનાના સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના કોલ્ડ રૂમમાં સ્ટીલનું બૉક્સ પહોંચ્યુ હતું. એ બૉક્સમાં ઑક્સફર્ડની વેક્સિનની એક વાયલ હતી. ૧ મિલીલિટરની એ વાયલ એટલે કે કસનળીમાં વિશ્વના સૌથી પ્રોમિસિંગ કોરોના વાઇરસ વેક્સિનનું કોષિય મટિરિયલ હતું જે ઇંગ્લેન્ડથી અહીં પહોંચ્યું હતું. આ વાયલમાં જે હતું તેને બહાર કાઢીને સિરમ ઇન્સ્ટિટ્યૂટની લૅબમાં તેની પર પ્રયોગો શરૂ થયા, વિટામિન્સ, ગ્લુકોઝ વગેરે ઉમેરવામાં આવ્યા જેથી કાળમુખા કોરોના વાઇરસને નાથવાનો કોઇ રસ્તો જડી શકે.

જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં આ શરૂઆત થઇ તે ભારતના એક ધનાઢ્ય પારસી પરિવારના વારસગત ઉદ્યોગનું વર્તમાન સ્વરૂપ છે. ૧૯મી સદીમાં પૂનાવાલાના પૂર્વજ પૂનાની એક ક્લબમાં બ્રિટિશ ઑફિસર્સ માટે બિલયર્ડ માર્કર તરીકે કામ કરતા હતા. ગ્લાસિઝ રિફીલ કરવા, બિલિયર્ડ્ઝના બૉલ્સ કલેક્ટ કરવા અને સ્કોર્સ નોંધવાનું કામ કરનારા શખ્સને કોન્ટેક્ટ બનાવવાની ફાવટ હતી જેને પગલે સમય જતાં તે જમીનોના મોટા હિસ્સાનો માલિક બન્યો અને આમ તેને પૂનાવાલા નામ પણ મળ્યું. એક રિપોર્ટમાં પોતાના પરિવારનાં મૂળિયાં અંગે આવેલી આ વાત કેટલી સાચી છે અને કેટલી ખોટી છે તે આદર પૂનાવાલાને નથી ખબર પણ તેને જાણ છે કે તેમના દાદાને ચૌદ સંતાનો હતા, જેમાંના તેના પિતા સાયરસને ૪૦ એકર જમીન મળી. આ જમીન પર સાયરસ પૂનાવાળાએ ઘોડાઓનું પાલન અને ઉછેર શરૂ કર્યાં. સ્ટડ ફાર્મ અને રેસિંગનું ભવિષ્ય હંમેશાં દડબડતું નહીં રહે તેનો ક્યાસ આ પારસી બિઝનેસમેનને આવ્યો અને તેમણે મુંબઇની એક સરકારી સંસ્થામાં ઘોડા વેચવાનું શરૂ કર્યું, જ્યાં ઘોડાનાં બ્લડ સિરમમાંથી ધનૂરના એન્ટિ ટોક્સિન અને સર્પદંશના મારણ બનતા. જે રીતે ધીરૂભાઇ અંબાણીએ રિવર્સ એન્જિનિયરિંગ શરૂ કર્યું, તે રીતે સાયરસ પૂનાવાલાને થયું કે ઘોડા વેચવા એના કરતાં તો સિરમ ઇન્સ્ટિટ્યૂટ જ સ્થાપવામાં સાર છે. ૧૯૯૬માં સિરમ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાયું અને જે જમાનામાં સતત વેક્સિન્સ શોધાતાં તે સમયે આ ઇન્સ્ટિટ્યૂટે ગતિ પકડી. ૭૯ વર્ષનાં સાયરસ પૂનાવાલા અત્યારે દેશના છઠ્ઠા સૌથી ધનિક શખ્સ છે.

૯૦ના દાયકામાં તેમણે દીકરાના કેન્ટરબરીની સેઇન્ટ એડમંડ હાઇ સ્કૂલમાં ભણવા મોકલ્યો, જેણે બાદમાં વેસ્ટમિનિસ્ટર યુનિવર્સિટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિગ્રી મેળવી. વિદેશની ડિગ્રી, ઘરનાં બિઝનેસનો અનુભવ આ તમામ સાથે કુશળતાથી આદર પૂનાવાલાએ ઇન્ટરનેશનલ માર્કેટ વિકસાવ્યું. ધારદાર બિઝનેસ સ્ટ્રેટેજીને પગલે સિરમ ઈન્સ્ટિટ્યૂટનો પ્રસાર થયો. સમયાંતરે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા ભારતનાં સૌથી મોટા વેક્સિન ઉત્પાદક તરીકે સ્થાપિત થઇ ગયું. ૨૦૨૦ની શરૂઆતમાં આ ઇન્સ્ટિટ્યૂટમાં પોલિયો, ધનુર, ડિફ્થેરિયા, હેપેટાઇટિસ બી વગેરેની વેક્સિનનાં ૧.૫ બિલિયન ડૉઝિસ વર્ષે બનતા. દૂરંદેશી સમજ ધરાવતા પૂનાવાલાએ વેક્સિન ડેવલપ થાય તેની રાહ જોવાને બદલે ઉત્પાદન ક્ષમતાઓ વિસ્તારીને ૨.૫ બિલિયન પ્રતિ વર્ષ કરી દીધી. યુરોપથી નવા મશીન્સ મંગાવાયાં જેનાથી એક મિનિટમાં ૫૦૦ કસનળીમાં દ્રાવણ ભરી શકાય. ૬,૦૦૦ના સ્ટાફમાં બીજા ૭૦૦ જણા ઉમેરાયા. આ બધું આદર પૂનાવાલાએ ત્યારે કર્યું, જ્યારે હજી કયું વેક્સિન પહેલા બનશે અથવા તો આ વર્ષે તે બનશે કે કેમ તેની કોઇ ખાતરી નહોતી. હવે જ્યારે વેક્સિન વાઘાં પહેરીને તૈયાર છે, ત્યારે આદર પૂનાવાલાની આ દૂરંદેશી લેખે લાગશે એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી.

અહીં તૈયાર થનાર વેક્સિન ભારત સહિત અને મોટા ભાગના આફ્રિકાના ૬૫થી વધુ વિકાસશીલ દેશોમાં પહોંચાડાશે. તેઓ ૩ ડૉલર્સમાં જ આ વેક્સિન વેચશે અને તે માંડ ઉત્પાદનના ખર્ચને પહોંચી વળશે.

સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા વધુ એક ધનાઢ્ય પરિવારના વિકાસની વાત છે. દેશના અનેક સફળ બિઝનેસિઝની માફક આ પણ પરિવાર સંચાલિત બિઝનેસ છે અને માટે જ અહીં નિર્ણયથી માંડીને રિસ્ક્સ ઝડપથી લેવાય છે. આદર પૂનાવાલા માને છે કે આગામી પાંચ-સાત વર્ષ તે હજી કોરોના વાઇરસને નાથવાની વેક્સિનનું ઉત્પાદન કરશે કારણ કે આજે ઇમ્યૂન થયેલી પેઢી ભવિષ્યમાં સંક્રમણને મામલે વધુ સંવેદનશીલ હોઇ શકે છે. આ છે આદર પૂનાવાલા અને સિરમ ઇન્સ્ટિટ્યૂટના કામની અને તેની પહોંચની એક ઝલક. પારસીઓની દૂરંદેશી સમજનો આ વધુ એક બોલતો પુરાવો છે.

બાય ધી વેઃ

આદર પૂનાવાલાની હાઇ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલ પણ ચર્ચાનો વિષય રહી છે. તેમના પ્લેન્સ, હેલિકૉપ્ટર્સ, પત્ની નતાશા પૂનાવાલાની બૉલીવુડ સર્કલ્સમાં બોલબાલા તો કોઇ પણ અમીર પરિવાર માટે સામાન્ય બાબતો છે. આદર પૂનાવાલાની ઑફિસ એક રિફર્બિશ કરાયેલા પ્લેન એરબસ એ ૩૨૦માં બનેલી છે. તેમની પાસે વિશ્વનાં પ્રતિષ્ઠિત આર્ટિસ્ટ્સનાં ઓરિજિનલ પેઇન્ટિંગ્ઝ છે જેમાં પિકાસો અને સિલ્વેડોર ડાલીનો સમાવેશ પણ થાય છે. ગ્લેમરસ પત્ની નતાશા સાથે આદરની મૂલાકાત વિજય માલ્યાની ગોઆમાં થયેલી પાર્ટીમાં થઇ હતી. નતાશા પૂનાવાલા સિરમ ઇન્સ્ટિટ્યૂટના ચેરિટેબલ શાખા વિલૂ પૂનાવાલાની કામગીરી સંભાળે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  10 જાન્યુઆરી 2021

Loading

ગાંધીજી સાથે દરેકને વાંકું પડે છે એની પાછળનું કારણ …

રમેશ ઓઝા|Opinion - Opinion|10 January 2021

આપણે જોયું કે ગાંધીજીએ ભારતના સમાજિક વાસ્તવને એના એ સ્વરૂપમાં સ્વીકાર્યું હતું. તેમણે ભારતની સામાજિક જટિલતાઓનું કોઈ એક પક્ષે સરળીકરણ નહોતું કર્યું. તેમણે કોઈ એક જગ્યાએ ઊભા રહીને બાકીના ભારતને અને ભારતના સમાજને નહોતો જોયો. તેમણે તેમના રાજકારણમાં ઇતિહાસનો ઉપયોગ નહોતો કર્યો. તેમણે ઇતિહાસનો ઉપયોગ કરીને ભારતની પ્રજાને કે ભારતની કોઈ એક પ્રજાવિશેષને મહાન કે પછી બીજાના અત્યાચારોના શિકાર (વિક્ટીમ) તરીકે નહોતી ચીતરી. તેમણે કોઈ વિચારધારાને આખે આખી એમને એમ નહોતી સ્વીકારી. તેમણે યુરોપિયનો અને અંગ્રેજો સહિત દરેક પાસેથી લીધું છે અને બચાવ પણ કર્યો છે અને દરેકને છોડવા જેવું છોડવાનું કહ્યું છે અને ટીકા પણ કરી છે.

હિંદુઓ, મુસલમાનો, ઈસાઈઓ, યુરોપિયનો, અંગ્રેજો, બ્રાહ્મણો, દલિતો, ઉત્તર ભારતના હિન્દીભાષિકો, દક્ષિણ ભારતીયો, ક્રાંતિકારીઓ, વિનીતો, જહાલો, મૂડીવાદીઓ, સમાજવાદીઓ, સામ્યવાદીઓ, જમીનદારો, આધુનિકો, સનાતનીઓ એમ દરેકનો તેમણે કેટલીક બાબતે બચાવ પણ કર્યો છે અને ટીકા પણ કરી છે. ગાંધીજી સાથે દરેકને વાંકુ પડે છે એનું કારણ આ છે. કોણ કેવા હતા કે કેવા છે એ મહત્ત્વનું નથી, કોણ કેવા હોવા જોઈએ એ મહત્ત્વનું છે. હિંદુ હોય કે મુસલમાન બન્ને એક સરખા ‘માણસ’ હોવા જોઈએ. બ્રાહ્મણ હોય કે દલિત બન્ને એક સરખા ‘માણસ’ હોવા જોઈએ. અહીં માણસ માટે સહેતુક અવતરણ ચિહ્ન વાપરવામાં આવ્યું છે. હિંદુ સમાજ ગર્વ ત્યારે લઈ શકે જ્યારે પ્રત્યેક હિંદુ પહેલા માણસ હોય અને પછી હિંદુ હોય. આ જ વાત બીજા સમાજોને પણ લાગુ પડી શકે.

સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે આ અભિગમમાંથી ભારત નામની કલ્પના વિકસી છે. જેમ હિંદુ સમાજ સાચા માણસથી જ શોભે એમ ભારતીય સમાજ પણ સાચા માણસથી જ શોભે, જેને આપણે નાગરિક તરીકે ઓળખીએ છીએ. ગાંધીજીનું સૌથી મોટું યોગદાન એ છે કે તેમણે કોઈ એક સમાજવિશેષની કે વિચારધારાની તરફેણ કર્યા વિના માણસની અર્થાત્‌ નાગરિકની ભેર તાણી છે. ભારત નામની કલ્પના ભારતીય નાગરિક માટેની છે. ભારતીય રાજ્ય નાગરિક માટેનું છે. બાકીની બધી ઓળખો અને અસ્મિતાઓ ગૌણ છે.

ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી એ કથન ગાંધીજીને અને બીજાઓને અન્યાય કરનારું છે. ગાંધીજીને અન્યાય કરનારું એ રીતે કે ગાંધીજીનાં અનેક યોગદાનોમાં આ યોગદાન સાવ નજીવું નહીં તો ય બહુ નાનું યોગદાન છે. આ કથનમાં ગાંધીજી માટેનું અજ્ઞાન પ્રગટ થાય છે. બીજા માટે એ રીતે કે ભારતને આઝાદી એકલા ગાંધીજીએ અપાવી છે એમ કહેવું એ અસત્ય છે. ભારતને આઝાદી અપાવવામાં બીજા અનેક લોકોનું યોગદાન છે અને એ ઉપરાંત સંજોગોનું પણ યોગદાન છે. આ કારણે આ શ્રેણીમાં ગાંધીજીના નેતૃત્વમાં ભારતમાં થયેલાં આઝાદીના આંદોલનોનું વૃત્તાંત આપવાની જરૂર નથી. માત્ર એટલું જ કહેવાનું કે ગાંધીજીના નેતૃત્વ હેઠળનો ભારતની આઝાદીનો ઇતિહાસ વાંચતી વખતે અહીં જે ગાંધીજીની વિશેષતા બતાવી છે તેને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

હવે પછી અહીં ભારતના બંધારણની રચનાની વાત કરવામાં આવશે પણ એ પહેલાં ભારતને આઝાદી અપાવવામાં ક્રાંતિકારીઓના યોગદાન અને તેની મર્યાદા વિષે સત્ય હકીકત જાણી લેવી જરૂરી છે.

ભારતને આઝાદી અપાવવામાં કૉન્ગ્રેસ અને ગાંધીજી પછી સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો તે ક્રાંતિકારીઓનું હતું. હિંદુ મહાસભાનું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું, અન્ય હિન્દુત્વવાદીઓનું યોગદાન શૂન્યવત્‌ હતું. આવી જ રીતે મુસ્લિમ લીગનું યોગદાન પણ શૂન્યવત્‌ હતું. સુભાષચન્દ્ર બોઝે તેમના ‘ઇન્ડિયન સ્ટ્રગલ’ નામના પુસ્તકમાં એક પ્રસંગ વર્ણવ્યો છે. બીજુંવિશ્વયુદ્ધ શરૂ થયું અને બ્રિટિશ સરકાર મુશ્કેલીમાં ઘેરાઈ ગઈ ત્યારે કૉન્ગ્રેસપ્રમુખ સુભાષચન્દ્ર બોઝ મહમદઅલી ઝીણાને અને વિનાયક દામોદર સાવરકરને મળવા ગયા હતા. તેમને બન્નેને તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આપણે અંગ્રેજોની મુસીબતનો લાભ લેવો જોઈએ. નિર્ણાયક હથોડો મારવાનો સમય હાથ લાગ્યો છે. એ માટે હિંદુઓએ અને મુસલમાનોએ સાથે મળીને લડત આપવી જોઈએ. કૉન્ગ્રેસ, મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાએ મતભેદ ભૂલીને મોરચો રચવો જોઈએ. તેમણે ઝીણાને ખાતરી આપી હતી કે ભારતને જ્યારે આઝાદી મળશે ત્યારે ભારતના પહેલા વડા પ્રધાન ઝીણા બને એ માટે તેઓ પ્રયત્ન કરશે.

મહમદઅલી ઝીણાએ સુભાષબાબુનો પ્રસ્તાવ પાકિસ્તાનની શરતે માન્ય રાખવાનું કહ્યું હતું. મુસલમાનો માટે અલગ પાકિસ્તાન કબૂલ કરો તો મદદ કરીએ. આનો અર્થ એ થયો કે તેમને આઝાદીમાં રસ નહોતો. સુભાષબાબુ સાવરકરને મળવા ગયા ત્યારે સાવરકરે તેમને કહ્યું હતું કે તેઓ અંગ્રેજોના સંકટનો અલગ રીતે લાભ લેવા માગે છે. અંગ્રેજોને સૈન્યની જરૂર પડશે એટલે સૈનિકભરતી કરવામાં આવશે. ‘હું (સાવરકર) હિંદુયુવકોને મોટી સંખ્યામાં અંગ્રેજોના સૈન્યમાં દાખલ કરીને હિંદુ યુવકોને લશ્કરી તાલીમ મળે એ માટે પ્રયત્ન કરવાનો છું.’ સુભાષબાબુએ સાવરકર વિષે લખ્યું છે કે તેમને દુનિયામાં શું બની રહ્યું છે એની કોઈ જાણકારી પણ નહોતી. આનો અર્થ એ થયો કે તેમને પણ ભારતની આઝાદીમાં રસ નહોતો.

આઝાદી તો મળવાની હશે ત્યારે મળશે પણ મુસલમાનોને ઝૂકતું માપ મળવું જોઈએ એમ ઝીણાને લાગતું હતું અને આઝાદી મળવાની હશે ત્યારે મળશે પણ શસ્ત્રોની તાલીમ પામેલા હિંદુ યુવકો મુસલમાનોનો મુકાબલો કરી શકવા સમર્થ હોવા જોઈએ એમ સાવરકરને લાગતું હતું. તો કહેવાનો સાર એ કે હિંદુ અને મુસ્લિમ કોમવાદીઓએ આઝાદીના એક પણ આંદોલનમાં ભાગ નહોતો લીધો, નેતૃત્વ તો બહુ દૂરની વાત છે.

આ સિવાય આઝાદીના આંદોલનમાં જમીનદારોએ અને મોટાભાગના ભદ્ર વર્ગે પણ ભાગ નહોતો લીધો. ભારતની રિયાસતોમાંથી ગણતરીના રાજવીઓ આઝાદીના લડવૈયાઓને મદદ કરતા હતા. મોટાભાગના રાજવીઓ તો અંગ્રેજોના ડરથી લડતની બાબતે ઉદાસીન હતા અને કેટલાક વિઘ્નો નાખવાનું કામ પણ કરતા હતા. આઝાદીની લડતમાં સામ્યવાદીઓનો ફાળો નહીંવત્ હતો. હિન્દુ અને મુસ્લિમ કોમવાદીઓનો ફાળો શૂન્યવત્ હતો તો સામ્યવાદીઓનો નહીંવત્ હતો. આઝાદીની લડતમાં દલિત નેતાઓનો પણ કોઈ ફાળો નહોતો.

આમ ભારતને આઝાદી અપાવવામાં કૉન્ગ્રેસ અને ગાંધીજી પછી જો કોઈનો ફાળો હોય તો તે માત્ર ક્રાંતિકારીઓનો હતો. હવે પછી તેમના યોગદાન અને મર્યાદાની વાત કરવામાં આવશે.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 જાન્યુઆરી 2021

Loading

માંસાહારીનું મનોમંથન:

મૂકેશ પરીખ|Opinion - Opinion|10 January 2021

કેટલાયે જીવોને આ ઉદરે પચાવીને બેઠો છું,
હવે સમજાયું કૈંક ગુનાઓ છુપાવીને બેઠો છું.

મા-બાપ, અને બાળકોને અતિ ચાહવા છતાં,
કેટલાં ય મૂંગા જીવોને અનાથ કરીને બેઠો છું.

પત્ની તો સદા જીવથી યે અધિક છે મારા માટે,
કેટલી ય મૂંગી માદાઓને વિધવા કરીને બેઠો છું.

ઘરખૂણે પરિવાર સહિત સલામતી માંગતો રહું,
કેટલાં ય મૂંગા જીવોના હું ઘર ઉજાડી બેઠો છું.

કોરોના પ્રસરાવનાર જીવોને ક્રૂરતાથી કોસું છું,
ખરેખર હક છે કોસવાનો એ વિચારતા બેઠો છું.

‘મૂકેશ’ ધિક્કાર છે એ સહુ દયાહીન સંહારકોને,
હવે સદ્દબુદ્ધિ દેશે પ્રભુ એ આશ લઈને બેઠો છું.

કોરોના વાયરસ વેળા, એપ્રિલ ૨૦૨૦

e.mail : mparikh@usa.com

Loading

...102030...2,2062,2072,2082,209...2,2202,2302,240...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved