Opinion Magazine
Number of visits: 10,226,757
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિનસાંપ્રદાયિક પક્ષો અવસરવાદી બન્યા છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|7 January 2021

જે લોકો આઈડિયા ઓફ ઇન્ડિયા અર્થાત્ સહિયારા અને ન્યાયી ભારતની કલ્પનાને વરેલા છે, તેમની પાસે રાજકીય વિકલ્પ નથી અને જે લોકો હિંદુ ભારતની કલ્પનાને વરેલા છે તેમની પાસે મજબૂત રાજકીય વિકલ્પ છે. જે લોકો આઈડિયા ઓફ ઇન્ડિયાને વરેલા છે એ લોકો બહુમતીમાં હોવા છતાં બહુમતી કામમાં નથી આવતી અને જે લોકો હિંદુ ઇન્ડિયાને વરેલા છે એ લોકો લઘુમતીમાં હોવા છતાં પણ મજબૂત બહુમતી સાથે શાસન કરે છે.

અનેક લોકો સવાલ કરે છે કે આ સમસ્યાનો ઉકેલ શું?

ઉકેલ બે છે. એક, ટૂંકા ગાળાનો ઉકેલ છે અને બીજો લાંબા ગાળાનો, કદાચ કાયમી પણ હોઈ શકે. એક ઝડપી ઉકેલ છે અને બીજો વખત લેનારો. એકમાં ઓછી મહેનત છે અને બીજામાં મહેનત ખૂબ છે.

ટૂંકા ગાળાના ઝડપી ઉકેલની વાત પહેલા કરીએ. એ ઉકેલ છે તમામ સેક્યુલર રાજકીય પક્ષો એક થાય. સાથે મળીને ચૂંટણી લડે અને સહિયારા તેમ જ ન્યાયી ભારતનો વિનાશ ઇચ્છનારા રાજકીય પક્ષ કે પક્ષોને પરાજીત કરે. આમાં શરત એ છે કે ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવી જોઈએ. બીજી શરત સમાન દરેક પ્રતિસ્પર્ધી પક્ષ સંસાધનોની દૃષ્ટિએ એક સમાન સ્થિતિમાં હોવા જોઈએ. એકના ગજવામાં ચૂંટણી લડવા માટે લાખ રૂપિયા હોય અને બીજાના ગજવામાં હજાર રૂપિયા હોય તો પણ ચૂંટણી ન્યાયી અને મુક્ત રીતે ન લડી શકાય.

અત્યારના હિંદુ રાષ્ટ્રવાદી શાસકો બન્ને રીતે ચૂંટણીકીય સ્પર્ધા અસમાન બને એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ ચૂંટણીપંચ ઉપર દબાણ લાવે છે અને સંસાધનમાં પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષ બરાબરી ન કરી શકે એની પણ તજવીજ કરે છે. ઈલેકશન બૉન્ડ આ માટે દાખલ કરવામાં આવ્યા છે. જો કોઈ બૉન્ડ ખરીદીને બી.જે.પી. વિરોધી રાજકીય પક્ષને આપે તો સરકારને ખબર પડી જાય અને સરકાર તેને સતાવે. ડરના માર્યા કુબેરપતિઓ બી.જે.પી. સિવાયના અન્ય રાજકીય પક્ષોને નાણાકીય સહાય કરતા નથી. આજે લગભગ ૮૦ ટકા ચૂંટણીભંડોળ એકલા બી.જે.પી.ના ગજવામાં છે અને ૨૦ ટકામાં બાકીના બધા રાજકીય પક્ષો છે. આ સિવાય કાળું નાણું અને બીજા સંસાધનો જુદાં. એક પછી એક સરકારી એકમો વેચવામાં આવી રહ્યા છે એનું પણ આ જ કારણ છે. ખૂબ ધન હાથમાં હોવું જોઈએ કે જેથી પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોને દબાવી શકાય, ચૂંટણીના મેદાનમાં પૈસા દ્વારા પ્રતિસ્પર્ધીને ચિત્ત કરી શકાય, જે તે પક્ષોના સંસદસભ્યો-વિધાનસભ્યોને ચૂંટણી પહેલાં અને પછી ખરીદી શકાય, મીડિયાને ખરીદીને અનુકૂળ કરી શકાય, ટ્રોલ્સ દ્વારા અપપ્રચાર, કુપ્રચાર અને જૂઠાણાં ફેલાવી શકાય અને બીજી અનેક રીતે ચૂંટણીને પ્રભાવિત કરી શકાય.

આમ છતાં ય ભારતીય સેક્યુલર લોકતંત્ર ટકી રહેવા માટે જદ્દોજહદ કરી રહ્યું છે અને ધારેલી ઝડપે અને ધારેલી માત્રામાં તૂટતું નથી એનું કારણ પેલા ૬૦ ટકા ભારતીય નાગરિકો છે જેઓ આઈડિયા ઓફ ઇન્ડિયાને વરેલા છે. તેઓ પ્રતિબદ્ધ છે અને હિંમત ધરાવે છે. સૌથી મોટી વાત એ છે કે તેઓ વિખરાયેલા હોવા છતાં ય બહુમતીમાં છે. તેઓ બુદ્ધિમાન છે, તેમને વિચારતા શંકા કરતા અને પ્રશ્ન કરતા આવડે છે. ટ્રોલ્સ અને ગોદી મીડિયા તેમને પ્રભાવિત કરી શકતા નથી. ભારતીય સેક્યુલર લોકતંત્ર ઉપર ઘેરાયેલાં કાળા વાદળ ફરતે રૂપેરી કોર હોય તો એ આ ૬૦ ટકા સહિયારા ભારતને વરેલા નાગરિકો છે. તેમની સામેની શાસકોની અને આંગળિયાતોની લાચારી પણ તમે જોઈ શકતા હશો. તેમને નથી ડરાવી શકાતા કે તેમને નથી વટલાવી શકાતા. ટ્રોલ્સ અને ગોદી મીડિયાની બધી મહેનત પાણીમાં જાય છે.

હવે તેમને રાજકીય વિકલ્પ જોઈએ છે અને વિકલ્પ હમણાં કહ્યું એમ બે છે; એક ટૂંકા ગાળાનો પણ ઝડપી અને બીજો લાંબા ગાળાનો પણ મહેનતવાળો અને ઘણે અંશે કાયમી. પહેલાં પહેલા વિકલ્પને તપાસીએ તો રાજકીય વાસ્તવિકતા શી છે?

૧. ગેર-બી.જે.પી. રાજકીય પક્ષો નખશીખ અને પ્રતિબદ્ધ સેક્યુલર છે એવું નથી. એમાંના મોટા ભાગના અવસરવાદી છે.

૨. જે પક્ષો વિચારોથી ખરેખર સેક્યુલર છે તેમની અંદર સત્તાનો મોહ છે અને તેમની સામે રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન છે. ગયા નવેમ્બર મહિનામાં બિહારમાં આપણે જોયું કે રાષ્ટ્રીય જનતા દલ, જનતા દલ (યુનાઇટેડ) અને લોક જનશક્તિ પાર્ટી એક જ વિચારધારા ધરાવે છે અને તેના નેતાઓ એક જ ગુરુ(ડૉ. રામમનોહર લોહિયા)ના શિષ્યો છે. તેમને એ પણ ખબર છે કે તેઓ એકબીજા સામે લડીને ક્ષીણ થઈ રહ્યા છે અને તેમને એ પણ ખબર છે કે તેમની વચ્ચેની લડાઈમાં અંતિમ ફાયદો બી.જે.પી.ને થવાનો છે જે તેમની કલ્પનાના ભારતનો વિરોધી છે. આમ છતાં ય તેઓ સાથે આવતા નથી, કારણ કે કોણ કોના હિતમાં પોતાની જમીન છોડે? દરેક રાજકીય પક્ષ વર્તમાનમાં પોતાનો ફાયદો જુએ છે, પછી પોતાનું, પોતાના પક્ષનું અને ભારતનાં ભવિષ્યનું જે થવાનું હોય તે થાય.

૩. ડાબેરીઓને છોડીને ભારતના લગભગ તમામ રાજકીય પક્ષોનો તેમની મૂળ વિચારધારા સાથેનો સંબંધ ખતમ થઈ ગયો છે. કાર્યકર્તાઓનું વૈચારિક પ્રશિક્ષણ થયું નથી એટલે પ્રતિબદ્ધ કેડર નથી. ચૂંટણીમાં ટિકિટ એવા લોકોને આપવામાં આવે છે જે ચૂંટણી જીતી શકવાની ક્ષમતા ધરાવતા હોય. આને કારણે પક્ષમાં જે નેતાઓ આવે છે એ સત્તાવાંછુ આવે છે અને તેઓ વેચાઈ જાય છે. નેતા સમાધાનો કરે તો સંસદસભ્ય કે વિધાનસભ્ય સમાધાન કેમ ન કરે? ચૂંટણી જીતવા માટેનું મૂડીરોકાણ તેનું પોતાનું હોય છે અને તેને વસૂલવાનું હોય છે.

૪. દેશમાં એક માત્ર કૉન્ગ્રેસને છોડીને કોઈ પક્ષ આખા ભારતમાં હાજરી ધરાવતો હોય એવો રાષ્ટ્રીય સ્તરનો પક્ષ નથી. બીજું અનેક પક્ષો બાપીકી દુકાન જેવા પક્ષો છે.

૫. મોટાભાગના રાજકીય પક્ષો અને તેના નેતાઓ ભ્રષ્ટ છે, તેમની મથરાવટી મેલી છે, તેમની વચ્ચે એકતા સ્થપાય અને સ્થાપાય તો જળવાય એની ખાતરી હોતી નથી એટલે ૨૦ ટકા કોમવાદી અને ૬૦ ટકા સેક્યુલરની વચ્ચે જે ૨૦ ટકા મતદાતાઓ છે તેમનો તેઓ વિશ્વાસ સંપાદિત કરી શકતા નથી.

૬. કેટલાક નેતાઓના કબાટમાં હાડપિંજરો છે એટલે તેઓ ડરે છે અને તેઓ વિપક્ષી એકતા વચ્ચે ફાચર મારવાનું કામ કરે છે.

૭. કેટલાક રાજકીય નેતાઓ ચૂંટણી ટાણે નિર્ણાયક મતદારક્ષેત્રોમાં ઉમેદવારો ઊભા રાખીને જે તે પક્ષના મત તોડીને કોઈને ફાયદો કરાવી આપવાનો ધંધો કરે છે. ધંધો જ, રીતસરનો ધંધો.

હવે કહો કે વિરોધ પક્ષોનું ચરિત્ર જ્યારે આવું હોય ત્યારે વિપક્ષી એકતાવાળો વિકલ્પ સાકાર થઈ શકે ખરો? કોઈક રાજ્યમાં થાય તો તે ટકાઉ નીવડે ખરો? આમાં રાષ્ટ્રીય સ્તરે એકતા સાધવી અને તેને ટકાવી રાખવી એ તો નેવાંનાં પાણી મોભે ચડાવવાં જેવું થયું. આમાં કૉન્ગ્રેસ મોખરે હોય કે કૉન્ગ્રેસ હાંસિયામાં હોય, કૉન્ગ્રેસમાં ગાંધી પરિવારનું નેતૃત્વ હોય કે ન હોય; થીગડાં મારવાથી લોકતાંત્રિક સેક્યુલર ભારત બચવાનું નથી. એને માટે ધીરજવાળો, ખૂબ મહેનત માગી લેનારો લાંબાગાળાનો જ વિકલ્પ અપનાવવો પડે એમ છે.

કોણ આ શિવધનુષ ઉઠાવશે? અને એને માટે કેવી લાયકાત જોઈએ?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 જાન્યુઆરી 2021

Loading

આ મુશ્કેલ સમયમાં (49)

સુમન શાહ|Opinion - Opinion|7 January 2021

આ કોરોનાકાળમાં કેટલાક બોધ અને ઉપદેશની વાતો કે કથાઓ આપોઆપ સરજાય છે. એક બોધકથા મને આ મળી છે — રમૂજી છે ને રમૂજના હેતુથી કોઈને પણ કહી શકાય એવી છે :

એક માણસે લગભગ ૮ માસ લગી રોજ્જે લગભગ દરેકના FB પર જઈને like કર્યું. કોઈએ એને પૂછ્યું : તેં ભલા, like કરવા કોઈ જણને ભાડે રાખ્યો છે? : તો વ્યંગને ખડખડાટ હસીને એણે દબાવી દીધો, પણ ‘હા' કહ્યું. તે FB પરનાં likes-નો, એટલે કે, લોકમતનો, ચમત્કાર થયો.

ચમત્કાર એ કે એ માણસ માણસમાંથી કશેક પ્રમુખ બની ગયો !

Picture Courtesy: Logopond

હવે, જુદું એ બનવા માડ્યું છે કે ટ્રમ્પના તેમ જ ટ્રમ્પે કરેલા લોકશાહીના હાલ-બેહાલ જોઈને કેટલાક પ્રમુખ સ્વપત્નીની સલાહથી ચૂંટણી વગેરેની જંજાળમાંથી છૂટીને, ઘરભેગા થવા લાગ્યા છે.

પણ કોઈ કોઈ હજી યે પેલાની જેમ FB પર જઈને સૌ કોઈના મિત્ર થવા નીકળ્યા છે. પણ એ જ તર્ક અનુસાર શાસ્ત્રકારોને સમજાઈ રહ્યું છે કે એ કોઈ કોઈના મે'લ કરવત મોચીના મોચી જેવા બહુ બૂરા હાલ થવાના …

ભલે. પણ આમ, માણસ અને પ્રમુખ – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, સિલેક્શન ઍન્ડ ઇલેક્શન – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, સ્વમત, પર મત – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, માય વૉઇસ, માય વોટ – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, ડૅમેગોગી ઍન્ડ ડૅમોક્રસી – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, હું-શાહી અને લોકશાહી – એ ચક્ર ચાલ્યા કરે છે.

અને, આમ, નિત્શેનું eternal recurring-માં માનવું સાચું ને સાચું પડ્યા કરે છે.

આમાંથી બોધ તે શું વળી? દરેકે પોતાના ગજા પ્રમાણે કે જીવનની જરૂરતે કરીને જેટલો સારવી લેવો હોય એટલો સારવી લેવો. કેમ કે કોરોના-કોવિડને કોઈની પડી નથી, કેમ કે એ પણ કશાક અણજાણ પણ eternal recurring-નો જ આવિષ્કાર છે …

= = =

(January 6, 2021: USA)

Loading

મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|7 January 2021

હૈયાને દરબાર

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે,
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે.

પથ્યાપથ્ય નથી સમજાતું, દુ:ખ સદૈવ રહે ઊભરાતું,
મને હશે શું થાતું, નાથ નિહાળજો રે.

અનાદિ આપ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા,
દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે.

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો ?
મહા મૂંઝારો મારો નટવર, ટાળજો રે.

કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે.

•   કવિ : કેશવલાલ ભટ્ટ    •   ગાયિકા : પૌરવી દેસાઈ

https://www.pendujatt.net/gujarati-songs/song/mari-naal-tamare-haath-pauravi-desai-purushottam-upadhyay-gaurav-dhruv-ayiki.html

૩૧મી ડિસેમ્બરે એક મિત્રનો ફોન આવ્યો. "થર્ટીફર્સ્ટનો શું પ્લાન છે? મનમાં થયું, આખા વરસના બધાં પ્લાન તો કચરા-પોતાં, રાંધવું, વાસણ ઊટકવાં અને કપડાં ધોવામાં જ ધોવાઈ ગયા. હવે ૩૧મીએ વળી શું કરવાનું!! છતાં તાત્કાલિક જવાબ એક જ સૂઝ્યો, "દુનિયા પરનું સંકટ ટળે એ માટે યજ્ઞ-હવન અને સત્ય નારાયણની પૂજા જ કરવાની હવે બાકી છે. ૩૧મીએ એ જ કરી દઈએ.

જવાબ, અલબત્ત, હળવાશપૂર્ણ જ હતો, પરંતુ ખરેખર વિચારીએ તો ઉજવણી શેની કરવાની? હતાશા, નિરાશા, ચિંતા, ઉદ્વેગ, વ્યગ્રતા અને વિડંબનાઓમાં જ ૨૦૨૦ની સાલ વીતી ગઈ. રોજ સવાર પડતાં ધ્રાસ્કો પડતો અને સહુની સલામતીની પ્રાર્થના આપોઆપ થઈ જતી હતી.

બાકી, જવાની જાનેમન, હસીન દિલરૂબા … જેવાં તરબતર ગીતો સાથેની નશીલી, મદહોશ થર્ટીફર્સ્ટ નાઈટનો કેવો ઈન્તજાર રહેતો! મિત્રો, પ્રિયજનો-સ્વજનો સાથે મળીને આનંદ-પ્રમોદ સાથે નવા વર્ષનું સ્વાગત થતું. ૩૧મી ડિસેમ્બરે કરનારાઓએ તો ઉજવણાં કર્યાં, ૨૦૨૦ના વિકટ વર્ષને વિદાય કર્યું, પરંતુ દરેકના જીવને અંદરથી ચચરાટ તો હતો જ, ૨૦૨૧ કેવું જશે!

એટલે જ નાનપણમાં સાંભળેલી એક સુંદર પ્રાર્થના સાથે ૨૦૨૧ને આવકારવું છે ; મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે …! જેમના કુટુંબમાં સંગીતનો પ્રભાવ હશે એમણે પોતાની માતા, નાની કે દાદી પાસે આ પ્રાર્થના સાંભળી જ હશે. મારી માને કંઠે મેં કેટલી ય વાર આ પ્રાર્થના નાનપણમાં સાંભળેલી, પરંતુ સાસુમાં ઉષાબહેન પણ હલકદાર કંઠે આજે ૮૬ વર્ષની ઉંમરે ય સરસ ગાઈ શકે છે. રાગ દેશ પર આધારિત આ સુંદર પ્રાર્થના એમણે વીડિયો રેકોર્ડ કરીને તાજેતરમાં જ મોકલી ત્યારે આનંદ-આશ્ચર્ય બંને થયાં હતાં.

કવિ કેશવલાલ ભટ્ટે ઈશ્વરને વૈદ્ય બનાવીને એમના હાથમાં નાડ સોંપવાની વાત કરી છે. મનુષ્ય જાત અત્યારે ભયના ઓથાર નીચે જીવી રહી છે.

આ ભયરોગની દવા કોની પાસે છે? ઈશ્વર સિવાય આ દર્દ કોઈ દૂર ન કરી શકે. નિર્મળ મનથી ઈશ્વર પર શ્રદ્ધા રાખો તો પરિસ્થિતિ બદલાય કે ન બદલાય, ભયાવહ મન:સ્થિતિ તો બદલાય જ છે. કવિ તેથી જ કહે છે કે તમે દયાના સાગર છો, કૃપાનિધાન છો, ભક્તોના ભય હરો છો, અમારો મૂંઝારો તમે જ સમજો છો એટલે જ મારી નાડ તમને સોંપું છું. તમારા ઉપાય સચોટ છે, તમે જ જીવવાની અને જીતવાની શક્તિ પ્રદાન કરી શકો છો એમ કહીને છેવટે કવિ ભગવાનને જ ચેલેન્જ આપે છે કે તમે અમને ભયમુક્ત, રોગમુક્ત નહીં કરો તો તમારી જ લાજ જાશે. આમ, પ્રાર્થનાની શક્તિ દ્વારા કવિ ઈશ્વરને કહે છે કે, તું મને પોતાનો સમજીને મારો ઈલાજ કર.

આવી પ્રાર્થનાની શક્તિની આવશ્યકતા આજે પણ છે જ. વેક્સિન ભલે આવી ગઈ છે છતાં આંતરિક શક્તિ કેળવવી આજના સમયમાં અનિવાર્ય છે.

આ પ્રાર્થનાના કવિ તરીકે ક્યાંક ‘કેશવ’ અથવા ‘કેશવરામ’ એવો નામોલ્લેખ જોવા મળતો હતો, પરંતુ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જ્યાં ગૂગલ બાબા ન પહોંચે ત્યાં આપણા લેખક-વિવેચક દીપક મહેતા પહોંચી શકે. એમની પાસેથી કવિ કેશવલાલ હરિરામ ભટ્ટ (૧૮૫૧-૧૮૯૬) વિશેની યોગ્ય માહિતી તથા ફોટોગ્રાફ મળ્યાં એટલે દીપકભાઈનો ખાસ આભાર.

કવિ કેશવલાલ ભટ્ટ ૧૯મી સદીની સુધારા વિરોધી અને વૈદિક પરંપરાનો પુરસ્કાર કરતી સંસ્થા ‘વેદધર્મ સભા’ના વર્ષો સુધી મંત્રી તથા તેના મુખપત્ર ‘આર્યધર્મ પ્રકાશ’ના તંત્રી રહી ચૂક્યા હતા. એ સામયિક માટે તેમણે ઘણા લેખો લખ્યા, અનુવાદો કર્યા, પણ તેમાંનું ભાગ્યે જ કશું ગ્રંથસ્થ થયું છે. તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘કેશવકૃતિ’ ૧૮૯૯માં પ્રગટ થયો હતો. તેમાંની મોટા ભાગની કૃતિઓ ઈશ્વરસ્તુતિ, અધ્યાત્મ, નીતિબોધ, વૈરાગ્ય, પ્રકૃતિ વર્ણન, વગેરેને લગતી અને મધ્યકાલીન કવિતાની પરંપરાને અનુસરતી છે. એક જમાનામાં તેમનાં કેટલાંક ભક્તિકાવ્યો સારાં એવાં લોકપ્રિય થયાં હતાં. તેમનાં ચાર ભજનોને ગાંધી આશ્રમમાં ગવાતાં પ્રાર્થના, ભજનો, ગીતોના સંગ્રહ આશ્રમ ભજનાવલિમાં સ્થાન મળ્યું છે તેથી એ ભજનો વધુ પ્રચલિત થયાં. મારી નાડ તમારે હાથ … નો સમાવેશ પણ આશ્રમ ભજનાવલિમાં થયો છે.

દુનિયાના દરેક માણસે ભૌતિક સુખો પાછળ એવી તે દોટ મૂકી છે કે ખબર નહીં એ ક્યાં જઈને ઊભો રહેશે. જો કે, કોવિડ કાળમાં માણસજાતે પર્યાવરણ સાથે કરેલાં ચેડાંની ભૂલ ધીમે ધીમે એને સમજાઈ રહી છે. સંઘરાખોરી, પૈસાનો દુર્વ્યય, અતિ ભૌતિકવાદની કિંમત આજે કોડીની છે. પહેલું સુખ તે જાતે નર્યા … કહેવતનું મૂલ્ય આજે સમજાય છે. વૈશ્વિક મહામારીના આ કપરા કાળમાં મનુષ્યે આત્મોન્નતિ માટે પ્રાર્થનાના મહત્ત્વને સમજવું એટલું જ જરૂરી છે. મનની શાંતિ અને શુદ્ધતા માટે જરૂરી છે પ્રાર્થના. જે રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે ખોરાકની જરૂર પડે છે તેમ આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે શુદ્ધ મનથી પ્રાર્થના કરવી પડે છે. પ્રાર્થનાથી જ આપણું મન પવિત્ર અને પ્રસન્ન બને છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ, કારણ કે પ્રાર્થનાથી મનમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે, પ્રાર્થનાથી આપણા દોષો જોઈ શકીએ છીએ, એને દૂર કરી શકીએ છીએ. એટલે જ સાહિત્યકાર કાકા કાલેલકરે કહ્યું છે કે, ‘પ્રાર્થના હૃદયનું સ્નાન છે.’

મારી નાડ તમારે હાથ … પ્રાર્થના ઘણા કલાકારોએ ગાઈ છે, પરંતુ આજે વાત કરવી છે વરિષ્ઠ ગાયિકા આદરણીય પૌરવી દેસાઈની. એમના કંઠે આ પ્રાર્થના નિખરી ઊઠી છે. પૌરવીબહેને ઘણી ભક્તિ રચનાઓ, સુગમ સંગીત તેમ જ રંગભૂમિનાં ગીતો-ગરબા ગાયાં છે. શાસ્ત્રીય સંગીતમાં ‘સંગીત અલંકાર’ થયેલાં પૌરવીબહેન કહે છે, "નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ, જે લગ્ન પછી વધારે સમૃદ્ધ થયું. દર શુક્રવારે પાંચ ભજન ગાવાનો અમારો નિયમ હતો. એ રીતે ભક્તિ ગીતો નાનપણથી જ કંઠસ્થ હતાં. મારી નાડ … ખૂબ ભાવસભર પ્રાર્થના છે. રાજકોટમાં પુષ્પા છાયા નામે રેડિયો સિંગર હતાં એમની પાસે પહેલી વાર હું આ ભક્તિગીત શીખી હતી. ગ્રેજ્યુએશન મેં જૂનાગઢમાં કર્યું અને માસ્ટર્સ ડિગ્રી મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી મેળવી. ૨૨ વર્ષની વયથી જ રેડિયો પર ગાવાનું શરૂ કરી દીધું હતું, જે ૭૫ વર્ષની વય સુધી ગાયું.

પૌરવી દેસાઈ આજે ૮૩ વર્ષની ઉંમરે પણ કાર્યરત છે. લોકડાઉનને લીધે એમના સુગમસંગીતના વર્ગો હમણાં બંધ છે, પરંતુ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. પચાસેક શિષ્યોને એ તાલીમ આપી રહ્યાં છે. સાવ લો પ્રોફાઈલ રહીને સાઠ વર્ષથી તેઓ સંગીતનો યજ્ઞ અખંડપણે પ્રજવલિત કરી રહ્યાં છે. પૌરવીબહેનનું સૌથી લોકપ્રિય ગીત, વ્હાલમનું નામ એ તો મધમીઠું નામ … છે. કવિ ડૉ. સુધીર દેસાઈનાં આ ગીતને મુંબઈના સ્વરકાર રાસબિહારી દેસાઈએ સ્વરબદ્ધ કર્યું હતું. ગત નવરાત્રિ માટે ફાલ્ગુની પાઠકે વીડિયો દ્વારા ખાસ તૈયાર કરેલું ગીત ‘વ્હાલમનું નામ’ વળી પાછું લોકપ્રિય થયું અને એક અઠવાડિયામાં લાખો લોકોએ જોયું. ૪૫ વર્ષ પહેલાં રચાયેલું આ ગીત એ સમયે ‘વ્હાલમનું નામ …’ તરીકે જ પૌરવી દેસાઈએ પ્રચલિત કર્યું હતું અને એ જ નામે કેસેટ બહાર પાડી હતી.

પૌરવીબહેન કહે છે, "અમારી ’દેસાઈ’ ત્રિપુટી હતી. સુધીર દેસાઈ, રાસબિહારી દેસાઈ અને પૌરવી દેસાઈ. સુધીર દેસાઈ ગીત લખે, રાસભાઈ કમ્પોઝ કરે અને હું ગાઉં. એમ અમે ઘણાં ગીતો તૈયાર કર્યાં હતાં. રાસબિહારીભાઈ સંગીતના મર્મજ્ઞ. સમર્થ કલાકાર પાસે ગવડાવવાનું પસંદ કરે. એ રીતે આશિત દેસાઈ અને મને એમણે ઘણાં ગીત શીખવાડ્યાં હતાં. નિનુ મઝુમદારે મારી પાસે પહેલવહેલું મારું મનડું મૂંઝાણું, પંડિત વિનાયક વોરાએ યમુનાને આરે ગીત ગવડાવ્યાં હતાં. આ ઉપરાંત દિલીપ ધોળકિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, નવીન શાહ સહિત અનેક સ્વરકારોનાં ગીતો મેં ગાયાં છે.

પૌરવી દેસાઈએ ‘મનગમતાં ગીતો’ પુસ્તકનું સંપાદન કર્યું છે. થોડાં વર્ષો પહેલાં ‘મહાવીર દર્શન’ નામે ઓલ ઇન્ડિયા રેડિયો પર નવીન શાહની રાહબરીમાં એક કલાકનું રેડિયોરૂપક રજૂ થયું હતું, જેમાં પૌરવી દેસાઈ અને જગજિત સિંહ લીડ સિંગર્સ હતાં. પૌરવીબહેન શાસ્ત્રીય સંગીતનાં પરીક્ષક પણ રહી ચૂક્યાં છે. એમની ‘વ્હાલમનું નામ’ કેસેટમાં જુદા જુદા સંગીતકારોનાં ગીતોનું સંકલન છે, જેની અરેન્જમેન્ટ આશિત દેસાઈએ કરી છે. જૂની રંગભૂમિના સુરેશ કુમારે પૌરવી દેસાઈનાં ગીતો રેકોર્ડ કર્યાં છે.

વીજલ પટેલ, મનીષા ડૉક્ટર જેવાં સજ્જ શિષ્યો તૈયાર કરનાર પૌરવીબહેન પાસે ખેવના દેસાઈ જેવી યુવા પ્રતિભાઓ પણ તાલીમ લઈ રહી છે. આવાં પૌરવી દેસાઈને કંઠે એમનાં જ ગીતો સાંભળવા હોય તો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે જ. બાકી, આજે તો પૌરવી દેસાઈના આ ભક્તિ ગીત દ્વારા ઈશ્વરને હ્રદયપૂર્વક પ્રાર્થના કરીએ કે; મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે ..! આ લખાઈ રહ્યું છે ત્યારે મારાં સ્કૂલ ટીચર જયશ્રીબહેન મહેતાએ ઓડિયો ક્લિપ દ્વારા એક સરસ પ્રાર્થના ગાઈને મોકલી છે; દીનાનાથ દયાળુ નટવર હાથ મારો મૂકશો મા! બન્ને પ્રાર્થનાનું હાર્દ એક જ છે એ સુભગ યોગાનુયોગ! નવા વર્ષની, સ્વસ્થ જીવનની સૌને શુભકામનાઓ! વેલકમ ૨૦૨૧!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”; 07 જાન્યુઆરી 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=672665

Loading

...102030...2,2082,2092,2102,211...2,2202,2302,240...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved