Opinion Magazine
Number of visits: 9965322
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મરી નથી જતાં ત્યાં સુધી તો વૃદ્ધોને જીવવા દો !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 November 2020

વૃદ્ધો એક સમયે આશીર્વાદ આપવા પૂરતા કામના હતા, પણ હવે અપવાદરૂપે એવું હોય તો હોય ! મોટે ભાગે વૃદ્ધો ઇચ્છનીય નથી, સિવાય કે એમની પાસેથી કોઈ આશા હોય. યુવાની જિંદગીનો સૌથી સુંદર કાળ હોય છે, એમાં બેમત નથી, પણ જગતમાં કૈં પણ, છેવટે તો પૂરું થવા માટે જ હોય છે. યૌવન પણ પૂરું થાય જ છે. અમરત્વ સરસ કલ્પના છે, પણ વાસ્તવિકતા તો મૃત્યુ જ છે. જન્મ અને મૃત્યુ એ હકીકત છે. કલ્પના કે સ્વપ્નો પણ જીવન દરમિયાન જ શક્ય છે. જીવનની બહાર કલ્પના નથી કે નથી તો સ્વપ્નો પણ ! જીવનની આગળ કે જીવનની પાછળ જે તે વ્યક્તિ માટે કૈં નથી. અન્ય વ્યક્તિ, જનાર વ્યક્તિને તેનાં કાર્યોને લીધે વખાણે કે વખોડે એ શક્ય છે, પણ જનાર વ્યક્તિને એની જાણ થતી નથી તે પણ એટલું જ સાચું છે, કારણ તે હયાત નથી.

એવું નથી કે મૃત્યુ ક્રમ કે ઉંમર જોઈને વ્યક્તિને ઉપાડે છે. તે બાળક કે યુવાનનો શિકાર પણ કરી શકે છે. પણ, કુદરતી ક્રમ બાળપણ, યુવાની અને વૃદ્ધત્વનો છે, એ હિસાબે વૃદ્ધત્વ જીવનનો છેલ્લો તબક્કો છે ને મૃત્યુ આવતું નથી ત્યાં સુધી વૃદ્ધોએ તો જીવવાનું જ હોય છે. આ સારું હોય કે ખરાબ, પણ તે છે ને તે જ છે. કોઈ અકુદરતી રીતે મૃત્યુ પામે એ જુદી વાત છે, પણ કુદરતી ક્રમ તો મૃત્યુની રાહ જોવાનો જ છે.

કેટલી ય ઘરડી આંખો ઊંઘે છે ને સવારે ઊઠે છે, ઊંઘે છે ને ઊઠે છે એમ ચાલ્યા કરે છે. એમાં જ એવું બનવાનું છે કે કોઈ સવારે આંખો નથી ખૂલવાની ને ત્યારે, આ જગતનું બારણું વસાઈ જાય છે. એટલું નક્કી છે કે એ ફરી ક્યારે ય ખૂલવાનું નથી. એટલું પણ નક્કી છે કે ફરી આ જગતમાં એ ને એ સ્વરૂપે કોઈથી કદી અવાવાનું નથી. એમાં ઈશ્વર હોય તો એ પણ બાકાત નથી. ઘણી ઝાંખી આંખોને એવું લાગે છે કે આજે જોયેલું પારિજાત કદાચ કાલે જોવા નહીં મળે, આજે માણેલી ગંધ કાલે નહીં અનુભવાય, આજે થયેલો પાંખડીઓનો રેશમી સ્પર્શ ટેરવે જ રહી જાય એવું બને.

ટૂંકમાં, જવાનું નિશ્ચિત થતું જાય છે તેમ તેમ ભય વધતો આવે છે ને ઘણીવાર તો એ ભય પણ, સામેથી મૃત્યુ તરફ જવાનું દ્વાર ખોલી આપે છે. ડરવાથી મૃત્યુ દૂર જાય છે એવું નથી. ડરીએ કે ના ડરીએ, મૃત્યુ અફર અને અટલ છે.

વૃદ્ધોની સ્થિતિ અનેક રીતે દયનીય હોય છે. તેમાં જો તેઓ કમાતા ન હોય તો વૃદ્ધ એટલે ખર્ચ – એ જ એમની વ્યાખ્યા બની રહે છે. એક સમય હતો ત્યારે એ કમાયા, હવે ઉંમરને કારણે કમાણી શક્ય નથી ને ઉંમરને કારણે જ માંદગી, સારવારના ખર્ચ વધે છે ને એ બધાં જ કુટુંબોને પરવડે એમ હોતું નથી. એમાંથી જન્મે છે સંઘર્ષ, પીડા અને સંતાપ. બધાં જ કુટુંબો વૃદ્ધોની ઉપેક્ષા કરે છે એવું નથી, પણ આવાં કુટુંબો રોજ વધતી મોંઘવારીને કારણે પહોંચી વળી શકતાં નથી ને અનિચ્છા છતાં વડીલો તરફ દુર્લક્ષ સેવતાં થઈ જાય છે. આવી સ્થિતિ મોટે ભાગે મધ્યમવર્ગની હોય છે. નીચલા થરમાં તો બધાં જ ઉપેક્ષિત હોય છે એટલે ત્યાં તો આભ ફાટે તો થીંગડાં મારવા જેવી સ્થિતિ જ હોય છે. ઉપલા થરમાં પૈસા ઘણી મુશ્કેલીઓનો ઈલાજ હોય છે એટલે ત્યાં પણ પ્રશ્નો ઓછા છે. તકલીફ મધ્યમ વર્ગની વિશેષ હોય છે. જે વડીલો કમાતા નથી એ તો બોજ જેવા લાગે જ છે, પણ જેની પેન્શન કે ધંધામાં થોડી ઘણી આવક છે એમની સ્થિતિ પણ બહુ સારી નથી જ. એમાં કોરોનાએ તો ઘણાંની હાલત પાણીથી ય પાતળી કરી નાખી છે.

કાલના જ કોઈ છાપામાં એક ફોટો જોયો જેમાં લાંબી લાઈન હતી ને એમાં વૃદ્ધ સ્ત્રી, પુરુષો ભાંગેલું, તૂટેલું ઊભાં હતાં. મોટે ભાગના ફૂટપાથની ધારે જેમ તેમ બેઠેલાં હતાં. બધા જ ચહેરા ઉદાસીના, અશક્તિના બનેલા હતા. એ બધાં પ્રોવિડન્ટ ફંડ માટે, પ્રોવિડન્ટ ફંડ ઓફિસની બહાર ઊભાં હતાં. આ રીતે સવારે સાત વાગ્યાથી આ લોકો લાઈનમાં હતાં. ફોટો એ વાતની ચાડી ખાતો હતો કે તેમની અને ભિખારીઓ વચ્ચે બહુ ઓછો ફરક આવી લાઈને રહેવા દીધો હતો. પાછલી ઉંમરે તકલીફ ન પડે એ માટે પી.એફ., પેન્શન વગેરે વ્યવસ્થાઓ આપણે ત્યાં છે, પણ તે લેવા પાછલી ઉંમરે કલાકો લાઈનમાં ઊભાં રહેવું પડે એ કોઈ રીતે યોગ્ય નથી ! લાઈનની બહુ નવાઈ આપણે ત્યાં નથી. નોટબંધી હોય કે સ્કૂલ-કોલેજમાં પ્રવેશ હોય, રેશનિંગનું અનાજ હોય કે કોરોનાના મૃતદેહોના અંતિમ સંસ્કાર હોય, લાઈન ન લાગે તો સત્તાવાળાઓની આંખોને ઠંડક થતી નથી. આપણે ત્યાં ઘણું બધું ઓનલાઈન ચાલે છે. પેન્શન, પગાર ખાતાઓમાં જમા થઈ જાય છે, તો પી.એફ. માટે આવી લાઈનો રોકી ના શકાય એવું નથી. લાચાર, અશક્ત વૃદ્ધોને આમ લાઇનમાં કલાકો ઊભા રાખવાનો જે તે ઓફિસને સંકોચ થવો જોઈએ. કારણ કોઈ પણ હોય, આ કોઈ પણ રીતે સહ્ય નથી.

આમ સિનિયર્સ માટે વાતો તો મોટી મોટી થાય છે, તેમને ઘણી બધી રાહતો અપાયાનો રાજકીય દાવો છાશવારે થતો રહે છે, પણ સ્થિતિ જરા પણ સારી નથી. જે સિનિયર્સને પી.એફ. કે અન્ય ફંડનું વ્યાજ મેળવીને પાછલી જિંદગી જીવી જવાની આશા હતી એમને ઝેર ખાવા જેટલું પણ વ્યાજ ન મળે એટલા કંગાળ હાલના વ્યાજ દરો છે. વધારે વ્યાજ લેવા જતાં મોટે ભાગે છેતરાવાનું જ થાય છે. આમ સિનિયર્સને અડધો ટકો વધારે વ્યાજ અપાય છે ને બીજી બાજુએ ટી.ડી.એસ. એ વધારો કાતરી લે છે. સિનિયર્સ માટે જે ખાસ યોજનાઓ બહાર પડી છે એના વ્યાજ દરો પણ બદલાતા રહે છે ને એમાં બદલાવું એટલે ઘટાડો એટલો જ અર્થ હાલ બાકી બચ્યો છે. સાચું તો એ છે કે સિનિયર્સને લગતી બધી જ જાહેરાતોમાં દેખાડો અને વ્યાજમાં ઘટાડો એ જ નકરી વાસ્તવિક્તા છે.

સાંસદથી માંડીને તમામ નોકરિયાતોમાં પગાર વધે છે. ખાનગી ક્ષેત્રોમાં શોષણ હશે, પણ સરકારી અને બેંકિંગ કે વીમા ક્ષેત્રોમાં સેટલમેન્ટ પ્રમાણે પગાર વધે જ છે. સાંસદોનો પગાર વધારો તો સ્વૈચ્છિક અને મનસ્વી છે. પગાર વધારામાં હશે, પણ પેન્શનમાં કોઈ પ્રકારનું સેટલમેન્ટ નથી. બધે બેઝિક વધે છે, પણ પેન્શનમાં એ વધારો લાગુ પડતો નથી. કેમ? એટલા માટે કે પેન્શનરો નબળા, અશક્ત અને લાચાર છે? એ હડતાળ પાડે તો જ પેન્શન વધે? આમાં લાચારીનો લાભ ઉઠાવાય છે ને એ બધી રીતે શરમજનક છે. પેન્શનરોનાં યુનિયનો છે જ. તમામ પેન્શન યુનિયનોએ ભેગાં થઈને સંગઠિત અવાજ ઉઠાવીને સરકારના ટેવાયેલા બહેરા કાનો સુધી વાત પહોંચાડવી જોઈએ. કોઈ પણ સરકારમાં સમજદારી પાયામાંથી હોતી નથી. આ સ્થિતિ હોય ત્યારે યુનિયનોના હોદ્દેદારોએ આળસ ખંખેરીને, જાગતી સરકારની ઊંઘ ઉડાડવી જોઈએ. એમ થશે તો જ સિનિયર્સની સ્થિતિ સુધરશે ને તેઓ માનભેર જીવી અને ટકી શકશે.

મોટે ભાગની વૃદ્ધ આંખો આંસુ સારીને જ જિંદગી પૂરી કરતી હોય છે. એમને કુટુંબ, સમાજ, મિત્રો, સરકાર, સંસ્થાઓ પાંખમાં નહીં લે તો એ કેટલું ઊડવાના હતાં ! આમે ય તૂટેલી પાંખે આકાશે ઊડવાનું અઘરું છે. એવે વખતે સરકાર અને સમાજ, વૃદ્ધોને પાંખમાં લે એ જ એમના ટકવાનો એક માત્ર ઉપાય છે એવું નહીં?

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 નવેમ્બર 2020

Loading

ચીનને લાગે છે તેના દિગ્વિજયને કોઈ રોકે તેમ નથી, ભારત પાસે છે જવાબ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|5 November 2020

૨૦૧૦ની સાલ સુધીમાં ચીન અને ભારતનાં નામ સાથે લેવામાં આવતાં હતાં. આ બન્ને દેશોને એશિયન ટાઈગર્સ તરીકે ઓળખાવવામાં આવતા હતા. પરંતુ ૨૦૧૦ પછીથી ભારતની ગાડી પાટેથી ઊતરી ગઈ. એક કારણ હતું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન. ડરના માર્યા શાસકો અને અધિકારીઓ નિર્ણયો લેવાનું ટાળવા માંડ્યા હતા. ૨૦૧૦થી લઈને ૨૦૧૪ સુધીમાં ભારતમાં જાણે કે કોઈ સરકાર જ નહોતી. એમ કહી શકાય કે શાસનનો અક્ષરશ: શૂન્યાવકાશ હતો. એ તો તમે જાણો જ છો કે જે જે બાબતે ભ્રષ્ટાચાર થયો હોવાનું કહીને આંદોલન થયાં હતાં એ બાબતે કોઈ ભ્રષ્ટાચાર અદાલતોમાં સાબિત થયો જ નથી. એક પણ આરોપ સાચો સાબિત નથી થયો પછી તે સ્પેક્ટ્રમ હોય કે કોલસાની ખાણોની ફાળવણીનો મુદ્દો હોય. અત્યારે એમ લાગે છે કે એ કૉન્ગ્રેસને બદનામ કરવાનું કાવતરું હતું. આનું પરિણામ એ આવ્યું કે ભારતે ચાર વરસ વેડફી નાખ્યાં અને ચીનને મોકળું મેદાન મળી ગયું.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સ્થિર સરકાર આવી ત્યારે એમ લાગતું હતું કે હવે વેડફાયેલાં વર્ષોનું સાટું વાળવામાં આવશે, પરંતુ અનુભવ એનાથી જુદો થયો. ચીન અને ભારત વચ્ચેનું અંતર દૂર કરવાની વાત બાજુએ રહી, તેમણે નોટબંધીનું દુસાહસ કરીને અંતર ઊલટું વધાર્યું. આટલું ઓછું હતું એમ જટિલ જી.એસ.ટી. લાગુ કરીને ભારતના અર્થતંત્રની ગતિ હતી એ પણ તોડી નાખી. આ સિવાય અનુભવ એમ કહે છે કે બી.જે.પી.ની વર્તમાન હિંદુ રાષ્ટ્રવાદી સરકારને હિંદુ રાષ્ટ્રવાદ સિવાય બીજા કશામાં રસ નથી અને બીજી કશી આવડત પણ નથી. ૨૦૧૦ અને ૨૦૨૦. એક દશકને અંતે સ્થિતિ એવી છે કે ભારત હવે ચીનને નજીકના ભવિષ્યમાં આંબી શકે એમ નથી. ટૂંકમાં એશિયન ટાઈગર તરીકેની ભારતની સ્ટોરી નિષ્ફળ સ્ટોરી છે આને માટે ભારતના શાસકો જવાબદાર છે.

જગત આખાના વિકસિત દેશો મંદીના શિકાર છે અને વિકાસશીલ દેશોમાં જેના ઉપર આખા જગતની આશા હતી એ ભારત શિવધનુષ ઊંચકવામાં નિષ્ફળ નીવડ્યું છે. આની હવે અણધાર્યી પ્રતિક્રિયા પેદા થઈ છે. જગત આખાને એમ લાગવા માંડ્યું છે કે ચીનની સક્સેસ સ્ટોરી લોકતંત્રના અભાવની સ્ટોરી છે. હવે જગત આખામાં લોકશાહી દેશોમાં પ્રજાને એમ લાગવા માંડ્યું છે કે આપણે લોકતાંત્રિક રીતરસમોને કારણે ઝડપી નિર્ણયો લઈ શકાતા નથી અને આપણે પાછળ રહી ગયા છીએ અને ચીન આગળ નીકળી ગયું છે. જે ચીનની એક સમયે લોકતંત્રના અભાવ માટે નિંદા કરવામાં આવતી હતી એનું હવે અનુકરણ કરવામાં આવી રહ્યું છે.

ઓછું લોકતંત્ર ચાલશે, ઓછા નાગરિક અધિકારો ચાલશે, અંકુશિત-નિયંત્રિત સમાજ ચાલશે; પણ ઝડપી, આક્રમક અને હિંમતભર્યા નિર્ણયો જોઈએ. જુઓ આપણે મૂલ્યોનું જતન કરતા રહ્યા અને ચીન આગળ નીકળી ગયું. ભારતે હમણાં જમીનના અને મજદૂરીના કાયદામાં જે સુધારો કર્યો એ બીજું કાંઈ જ નથી પણ ચીનનું અનુસરણ છે. લોકતંત્ર જાળવી રાખીને વિકાસનું સક્સેસફૂલ મોડલ શક્ય છે અને ભારત એ જગતને આપી શકે એમ છે એવી ભારત પાસેથી જગતની અપેક્ષા હતી, પણ એની જગ્યાએ ભારત આજે કુંઠિત લોકતંત્રના ચીનના મોડેલને અપનાવે એ શરમની વાત છે. 

જો ભારતે અમૂલ્ય વર્ષો સંસદ નહીં ચાલવા દેવામાં, ભ્રષ્ટાચારના ખોટા ગોકીરામાં અને વિકાસની જગ્યાએ હિન્દુ રાષ્ટ્રવાદની પાછળ વર્ષો ન બગાડ્યાં હોત અને લોકતંત્ર અને લોકતાંત્રિક જીવનમૂલ્યો જાળવી રાખીને એક આદર્શ સક્સેસ સ્ટોરીનો જગતને પરિચય કરાવ્યો હોત તો મને એમ લાગે છે કે ભારતની પ્રતિષ્ઠા ક્યાં ય હોત. ભારતની પ્રતિષ્ઠા હતી જ. ભારત તરફ જગત આશાની નજરે જોતું પણ હતું, પરંતુ આપણે ઊણા ઉતર્યા. સત્તાંધ સંસદીય રાજકારણે ભારતને પરાજીત કર્યું. દેશ ભલે પાછળ રહી જાય પણ સત્તા બીજાને ન મળવી જોઈએ કે પછી કોઈ પ્રકારની સિદ્ધિનો જશ બીજા કોઈને ન જવો જોઈએ.

અર્થતંત્રની દોડમાં જપાન ક્યારનું ય પરાજીત થયું છે. ભારતે સામે ચાલીને આત્મઘાત કર્યો અને હવે અમેરિકા અને યુરોપના દેશો પણ પરાજીત થયા છે. ચીનની અત્યારની હરકતો જોતાં એમ લાગે છે કે ચીન મદમાં છે. ચીન ઉતાવળમાં છે. ચીનને અત્યારે એમ લાગવા માંડ્યું છે કે હવે ચીનના દિગ્વિજયને કોઈ રોકી શકે એમ નથી. ચીને એક સાથે અનેક મોરચા ખોલ્યા છે. ચીનની અંદર હોંગકોંગની પ્રજાને લોકતંત્રનું આપેલું વચન પણ ચીન તોડી રહ્યું છે. આમાં કોરોના વાઈરસનું રહસ્ય શંકા પેદા કરે એવું છે. વાઈરસ ચીનમાં પેદા થયો હતો અને જ્યાં વાઈરસ પેદા થયો એ દેશ અત્યારે લગભગ વાઈરસમુક્ત છે અને જગત આખાને પરેશાન કરી રહ્યો છે. ચીન એનો લાભ લઈ રહ્યું છે.

લાગ જોઇને ચીને લડાખમાં ભારતની ભૂમિમાં પ્રવેશ કર્યો છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 નવેમ્બર 2020

Loading

ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|5 November 2020

હૈયાને દરબાર

જૂની રંગભૂમિ એનાં ગીત-સંગીતને લીધે વધારે સમૃદ્ધ હતી. નાનપણમાં કેટલાંક હાસ્યાસ્પદ અને હાસ્યરસ પ્રધાન ગીતો સાંભળ્યાં હતાં પણ એ વખતે ખબર નહોતી કે આ ગીતો આપણી જૂની રંગભૂમિનાં ગીતો હતાં! આવાં ફારસ ગીતોમાં તરત યાદ આવે એવાં ગીતો એટલે, છગન મગન તારે છાપરે લગન, તમે જોજો ના વાયદા વિતાવજો પિયુ પહેલી પેસેન્જરમાં આવજો, સામી સડક પર બંગલો, ગુડબાય ગુડબાય ટાટા ટાટા તથા ઝટ જાઓ ચંદનહાર લાવો ઘુંઘટ નહીં ખોલું હું …!

ઝટ જાઓ ગીત પછીથી ‘અખંડ સૌભાગ્યવતી’ ફિલ્મમાં લેવાયું હતું. આજે ય ગીત-સંગીતની મહેફિલમાં હોટ ફેવરિટ છે. આપણા કવિઓએ ગુજરાતી નાટકો માટે હિન્દી ગીતો પણ લખ્યાં હતાં.

જૂની રંગભૂમિમાં ગીતો હોવાં જ જોઈએ એવો આગ્રહ માત્ર કવિ કે ગાયકનો જ નહીં દરેક નાટ્યકારનો રહેતો. તખ્તા પર પ્રસંગો આકાર પામે, વાતાવરણ સર્જાય અને કોઈક કટોકટી કાળે ગીત હાજર થતાં સંવાદો અટકે અને ઊર્મિ તંત્ર સાબદું થાય. શ્રોતાઓને તરબતર કરી દે એવું સંગીત પિરસાય અને તખ્તાનો માહોલ બદલાય. પ્રાચીન રંગભૂમિમાં મુખ્યત્વે હાર્મોનિયમ, તબલાં અને ક્યારેક પખાવજ અને પાવાનો ઉપયોગ થતો. આ વાદ્યો સાથે પાત્ર સ્ટેજ પર ગીત ગાય. કેટલીકવાર કથા કંઈક જુદી ચાલતી હોય અને લોકોના મનોરંજન માટે વચ્ચે કોઈ ગીત આવી જાય.

ત્યાર પછી જમાનો બદલાયો. ટેકનોલોજીના વ્યાપ સાથે નાટકનું સ્વરૂપ બદલાયું. પરંતુ, નવી રંગભૂમિમાંથી સંગીતનું મહત્ત્વ જરા ય ઓછું થયું નથી. આધુનિક રંગભૂમિમાં કેટલા ય ઉત્તમ સંગીતકારોએ સંગીત આપ્યું છે.

જો કે, આ વાતને ય વર્ષોનાં વહાણાં વાયાં. નાટકમાં હવે તો ગીત-સંગીતની આખી સ્ટાઈલ જ બદલાઈ ગઈ છે. નવી રંગભૂમિમાં છેલ્લે સાંભળેલાં ઉત્તમ નાટ્યગીતોમાં ‘અમે બરફનાં પંખી’, ‘સંતુ રંગીલી’, ‘ખેલૈયા’, ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’, ‘અમસ્તા અમસ્તા’, ‘તાથૈયા’, ‘માસ્ટર ફૂલમણિ’, ‘કલાપી’, ‘અખો આખાબોલો’, ‘મીરાં સામે પાર’, ‘મારો પિયુ ગયો રંગૂન’ જેવાં નાટકનાં ગીતો અચૂક યાદ આવે. ‘અમસ્તા અમસ્તા’ નાટક દ્વારા આપણા સચિન-જિગર જોડીમાંના એક સચીન સંઘવી લાઈમ લાઈટમાં આવ્યા હતા.

પરંતુ એ પછી દોર આવ્યો ગુજરાતી નાટકોમાં ફિલ્મી ગીતો ઘુસાડવાનો. દરેક નાટકમાં ફિલ્મી ગીતોની મેડલી અથવા ફિલ્મી ડાન્સ હોય જ. શું ગુજરાતી પ્રેક્ષકોને બધે જ ફિલ્મી ગીતોના વઘારનો છંટકાવ જોઈએ છે? કે નિર્માતાઓ ધારી લે છે કે ફિલ્મ સંગીત વિના ગુજરાતી નાટકો ના ચાલે? તો પછી ઉપર દર્શાવ્યાં એ તમામ નાટકોનાં ગુજરાતી ગીત લોકહૈયે કેવી રીતે વસ્યાં?

અલબત્ત, તાજેતરમા લંડનની ‘શિવમ’ નાટ્યસંસ્થા દ્વારા રજૂ થયેલાં બે રમૂજી નાટક ‘મારી હનીને ભાવે મની’ તેમ જ ’પપ્પા પરણ્યા ત્રીજી વાર’ વીડિયો પર ઓનલાઈન જોયાં. ઓન ડિમાન્ડ આ નાટકો જોઈ શકાય છે. સોશિયલ કોમેડીથી સામાન્ય રીતે હું દૂર રહું છું. પરંતુ, આ બન્ને નાટકોમાં ભદ્દી કોમેડીને બદલે સામાજિક સંદેશ સાથે હળવી રમૂજ હતી. એ ય પાછી લંડનવાસીઓની ટિપિકલ ગુજરાતીમાં. છોગામાં ગીતો ય ખરાં. જૂની રંગભૂમિનાં ગીતોના ઢાળ ઉપર નવા શબ્દો. ઝટ જાઓ ચંદનહાર પ્રકારનું ગીત; ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે, જીવનમાં ભંગ પડ્યો રે મારા ભૈ કે આજ મારી પૂરી ફજેતી થઈ, હું તો લકી ડીપ ભરી ભરી થાકી કાનુડા તારા મનમાં નથી, આ મારી વાઈફ અને આ મારી લાઈફ …જેવાં ગીતો જૂની રંગભૂમિની યાદ અપાવતાં હતાં.

આ વિશે આ નાટકોના નિર્માતા, દિગ્દર્શક, લેખક કિરણ પુરોહિત કહે છે, "લગભગ ત્રીસેક વર્ષથી હું લંડનમાં નાટ્યપ્રવૃત્તિ કરી રહ્યો છું. ૧૯૮૫માં લંડન આવ્યો ત્યારે શરૂઆતમાં ભારતીય વિદ્યાભવન સાથે નાટ્યપ્રવૃત્તિ કરતો હતો. ફૂલ ટાઈમ ડ્રામા ડિરેક્ટર તરીકે જોડાયો હતો. ત્યારબાદ મારી સર્જનાત્મકતા વિકસાવવા ૧૯૯૩માં મેં મારા દીકરાના નામ પરથી ‘શિવમ થિયેટર્સ’ શરૂ કર્યું. એ સાઉથ એશિયન થિયેટર કંપની છે. સૌથી પહેલું નાટક મૂળરાજ રાજડાની સ્ક્રિપ્ટ પરથી ‘ચકડોળ’ કર્યું જેનું નામ અમે ‘એક ભૂલ ડબ્બાડૂલ’ રાખ્યું હતું. ખૂબ વખણાયું. એ પછી મેં પોતે જ લંડનની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને નાટકો લખવાનાં શરૂ કર્યાં. લંડનની અંડરગ્રાઉન્ડ ટ્યુબ રેલવે લાઈનનો નકશો જેમને ખબર હશે તેઓ સમજી શકશે કે કેટલી બધી લાઈનોનાં ક્રોસ કનેક્શન હોય છે. દરેક પાટા એકબીજાને અડકીને છૂટા પડી જાય. જોબ માટે ટ્રેનમાં જતો ત્યારે મેં આ નોંધ્યું અને વિચાર્યું કે માનવસંબંધો પણ આવા અટપટા અને ટચ એન્ડ ગો જેવા જ હોય છે. એક જ છત નીચે રહે છતાં સૌ એકબીજાથી અલગ. આત્મા અને ફેમિલી બોન્ડિંગ વગરનું ઘર. એ થીમ પરથી ’પપ્પા પરણ્યા ત્રીજી વાર’ નાટક લખ્યું. એક છત નીચે રહેતો પરિવાર એકબીજાથી સાવ દૂર છે પરંતુ ઘરમાં બનતી એક દુ:ખદ ઘટના એમને નજીક લાવે છે એ નાટકનો મુખ્ય સૂર હતો. આ નાટક અત્યંત સફળ નિવડ્યું. એને ઇંગ્લેન્ડ આર્ટ કાઉન્સિલની ગ્રાન્ટ પણ મળી. ગુજરાતી નાટક માટે આ બહુ મોટી ઘટના કહેવાય.

“ત્યારપછી લગભગ દર વર્ષે હું એકાદ-બે નવાં નાટકો કરતો. અમારાં ગુજરાતી નાટકો ઘણીવાર અંગ્રેજો પણ જોવા આવે છે. અંગ્રેજો નાટકના ખૂબ શોખીન છે. લંડનનાં નાટ્યગૃહો છ મહિના પહેલાં હાઉસફૂલ થઈ જાય છે. એમને ઘણીવાર ગુજરાતી નાટકોમાં ય રસ પડે છે. તેથી આખા ગુજરાતી નાટકને અમે એવા શોમાં ગુજલિશ બનાવી દઈએ છીએ. જાણીને આશ્ચર્ય થશે પરંતુ ગયા વર્ષે રજૂ થયેલા ‘મારી હનીને ભાવે મની’ નાટકને પણ ‘આર્ટ્સ કાઉન્સિલ ઑફ ઇંગ્લેન્ડ’ તરફથી એવોર્ડ મળ્યો છે. અત્યાર સુધીમાં ૮૦ શો કર્યા પરંતુ લોકડાઉનમાં થિયેટર્સ બંધ હોવાથી થોડા સમય પૂરતાં સ્થગિત છે. આ નાટકમાં આશિત દેસાઈએ સંગીત આપ્યું છે. આ નાટકની થીમ લોટરીમાં રાતોરાત કમાઈને પૈસાદાર થઈ જવાની વૃત્તિ વિશે છે. અવનવી ઘટનાઓ બાદ લોભી પરિવારને ખાતરી થાય છે કે ‘મની કાન્ટ બાય હેપીનેસ’. એટલું જ નહીં, ભગવાને તમને જે કલા-કારીગરી આપી છે એના પર જ ફોકસ કરવું. પૈસા રળવા બીજે ફાંફાં ન મારવાં એ પણ આ નાટકનો સંદેશ છે. આર્ટ કાઉન્સિલે આ નાટકને આખા યુ.કે.ની ટૂર કરવા માટે ફંડ પણ આપ્યું છે એ અમારે માટે ગર્વની વાત છે. ‘શિવમ થિયેટર’ અત્યારે આખા યુ.કે.નું એક માત્ર સ્વતંત્ર અને સ્વનિર્ભર પ્રોડક્શન હાઉસ છે.”

નાટકનાં ગીતો લખનાર અને પોતે જ ગાનાર કિરણ પુરોહિત ગીતોનાં સંદર્ભમાં કહે છે કે, "મ્યુઝિકલ પ્લે હંમેશાં દર્શકોનું મનોરંજન કરે છે. એમાં ય હું લંડનના ગુજરાતીઓની માનસિકતાને આધારે, અહીં બોલાતી ગુજરાતી ભાષા પ્રમાણે હાસ્ય નિષ્પન્ન થાય એવાં જ ગીતો લખું છું. આ ગીતોમાં ક્યાં ય બેઢંગ કે અશોભનીય ભાષા નથી હોતી. નાટકની કથા પ્રમાણે શુદ્ધ મનોરંજન આપવાનો જ હેતુ છે. લેસ્ટરના ચંદુભાઈ મટ્ટાણીએ આશિત દેસાઈનું નામ સૂચવ્યું હતું. એમણે નાટકને અનુરૂપ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતોનું ડબિંગ કરી આપ્યું હતું.’

સંબંધોની નોકઝોંક દર્શાવતાં ગીતો તથા લંડનના ગુજરાતીઓની ભાષા સાંભળવી એ આ નાટકોનો લહાવો છે. જૂની રંગભૂમિને ૨૧મી સદીના સંવાદો સાથે સજીવન કરી હસતાં હસાવતાં જીવનના સાચાં મૂલ્યો આ નાટકો સમજાવે છે. દરેક શહેરની, એના વિસ્તારોની અમુક ખૂબીઓ હોય છે. મુંબઈનાં નાટકોમાં જેમ મરીન ડ્રાઈવ, કાંદિવલી-બોરીવલી કે બાન્દ્રાની વાત સાહજિક રીતે વણાઈ જાય એમ આ નાટકોમાં વેમ્બલીનાં ખાખરા-થેપલાં, વોટફર્ડના હાઈ ફંડાની વાત પણ આવે. પિકાડેલી સર્કસના ઓટલે પાનનો ગલ્લો ખોલવાનું તો એક ગુજરાતી જ વિચારી શકે. વાત મૂળ એ છે ભાંગવાડી બંધ થઈ, જૂની રંગભૂમિ ગઈ પણ એનાં ગીતો વિદેશમાં ય હજુ ગાજે છે. સંગીતની આ જ તો કમાલ છે!

—

ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે
મને લેવો છે જેકપોટનો લહાવો
રસોડે નહીં રાંધું રે

ન મળે ફ્રીઝરમાં ફ્રોઝન ફૂડ ને
નહીં મળે દાળ-ભાત
જેકપોટ જો નહીં લાગશે,
તો વારે વારે હું પાડીશ હડતાલ રે,
રસોડે નહીં રાંધું રે …

આ..હા.. નાણાંનાં નખરાં બધાં ને
નાણાંના સૌ નાદ
સમજીને માગવાનું તું નહીં મૂકે,
મને મુકાવીશ લંડન શહેર રે …
અરે, હેરોડ્ઝમાં શોપિંગ કરીશ
અને કરીશ લંડનમાં લહેર, સમજ્યાને!
લોટરી લાગી તો હું બદલીશ તમારી ચાલ રે ..
ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે!

•   ગીતકાર : કિરણ પુરોહિત     •   સંગીત : આશિત દેસાઈ     •   ગાયકો : કિરણ પુરોહિત અને રમીલા હાલાઈ

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 નવેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=658907  

Loading

...102030...2,2102,2112,2122,213...2,2202,2302,240...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved