Opinion Magazine
Number of visits: 10,226,255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિષ્ઠા અને પ્રામાણિકતાનું પ્રતીક એટલે ઇન્દુભાઈ

મનીષી જાની|Profile|2 July 2021

મને યાદ આવે છે ૧૯૭૫નો એ દિવસ. તારીખ-મહિનો સ્મૃતિમાં નથી. પણ વડોદરામાં સાવ છેવાડાના લોકો માટે કંઈક કરી છૂટવા માટેની મથામણ માટેનું સંમેલન. ખાસ કરીને, ખેતમજૂરોના લઘુતમ વેતનને લઈ ઘણી-બધી ચર્ચાઓ થઈ. આ સંમેલન યોજનારા હતા જૂના સમાજવાદીઓ અને ગરીબો-વંચિતો વચ્ચે કામ કરનારી સંસ્થાઓના અગ્રણીઓ. સંમેલન રંગપુર આશ્રમના હરિવલ્લભભાઈ પરીખ અને ઝીણાભાઈ દરજીની આગેવાનીમાં મળી રહ્યું હતું. ત્યાં સનતભાઈ, અરુણાબહેન મહેતા, માધવસિંહભાઈ સોલંકી, અમરસિંહ ચૌધરી, સત્યમ્‌ પટેલ ઉપસ્થિત હતા. આ સંમેલનમાં ખેતમજૂરોના લઘુતમ વેતનને લઈ એક વિશાળ રેલી કાઢવાનું નક્કી થયું અને ‘ગુજરાત ખેત-મજદૂર વિકાસ પરિષદ’ એવું સંગઠન ઊભું કરવાની વાત થઈ.

ઇન્દુભાઈને યાદ કરતાં આ ઘટના એટલા માટે યાદ આવી કે, એ જ વર્ષે; પછી ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ સંસ્થાનો પાયો નંખાયો અને એ સંસ્થામાં પછીથી ઇન્દુભાઈ જોડાયા. ‘નયામાર્ગ’ આમ તો વર્ષો પૂર્વે ‘સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિ’નું મુખપત્ર હતું, પણ બંધ પડતાં સનતભાઈએ ચલાવ્યું. અને ૧૯૮૧થી ‘નયામાર્ગ’, ઇન્દુભાઈના વડપણ હેઠળ ચાલવા માંડ્યું અને ગુજરાતનું એક નોંધપાત્ર સામયિક બની રહ્યું.

૧૯૭૫ના એ વડોદરા સંમેલનમાં હાજર રહેનારામાંથી માધવસિંહજી અને અમરસિંહ ચૌધરી તો તે પછીના દસકામાં તાકતવર નેતાઓ બન્યા ને ગુજરાતના મુખ્ય મંત્રી પણ બન્યા. સનતભાઈ ગુજરાતના નાણાં પ્રધાન બન્યા. ઝીણાભાઈ દરજી ગુજરાતના ‘વીસ મુદ્દા કાર્યક્રમ અમલીકરણ સમિતિ’ના અધ્યક્ષ બન્યા, જે પદ પણ કેબિનટ પ્રધાન કક્ષાનું હતું. આવા સશક્ત નેતાઓના પીઠબળ સાથેની, સત્તાની નજીકની સંસ્થાના આગેવાન તરીકે ઇન્દુભાઈએ સતત ચાર દાયકા લગી કામ કર્યું. પણ સત્તા, સંપત્તિ ને હોદ્દાની ઝાકઝમાળ વચ્ચે તેઓ જળકમળવત્ રહ્યા.

ઇતિહાસ એવું કહે છે અને આપણે સૌએ અનુભવ્યું છે કે, સત્તાધારી પક્ષ સાથે જોડાયેલી સંસ્થા કે આગેવાનો ક્યાંક ને ક્યાંક પોતાના ધ્યેયથી ચલિત થઈ જતાં હોય છે તેમ જ સગવડ, સુવિધાઓ અને ભંડોળને લઈ તેમની જીવનશૈલી અને જીવનમૂલ્યો પણ બદલાતાં જોવા મળે છે. પરંતુ, ઇન્દુભાઈ આ ચાર દાયકા આપણી સાથે જીવ્યા છે, હાથમાં પ્રતિબદ્ધ કલમ ને વિવિધ પ્રવૃત્તિઓમાં આપણી સાથે ચાલ્યા છે. તેમના જીવનના અંત સુધી આપણે તેમના વ્યક્તિત્વથી નજદીકી અનુભવી છે. તેમની પાસે ન હતી ભારે સંપત્તિ કે મકાનો કે જમીનો. ખરેખર તો સત્તાધારી પક્ષના નેતાઓ સાથે જોડાયેલી સંસ્થાને કારણે તેમને આ બંને બાજુએથી સતત પીડા-યાતના જ સહન કરવાની આવી.

વંચિતો-શોષિતોની તરફદારીને લઈ, સરકાર સાથે જોડાયેલાં સ્થાપિત હિતોની સામે પડે અને બીજી બાજુથી જ્યારે વંચિતો-શોષિતોના કોઈ મુદ્દે ધાર્યું પરિણામ ન આવે તો ‘તમે તો કૉંગ્રેસી, સરકાર સાથે મેળાપીપણામાં ચાલનારા …. પછી ન્યાય ક્યાંથી અપાવવાના!’ – એવી ગાળો પણ ખાવી પડે, એવું પણ જોયું છે. ૧૯૮૩માં તો ખુદ ઝીણાભાઈને મુખ્ય મંત્રી માધવસિંહજી સામે, ‘તમે મૂડીવાદીઓ માટે કામ કરો છો’ એમ કહીને જાહેરમાં બગાવત કરવી પડેલી.

એ અરસામાં જ શેરડી કામદારો જે મોટેભાગે સ્થળાંતરિત મજૂરો જ હતા, તેમની બદતર હાલત વિશે ‘નયામાર્ગ’માં ઇન્દુભાઈએ લેખ પ્રગટ કર્યો હતો. એ લેખ અને જૉન બ્રેમાનના અભ્યાસકાર્યને લઈને ‘લોક અધિકાર સંઘ’ દ્વારા ગિરીશભાઈ પટેલની આગેવાની હેઠળ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. લઘુતમ વેતન માટેની માગણી સાથેનો આ કેસ ઘણો લાંબો ચાલ્યો. દક્ષિણ ગુજરાતના સમૃદ્ધ ખેડૂતો દ્વારા ચાલતી શેરડી ઉત્પાદન સહકારી મંડળીઓએ સંગઠિત થઈ, સરકારી તંત્રોને સાધી, આ શેરડી કામદારોનાં શોષણના ચરખા ચાલુ રાખવા તમામ પ્રકારના ખેલ પાડેલા. અમે જ્યારે શેરડી કામદારોના ઇન્ટરવ્યૂ રૅકોર્ડ કરી હાઈકોર્ટમાં મૂકવા માટે કામ કરતા ત્યારે કામદારોને મોટા ખેડૂતોનો ખૂબ ડર લાગતો. ક્યાંક હાટમાં કે દૂર લઈ જઈ તેમની સાથે વાત કરવી પડતી. ઝીણાભાઈ જે સહકારી મંડળીઓ સાથે જોડાયા હોય, એની સામે જ ઇન્દુભાઈ, એ જુલમી શોષણ સામે લેખ છાપે એ એક મોટી વિરલ ઘટના અમને તે સમયે લાગી હતી.

ઇન્દુભાઈનો પરિચય આમ તો ૧૯૮૧માં જ, અનામત સામે થયેલાં તોફાનો વખતે વધુ થયેલો. આમ તો સરકાર ચલાવનારા વંચિતો, તક-વંચિતો ને શોષિતોના મતોથી જ ચૂંટાયેલા હતા. છતાં ય અનામત વિરોધીઓ આગળ ઝૂકી રહ્યા હતા. અનામતના સમર્થકોમાં દલિતો તો હોય જ. દલિત પૅંથર સક્રિય હતું. નાગરિક અધિકારો ને લોકશાહી અધિકારો માટે લડનારા અમારા જેવા કાર્યકરો હતા અને ત્રીજા, કેટલાક ગાંધીપંથના અનુયાયીઓ ને આદિવાસીઓની વચ્ચે ધૂણી ધખાવીને બેઠેલા કર્મશીલો. દલિત પૅંથરના આગેવાનો સાથે તો અમે ૧૯૭૮થી સાથે કામ કરતા હતા ને તેમાં ગાંધીમાર્ગે ચાલનારા ભાનુભાઈ અધ્વર્યુ, ઝીણાભાઈ અને ઇન્દુભાઈની મહત્ત્વની કામગીરીનો ટેકો, ખૂબ જ લઘુમતીમાં હતા એવા અનામત સમર્થકો માટે મૂલ્યવાન બની રહ્યો.

સ્થાનિક છાપાંઓ અનામતના વિરોધીઓની સાથે રહી દલિતો સામે ઝેર ઓકતા જુઠ્ઠા સમાચારો છાપતાં હતાં. દાખલા તરીકે : ‘ગીતામંદિર પર દલિતોનાં ટોળાઓનો હુમલો’. અનામતની તરફેણમાં કામ કરવું કપરું હતું. દલિતોનાં ઘર, ચાલીઓ, ગલ્લાં-રેંકડીઓ ભડકે બળાતાં હતાં, તેવા સમયે ‘નયામાર્ગ’ સામયિકની ભૂમિકા ખૂબ નોંધપાત્ર બની. અનામત વ્યવસ્થાની માહિતી આપતી પુસ્તિકાઓ તેના ઉપક્રમે ઇન્દુભાઈએ પ્રગટ કરાવી અને દલિત-આદિવાસીઓની શિક્ષિત-નોકરિયાત પહેલી પેઢીની અભિવ્યક્તિને ‘નયામાર્ગ’નાં પાનાઓ પર સ્થાન આપવાનું કામ ઇન્દુભાઈએ કર્યું. અને એ પરંપરા ‘નયામાર્ગ’ ચાલ્યું ત્યાં લગી ચાલુ રહી. ઇન્દુભાઈ માત્ર શબ્દોમાં પ્રોત્સાહન આપનારા કે કોરી ચર્ચા કરનારા ન હતા. એ નક્કર કાર્ય કરનારા હતા.

રામજીભાઈ પટેલની આગેવાનીમાં અમે જોડણી સુધારણા આંદોલન પાંચેક વર્ષ ચલાવ્યું. ખાસ કરીને, સંસ્કૃત પર આધારિત આપણી ગુજરાતી ભાષાની જોડણીને લઈ જે નિયમો છે તેમાં, નિયમો કરતાં વિકલ્પ વધારે છે. ખાસ કરીને, હ્રસ્વ-દીર્ઘ-ઇ-ઈ, ઉ-ઊને લઈ. બાળકો જ્યારે ભાષા શીખવાનું શરૂ કરે ત્યાં જ હ્રસ્વ-દીર્ઘ, ઇ-ઈ, ઉ-ઊની ગૂંચવણમાં; ભાષા કેળવણીનો એકડો મંડાય એ પૂર્વે જ તેની મુક્ત અભિવ્યક્તિ રૂંધાય. શિક્ષકો શુદ્ધ-અશુદ્ધ જોડણીના ચક્કરમાં જ લાલ લીટાઓથી તેના ભાષા-રસને છીનવી લે. વળી, આ જોડણીનાં હ્રસ્વ-દીર્ઘને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી; એવા અભ્યાસ પરથી અમે સૌ ગુજરાતી જોડણી સુધારણાની ઝુંબેશમાં સતત મંડ્યા રહ્યા.

ઉંઝામાં ગુજરાતભરના ભાષાશાસ્ત્રીઓ, શિક્ષકો, લેખકો ને ભાષાપ્રેમીઓનું વિશાળ સંમેલન યોજાયું. જ્યાં અગ્રણીઓમાં ઇન્દુભાઈ પણ હાજર હતા. ઠરાવો મંજૂર થયા બાદ સૌથી પહેલાં ઇન્દુભાઈએ જ “હવે ઉંઝા સંમેલનમાં નક્કી થયા મુજબની જોડણીમાં જ ‘નયામાર્ગ’ છપાશે એવી જાહેરાત કરી. એ પછી અન્ય સામયિકો પણ ઉત્સાહભેર તેમાં જોડાયાં. અને એ સંકલ્પ એમણે આજીવન નિભાવ્યો. શરૂઆતમાં એમને આ સંકલ્પ પાર પાડવામાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી. સૌથી પહેલાં તો પ્રિન્ટિંગ પ્રેસમાં જ. લેખકો તો કહેવાતી અન્ય જોડણીમાં જ લેખો લખીને મોકલે. કંપોઝ કરનારા તે પ્રમાણે જ કામ કરવા ટેવાયેલા. દરેક લેખનું એક ઈ-ઉ પ્રમાણે પ્રૂફ સુધારવાનું ભારે શ્રમભર્યું કામ તો ઇન્દુભાઈના માથે જ આવ્યું!

તેમણે મને ઘણી વાર હસતાં-હસતાં કહેલું કે ‘ફલાણા લેખક ઉંઝા જોડણીથી નારાજ થઈ હવે ‘નયામાર્ગ’માં લખવાની ના પાડે છે …’ પછી ક્યારેક એમ પણ કહે કે, “હવે એ જ લેખક ‘નયામાર્ગ’ને ઉંઝા જોડણીમાં વાંચતાં-વાંચતાં ટેવાઈ ગયા છે, અને હવે ચૂપચાપ પોતાના લેખ ‘નયામાર્ગ’માં પ્રગટ કરવા મોકલી આપે છે.

આ જોડણી સુધારણા આંદોલનને વેગ આપવા અમે ‘ભાષા વિચાર’ નામનું મુખપત્ર શરૂ કર્યું હતું. જેમાં કિરણ ત્રિવેદી અને હું સંપાદક હતા. એકાદ વર્ષ પછી એ મુખપત્ર છપાવવા અને પોસ્ટ કરવા માટેના ખર્ચા પોસાઈ શકે એવા ન રહ્યા ત્યારે મને યાદ છે કે, અમારી એક મિટિંગમાં એમણે તરત જણાવી દીધું કે, ‘નયામાર્ગ’માં આઠ પાનાં હું ભાષાવિચાર માટે આપું છું.’ અને એના પ્રિન્ટિંગનો તમામ ખર્ચ ઉપાડી એમણે પૂરી સ્વતંત્રતા સાથે અમને કામ કરવાની તક આપી. ‘નયામાર્ગ’ના તંત્રી તરીકે એમણે તેમાં છપાતાં ‘ભાષા વિચાર’નાં આઠ પાનાં માટે ક્યારે ય તેમાં શું છાપવાના છો, શું છપાવું જોઈએ એવાં સૂચન પણ નથી કર્યાં. કોઈ પણ પ્રકારની દખલગીરી નહીં કરનારા એવા એમના વર્તનથી મને ઇન્દુભાઈ માટે હંમેશાં અનહદ માન રહેતું. એ જ રીતે અમારી રેશનાલિસ્ટ પ્રવૃત્તિમાં પણ ખૂબ જ સક્રિય. પ્રવૃત્તિ લેખો તો ‘નયામાર્ગ’માં છપાય જ પણ ચર્ચા સભા-સંમેલન એ બધાં માટે ખેતભવનનો હૉલ અમારા માટે કાયમ ખુલ્લો રહેતો.

કોરોના કાળ પૂર્વે છેલ્લું રૂબરૂમાં મળવાનું થયું રેશનાલિસ્ટ ડૉ. સુજાત વલીને જાનથી મારી નાંખવાની ધમકી મળી તે સમયે. ડૉ. વલીના એક લખાણને લઈ કેટલાક રૂઢિચુસ્ત કટ્ટરવાદી ધાર્મિકોએ તેમની વિરુદ્ધ ગોધરામાં સરઘસ કાઢ્યું હતું, તેમને કસ્ટડીમાં પૂરી દેવડાવી પોલીસ કેસ પણ કરાવ્યો. અને પછીથી ‘ઇન્ટેલિજન્સ’નો એવો એક રિપોર્ટ પણ આવ્યો કે, તેમની હત્યાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. અગમચેતીમાં શું થઈ શકે એ માટે એક તાત્કાલિક મિટિંગ અમદાવાદમાં યોજાઈ, જેમાં અગ્રણી રેશનાલિસ્ટ સાથીઓ ભેગા થયા હતા. તેમાં ઇન્દુભાઈની સાથે છેલ્લી રૂબરૂ વાત થઈ એવું સ્મરણમાં આવે છે.

તેઓ નિર્ણય લેવામાં, નિશ્ચિત કાર્યના અમલીકરણમાં એકદમ દૃઢ હતા, પણ એવા જ હૃદયથી ઋજુ. મને એક ઘટના કાયમ યાદ રહી ગઈ છે …. ઘણાં વર્ષો પૂર્વે એક વાર અમે અમદાવાદના પંચવટી ચાર રસ્તા પાસે આકસ્મિક ભેગા થઈ ગયા. એ વખતે ઇન્દુભાઈ સ્કૂટર પર હતા, ઘર તરફ જઈ રહ્યા હતા. થોડીક વાતો પછી એકાએક મને કહેવા માંડ્યા, ‘આ શ્રેયસ સ્કૂલવાળા પણ કમાલ છે …! મારા દીકરા અનુજ માટે કહે છે, તમે એને અમારે ત્યાંથી ઉઠાવી લો … એ ભણવામાં બરાબર નથી …!’

મને પણ નવાઈ લાગી કે, શ્રેયસ સ્કૂલવાળા ‘ભણવામાં યોગ્ય નથી’ એવી વાતે બાળકને શાળામાંથી ઉઠાડી લેવાનું કહે છે …! ગળગળા થઈ ગયેલા ઇન્દુભાઈએ આગળ કહેવા માંડ્યું … ‘આ તે કેવા સ્કૂલવાળા! હવે હું એને ક્યાં મૂકું?’ એમ કહેતાં-કહેતાં એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. રસ્તાની વચ્ચે એક વડીલમિત્રનું આમ રડવું મારા માટે દિલાસો આપવા ય મૂંઝવણભર્યું હતું. એમના જીવનના આદર્શ, માત્ર ઘરબહારની જિંદગી માટે ન હતા. મને આ ઘટનાનું સ્મરણ કરતાં હંમેશાં અનુજનો ઉછેર અને એમના આદર્શ યાદ આવી જ જાય છે. વળી, કાયમ એમને ઇસ્ત્રીવાળાં સુઘડ કપડાં, ક્લિન શૅવ અને વ્યવસ્થિત વાળ સાથે જોઉં ત્યારે મને એમના પિતાજી અમૃતભાઈ જાની પણ યાદ આવી જ જાય. હું ઘણી વાર ઇન્દુભાઈને કહું કે, ‘તમારા કરતાં તમારા પિતાજી મારા પહેલા મિત્ર!’

અમૃતભાઈ નાટકના એક ઉત્તમ કલાકાર, રાજકોટ આકાશવાણી પર એમનો અવાજ ગુંજતો. અમદાવાદમાં દીકરાઓ સાથે રહે. જશવંત ઠાકર દિગ્દર્શિત હીન્કમેનમાં તેમણે યાદગાર અભિનય કર્યો હતો. એ પણ એકદમ વ્યવસ્થિત રહે. અમદાવાદમાં નિવાસ દરમિયાન સાંજ પડે ફરવા નીકળે. ક્યારેક મારા ઘરે આવી પહોંચે. એકદમ ક્લિન શૅવ. વ્યવસ્થિત વાળ ઓળેલા હોય. સરસ ઈનશર્ટ કરેલું શર્ટ-પેન્ટ, સૌમ્ય ચહેરો. ક્યારેક જૂની રંગભૂમિનાં સંવાદો-શાયરી સંભળાવે. ઇન્દુભાઈને જોઉં-સાંભળું ત્યારે મને એમનામાં અમૃતભાઈનાં દર્શન થાય … એ જ સૌમ્ય ચહેરો, વિસ્મિત આંખો અને નિર્દોષ સ્મિત. મને કાયમ થતું રહ્યું છે કે, આવું નિર્દોષ સ્મિત …  પ્રામાણિકતા અને નિષ્ઠાને જ વ્યક્ત કરવાનું હોઈ શકે.

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”; ‘ઇન્દુભાઈ જાની સ્મૃતિ – વિશેષાંક’; 16 જૂન 2021; પૃ. 16-17

https://bhoomiputra1953.wordpress.com/2021/06/22/ભૂમિપુત્ર-૧૬-જૂન-૨૦૨૧ઇન્/   

Loading

ભારતીય સમાજ એકબીજાના ધર્મનો આદર કરે છે, સંઘ-ભાજપે આ સમજવું પડશે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 July 2021

શિવુભાઈ પુંજાણી નામના બાંસુરીવાદક આઝાદી પહેલાં કરાંચી સિંધમાં ચા-નાસ્તાની દુકાન ચલાવતા હતા અને વચ્ચે સમય મળે ત્યારે બાંસુરી શીખતા હતા. જાણીતા ફિલ્મઅભિનેતા એ.કે. હંગલ તેમના ગુરુભાઈ હતા. ૧૯૯૭માં ભારતને આઝાદી મળી ત્યારે શિવુભાઈએ મારી સાથે ભારતના વિભાજનનાં કારણોની ચર્ચા કરતા કહ્યું હતું કે અમારી હોટલમાં મુસલમાનો માટે કપ-રકાબી અલગ રાખવામાં આવતા હતા. સાર્વજનિક સ્થળે અને રેલવે સ્ટેશનોમાં હિંદુઓ અને મુસલમાનો માટે પાણી પીવાનાં મટકા અલગ રાખવામાં આવતા હતા. જ્યાં આવો ઉઘાડો ભેદભાવ હોય ત્યાં વિભાજન ન થાય તો બીજું શું થાય?

શિવુભાઈ પુંજાણીને વિભાજન અનિવાર્ય અને સ્વાભાવિક લાગ્યું હતું તો તેમના ગુરુભાઈ એ.કે. હંગલને વિભાજન નિવારી શકાય એવું અસ્વાભાવિક લાગ્યું હતું. એ સમયે તેમની સાથે પણ મેં વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સપાટી ઉપર વિવિધતા હતી પણ સપાટી નીચે એકતા હતી. સમાજની જે તે કોમે વિવિધતાજન્ય ભેદ (ભેદભાવ નહીં, ભેદ) સ્વાભાવિક સ્વરૂપમાં સ્વીકારી લીધા હતા. હિંદુની કન્યા હિન્દુમાં પરણે, જ્ઞાતિની કન્યા જ્ઞાતિમાં પરણે, મુસ્લિમની કન્યા મુસ્લિમમાં પરણે, શહેર કે ગામમાં દરેક સમાજના પોતાના રહેણાકના મોહલ્લા હોય, દરેકના ભોજન અલગ બનતા હોય અને અલગ બેસીને જમતા હોય, મુસ્લિમ મુસ્લિમના ગોળામાંથી લઈને પાણી પીતા હોય, હિંદુ હિન્દુના ગોળામાંથી પાણી પીતા હોય એમાં કોઈને કશું જ અજુગતું નહોતું લાગતું. બધું જ સ્વાભાવિક હતું. બધા ભેગા મળીને અલગ અલગ જિંદગી જીવતા હતા અથવા એમ કહો કે બધા પોતપોતાની અલગ જિંદગી સાથે મળીને જીવતા હતા. એમાં કોઈને કોઈ પ્રકારની ફરિયાદ નહોતી. દરેકે ભારતના સામાજિક-ધાર્મિક ભેદના સામજિક વાસ્તવને સ્વાભાવિકપણે સ્વીકારી લીધું હતું. એમાં અજુગતાપણું તો તેમને ત્યારે લાગતું હતું જ્યારે તમે ભેદ હોવાના ભાવ(ભેદભાવ)ની પ્રતીતિ કરાવો.

એક જ ગુરુના બે ચેલા, બન્ને ભારતનું વિભાજન થયું ત્યારે કરાંચીમાં હતા પણ બન્નેનું સમાજ-દર્શન અલગ અલગ હતું. એકને વિભાજન સ્વાભાવિક અને અનિવાર્ય લાગતું હતું અને બીજાને અસ્વાભાવિક અને નિવાર્ય લાગતું હતું.

આવો અનુભવ બસો વરસ પહેલાં અંગ્રેજોને પણ થયો હતો. દેશ ઉપર તેમણે કબજો તો કર્યો, પણ તેમને ભારતીય પ્રજાની સામાજિક વ્યવસ્થા સમજાતી નહોતી. પ્રજા વચ્ચે આટલા બધા ભેદ છે તો સાથે કઈ રીતે રહે છે અને જો સાથે રહી શકે છે તો આટલા બધા ભેદ કેમ છે? આ ભેદનું સ્વરૂપ તેમના માટે કોયડારૂપ હતું. તેમને માટે તો ભેદ એટેલ ભેદ જ્યાં ઐક્ય સંભવી જ ન શકે અને અહીં તો ઐક્યવાળા ભેદ છે અને એ પણ એક-બે નહીં, અસંખ્ય. બસો વરસ પહેલાં કંપની સરકારે ભારતના તેના અમલદારોને કહ્યું હતું કે ભારતના સામાજિક સ્વરૂપને સમજવાની કોશિશ કરો અને કહો કે આનાં રાજકીય પરિણામો શું આવી શકે? એ સમયે કોઈકે શિવુભાઈ પુંજાણીનો અભિગમ અપનાવ્યો હતો તો કોઈકે એ.કે. હંગલનો. કેટલાક અમલદારોએ લખ્યું હતું કે ભારતમાં સામાજિક અંતર એટલું પહોળું છે કે કોમી વિભાજન સ્વાભાવિક અને અનિવાર્ય છે. તો બીજી બાજુએ કેટલાક અમલદારોએ લખ્યું હતું કે ભારતમાં સામાજિક ભેદ અનેક પ્રકારના છે, પણ એ સ્વીકૃત સુધ્ધાં છે. કોઈને ભેદ સામે ખાસ ફરિયાદ નથી. દરેક સાથે મળીને પોતપોતાની જિંદગી જીવે છે અને કોઈ એકબીજાનો રસ્તો કાપતા નથી. (આ વાક્ય ફરીવાર વાંચો, દરેક સાથે મળીને પોતપોતાની જિંદગી જીવે છે અને કોઈ એકબીજાનો રસ્તો કાપતા નથી.)

એક ભેદ હતો જે સવર્ણોમાં સ્વીકૃત હતો અને દલિતોએ પણ જાગૃતિના અભાવમાં તેને સ્વીકૃત માની લીધો હતો, પણ એ ભેદ હિન્દુસ્તાન માટે શરમજનક અમાનવીય હતો. વાચકને સમજાઈ ગયું હશે કે હું કઈ તરફ ઈશારો કરું છું. દલિતો સાથેનો અસ્પૃશ્યતાનો વહેવાર સમાજે સ્વીકારી લીધો હોય તો પણ એ સ્વીકાર્ય ન હોઈ શકે. પણ અહીં ચર્ચાનો એ મુદ્દો નથી. ચર્ચાનો મુદ્દો એ છે કે ભારતમાં ઘણા લોકોને સામાજિક ભેદો એકતામાં બાધક હોય એવું લાગતું નહોતું.

જ્યાં સુધી રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદની કલ્પના પશ્ચિમમાં વિકસી નહોતી અને ભારતમાં આયાત થઈ નહોતી ત્યાં સુધી કોઈને આમાં કાંઈ કહેવાપણું નહોતું. દરેક પ્રજા સાથે મળીને એકબીજાનો રસ્તો કાપ્યા વિના પોતપોતાની જિંદગી જીવતી હતી. સમસ્યા ત્યારે પેદા થઈ જ્યારે રાષ્ટ્રવાદનું ભારતમાં આગમન થયું. રાષ્ટ્રવાદ સ્વભાવત: શરતી હોય છે. આટઆટલું સ્વીકારશો અને આટઆટલું છોડશો તો જ રાષ્ટ્રીયતા પેદા થશે અને રાષ્ટ્રનું નિર્માણ થશે. શરતો આવી અને શરતો પછી કોણ શરતોનું પાલન કરે છે અને કોણ નથી કરતું એના ઉપર નજર રાખવાનું શરૂ થયું. એ પછી જે તે કોમના ઈરાદાઓ ઉપર શંકા કરવાનું શરૂ થયું. શંકાઓના આધારે જે તે કોમને તારવવાનું શરૂ થયું અને છેવટે નોખી તારવેલી કોમને દબાવવાનું શરૂ થયું. વળી તારણો સિદ્ધ કરવા માટે અનુકૂળ આવે એ રીતે ઇતિહાસનો ઉપયોગ કરવાનું શરૂ થયું. આ બધું રાષ્ટ્રીયતા વિકસાવવા માટે અને રાષ્ટ્રના નિર્માણ માટે થઈ રહ્યું છે.

ગાંધીજીએ જ્યારે કહ્યું કે જે તે પ્રજા માટે જે શરમજનક છે, કલંકરૂપ છે એટલું જ એ પ્રજાએ છોડવું જોઈએ અને બાકીનું બધું છોડવાની જરૂર નથી ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. અમે શરત ન રાખીએ તો અમે મોટા શેના અને આ બુઢ્ઢો અમને મોટા બનતા રોકે છે, માટે મારો એને. મહેનત કરીને મોટા થવાની જરૂર નથી, નાનાનો કાઠલો પકડીને પણ મોટા થઈ શકાય છે અને મોટા બનવાનો એ વગર મહેનતનો આસાન રસ્તો છે.

આ બધાની વચ્ચે આજે અમેરિકાના ‘પ્યુ (Pew) રિસર્ચ સેન્ટરે’ હાથ ધરેલા એક સર્વેક્ષણનાં તારણો જોઇને આશ્ચર્ય થયું. ભારતમાં જે તે ધાર્મિક કોમ પોતાના ધર્મની બાબતે કેટલી આગ્રહી છે, વિધર્મીના ધર્મનો કેટલો આદર કરે છે, ધાર્મિક સહિષ્ણુતા વિષે શું માને છે, સર્વધર્મ સમભાવમાં માને છે કે નહીં, ધાર્મિક સ્વતંત્રતા ભોગવે છે કે નહીં, સ્વતંત્રતાનો આગ્રહ રાખે છે કે નહીં અને બીજાની ધાર્મિક સ્વતંત્રતાનો આદર કરે છે કે નહીં એવું એક વ્યાપક સર્વેક્ષણ ‘પ્યુ રિસર્ચ સેન્ટરે’ હાથ ધર્યું હતું. સર્વેક્ષણનાં તારણો એમ કહે છે કે ભારતમાં દરેક ધર્મના સરેરાશ ૮૦ ટકા કરતાં વધુ લોકો એકબીજાના ધર્મનો આદર કરવામાં માને છે, ધાર્મિક સહિષ્ણુતામાં માને છે, સર્વધર્મ સમભાવને ભારતનો વારસો માને છે, એકબીજાના ધાર્મિક સ્વાતંત્ર્યનો આદર કરવામાં માને છે વગેરે બધું જ, પણ …

આ પણ શું? પણ એમ કહે છે કે ભારતમાં જે તે કોમના લોકો એમ માને છે કે કોઈએ એકબીજાનો રસ્તો ન કાપવો જોઈએ. હિંદુની કન્યા હિન્દુમાં પરણે, જ્ઞાતિની કન્યા જ્ઞાતિમાં પરણે, મુસ્લિમની કન્યા મુસ્લિમમાં પરણે, શહેર કે ગામમાં દરેક સમાજના પોતાના રહેણાકના મોહલ્લા હોય, જે તે સમાજવિશેષની શહેરોમાં હાઉસિંગ સોસાયટીઓ હોય એમાં કશું જ ખોટું નથી. અમે અમારાપણું જાળવીએ, તમે તમારાપણું જાળવો અને આપણે સાથે મળીને આપણાપણું જાળવીએ. અમારાપણામાં અને તમારાપણામાં આપોઆપ આપણાપણું આવી જાય છે. આવું કહેનારા પણ દરેક કોમમાં સરેરાશ ૮૦ ટકા કરતાં વધુ છે.

સર્વેક્ષણનાં તારણો જોઇને ‘પ્યુ રિસર્ચ સેન્ટર’ના અભ્યાસકો આશ્ચર્યમાં પડી ગયા, જે રીતે બસો વરસ પહેલાં અંગ્રેજ અમલદારો આશ્ચર્યમાં પડી ગયા હતા. એકતાની પણ હિમાયત અને ભેદની પણ હિમાયત! આમ કેમ બને? આનું કારણ એ છે કે ભારતમાં લોકોને કોમી-સામાજિક સ્વાયત્તતા જોઈએ છે અને સામે બીજાની કોમી-સામાજિક સ્વાયત્તતાનો આદર કરવા પણ તૈયાર છે. તો શું ભારતની એકતાનું રહસ્ય સામજિક સ્વાયતતામાં છે? સંઘપરિવાર અને હિંદુ રાષ્ટ્રવાદીઓએ પણ વિચારવું પડે એમ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 01 જુલાઈ 2021

Loading

ખેતપેદાશોના ટેકાના ભાવનું અર્થકારણ અને રાજકારણ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 July 2021

અગાઉ પ્રધાન મંત્રીએ પાર્લામેન્ટમાં ખેડૂતોને ખાતરી આપતાં કહ્યું હતું કે, “એમ.એસ.પી. થી, એમ.એસ.પી. હૈ ઔર એમ.એસ.પી. રહેગી”. વડા પ્રધાનની આ વાતનો પડઘો સરકારે તાજેતરમાં જાહેર કરેલી ખરીફપાકોની એમ.એસ.પી. (મિનીમમ સપોર્ટ-પ્રાઇઝ) અર્થાત્‌ ચોમાસું ખેતપેદાશોના ટેકાના ભાવમાં જોવા મળે છે. છ મહિના કરતાં વધુ સમયથી રાજધાની દિલ્હીના સીમાડે ડેરાતંબુ તાણીને ચાલતા કિસાન-આંદોલનને સરકારનું આ પગલું ‘જુમલાબાજી’ લાગ્યું છે. તેને કારણે ખેતપેદાશોના ન્યૂનતમ સમર્થનમૂલ્યનો સવાલ ફરી એક વાર ચર્ચાની એરણે છે.

આઝાદી મળી ત્યારે દેશમાં અનાજની કારમી તંગી હતી. અનાજની આ અછત દૂર કરવા હરિયાળી ક્રાંતિમાં અનાજનું વિપુલ ઉત્પાદન કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું  તેમાં એમ.એસ.પી. કે ખેતઉપજના ટેકાના ભાવનાં મૂળ રહેલાં છે. લાલબહાદુર શાસ્ત્રીના પ્રધાનમંત્રીત્વકાળમાં અનાજની કિંમતો નક્કી કરવા ૧લી ઑગસ્ટ, ૧૯૬૪ના રોજ એલ.કે. ઝા સમિતિની રચના કરવામાં આવી હતી. અનાજનું, ખાસ કરીને ઘઉં અને ચોખાનું ઉત્પાદન વધારવું, લોકોને સસ્તું અને જરૂરિયાત મુજબનું ખાદ્યાન્ન પૂરું પાડવું તથા ખેડૂતોને તેમની ઊપજના વાજબી ભાવ આપવા જેવા હેતુઓથી ટેકાના ભાવોની યોજના શરૂ કરવામાં આવી હતી. ખેડૂતો ખેતીને લગતી આધુનિક ટેક્‌નિક અને સારાં બીજ અપનાવી અનાજનું ઉત્પાદન વધારે તથા તેમની સામાજિક-આર્થિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને  ન્યૂનતમ સમર્થનમૂલ્યથી સરકાર ખરીદી કરે છે. ખેતપેદાશોની સરકારી ખરીદીના ટેકાના ભાવ રવિ અને ખરીફ – મોસમના આરંભે જ જાહેર કરવામાં આવે છે. આ એમ.એસ.પી.ને કારણે ખેડૂતોને બજારમાં ભાવો ઘટે તો પણ કમ સે કમ સરકારે જાહેર કરેલા ભાવો તો મળે જ છે.

ભારતસરકારના કૃષિમંત્રાલય હેઠળ કાર્યરત, જાન્યુઆરી, ૧૯૬૫માં સ્થાપિત, ઍગ્રિકલ્ચરલ પ્રાઇસીઝ કમિશન, જે હવે કમિશન ફૉર ઍગ્રિકલ્ચરલ કૉસ્ટ ઍન્ડ પ્રાઇસીઝ (સી.એસી.પી.) તરીકે ઓળખાય છે, તે ખેત ઊપજની માંગ અને પુરવઠો, ખેડૂતનાં ઉત્પાદનખર્ચ, સ્થાનિક બજારમાં કિંમત, ગ્રાહકો પર અસર, બીજી ઊપજના ભાવ, સંગ્રહણની વ્યવસ્થા અને કર જેવી બાબતોને ધ્યાનમાં રાખીને ઉનાળું અને ચોમાસું પાકની વાવણીપૂર્વે ખેતઊપજોનું ન્યૂનતમ સમર્થનમૂલ્ય નક્કી કરે છે. ૧૯૬૬-૬૭માં સૌ પ્રથમ ઘઉંના ટેકાના ભાવો આપવામાં આવ્યા હતા. હાલમાં ૭ ધાન્ય, ૭ તેલીબિયાં, ૫ કઠોળ  અને ૪ રોકડિયા પાકો મળી કુલ ૨૩ ખેતપેદાશોની એમ.એસ.પી. જાહેર કરવામાં આવે છે. ગયા વરસથી દેશમાં સૌપ્રથમ વખત કેરળ સરકારે ૧૬ શાકભાજીનું  ન્યૂનતમ સમર્થનમૂલ્ય જાહેર કર્યું  છે.

ખેડૂતોને બીજ, ખાતર, સિંચાઈ માટે થતો રોકડ ખર્ચ ઉપરાંત તેના કુટુંબની ખેતી માટેની મહેનતનું મૂલ્ય પણ એમ.એસ.પી.ની ગણતરીમાં લેવાય છે. ૨૦૦૪ના સ્વામિનાથન આયોગે ખેડૂતના સરેરાશ ઉત્પાદનખર્ચમાં બીજી ૫૦ ટકા રકમ ઉમેરી દોઢી એમ.એસ.પી. નક્કી કરવા ભલામણ કરી હતી. બી.જે.પી.એ ૨૦૧૪માં સ્વામિનાથન આયોગના અમલનું વચન આપ્યું હતું. પણ તેનો અંશતઃ અમલ ૨૦૧૮-૧૯માં કર્યો હતો. સરકારનો દાવો છે કે તે હાલમાં જે એમ.એસ.પી. જાહેર કરે છે, તે ખેડૂતના ખર્ચ કરતાં દોઢ ગણી હોય છે. જો કે સ્વામીનાથન આયોગે ખેડૂતની જમીનનું ભાડું અને ખેતી માટેની તેની મૂડી પરનું વ્યાજ પણ એમ.એસ.પી.ની ગણતરીમાં લેવા સૂચવ્યું હતું, પણ સરકારે હજુ તેનો અમલ કર્યો નથી..

આશરે ૨૦૦ દિવસોથી ચાલતા કિસાન-આંદોલનની માંગણી  ત્રણ કૃષિકાયદા રદ્દ કરવાની અને એમ.એસ.પી.ને કાયદેસર બનાવવાની છે. ન્યૂનતન સમર્થનમૂલ્યથી ઓછી કીંમતે ખાનગી વેપારી પણ ખેડૂતો પાસેથી ખેતપેદાશ ખરીદી શકે નહીં, તેવો કાયદો ઘડવાની કિસાન આંદોલનની માંગ ન્યાયસંગત છે ? શું સરકાર એમ.એસ.પી. નાબૂદ કરી દેશે ? શું એમ.એસ.પી. કાળગ્રસ્ત થઈ છે ? એમ.એસ.પી.નો લાભ તમામ ખેડૂતોના બદલે થોડા મોટા ધનિકવર્ગના ખેડૂતોને  જ મળે છે ? એમ.એસ.પી. સરકાર કે ખેડૂતો પૈકી કોના માટે ખોટનો ધંધો છે, જેવા સવાલો ચર્ચાય તો જ તેનું રાજકારણ, સમાજકારણ અને અર્થકારણ સમજી શકાય.

શાંતાકુમાર સમિતિ અને નીતિ આયોગે ન્યૂનતમ સમર્થનમૂલ્યથી ખેતઊપજોની થતી સરકારી ખરીદી ઘટાડવાની ભલામણ કરી છે. નવા કૃષિકાયદાઓમાં હાલની ખેતઉત્પન બજારસમિતિઓ (એ.પી.એમ.સી.) ઉપરાંત ખાનગી વેપારની છૂટ આપી છે, તેથી સરકાર ક્રમશઃ એ.પી.એમ.સી. અને એમ.એસ.પી. બંધ કરશે, તેવો ખેડૂતોને વાજબી ડર છે. કૃષિઊપજ વધારવામાં અને ખેડૂતોને  ઊપજના  યોગ્ય ભાવ આપી તેમની આવક સુનિશ્ચિત કરવામાં ન્યૂનતમ સમર્થન મૂલ્યનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. સરકાર ૨૩ ખેતપેદાશોનું ન્યૂનતમ સમર્થનમૂલ્ય જાહેર કરે છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબોને સસ્તા ભાવે રાશન આપવા ટેકાના ભાવે સરકાર ખરીદી કરતી હોય છે. જો કે પી.ડી.એસ.માં ગરીબોને મુખ્યત્વે ઘઉં અને ચોખા જ આપવામાં આવતા હોય છે. એટલે ખરીદી ત્રેવીસ ખેતઊપજોની નહીં, બે-પાંચની જ થાય છે. દેશમાં દોઢસો જેટલા પાક લેવાય, તેના છઠા ભાગના પાકના ટેકાના ભાવ જાહેર કરાય છે અને તેમાંથી માંડ પાંચમા ભાગની ખેતઊપજની સરકારી ખરીદી થતી હોય છે, તેથી એમ.એસ.પી.નો લાભ ખેડૂતોના સીમિતવર્ગને મળે છે.

એમ.એસ.પી.થી દેશના તમામ ખેડૂતોની, તમામ પ્રકારની અને સંપૂર્ણ ખેતઊપજની ખરીદી થતી નથી. બધા જ અભ્યાસો દેશના ૬થી ૨૦ ટકા ખેડૂતોને જ એમ.એસ.પી.નો લાભ મળતો હોવાનું જણાવે છે. દેશનાં તમામ રાજ્યોના ખેડૂતોને નહીં, પણ દસેક રાજ્યોના ખેડૂતોની, ઘઉં-ચોખાના પાક માટે જ એમ.એસ.પી.થી ખરીદી થાય છે. એમ.એસ.પી.ને કારણે દેશ અનાજની બાબતમાં આત્મનિર્ભર બની શક્યો છે અને અનાજના વિપુલ ભંડારો ભરેલા છે, તે હકીકત છે. પરંતુ ઉદારીકરણ અને ખાનગીકરણને કારણે લોકશાહી સરકાર તેના કલ્યાણરાજ્યના આદર્શને ફગાવી રહી છે. ભ્રષ્ટાચાર-નાબૂદીના નામે સબસિડી સીધી લાભાર્થીના બૅન્કએકાઉન્ટમાં જમા કરાવવાનું વલણ લઈ રહી છે. એટલે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જાહેર વિતરણવ્યવસ્થા હેઠળના અનાજની સરકારી ખરીદી પણ શંકાના દાયરામાં હોવી સ્વાભાવિક છે.

ભારતના અર્થતંત્રનાં મોટા ભાગનાં ક્ષેત્રોની વૃદ્ધિ કોરોના મહામારીને કારણે ધીમી છે, પરંતુ ખેતીક્ષેત્રની વૃદ્ધિ જોરમાં છે. છેલ્લાં પાંચ વરસોની તુલનાએ ૨૦૨૦-૨૧માં ખાદ્યાન્નનું ઉત્પાદન ૨.૭ કરોડ ટન વધારે છે. સિંચાઈ પર આધારિત ઘઉં-ચોખા જ નહીં, વરસાદી ખેતીથી પાકતા જુવાર-બાજરાનું ઉત્પાદન પણ વધ્યું છે. કૃષિનિકાસમાં ૧૮ ટકાની વૃદ્ધિ થઈ છે.આખી દુનિયાને એક વરસ ચાલે તેટલો, ૨૮૦ લાખ ટન, ચોખાનો બફરસ્ટૉક ૨૦૨૦ની ખરીફ મોસમપૂર્વે દેશમાં હતો. અનાજની બાબતમાં જો દેશ આટલો બધો આત્મનિર્ભર હોય, તો એમ.એસ.પી.નો મૂળ હેતુ પૂર્ણ થયેલ છે, તેથી તેના ટેકાના ભાવ આપવામાં અર્થકારણ ઓછું અને રાજકારણ વધુ છે તેવી દલીલ થાય છે.

ન્યૂનતમ સમર્થનમૂલ્યના રાજકારણનું શ્રેષ્ઠ ઉદાહરણ પંજાબના ખેડૂતો છે. પંજાબમાં હરિતક્રાંતિને કારણે ઘઉં-ચોખાનું વિપુલ ઉત્પાદન થયું. પણ હવે તેનાં વળતાં પાણી છે. ૧૯૬૦-૬૧માં પંજાબમાં ૧૪ લાખ હૅક્ટરમાં ઘઉં અને ૨.૨૭ લાખ હૅક્ટરમાં ચોખાની ખેતી થતી હતી. સાઠ વરસો બાદ, ૨૦૧૯-૨૦માં, તે વધીને અનુક્રમે ૩૫.૦૮ અને ૨૯.૨૦ લાખ હૅક્ટર થઈ છે. પરંતુ પાણીના બેફામ ઉપયોગ અને એકધારા પાકની ખેતીથી હવે પંજાબનો કૃષિદર ઘટીને ૫.૭ ટકાથી ૧.૬ ટકા જ થયો છે. એમ.એસ.પી.ને કારણે કૃષિપાકોની વિવિધતા ઘટી છે, તે પણ સૌથી મોટો ગેરલાભ છે.

છઠ્ઠી જૂન, ૨૦૨૧ સુધી એમ.એસ.પી.થી ૪૧૮.૪૭ લાખ મૅટ્રિક ટન ઘઉંની સરકારી ખરીદી થઈ છે. ગયા વરસની ૩૭૨.૨૨ લાખ મૅટ્રિકટનની તુલનાએ તે આશરે ૧૨ ટકા વધુ છે. ૨૦૧૯-૨૦માં સરકારે એમ.એસ.પી.થી રૂ. ૬૦,૦૩૮.૬૮ કરોડ ખર્ચીને ૨૯.૭૦ લાખ ખેડૂતો પાસેથી અનાજ ખરીદ્યું હતું. જો કે હજુ પણ અનાજની ખરીદીમાં પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એ પાંચ રાજ્યો જ મોખરે હોય છે. ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થાય છે, પરંતુ તે કુલ ઉત્પાદનના ૧૦થી ૨૦ ટકા જ હોય છે. ૨૦૧૯-૨૦માં રાજ્યમાં પાકેલી કુલ મગફળીમાંથી ૧૦.૭૮ ટકાની જ એમ.એસ.પી.થી સરકારી ખરીદી થઈ હતી.

મોટા ભાગના ખેડૂતોને એમ.એસ.પી.થી ઓછા ભાવે ખાનગી વેપારીઓને ખુલ્લા બજારમાં  પોતાની ખેતપેદાશો વેચવી પડે છે. મધ્ય પ્રદેશ સરકારે ટેકાના ભાવ અને ખેડૂતને ઓછા મળેલા ભાવનો તફાવત ચૂકવવા ‘ભાવાંતર ભુગતાનયોજના’ અમલી કરી છે. કેન્દ્ર સરકાર ‘કિસાન સન્માનનિધિ યોજના’ હેઠળ ખેડૂતના ખાતામાં ચોક્કસ રકમ જમા કરે છે, પરંતુ તેમ છતાં ખેડૂતને ઊપજના વળતરદાયક ભાવ મળતા ન હોવાની ફરિયાદ ઊકલતી નથી. ‘પરથમીનો પોઠી’ કે ‘અન્ન્નદાતા’ ગણાતો ખેડૂત તેની મહેનતનું યોગ્ય વળતર પણ ન મેળવી શકે તે સ્થિતિ તાકીદે ઉકેલ માંગે છે. જો સરકાર એમ.એસ.પી.નો વ્યાપક ઉપયોગ કરે, તેને કાયદેસરતા બક્ષે અને પાક વીમાનો યોગ્ય અમલ કરે, તો કદાચ ખેડૂતનું દુઃખ થોડું હળવું થઈ શકે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 10-11

Loading

...102030...2,0032,0042,0052,006...2,0102,0202,030...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved