હવા, પાણી અને પ્રકાશ જેટલાં પ્રકૃતિ માટે જરૂરી છે, તેટલાં જ માનવ જીવન માટે પણ જરૂરી છે. પ્રતિદિન ખૂબ સહેલાઈથી મળી જતાં આ ત્રણે તત્ત્વો વિશે આપણે ભાગ્યે જ ઝાઝું વિચારીએ છીએ. પણ ટેકનીકલના આ યુગમાં, ક્યારેક એકાદી ક્ષણે, જરા આંખ મીંચીને કુદરતને માણવાની તક લઈશું તો એક અનોખો આનંદ મળશે. વ્હેલી સવારની એવી એક પળની અનુભૂતિ …
રૂમઝૂમતું કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો.
મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો.
મીંચી ઉઘડતી આંખ વચાળે ઉજાસ થઈ પથરાતું,
વાદળ-દળને છેદી, ભેદી, રેશમ-શું સ્પર્શાતું.
સૂર્યકિરણનું તેજ સુંવાળું ચેતન ભરતું આવ્યું છે, કોઈ ઝીલો રે, કોઈ લઈ લો.
સ્મિતની સંગે, અંતર અંગે, ઝળહળ ઝળહળ ઝીલી લો રે, કોઈ લઈ લો …. રૂમઝૂમતું કંઈક
બારી મનની ખોલી સૂંઘો, શીતલ પવનની સુરભી.
ખૂલી હવા મદમાતી ગાતી ગુનગુન ગુનગુન ગરબી.
મધુર સાજને તાલે એ તો થનગન થનગન નાચ્યું છે, કોઈ નીરખો રે, કોઈ લઈ લો.
સરસર સરતા સમીરની મસ્તી, ગુલશન ગુલશન જોઈ લો રે, કોઈ લઈ લો ….. રૂમઝૂમતું કંઈક
દડદડ દડીને પરવત પરથી, બનીને ઝરણું રમતું,
ઝીલમીલ ઝરીને, ભળીને બનતું સરિતા મધ્યે મળતું.
ઉછળી ઉછળી ધસમસતું એ દરિયે જઈ સમાયું છે, કોઈ સમજો રે, કોઈ લઈ લો..
બૂંદબૂંદના ગેબી નારા, હરદમ, મનભર સૂણી લો રે, કોઈ લઈ લો. …… રૂમઝૂમતું કંઈક
તેજ,પવન, જલ તનમન ભરતું કણકણમાં ઉભરાયું છે, કોઈ લઈ લો,
કોઈ ઝીલી લો રે, કોઈ જોઈ લો રે, કોઈ સૂણી લો રે, કોઈ ભરી લો રે … રૂમઝૂમતું કંઈક
[હ્યુસ્ટન]
e.mail : ddhruva1948@yahoo.com
![]()



ગળામાં હોય એટલું જોર વાપરી, કચકચાવી, ’ભારતમાતાની જય’ બોલતો ભા.જ.પ. કેન્દ્રમાં સત્તા મળ્યા પછી રોજબરોજ ભારતમાતાની લીલામી કરી રહ્યો છે. રોજ છાપું સવારે ઉઘાડીએ ને વાંચવા મળે કે આ વેચ્યું, પેલું વેચ્યું. ગુજરાતમાં ભૂજની હોસ્પિટલ, GMDCના કડી પાણીના પહાડ, આબાદ ડેરી વેચવાનો મહાવરો હતો તે કેન્દ્રમાં પહોંચતાં ખપ લાગ્યો છે. વળી, આ પક્ષની ખૂબી એ છે કે કોર્પોરેટ હિતો માટે કામ કરતી આ પાર્ટી પોતાની વેપારી પ્રવૃત્તિને ઢાંકવા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ભગવી ચૂંદડી ઉપરથી ઓઢાડે છે. હમણાં હવે લક્ષદીપના છત્રીસ રમણીય ટાપુ વેચવાનો સોદો થવાની ગંધ આવી રહી છે. લક્ષદીપના નવા વહીવટદાર પ્રફુલ્લભાઈ પટેલ ડિસેમ્બર-૨૦૨૦માં નિમાયા ને તાબડતોબ એપ્રિલમાં ચાર નવા કાયદાઓ લાવ્યા. કાયદાઓ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યું છે તો બીજી તરફ કોર્પોરેટ માટે લાલ જાજમ બિછાવાઈ રહી છે.
ગુજરાત વિધાનસભાના બજેટસત્રમાં પસાર કરાયેલા, રાજકીય રીતે લવજેહાદ વિરોધી કાયદા તરીકે પ્રચારિત, ‘ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક, ૨૦૨૧’ને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. સરકારે નિયમો ઘડી આ કાયદાનો ૧૬મી જૂન, ૨૦૨૧થી અમલ પણ શરૂ કરી દીધો છે. અગાઉ ભારતીય જનતા પક્ષ શાસિત ઉત્ત રપ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને ઉત્તરા ખંડમાં લવજેહાદ વિરોધી કાયદા ઘડાયા હતા. હવે ગુજરાત પણ તેમની પંગતમાં આવી ગયું છે. આ કાયદા મુજબ ૨૦૦૩ના ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓને બળજબરીથી, ફોસલાવીને કે કપટથી લગ્ન કરવાનો અસલી મકસદ ધર્મપરિવર્તનનો હોય, તો તેને ગુનો ગણી ત્રણથી દસ વરસની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં થયેલી ચર્ચાઓ અને હિંદુત્વ બળોની લવજેહાદ વિરોધી ઝુંબેશ પરથી સમજાય છે કે મુસ્લિમ પુરુષો દ્વારા બિનમુસ્લિમ સ્ત્રીઓને પ્રેમ અને લગ્નના નામે ફસાવી તેમનું ધર્માંતર કરાવવામાં આવી રહ્યાનું, તે માટેના સામૂહિક પ્રયાસો કે ષડ્યંત્રો થતાં હોવા જેવી બાબતોની જોગવાઈ ધરાવતા આ કાયદા પાછળ મૂળે રાજકીય હેતુ છે.