Opinion Magazine
Number of visits: 10,225,997
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—112

દીપક મહેતા|Opinion - Opinion|18 September 2021

મુંબઈમાં જોવા જેવું શું શું છે? મુંબઈ

મુંબઈ એટલે ચાંદીની બંકિમ તલવાર પર જડેલું મોંઘુ રતન

કોઈ મને પૂછે કે મુંબઈમાં જોવા જેવું શું શું છે? તો હું કહીશ : મુંબઈમાં જોવા જેવું તો બસ એક જ છે, મુંબઈ.

સિડની લો (પત્રકાર, પ્રવાસી)

A Vision of India, 1906માંથી

*

મલબાર હિલ પરથી વહેલી સવારે મુંબઈ

મુંબઈના એ દૃષ્યને હું ક્યારે ય ભૂલી શકીશ નહિ

મલબાર હિલ પરથી જોયેલા એ દૃષ્યને હું ક્યારે ય ભૂલી શકીશ નહિ. સવાર પડવાને હજી થોડી વાર હતી. પશ્ચિમ ઘાટના ડુંગરો પાછળથી ઊગતા સૂર્યનાં કિરણો પથરાવાનું શરૂ થઈ ગયું હતું. એના અંજવાસને કારણે એ ડુંગરો ઝાંખી પાર્શ્વભૂમિ જેવા બની ગયા હતા. તો બીજી બાજુ દરિયામાં તેજની લકીરો ઉછળતાં મોજાંની સાથે જાણે સમૂહનૃત્ય કરી રહી હતી. કોટ વિસ્તારનાં મકાનોનાં છાપરાં આછા લાલ રંગથી ચમકી રહ્યાં હતાં. સૂરજ થોડે ઊંચે ચડ્યો અને નાળિયેરીનાં ઝુંડોમાંથી ચળાઈને આવતાં સૂરજનાં કિરણો ચોપાટીની રેતીને ચમકાવવા લાગ્યાં. આ બેની વચ્ચે આવેલ ચીમનીઓ કાળો ધુમાડો ઓકવા લાગી હતી. મુંબઈના ઉદ્યોગો – ખાસ કરીને કોટન મિલ્સ – કામ કરવા લાગ્યા હતા. એ ધુમાડો આખા દૃષ્યને ગતિશીલ અને સજીવ બનાવતો હતો. જો કે બીજી બાજુ, આ ધુમાડાથી શહેરનું વાતાવરણ બગડે છે એની પણ મને સતત ચિંતા રહી છે. પણ એ બાબતમાં હું ઝાઝું કરી શક્યો નથી. કારણ તેની સાથે મોટી સંખ્યાના લોકોની રોજી-રોટીનો સવાલ જોડાયેલો છે. લગભગ ચાર વરસ સુધી બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નર તરીકે કામ કરવા અને બોમ્બે જેવા એક મહાન શહેરમાં રહેવા મળ્યું એનો મને આનંદ છે. આ લાંબા ગાળામાં અનુભવો તો અનેક થયા છે. સારા તેમ જ માઠા. પણ મારી આખી જિંદગી ભૂલી ન શકું એવો જો કોઈ અનુભવ હોય તો એ છે મુંબઈ શહેરને આળસ મરડીને ધીમે ધીમે જાગતું જોવાનો આ અનુભવ.

લોર્ડ લેમિંગ્ટન. (મુંબઈના ગવર્નર, ૧૨ ડિસેમ્બર ૧૯૦૩થી ૨૭ જુલાઈ, ૧૯૦૭)

ગુરુવાર, એપ્રિલ ૧૯૦૮ના રોજ બપોરે ધ રોયલ સોસાયટી ઓફ આર્ટસમાં આપેલ પ્રવચન

Reminiscences of Indian Life – માંથી

*

મુંબઈ એટલે ચાંદીની બંકિમ તલવાર પર જડેલું મોંઘુ રતન

મલબાર પોઈન્ટની ભેખડના છેડા પરથી મુંબઈનું અને તેના બારાનું જે દૃષ્ય દેખાય છે તે અદ્ભુત છે. ડો. વિલ્સન જ્યાં રહેતા હતા એ મકાન કે પછી લેડીઝ જિમખાના આગળ જઈને ઊભા રહો. તમે જો કવિ હશો તો કહેશો કે આ દુનિયામાં આથી વધુ સુંદર દૃષ્ય બીજે ક્યાં ય જોવા નહિ મળે. તમારી નજર સામે પથરાઈ રહ્યો છે એક બાજુ પાણી, જંગલ, ડુંગર, જેવાં કુદરતી તત્ત્વોનો અનોખો સંગમ. તો બીજી બાજુ જોવા મળે છે શહેરની ભવ્ય ઇમારતો. તેની બંને બાજુ છવાયેલાં છે નાળિયેરનાં હારબંધ વૃક્ષો. અર્ધગોળાકાર દરિયા કાંઠો આ આખા દૃષ્યને ચિત્ર જેવું બનાવી દે છે. હા, મુંબઈમાં સૈકાઓ જૂની ઐતિહાસિક ઇમારતો નથી. અગાઉના રાજવીઓનાં સ્મારકો નથી. છતાં અહીં જે છે તે બીજે ક્યાં ય ભાગ્યે જ છે. મુંબઈ એટલે ચાંદીની બંકિમ તલવાર પર જડેલું મોંઘુ રતન.

‘ગાઈડ ટુ બોમ્બે’ ૧૮૯૯ની આવૃત્તિમાંથી

*

મુંબઈના લોકો અને તેમનાં મકાનો

માત્ર વીસ માઈલના ફેલાવામાં મુંબઈમાં જેટલું વૈવિધ્ય જોવા મળે છે એટલા વૈવિધ્યની મેં કદી કલ્પના પણ કરી નહોતી. સતત બે કલાક સુધી હું ટેક્સીમાં ફર્યો છું – ‘દેશીઓ’ના વિસ્તારમાં અને ગામડાંઓમાં પણ. અહીંનો એકેએક રસ્તો માણસોથી ઊભરાય છે. પણ તેમાંથી એક સરખા દેખાતા અડધો ડઝન માણસો પણ શોધવા મુશ્કેલ છે. અહીં ગોરાઓ છે, ઘઉંવર્ણાઓ છે, પીળી ચામડીવાળા છે, ચોકલેટી રંગની ચામડીવાળા છે, અને કાળિયાઓ પણ છે. એ દરેકનો પહેરવેશ પણ જૂદો જૂદો. એ પણ જાત જાતના રંગોનો. કેસરિયો, સિન્દુરિયો, લીલો, ભૂરો, કથ્થઈ, રાખોડી. એક બાજુ છોકરાઓનાં ટોળાં. તેમાંના કેટલાક સાવ નાગાપૂગા, તો કેટલાક પગથી માથા સુધી કપડાંમાં વીંટળાયેલા. હજી થોડા વરસ પહેલાં જ અહીં આવેલી મોટરમાં રૂઆબભેર ફરતા હોય કેટલાક, તો કેટલાક માઈલો સુધી રોજ પગપાળા ઘર અને કામની જગ્યા વચ્ચે આવ-જા કરતા હોય છે. સ્ત્રીઓ – ખાસ કરીને પારસી સ્ત્રીઓ – પડદાવાળી બગીમાં રસ્તા પરથી પસાર થતી જોવા મળે છે. જો કે તેમની સાથે તેમના ઘરનો કોઈને કોઈ મરદ પણ એ બગીમાં હોય જ છે.

અહીંના લોકોમાં જેટલું વૈવિધ્ય છે તેટલું જ અહીંનાં મકાનોમાં પણ જોવા મળે છે. ફોર્ટ અને તેની આસપાસનાં મકાનો જુઓ તો બે ઘડી લાગે કે આ તે મુંબઈ છે કે વિયેના! હા, યુરોપિયન શૈલીનાં એ મકાનો પર સ્થાનિક સ્થાપત્યનાં અલંકરણો જોવા મળે. પણ ‘દેશી’ લોકોનાં મકાનો સ્થાપત્યની દૃષ્ટિએ અનેક શૈલીના શંભુમેળા જેવાં. અને દરેક મકાન માણસોથી ઊભરાતું. દિવસના કોઈ પણ વખતે મકાનની બારીઓમાંથી બે-ચાર માથાં બહાર ડોકાતાં જોવા મળે જ મળે. એમનાં ન્યાતજાત, ભાષા, દેશ-પ્રદેશ જૂદાં જૂદાં. પણ મોટે ભાગે બધાં હળીમળીને રહે છે. અને છતાં એ બધાં પોતપોતાના ધરમ, રિવાજો, માન્યતાઓ, વગેરેને બહુ ચુસ્ત રીતે વળગી રહે છે. અને દરેક જૂથ પોતાને શ્રેષ્ઠ મને છે.

જે.એ. સ્પેન્ડર (પત્રકાર, સંપાદક, લેખક)

The Indian Scene, 1912 માંથી

*

મુંબઈની બજાર

મુંબઈની બજાર

મુંબઈની બજારોમાં ફરવા નીકળવું હોય તો સવારે જવું સૌથી સારું. એ વખતે રસ્તાઓ ચોખ્ખા ચણાક હોય છે અને ઝાઝી ભીડ પણ નથી હોતી. હમાલો અને કારીગરો હજી કામળી ઓઢીને બેઠા હોય છે. દુકાનોમાં તાજાં ફળો અને શાકભાજી આવતાં હોય છે. તાડીનું મટકું માથે મૂકીને  તાડીવાળો ધીમી ચાલે રસ્તા પર ફરતો હોય છે. હિંદુ છોકરીઓ દેવદેવીની મૂર્તિઓને ચડાવવા માટે તાજાં ફૂલોના હાર ગૂંથતી દુકાનની બહાર બેઠી હોય છે. પણ જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તેમ અહીં ચહલપહલ, ઘોંઘાટ, ગંદકી, વધતાં જાય છે. અને ગરમી તો હોય છે તમને ભાન ભૂલાવી દે તેવી. જ્યાં જુઓ ત્યાં ધૂળ, શોરબકોર, બફારો. અને છતાં અહીંના લોકો સહેલાઇથી આવ-જા કરતા જોવા મળે છે. હવે અહીં લોકોનો પ્રવાહ નદી જેવો નહિ, દરિયાના એક પછી એક આવતાં મોજાં જેવો છે. અને આ લોકો બે જ વર્ગમાં વહેચાયેલા હોય છે: વેચનાર અને ખરીદનાર.

પીઠ પર કાપૂસની ચોરસ ગાંસડીઓ ઉપાડીને, તેના ભારથી બેવડ વળી ગયેલા મજૂરો રસ્તાઓ પર ધીમે ધીમે સરકતા હોય છે. તો માથે મસ મોટો ફેંટો પહેરેલા આરબો ધીમી ચાલે રસ્તાઓ પર ટહેલતા હોય છે. લાલ પાઘડી પહેરેલા વાણિયાઓ હાથમાં કલમ અને કાગળોની થોકડી લઈને રઘવાઈ ચાલે આવ-જા કરતા હોય છે. ઊજળા દૂધ જેવાં કપડાં પહેરીને જૈનો હાથમાં પૂજાની સામગ્રી લઈને તેમનાં મંદિરો તરફ જતા હોય છે. પોર્ટુગીઝ પાદરીઓ, યહૂદી વેપારીઓ, પારસીઓ, બધા અહીં અધીરી ચાલે જતા જોવા મળે છે. જાણે દરેકને બીક છે કે હું મોડો પડીશ તો બીજો કોઈક ખાટી જશે.

મિસિસ પોસ્ટન્સ (લેખિકા, મુંબઈમાં લાંબા સમય સુધી વસવાટ)

Western India, Vol. 1, 1839 માંથી

*

ઘોડાનો આરબ વેપારી

મુંબઈનું ઘોડા-બજાર

તમે બજારમાં ફરતા હો ત્યારે અરબી ઘોડા વેચનાર વેપારીના તબેલા તમારું ધ્યાન ખેંચ્યા વગર રહે નહિ. એક-એક તબેલામાં વીસથી ત્રીસ ઘોડા. પણ એ વેચવાની જરા ય પડી ન હોય તેમ આરબ વેપારી આખો દિવસ હુક્કો પીતો તબેલાની બહાર ખુરસી પર બેઠો હોય. તમે જાવ તો આવકારવા માટે ઊભા થવાનો વિવેક પણ ન બતાવે. ગમે તેવી ગરમી હોય, પણ તેણે ઊનનાં ગરમ કપડાં જ પહેર્યાં હોય! ઊંચી ઓલાદના ઘોડા તબેલામાં જ, પણ ચાલુ ઘોડાથી અલગ હોય. ઘરાકને જોતાં વેંત તે કેટલા પાણીમાં છે તે પારખી લે. પહેલાં તો તમને મામૂલી ટટ્ટુ જ બતાવે. તમે બહુ આગ્રહ રાખો તો એક-બે જાતવાન ઘોડા બહાર મગાવે. અને જો તમે ભાવ-તાલ કરવા ગયા તો તરત નોકરને બોલાવીને એ ઘોડાને અંદર પાછા મોકલી દે. અને પછી તમે જાણે ત્યાં ઊભા જ નથી એમ બેફિકરાઈથી હુક્કો ગગડાવવા લાગે. વતનમાં અંગ્રેજ વેપારીઓ દરેક ઘરાક સાથે જે વિનય-વિવેકથી વર્તે છે તેનો અહીં તમને છાંટો ય જોવા ન મળે. આનું એક કારણ એ પણ ખરું કે જાતવાન ઘોડા ખરીદનારાઓ પાસે વેચાવા આવેલા ઘોડાની રજેરજ માહિતી હોય અને એટલે એ લોકો ભાવ અંગે ઝાઝી રકઝક ન કરે. વેપારી પણ પોતાની પાસેના જાતવાન ઘોડા જાણીતા ઘરાકને, થોડા ઓછા ભાવે પણ, વેચવાનું પસંદ કરે. તેમાં ય જો ખરીદનાર ઘોડાની રેસનો શોખીન હોય તો તો તેને જ વેચે. બધા ઘોડાના વેપારીઓ રેસના દિવસે સવારે રેસ કોર્સ પર અચૂક હાજર રહે. પોતે વેચેલો જાતવાન ઘોડો જો રેસ જીતે તો એ જોઈ તેમની છાતી ગજ ગજ ફૂલે.

કર્નલ બાલ્કરેસ રામસે (મુંબઈના ગવર્નર સર જ્યોર્જ આર્થરના સહાયક)

Rough Recollections, vol. 1, 1882 માંથી

*

અલવિદા મુંબઈ!

અલવિદા, મુંબઈ

અમારા વહાણે મુસાફરી શરૂ કરી દીધી છે. એક બાજુ નજર નાખતાં દેખાય છે મુંબઈના ઊંચાં ઊંચાં મકાનો અને મિનારા, સાંજના સોનેરી રંગમાં રંગાયેલાં. દૂર દૂર આછી આછી દેખાય છે મલબાર હિલની ટેકરી. તો બીજી બાજુ દેખાય છે એલિફન્ટાનો ટાપુ, નીલમના નંગ જેવો. દરિયાનાં આછાં ભૂરાં પાણી ઝીલે છે એનું પ્રતિબિંબ. આખું આકાશ ઘેરા ગુલાબી રંગે રંગાઈ ગયું છે. અને પછી એકાએક ઊતરી આવે છે અંધારું. અને આખા દૃષ્ય પર જાણે કે ફેરવી દે છે અદૃશ્ય પોતું. આંખ સામેથી મુંબઈ દૂર થાય છે અને દરિયાનાં પાણીમાંથી ઊછળી રહે છે સ્મૃતિઓનું શ્વેત ફેનિલ રૂપ. અલવિદા, મુંબઈ.

પ્રિન્સ કારાગોર્ગેનવિચ (સર્બિયાના રાજકુટુંબના નબીરા, કલાકાર, કલામીમાંસક, વિશ્વપ્રવાસી)

Enchanted India, 1899માંથી

*

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 18 સપ્ટેમ્બર 2021

Loading

વતનની માટી

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|18 September 2021

દિવાળીના તહેવાર નજીકમાં જ હતા. અહીં પરદેશની ભૂમિ પર હું સાવ એકલો હતો; ઘર–પરિવાર, સ્નેહીજનોથી દૂર. જિન્દગીની કદાચ આ પહેલી જ દિવાળી હતી જ્યારે હું મારા કુટુમ્બની સાથે નહોતો. કમ્પનીના કામે એકાદ મહિના પહેલાં લંડન આવ્યો અને હજી ચાર–પાંચ મહિના સુધી રોકાવું પડે એમ હતું.

અહીં બનેલા નવા મિત્રો, સહકર્મચારીઓ સૌને દિવાળી નિમિત્તે કંઈ ને કંઈ ભેટ આપવી જોઈએ એમ વિચારીને હું ખરીદી કરવા નીકળેલો. ‘ઇન્ડિયન સ્પાઈસ શૉપ’ નામના સ્ટોરમાં દરેકેદરેક પ્રકારની ભારતીય ચીજ–વસ્તુ મળી જાય. હું દીવા, મીણબત્તી, રંગોળી માટેના રંગોના કાઉન્ટર પર બધું જોવામાં મશગૂલ હતો ત્યાં કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો :

‘એક્સક્યુઝ મી, આપ ઇન્ડિયાથી આવો છો ?’

કફની–લેંઘો અને પગમાં જયપુરી મોજડી પહેરેલો મારો દેખાવ જ એવો હતો કે જેની પર ભારતીયતાની છાપ હતી. લગભગ પચાસેક વર્ષની લાગતી એ સ્ત્રીને મેં ધારીને જોઈ. સુંદર, નમણા ચહેરા પર ભાવવાહી આંખો. પણ એ આંખોમાંથી ઉદાસી ડોકિયાં કરતી હતી. આધુનિક પહેરવેશ; છતાં એનાં મૂળિયાં ભારતીય ભૂમિમાં હતાં એવું મને એને જોતાંની સાથે લાગ્યું. મેં જવાબ આપ્યો, ‘હા, મૅમ, હું હૈદરાબાદથી આવું છું.’

એની આખોમાં એક અજબ પ્રકારની ચમક આવી ગઈ. તેણે કહ્યું, ‘કેટલું સારું ! તમને ભારતમાં રહેવા મળે છે. લંડનમાં વધુ રોકાવાના છો કે ભારત પાછા જવાના ?’

‘હું મારી કમ્પનીના કામે આવ્યો છું. હજી ચારપાંચ મહિના તો રોકાવું પડશે. ત્યાર પછી ભારત પાછો જઈશ.’

‘મારાં લગ્ન થયાં તે પહેલાં હું મુમ્બઈ રહેતી હતી. હવે તો પચીસ વરસથી અહીં છું. લંડન આવ્યા પછી એક્કે વાર ભારત ગઈ નથી ..’ કહીને એણે કદાચ નિસાસો નાખ્યો અથવા મને એવું લાગ્યું. પણ તરત જ ચહેરા પર પરાણે હાસ્ય લાવતાં એ બોલી, ‘હું માનું છું કે જે કોઈ ભારત જઈ શકે તે નસીબદાર છે.’

અમારી વાત ચાલતી હતી ત્યાં એક યુવાન આવ્યો અને કહેવા લાગ્યો, ‘મૉમ, બહુ મોડું થઈ ગયું, નીકળવું છે ને ?’ અને એ જલદી જલદી મને ‘બા …. ય’ કહીને જતી રહી. તે દિવસે હું ક્યાં ય સુધી એને વિશે વિચારતો રહ્યો. પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી લંડનની ઝાકઝમાળભરી જિન્દગી જીવ્યા પછી પણ એને ભારતનું આટલું આકર્ષણ કેમ હશે ?

જાણે આ મારા સવાલનો જવાબ આપવા માટે જ હોય એમ પંદરેક દિવસ પછી મને એક મૉલમાં તે મળી ગઈ. એણે હસીને મને ‘કેમ છો ?’ પૂછ્યું.

મેં કહ્યું, ‘મઝામાં. પણ આપણી તે દિવસની મુલાકાત બહુ ટૂંકી રહી. મારે તમારી સાથે થોડી વાતો કરવી છે. તમને વાંધો ન હોય તો રેસ્ટોરંટમાં બેસીએ ?’ આજે એને બિલકુલ ઉતાવળ નહોતી એટલે કૉફીની ચૂસ્કી લેતાં લેતાં અમે બન્ને વાતે વળગ્યાં. એણે કોઈ ઔપચારિકતા વિના મારા સવાલોના જવાબ આપ્યા.

‘મારાં બે સંતાનો. એક દીકરો. જેને તમે તે દિવસે જોયો. એ અહીંની જ છોકરી સાથે પરણ્યો છે. અમે ઇન્ડિયા હતાં ત્યારે એનો જન્મ થયેલો. એનું નામ સમીર પાડેલું; પણ હવે એ ‘સેમ’ના નામે ઓળખાય છે.’

‘અને બીજું સંતાન ?’

‘સેમથી નાની દીકરીનું નામ છે ‘સારા’. એનો જન્મ અમે અહીં  લંડન આવ્યાં પછી થયો.’

‘તમારા પતિ શું કરે છે ?’

પતિ વિશે વાત કરવાનો ઝાઝો ઉમળકો ન હોય એવા ભાવ સાથે એ બોલી, ‘ટી.વી.માં આર્ટ ડાયરેક્ટર છે. લગ્ન પહેલાં હું મુમ્બઈ હતી ત્યારે રેડિયોમાં એનાઉન્સરની નોકરી કરતી.  ત્યાં જ મારી અને દીપેન્દ્રની ઓળખાણ થઈ અને ધીમેધીમે પરિચય પ્રેમમાં પલટાયો. અમે મરાઠી અને એ પંજાબી. મારા ઘરમાં સખત વિરોધ હતો.’

‘તો પછી તમે લગ્ન કેવી રીતે કર્યાં ?’ મને એની વાતમાં રસ પડતો જતો હતો ..

‘ભાગીને. પણ મારાં પિયરિયાંઓએ એ પછી મારી સાથેનો સમ્બન્ધ તોડી નાખ્યો. સમીરનો જન્મ થયાના સમાચાર મોકલ્યા, તોયે કોઈ જોવા ન આવ્યું; મા પણ નહીં.’ બોલતાં બોલતાં એની આંખોમાં આંસુ છલકાયાં એ એણે ટીસ્યુ–પેપરથી લુછ્યાં ..

‘દીપેન્દ્રનું લંડન રેડિયો માટે સિલેક્શન થયું ને અમે ભારત છોડી લંડન આવી ગયાં. શરૂઆતમાં અહીંની જીવનપદ્ધતિમાં ગોઠવાવું મારે માટે બહુ મુશ્કેલ હતું. વખત જતાં એમાં તો હું ગોઠવાઈ ગઈ; પણ આજ સુધી હું મનથી અહીં ગોઠવાઈ શકી નથી.

‘દીકરાએ એની મનપસંદ છોકરી સાથે લગ્ન કર્યાં ને ખુશ છે. દીકરી એના મિત્ર સાથે લગ્ન વિના પણ રાતોની રાતો ગાળે છે. પતિ કોઈ અચકાટ વિના મારા દેખતાં જ એની સ્ત્રીમિત્રને ગળે વળગાડે છે. જો દીકરાને આ વિશે કંઈ પણ કહેવા જાઉં તો કહે છે :

‘મૉમ, તારા વિચારો આવા જૂનવાણી કેમ છે ? આટલા મોટા લંડનમાંથી તું પણ એકાદ ફ્રેન્ડ શોધી કાઢ ને તારી રીતે મઝા કર. – આ છે અહીંની સંસ્કૃતિ ! જેમાં દીકરો માને શીખામણ આપે છે કે, તું પણ મિત્ર શોધી કાઢ ! મારા ભર્યા–પૂર્યા સંસાર વચ્ચે હું એકલી છું, સાવ એકલી !’ કહેતાં કહેતાં તે એ રડી પડી.

મેં કહ્યું, ‘તમે ભારતીય સંસ્કૃતિ અને ભારત માટે આટલું ઝૂરો છો તો એકાદ વખત તો મારે ત્યાં આવો ! મારું તમને આગોતરું આમંત્રણ છે.’

‘આવીશ. જરૂર આવીશ. જ્યારે અહીંની એકલતા મારાથી સહન નહીં જ થાય ત્યારે અથવા તો મારાં દીકરા–દીકરીનાં સંતાનોને લઈને હું ભારત આવીશ અને બતાવીશ કે જુઓ, આ છે મારી માતૃભૂમિ. પણ અત્યારે મારું એક કામ કરશો ? ભારતના એરપોર્ટ પર ઊતરો ત્યારે ત્યાંની ધૂળ માથે ચડાવીને મને યાદ કરજો. આટલું કરશો ને ?’

પછી મારો જવાબ સાંભળ્યા વિના જ એ ઊઠીને ચાલી ગઈ.

(મીના ખોંડની મરાઠી વાર્તાને આધારે)

તા. 01/12/2012ના ‘ભૂમિપુત્ર’ પાક્ષીકના છેલ્લે પાનેથી સાભાર …

સર્જક–સમ્પર્ક : બી–401, દેવદર્શન, હાલર, વલસાડ –  396 001

ઈ–મેઈલ : avs_50@yahoo.com

‘હરીશ્ચન્દ્ર’ બહેનોના દેહાવસાન પછી, વર્ષોથી ‘ભૂમિપુત્ર’ને છેલ્લે પાને આવતી વાર્તા આપવાનું કામ બહેન આશા વીરેન્દ્રે સંભાળ્યું છે. એમની પાસેથી આપણને ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં રચાયેલી નાનકડી જીવનલક્ષી વાર્તાઓ નિયમિત મળતી રહેશે ..

♦●♦

સૌજન્ય : ’સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ આઠમું – અંકઃ 267 – April 07, 2013

મૂળ ‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

Loading

જીવતા જીવતા મરી રહેલા માણસો

રમણીક અગ્રાવત|Opinion - Opinion|17 September 2021

સાહિત્યનો ૨૦૧૯નો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત કરનાર હિંદી લેખક ડૉ. વિશ્વનાથ પ્રસાદ તિવારી પોતાની આત્મકથા ‘અસ્તિ ઔર ભવતિ’ના એક પ્રકરણ ‘સપને મેં ગાઁવ’માં લખે છે :

“તરાઈક્ષેત્રના આ નાનકડા ગામમાં મારા દાદાના દાદા રામદત્ત તિવારી આવ્યા હતા. પોતાના એક માત્ર પુત્ર ઝઘરું અને પત્ની સાથે. ચોક્કસ સમય તો નથી મળતો પણ અનુમાન મુજબ ૧૮૫૭થી ૧૮૮૦ વચ્ચેની વાત છે. એ પહેલાં અમારા પૂર્વજ અહિરૌલી ગામમાં (નૂનખાર અને ભટની રેલવે સ્ટેશનની નજીક) કેટલા દિવસ રહ્યા અને એની પણ પહેલાં પિંડ-નદૌની ગામમાં કેટલા દિવસ રહ્યા, એ બધું હું નથી જાણતો. હું તો અહીં જ – ભેડીહારીમાં જન્મ્યો અને એને જ જાણું છું. આ મારું ગામ છે અને એનાં માટી, પાણી, તડકો, હવાથી બન્યો છું હું. અહીંની ઋતુ અને જળવાયુ મારા સ્વભાવ મુજબ આત્યંતિક નથી. ન અતિગરમી, ન અતિઠંડી, ન અતિવૃષ્ટિ. દરેક ઋતુનો માપસરનો પ્રસાદ મળતો રહ્યો છે. ચારે ય બાજુ ઘટ્ટ લીલોતરી છે, આંબાના બગીચા છે, ભૂમિ નરમ છે. માટી ફળદ્રુપ છે. શાસનવ્યવસ્થા દ્વારા ભલે આ ક્ષેત્ર ઉપેક્ષિત રહ્યું હોય, પ્રકૃતિની કૃપા વરસી છે એના પર. અહીંનો મુખ્ય પાક શેરડી, ચોખા અને ઘઉં. મારા બાળપણમાં કોદરા, તાંદળા, મોટો બાજરો, જુવાર, બાજરી, જવ, અડદ, મકાઈ વગેરે ધાન્ય અહીં ઊગતું. પણ હવે એ અદૃશ્ય થઈ રહ્યું છે. આમ થવા પાછળનું કારણ જંતુનાશક દવાઓ તો છે જ, ધન કમાવાની લાલસા પણ ખરી. વૈશ્વિકીકરણની બજારવ્યવસ્થામાં ચોખાની અનેક દુર્લભ જાતો અદૃશ્ય થઈ ગઈ છે – કનકજીર, બહરની, બાસમતી, મરચાં વગેરે ચોખાની જાતો તો મારા ખેતરમાં જ ઊગતી હતી. હવે તો એની સોડમની સ્મૃતિ માત્ર બચી છે.  જેમજેમ કૃષિયુગ ઔદ્યોગિક અને યાંત્રિક યુગમાં બદલાઈ રહ્યો છે, તેમતેમ પશુપંખીઓ પણ નવા પરિવેશમાં ગાયબ થઈ રહ્યાં છે. ”

એક લેખકની ચેતના આ ફેરફારોને જોઈ શકી છે. નોંધી શકી છે. બાકી તો સમયના પ્રવાહમાં કેટકેટલું વણનોંધાયું વહ્યાં કરે છે. બધાં બધું જોઈ શકતાં નથી. પોતાના પગને માપે ચાલ્યા કરવાનું બસ! પણ સમયમાં જે ‘બની’ રહ્યું છે, તે રોક્યું રોકાતું નથી. આમ, દડમજલ કરતાં-કરતાં આ સમયમાં આવીએ છીએ, ત્યાં ચોતરફ ‘ગ્લૉબલવૉર્મિંગ’ની બુમરાણ મચી છે. આ ખોટી બીક છે કે ખરી ચેતવણી છે? છેલ્લા કેટલા ય દાયકાઓથી ઋતુઓને સેળ ભેળ થતી આપણે જ જોઈ છે. જે પ્રકૃતિ આપણને ન્યાલ કરતી હતી, તેનાં જ રૌદ્ર રૂપોને આપણે ખુદ જોઈ શકીએ  છીએ.

પ્રકૃતિનાં બાકીનાં ચેતન તત્ત્વો ગ્લોબલ વૉર્મિંગની અસર અનુરૂપ સ્વયંને ઢાળવા લાગ્યા છે.  તેમણે બદલાઈ રહેલા તાપમાનની પેટર્ન સાથે અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષની શરૂઆત કરી દીધી છે. આ વાત વિજ્ઞાનીઓના ધ્યાનમાં આવી છે. અન્નસુરક્ષા પર ગ્લોબલવોર્મિંગની થનારી અસરને માપવા માટે કરવામાં આવેલા સંશોધનમાં એવું જણાયું છે કે કૃષિપેદાશો બદલાતાં હવામાન અનુસાર સ્વયંને ઢાળવાના પ્રયાસો કરી રહી છે. અમેરિકાના કૃષિવિભાગના એક વિજ્ઞાની લુઇસ એસ. જિસ્કાએ ચોખા પર કરેલા સંશોધન-અભ્યાસમાં તેને જણાયું છે કે કૃષિપેદાશોમાં બદલાવ થવા લાગ્યો છે. અભ્યાસમાં તેને જાણવા મળ્યું કે ગ્લોબલ વૉર્મિંગને કારણે વાતાવરણમાં વધતા જતા કાર્બન ડાયૉક્સાઇડના પ્રમાણને લીધે ચોખાના દાણાનું રાસાયણિક બંધારણ બદલાવા લાગ્યું છે. આ અભ્યાસ માટે તેમણે ચીન અને જાપાનના એવા વિસ્તારોમાં સંશોધન કર્યું કે જ્યાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીમાં ઘણું વધારે હતું. આવું સ્થળ પસંદ કરવાનું કારણ એ કે જે રીતે આ સમસ્યા સમગ્ર વિશ્વમાં પ્રબળ બની રહી છે, એ જોતાં આવનારા દિવસોમાં બાકીના ભાગોની હાલત પણ એવી જ થવાની છે. વિજ્ઞાનીઓની ટીમે એ વિસ્તારમાં પેદા થતા અનાજની ૧૮ જાતોનો વિસ્તૃત અભ્યાસ કર્યો અને તેમને જણાયું કે આ અનાજની જાતોમાં માત્ર પ્રોટીન જ નહીં, આયર્ન અને ઝિંક જેવાં તત્ત્વો પણ ઓછાં થઈ ગયાં છે. એટલું જ નહીં તેમાં મળતા બી૧, બી૨, બી૫ વિટામિનોના પ્રમાણમાં પણ ભારે ઘટાડો થયો છે. બીજી રસપ્રદ વાત એ જણાઈ છે કે એ બધા અનાજમાં વિટામિન ઈનું પ્રમાણ વધી ગયું છે. અનાજ પર કરવામાં આવેલું આ સંશોધન મહત્ત્વનું એટલા માટે છે કે વિશ્વના બે અબજ લોકોનો મુખ્ય ખોરાક ચોખા છે. મતલબ અનાજના રાસાયણિક સંયોજનમાં બદલાવ થશે, તો તેની અસર વ્યાપક જનસમુદાય પર પડશે.  બની શકે કે અત્યાર સુધી આપણને બીમારીઓથી બચાવતાં હતાં તે જૈવરસાયણો પણ ઘટી જાય.  પ્રાયોગિક ધોરણે કરાયેલું આ સંશોધન આપણી ખાદ્યસામગ્રી અંગેની મુસીબતનો વ્યાપ વધશે, તેનો સંકેત આપે છે.

આ સંશોધનનો સાર એ છે કે ગ્લોબલ વૉર્મિંગને કારણે વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ આ રીતે વધતું જ રહેશે તો જે ખાદ્યપદાર્થોથી આપણું જીવન ચલાયમાન છે, તેમાં રહેલાં પોષક તત્ત્વોમાં ઘટાડો થતો જશે. એ ખાદ્યપદાર્થોની પોષણક્ષમતા અગાઉના જેવી નહીં રહે. તેનો સ્વાદ બદલાઈ જવાની દહેશત પણ છે.

ક્યાંક ઉનાળાની ભીષણતા, ક્યાંક ચોમાસાનું રૌદ્ર રૂપ, ક્યાંક પવનનું તાંડવ, ક્યાંક શિયાળાનો વિદ્રુપ સકંજો, ગ્લોબલ વૉર્મિંગને કારણે બીજું શું-શું થશે એની ચિંતા કરીએ કે ન કરીએ, એની વ્યાપક અસરોથી કોઈ બચી શકવાનું નથી.

E-mail : rgagrawat@gnfc.in

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 11

Loading

...102030...1,9231,9241,9251,926...1,9301,9401,950...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved