Opinion Magazine
Number of visits: 10,225,994
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન (ક્રૅડિટ) ચોર બની થનગાટ કરે

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|18 September 2021

મેઘાણીની સરકારી ઉજવણી

ઑગસ્ટ ૨૮, ૨૦૨૧ના રોજ ઝવેરચંદ મેઘાણીના જન્મની સવા શતાબ્દીની સરકારી રાહે ઉજવણી કરવામાં આવી. ‘સરકારી રાહે’ એટલા માટે કે તેના નિમંત્રણકાર્ડમાં મેઘાણીની તસવીરો હતી, પણ નિમંત્રણકાર્ડના કવર પર વડા પ્રધાન સહિત પાંચ મંત્રીઓના જ ફોટા હતા – ઝવેરચંદ મેઘાણીનો ફોટો કે ચિત્ર ત્યાં ન હતાં. સોશિયલ મીડિયા પર ટીકા થઈ, એટલે બેશરમ ભક્તસમુદાય વળતી દલીલ કરવા લાગ્યો કે ‘મેઘાણીના ફોટા કાર્ડમાં છે તો ખરા.’

તો શું સરકારે એવો કોઈ પરિપત્ર બહાર પાડ્યો છે કે જેમના વિશેનો કાર્યક્રમ હોય, તેમના ફોટા ફક્ત કાર્ડમાં જ છાપવા અને કવર પર માનનીય ફલાણાશ્રી ને માનનીય ઢીકણાશ્રીઓનાં થોબડાં જ ઝીંકવાં? કાર્યક્રમ મેઘાણીનો છે, તો કાર્ડમાં ને કવર પર, બધે તેમનો જ ફોટો મુખ્ય હોય ને! આટલી સાદી સમજ પણ જેમણે વેચી ખાધી હોય, એ જ પ્રજાતિ સ્વાધીનતાના કવિ મેઘાણીની સવા શતાબ્દી ઉજવવાના અને સાહિત્ય અકાદમીના ભવનને મેઘાણીનું નામ આપીને તેમને સન્માનવાના દાવા કરે.

કાર્ડ પર મેઘાણીનો ફોટો ન હોવાની સરકારી બેશરમીનો આંચકો શમે, તે પહેલાં જિલ્લા સ્તરે યોજાયેલા મેઘાણી-ઉજવણીના કેટલાક સરકારી કાર્યક્રમોની તસવીરો જોવા મળી. તેમાં ચોટીલાના કાર્યક્રમ સહિત અન્ય કેટલેક ઠેકાણે મંચ પરના બૅનરમાં મેઘાણીનો ફોટો ન હતો. ફક્ત નેતાઓના જ ફોટા હતા. લાજ મૂક્યા પછી એક વાર મૂકો કે સો વાર, શો ફરક પડે છે?

બિનસરકારી રાહે થયેલા મેઘાણી-સ્મરણમાં પણ ઝવેરચંદ મેઘાણીના વ્યાપક, બહુરંગી અને સામાજિક-રાજકીય પરિસ્થિતિ સંદર્ભે વર્તમાનમાં પણ પ્રસ્તુત એવાં સર્જનો ઓછાં યાદ કરાયાં ને તેમનું લોકસાહિત્ય-લોકકથાઓ – ‘રાષ્ટ્રીય શાયર’વાળું વધારે ચાલ્યું. કેમ કે એ મેઘાણીનું સૌથી ‘નિર્દોષ’ સ્વરૂપ છે. તેમાં વાંચનાર ઇચ્છે, તો વિચારવાની તસ્દી લીધા વિના અથવા ફક્ત આનંદ માણવા ખાતર ‘મેઘાણી-સાહિત્ય’નો આનંદ માણી શકે છે. ઉપરાંત, મેઘાણીને યાદ કર્યાનો – તેમને અંજલિ આપ્યાનો સંતોષ પણ લઈ શકે છે.

બે-ત્રણ દિવસ માટે ચોતરફ મેઘાણી-મેઘાણી થઈ જવા છતાં, ચર્ચામાંથી મોટે ભાગે બાકાત રહેલા કેટલાક મુદ્દા :

•  ઝવેરચંદ મેઘાણી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, લોકસાહિત્યના સંશોધક, નાટ્યકાર, વિવેચક, આસ્વાદક, અનુસર્જન કરનાર, પત્રલેખક, પત્રકાર, કટારલેખક, તંત્રી, ગાયક, સ્વતંત્રતાસેનાની … આ બધું જ હતા. ગુજરાતી સાહિત્ય-લેખનમાં આટલી બધી વૈવિધ્યપૂર્ણ સર્જકતા જૂજ લોકોને મળી હશે.

•  ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ અને ગાન ગાંધીજીને ખૂબ પસંદ હતાં, પરંતુ તેમણે ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’ કહ્યા હોય એવો કોઈ અધિકૃત ઉલ્લેખ ગાંધીસાહિત્યમાંથી કે ગાંધીજીના નિકટના સાથીદારના લખાણમાંથી હજુ સુધી જોવા મળ્યો નથી. તેમના અવસાન પછી સરદારે દિલ્હીથી લખેલા પત્રમાં પણ 'રાષ્ટ્રીય શાયર’નો કોઈ ઉલ્લેખ નથી. અલબત્ત, મેઘાણીની મહાનતાને ‘રાષ્ટ્રીય શાયર’ જેવા કોઈ છોગાની જરૂર નથી. તેમને આ બિરુદ ગાંધીજીએ આપ્યું હોય કે ન આપ્યું હોય, તેનાથી મેઘાણીની પ્રતિભામાં કશો ફરક પડતો નથી.

આ સંદર્ભે અશોક મેઘાણીએ ફેસબુક પર તેમના પિતા ઝવેરચંદ મેઘાણીને ટાંકીને લખ્યું હતું, 'મને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાયું છે! એ આપનારા મારા સુહૃદો ન હોત, તો હું એમ જ માનત કે કોઈએ મારી દિલસોજ ઠેકડી કરી છે. મિત્રોના હાથથી મળેલા એ પદવીદાનમાં પરિહાસ નહિ પણ પક્ષપાત મહેકે છે. વસ્તુતઃ એ પદવી નથી પણ હુલામણું નામ છે. બાકી તો ક્યાં શાયરી ને ક્યાં હું!’ પછી અશોકભાઈએ ઉમેર્યું હતું, ‘ગાંધીજીને પોતાના મિત્રવર્તુળમાં એમણે ન જ ગણ્યા હોય.’ અશોકભાઈના જણાવ્યા પ્રમાણે, 'દર્શક’ સિવાય કોઈ જાણકારે ગાંધીજીએ આપેલા બિરુદની વાત લખી હોય એવું તેમની જાણમાં નથી. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં પણ એવો કોઈ ઉલ્લેખ નથી.

• ‘મેઘાણી એટલે ચારણી-કાઠિયાવાડી સાહિત્ય-તળ સૌરાષ્ટ્રના શબ્દો’ – એ માન્યતા પણ બહુ અધૂરી છે. તેનો એક જ નમૂનો છે 'માણસાઈના દીવા’માં મેઘાણીએ આત્મસાત્‌ કરેલી મહી કાંઠાની ભાષા. રવિશંકર મહારાજ જેવા મહાન સેવકની કામગીરી મેઘાણીએ જે રીતે ઝીલી છે, તેમાં નકરું આલેખન, રિપોર્ટિંગ, દસ્તાવેજીકરણ કે ભાષાના ભભકા નથી. તેમાં માનવમનનાં ઊંડાણની અને તેના પ્રવાહોની સમજ તથા સમસંવેદન છે. આ પુસ્તકની ૧૯૪૭થી ૧૯૬૭ સુધીમાં ત્રણ આવૃત્તિ અને પછી દસ પુનઃમુદ્રણ થયાં હતાં. કારણ કે ત્યારના ગુજરાતની રવિશંકર મહારાજ અને શ્રી શ્રી રવિશંકર વચ્ચે ગોટાળો થાય એવી અવદશા ન હતી.

• મેઘાણી મુખ્યત્વે મધુર ગીત-કવિતાઓ, ભભક ધરાવતી શબ્દાવલિના કવિ-લેખક કે શૌર્ય પ્રેરતાં કાવ્યોના રચયિતા – એવી માન્યતા પણ યોગ્ય નથી. આપણા સમાજના છેવાડાના ગણાતા લોકોના જીવનસંઘર્ષને વ્યાપક સ્વરૂપે રજૂ કરતી તેમની ઘણી કવિતાઓ અને કૃતિઓ છે, જે યાદ કરાતી નથી.

• મેઘાણી એટલે હિંદુ-મુસલમાન એકતાના પ્રખર સમર્થક અને ધાર્મિક લાગણીના આટાપાટા વીંધીને અંદરના માણસનું દર્શન કરાવનાર. સંઘર્ષને બદલે સહઅસ્તિત્વના ઇતિહાસમાંથી બોધ ખેંચનાર અને તેની સુદૃઢતા માટે કોશિશ કરનાર જણ. તેમના આ પાસા વિશે આપણા કહેવાતા રાષ્ટ્રવાદીઓ જાણે કે વાંચે, તો મેઘાણી તત્કાળ ડાબેરી, સેક્યુલર, લિબરલ, હિંદુવિરોધી વગેરેમાં ખપી જાય.

• મેઘાણી એટલે સાહિત્યમાં અને સાહિત્ય થકી, સામાન્ય માણસમાં રહેલી અસામાન્યતા પ્રગટાવવાની મથામણ કરનાર, તેમનામાં ટમટમતા માણસાઈના દીવાની વાટ સંકોરનારા સર્જક. મુદ્દે, મેઘાણી એટલે લોકના માણસ. તેમનું સાહિત્ય અઘરું નહીં. લોકને સમજાય એવું. લોકભોગ્ય ખરું, પણ લોકરંજક નહીં. લોકને ગલગલિયાં કરાવે એવું બિલકુલ નહીં.

• નકરા શબ્દોના સાથિયા પૂરનારાં, શબ્દાળુ, દૂધમાં ને દહીંમાં પગ રાખનારાં, અપ્રામાણિક, શાસકોની – સત્તાસ્થાનોની ચાપલૂસી કરનારાં લખાણ ન લખવાં, એ મેઘાણીની એક મોટી ખાસિયત હતી. એવાં લખાણ સામેનો તેમનો આક્રોશ અને અભિપ્રાય તેમના અનેક પત્રો-લેખોમાં જોવા મળે છે.

મેઘાણી સવા શતાબ્દી નિમિત્તે મુખ્ય મંત્રીએ ચોટીલામાં મેઘાણીના સ્મારક માટે રૂ. પાંચ કરોડ ફાળવ્યા છે, પરંતુ વર્તમાન સરકારની કોઈને યાદ કરવાની પદ્ધતિ એવી ખતરનાક છે કે આવી જાહેરાતોથી આનંદ થાય એના કરતાં વધારે ફાળ પડે છે. મેઘાણીને તેમના અસલી સ્વરૂપે મળવા ઇચ્છતાં રસિકજનો અશોક મેઘાણીએ સાતેક વર્ષ પહેલાં તૈયાર કરેલી વેબસાઇટ meghani.com, પિનાકી મેઘાણીએ તૈયાર કરેલી વેબસાઇટ jhaverchandmeghani.org, અપૂર્વ આશરની e- shabda.com અને ગુજરાત સરકાર તરફથી સવાસોમી જન્મ જયંતી નિમિત્તે તૈયાર કરાવાયેલી વેબસાઇટ meghani125.comની મુલાકાત લઈને તેમનું પ્રચલિત સિવાય સાહિત્યનું પણ વાંચી શકે છે. આ રીતે મેઘાણીનાં વિવિધ સ્વરૂપો જાણવાના પરિણામે ભાવક તરીકે મનમાં મેઘાણીનું જે સ્મારક ઊભું થાય, તે સાચું.

E-mail : uakothari@gmail.com 


સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 01-02

Loading

મેઘાણી, લંબાતે ગોધૂલિટાણે

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|18 September 2021

બર્થડે બૉય જ બચાડો ગેરહાજર હોય એવા પોસ્ટરઢીમણે સોહતા સરકારી ઓચ્છવની કળ લગરીક વળવામાં છે અને આ લખવા બેઠો છું ત્યારે ઊભરાતું સ્મરણ પચીસેક વરસ પરના એક સંવાદનું છે. ઉત્તર ગુજરાતના કંઈક કસબાતી કહી શકાય એવા ગામની સ્કૂલમાં કશાક વિશેષ અવસરે જવાનું થયેલું. જમતી વેળાએ તાલુકામાં લાડીલા જણાતા એક બાવાજી જોડે થઈ ગયા. એમણે વાતવાતમાં ખરી દૂંટીના અવાજથી ફરિયાદના સૂરે કહ્યું કે પહેલાં તો કેવા કેવા કવિઓ થઈ ગયા, રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે … અને હવે ? કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં! આમાં ભણતાં છોકરાં બચાડા કે’દી ઊંચા આવે, તમે જ કહો ને. કેમ કે બાપજી ખરી દૂંટીથી બોલતા હતા, મારો પણ ખરા દિલથી ગભરાયા નહીં તોયે ડઘાયા વિના છૂટકો નહોતો. શરૂનો ડઘડઘાટ લગીર આછર્યો એટલે મેં કહેવાનું સાહસ કર્યું કે બેઉના કવિ એક જ છે. બાવાજીએ વળતા કંઈક લોચા વાળ્યા, ચપટીક કરુણા અંબોળતે, કે પાપી પેટ સારુ કવિએ નિશાળિયાંની ચોપડી સાટું આવી લખી આપ્યું હશે. ગમે તેમ પણ, એક પા લાડુ અને બીજી પા બાપજીના બોલ બેઉ એક સાથે ગળે ઉતારતાં હું એ સ્વાતિક્ષણે જે દર્શન લાભ્યો તે એ કે દેશપ્રેમના તાનમાં આ ચિત્તમાં ગામડાંની શેરી, એમાં રમતાં બાળકો અને ગલૂડિયાંની નાનીશી દુનિયા, એને સારુ સહૃદયતાથી વિચારવાનો અવકાશ જ કદાચ રહ્યો નથી.

સરકારી ઉજવણાંની દાસ્તાંમાં જવાનું આરંભે જ એક આછોતરા સંકેતપૂર્વક ટાળ્યું છે તો ટાળીને જ ચાલું. પણ મેઘાણીની એકસો પચીસી ટાંકણે જે બધી સામગ્રી સંભારાઈ એમાં આગળ પડતો ઉલ્લેખ પામેલી રચના કોઈ એક હોય તો તે ‘છેલ્લો કટોરો’ હતી. એક ઇતિહાસક્ષણે મેઘાણીએ સામ્રાજ્યવાદી પેચપકડ સબબ ગાંધીની મનઃસ્થિતિ આબાદ પકડી રાષ્ટ્રીય મિજાજને છેડેથી રમતી મૂકેલી એ રચનાની સ્મૃતિ અને સ્વીકૃતિ નિઃશંક હતી, છે અને રહેશે. મેઘાણીનું સોમું મનાવ્યું ત્યારે તેમ એકસો પચીસમું મનાવી રહ્યા છીએ ત્યારે ય આ વાત બદલાઈ નથી.

આપણે વિવેકબૃહસ્પતિ તો શી ખબર પણ સંવેદનશીલ પ્રજા હોઈએ તો આગળપાછળ એક લાંબા ફલક પર જોતાં સ્વાતંત્ર્યોત્તર વરસોમાં, ખાસ કરીને અનામતવિરોધી જે વરવો ઉત્પાત ગુજરાતમાં આપણે જોયો તે પછી જેનાં ઓસાણ ન છૂટવાં જોઈએ અને સતત ખેંચાણ રહેવું જોઈએ એવી રચના મને તો ‘છેલ્લી સલામ’ લાગતી રહી છે. સંસ્થાનવાદ અને પરચક્ર સામેની સ્વરાજલડાઈનું તો જાણે સમજ્યા, પણ સ્વચક્ર સામે અને સ્વચક્ર અંતર્ગત સમાજછેડેથી સ્વરાજલડાઈનું શું. સ્વરાજ આવે તે પૂર્વેથી જેમ મહાત્મા તેમ આપણો કવિ તે બાબતે સ-ભાન છે. ગોળમેજી બાદ કથિત કોમી ચુકાદા સામે ગાંધીએ અનશન કર્યા અને આંબેડકરે તાણ અનુભવી એ ખંડદર્શન છે, અનશને – આ ડોસો મર્યો તો આપણે જવાબદાર લેખાઇશું, એવી એક કંપારી હિંદુ ઓર્થોડોક્સીમાં જગવી એ સમજીએ ત્યારે ચિત્ર પૂરું થાય છે. અહીં એમાં વિગતે જવાનો ખયાલ અલબત્ત નથી. માત્ર, એ અનશન વેળાએ ગાંધીનું હૃદયમંથન શું હશે, શું હોઈ શકે એની કવિકલ્પના હિંદુસમાજને જે રીતે ઝંઝેડી શકે એમાં ‘છેલ્લી સલામ’નું સમસંવેદનસિક્ત સ્વારસ્ય રહેલું છે. કવિએ અન્યત્ર જેને સ્વતંત્રતા કે સ્વાધીનતાના નામમાં રહેલી સુધા કહી છે એની વ્યાખ્યા હર સ્વરાજસમાજ વાસ્તે આંતરબાહ્ય બેઉ ધોરણે કરવી રહે છે. દેશનો એક મોટો હિસ્સો, ગુલામીના વેપાર વગર પણ, વેઠમાં જન્મી વેઠમાં મરતો હોય ત્યારે ? કવિની કલમે ‘ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદણ’ના ઢાળમાં ‘સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે …’ એ પંક્તિઓ ઊતરી આવે છે :

સો સો સલામું મારા ભાંડુડાંને કે’જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો … જી !
ટીપે ટીપે શોણિત મારાં તોળી આપું તોયે,
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી.
એવા પાપદાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા – ઠરશે ન જી !

પાપદાવાનલનું આ જે દાયિત્વ અને ઉત્તરદાયિત્વ, મેઘાણીના ગાંધી સહિત કોઈ એમાંથી બાકાત નથી, પછી એ ખાંડવવનનું દહન કરનારાઓ હોય કે ખુદ રામરાજ્ના રણીધણી :

રઘુપતિ રામ મારા રુદાનો વિસામો, એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો … જી,
પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો … જી !

સમાજના એક મોટા હિસ્સાની એક તરેહના ક્રૂસારોહણની જે ચિરનિયતિ, એને વળી વતન-અને-રાષ્ટ્રબોધ-શેનો.

વાતની શરૂઆત મેં પેલા બાપજીના કૌતુકથી કરી અને ગાંધીજીના અનશન નિમિત્ત રચનાથી. પણ ખરું જોતાં ભલે જાથુકી લાગે તોપણ મારે જે કહેવું છે એનો ઉપાડ ને ઉઘાડ હું ‘લિ. હું આવું છું’ના હૃદયઘોષથીયે કરી તો શક્યો હોત. બરોબર સો વરસ પહેલાં, સપ્ટેમ્બર ૧૯૨૧માં મિત્ર ગુલાબચંદ વખારીઆ પરના પત્રમાં મેઘાણીએ લખ્યું હતું : ‘અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઈ ગયો. વગડાંમાંથી ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે, મંદિરમાં ઝાલર વાગવા લાગી … જીવનની આ ગોધૂલિને સમયે, અંધકાર ને પ્રકાશની મારામારીને વખતે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું. એના સાદને હું ઓળખું છું …’

મેઘાણીના વ્યક્તિગત જીવનમાં નહીં બંધાઈ રહેતાં વ્યાપક ફલક પર જોઉં છું તો રાષ્ટ્રજીવનને સારુ સરેખાત એ એક ગોધૂલિટાણું હતું. બધું હતું ધૂલિધુસર, ઝાંખુંપાંખું. પણ ઝાલર બજતી હતી, ઠાકુરદ્વારે કહેતાં કોઈક શાંતિનિકેતનમાં, કોઈ સાબરમતી આશ્રમમાં. એટલે અંધકારમાંયે અવાજનું એ અજવાળું દોરી જતું હતું : કારખાનાની કલકત્તી નોકરી અને ‘સૌરાષ્ટ્ર’ સ્કૂલની પત્રકારી, આ બે વચ્ચેની જે સંક્રાન્તિ, તેમાં મેઘાણીની વૈયક્તિક ચાલના અને રાષ્ટ્રજીવનની તત્કાલીન ધખના ગૂંથાતી આવતી હતી. ૧૮૫૭નો સ્વાતંત્ર્યલક્ષી તોપણ તત્ત્વતઃ સામન્તી એવો સશસ્ત્ર ઉપક્રમ પાછો પડ્યો હતો. વિલક્ષણ જોગાનુજોગ રૂપ, સંગ્રામ સાથે જ શરૂ થયેલ યુનિવર્સિટી શિક્ષણના આરંભિક ફાલ સરખી લિબરલ પેઢી, ૧૮૮૫માં કાઁગ્રેસ સરજવામાં નિમિત્ત બની – અને લાલબાલપાલનાં જહાલ ઇંગિતો સાથે નવવળાંકગાળાના કોઈક તબક્કે પ્રતિલોમ અભિગમ સાથે ગાંધીતત્ત્વે દેખા દીધી. તે સાથે આપણા રાજકારણે અને જાહેર જીવને આમૂલ એવો પ્રજાસૂય પલટો લીધો. ગુણાત્મક પરિવર્તનની એવી પળો હતી એ જ્યારે રજવાડાંમાં વહેંચાયેલું હિંદ તેમ જ બ્રિટિશ હિંદ બધાંયે ‘રાષ્ટ્ર’ અને ‘લોક’ને નવેસર વ્યાખ્યાયિત કરી રહ્યાં હતાં. મેઘાણીનાં સર્જન-સંપાદન-સંશોધનને પણ આ વ્યાપક ફલક પર જોવાપણું છે.

પોતે કલકત્તેથી નીકળ્યા ત્યારે ગાંઠે જે સામગ્રી બાંધી હશે એમાં ‘કુરબાનીની કથાઓ’ની હસ્તપ્રત પણ હતી. રવીન્દ્રનાથકૃત ‘કથા ઓ કાહિની’ પરથી ઉતારેલી કથાઓ એ છે. એનાં પ્રાસ્તાવિક વચનોમાં એમણે કુરબાની એટલે શું તે સમજાવ્યું છે : ‘‘સ્વધર્મનો જે કાળે સાદ પડે, સ્વધર્મ જે કંઈ છોડવાનું ફરમાવે – પછી સ્વધર્મની માગણી ખુદ માથાની હોય અગર એકાદ વસ્ત્રના ટુકડાની હોય, તે કાળે તે વસ્તુ હસતે મોંએ, સહેલાઈથી વિના થડક્યે આપી દેવાય એનું નામ કુરબાની.’’ અને સાથે આ કથાઓના વસ્તુ વિશે પણ ફોડ પાડ્યો છે : ‘‘શીખ, રાજપૂત, બૌદ્ધ, મરાઠા ઇત્યાદિ તવારીખોમાંથી સ્વાર્પણ ને ત્યાગના સુંદર ભાવપ્રસંગો.’’ જોઈ શકાશે કે બલિદાન ને કુરબાનીની કોઈ એક ચોક્કસ સ્કૂલ, ખાસ બ્રાન્ડ, અમુકતમુક ધર્મસંપ્રદાય કે કોમનો કેનવાસ એમનો નથી. ‘શિવાજીનું હાલરડું’ ખરા દિલથી ગાતે છતે ત્યાં ઇતિહાસઝોકું ખાનાર જણ એ નથી. રવીન્દ્રનાથ ને ગાંધી થકી સરચાર્જ એવી જે આબોહવા એમાં એ શ્વસ્યાવિલસ્યા છે.

ભારત વિશેની એમની સમજ શી છે ? જુઓ રવીન્દ્રનાથ, એમના અનુવાદમાં :

કોના એ સાદ સુણી, ક્યાંથી આ ભોમ ભણી,
        માનવવઝરણીના મહાસ્રોત વળી આવ્યા !
આર્યો, ચીના, દ્રવિડ, હૂણો, શક અડાભીડ,
        આવીઆવીને સર્વ એકમાં સમાયા.
જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ,
        વિરમ્યા ઘોંઘાટ એની હાક પડી રે,
જાગો, જાગો રે, પ્રાણ, જાગો ધીરે –
        ભારતભૂમિને લોકસાગરતીરે.

મેઘાણીએ આ રવીન્દ્રરચનાને ૧૯૪૬માં ખાસ સંભારી છે. પ્રસંગ હતો ‘માણસાઈના દીવા’ને મહીડા પારિતોષિક મળ્યું તેનો. ધારાળા કહો, બારૈયા કહો, પાટણવાડિયા કહો એ સૌને એટલે કે તથાકથિત સામાન્યજનો અને તથાકથિત અસામાજિકોને માણસમાં સ્થાપવાનો જે નાગરિક ઊજમ રવિશંકર મહારાજ થકી થયો એની સહૃદય નિરૂપણા એમાં થયેલી છે. પુરસ્કારનો સ્વીકાર કરતાં મેઘાણીએ કહેલું : ‘‘ગુજરાતના કોઈ ધરતીબાળો ઊઠો ! તમારો દરિયાકાંઠો ને તમારી કંદરાઓ, કોતરો, પહાડકરાડો તેમ જ સપાટ મેદાનોને તપાસો. એનાં સંતાનો આ રબારી, પાટણવાડિયા, ઠાકરડા, ખારવા ઇત્યાદિની માણસાઈને ધીરતાથી ઉકેલો.’’

તો, દેશને ચાહવો એટલે રાજારજવાડાં, રાજકીય અગ્રવર્ગ, ઉચ્ચકુલીન વર્ગ એમ નહીં પણ નાતજાતકોમને વળોટી જનસામાન્યની વાત કરવી તે. ‘યુગવંદના’માં (પરમાનંદ કાપડિયા જેને સાગ્રહ, સાભિપ્રાય ‘યુગવેદના’ કહેવું પસંદ કરતા, એમાં) ‘પીડિતદર્શન’નો એક આખો વિભાગ છે જેમાં સાંતાલની નારી ને ખેડુ સ્ત્રીથી માંડીને બીડીઓ વાળનારીનાં ગીત પણ છે. અને ‘કસુંબીનો રંગ’ પણ આ જણે ક્યાં ક્યાં જોયેલ છે ? ધોળા ધાવણની ધારે, તંબૂરના તારે, પીડિતની આંસુડાધારે – હાહાકારે, ધરતીનાં ભૂખ્યાં કંગાલોના ગાલે … ‘રઢિયાળી રાત’ની સૃષ્ટિમાં પ્રવેશીએ ત્યારે ‘મુસલમાની રાસડા’ સુધ્ધાં ઝિલાતા આવે છે. કહ્યું ને નાતજાતકોમથી ઊફરું વલણ છે એમનું. ‘ફૂલછાબ’ વરસોમાં મૌલાના આઝાદ મિશે આપણા કવિએ શું આબાદ કહ્યું છે :

સલામો કરું બીજના ચાંદને
સલામો જમીંને ને આસ્માં તને !
સલામો ચમનને ને વેરાનને,
ઉછેર્યો તમે એક ઇન્સાનને !

નાતજાતકોમ જ શીદને, એની સાથે દેશને પણ હું જોડી દઉં, જો મેઘાણીનું અખંડદર્શન કરવું હોય તો. વાત એમ છે કે દેશને ચાહવો કબૂલ, એના બાગબગીચા બસરોચશ્મ. એના માણસો જાણે જિગરના ટુકડા. પણ આ દેશ સુધ્ધાં, છેવટે છે તો વિશ્વનો અંશ જ ને ? તમે જુઓ, લોકલય અને ચારણી છટા એમને કંઠ-કલમ-વગાં છે. ‘ઘટમાં ઘોડા થનગને’માં ચારણી નાદનો અનુભવ અસાધારણ છે. પણ અભિવ્યક્તિની આ પરંપરાનો કસ કાઢતે છતે વાત એ નવા જમાનાની, અદીઠ ને અતલનો તાગ લેવાની કરે છે; અને તે પણ ‘વિશ્વભરના યુવાનો’ની જિકર કરીને. ઘણ ને એરણવાળી અતિપ્રસિદ્ધ રચનાનો આ કવિ, નિઃશસ્ત્રીકરણનું સમણું જોનારો ને એ રીતે દેશભક્તિ ને વિશ્વપ્રીતિ વચ્ચે અંતે જતાં અવિરોધી અભિગમ કેળવવા તાકનારો છે. એક એવો દેશભક્ત છે આ જે માર્ક્‌સવાદી ઇન્ટરનેશલની તરાહમાં ‘‘જાગો જગના ક્ષુધાર્ત ! જાગો, દુર્બલ અશક્ત ! ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે …” એમ ખોંખારીને ગાઈ શકે છે.

મુદ્દે, ઘરઆંગણે લોક અને દેશની એમની સમજ ફિરકાઓને વટી ગઈ હતી એ કારણે એમને વૈશ્વિક ફલક પર વિચારતાં હરકત નહીં પડી હોય. વચ્ચે આપણે ૧૯૨૧ના એમના કર્ટન કૉલ શા પત્રની વાત કરી, પણ તે પૂર્વે છેક ૧૯૧૬માં કેવળ વીસમે વરસે લાખાપાદર બેઠે એ વડીલબંધુ લાલચંદ મેઘાણીને જે પત્ર લખે છે એમાં ‘ગાંધીશ્રી’ના વિચારોને ‘કોસ્મોપોલિટન’ કહેતાં સર્વદેશીય કહે છે ! તો, ગાંધી સરખા ‘ઠેઠ હિન્દુસ્તાની’ની વિશેષતા મેઘાણીના મતે એમના કોસ્મોપોલિટન હોવામાં છે. ‘જુદી જુદી જમાત ભાંગી ઘડિયો વિરાટ’ એ ભારતઘટનાનું સ્વારસ્ય શેમાં ? તો કહે, વૈશ્વિકતામાં.

આ જે સ્વારસ્ય, મેઘાણી એને એકાધિક છેડેથી પકડવા કરે છે. આયખાના અંતભાગે એ ‘સોરઠી સંતો’ લઈને આવ્યા ત્યારે નાંદીવચનોમાં રૂડું કહ્યું’તું એમણે કે ‘‘શૈવ, વૈષ્ણવ, જૈન અથવા સ્વામીપંથી એવા કોઈ એક સંપ્રદાયની અંદર મહિમા પામેલા ધર્મગુરુઓનાં આ વૃત્તાન્તો નથી. અહીં સંઘરવામાં આવ્યાં છે તે અને હવે પછી સંઘરાશે તે, તમામ તો લગભગ બિનસંપ્રદાયી અને ગ્રામવસતીના નીચામાં નીચા પડ સુધી ઊતરેલા ઈશ્વરપ્રેમી ને સેવાભાવી સંતોનાં બયાનો છે. એનું ‘લોકસંત’ એવું નામ બરાબર અર્થવાહી લાગે છે, કેમ કે તેઓ લોકોને રંગે રંગાયા હતા અને લોકો તેઓને રંગે.’’

અહીં ‘બિનસંપ્રદાયી’ એ પ્રયોગ નોંધ્યો તમે ? અને હા, ‘ગ્રામવાસીના નીચામાં નીચા પડ’નો ઉલ્લેખ પણ કાળજે ધરવો જોઈએ, કેમ કે એ ઝોકમાં એક કોસ્મોપોલિટન દેશદાઝને સારુ પ્રિય ને પથ્ય એવો અગ્રતાવિવેક રહેલો છે. પેટલીકરની ‘જનમટીપ’ના દૂખણાં લેતાં એમણે એમાં રહેલ ‘પ્રોલિતારિયેત’ સૃષ્ટિની ખાસ નોંધ લીધી છે. આ જ વિવેકે અને ન્યાયબુદ્ધિએ એમની કને, આપણે જોઈ ગયા તેમ ‘છેલ્લી સલામ’ લખાવેલ છે. (લાંબા પટ પર આ રચનાને ત્રણ જ કદરદાન મળ્યા જણાય છે : સુંદરજી બેટાઈ, મનુભાઈ પંચોળી, જયંત કોઠારી.)

સ્વરાજ આવવામાં હતું અને મેઘાણી ગયા. આજે આઝાદીના અમૃતપર્વનો માહોલ છે ત્યારે ઉજવણીના શોર છતાં એમાં નહીં ડૂબી જતું દુર્દૈવ વાસ્તવ એ છે કે આપણી પ્રજાકીય નિયતિ ફિરકાઓમાં ને કુનબાઓમાં વહેંચાવાની રહી છે, આડા ને ઊભા વહેરાવાની રહી છે. અગ્રવર્ગમાં સહૃદયતાનું ટાંચું એવું તો પડ્યું છે કે દેશના લોકોની એની સમજ વસ્તુતઃ વર્ગવિશેષ કે વર્ણવિશેષ કે સંપ્રદાયવિશેષ સાથે સમીકૃત થતી ચાલી છે. મેઘાણી હોત, વીરમાયા અને બિરસા મુંડા સરખાના નવસાક્ષાત્કારના એ સંવાહક બની રહ્યા હોત; નેલ્સન મંડેલા અને બીજાને એમણે પોંખ્યા હોત. ધીરે ધીરે આપણી ચેતનાની ક્ષિતિજો વિસ્તરતી આવે છે, સમજ ને સંવેદના સંકોરતાં આવે છે; અને મેઘાણી જાણે નવસર પમાતાં ન હોય ! ગોધૂલિવેળા ખાસી લંબાતી ચાલેલ છે અને એટલે સ્તો મેઘાણીએ સાંભળેલી (ને સંભળાવેલી) ઝાલરનો આજ જરીક વધારે જ ખપ છે.

અસરકારી મેઘાણીની અખંડ ખોજના આ સહેજસાજ લંબાયેલ બે બોલ સંકેલવામાં છું ત્યારે સાંભરી આવે છે કે પ્રગતિવાદ વિશેની એમની વિવેચનામાં મેઘાણીએ ભરીબંદૂક નોંધ્યું છે કે આપણા યુગમાં અનેક સમાજોમાં ‘લોક’ અને ‘સાહિત્ય’ બંને શબ્દો ભ્રષ્ટ થયા છે. લોકના નામે લોકનું અને સાહિત્યના નામે સાહિત્યનું શોષણ થયું છે. (હમણેના દાયકામાં લખતા હોત તો એમણે ‘રાષ્ટ્ર’નોયે આ જ તરજ પર ઉલ્લેખ કરવો પસંદ કર્યું હોત.) આ સંજોગોમાં નિરંજન ભગતની દાયકાઓ પરની ઉક્તિ કેવી તરોતાજા લાગે છે કે મેઘાણીને નામે મેઘાણીનું જ શોષણ થયું છે … લંબાતે ગોધૂલિટાણે, આ સંબલ વચનો !

(“પરબ”ના સદ્‌ભાવથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 05-08

Loading

ચલ મન મુંબઈ નગરી—112

દીપક મહેતા|Opinion - Opinion|18 September 2021

મુંબઈમાં જોવા જેવું શું શું છે? મુંબઈ

મુંબઈ એટલે ચાંદીની બંકિમ તલવાર પર જડેલું મોંઘુ રતન

કોઈ મને પૂછે કે મુંબઈમાં જોવા જેવું શું શું છે? તો હું કહીશ : મુંબઈમાં જોવા જેવું તો બસ એક જ છે, મુંબઈ.

સિડની લો (પત્રકાર, પ્રવાસી)

A Vision of India, 1906માંથી

*

મલબાર હિલ પરથી વહેલી સવારે મુંબઈ

મુંબઈના એ દૃષ્યને હું ક્યારે ય ભૂલી શકીશ નહિ

મલબાર હિલ પરથી જોયેલા એ દૃષ્યને હું ક્યારે ય ભૂલી શકીશ નહિ. સવાર પડવાને હજી થોડી વાર હતી. પશ્ચિમ ઘાટના ડુંગરો પાછળથી ઊગતા સૂર્યનાં કિરણો પથરાવાનું શરૂ થઈ ગયું હતું. એના અંજવાસને કારણે એ ડુંગરો ઝાંખી પાર્શ્વભૂમિ જેવા બની ગયા હતા. તો બીજી બાજુ દરિયામાં તેજની લકીરો ઉછળતાં મોજાંની સાથે જાણે સમૂહનૃત્ય કરી રહી હતી. કોટ વિસ્તારનાં મકાનોનાં છાપરાં આછા લાલ રંગથી ચમકી રહ્યાં હતાં. સૂરજ થોડે ઊંચે ચડ્યો અને નાળિયેરીનાં ઝુંડોમાંથી ચળાઈને આવતાં સૂરજનાં કિરણો ચોપાટીની રેતીને ચમકાવવા લાગ્યાં. આ બેની વચ્ચે આવેલ ચીમનીઓ કાળો ધુમાડો ઓકવા લાગી હતી. મુંબઈના ઉદ્યોગો – ખાસ કરીને કોટન મિલ્સ – કામ કરવા લાગ્યા હતા. એ ધુમાડો આખા દૃષ્યને ગતિશીલ અને સજીવ બનાવતો હતો. જો કે બીજી બાજુ, આ ધુમાડાથી શહેરનું વાતાવરણ બગડે છે એની પણ મને સતત ચિંતા રહી છે. પણ એ બાબતમાં હું ઝાઝું કરી શક્યો નથી. કારણ તેની સાથે મોટી સંખ્યાના લોકોની રોજી-રોટીનો સવાલ જોડાયેલો છે. લગભગ ચાર વરસ સુધી બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નર તરીકે કામ કરવા અને બોમ્બે જેવા એક મહાન શહેરમાં રહેવા મળ્યું એનો મને આનંદ છે. આ લાંબા ગાળામાં અનુભવો તો અનેક થયા છે. સારા તેમ જ માઠા. પણ મારી આખી જિંદગી ભૂલી ન શકું એવો જો કોઈ અનુભવ હોય તો એ છે મુંબઈ શહેરને આળસ મરડીને ધીમે ધીમે જાગતું જોવાનો આ અનુભવ.

લોર્ડ લેમિંગ્ટન. (મુંબઈના ગવર્નર, ૧૨ ડિસેમ્બર ૧૯૦૩થી ૨૭ જુલાઈ, ૧૯૦૭)

ગુરુવાર, એપ્રિલ ૧૯૦૮ના રોજ બપોરે ધ રોયલ સોસાયટી ઓફ આર્ટસમાં આપેલ પ્રવચન

Reminiscences of Indian Life – માંથી

*

મુંબઈ એટલે ચાંદીની બંકિમ તલવાર પર જડેલું મોંઘુ રતન

મલબાર પોઈન્ટની ભેખડના છેડા પરથી મુંબઈનું અને તેના બારાનું જે દૃષ્ય દેખાય છે તે અદ્ભુત છે. ડો. વિલ્સન જ્યાં રહેતા હતા એ મકાન કે પછી લેડીઝ જિમખાના આગળ જઈને ઊભા રહો. તમે જો કવિ હશો તો કહેશો કે આ દુનિયામાં આથી વધુ સુંદર દૃષ્ય બીજે ક્યાં ય જોવા નહિ મળે. તમારી નજર સામે પથરાઈ રહ્યો છે એક બાજુ પાણી, જંગલ, ડુંગર, જેવાં કુદરતી તત્ત્વોનો અનોખો સંગમ. તો બીજી બાજુ જોવા મળે છે શહેરની ભવ્ય ઇમારતો. તેની બંને બાજુ છવાયેલાં છે નાળિયેરનાં હારબંધ વૃક્ષો. અર્ધગોળાકાર દરિયા કાંઠો આ આખા દૃષ્યને ચિત્ર જેવું બનાવી દે છે. હા, મુંબઈમાં સૈકાઓ જૂની ઐતિહાસિક ઇમારતો નથી. અગાઉના રાજવીઓનાં સ્મારકો નથી. છતાં અહીં જે છે તે બીજે ક્યાં ય ભાગ્યે જ છે. મુંબઈ એટલે ચાંદીની બંકિમ તલવાર પર જડેલું મોંઘુ રતન.

‘ગાઈડ ટુ બોમ્બે’ ૧૮૯૯ની આવૃત્તિમાંથી

*

મુંબઈના લોકો અને તેમનાં મકાનો

માત્ર વીસ માઈલના ફેલાવામાં મુંબઈમાં જેટલું વૈવિધ્ય જોવા મળે છે એટલા વૈવિધ્યની મેં કદી કલ્પના પણ કરી નહોતી. સતત બે કલાક સુધી હું ટેક્સીમાં ફર્યો છું – ‘દેશીઓ’ના વિસ્તારમાં અને ગામડાંઓમાં પણ. અહીંનો એકેએક રસ્તો માણસોથી ઊભરાય છે. પણ તેમાંથી એક સરખા દેખાતા અડધો ડઝન માણસો પણ શોધવા મુશ્કેલ છે. અહીં ગોરાઓ છે, ઘઉંવર્ણાઓ છે, પીળી ચામડીવાળા છે, ચોકલેટી રંગની ચામડીવાળા છે, અને કાળિયાઓ પણ છે. એ દરેકનો પહેરવેશ પણ જૂદો જૂદો. એ પણ જાત જાતના રંગોનો. કેસરિયો, સિન્દુરિયો, લીલો, ભૂરો, કથ્થઈ, રાખોડી. એક બાજુ છોકરાઓનાં ટોળાં. તેમાંના કેટલાક સાવ નાગાપૂગા, તો કેટલાક પગથી માથા સુધી કપડાંમાં વીંટળાયેલા. હજી થોડા વરસ પહેલાં જ અહીં આવેલી મોટરમાં રૂઆબભેર ફરતા હોય કેટલાક, તો કેટલાક માઈલો સુધી રોજ પગપાળા ઘર અને કામની જગ્યા વચ્ચે આવ-જા કરતા હોય છે. સ્ત્રીઓ – ખાસ કરીને પારસી સ્ત્રીઓ – પડદાવાળી બગીમાં રસ્તા પરથી પસાર થતી જોવા મળે છે. જો કે તેમની સાથે તેમના ઘરનો કોઈને કોઈ મરદ પણ એ બગીમાં હોય જ છે.

અહીંના લોકોમાં જેટલું વૈવિધ્ય છે તેટલું જ અહીંનાં મકાનોમાં પણ જોવા મળે છે. ફોર્ટ અને તેની આસપાસનાં મકાનો જુઓ તો બે ઘડી લાગે કે આ તે મુંબઈ છે કે વિયેના! હા, યુરોપિયન શૈલીનાં એ મકાનો પર સ્થાનિક સ્થાપત્યનાં અલંકરણો જોવા મળે. પણ ‘દેશી’ લોકોનાં મકાનો સ્થાપત્યની દૃષ્ટિએ અનેક શૈલીના શંભુમેળા જેવાં. અને દરેક મકાન માણસોથી ઊભરાતું. દિવસના કોઈ પણ વખતે મકાનની બારીઓમાંથી બે-ચાર માથાં બહાર ડોકાતાં જોવા મળે જ મળે. એમનાં ન્યાતજાત, ભાષા, દેશ-પ્રદેશ જૂદાં જૂદાં. પણ મોટે ભાગે બધાં હળીમળીને રહે છે. અને છતાં એ બધાં પોતપોતાના ધરમ, રિવાજો, માન્યતાઓ, વગેરેને બહુ ચુસ્ત રીતે વળગી રહે છે. અને દરેક જૂથ પોતાને શ્રેષ્ઠ મને છે.

જે.એ. સ્પેન્ડર (પત્રકાર, સંપાદક, લેખક)

The Indian Scene, 1912 માંથી

*

મુંબઈની બજાર

મુંબઈની બજાર

મુંબઈની બજારોમાં ફરવા નીકળવું હોય તો સવારે જવું સૌથી સારું. એ વખતે રસ્તાઓ ચોખ્ખા ચણાક હોય છે અને ઝાઝી ભીડ પણ નથી હોતી. હમાલો અને કારીગરો હજી કામળી ઓઢીને બેઠા હોય છે. દુકાનોમાં તાજાં ફળો અને શાકભાજી આવતાં હોય છે. તાડીનું મટકું માથે મૂકીને  તાડીવાળો ધીમી ચાલે રસ્તા પર ફરતો હોય છે. હિંદુ છોકરીઓ દેવદેવીની મૂર્તિઓને ચડાવવા માટે તાજાં ફૂલોના હાર ગૂંથતી દુકાનની બહાર બેઠી હોય છે. પણ જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તેમ અહીં ચહલપહલ, ઘોંઘાટ, ગંદકી, વધતાં જાય છે. અને ગરમી તો હોય છે તમને ભાન ભૂલાવી દે તેવી. જ્યાં જુઓ ત્યાં ધૂળ, શોરબકોર, બફારો. અને છતાં અહીંના લોકો સહેલાઇથી આવ-જા કરતા જોવા મળે છે. હવે અહીં લોકોનો પ્રવાહ નદી જેવો નહિ, દરિયાના એક પછી એક આવતાં મોજાં જેવો છે. અને આ લોકો બે જ વર્ગમાં વહેચાયેલા હોય છે: વેચનાર અને ખરીદનાર.

પીઠ પર કાપૂસની ચોરસ ગાંસડીઓ ઉપાડીને, તેના ભારથી બેવડ વળી ગયેલા મજૂરો રસ્તાઓ પર ધીમે ધીમે સરકતા હોય છે. તો માથે મસ મોટો ફેંટો પહેરેલા આરબો ધીમી ચાલે રસ્તાઓ પર ટહેલતા હોય છે. લાલ પાઘડી પહેરેલા વાણિયાઓ હાથમાં કલમ અને કાગળોની થોકડી લઈને રઘવાઈ ચાલે આવ-જા કરતા હોય છે. ઊજળા દૂધ જેવાં કપડાં પહેરીને જૈનો હાથમાં પૂજાની સામગ્રી લઈને તેમનાં મંદિરો તરફ જતા હોય છે. પોર્ટુગીઝ પાદરીઓ, યહૂદી વેપારીઓ, પારસીઓ, બધા અહીં અધીરી ચાલે જતા જોવા મળે છે. જાણે દરેકને બીક છે કે હું મોડો પડીશ તો બીજો કોઈક ખાટી જશે.

મિસિસ પોસ્ટન્સ (લેખિકા, મુંબઈમાં લાંબા સમય સુધી વસવાટ)

Western India, Vol. 1, 1839 માંથી

*

ઘોડાનો આરબ વેપારી

મુંબઈનું ઘોડા-બજાર

તમે બજારમાં ફરતા હો ત્યારે અરબી ઘોડા વેચનાર વેપારીના તબેલા તમારું ધ્યાન ખેંચ્યા વગર રહે નહિ. એક-એક તબેલામાં વીસથી ત્રીસ ઘોડા. પણ એ વેચવાની જરા ય પડી ન હોય તેમ આરબ વેપારી આખો દિવસ હુક્કો પીતો તબેલાની બહાર ખુરસી પર બેઠો હોય. તમે જાવ તો આવકારવા માટે ઊભા થવાનો વિવેક પણ ન બતાવે. ગમે તેવી ગરમી હોય, પણ તેણે ઊનનાં ગરમ કપડાં જ પહેર્યાં હોય! ઊંચી ઓલાદના ઘોડા તબેલામાં જ, પણ ચાલુ ઘોડાથી અલગ હોય. ઘરાકને જોતાં વેંત તે કેટલા પાણીમાં છે તે પારખી લે. પહેલાં તો તમને મામૂલી ટટ્ટુ જ બતાવે. તમે બહુ આગ્રહ રાખો તો એક-બે જાતવાન ઘોડા બહાર મગાવે. અને જો તમે ભાવ-તાલ કરવા ગયા તો તરત નોકરને બોલાવીને એ ઘોડાને અંદર પાછા મોકલી દે. અને પછી તમે જાણે ત્યાં ઊભા જ નથી એમ બેફિકરાઈથી હુક્કો ગગડાવવા લાગે. વતનમાં અંગ્રેજ વેપારીઓ દરેક ઘરાક સાથે જે વિનય-વિવેકથી વર્તે છે તેનો અહીં તમને છાંટો ય જોવા ન મળે. આનું એક કારણ એ પણ ખરું કે જાતવાન ઘોડા ખરીદનારાઓ પાસે વેચાવા આવેલા ઘોડાની રજેરજ માહિતી હોય અને એટલે એ લોકો ભાવ અંગે ઝાઝી રકઝક ન કરે. વેપારી પણ પોતાની પાસેના જાતવાન ઘોડા જાણીતા ઘરાકને, થોડા ઓછા ભાવે પણ, વેચવાનું પસંદ કરે. તેમાં ય જો ખરીદનાર ઘોડાની રેસનો શોખીન હોય તો તો તેને જ વેચે. બધા ઘોડાના વેપારીઓ રેસના દિવસે સવારે રેસ કોર્સ પર અચૂક હાજર રહે. પોતે વેચેલો જાતવાન ઘોડો જો રેસ જીતે તો એ જોઈ તેમની છાતી ગજ ગજ ફૂલે.

કર્નલ બાલ્કરેસ રામસે (મુંબઈના ગવર્નર સર જ્યોર્જ આર્થરના સહાયક)

Rough Recollections, vol. 1, 1882 માંથી

*

અલવિદા મુંબઈ!

અલવિદા, મુંબઈ

અમારા વહાણે મુસાફરી શરૂ કરી દીધી છે. એક બાજુ નજર નાખતાં દેખાય છે મુંબઈના ઊંચાં ઊંચાં મકાનો અને મિનારા, સાંજના સોનેરી રંગમાં રંગાયેલાં. દૂર દૂર આછી આછી દેખાય છે મલબાર હિલની ટેકરી. તો બીજી બાજુ દેખાય છે એલિફન્ટાનો ટાપુ, નીલમના નંગ જેવો. દરિયાનાં આછાં ભૂરાં પાણી ઝીલે છે એનું પ્રતિબિંબ. આખું આકાશ ઘેરા ગુલાબી રંગે રંગાઈ ગયું છે. અને પછી એકાએક ઊતરી આવે છે અંધારું. અને આખા દૃષ્ય પર જાણે કે ફેરવી દે છે અદૃશ્ય પોતું. આંખ સામેથી મુંબઈ દૂર થાય છે અને દરિયાનાં પાણીમાંથી ઊછળી રહે છે સ્મૃતિઓનું શ્વેત ફેનિલ રૂપ. અલવિદા, મુંબઈ.

પ્રિન્સ કારાગોર્ગેનવિચ (સર્બિયાના રાજકુટુંબના નબીરા, કલાકાર, કલામીમાંસક, વિશ્વપ્રવાસી)

Enchanted India, 1899માંથી

*

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 18 સપ્ટેમ્બર 2021

Loading

...102030...1,9221,9231,9241,925...1,9301,9401,950...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved