Opinion Magazine
Number of visits: 10,225,889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શોર્ટ કટ

વલ્લભ નાંઢા|Opinion - Short Stories|3 September 2021

ડિસ્કોની ધમધમાટી અને કાન ફાડતું મ્યુઝિક, જુવાન છોકરાઓ સાથે કમર નચાવી યૌવનનો રસ પીતી પોતાની ઉંમરની છોકરીઓની કિકિયારી … રાકેશે લંબાવેલા હાથમાં વીંટળાઈને નીતા તરફડીને નાચવા લાગી. ધમ ધમ ધમ! પાછા ફરવાનો સમય થઈ રહ્યો હતો પણ પાર્ટીનો નશો તેના કાનમાં ઢોલ વગાડતો હતો. નાચ, નાચ, નાચ! રાકેશ, પછી દિલીપ, પછી રોશન, પછી કરન, જોગિન્દર, પછી અહમદ … લાંબા વાળવાળા, કાને બુટિયાંવાળા, મૂછાળા ને ભૂંગળી જેવા વાળવાળા બ્લ્યુ જિન્સ પહેરેલા જુવાન મજબૂત પગવાળા છોકરા નીતાની નસોમાં શરાબ રેડતા હતા. દરેક છોકરો તેના કાનમાં છાનું છાનું કશું કહેતો હતો. કામુક કશું બોલતો … ચાલ, મારી કારમાં મારા ઘેર; અથવા ચાલ મારી સાથે કાર્ડિફ્ની મારી કૉટેજમાં. નીતાને જીવનમાં પહેલીવાર પોતાના બદનના જાદુનો અહેસાસ થયો. કઠોર પિતાની ચેતવણી, સમયપાલનના આગ્રહો વગેરે દૂર દૂર જવા લાગ્યું. તેને થયું કે કિશોરાવસ્થામાંથી તેણે જુવાનીમાં ભૂસકો માર્યો છે. આ ડિસ્કો પાર્ટી, તેમાં પિવાતી શરાબ, અને મારીજુઅનાનો ઘૂંટ તે પોતાની જિંદગીનો આસવ પીવા માટેનો શોર્ટ કટ છે. બહેનપણીઓની નજર ચુકાવી જોગિન્દરની સાથે તે ઓરડાની બહારની બાલ્કનીમાં આવી. નીચે આખું શહેર તેની જુવાનીને વધાવતું હતું – શાબાશ. જાણે તેના જવાબમાં તેણે જોગિન્દરની પાઘડી ખેંચીને તેના કાનમાં કહ્યું, "યુ મેઈક મી હેપી." તેના કથનના જવાબમાં ઓરડામાં સંતરીની જેમ ઊભેલા ગ્રાન્ડફાધર ક્લોકમાં ડંકા પડ્યા. એક બે ત્રણ .. ત્રણ વાગ્યા!

નીતાએ ચોંકીને પોતાની રિસ્ટવૉચ તરફ નજર નાખી. જાણે આટલું મોડું કરાવ્યાનો વાંક પોતાના કાંડા ઘડિયાળનો હોય.

***

વિશ્રામસિંહ રજપૂતે ચોંકીને આંખ ચોળી. રાતના ત્રણ વાગ્યા હતા. પુત્રીની રાહ જોતાં જોતાં તે દીવાનખાનાના સોફામાં ઊંઘી ગયા હતા. નીતા અઢાર વરસની થઈ ગઈ હતી. તેને મોટા થવાની ઉતાવળ હતી. વિશ્રામસિંહજીએ કઠોર હાથે તેને શિસ્તમાં ઉછેરી હતી. સંતોષબા દીકરીનું ઉપરાણું લેવા આવે ત્યારે વિક્રમસિંહની આંખ જોઈને પાછાં પગલે ચાલ્યાં જતાં. મા-દીકરી છાનું છાનું રડી લેતાં, પરંતુ વિક્રમસિંહ મચક ન આપતા .. મોડું થાય તો તેની સજા ભોગવવાની હોય. નીતાના મનમાં છવાઈ જવું જોઇએ કે ડેડી સમયપાલનના આગ્રહી છે. જરા ય વહેલુંમોડું સાંખી લેશે નહિ! એમના આ ફોજદારી હુકમનું ઘરના દરેક સભ્યે ચુસ્તપણે પાલન કરવાનું છે. સવારે ઊઠવાનો સમય, ચા- નાસ્તાનો સમય, બપોરે ભોજનનો સમય, બપોરે ચાનો સમય, સાંજે વાળુનો સમય ને રાત્રે સૂવાનો સમય બધું ડેડીએ નિયત કરેલું. તેમની આજ્ઞાનું ઉલંઘન કરનારને ડેડી ધોઈ સૂકવી નાખતા. અને તો ય આજે નીતા રાતના ત્રણ વાગ્યા સુધી બહાર હતી. વિશ્રામસિંહને અંદરથી કોઈ કહી રહ્યું હતું કે, દીકરી ઉપરથી તેમનો કાબૂ ઓછો થતો જાય છે. નીતા આવશે તો કોઈની સાથે આવશે કે ટેક્સીમાં? તેની પાસે પૈસા હશે કે પોતાને આપવાના થશે? શું નીતા મોડી આવ્યા છતાં પિતાને જગાડીને ટેક્સીના પૈસા માગવા જેટલી ઉદ્ધત થઈ ગઈ છે? કે લપાતીછુપાતી આવીને પોતાના રૂમમાં જઈને સૂઈ જશે? આ પરિસ્થિતિ વિશ્રામસિંહ ચલાવી શકે નહિ. તેમણે કશુંક નિર્ણાયક પગલું લેવાનું નક્કી કર્યું અને સોફામાંથી ઊભા થયા.

***

જોગિન્દરે કહ્યું કે ચાલ મારી સાથે, નોટિંગહિલ પાસે મારો ફ્લેટ છે. કાલે સવારે તારા ઘરે મૂકી જઈશ, આજની રાત આપણે આનંદ કરીએ. કોઈ બીજો દિવસ હોત તો નીતાએ આવું સાંભળતાંવેંત કહેનારને તમાચો મારી દીધો હોત, કે મુઠ્ઠી વાળીને ભાગી ગઈ હોત, કે ચીસો પાડી હોત. પણ આજની રાતના બાર વાગ્યા પછી તેણે અઢારમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજથી તે પોતાના ડેડી, મમ્મીની ગભરુ બેબી નથી, નીતા નીતા છે! ખબરદાર! હવે કોઈએ તેને કહેવાનું નથી કે ક્યારે ઊઠવું ને ક્યારે સૂવું ને કોની સાથે સૂવું! હો હો હો … નીતાનું માથું ચક્કર ચક્કર ફરવા લાગ્યું. તેણે જોગિન્દરના ગળે બે હાથ મૂકી દીધા. તેની બહેનપણીઓ કાયમ તેની મશ્કરી કરતી : હજી તારે કોઈ બોયફ્રેન્ડ નથી, હજી તું વર્જિન છો, હજી તું બા-બાપુજીના કહ્યામાં રહે છે ….. હો હો હો … હવે તે બધું સમાપ્ત. નીતા નીતા છે.

બાલ્કનીની ઠંડી હવામાં નીતાને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે પોતે નીતા છે. તેમ જ તેને એક ઘર છે, જેના દીવાનખાનામાં તેના ડેડી હાથમાં સોટી લઈને સોફામાં બેઠા છે. આજ ને આજ તો નીતા ઘરમાંથી બહાર રહેવા જઈ શકે નહીં. આજની રાત તો તેને ઘરે જવાનું છે. પિતાનો ક્રોધ જીરવવાનો છે. અને કાલથી તે જોગિન્દરની સાથે રહેવા ચાલી જશે. ડેડીને જે કરવું હોય તે કરી લે. નીતા પોલીસમાં જઈને કહી આવશે કે તેના પિતા તેને હેરેસ કરે છે. કેમ કે હવે નીતા નીતા છે.

જોગિન્દર પોતાનો ગ્લાસ ભારવા અંદર ગયો, અને નીતા તેની પાછળ પાછળ ફરી રૂમમાં પ્રવેશી. આ એક ગ્લાસ જોગિન્દર પી લે, એટલે નીતા તેને કહેશે કે હું કાલે તારે ત્યાં રહેવા આવું છું. આજે મને મૂકી જા. મારા પિતા કંઈ કહે તો મારું રક્ષણ કરજે. જોગિન્દર હોંશે હોંશે હા પાડશે કારણ કે નીતાની પાછળ એ ગાંડો છે. કૉલેજના બધા છોકરા ગાંડા છે. નીતાએ કોઈને હાથ લગાડવા દીધો નથી. જે નીતાને જીતે તે કોલેજનો શૂરવીર ગણાશે. જોગિન્દર કહેશે કે નીતા ઈઝ માઈ ગર્લ! અને કોલેજમાં એ બેની જોડી બધાની ઇર્ષાને પાત્ર બનશે. આહ, લાઈફ ઈઝ સો સ્વીટ!

જોગિન્દર રાકેશને કાંઈક કહેતો હતો. નીતા તે સાંભળવા પાસે ગઈ. રાકેશ અને જોગિન્દર બીજા બે છોકરાઓની પાસે ગયા. મોહન અને એહમદ ચાર છોકરાઓ અને ચાર છોકરીઓ : નીતા, રીટા, નિક્કુ  અને લલિતા. બધાંએ અત્યારે જોગિન્દરના ફ્લેટ પર જવું અને જલસા કરવા.

નીતાના કાનમાં ભમરા ફરી ગયા : એકીસાથે ચાર-ચાર છોકરાઓની સંગત એક જ રાતમાં? તેના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. તેણે રીટા અને નિક્કુને પાસે ખેંચીને પર્સ લઈને બહાર ભાગવા કહ્યું. ત્રણે છોકરીઓ શું શું કહેતી, પોતપોતાના ઓવરકોટ પહેરીને બહાર નીકળે તે પહેલાં નીતાએ ચીસ પાડીને ટેક્સી – સ્ટેન્ડ પર ઊભેલી ટેક્સીને હાથ કર્યો. જાણે તેની ઉંમર ફરી પાછલા પગે જતી હતી. પુખ્ત યુવતીમાંથી ફરી બાળકી, ડેડી-મમ્મીની બેબીડૉલ બની ગઈ હતી.

અને અત્યારે આટલું મોડું થઈ ગયું હતું. નીતા ગભરાટ અનુભવી રહી હતી …. ફરી ડેડીની સોટીનો ડર લાગી રહ્યો હતો …. ટેક્સીમાં તેણે બહેનપણીઓને છોકરાઓના કાવતરાની વાત કરી : ચારેયનું કાવતરું હતું કે ચારે છોકરીઓને દારૂ પાઈ નશો કરાવી ફ્લેટમાં લઈ જવી. દરેક છોકરી સાથે દરેક છોકરો મજા કરી લે તે પછી સવારે કાઢી મૂકવી, અને બીજા દિવસે કૉલેજમાં તેનો ઢંઢેરો પીટીને છોકરીઓને વધુ હ્યુમિલિયેટ કરવી. તેનો વિચાર આવતાં નીતાને ડેડીની સોટીઓ વધુ હૂંફ આપતી હતી. ઘરે જઈને પિતાને પગે પડીને કહેશે કે સોરી, હવે આવું નહીં કરું.

ટેક્સીમાં બેઠાં પછી પણ નીતાને આ જ વિચારો સતાવી રહ્યા હતા. ડેડીને સામે ચાલીને કહેવું ને ક્ષમા માગવી કે દબાતે પગલે ચૂપચાપ દાદરો ચડી જવો અને લપાતાછુપાતા પોતાના બેડરૂમમાં સરકી જવું! મમ્મીની વાત જુદી છે. એ નીતાને સારી રીતે સમજી શકે છે …. જરા લિબરલ છે …. નીતા તરફ થોડો સમભાવ પણ રાખે છે, પણ ડેડીના મનમાં તો કોઈ પણ હિસાબમાં નહિ. એ જે કરે, એ જે કહે તે જ સાચું! ડેડી ગુસ્સે થયા હોય ત્યારે મમ્મી તેનું ઉપરાણું લેવા દોડી આવતી અને વારવાની કોશિશે લાગી જતી. એટલે આજે પણ મમ્મી તેનો બચાવ કરવા દોડી આવશે તેવી ધરપત હોવા છતાં ડેડીનો કડક ચહેરો યાદ આવી જતાં ફફડી ઊઠી.

મોડું થયાની દોષભાવના નીતાના મનમાંથી હટતી નહોતી. વળી પાર્ટીમાં મોડું થયું તેમાં દોષ તેની એકલીનો ન હતો. એ તો અગિયાર વાગ્યાથી ઘરે પહોંચવા તલપાપડ બની હતી પણ રીટા અને નિક્કુએ ફોર્સ કરીને ડિસ્કો પૂરો થાય ત્યાં સુધી તેને રોકી રાખી હતી. અને નીતા બન્ને બહેનપણીઓના આગ્રહને ઠેલી શકી નહોતી … વધુમાં છોકરાઓની ચાલબાજીમાં તે આવી ગઈ હતી. આમ ત્રણ ક્યાં વાગી ગયા તેની નીતાને ખબર પણ નહોતી રહી! પણ અત્યારે રિસ્ટવૉચના ડાયલ પર નજર નાંખતાં તેને ગભરામણ છૂટી પડી હતી.

અચાનક રીટાની નજર પાછળ આવતી બે હેડલાઈટો તરફ ગઈ : તેણે ચીસ પાડી; અરે! રાકેશની ગાડી પીછો કરે છે!  નીતાએ ટેક્સીવાળાને ઝડપ વધારવા બૂમાબૂમ કરી મૂકી. છોકરાઓ તેમની પાછળ પડ્યા હતા. હવે જાન બચાવી ભાગવાનું હતું. નીતાને ઊબકા આવવા લાગ્યા. કોને ખબર કાલ સુધી એ જીવતી હશે કે કેમ?

એકાએક પિતાના મારનો ભય ભુલાઈ ગયો. નશામાં ગાંડાતૂર બનેલા ચાર-ચાર છોકરાઓ તેને અને તેની બહેનપણીઓને ફાડી ખાશે, અને રસ્તે ફેંકી ચાલ્યા જશે તો? ટેક્સીવાળાને વાત સમજાવી નીતાએ ભૂલભુલામણા રસ્તે નીકળીને રીટાને કિલબર્ન ઉતારી. પાછળ નજર ફેંકીને ખાતરી કરી લીધી કે કોઈ પીછો કરતું તો નથી ને! ફિંચલી રોડ ઉપર નિક્કુને ઊતરવાનું હતું. તેને ડ્રોપ કર્યા પછી નીતાને સહેજ નિરાંત થઈ; પાછળ કોઈ નથી; ડેડી ઊંઘી ગયા હશે, અને પોતે ટેક્સીમાંથી ઊતરીને ચૂપચાપ પોતાના રૂમમાં પેસી જશે. બીજા દિવસે માફી માગશે. માર સહી લેશે, કે સજા કરશે તે સ્વીકારી લેશે. સહીસલામત ઘેર પહોંચી જાઉં તો ભગવાનનો ઉપકાર …

અને ત્યાં બીજો વિચાર આવ્યો : તેની પાસે પૈસા રેગ્યુલર ભાડા જેટલા જ હતા. પાછળ આવતી રાકેશની ગાડીને ગોટે ચડાવવા તેણે ભૂલભુલામણીનો લાંબો રસ્તો લેવા ડ્રાઈવરને કહેલું. તેથી ટેક્સીભાડું વધી જશે તો? ડેડીને ઉઠાડવા પડશે? ફરી નીતાને પરસેવો થયો. અને ત્યાં આંખો મિચકારતી હોય તેમ પાછળથી બે હેડલાઈટોનાં આંખમિચામણાં થયાં! બાપ રે! પેલા લુચ્ચા કુત્તાઓ લપાતાછુપાતા પાછળ આવે છે … હજી તેને એકલી પાડવા સંતાતા સંતાતા આવતા હતા? બધી છોકરીઓ ઊતરી જાય તેની રાહ જોતા હતા. અને હવે ટેક્સીમાં એ એકલી હતી.

ટેક્સીના માઈલોમિટરનો કાંટો બિનધાસ્ત સ્ટૉપવૉચની માફક આગળ ધપી રહ્યો હતો. મીટરમાં આંકડા ચડતા જતા હતા. નીતાના શરીરમાં પાછી ગભરામણ છૂટી. આ ઘડિયાળ ભાડા પેટે આપી દઉં? ટેક્સીવાળો તે સ્વીકારશે? આ ઘડિયાળની કિંમત કરતાં તો તેની બેટરી મોંઘી છે. ટેક્સીરાઈડના બદલામાં આ તુચ્છ વસ્તુ એ થોડો સ્વીકારવાનો હતો? અને છોકરાઓ કશુંક કરે તો ટેક્સીવાળો તેને બચાવવાનો હતો? તેણે ટેક્સીડ્રાઈવરને કહ્યું કે તારા મોબાઈલ ફોનથી તારી ઑફિસે ખબર કર કે એક મોરિસ કાર તેનો પીછો કરે છે. એક છોકરી પૅસેન્જર છે. પોલીસ મોકલો! ટેક્સીવાળાએ કહ્યું કે તે એવી કોઈ માથાકૂટમાં પડવા માગતો નથી. પાછળવાળી કાર કદાચ તેના દોસ્તની હોય અને જુવાન છોકરા-છોકરી ગમ્મત કરતાં હોય તો નાહક તેણે માલિકનો ઠપકો સાંભળવો પડે.

પણ ટેક્સી હવે પોતાના લત્તામાં આવી ચૂકી હતી.

નીતા ઝડપથી વિચારવા લાગી પોતાના લત્તાની ભૂગોળથી એ માહિતગાર હતી.  કઈ ગલી, કઈ ઍલી, કયું મકાન ખાલી છે, અને કોના બૅકયાર્ડમાંથી ઠેકીને ક્યાં નીકળાય અને શોર્ટકટ થાય – બધું જાણતી હતી. પોતાના ડેડી સાથે તે નાની હતી ત્યારે આ જગ્યાઓમાં 'હાઈડ એન્ડ સીક'ની આવી રમતો રમી હતી. તેણે અચાનક ટેક્સીડ્રાઈવરને ટેક્સી રોકવા કહ્યું. પાછળની કાર પણ થોડા ફીટ દૂર ઊભી રહી.

નીતાએ ક્રોસ હિલ લેન અને લિંક્સ એવેન્યુના ખાંચા નજીક ટેક્સી ઊભી રખાવી હતી. તેણે પર્સ ફંફોસ્યું. નસીબજોગે ટેક્સીભાડા કરતાં બેચાર વધુ પેન્સ પર્સમાં હતાં. નીતાએ બધું ચેન્જ ટેક્સીડ્રાઈવરને આપી દીધું. અને નીતાને શાંત, ધુમ્મસિયા, નિર્જન અને અંધકારભર્યા રોડ પર ઉતારી ટેક્સી ધુમ્મસથી વીંટળાયેલા એ લાંબાચોડા રસ્તામાં અદૃશ્ય થઈ ગઈ. પાછળની કારે હેડલાઈટ મિચકારી હોર્ન માર્યું.

રસ્તા પરની શીતળતાએ તેનાં રૂંવાડાં ખડાં કરી દીધાં. તેને લાગ્યું કે, જગત આખું અને જગતના લોકો પણ આ જડ શીતળતાને લીધે થીજી ગયાં છે. કેવળ તેના સેન્ડલનો ટપટપાટ નિ:શબ્દતાના આવરણને ખલેલ પહોંચાડી રહ્યો છે.

પાછળવાળી ગાડી ધીમે ધીમે સરકતી સરકતી તેની નજીક આવીને ઊભી રહી. અંદરથી  એક હાથ બહાર આવ્યો અને વળતી ક્ષણે જ નીતા જંગલી હરણાંની ઝડપે છલાંગ મારી પાસેની ફૅન્સ કૂદી ગઈ અને દોડવા લાગી … જોગિન્ન્દર, રાકેશ, દિલીપ, રોશન, કરન … બધાના ઓશિયાળા ચહેરા તેના ચક્ષુદર્પણમાં  એક પછી એક ડોકું કાઢી ગયા. પણ તેને ધરપત હતી :  તેનો પીછો કરી રહેલી કાર હવે તેની પાછળ આવી શકે તેમ નહોતી. અને તેમાં બેઠેલા છોકરાઓ આવે તો તેમને કેમ ભૂલા પાડવા તેની નીતાને બરાબર ખબર હતી.

તેણે ફરી કાંડાઘડિયાળ તરફ જોયું. ઓહ, માય ગોડ! સવારના ચાર વાગી ગયા!. તેનો ફફડાટ વધ્યો. સામે એક ગલી હતી, તેનો ઉપયોગ કરે તો વીસેક મિનિટનો ફેર પડે. એ શોર્ટ કટ હતો.

પણ એ સાંકડી – અંધારી ગલીમાંથી અને આ ભેંકાર સન્નાટામાં પસાર થવું જોખમવાળું હતું. વળી તેનાં સૅન્ડલ્સનો ટપટપાટ પેલા લફંગાઓનું ધ્યાન ખેંચ્યા વગર રહેશે? તે સિવાય પણ લોકલ ગુંડાઓ અને ખૂનીઓના આવી સૂમસામ જગ્યાઓમાં જ અડ્ડા હોય છે અને કોઈ છોકરીને અહીં એકલી જોતાં તેનાં શા હાલ કરે! એ વિચાર આવતાં તેના શરીરમાં કંપારી પ્રસરી ગઈ!

તેનો ડર અકારણ ન હતો. કદાચ તેનું ખૂન થઈ જાય તો સવારે બધાં કહેવા લાગશે : જૂઈના ફૂલ જેવી છોકરીનું કોઈએ મર્ડર કરી નાખ્યું! અને ક્યારે ય હત્યારાનો પત્તો નહીં લાગે! થોડો વખત કાગા-રોળ કરીને લોકો અને પાડોશીઓ પણ શાંત પડી જશે અને કદી કોઈને તેના મૃત્યુનું રહસ્ય જાણવા સુધ્ધાં નહીં મળે!

એ વીફરેલી વાઘણની જેમ છલાંગો ભરતી ઝપાટાબંધ ચાલવા લાગી. થોડું ચાલ્યા પછી તેણે જોયું તો ગલીની સામેની બાજુ તરફથી એક ઊંચો, તગડો પુરુષાકાર તેની તરફ આવી રહ્યો હતો. નીતા છળી પડી. એ ભ્રાંતિ હતી કે સાચે જ કોઈ આવી રહ્યું હતું? તે નક્કી કરી શકી નહિ. તેને પાછા વળી જવાનો વિચાર આવ્યો, પણ પાછળની દિશામાંથી પેલા ચાર કુત્તા તેને ફાડી ખાવા આવી રહ્યા હોય તો? તેના હૃદયના ધબકારાનો અવાજ જાણે તેના સેન્ડલના ટપટપાટથી પણ તેજ બન્યો. આગળ વધવામાં જીવનું જોખમ હતું .. .તો ય અંદરથી તેનું મન તેને ટપારતું હતું : આગળ વધ … આગળ વધ …. તને કંઈ નહીં થાય …

એટલી વારમાં પેલો પુરુષ આકાર લેમ્પપોસ્ટની લગોલગ આવી ચૂક્યો હતો. નીતા બીજી તરફ જોવા લાગી. તે પોતાની જાતને કહી રહી હતી : "હું કોઈથી ડરતી નથી! હું બૂમો પાડીને શેરી ગજાવીશ … પોલીસ બોલાવીશ …" પણ અંદરથી ડર હતો : છોકરાઓ તેનું મોઢું દબાવી દે તો?  તેને બેહોશ કરી નાંખે તો? તેને પીંખીચૂંથી રસ્તે લોહીલુહાણ મૂકી દે તો?

લેમ્પપોસ્ટ વટાવ્યા પછી એ તગડો આકાર જરાક વાર અંધકારમાં ગારદ થઈ જતો હોય એમ લાગ્યું. પણ બીજી એકાદ બે મિનિટમાં ફરી તે તેના તરફ આવતો જણાયો. હવે તે બહુ નજીક આવી ગયો હતો. બે ચાર ફૂટનું જ અંતર રહ્યું હતું! તે ગલી એટલી બધી સાંકડી હતી કે આમને-સામનેથી બે વ્યક્તિ પણ પસાર ન થઈ શકે … બન્ને વચ્ચે થોડાં જ પગલાંનું અંતર રહ્યું હતું …. એ ડરની મારી થીજી ગઈ હતી …

સામે જાણે કાળ આવીને ઊભો રહી ગયો હતો અને આસપાસ ચોમેર સ્મશાનવત્ સન્નાટો છવાયેલો હતો. નીતા ચીસ પાડી તેને કહેવા માગતી હતી : "ગેટ આઉટ ઓફ માઈ વે …. લેટ મી ગો .." પણ ચીસ તેના ગળા સુધી આવીને ગળામાં જ અટકી પડી.

તેણે આંખો મીંચી લીધી. 

પેલો પુરુષાકાર હજી પણ સામે ઊભો હતો. શું એ આ રીતે નીતાની સામે ઊભીને તેને ડરાવાવા માગતો હતો? પોતાનો જમણો હાથ લાંબો કરી નીતાનો ખભો પકડવા જતાં એ બરાડ્યો : 'અત્યારે કેટલા વાગ્યા છે તેનું તને ભાન છે? ઘરે આવવાનો આ વખત છે?"

નીતાએ આંખો ખોલી સામે જોયું. એ આકારનો ચહેરો જોતાં જ તેનાં મોંમાંથી આનંદની ચિચિયારી સરી પડી : “ડેડી …" કહેતાં એ – એના ડેડી વિક્રમસિંહ રજપૂતને ચોંટી પડી.

"તમને કેમ ખબર પડી કે હું અહીંયા હોઇશ?" નીતા મીઠું હસતાં પૂછવા લાગી.

"આ રસ્તા તને કોણે બતાવ્યા છે, ગાંડી? મને ખબર ન હોય કે આપણા ઘરનો શોર્ટકટ કયો છે?"

કહી વિક્રમસિંહ રજપૂત લાગણીભીના હાથે ચૂપચાપ નીતાનો ખભો પસવારવા લાગ્યા અને નીતા ડેડીને ગળે હાથ વીંટાળી એમની સોડમાં સંતાઈ ગઈ.

સમાપ્ત

e.mail : vallabh324@aol.com

પ્રગટ : “નવનીત સમર્પણ”, સપ્ટેમ્બર 2021; પૃ. 73-80

Loading

આજકાલનાં શાસકો પોતાની અણઆવડત ને લાચારી છૂપાવવા રાષ્ટૃવાદનો અચંળો ઓઢે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 September 2021

અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચવાનો અમેરિકન પ્રમુખ જો બાયદનનો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ વિષે જગત આખામાં ચર્ચા ચાલી રહી છે. પ્રમુખ બાયદને પોતાના નિર્ણયનો બચાવ કરવો પડ્યો છે અને એ પણ એકવાર નહીં વારંવાર. સાધારણપણે અમેરિકામાં આવું બનતું નથી. એક વાર પ્રમુખ કે પ્રમુખના પ્રવક્તા નીતિ-નિવેદન કરે એ પછી એના વિષે ટીકાટિપ્પણી થતી રહે, પણ પ્રમુખ જ્યાં જાય ત્યાં તેમને આંતરીને એકનો એક સવાલ પૂછવામાં આવતો નથી. આ વખતે પ્રમુખે વારવાર ખુલાસા કરવા પડે છે એનું કારણ એ છે કે અમેરિકાએ એક દેશનું નસીબ બદલી આપવાનો નિર્ધાર કર્યો હતો અને અત્યારે તેને તેના નસીબ પર છોડીને અમેરિકનોએ ઉચાળા ભર્યા છે. જગતમાં લોકો સવાલ પૂછી રહ્યા છે કે અમેરિકનોને આવી મહાન જવાબદારી સોંપી હતી કોણે અને જો જવાબદારી લીધી જ હતી તો અત્યારે જવાબદારી પૂરી કર્યા વિના ભાગે છે કેમ?

બીજું કારણ ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા છે. જગતમાં એવો ઝનૂની જ્વર જોવા મળી રહ્યો છે કે એક ગાંડા માણસને લોકો હસી કાઢવાની જગ્યાએ સાંભળે છે. આ માણસે પોતાની બુદ્ધિનું પ્રદર્શન હજુ હમણાં જ અઠવાડિયા પહેલાં કર્યું હતું. પત્રકારોને તેમણે કહ્યું હતું કે અમેરિકન પ્રમુખ શી ચીજ છે અને અમેરિકન પ્રમુખ કેવી સત્તા ધરાવે છે તેની તેમને જાણ જ નહોતી. તેમને એમ લાગતું હતું અમેરિકાનું વહીવટીતંત્ર નોકરો ચલાવે છે અને પ્રમુખ તો માત્ર શોભાનો ગાંઠિયો છે. (શોભાનો ગાંઠિયો જેવા શબ્દો તેમણે વાપર્યા નથી, પણ અર્થ એવો જ થાય છે.) બોલો, અને છતાં આ માણસને લોકો સાંભળે છે અને હવે તો તેના ભક્તો પણ છે. આ ટ્રમ્પ વારંવાર બાયદનની ટીકા કરી રહ્યા છે અને કહે છે કે તેમણે અમેરિકાને ભાગેડુ-નમાલું સાબિત કરીને જગતમાં અમેરિકનોનું નાક કાપ્યું છે. આજકાલ પ્રત્યક્ષ મર્દાનગી કરતાં મર્દાનગીના ખોંખારા ફેશનમાં છે. 

વાત એમ છે કે ૨૧મી સદી બેઠી ત્યારથી અમેરિકામાં બે પ્રકારની દિશમાં ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો માને છે કે જગતની પટલાઈ ઘણી થઈ. અમેરિકન અર્થતંત્ર ચીન અને જર્મની સામે માર ખાઈ રહ્યું છે. આ ઉપરાંત અમેરિકન રાજ્યનો મૂડીવાદીઓએ કબજો કરી લીધો છે. અમેરિકાની ૯૫ ટકા સંપત્તિ મુઠ્ઠીભર માણસોના કબજામાં છે. અસમાનતા આસમાને છે. અમેરિકામાં ગરીબ માણસની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવાની જવાબદારી રાજ્યની છે એટલે રાજ્ય ઉપર બોજો વધી રહ્યો છે. આ બાજુ ચીન આક્રમક છે અને હવે તો માગણી કરવા લાગ્યું છે કે જગતનો આર્થિક વ્યવહાર ડોલરની જગ્યાએ યેનમાં ચાલવો જોઈતો હતો. જ્યારે બ્રિટિશ સામ્રાજ્ય મજબૂત હતું ત્યારે જગતનો આર્થિક વહેવાર પાઉન્ડમાં ચાલતો હતો. એ પછી અમેરિકા મજબૂત થયું અને આર્થિક વહેવાર ડોલરમાં ચાલ્યો. અત્યારે ચીનનો વારો છે તો જગતનો આર્થિક વહેવાર ચીનના ચલણ યેનમાં ચાલવો જોઈએ. આટલું ઓછું હોય એમ જગત આખાની પટલાઈનો ઠેકો લેવાનો અને પૈસાથી તેમ જ માનવધનથી ખુવાર થવાનું. ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એવી મોટાઈ નથી જોઈતી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા આવો મત ધરાવતા હતા. તેમણે પટલાઈ ઓછી કરી નાખી હતી અને અમેરિકન અર્થતંત્રને પાટે ચડાવવાની કોશિશ કરી હતી. તેમણે પણ અફઘાનિસ્તાન અને ઈરાકમાંથી અમેરિકન સૈનિકો પાછા ખેંચ્યા હતા. જો બાયદન બરાક ઓબામાના ઉપ-પ્રમુખ હતા અને અત્યારે તેઓ તેમની જ નીતિ અનુસરી રહ્યા છે.

પણ અમેરિકામાં એક વર્ગ એવો પણ છે જે ખુવાર ભલે થઈ જઈએ, પણ અમેરિકાનો છાકો પડવો જોઈએ એમ માને છે. કાઠિયાવાડના બાપુઓ જેવી અમીરાત તેમને ભાવે છે. પછેડી કરતાં ઘણી લાંબી સોડ તાણવામાં તેઓ માને છે. જગત આખામાં આવી સ્થિતિ જોવા મળે છે અને આવું માનનારાઓની સંખ્યા વધી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતાઓ તેમને રાષ્ટ્રવાદના નશા કરાવે છે અને ખોટી મોટાઈના ઘૂંટડા પીવડાવે છે. આને કારણે અમેરિકન પ્રમુખ કેવી સત્તા ધરાવે છે એની મને જાણ જ નહોતી એવું કહેનાર મૂર્ખ માણસને લોકો સાંભળે છે અને માટે પ્રમુખ જો બાયદને વારંવાર પોતાના નિર્ણયનો બચાવ કરવો પડે છે.

આ તો એક વાત થઈ. જે બીજી વાત આનાથી પણ વધારે મહત્ત્વની છે જેના વિષે જગતમાં ભાગ્યે જ કોઈ બોલે છે. ત્રાસવાદ સામેની લડાઈ અમેરિકાએ અને કેટલાક યુરોપના દેશોએ મળીને લડી હતી જે જગતના સૌથી શક્તિશાળી દેશો છે. તેમની પાસે તાલીમ પામેલું શક્તિશાળી સૈન્ય છે, આધુનિક હથિયારો છે, રેડાર અને સેટેલાઈટ જેવી અન્ય આધુનિક ટેકનોલોજી છે અને છતાં ય તેને નથી અફઘાનિસ્તાનમાં સફળતા મળી કે નથી ઈરાક, સીરિયા કે કોઈ બીજા દેશમાં. અને એ પણ વીસ વીસ વરસની લાંબી લડાઈ પછી. તો પછી શક્તિશાળી કોણ? તાલેબાનો અને ઇસ્લામિક સ્ટેટ સ્થાપવા માગતા ત્રાસવાદીઓ કે અમેરિકા અને તેના મિત્ર દેશો? માત્ર લશ્કરના ભરોસે રાજ્યને શક્તિશાળી માનનારાઓ માટે આ સવાલ છે. અમેરિકાને પાંચ દાયકા પહેલા આવો જ અનુભવ વિએતનામમાં પણ થયો હતો. રશિયાને પણ આવો જ અનુભવ અફઘાનિસ્તાનમાં થયો હતો. શક્તિશાળી કોણ? સ્થાનિક પ્રજાનો ટેકો ધરાવતા કહેવાતા ત્રાસવાદીઓ કે પછી પોતાને સભ્ય અને શક્તિશાળી માનનારા રાજ્યો? બે દાયકાના લશ્કરી ઓપરેશન પછી પણ તાલેબાનોની તાકાતમાં ઊની આંચ નથી આવી એ અફઘાનિસ્તાનમાં જોવા મળી રહ્યું છે.

બીજો સવાલ એ છે કે તાલેબાનોને કે આઈ.એસ.આઇ.એસ.ના ત્રાસવાદીઓને પૈસા અને શસ્ત્રો કોણ પૂરા પાડે છે? પૈસા તો તાલેબાનો કેફી દ્રવ્યોની ખેતી અને દાણચોરી કરીને કમાઈ લે છે પણ તેમને શસ્ત્રો કોણ આપે છે? આ કોઈ બિહારના ગામડાંઓમાં બનતા દેશી તમંચા નથી કે જેના ઉત્પાદન અને હેરફેર ઉપર નજર રાખવી મુશ્કેલ પડે. આ આધુનિક હથિયારો છે જે મોટી કંપનીઓ બનાવે છે. એવું શું છે કે શસ્ત્રોની સપ્લાઈ લાઈન બંધ નથી થઈ શકતી? શસ્ત્રો બનાવનારાઓ અને તેને ગેરકાયદે વેચનારાઓ શું એટલા શક્તિશાળી છે કે કહેવાતા સભ્ય રાષ્ટ્રો પણ તેમની સામે લાચાર છે? વીસ વીસ વરસ સુધી આધુનિક હથિયારોની સપ્લાઈ લાઈન પણ બંધ ન કરાવી શકે ત્યારે વિચારવું પડે કે ખરેખર શક્તિ ધરાવે છે કોણ?

સાચું કહું? રાષ્ટ્રો/રાજ્યો નિર્બળ છે. શાસકો અને તેમના દ્વારા રાજ્યો સ્થાપિત હિતોના કબજામાં છે. સ્થાપિત હિતોમાં શસ્ત્રઉત્પાદકોનો પણ સમાવેશ થાય છે. શાસકો પોતાની લાચારી છૂપાવવા દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો અંચળો ઓઢે છે. ખોંખારા ખાઈને અને ઘાંટા પાડીને લલકારે છે, જે રીતે અત્યારે અમેરિકામાં ટ્રમ્પ પાડી રહ્યા છે. અત્યારે મોટી સંખ્યામાં તાળી પાડનારાઓ પણ છે એટલે બાયદને વારંવાર પોતાના નિર્ણયનો બચાવ કરવો પડે છે. જો અમેરિકા અને બીજા દેશો પાસે સાચી તાકાત હોત તો બે દાયકા પછી લીલા તોરણે પાછું આવવું પડત? જો સાચી તાકાત હોત તો શસ્ત્રોનો પૂરવઠો રોકી ન શકાયો હોત?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 સપ્ટેમ્બર 2021

Loading

આનંદલોકમાં અઠવાડિયું …..

રમજાન હસણિયા|Opinion - Opinion|2 September 2021

સૂકા મલકમાં ધોધમાર વરસાદ થાય ને જેમ હરખથી તરબતર થઈ જવાય એવું જ કંઈક છેલ્લા અઠવાડિયામાં ક્ષણેક્ષણ અનુભવ્યું. અહીં પ્રેમની વર્ષામાં ન્હાવાનું હતું ને આનંદના સાગરમાં તરવાનું હતું.

ગુજરાતનો લીલોછમ દક્ષિણ વિસ્તાર મુંબઈ જતાં ટ્રેનમાં દર વખતે તેનાં લીલા લોહચુંબકથી ખેંચતો મને. તેમાં વળી વડીલોના પ્રેમનો ચુંબક ભળ્યો ને શ્રાવણ મહિને કેટલાંક જીવતાં તીર્થોની યાત્રાએ સપરિવાર નીકળી પડ્યા દક્ષિણ ગુજરાતના પ્રવાસે.

ત્રણેક વર્ષ પૂર્વે જીવનમાં પ્રવેશેલાં ને સાવ નિકટના આપ્તજન બની ગયેલાં નિરંજનાબહેન ક્લાર્થી, તરલાબહેન શાહ, આદિને મળવું, બાળકોને એમનાં દર્શન કરાવવાં ને ઉત્તમ કાર્ય કરતી સંસ્થાઓ બાળકોને બતાવવી એ મુખ્ય આશય હતો.

આખા પ્રવાસમાં મુખ્ય મુકામ રહ્યું સરદારનું સ્વરાજ આશ્રમ-બારડોલી. ગાંધીના ખોળામાં રમેલાં ને સરદારની છાયામાં બાળપુષ્પ રૂપે પાંગરેલાં નિરંજનાબહેન ક્લાર્થી આ આખા પ્રવાસનો પ્રાણ હતાં. સુરત સ્ટેશને ઉતરવાથી માંડીને પાછા સુરત સ્ટેશન મુકવા સુધીની પ્રત્યેક ક્ષણે જેમનો નિરંતર નેહ નીતરતો સંગ મળ્યો તે નાનીબે’ન.

સરપ્રાઈઝ રૂપે ગાડીમાં હાજર નાનીબે’ને સુરત સ્ટેશને બાળકોને આલિંગન આપી આવકાર્યા ત્યારે એ મિલન વેળાને આંખમાં સ્થિર કરી લેવાનું મન થઈ ગયું. મોટાં નાની ને નાનકડા રામનો સંગ આ દિવસોને મીઠપથી ભરી દેનારો બની રહ્યો.

સરદાર કન્યા વિદ્યાલયની દીકરીઓ દ્વારા સુમધુર ગીતોથી થયેલ સ્વાગત ભાવવિભોર કરી ગયું. બસોએક આંખોમાં અવિરત છલકાતો પ્રેમ બધાને ભીંજવી ગયો.

રક્ષાબંધનનો દિવસ હતો. આગળ ક્યારેક મારાથી બોલાઈ ગયું હશે કે ક્યારેક મારો હાથ પણ રાખડીઓથી છલકાઈ જશે ! તથાસ્તુ કહ્યા વગર મારી આ મનોકામના નાનીબે’ને પૂરી કરી. સંસ્થામાં ભણતી સોએક દીકરીઓ ને નાનીબે’ન સહિત સૌએ મારા નાનકડા હાથને પ્રેમની રક્ષાથી છલોછલ ભરી દીધો. પોતાના હાથે કાચા સૂતરના તાંતણે બનાવેલી ખાદીની રાખડીઓ મારા હાથ પર બંધાતી રહી, મીઠું મીઠું ગીત ગુંજન સમાંતરે ચાલતું રહ્યું ને અંતરમાં આનંદની છોળો ઉછળતી રહી. ભાઈ બહેનને નહિ બહેન ભાઈને રક્ષણ આપે છે એવી મારી અંગત વાતો કરી બહેનો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા પણ અહીં જગ્યા મળી.

વ્હાલી નાનકડી બહેનો સાથે ગરબા લઈને ઉજવણીને આનંદભેર સંકેલી. સાંજે આસપાસ સ્વજનોના ઘરે જઈને સૌને મળ્યાં ને એમાં સંધ્યાબહેન ભટ્ટને ત્યાં ગોઠડી માંડી. તેમને પ્રત્યક્ષ મળવાની મજા પડી.

બીજા દિવસની સવારે સવારી ઉમરગામ ભણી ઉપડી. ગીતાબહેન નામે એક મોટું ચુંબક ત્યાંથી ખેંચી રહ્યું હતું. નાનકડી દિવડી, ચંદન તિલક ને હાથમાં અત્તર લગાડીને  ગીતાબહેને વિશિષ્ટ સ્વાગત કર્યું.  બધાએ ભેગાં મળી ભોજન લીધું ને સીધા ઉપડ્યા નારગોલના દરિયે .. બાળકો તો દરિયો જોઈ ગાંડા ગાંડા જ થાય. સાંતાક્લોઝ જેવાં મનીષભાઈએ સૌને આનંદ કરાવ્યો. ગીતાબહેને શીખવાડેલી રમત તો પછી આખું અઠવાડિયું રમતાં રહ્યાં. ઉમરગામના સ્વજનોની સાથે ઢગલા મોઢે વાતો કરી, પેટ છલકાઈ જાય એટલું ખાધું ને પ્રેમનું સંગીત તો બેકગ્રાઉન્ડમાં વાગતું જ રહ્યું.

વળતાં મકરંદભાઈ અને ઈશામાની જગ્યા નંદીગ્રામ જવું જ હતું. આ બધી મારે મન તીર્થભૂમિ જ છે. બાળકો સમજે કે ન સમજે પણ ચિત્તના કોઈ ખૂણે એકાદ નાનકડો સંસ્કાર આ જગ્યાનો પડી જાય તો પ્રવાસ સાર્થક. બંને સાધકોની સમાધિના દર્શન કર્યાં. એ જગ્યાની ચેતનાને આંખોમાં ભરી અમે એ જગ્યાએથી નીકળ્યા પણ જગ્યા અંતરથી હજુ નથી નીકળી.

'મારાં બચ્ચાંઓ કચ્છથી આવ્યાં છે તો લાવને એમને જરા ડાંગનું જંગલ બતાવું. નદી ને ધોધ બતાવું.' આવું કહી નાની અમને લઈ ગયાં ડાંગના જંગલોમાં. આંખ છલકાઈ જાય એટલી લીલપ.  ચોતરફ બસ વનરાજી ને વહેતાં વારિ …

ઉકાઈ ડેમનો પાણીનો જથ્થો જોઈએ તો દરિયો જ લાગે તો જંગલોની ગીચતા ને હરિયાળા મેદાનો જોઈ એમ થાય કે, 'લીલી પછેડી ઓઢીને એની આડમાં ધરતી આ કેવું મીઠું મીઠું ગાય છે !'

પંપા સરોવર ને શબરીધામનું ખેંચાણ થાય એ સ્વાભાવિક છે. બંને ધામના દર્શન કરી આંખ પણ પવિત્ર થઈ. ધીરજની પર્યાય એવી શબરીના ધામમાંથી નીકળતાં મારાથી બોલાઈ ગયું કે મા શબરી રાહ જોતાં શીખવાડજે. પ્રતિક્ષાની આરાધના કરનાર શબરીને ઘેર રામને આવવું પડે એ જ તો છે એનાં સંતત્વનો પરતાપ.

ત્યાંથી અમારો રથ દોડાવતાં ગુલ્લુભાઈ સાપુતારાના વાદળોને વીંધતા પહાડો પર લઈ ગયા. બાળકોના આનંદનો પાર નહિ. બોટિંગની મજા માણી, ખાધું, પીધું, ફોટા પાડ્યા, સાઈકલ ચલાવી, હર્યા, ફર્યા ને મજા કરી. જલસા કરો જેન્તીલાલ સૂત્ર અમારા માટે જ જાણે બનાવ્યું હોય એટલી મજા કરી.

બીજી સવારે  થોડાં વધુ ઊંચા પહાડ પર ચડ્યા. દૂર સુધી લીલાંછમ ડુંગર દેખાય, ઠંડો ગમે એવો વાયુ વાય ને આનંદ કરતાં કરતાં એક એક જગ્યા જોવાતી જાય. વળતા અંધજનો માટેની બહુ મોટી શાળાની મુલાકાતે ગયા. કેવાં કેવાં સ્થળે કેવાં કેવાં લોકો કેવાં કેવાં ઉમદા કામો કરે છે એની પ્રતીતિ આવી જગ્યાએ જઈએ ત્યારે થાય. બ્રેઈલ લિપિની લાયબ્રેરી, કમ્પ્યુટર પર શીખતાં બાળકો જોઈ આંખો છલકાઈ ગઈ.

ત્યાંથી ઊતરતાં  ગિરા ધોધ પહોંચ્યાં. અહાહા ! થઈ જવાય એવી જગ્યા. નદી ને ઝરણાં તો આખે રસ્તે ભાઈબંધની જેમ ભેગાં જ દોડતાં હતાં પણ આ તો પાણીનું એથીયે સુંદર રૂપ ! સફેદ દૂધ વહેતું હોય તેવું આ દૃશ્ય હજુ કીકીમાં કેદ કરી રાખ્યું છે.

રસ્તામાં સાગનાં વૃક્ષો આવ્યાં તો કાજુનાં ઝાડ પણ મેં પહેલીવાર જોયાં. વૃક્ષોનું વૈવિધ્ય પણ આશ્ચર્ય પમાડે તેવું.

પહાડ, જંગલ, નદી, ઝરણાં ને ધોધનો આનંદ લઈ ફરી પહોંચ્યા મુકામ પોસ્ટ બારડોલી.

ગુરુવારની સવારે વાલોડમાં શિક્ષણ ને સમાજસેવાની ધૂણી ધખાવીને બેઠેલાં તરલાબહેન શાહને મળવા નીકળી પડ્યાં. વેડછીનો વડલો કહેવાયેલાં જુગતરામ દવેની જગ્યા સૌએ જોઈ, ત્યાંની ધૂળ માથે ચડાવી તરલાબહેનના ઘરે પહોંચ્યા. અગણિત કુંડામાં શોભતાં ફૂલછોડ અમારાં સ્વાગત માટે ઊભાં હતાં. હસતા હસતા ઘણી વાતો કરી અમે સૌ સંગાથે નીકળ્યાં વનસ્થલી ભણી. ઉર્વીનભાઈ અને પ્રાંશુભાઈ સાથેની વાતો કરવાની મજા પડી.

તરલાબહેન શાહની રાહબરીમાં ચાલતી, ધસમસ વહેતી નદીનાં કાંઠે વૃક્ષોની છાંયમાં આવેલી શૈક્ષણિક સંસ્થા વનસ્થલી જોવાની સૌને ખૂબ મજા પડી. તરલાબહેને આયોજનપૂર્વક સૌ શિક્ષકોની સાથે પ્રથમ ગોઠડી મંડાવી. એક તરફ વાતો ચાલુ હતી ને બીજી તરફ નદી બોલાવી રહી હતી. વધુ સમય તેની ઉપેક્ષા થઈ શકે તેમ ન્હોતી. નદીને નિકટથી જોઈ – અનુભવી પાછા વળ્યા ને ફરી બાળકો સાથે થોડી વાતો કરી. ખાનગીમાં મને તો તેમની અદેખાઈ જ આવી. આવી જગ્યાએ રહીને ભણવાની તો કેવી મજા પડે !

સમૂહ ભોજનમાં શિખંડ ને ખમણ દબાવીને ખાધાં એ તો ખરું જ પણ કચ્છીઓને છાસ ન મળે તો ભાણું અધૂરું લાગે એની કાળજી નાનીબે’ન અને તરલાબહેન બંનેએ બરાબરની લીધેલી. જ્યાં પણ જમીએ ત્યાં અમારા માટે છાસ તો હાજર જ હોય. કાળજી લે તેને મા કહેવાય. ગીતાબહેને પણ સ્વાગતમાં છાશ જ પીવડાવેલી.

આ પ્રવાસમાં એક દિવસ મુંબઈના સ્વજન જયંતભાઈ ગંગર પણ ભળ્યા હતા. બપોર પછી અમને સૌને નાનીએ સરદાર મ્યુઝિયમ અને સરદાર નિવાસ પણ બતાવ્યાં. એમાં એક એક ફોટો કે જગ્યા બતાવતાં બતાવતાં એમનાં ચહેરા પર જે ઉત્સાહ ને તેજ આવી જાય તે જોઈ એમ જ લાગે કે સરદારે જાણે શરીર પ્રવેશ કર્યો ન હોય !

શુક્રવારની સવારે અમે પહોંચ્યા નવસારી. પ.પૂ. આચાર્ય વિજયશીલચંદ્રસૂરિ મહારાજના દર્શને. નાનીબે’નને જોઈને મહારાજ પણ રાજી રાજી. યુવાવયે મુકુલ ક્લાર્થીનાં પુસ્તકોના સેટ વાંચ્યાની વાતો કરી સાહેબજીએ તો નાનીને મળીને લેખકને મળ્યાની ખુશી અનુભવી. એમનાં સત્સંગનો લાભ મળ્યો તે અહોભાગ્ય !

નવસારીમાં જ રહેતાં ગાંધીજીના દીકરા હરિલાલ ગાંધીનાં દોહિત્રી નીલમબહેન પરીખને પણ મળવા ખાસ તેમનાં ઘરે ગયાં. એમનાં બેક પુસ્તકો વિશે પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીમાં વાત થયેલી ત્યારે તેઓ જોડાયેલાં. જીવનનાં નવ દાયકા વટાવી ચુકેલા ને ખૂબ કામ કરી જીવનને સાર્થક કરી શકેલાં નીલમબહેન પણ સૌને મળીને બહુ જ રાજી થયાં. સાવ પાતળી દેહયષ્ટિમાં શોભતું એમનું ગરિમાવંત જીવન જોઈ આંખો ધન્ય થઈ !

ત્યાંથી આપણો રથ આગળ વધ્યો દાંડી ભણી … ઐતિહાસિક દાંડીકૂચનાં ગામો વચ્ચે આવતાં ગયાં ને આખરે દરિયાકિનારે ચપટી મીઠું ઉપાડીને કરાયેલા સવિનય કાનૂનભંગની ભૂમિ પણ આવી.  દાંડીકૂચને સરસ રીતે ઉજાગર કરતું નવું બનેલું સ્મારક જોયું. કૂચ દરમિયાન બનેલી નાનકડી પણ મહત્ત્વની ઘટનાઓના દૃશ્યો જોઈ ઘણું જાણવા મળ્યું. છેલ્લે બાળકોની દરિયામોજ તો ખરી જ ….

છેવટે પરત ફરવાનો દિવસ આવી ગયો. સવારે દીકરીઓ સાથે ફરી થોડી વાતો કરી. એ અગાઉ રમતો રમેલાં, ગીતો ગાયેલાં ને મજા કરેલી તે તો ખરી જ. નાનીબે’ન અને પ્રજ્ઞાબહેન સાથે નિરાંતે બેસીને ખૂબ વાતો કરી. આ બધા દિવસોમાં જે નિરાંત અનુભવી તે છેલ્લે ક્યારે અનુભવેલી તે યાદ નથી.

માના ખોળામાં બાળક નચિંત હોય તેમ અમે સૌએ નાનીને ખોળે મજા કરી. ક્યાંયે કોઈ રોકટોક નહિ, કોઈ સૂચના નહિ, માત્ર ને માત્ર વ્હાલ, વ્હાલ ને વ્હાલ …

સતત પ્રવાસમાં અમારી સાથે હોય, ગમે તેટલો સમય થાય પણ થાકનું નામ તમે ચહેરા પર વાંચી ન શકો, કંટાળો કે આળસ સાથે કોઈ દૂરનો પણ નાતો નહિ. લોખંડી મહિલા બનીને કામ કરનાર નાની અંદરથી કેટલાં કોમળ કોમળ છે ને કેવાં ઉર્જાવાન છે તે તો આ રીતે સાથે રહે તે જ જાણી શકે.

જેમણે હજારો દીકરીઓનાં જીવનમાં જીવતરની કેળવણીનું વાવેતર કર્યું છે એમની ઓથમાં બાળકો અઠવાડિયું રહ્યાં એ જ મારે મન પરમ ભાગ્યની વાત.

સવાર પડે ને લગભગ બે હજાર ફૂલછોડથી શોભતું બારડોલીનું આ નાનકડું શાંતિનિકેતન મહેકી ઊઠે ફૂલોની મહેકથી. પણ એ મહેકની અંદર ભળી હોય નાનીની અસીમ પ્રેમની મહેક. એમની સાથે હીંચકે ઝૂલતા ઝૂલતા ચા પીવાની જે મજા પડે તે તો શબ્દોમાં કેમ કહું ?

એમનાં જ પગલે ચાલતાં પ્રજ્ઞાબહેનનાં કામોની વાત કરવા બેસું તો આનાથી લાબું લખવું પડે. નાનીના વિદ્યાર્થીની ને હવે કલાસ વન મેડિકલ ઓફિસર ડૉ. રામીબહેન ને પ્રજ્ઞાબહેન અમારા માટે થેપલાં વણવા બેસી જાય ત્યારે ગાવું જ પડે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ … ચારેક દિવસ ચાલે એટલું ભાથું બાંધી આપે ને એથીયે મોટું જીવનભર ચાલે એવું પ્રેમભાથું પણ ….

ફરી ક્યારે આવશો એવું પુછાય ત્યારે ત્યાં જ રહી જવાનું મન થાય.

એક અઠવાડિયું આનંદલોકમાં રહીને જે મજા કરી તેનાં અહીં તો માત્ર શબ્દછાંટણા જ કર્યાં છે, બાકી તો એક એક દિવસ ને એક એક વ્યક્તિ વિશે લખવા પુસ્તક લખવું પડે, જે માટે પાછા નિરાંતે બારડોલી જવું પડે !!!!

e.mail : ramjanhasaniya@gmail.com

Loading

...102030...1,9391,9401,9411,942...1,9501,9601,970...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved