Opinion Magazine
Number of visits: 10,225,987
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—111

દીપક મહેતા|Opinion - Opinion|4 September 2021

મુંબઈ શહેરનાં સ્મરણો ભીનાં ભીનાં

ઉતારુ કહે ત્યાં ઊભી રહે ઘોડાની ટ્રામ

જ્યારે થિયેટરોમાં લાઉડ સ્પીકર જ નહોતાં

વીર કવિ નર્મદે ‘મારી હકીકત’ લખીને આપણી ભાષામાં આત્મકથા લખવાની પહેલ કરી. ત્યારથી માંડીને આજ સુધીમાં આપણને ઘણી બધી આત્મકથાઓ કે સ્મૃતિકથાઓ મળી છે. તેમાંના ઘણા લેખકોએ મુંબઈ શહેર વિષે લખ્યું છે. એ લેખકોએ પોતાના જમાનાના મુંબઈનો જે આંખે દેખ્યો અહેવાલ આપ્યો છે તેમાંથી આજે થોડાં અલપઝલપ દૃશ્યો. 

જ્યારે મુંબઈમાં દોડતી ઘોડાની ટ્રામ

એક જમાનામાં મુંબઈમાં દોડતી ઘોડાની ટ્રામ

સ્વામી આનંદ એટલે તળપદા શબ્દભંડારના સ્વામી. સ્વામી હતા, પણ શુષ્ક સહેજ પણ નહોતા. એમના જેવું ભાતીગળ, ઘટ્ટ પોત ધરાવતું ગદ્ય બહુ ઓછા લેખકો પાસેથી મળ્યું છે. એક જમાનામાં સ્વામીએ મુંબઈમાં જોયેલી ઘોડાની ટ્રામ. કેવી હતી એ ટ્રામ? સ્વામીના શબ્દોમાં જ જોઈએ.

‘કોટ, કાલબાદેવી, ગિરગામ, ધોબીતળાવ, ભાયખળા, વગેરે મોટા રસ્તાઓ પર ઘોડાની ટ્રામો ચાલતી. રેલ ગાડીના નાના ડબ્બા જેવડી ટ્રામમાં છથી આઠ લાકડાની બાસ્ટીઓ જડેલી હોય. અકેક પર ૪-૫ ઉતારુ બેસે ને ટ્રામને બે ઘોડા ખેંચે. ટ્રામની બેઉ બાજુઓ ખુલ્લી ને નીચે ચડવાનાં ફુટબોર્ડ જડેલાં. ચડવા-ઉતરવા માગનારું ડ્રાઈવરને ‘સબૂર’ કહે. ડ્રાઈવર હાથમાંની લોઢાના સુંવાળા હેન્ડલવાળી લોખંડી બ્રેકને ઘુમરડો દઈને દોડતા ઘોડાઓને રોકે. ઉતારુ ચડી કે ઉતરી જાય એટલે વળી પાછો બ્રેકને છોડીને ઘોડાને ચલાવે. ઘોડા ૨૫-૩૦ ઉતારુ બેઠેલ સ્થિર ઊભેલી ટ્રામને ૧-૨-૩ સખત આંચકા મારીમારીને ગતિમાં મૂકે ને ટ્રામ જમીનસરસા ચોડેલા ખાંચોવાળા લોખંડી પાટા પર ચાલવા માંડ્યા પછી દોડીને તાણવા લાગે. ઘોડા ઊંચી ઓસ્ટ્રેલિયન તોખમના, ને ઘણે ભાગે લશ્કરી લીલામોમાંથી આણેલા. મોટા કદાવર અલમસ્ત હોય, પણ આ ટ્રામોના આંચકા ખમી ખમીને ૨-૪ વરસમાં એમની છાતી તૂટી જાય. તે વખતમાં લોકોમાં અતિ વસમી  અંગમહેનતનું કામ કરનારને માટે ‘બાપડો ટ્રામના ઘોડાની જેમ લાદોડા તાણી તાણીને ટૂટી ગયો’ એવી કહેવત પ્રચલિત હતી.'

— સ્વામી આનંદ

(‘બચપણનાં બાર વરસ’માંથી)

*

મુંબઈ ગમતું હતું, કેમ, તે તો કોણ જાણે

નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતા લેખક તરીકે સૌથી વધુ ખૂલે અને ખીલે છે તેમની આત્મકથા ‘બાંધ ગઠરિયાં’ શ્રેણીનાં પુસ્તકોમાં. જોઈએ એમની નજરે મુંબઈ.

'આ એ જ મુંબઈ જેને જોવા જવાના એ કાળે સૌ કોઈને કોડ થતા. સૂરતમાં ભણતાં છતાં એમ તો ઘણી વાર મુંબઈના આંટા માર્યા હતા. ત્યારે દિવાળી તો મુંબઈની જ. ફટાકડા, હલવો અને રોશની. રાતે રોશનીમાં ચાર કલાકે ગાડી એક મહોલ્લામાંથી બહાર નીકળે. પાનસોપારી, પતાસા, વહીપૂજા, બોણી, લક્ષ્મીપૂજન નાળિયેર, કંકુચોખા, છડી, કાપડના તાકા, સિલિક (સિલ્ક), આલપાકો, વૂલન-ટસોરનાં ભવ્ય ભભકાબંધ કપડાં, રોશની, વાજાં, ફટાકડા, અને મીઠાઈ વગેરેની ચાર દિવસ મુંબઈમાં મોજ ઊડતી. આજની હરકિસનદાસ હોસ્પિટલની જગ્યામાં ‘અલ્હંબ્રા’ સિનેમા ચાલતો, ત્યાં ‘બ્રોકન કોઈન’ની કલેજા ઉથલાવી નાખનારી, દિલ ધડકાવનારી આઠ હપતાની ચાલુ સાઈલન્ટ ફિલમ જોતા. ફિલમમાં સમજ ના પડે તેમને સમજાવવા એક વક્તા-ઉસ્તાદ રહેતો. ફિલમમાં જ્યારે જ્યારે વચમાં અંગ્રેજી લખાણ આવતું, તે ગાળામાં એ એનો તરજૂમો બોલતો. અને નહિ તો પણ, કોઈ લુચ્ચો આદમી કોઈ ઓરતને ઉઠાવી જતો, કોઈ આફત આવતી કે મારામારી થતી, એવી કટોકટીની ઘડીએ એ પણ ઉશ્કેરાઈને બનાવોનું બયાન કરતો. ત્યારે ટોકીની તો વાત જ ક્યાં, પણ લાઉડ સ્પીકર પણ નહોતાં, ને છતાં આ બંદો બુલંદ અવાજે રોનકદાર જબાનમાં બધું સમજાવતો ત્યારે ખરેખર મજા આવતી. મુંબઈ ગમતું હતું. કેમ, તે કોણ જાણે. ઘડાતું, બંધાતું, સમૃદ્ધ શહેર હતું એથી હશે? કોણ જાણે.'

— ચંદ્રવદન મહેતા

(‘બાંધ ગઠરિયાં’માંથી)

*

પુસ્તકોનાં કબાટ લોકો માટે હંમેશાં ખુલ્લાં

આપણી ભાષાની ટૂંકી વાર્તાના ઘડતર અને ચણતરમાં ગુલાબદાસ બ્રોકરનો ફાળો મહત્ત્વનો છે. આત્મકથનાત્મક પુસ્તકોની શ્રેણીમાં તેમની જીવનકથાની સાથોસાથ મુંબઈની વિકાસગાથા પણ આલેખાઈ છે. સાંભળીએ વિલે પાર્લેના એક અનોખા પુસ્તકપ્રેમીની વાત.

‘વિલે પાર્લેના સ્ટેશન રોડ ઉપર એક ગૃહસ્થ એવા રહેતા હતા કે એ પોતે જ એક સંસ્થારૂપ બની ગયા હતા. એમનું નામ હતું દશરથલાલ જોશી. બર્મામાં એ પહેલાં રહેતા પણ પછી નિવૃત્ત થઈને વિલે પાર્લેમાં સ્થાયી થવા આવ્યા હતા. એમણે પોતે એક સરસ મકાન બાંધ્યું હતું. અને એ જમાનાની ભાવનાને અનુરૂપ એને ‘લિબર્ટી લોજ’ જેવું પ્રેરક નામ આપ્યું હતું. એ દશરથભાઈ પુસ્તકોના ગજબ શોખીન. એ જમાનામાં એમની પાસે લાખેક રૂપિયાનાં પુસ્તક હશે. એ ૧૯૩૩-૩૪ની સાલના લાખ રૂપિયાનાં હોં! ને માત્ર એ પુસ્તકોને ઘરમાં ગોંધી રાખી તેનું જ્ઞાન પોતે જ પામવાના શોખીન નહિ. જેને એમાંથી જ્ઞાન મેળવવું હોય તેમને માટે એમના ઘરના દરવાજા અને પુસ્તકોના કબાટ હંમેશાં ખુલ્લા રહેતા. જેને જે જોઈએ એ એમાંથી લઈ જાય. ગમે એવું અપ્રાપ્ય પુસ્તક હોય તો ય કોઈને લઈ જવાની ના નહિ. એ વિશેની એકાદી નોંધ પણ ન રાખે. એમ કરવામાં એમને કંજૂસાઈ પણ લાગે અને સરસ્વતીનો દ્રોહ પણ લાગે.'

— ગુલાબદાસ બ્રોકર

(‘સ્મરણો ભીનાં ભીનાં’માંથી)

*

મુંબઈ ક્રૂર શહેર છે

ચંદ્રકાંત બક્ષી એટલે તેજાબી વિચાર, વાણી અને વર્તન. ‘કાણાને કાણો જ કહીએ’માં માનનારા. પાલણપુર અને કલકત્તાના આશક બક્ષીને મુંબઈ કેવું લાગ્યું?

‘મુંબઈને પણ ઘણા રંગોમાં જોઈ લીધું છે. અહીં હોલસેલ બજારના આડતિયાઓ જેવા મીઠા સ્વભાવના કલાકારો છે. અહીં કલાકારો વેપારી ભાષા બોલે છે. અહીં ઘણા કલાકારો માટે પૈસાદારના હીપ-પોકેટમાં ઘૂસી જવું એ જીવનભરની મહત્ત્વકાંક્ષિત ઇતિ છે. મુંબઈનું હવામાન મૌલિક સર્જન માટે ઉપકારક નથી. ઘણા બધા સંબંધોની ઘણી બધી રેશમી જાળોમાં જ કલાકાર અટવાયા કરે છે. જિન્દગીનાં ખંડિયેરો પાછળ મૂકીને આવેલા માણસ માટે અહીં ઘણું નવું નવું શીખવાનું છે.

મુંબઈ. સમયની જીવલેણ પકડમાં બલખાઈને મૂર્ઝાઈ જતી જવાન ચામડીઓ. ફાઉન્ડેશન ક્રીમનો ચળકાટ. સો રુપિયાની નોટો પર ચીતરેલા આદર્શો. વેજિટેરિયન ગૃહસ્થાશ્રમો. કાળા રંગનું પુણ્ય. નિયોન લાઈટોનો પરાગ. સોનેરી રંગના ઈમ્પોર્ટેડ અમેરિકન ધુમાડાઓ. મારુતિ વેનના સ્લાઇડિંગ દરવાજાની બહારથી શરૂ થતો ઝોપડપટ્ટીનો દેશ. પોતપોતાની આગમાં તડપતા સુખીદુઃખી ધનપતિઓ. ફૂલેલાં વિશેષણો માટેની લૂંટાલૂંટ. રોટી તોડનારી આંગળીઓના કાળા નખ. સડકો પર યારીની હવા. તાજી રાખ અને ચીમલાયેલાં ફૂલો અને બાળકોના પસીનાની વાસથી ફાટતી રાત. મુંબઈ ક્રૂર શહેર છે. માણસને મર્દ બનાવી નાખે છે અથવા તોડી નાખે છે.'

— ચંદ્રકાન્ત બક્ષી

(‘બક્ષીનામા’ ભાગ ૩માંથી)

*

મહારાજ મેન્શન એટલે જાણે એક સંયુક્ત કુટુંબ

મહારાજ  મેન્શન

સંગીત, નાટક, નૃત્ય, ફિલ્મ, વક્તૃત્ત્વ વગેરેમાં સક્રિય રસ ધરાવતાં પ્રીતિ જરીવાળા મુખ્યત્વે લેખક અને સંપાદક છે. ‘મધ્યાહને સૂર્ય’ નામના પુસ્તકમાં તેમણે ગઈ કાલના મુંબઈના કેટલાક અંશોને ફરી જીવતા જાગતા કર્યા છે. આ પુસ્તકની મદદથી જઈએ ‘મહારાજ મેન્શન.’

અમારું બિલ્ડિંગ મહારાજ મેન્શન એટલે કે જાણે એક સંયુક્ત કુટુંબ. અમારા બિલ્ડિંગનાં નાના-મોટાં અમે સૌ તહેવારો ધામધૂમથી ઉજવીએ. ભાદરવા મહિનામાં ગણપતિ આવે. મારે ઘેર પહેલા માળે, બીજા માળે, અને ત્રીજા માળે ગણપતિ આવે. ગલીમાં મોટા ગણપતિ આવે. ગલીમાં પણ દસેદસ દિવસ વિવિધ કાર્યક્રમો હોય. સવારથી ગલીમાં મોટા અવાજે રેકોર્ડ વાગવાની શરૂ થઈ જાય. ગણપતિને ધરાવવાના લાડુ મમ્મી આગલા દિવસે જ બનાવી લે. પપ્પા રાત જાગીને ગણપતિનું ડેકોરેશન કરે. લાઈટનાં તોરણો પણ હોય. અમે પણ ડેકોરેશનમાં આવડે એવી મદદ કરીએ. સાંજના સાત વાગે એટલે બિલ્ડિંગમાં ઘેર ઘેર કહેવા નીકળીએ, ‘મારે ત્યાં આરતી થાય છે, ચાલો …’ બિલ્ડિંગના એકેએક જણ આરતીમાં આવે. આગળથી બધા કહી જાય ‘આજે અમે પ્રસાદ ધરાવીશું.’ જેના ઘરનો પ્રસાદ હોય તેને ગણપતિની આરતી ઉતારવાનો લહાવો મળે. મારે ઘેર આરતી પૂરી થાય એટલે બીજા માળવાળાં ઉન્નતી અને પ્રત્યુષ ઘોષણા કરે, ‘હવે મારે ત્યાં આરતી થાય છે.’ બીજા માળે, અને પછી ત્રીજા માળે આરતી થાય. આમ એક-બે કલાક તો ત્રણે ઘેર ગણપતિની આરતી કરવામાં જાય. આજે ત્રીસ-ચાલીસ વર્ષ પછી પણ ગણેશોત્સવ દરમ્યાન મારા પિયરના બિલ્ડિંગમાં ગણપતિની આરતી તો થાય છે, પણ હવે કોઈ કોઈના ઘેર આરતીમાં જતું નથી. આરતી માટે કંઈ ટી.વી.ની સિરિયલો જોવાની જતી કરાય?

— પ્રીતિ જરીવાલા

(‘મધ્યાને સૂર્ય’માંથી)

*

અમૃત વાડી : યાદોની વણજાર

મુંબઈની એક ચાલ

કળા અને સાહિત્યનાં પ્રેમી સોનલ વિજય વ્યાસનું પહેલું પુસ્તક ‘ચંદ્રોદય’ તાજેતરમાં પ્રગટ થયું છે જેમાં તેમણે અગાઉ પોતે જ્યાં રહેતાં હતાં એ અમૃતવાડી ચાલ તથા ત્યાંના લોકો અને તેમના જીવનનાં સ્મરણોને વાગોળ્યાં છે. એ પુસ્તકનો એક અંશ.            

મારી ‘અમૃતવાડી’ નામ મનમાં આવે કે યાદોની વણજાર જાણે આવી જાય. આ અમૃતવાડી એટલે મુંબઈના પ્રાર્થના સમાજ વિસ્તારમાં વી.પી. રોડ પર આવેલી અમારી વિશાળ ચાલી. મારી અમૃતવાડી અનોખી હતી. તે સમયે આવી ચાલીને ‘માળો’ પણ કહેતાં. અમૃતવાડી બીજી બધી ચાલીઓ કરતાં જૂદી. વચ્ચે ખાસ્સી મોટી વાડી – જગ્યા, અને એની ફરતે રૂમો. બે રૂમો વચ્ચે બારણું. કોઈ કોઈ પોતાના તરફનું બંધ કરે, અને ખૂબ સારો સંબંધ હોય તો ન પણ કરે. અત્યારના લોકો આની કલ્પના પણ ના કરી શકે. બારણું જો કે વાર તહેવારે જ ખૂલે. ચાલીવાળાનાં મનની માફક. કોઈના પણ સારા-માઠા પ્રસંગે એ ખૂલે. કોઈ આનાકાની કે અણગમો નહિ. અને ૧૦ X ૧૦ની ચાર રૂમનો વૈભવ જ વૈભવ.

— સોનલ વિજય વ્યાસ

(ચંદ્રોદય’માંથી)

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 04 સપ્ટેમ્બર 2021

Loading

ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (6)

સુમન શાહ|Opinion - Literature|4 September 2021

ટૂંકીવાર્તામાં શું શું હોવું જોઇએ એ અંગે જાત જાતની વાતો અને સલાહો સાંભળવા મળે છે.

પણ ફોડ પાડીને કોઇ ભાગ્યે જ સમજાવે છે, એવી પૂર્વધારણાને કારણે, કે વાર્તાકારો બધું સમજે છે. પણ કોઈ કોઇ વાર્તાકારો સમજવા માગતા જ નથી, એમને એમ હોય છે કે – મારે સલાહની ક્યાં જરૂર છે, મારું તો વરસોથી સરસ મજાનું ચાલે છે … ખૅર …

કહેવાયું છે કે ટૂંકીવાર્તામાં પ્રૅગ્નન્ટ મૉમેન્ટ હોવી જોઈએ. આજે, એની વાત કરું :

૧૩ : ટૂંકીવાર્તામાં પ્રૅગ્નન્ટ મૉમેન્ટ :

પ્રૅગ્નન્ટ હોવું એટલે? કશાકથી સભર હોવું. ગર્ભવતી નારીનો દેહ સભર હોય છે, એમાં માનવજીવ ધબકતો હોય છે, પણ હજી અવતર્યો હોતો નથી. એ ખરું, પણ ગર્ભવતી નારી હમેશાં સ્પૃહા કરવા યોગ્ય હોય છે તેમ જ ઘણી મનોરમ દીસે છે.

ગર્ભવતી

Picture Courtesy : All free Download

એ જ પ્રકારે, વાર્તાની એ ક્ષણ અર્થસભર હોય છે. એ એવી ક્ષણ છે, જ્યાં થઈ ગયું તે અને જે થવાનું છે તે, સાથોસાથ સૂચવાય છે. આગળની વાર્તા, અવતરવાને સળવળતી હોય છે, પણ બધું અસમંજસ અને અકળ રહે છે. પુત્ર કે પુત્રી? – ગર્ભવતીને પણ ક્યાં જાણ હોય છે ! તેમ છતાં, એ ક્ષણે વાર્તા પણ સ્પૃહા કરવા યોગ્ય અને મનોરમ અનુભવાય છે.

એ ક્ષણે ત્યાં વાર્તાપટમાં સૂચક યતિ આવ્યો હોય છે. એને કારણે વાચકમાં કુતૂહલ જાગે છે, વાચકને થાય છે કે વાર્તામાં હવે શું યે થવાનું હશે. સ્પષ્ટતા નથી મળતી. અવરોધ અથવા નાનકડો વિરામ સરજાય છે. એવું લાગે વાર્તા જાણે ત્રિભેટે આવી ઊભી છે, સામે બીજા બે રૂપાળા રસ્તા છે. કથકને નથી સમજાતું કે કયા રસ્તે આગળ ધપવું – ગમતીલી વિમાસણ થાય છે.

એ ક્ષણને નાનકડો વાણીવિરામ કહી શકીએ. રોજિંદા વ્યવહારમાં પણ વ્યક્તિ આપણને વાતનો ઊથલો આપે એ માટે આપણે એને નથી તાકી રહેતા? એ ક્ષણે મૉં આપણું જરા ખુલ્લું રહી ગયેલું નથી હોતું? – લગભગ એના જેવું.

એ બરાબર, પણ વાર્તાકારે એવું શું કર્યું કે ક્ષણ ગર્ભવતી થઈ એ જાણવું બાકી રહે છે. કશો પણ ગર્ભ રાતોરાત નથી બંધાતો, બંધાય તે પૂર્વે કેટલીક ચૉક્કસ ક્રિયાઓ થવી અનિવાર્ય હોય છે. કલામાં એ ક્રિયાઓ સરવાળે તો સર્જનપ્રક્રિયા છે.

કથક

FreeIconsPNG

વાર્તામાં ઊભા કરાયેલા એ નાનકડા વિરામ પછી થનારો સ્ફોટ રસપ્રદ હોય છે. એ પૂર્વે કથકે ક્રમે ક્રમે સ્થળ-કાળની અને પાત્રોનાં વાણી-વર્તનની તેમ જ પરિસ્થિતિની વીગતો આપી હોય છે, જરૂર જેટલી – ન વધુ – ન ઓછી. કથકની હરેક ચાલ સર્જનાત્મક હોય છે. પોતે જે કરતો-કહેતો હોય એમાં વાચકને જોડે, પટાવે, છેતરે ને એમ એને સતત સંડોવતો રહે, તૈયાર કરતો રહે. તાત્પર્ય, વાચકની સહભાગીતાને સંકોરે છે. સહભાગીતા વિના ગર્ભ કેમ કરી બંધાવાનો? વાચક પણ સક્રિય થઈને ધારણાઓ કરે છે કે આગળ હવે આમ થશે, તેમ થશે. જો કે કથક ધાર્યું કરનારો હોય છે એટલે કેટલીયે વાર વાચકની ધારણાને ખોટી પાડે છે. ટૂંકમાં, વાચકને સાથે રાખીને વાર્તાને રચતો રચતો કથક બધું અર્થસભર કરતો રહે છે ને એ પછી આગળની વાર્તાને અવતરવા દે છે.

એ અર્થસભરતા ક્યારે કયા સ્થાને આવતી હોય છે, સામાન્યપણે વાર્તાના અમુક વિકાસ પછી, છતાં, એ વિશે ચૉક્કસ ન કહી શકાય કેમ કે એ, વાર્તાકારે માંડેલી વાર્તા સાથે સંકળાયેલી સર્જકતાનો મામલો છે.

પણ મારે ઉમેરવું છે કે વાર્તામાં મુકાયેલો કલાત્મક અન્ત પણ અર્થગર્ભ હોય છે. પૂરી થયા પછી એ આખી વાર્તા વાચકના ચિત્તમાં આગળ ચાલતી હોય છે.

= = =

(September 4, 2021: USA) 

Loading

આમ તો કૉન્ગ્રેસને કોઈ ઇચ્છતું નથી, પણ ભા.જ.પ.ને પણ કોઈ ઇચ્છે એટલું કરવાનું તો રહે જ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 September 2021

ગુજરાત પ્રદેશ કારોબારીની બેઠકો કેવડિયા ખાતે ચાલી રહી છે, તેમાં 2022માં આવી રહેલી ગુજરાતની ચૂંટણી અંગે પણ ચિંતન ચાલવાનું છે. આ કારોબારીમાં કેન્દ્રીય રક્ષા મંત્રીની વિશેષ ઉપસ્થિતિ ઉપરાંત, અન્ય રાષ્ટ્રીય કક્ષાના મંત્રીઓ, પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મુખ્ય મંત્રી સહિત 600થી વધુ અગ્રણીઓ ભાગ લઈ રહ્યા છે. આ બેઠકો ત્રણ દિવસથી ચાલે છે ને તેનો આજે છેલ્લો દિવસ છે. કારોબારીની  કામગીરીનો ખ્યાલ તો આવતાં આવશે, પણ તમામ કારોબારી સભ્યોને 750 જેટલાં ટેબલેટ અપાયાં છે તે વિશેષ ઉપલબ્ધિ ! આ ઉપરાંત કામગીરીને બિરદાવતા ઠરાવો, પ્રવચનો ચાલે છે, તે સાથે જ 2022નો રોડમેપ પણ નક્કી થઈ રહ્યો છે. રક્ષા મંત્રીએ શસ્ત્રોનાં ઉત્પાદનમાં ભારત મોખરે હશે એવું કહીને બે વર્ષમાં ભારતે 17 હજાર કરોડની નિકાસ કરી હોવાનું જણાવ્યું, તો રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રીએ પણ ટેક્સટાઇલને આત્મનિર્ભર બનાવવાની દાંડી પીટી લીધી છે. સંરક્ષણ મંત્રીએ ગુજરાતમાં પરફોર્મન્સનું પોલિટિક્સ હોવાનું જણાવી મુખ્ય મંત્રી અને પ્રદેશ પ્રમુખની પીઠ થાબડી છે. ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોંચિંગ પ્રદેશ પ્રમુખનો ડ્રીમ પ્રોજેકટ છે ને એનાં લોંચિંગમાં ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ વિશેષ રૂપે ઉપસ્થિત રહેવાના છે. કારોબારીનું સમાપન થાય ત્યાં સુધીમાં ઘણી મહત્ત્વની વાતો થશે, પણ આ લખાય છે ત્યાં સુધીમાં થયેલાં કામની પ્રશંસા કરવાનું અને પીઠ થાબડવાનું જ વધારે ચાલ્યું છે. એ ભલે થાય, પણ એટલું પૂરતું નથી. દેશમાં કે રાજ્યમાં કોઈ પ્રશ્નો ન હોય ને પ્રશંસા થાય તેનો આનંદ જ હોય, પણ પ્રશ્નો હોય અને દેખાય નહીં, તે બરાબર નથી. કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર રિપીટ થઈ પછી, પ્રશ્નો ન જોવાની ટેવ સરકારોને પડી હોય એવું વધારે લાગે છે.

એક બાબત તમામ શાસકોએ સમજી લેવાની જરૂર છે કે દાયકાઓ સુધી કૉન્ગ્રેસે કેન્દ્રમાં એકહથ્થુ સત્તા ભોગવી છે. એવો સમય પણ હતો કે કૉન્ગ્રેસનો કોઈ વિકલ્પ ન હતો ને છતાં, 2014માં સત્તા પલટો થયો ને ભા.જ.પ.ની સરકાર આવી ને તેને ભારે બહુમતીએ બીજી ટર્મ પણ પ્રજાએ આપી. આજે એવું વાતાવરણ છે કે ભા.જ.પ.નો કોઈ વિકલ્પ જડતો નથી. જો કે, એવી ખાંડ કમ સે કમ ભા.જ.પે. ખાવા જેવી નથી. જો કૉન્ગ્રેસ ઘરભેગી થઈ શકતી હોય તો ભા.જ.પ.નો સૂર્ય આથમે જ નહીં એવું ક્યાં ય લખેલું નથી. કૉન્ગ્રેસી શાસનમાં વિપક્ષ મજબૂત થતો આવતો હતો, એ સ્થિતિ અત્યારે નથી ને તેનો લાભ ભા.જ.પ.ને મળી રહ્યો છે. કૉન્ગ્રેસ, આપ અને બીજા પક્ષો એટલા નબળા છે કે એમને, અત્યારની ગતિએ સત્તા કોઈ ચમત્કાર થાય તો જ મળે એમ છે. કૉન્ગ્રેસને પરિવારવાદનું વળગણ છૂટતું નથી. તેની પાસે સરકારની ખામી કાઢવા સિવાય કોઈ કામ નથી. તે સરકારના કામ પર નભે છે. સરકાર કૈં ન કરે તો કૉન્ગ્રેસ પણ કૈં ન કરે. સરકાર પેટ્રોલનો ભાવ વધારે કે સિલિન્ડર મોંઘાં કરે તો કૉન્ગ્રેસને બોલવાનું થાય છે, બાકી પોતાની કોઈ મૌલિક વિચારધારાથી સજીવ અને સક્રિય રહેવાનું તેને સૂઝતું જ નથી. આપ જેવી પાર્ટી દિલ્હીમાં થઈ એટલી સફળ અન્યત્ર થઈ નથી. તેને એક સારી તક સુરતમાં મળી છે ને તે ધારે તો 2022ની ચૂંટણીમાં સારો દેખાવ કરી શકે, પણ તેના અહીંના નેતાઓ ને કાર્યકરો પાસે કોઈ ચોક્કસ વિઝન નથી. તેનું અહીંનું કામ તોડફોડનું કે આક્રમણનું જ વધારે રહ્યું છે. આ નકારાત્મકતા ને કારણે આપ પાર્ટી, તેને સુરતે આપેલી તક ગુમાવી રહી છે. તેને સુરતમાં આટલી સીટ સાથે પ્રવેશ મળ્યો ત્યારે થયેલું કે તે કૈં કરી બતાવશે, પણ કમનસીબે તેવું ખાસ થયું નથી. કોઈ ચોક્કસ હકારાત્મક નીતિ સાથે આપ સુરતમાં સક્રિય થાય તો તેનો પડઘો આવનારી ચૂંટણીમાં જરૂર પડે એમ છે, પણ એને માટે સ્વસ્થતા અને સંયમ અનિવાર્ય બને. તે વિપક્ષ તરીકેની નહીં, પણ શાસક તરીકેની ભૂમિકાને મનમાં રાખીને તૈયારી કરે તે જરૂરી છે.

રહી વાત ભા.જ.પ.ની, તો તેણે ફરી સત્તા પર આવવા જેટલી ગરજ તો દાખવવાની રહે જ છે. તેના નાનામાં નાના કાર્યકરમાં વિવેક ને પ્રમાણિક્તા અપેક્ષિત છે. એક પ્રકારની તીવ્રતા અને આક્રમકતા આ પક્ષમાં પણ જોવા મળી રહી છે ને તે પુનર્વિચાર માંગે છે. ઉદાહરણ તરીકે, વિધર્મીઓ ધાર્મિક રીતે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય તો તેને રોકી શકાય, પણ તે ન રોકાય તો સામે એવું જ ધાર્મિક પ્રદૂષણ તે પણ ફેલાવે, તો તેમાં ઉકેલ તો મળતો નથી, હા, સમસ્યા જરૂર બેવડી થઈ જાય છે. અગાઉ ક્યારે ય ન હતી એવી આત્મ નિરીક્ષણની જરૂર અત્યારે ભા.જ.પ.માં વર્તાય છે. ભા.જ.પ.ની કેન્દ્રની કે રાજ્યની સરકારોએ કામ નથી કર્યું એવું નથી. કોરોના કાળમાં ચાલેલું રસીકરણ, 370ની નાબૂદી, સર્જિક્લ સ્ટ્રાઈક … જેવું ઘણું ભા.જ.પ.ને જમા પક્ષે બોલે છે. બીજી તરફ વેચાણ કે ખરીદીને નિમિત્તે મળતા કરવેરા, રેલવે દ્વારા થતી આવક, જી.એસ.ટી. ને અન્ય કમાણી ઘટતાં દેશનું અર્થતંત્ર મુશ્કેલીમાં મૂકાયું,  તે સાથે ચીન, પાકિસ્તાનનો સરહદી ઉપદ્રવ, આ બધું કોઈ પણ રાષ્ટ્રને ઉજાગરો કરાવે તેવું છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતની જામેલી શાખ ટકાવવાનું પણ મુશ્કેલ હતું, છતાં ભારતે શક્ય તેટલા પ્રયત્નો કરીને સુરક્ષા અને અર્થતંત્રને હેમખેમ બહાર કાઢવાની કોશિશ કરી છે. એ સાથે જ ઘરના ઘંટી ચાટે જેવું પણ થોડું થયું છે.

વસતિ નિયંત્રણ અઘરું છે, એને કારણે ભારત, ચીનની બરાબરી કરવા સુધી આવ્યું છે. એને કારણે સંસાધનોની ટાંચ ઊભી થાય અને ગરીબીમાં વધારો થાય એમ બનવાનું. સરકાર એટલા બધા મોરચે લડે છે કે તે મોંઘવારી રોકવાની વાત તો દૂર રહી, સરકાર જ મોંઘું કરી રહી હોય એવો વહેમ પડે છે. અગાઉ ન થઈ હોય એટલી કમાણી સરકારે પેટ્રોલ – ડીઝલમાંથી કરી છે. એ બાકી હોય તેમ ઘરેલું ગેસમાં સરકારે 25 રૂપિયાનો અને કોમર્શિયલ ગેસમાં સિલિન્ડર દીઠ 75નો વધારો ઝીંકયો છે. છેલ્લા બે અઠવાડિયામાં એલ.પી.જી. ગેસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. તે ઉપરાંત માત્ર ઓગસ્ટની વાત કરીએ તો જી.એસ.ટી.માં, 1.12 લાખ કરોડની કમાણી થઈ છે. એ સાથે જ સરકારે લાખો કરોડોના પેકેજિસ પણ જાહેર કર્યાં છે, છતાં મોંઘવારી વધી છે ને કહેવાતી મદદ ખરેખર ક્યાં ને કેટલી પહોંચી છે એ પણ પ્રશ્ન જ છે. સાફ વાત એ છે કે સરકાર કે રાજકીય નેતાઓ ભલે એમ માનતા હોય કે ભા.જ.પ.નું કમળ ખીલવામાં કોઈ વાંધો નહીં આવે ને એવું થાય તો પણ, સાધારણ પ્રજા મોંઘવારીથી ત્રાસી છે તે હકીકત છે. બીજો કોઈ વિકલ્પ ન હોય ને પ્રજા ભા.જ.પ.ને મત આપે તો પણ, મોંઘવારી વધી છે એ વાત જો સરકાર ધ્યાન પર નહીં લે તો કમળને કરમાતાં વાર નહીં લાગે તે નક્કી છે.

વધારે નહીં તો ગુજરાતમાં યોજાયેલી જન આશીર્વાદ રેલીને મળેલો મોળો પ્રતિભાવ ભા.જ.પ.નું આકર્ષણ ઘટ્યું હોવાની સાક્ષી પૂરે છે. ભા.જ.પ. 150 બેઠકો મળવાનો દાવો ભલે કરે, પણ આપ પાર્ટીનું ફેક્ટર ગુજરાતની ચૂંટણીમાં અગાઉ ન હતું તે ભૂલવા જેવું નથી. ભા.જ.પ.ની સીટો સુરતમાં ઘટી છે ને એની અસર 2022ની ચૂંટણીમાં નહીં દેખાવાને કોઈ કારણ નથી. લેન્ડ ગ્રેબિંગનો કાયદો થયો ને તેના કેસ પણ થયા, પણ લોકોને પોતાની જમીનની ચિંતા ઊભી જ છે. બધાં જ ટાઈટલ્સ ક્લિયર કરીને કોઈ ફ્લેટ ખરીદે ને હાઇકોર્ટ તેને ગેરકાયદે ઠેરવે તો ખરીદનારનો વાંક શો? સુરત એરપોર્ટની આસપાસના રહેણાંક વિસ્તારો પર તવાઈ આવી છે. આવું થાય ત્યારે પ્રજાનો વહીવટ પરથી ભરોસો ઊઠે એમ બને. ભા.જ.પ.ના પ્રધાનો વચ્ચેની ખેંચતાણને કારણે સોલર પર મળતી સબસિડી અપાઈ નથી. એને કારણે ખેડૂતો નારાજ થાય એ સમજી શકાય એવું છે. આ ઉપરાંત કોરોનાની સારવારમાં રહેલી ભ્રષ્ટતા અને વાવાઝોડાને કારણે થયેલાં નુકસાનને કારણે મળવી જોઈતી મદદ ન મળી હોય તો પણ પ્રજા નારાજ રહે એમ બને. ભા.જ.પ.માં પણ ભ્રષ્ટાચારે આડો આંક વાળ્યો છે. આ બધી બાબતો સંવેદનશીલ છે અને એનો વિચાર શાસકોએ કરવાનો રહે જ છે. આમ છતાં પ્રજાએ નબળામાંથી ઓછા નબળાને ચૂંટવાનો રહે છે, કારણ 2022 સુધીમાં એવું તો બને એમ નથી કે કૉન્ગ્રેસ કે અન્ય વિપક્ષો રાતોરાત કોઈ ચમત્કાર કરે અને પ્રજા તેને ચૂંટવાનું વિચારે. કરુણતા એ છે કે કૉન્ગ્રેસ હવે લૂંટી શકે એમ નથી ને ભા.જ.પ. લૂંટવામાં બાકી રાખે એમ નથી, નહિતર અનેક બહાને લોકોને ખંખેરવાનો ઉદ્યમ તો ચાલુ ન જ રાખે ને ! કોરોના પછી એટલું થયું છે કે પ્રજા વધુ સ્પષ્ટ અને પ્રેક્ટિકલ થઈ છે ને સરકાર વધુ અસ્પષ્ટ અને લોભી થઈ છે. બીજું કૈં નહીં તો સરકાર કોઈ પણ જીવલેણ રોગની સારવાર સસ્તી કરે, કારણ મોંઘવારી કરીને સરકાર મારે ને સારવાર કરીને તબીબ મારે, તો પ્રજા તે લાંબો સમય સુધી ચલાવી લે એટલી અમીર નથી. સરકાર સમજે તો સારું જ છે, નહીં તો પ્રજા સમજી જશે તો સરકારને સમજવાની જગ્યા નહીં રહે એ નક્કી !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 સપ્ટેમ્બર 2021

Loading

...102030...1,9381,9391,9401,941...1,9501,9601,970...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved