Opinion Magazine
Number of visits: 10,225,987
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુઓને સંગઠિત કરવાનો ઉપાય શો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 October 2021

હિંદુ સમાજમાં શુદ્ધ ધર્મનિષ્ઠ, પ્રામાણિક, મૂળભૂતવાદી ધાર્મિક આંદોલન અને એ આંદોલન આધારિત રાજકારણ શક્ય નથી. કારણ દેખીતું છે. હિંદુઓમાં એટલા બધા સંપ્રદાય, પેટા સંપ્રદાય, દેવ-દેવીઓ, ઇષ્ટપુરુષો, પંથો, ધર્મગ્રંથો, ધર્મગુરુઓ છે કે એમાંથી કોના આદેશોને હિંદુઓ માટે મૂળભૂત સમજવા એ સમસ્યા છે. દયાનંદ સરસ્વતીએ બધા હિંદુઓને એક ચોક્કસ મૂળભૂત તત્ત્વનિષ્ઠા પર આધારિત હિંદુ ધર્મના એક ખીલા પર બાંધવાની કોશિશ કરી હતી પણ તેમાં તેમને સફળતા મળી નહોતી. ખૂબી એ છે કે એક હિંદુને બીજા હિંદુનો ખીલો સ્વીકાર્ય નથી તો તેને બીજાના ખીલા સામે વાંધો પણ નથી. બાપ શૈવ હોય અને દીકરો વૈષ્ણવ હોય તો કોઈ પણ પ્રકારના સંઘર્ષ વિના એક છાપરા નીચે જીવી શકે. એક જ ઘરમાં બે ખીલા હોય અને લહેર થઈ જીવન વ્યતીત થતું હોય. શ્રદ્ધાઓનો આ જે બગીચો છે અને એમાં દરેકને પોતપોતાની રીતે વિહરવાની સ્વતંત્રતા છે એ હિંદુ ધર્મની વિશેષતા છે. આ હિંદુઓની ખરી તાકાત છે, એક અનોખી ઓળખ છે; પણ કેટલાક લોકોને એમ લાગે છે કે આ હિંદુઓની નબળાઈ છે. હિંદુઓ પરાજીત થતા આવ્યા છે એનું કારણ અનેક ખીલાઓનું અસ્તિત્વ છે.

હવે જો એક ઈશ્વર, એક પેગંબર અને એક ધર્મગ્રંથ આધારિત અને હિંદુ ધર્મ કરતાં તો પ્રમાણમાં અનેક ગણા સંગઠિત ધર્મોની અનુયાયી પ્રજાને એક ખીલે બાંધવી શક્ય ન બનતી હોય તો હિંદુઓ માટે તો એ ક્યાંથી શક્ય બનવાનું. આ સિવાય દયાનંદ સરસ્વતીનો નિષ્ફળ પ્રયોગ સામે છે. તો પછી હિંદુઓને સંગઠિત કરવાનો ઉપાય શો?

ઉપાય એક જ છે, હિંદુઓની કોમી ઓળખ વિકસાવવાનો. તમે હિંદુ ધર્મમાં જન્મ્યા છો અને હિંદુ છો એટલું પૂરતું છે. જેમ ગુજરાતી પરિવારમાં જન્મેલો માણસ ગુજરાતી હોવાપણાને નકારતો નથી એમ તમારે હિંદુ હોવાપણાને નકારવાનું નથી. તમે આસ્તિક છો કે નાસ્તિક, શૈવ છો કે વૈષ્ણવ, કબીરપંથી છો કે નાનકપંથી, સનાતની હિંદુ છો કે બૌદ્ધ કે જૈન જેવા શ્રમણધર્મી એની સાથે અમને કોઈ લેવાદેવા નથી. તમે ઉપર કહ્યા એવા કોઈ પણ પ્રકારના હિંદુ પરિવારમાં જન્મ્યા છો અને માટે હિંદુ છો અને આ દેશમાં હિંદુઓ બહુમતીમાં છે એટલે હિન્દુસ્તાન હિંદુઓનો દેશ છે. ઉપરથી જો તમે આટલું નિષ્ઠાપૂર્વક સ્વીકારી લેશો તો હિન્દુસ્તાન હજુ વધુ મોટા પ્રમાણમાં હિંદુઓનો દેશ બનશે. દરેક રીતે હિંદુઓનો દેશ બનશે. સંખ્યાથી બનશે, વિધર્મીઓ સામે રાજકીય સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે આર્થિક સરસાઈની દૃષ્ટિથી બનશે, વિધર્મીઓ સામે સાંસ્કૃતિક સરસાઈ મેળવીને હિન્દુસ્તાનને હિંદુઓનો દેશ બનાવી શકાશે. એમ દરેક રીતે ફાયદો જ ફાયદો છે. બસ, તમે હિંદુ હોવાની કોમી ઓળખ સ્વીકારી લો, તમારી અંગત શ્રદ્ધા સાથે બાંધછોડ કર્યા વિના તમે હિન્દુસ્તાનને હિંદુઓનો દેશ બનાવી શકશો. તમારી તાકાતમાં વૃદ્ધિ થશે અને પછી જુઓ કોઈ તમારી સામે આંખ નહીં કાઢી શકે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં આ શીખવાડવામાં આવે છે. હિંદુ તરીકેની ધાર્મિક શ્રદ્ધાકીય ઓળખ વિકસાવવાની જરૂર નથી, હોય તો તેને બાજુએ મુકો અને કોમી ઓળખ વિકસાવો. આને એ લોકો ‘હિન્દુત્વ’ કહે છે. હિંદુ હોવાના સર્વસામાન્ય અને સર્વમાન્ય લક્ષણો જે ધરાવતો હોય એ હિંદુ. વિનાયક દામોદર સાવરકરે પૃથકતાવાચક ‘ત્વ’ અન્વય ઉમેરીને હિંદુનાં વ્યવચ્છેદક લક્ષણો બતાવ્યાં છે; જે માત્ર હિંદુ જ ધરાવતો હોય, પછી તે ગમે તે પ્રકારનો હિંદુ હોય. જે હિંદુ હિંદુ પરિવારમાં જન્મ્યો હોય, જે હિંદુની પિતૃભૂમિ (પિતૃભૂમિ, માતૃભૂમિ નહીં, કારણ કે સ્ત્રી તો ક્ષેત્ર છે જેને વિધર્મી પુરુષ પણ ફલવતી કરી શકે. હિન્દુત્વ સમર્થક બહેનોએ આ માનસિકતાને સમજવી જરૂરી છે. તેમના અને તેમની કુખે જન્મ લેનારી દીકરીઓના લાભ ખાતર પણ સમજવાનો પ્રયાસ કરે.) હિન્દુસ્તાન હોય અને જેમની પવિત્રભૂમિ પણ હિન્દુસ્તાન હોય. બસ, આટલાં વિધર્મીઓથી હિંદુને અલગ પાડનારાં વ્યવચ્છેદક લક્ષણો ધરાવતો હિંદુ પોતાને હિંદુ તરીકે ઓળખાવતો થાય એટલું પૂરતું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં હિંદુને વિધર્મીથી નોખો પાડવા આ પણ શીખવાડવામાં આવે છે.

અહીં હમણાં મેં ‘ગમે તે પ્રકારનો હિંદુ હોય’ એવો વાક્ય પ્રયોગ કર્યો ત્યારે મને એક પ્રસંગ યાદ આવી ગયો. ખિલાફત આંદોલન વખતે ગાંધીજીને અસહયોગ આંદોલનમાં સાથ આપનારા મૌલાના મહમ્મદઅલીને કોઈકે (સંભવત: સપડાવવાના ઈરાદે) પૂછ્યું કે તમે કહો છો કે ઇસ્લામ જગતનો શ્રેષ્ઠ અને સંપૂર્ણ ધર્મ છે એટલે ઇસ્લામ ધર્મમાં જન્મ લેનારો માણસ શ્રેષ્ઠ જ હોવાનો. તમે એમ પણ કહો છો કે માત્ર મુસલમાન જ જન્નતનો અધિકારી છે, પછી તે ગમે તેવો હોય, કારણ કે તે મુસલમાન છે. શું આ વાત ખરી છે? મૌલાનાએ કહ્યું કે હા, આમાં કોઈ શંકા નથી. એ પછી સવાલ પૂછવામાં આવ્યો કે ‘તો પછી એ કહો મૌલાનાસાહેબ કે બળત્કારી મુસલમાન અને મહાત્મા ગાંધીમાં શ્રેષ્ઠ કોણ? જન્નતનો અધિકારી કોણ ?’ મૌલાના તો ઇસ્લામનાં મૂળતત્ત્વમાં પાકી નિષ્ઠા ધરાવનારા મૂળભૂતવાદી મુસલમાન હતા એટલે તેમણે નિ:સંકોચ કહી દીધું, મુસલમાન. આમ શ્રદ્ધાથી મુસલમાન હોય એ ઇસ્લામિક મૂળભૂતવાદીઓ માટે પૂરતું છે અને ઓળખથી હિંદુ હોય એ હિંદુ કોમવાદીઓ માટે પૂરતું છે, પછી હિંદુ કે મુસલમાન ગમે તેવો હોય.

મૂળભૂતવાદી રાજકારણમાં અને કોમી રાજકારણમાં નૈતિકતા જળવાતી નથી એનું આ કારણ છે. બન્ને પ્રકારના લોકો માણસને તેના ચારિત્ર્યથી નથી માપતા પણ તેની ધર્મશ્રદ્ધા અથવા ઓળખથી માપે છે. ગાંધીજી જેવા પવિત્રતમ મહાત્માનો મૌલાના મહમ્મદઅલીએ સાથ છોડ્યો હતો અને સાવરકરે સાથ આપ્યો નહોતો કારણ કે ગાંધીજી ધર્મ કરતાં માણસાઈને વધારે મહત્ત્વ આપતા હતા. તેમને બળાત્કારી મુસલમાન ચાલે, પણ ગાંધીજી જેવો સંસારનો પવિત્રતમ મહાપુરુષ ન ચાલે. તેમને હિંદુ ઓળખ ધરાવનારો ગમે તેવો હિંદુ ચાલે, પણ ગાંધીજી જેવો સંસારનો પવિત્રતમ સર્વશ્રેષ્ઠ હિંદુ ન ચાલે. આ એક મોરચે મૂળભૂતવાદીઓ અને કોમવાદીઓ એક ભૂમિકાએ ઊભા છે. માણસાઈના ત્રાજવાને નકારવાની બાબતે તેમને પોતપોતાનાં વ્યવચ્છેદક લક્ષણો વિકસાવવાની જરૂર નથી પડતી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 ઑક્ટોબર 2021

Loading

પરદેશમાં

મૂકેશ પરીખ|Opinion - Opinion|3 October 2021

વતન છોડીને આવી ગયો પરદેશમાં,
ઠરીને ઠામ ન થઈ શક્યો પરદેશમાં.

પદ મેળવ્યું, મેળવી પ્રતિષ્ઠા પણ થોડી,
નીંદર નિરાંતે ન મેળવી શક્યો પરદેશમાં.

ઘર બન્યું અને ગૃહસ્થી પણ બની ગઈ,
વતનનું ખોરડું ન ભૂલી શક્યો પરદેશમાં.

અલબત્ત આરામની જિંદગી જીવી રહ્યો છું,
‘હાશ’ ની પ્રતિતી ન કરી શક્યો પરદેશમાં.

‘મૂકેશ’ કમી નથી અહીંયા ભૌતિક સુખોની,
બસ, ઈચ્છિત મોત ન પામી શક્યો પરદેશમાં.

ન્યુ જર્સી, યુ.એસ.એ.

e.mail : mparikh@usa.com

Loading

રઈશ મનીઆર કૃત ‘ડૂબકીખોર : મનના દરિયાની સફર કરાવતી વાર્તાઓ’

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|3 October 2021

નાનકડી અંગત વાત સાથે શરૂઆત કરીશ. ડો. મુસ્તાક કુરેશી અમારાં પારિવારિક મિત્ર. આ વખતે મારી વર્ષગાંઠને અલગ રીતે યાદગાર બનાવી. સવારે ફોન પર કુરેશી સાથે હેપ્પીવાલા બર્થડેનું ગીત સૂરીલી લઢણે ગાતાં એમણે મને કહેલું કે હું સાંજ સુધીમાં તમને રૂબરૂ મળી જઈશ, અને ખરેખર એમણે રઈશ મનીઆરના વાર્તાસંગ્રહ ‘ડૂબકીખોર – મનના દરિયાની સફર કરાવતી વાર્તાઓ’ની ભેટ સાથે સાંજ યાદગાર બનાવી. આ પુસ્તકની વાર્તાઓને વાંચી, સૂંઘી, માણી, નાણીને અભિજાત જોશીએ ‘ગુજરાતી વાર્તાવિશ્વનો સાચુકલો અવાજ’ કહીને નવાજી છે. વાસ્તવમાં તો એવી છાપ કે ડો. રઈશ મનીઆર તો ગઝલ, દરેક પ્રકારનાં કાવ્યો અને મુશાયરા-કવિ સંમેલનનો ગઝલકાર-કવિ. એક સમયે એમની હાસ્ય-કવિતાઓની એક નાનકડી પુસ્તિકા હું હાથવગી રાખતી, જેથી ‘હાસ્યાંજલિ’માં પઠન કરી શકાય. મને યાદ છે કે મારે અહીં એમના વાર્તાસંગ્રહ વિશે લખવાનું છે.

કોઈ વ્યક્તિ ડોક્ટર, સામાજિક કર્મશીલ, વકીલ, પોલીસ, શિક્ષક-પ્રોફેસર હોય અને સાથે લેખક-વાર્તાકાર હોય તો શું થાય? એના વ્યવસાયનો અનુભવ અને જ્ઞાન એનાં લખાણમાં ડોકિયું કરી જાય અને વાંચીએ ત્યારે લાગે કે આપણે સાચુકલી વાતમાંથી પસાર થઈ રહ્યાં છીએ. એ વાર્તા પછી પરિકલ્પના તરીકે જ  સામે ન રહે, પરંતુ નજર સામે ભજવાતી હોય એવું લાગે. આ વાર્તાસંગ્રહની બાર વાર્તાઓમાંથી પસાર થતાં પણ એવું લાગ્યું. વિષય વૈવિધ્ય તો અદ્દભુત જ સાથે અતાગ અને અથાગ મનનો દરિયો જેમાં તમે ડૂબકી મારો કે નાવડી લઈ હલેસાં મારો … તમારી મરજી.

આમ પણ હું વિવેચક નથી વાચક તરીકે ભાવક છું, વાર્તા સ્ત્રીની દૃષ્ટિએ તપાસી લેવાઈ તે વાત જુદી, પરંતુ અહીં કહેવું પડશે કે વાર્તાકારની તટસ્થતા બરકરાર રહી છે. ‘ડૂબકીખોર’ની અસલામતી અનુભવતી મા લખમી, ‘ચંદાનું વેકેશન’માં સેક્સ વર્કર તરીકે કાર્યરત ચંદા, ‘સવા ત્રણની બસમાં દીકરાની રાહ’માં માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયેલી મા, ‘ઉપર કશું છે?’માં પ્રગટતી શ્રદ્ધાવંત મા, શનિરવિ’માં દિવ્યાંગ બાળક માટે સમર્પિત મા, ‘અનમોલ રતન’માં દીકરા માટે દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ રાખતી છતાં છેવટે દીકરીઓ માટે કૂણો ભાવ રાખતી મા અમિતા, ‘કજોડું’માં નર્મદા અને ‘અનુબંધ’માં દીકરી માટે થઈને જીવન વહેણને ગતિશીલ રાખતી અમોલા સહિત માતાઓનું વિવિધ સ્વરૂપ અહીં ઉજાગર થયું છે. દરેક વાર્તામાં કોઈને કોઈ રીતે માતાની સ્થૂળ કે સૂક્ષ્મ હાજરી છે છતાં આ ફક્ત ‘માતૃ વંદના’ માટે જ લખાયેલી વાર્તાઓ નથી. આ વાર્તાઓમાં પ્રેમકથા છે, પ્રવર્તમાન આધુનિક મૂલ્યોથી જન્મતો દ્વંદ્વ છે, કલ્પનાતીત કહેવાય તેવી વિષયવસ્તુ લઈ આવતી ઘટના આધારિત ગંગામાં લાશને શોધવાના વ્યવસાય કરતા નાવિક અને ડૂબકીખોર છોટુની જીવનચર્યા છે તો રેશનલ વલણ સાથે પ્રગટતી કહેવાતી બરછટ વર્તણૂંક છતાં માનવીય સંવેદનાનો આવિર્ભાવ, સ્ત્રી તરીકેની મર્યાદાઓ સાથે પ્રગટતું સ્ત્રીચરિત્ર, આતંકવાદનો ઓછાયો, સાત સહેલી પ્રદેશની યુવતીની કુટુંબકથા, લિંગભાવ સંદર્ભે પરંપરાગત સામાજિક માન્યતાઓનું દ્રઢિકરણ અને સમાજ, દિવ્યાંગ બાળક માટેની માતાની સમર્પિતતાનાં કારણે ભોગ બનતાં સામાન્ય બાળકની માનસિકતા, નાનાં ઘરોમાં મળતાં એકાંતના અભાવનાં કારણે પેદા થતી પરિસ્થિતિમાં પોલીસનું વર્તન અને આમ આદમી તરીકે વગર વિચાર્યે ધારણાઓ બાંધી લેવાની સહજ વૃત્તિ, મિલકત માટે કોઈ પણ હદે જઈ શકતા કુટુંબીઓ, વેરાન-બંજર જમીન પર ઊભી થતી વસાહતો અને શહેરીકરણ, શિક્ષણનું મહત્ત્વ સમજતો ગરીબ કે કહેવાતો  પછાત  વર્ગ, મૃત્યુની વાસ્તવિકતા પર ચિંતન જેવા મુદ્દાઓ પણ વાર્તાઓમાં ખાસ્સા વણી લેવાયા છે અને તે સુપેરે ઉજાગર થાય છે.

વલસાડી ભાષાપ્રયોગ અને પારડી-વાપી-ઉમરગામ જેવાં સ્થળોનો ઉલ્લેખ પોતીકો લાગે. 'ગલવાઈ ગીયો’ શબ્દપ્રયોગ તો અનાવિલોનો જ છે એવી મારી દ્રઢ માન્યતા ખોટી છે, તે અહીં એના બેએક વાર થયેલા ઉલ્લેખથી સમજાયું. જો કે અમે ગલવાઈ જવાના શબ્દપ્રયોગ સમાંતર ‘બલવાઈ જવું’ શબ્દપ્રયોગ પણ કરીએ! મોપાસાં, સ્ટેફાન ઝ્વીગ, ચેખોવ, ટાગોર અને અન્ય નામી-અનામી વાર્તાકારોની વાર્તાકલાથી પોતે પ્રભાવિત છે એવું રઈશ લખે છે. તો પણ પોતાની વાર્તાશૈલીને એ લોકપ્રિય આલેખન અને વિવેચકો વખાણે તેવા સાહિત્યિક માપદંડમાં સફળ થતી અટપટી, મુશ્કેલ અને જટિલતા રૂપે પ્રગટતી કલાની વચ્ચે અંકિત થતી માને છે. એની પ્રસ્તાવના પર પદ્યની અસર લાગે પરંતુ વાર્તાઓમાં કવિતા કરતાં વાસ્તવ-દર્શન વધારે છે. મનોગત એકોક્તિ પણ ખાસ્સી મુખરિત થતી રહે છે. મને સૌથી વધારે અસર બે વાત પર થઈ કે એક જ બાળક પર જાણેઅજાણે ધ્યાન આપવાની એકાંગી વૃત્તિ બીજાં બાળકોની જિંદગી પણ બેહાલ કરી શકે, દીકરાને ચગાવી મારવાનું વલણ એને માટે જ ખતરનાક બને છે તે માતા-પિતા તરીકે સમજવું જોઈએ. રઈશનાં મનના દરિયામાં સ્ત્રીઓને દીકરા માટે મોહ વધારે હોય એ માન્યતા તરતી રહેતી હોય એવું મને લાગ્યું, પરંતુ સ્ત્રીઓમાં એ વલણ કેમ સ્થિત થઈ ગયું છે તે પણ સમજવાનો મુદ્દો છે એવું પણ લાગે છે.

આજકાલ હું ગ્લુકોમા અને મોતિયો પીડિત છું, એટલે એકી બેઠકે વાંચી શકું એમ તો નથી, છતાં ૧૭૮ પાનાં વાંચી તો લીધાં! કારણ કે આ વાર્તાઓમાં એવું કંઈક તો છે જે એક વાર્તા વાંચવાની શરૂ કરો તો પછી પૂરી ન કરો ત્યાં સુધી ચેન ન પડે! ખાસ કરીને જેમને સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક હદ ઓળંગી માનસિક પરતો ઉકેલીને દુનિયાને સમજવી છે તેમને આ વાર્તાઓ વાંચવી ગમશે એવું મને લાગે છે.

પ્રકાશક : આર.આર. શેઠ – સંપર્ક: ૦૨૨-૨૨૦૧૩૪૪૧ – Email:sales@ rrsheth.com  – www.rresheth.com 

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

...102030...1,9071,9081,9091,910...1,9201,9301,940...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved