Opinion Magazine
Number of visits: 10,221,649
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|17 December 2025

जो वादा किया सो निभाना पड़ेगा એ RSSને લાગુ પડતું નથી! જય શ્રી રામ! 

મહાત્મા ગાંધીની હત્યા બાદ સરદાર પટેલે RSS પર પ્રતિબંધ મૂકેલો. સાથે સાથે અનેક સંઘીઓની અને  RSSના બીજા ક્રમના સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકરની ધરપકડ કરીને સરકાર દ્વારા જેલમાં નાખવામાં આવેલા. આ પ્રતિબંધ ઉઠાવી લેવા માટે સરકાર પર દબાણ લાવવા સંઘના લોકો દ્વારા સત્યાગ્રહ અને જેલ ભરો આંદોલન કરવામાં આવ્યાં હતાં. એ નિષ્ફળ ગયેલાં. ગોલવલકર પોતાની જેલમુક્તિ માટે હકીકતમાં તરફડતા હતા.

એવા માહોલમાં તત્કાલીન ગૃહ પ્રધાન સરદાર પટેલે તા.૨૯-૦૧-૧૯૪૯ના રોજ તે વખતના પ્રાંતોની એક પરિષદ બોલાવી હતી. આ પરિષદમાં RSS પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા માટે અને સંઘીઓને જેલમાંથી છોડવા માટે આ ચાર શરતો મૂકવામાં આવી હતી :

(૧) RSS તેનું બંધારણ ઘડશે અને તે જાહેર કરશે.

(૨) RSS તમામ ગુપ્તતા અને ગેરબંધારણીય પદ્ધતિઓનો ત્યાગ કરશે.

(૩) તિરંગા રાષ્ટ્રધ્વજ પ્રત્યે RSS પોતાની સ્પષ્ટ સ્વીકૃતિ જાહેર કરશે. 

(૪) ધર્મનિરપેક્ષ લોકશાહી રાજ્ય તરીકેની ભારતની વિભાવનાને RSS સ્વીકારશે. 

આ શરતો પોતે સ્વીકારે છે એવો જે પત્ર ગોલવલકર દ્વારા લખવામાં આવ્યો હતો તે સરદાર પટેલને તા.૧૧-૦૭-૧૯૪૯ના રોજ સુપરત કરવામાં આવ્યો હતો. સરદાર તે બરાબર વાંચી ગયા અને તેમણે નેહરુને ફોન કર્યો અને એમ કહ્યું કે ગોલવલકર સરકારની બધી શરતો સાથે સંમત છે. અને પછી બીજે દિવસે સવારે એટલે કે તા.૧૨-૦૭-૧૯૪૯ના રોજ પ્રતિબંધ હટાવી દેવાયો અને ગોલવલકરને ૧૩મી જુલાઈએ જેલમુક્ત કરાયા હતા. 

આ ચાર શરતો માટે ગોલવલકરે લેખિત સંમતિ આપીને પોતાની સહી કરી હતી. છતાં શું RSS દ્વારા એ શરતોનું પાલન થયું ખરું? ના, સહેજે નહીં. 

જવાહરલાલ નેહરુએ તા.૨૬-૦૧-૧૯૪૯ના રોજ દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે જંગી જાહેર સભામાં  આપેલા પ્રવચનમાં RSSના સત્યાગ્રહીઓને જેલમુક્ત કરવા તત્પરતા દાખવી હતી કારણ કે એમાં શાળાઓ અને કોલેજોમાં ભણતા યુવાનો હતા. પરંતુ ત્રીજી ફેબ્રુઆરી-૧૯૪૯ના રોજ નેહરુએ જે પત્ર રાજ્યોના મુખ્ય પ્રધાનોને લખ્યો હતો તેમાં આમ લખ્યું હતું :

“આપણે એટલું યાદ રાખવું જોઈએ કે RSS એક એવું સંગઠન છે કે જે હંમેશાં બોલે છે કંઈક અને કરે છે કંઈક.”

બોલો, નેહરુ સાચા હતા કે નહીં? 

જે ચાર શરતો પાળવાનું ગોલવલકર દ્વારા સરદાર પટેલને વચન આપવામાં આવ્યું હતું, એ ખુદ ગોલવલકરે જ પાળ્યું નહોતું. તો પછી એમના ચેલાઓ કેવી રીતે પાળે? અને આ ચેલાઓ હવે સરદાર પટેલના નામનું ભજન ગાતાં થાકતા નથી! 

જુઓ, શું થયું છે એ ચાર શરતોનું :

(૧) સંઘ ટ્રસ્ટ કાયદા હેઠળ એક નોંધાયેલી સંસ્થા છે જ નહીં, માટે એનું કોઈ બંધારણ છે જ નહીં. કાયદાની ભાષામાં કોઈ સંસ્થાના બંધારણને આર્ટિકલ્સ ઓફ એસોસીએશન કહેવામાં આવે છે અને તેનું એવું કશું છે જ નહીં. 

(૨) ગુપ્તતા અને ગેરબંધારણીય પદ્ધતિઓ અમલમાં છે જ, કારણ કે સંઘની સંસ્થાઓ હિંસાની વકીલાત કરે જ છે.

(૩) કહેવાય છે કે બાવન વર્ષ સુધી સંઘના નાગપુર ખાતેના વડા મથકે તિરંગો લહેરાવવામાં આવ્યો નહોતો.

(૪) હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાની વાત કર્યા કરવી એ ભારતના બંધારણીય મૂલ્યોનો અનાદર અને ઇનકાર છે. 

संघकुल रीति सदा चली आई

वचन जाई पर प्राण न जाई। 

તા.૧૬-૧૨-૨૦૨૫
(સ્રોત: ‘Golwalkar: The Myth Behind The Man and Man Behind The Machine’, લેખક: ધીરેન્દ્ર કે. ઝા)
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નારી વિમર્શ અને એવું બધું … પર્સનલ ઈઝ પોલિટિકલ!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 December 2025

રુકૈયા સખાવત હુસેનનાં વિલક્ષણ જીવન અને ‘સુલતાના‘ઝ ડ્રીમ‘ થકી સ્ત્રી અધિકારોનો ઇતિહાસ આજે પણ રાજકીય વાસ્તવિકતામાં ગૂંજે છે

રુકૈયા સખાવત

(9 ડિસેમ્બર 1880 : 9 ડિસેમ્બર 1932)

હમણાં માનવ અધિકાર દિવસ ગયો, ત્યારે ત્રણ દાયકા (ખરું જોતાં તેંત્રીસ વરસ) પરની એ સાંભરણ ઝંકૃત થઈ ઊઠી કે 1992ની છઠ્ઠી ડિસેમ્બર સાથે જે કોમી ધ્રુવીકૃત માહોલ બન્યો હતો એને સ્થાને નાતજાતકોમલિંગથી હટી માનવીય ધોરણે કંઈક કરવાની ગણતરીએ નાગરિક કર્મશીલોએ દસમી ડિસેમ્બર મનાવવા પર વધુ ભાર મૂકવાનો વ્યૂહ વિચાર્યો હતો.

પ્રકાશ ન. શાહ

એ વખતે જે બધાં સૂત્રો ઉચ્ચારાતાં ને આગળ કરાતાં એમાં ‘અવાજ’નાં ઇલાબહેન પાઠકના આગ્રહથી એક સૂત્ર ખાસ દાખલ થયું કે સ્ત્રીના અધિકાર, માનવ અધિકાર અભિપ્રેત મુદ્દો એ હતો કે માનવ અધિકારની વાત વિશેષે કરીને વંચિત ને ઉપેક્ષિત તબકા વાસ્તે તો ખાસ થવી જોઈએ – તેથી જેમ દલિત કે બીજા હાંસિયા માંહેલાઓ તેમ મહિલાઓનાયે અધિકાર બાબતે બુલંદપણે બોલવું જોઈએ.

ડિસેમ્બર અધવચ આ લખી રહ્યો છું એની પાછળનો એક ધક્કો ગુજરાતમાં નવ્ય નારીવાદી ચળવળ દરમ્યાન જે અવનવાં ઇતિહાસપાત્રોનો પરિચય થયો તેનો પણ છે. અવનવીન એવું એક પાત્ર હાલના બાંગ્લાદેશમાં 19મી સદી ઊતરતે જન્મેલાં રુકૈયા સખાવત હુસેન(9 ડિસેમ્બર 1880 : 9 ડિસેમ્બર 1932)નું છે. જેનાં જન્મ અને મૃત્યુ બેઉ કલ્યાણક એક જ તારીખનાં હોય એવી આ વિલક્ષણ પ્રતિભા એવા સમયમાં એક મુસ્લિમ પરિવારમાં ઉછરી હતી જ્યારે ઉર્દૂનો એક ભદ્ર ભાષા તરીકે દબદબો હતો ને બંગાળી આમ ભાષા લેખાતી.

અંગ્રેજી દાખલ તો થયું હતું – આમે ય અંગ્રેજી રાજની પહેલી રાજધાની તો બંગાળમાં જ હતી ને! પણ છોકરીઓને વળી અંગ્રેજીનું શું કામ? જો કે, મોટાભાઈએ પિતાથી ખાનગી રાહે રુકૈયાને અંગ્રેજીનો કંઈક પરિચય કરાવ્યો. લગ્ન પછી રુકૈયા એ વિકસાવી શકી, કેમ કે એના પતિમાં એક ખુલ્લાપણું હતું. પતિની સ્મૃતિમાં રુકૈયાએ કોલકાતામાં શરૂ કરેલી કન્યા શાળા લૉર્ડ સિંહા રોડ પર હજુયે કાર્યરત છે.

રુકૈયાની આછી ઝલક મેં આપી પણ એનો સાક્ષાત્કારક પરિચય તો નારીવાદી વર્તુળોમાં એ દિવસોમાં ચર્ચાતી વાર્તા ‘સુલતાના’ઝ ડ્રીમ’ થકી થયો હતો એ ખાસ લખવું જોઈએ. સુલતાના સપનામાં જુએ છે કે એક એવું રાજ્ય છે જેમાં ઉપદ્રવ નથી – શાંતિ જ શાંતિ છે, કેમ કે એમાં મહિલાઓ જનાનખાનામાં નથી, પણ પુરુષો માટે મર્દાનખાના ખસૂસ છે. પુરુષો પાબંદીમાં હોઈ રાજ્યમાં ઉપદ્રવ તો હોય જ નહીં ને!

આ લખી રહ્યો છું ત્યારે વર્ષો પછી ‘લિસિસ્ટ્રાટા’ સહેજે સ્મરણમાં ધસી આવે છે. 1976ના મિસાવાસમાં વિશાળકાય રૂસી નવલકથાઓ અને એને મુકાબલે તનુકાય ગ્રીક નાટકો વાંચવાનો મળતાં મળે એવો અવસર મળ્યો ત્યારે એરિસ્ટોફનીસનું ‘લિસિસ્ટ્રાટા’ વાંચવાનું બન્યું હતું. આમ છે તો એ કોમેડી, પણ સંદેશે કરીને અલબત્ત મજબૂત જ મજબૂત છે. એથેન્સ ને સ્પાર્ટા વચ્ચે જંગનો છેડો નથી. ખુવારી જારી છે. તે વખતે લિસિસ્ટ્રાટા એક અહિંસક ઉપચાર વિચારી કાઢે છે – આપણે ઓરતો આપણા મરદોને રાતવરત સોડમાં ઢૂંકવા જ ન દઈએ તો કેવું! કહીએ કે યુદ્ધ મેલો ને પછી પથારીમાં પધારો.

એક રીતે હમણેના દાયકાઓમાં બહુ ગાજેલ સૂત્ર ‘પર્સનલ ઈઝ પોલિટિકલ’ની સાહેદી આપતું એરિસ્ટોફનીસની કલમે આલેખાયેલું આ ઈસવી પૂર્વેનું ગ્રીનક નાટક છે. સ્ત્રી-પુરુષ સંબંધ (માત્ર એ જ શા માટે, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો સંબંધ) બીજાં અનેક પરિબળોથી પરિચાલિત હોય છે. એટલે વ્યક્તિગત નિયતિ હો કે વ્યક્તિગત નિર્ણય, તે રાજકીય ને સામાજિક વાસ્તવથી છેક જ ઉફરાટે શક્ય નથી.

પર્સનલ ઈઝ પોલિટિકલ’ એ સૂત્ર સાંભર્યું તે સાથે ધસી આવતું સ્મરણ અરુણા રોયની વરસેક પર પ્રકાશિત આત્મકથાના શીર્ષકનું છે – ‘ધ પર્સનલ ઈઝ પોલિટિકલ.’ દોમ દોમ આઈ.એસ. પરહરી અરુણા રોયે માહિતી અધિકારનો અલખ જગવ્યો : એને સોનિયા ગાંધીની સલાહકાર સમિતિ મારફતે મનમોહન સરકારનો વિધાયક પ્રતિસાદ મળ્યો એ ક્યારેક કટોકટીખ્યાત કાઁગ્રેસ થકી બની આવેલી અચ્છી ઘટના છે, અને માહિતી અધિકારનું વર્તમાન શાસન હસ્તકનું સંકોચન ક્યારેક કટોકટીના પ્રતિકાર સારુ મશહૂર પક્ષ પરિવાર હસ્તકની પ્રતિગામી ઘટના છે.

કટોકટી થકી ખ્યાત અને તેના પ્રતિકાર થકી પ્રખ્યાત, બેઉનાં જે તે સમયને મુકાબલે સુધરેલાં ને બગડેલાં કામોની તપસીલની રીતે જોઉં છું તો એક વિલક્ષણ સ્મરણ નરસિંહ રાવના શાસનકાળ દરમ્યાન શક્ય બનેલ માનવ અધિકાર પંચનું છે. ખરું જોતાં જે.પી. આંદોલને જગવેલ ને સંસ્કારેલ લોકમાંગ એની પૂંઠે કામ કરી ગઈ હતી. પણ જે જનતા સરકારમાં શક્ય ન બન્યું તે કાળક્રમે કાઁગ્રેસ સરકારમાં બની આવ્યું – એ એક મનોરમ ઇતિહાસ વૈચિત્ર્ય છે.

જેમનો સ્મૃતિ દિવસ (15મી ડિસેમ્બર) હજુ હમણે જ ગયો તે સાર્ધ શતાબ્દી પુરુષ સરદાર પટેલની ખાસ તરેહની આવૃત્તિ ને આકૃતિ વર્તમાન શાસનસેવી પક્ષ પરિવારે ઊભી કરી છે. ભાગલા પછી એક-બે વરસે પશ્ચિમ બંગાળમાં પૂર્વ બંગાળમાંથી હિંદુ લઘુમતીનો જે પ્રવાહ શરૂ થયો તે સંદર્ભે સરહદની બંને બાજુએ લઘુમતી પંચની રચનાની પ્રસ્તુતતા સમજાવી બંગાળને વિશ્વાસમાં લેવાની સિંહ જવાબદારી સરદારે બજાવી હતી તે ઇતિહાસવસ્તુ છે. આ જ સરદારને સદૈવ સદાસર્વદા જવાહરલાલના વિકલ્પે ઉછાળતું નેતૃત્વ 2002માં ગુજરાતમાં લઘુમતી પંચ બાબતે ‘અહીં એનું શું કામ છે?’ કહેતું સંભળાયું હતું. બંધારણ સભામાં લઘુમતીના અધિકારો પરની સમગ્ર કાર્યવાહીમાં સરદાર પટેલની અગ્ર ભૂમિકા હતી, પણ સરદાર કરતાં વધુ સરદારવાદી મંડળીને એની કદર ને સમજ હશે? ન જાને.

તરતમાં ડિસેમ્બર સંકેલાશે અને 2026નો પહેલો મહિનો, 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ સોતો આપણી સામે આવશે. માનવ અધિકાર દિવસને સારુ પાયાની ભૂમિકા સર્જનાર 26મી જાન્યુઆરીએ આપણે શો હિસાબ આપી શકવાના હતા, કહો જોઉં … હશે ભાઈ, આવાતેવા દિવસફિવસ તો આવે ને જાય, એમ સ્તો!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 ડિસેમ્બર  2025

Loading

કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 December 2025

રાજ ગોસ્વામી

માણસોને જ્યારે પ્રેમ જાહેર કરવો હોય, ત્યારે તેની અલગ અલગ અભિવ્યક્તિઓ હોય છે. તેમાંથી એક છે કિસ. કિસનો સંબંધ ગહેરી આત્મીયતા સાથે છે, અને તે રોમેન્ટિક જ હોય તે જરૂરી નથી. માણસો અલગ-અલગ સંબંધોમાં અલગ-અલગ રીતે કિસ કરે છે. 

પતિ-પત્નીની કિસ, મા-દીકરાની કિસથી અલગ હોય છે. બે મિત્રોની કિસ બે ભાઇઓની કિસ કરતાં જુદી હોય છે. ગાલ પરની કિસ હાથ પરની કિસ કરતાં ભિન્ન છે. ગુરુ એના શિષ્યના કપાળ પર કિસ કરે છે. શિષ્ય ગુરુના પગને કિસ કરે છે. માફિયા જગતમાં હાથ પર કિસ કરવાનો રિવાજ છે. 

પરંતુ સવાલ એ છે કે માણસો જ કેમ કિસ કરે છે? કિસ જો ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ઉપયોગી હોય (વિજ્ઞાન કહે છે કે કિસમાં 8 કરોડ બેક્ટેરિયાનું આદાન-પ્રદાન થાય છે), તો જાનવરોની દુનિયામાં આ પ્રવૃત્તિ કેમ દુર્લભ છે? 

ઑક્સફર્ડ યુનિવર્સિટીના એક નવા અભ્યાસમાં એ મીથને તોડવામાં આવી છે કે કિસ કેવળ મનુષ્યની જ ‘કળા’ છે. સંશોધન અનુસાર, મનુષ્ય અને મોટા વાનરોના તેમના જેવા પૂર્વજોમાં આશરે 2 કરોડ વર્ષ પહેલાં કિસ કરવાની આદત વિકસિત થઇ હતી. એટલે જે હરકતને આજે આપણે ભાવના અને ઘનિષ્ઠતાની પ્રતિક માનીએ છીએ, તે વાસ્તવમાં આપણા અતિ પ્રાચીન અતીતનો હિસ્સો છે. 

અભ્યાસમાં એ પણ માનવામાં આવ્યું છે કે મનુષ્ય(હોમો સેપિયન્સ)ની પાડોશી કહેવાતી અને હવે લુપ્ત થઇ ગયેલી નિયેન્ડરથલ પ્રજાતિ કિસ કરતી હતી અને સંભવતઃ તેમણે મનુષ્યો સાથે પણ એ જ રીતે પ્રેમ વ્યક્ત કર્યો હશે. 

અભ્યાસનાં પરિણામો દર્શાવે છે કે 21.5 થી 16.9 કરોડ વર્ષ પહેલાં મોટા વાનરોના પૂર્વજોમાં કિસ જેવી વર્તણૂક મોજુદ હતી. સમય સાથે ઘણી બાબતો બદલાઈ, પરંતુ આ આદત જાળવાઈ રહી. આજે પણ ચિમ્પાંઝી, બોનોબો અને ઓરાંગૂટાન જેવા મોટા વાનરો એકબીજાને કિસ કરતા દેખાય છે. ઓક્સફર્ડની વૈજ્ઞાનિક ડૉ. મેટિલ્ડા બ્રિન્ડલ કહે છે, ‘કિસને આટલા મોટા દૃષ્ટિકોણથી સમજવાનો આ પહેલો પ્રયાસ છે.’

કિસનો સૌથી પ્રાચીન સંદર્ભ મહાભારતમાં હોવાની માન્યતા છે, પરંતુ એમ.કે. અગ્રવાલ એમના અભ્યાસગ્રંથ ‘ધ વૈદિક કોર ઓફ હ્યુમન હિસ્ટ્રી’માં લખે છે કે કિસનો સૌ પ્રથમ પ્રાચીન સંદર્ભ સંસ્કૃત સાહિત્યમાં છે, એ પછી મહાભારત અને કામસૂત્રમાં એનો ઉલ્લેખ છે. કિસિંગને ગ્રીક લોકો ભારતની બહાર લઇ ગયા અને શૃંગારિક કિસને ઇટાલિયન લોકોએ પ્રચલિત બનાવી. 

ફ્રેન્ચ સંસ્કૃતિમાં 20 પ્રકારની કિસ છે. જર્મનો 30 પ્રકારે ચુંબન કરી શકે છે. કામસૂત્રમાં 16 કિસમની કિસનાં વર્ણન છે. વૈદિક શાસ્ત્રોમાં ‘કિસ’ અથવા ચુંબન શબ્દ નથી. એના સ્થાને ‘સ્પર્શ’ અને ‘ગંધ’ શબ્દો વપરાયા છે. જગતમાં 90 પ્રતિશત લોકો કિસ કરે છે. પરંતુ 10 પ્રતિશત સંસ્કૃતિ એવી ય છે જ્યાં કિસ કરવી વર્જિત છે.

અભ્યાસકર્તાઓને કિસ અજીબ લાગે છે. એ શ્વાસોશ્વાસની જેમ એટલી સહજ ક્રિયા છે કે વિજ્ઞાન એનો ડેટા એકઠા કરવાનું ભૂલી ગયું છે અથવા એમાં એટલી વિભિન્નતા છે કે વિજ્ઞાનને એમાં કોઇ ચોક્કસ નિયમ શોધવામાં તકલીફ પડે છે. 17મી સદીના જર્મન અભ્યાસુ માર્ટિન વોન કેમ્પેએ 1,000 પાનાનો કિસિંગ એનસાયક્લોપીડિયા લખ્યો છે. જેમાં એણે કિસિંગના 20 પ્રકારને અધિકૃત ઠેરવ્યા છે. 

‘ધ એક્સપ્રેશન ઓફ ધ ઇમોશન ઇન મેન એન્ડ એનિમલ’ નામના પુસ્તકમાં ચાર્લ્સ ડાર્વિન લખે છે કે જગતના ઘણા ભાગોમાં નાકથી નાકનો સ્પર્શ કરીને કિસ કરવામાં આવે છે. ઉત્તર ધ્રુવના આર્કટિક પ્રદેશમાં ખોજકર્તાએ ઓસ્કીમોમાં આ વૃત્તિ જોયેલી એટલે એને ‘ઓસ્કીમો કિસ’ કહેવાય છે.

જેની લોકપ્રિયતા અપાર અને અમાપ છે તે હોઠ સે હોઠ મીલે કિસને ‘ફ્રેન્ચ કિસ’ કહેવાય છે.  20મી સદીની શરૂઆતમાં જગતમાં ફ્રેન્ચ લોકો એમની સેક્સ અભિવ્યક્તિમાં સાહસી અને ખુલ્લા હતા. એમાંથી તસતસતા ચુંબઇને ‘ફ્રેન્ચ કિસ’ નામ મળેલું. ફ્રેન્ચ લોકોની એક કિસનું નામ ‘હોટ એર’ (ગર્મ હવા) છે. જેમાં સ્ત્રીના કાન નીચેના ઇરોજીનસ (કામોત્તેજક) ભાગ પર ચુંબન કરતી વખતે એના કાનમાં હલકો હલકો શ્વાસ છોડવાનો! 

‘એવરીથિંગ યુ એવર વોન્ટેડ ટુ નો અબાઉટ’ નામના પુસ્તકમાં અમેરિકન કિસ એક્સપર્ટ એન્ડ્રી દમીરજિયન લખે છે કે માણસો જ્યારે ગુફામાં રહેતા હતા, ત્યારે બાળકો કરતાં પહેલાં, તેમના પાર્ટનર તંદુરસ્ત છે કે નહીં તે ચકાસવા માટે કિસ મારફતે સલાઇવા(થૂંક, લાળ)નો ટેસ્ટ કરતા હતા. તેમાંથી રોમેન્ટિક કિસનો આવિર્ભાવ થયો હતો. 

એન્ડ્રીના કહેવા પ્રમાણે મોઢામાં 289 પ્રકારના બેક્ટેરિયાની વસ્તી છે અને એ તમામ તંદુરસ્ત નથી હોતા. એ કારણથી જ હિમાલયની કેટલીક જાતિઓ લિપલોક કિસ કરતી નથી. આફ્રિકા અને સુદાનના લોકોમાં માન્યતા છે કે મોં એ આત્માનું પ્રવેશદ્વાર છે અને હોઠથી હોઠ મિલાવીએ તો વચમાંથી યમરાજ અંદર ઘૂસી જાય!

અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીમાં રિસર્ચ સાયન્ટિસ્ટ શેરીલ કિર્શેનબોમના પુસ્તક ‘ધ સાયન્સ ઓફ કિસિંગ: વોટ અવર લિપ્સ આર ટેલિંગ અસ’માં એ લખે છે, ‘કિસમાં સ્વાદ, ગંધ, સ્પર્શ અને ફેરોમોન કેમિકલ દ્વારા બે વ્યક્તિ એકબીજાની અંદર ‘ઝાંખી’ને એકબીજા પ્રત્યેનો સંકલ્પ અને જીનેટિક યોગ્યતાનો તાગ મેળવે છે.’

સી.એન.એન. પર એક ઇન્ટરવ્યૂમાં શેરીલ કહે છે કે શરીરનાં તમામ ખુલ્લાં અંગો પૈકી હોઠ એ સૌથી વધુ કામોત્તેજક ભાગ છે. એમાં ઠસોઠસ સંવેદનશીલ સ્નાયુઓ ભરેલા છે, જે જરા અમથા સ્પર્શથી મગજને ઢગલાબદ્ધ સિગ્નલ અને માહિતી મોકલીને ‘આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ અથવા ‘ખબરદાર, રુક જાવ’ એ બેમાંથી એકની પસંદગી કરવામાં મગજને મદદ કરે છે.

જેને ક્રેનિયલ (કપાલીય) સ્નાયુ કહે છે તેવી 12 નર્વ્સમાંથી પાંચ નર્વ્સ કિસિંગ વખતે સક્રિય થઇને મગજ, હોઠ, જીભ અને ત્વચા વચ્ચે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સની આપ-લે કરે છે. એ પ્રક્રિયામાં ડોપેમાઇન નામનું કેમિકલ પેદા કરે છે. તમે દારૂ પીવો કે, કોકેઇન સ્મોક કરો કે ચોકલેટ ખાવ ત્યારે જે ‘મઝા’ પડે છે તે આ ડોપેમાઇનના કારણે. તે આનંદનું કેમિકલ ગણાય છે. જેને આપણે લત કહીએ છીએ (પછી એ કોઇપણ પ્રકારની ‘મજા’ હોય) તે આ ડોપેમાઇનના કારણે. 

કિસ માણસની સૌથી પ્રાઇવેટ અને પર્સનલ વૃત્તિ છે. એમાં એ પૂરી ઇમાનદારીથી બહાર આવે છે. કિસ અભદ્ર કે શરમજનક છે તેટલા માટે નહીં, પરંતુ એમાં માણસની ઇમાનદારી એટલી તીવ્ર રીતે બહાર આવે છે કે અજાણી વ્યક્તિ એને સહી શકતી નથી એટલે એનું જાહેરમાં પ્રદર્શન થતું નથી.

ટેક્સાસ યુનિવર્સિટીના નૃવંશશાસ્ત્રી વૌઘન બ્રાયન્ટ કહે છે, ‘કિસ એ ખાલી કિસ જ નથી. એ એના આગવા વ્યાકરણવાળી એક ભાષા છે. બે વ્યક્તિ જ્યારે કિસ કરે છે ત્યારે તે કોણ છે, ક્યાંના છે, બંને વચ્ચે શું સંબંધ છે અને શું કરવા માગે છે તે બધું જ બહાર આવે છે.’

અંગ્રેજીમાં એક મુહાવરો છે : કિસ એન્ડ ટેલ. મતલબ કે અંતરંગ સંબંધ બાંધવો અને પછી એને જાહેર કરવો. કિસ પ્રામાણિકતાનું પ્રતિક છે. આપણે કિસ કરીએ છીએ કારણ કે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ, કોઇની ઇજ્જત કરીએ છીએ, કોઇને આવકાર આપીએ છીએ અથવા કોઇને અલવિદા કરીએ છીએ. આપણા પરિવારમાં કોઇનું મૃત્યુ થાય તો એને કપાળ પર ચુંબન કરવાની પ્રથા છે.

કિસ આવકાર અને અલવિદાની કહાની છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 14 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...180181182183...190200210...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved