Opinion Magazine
Number of visits: 10080943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રજાએ હવે અસહમતિ અને વિરોધ વચ્ચેની ભેદરેખા પારખવી પડશે

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|16 November 2025

હિતેશ રાઠોડ

આજકાલ જ્યાં જુઓ ત્યાં સાવ ક્ષુલ્લક મુદ્દે અમુક ચોક્કસ પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થાઓને સરકારના અમુક પગલાં સામેની તેમની અસહમતિને લઈને દેશ-વિરોધી, રાષ્ટ્ર-વિરોધી, ભારત-વિરોધી, સરકાર-વિરોધી, સેના-વિરોધી અને જન-વિરોધી ચિતરી પ્રજામાનસમાં એમની છબીને ઈરાદાપૂર્વક મલિન કરવાનું અભિયાન ચાલી રહ્યું હોય એમ લાગે છે. ઘણી વાર તો તદ્દન વાહિયાત મુદ્દે પણ કોઈ લક્ષિત પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થાઓ માટે દેશ-વિરોધી, રાષ્ટ્ર-વિરોધી, ભારત-વિરોધી, સરકાર-વિરોધી, સેના-વિરોધી વગેરે જેવા વિશેષણોનો ઈરાદાપૂર્વક મારો ચલાવવામાં આવે છે. આમ કરવા પાછળ આસુરી શક્તિના છદ્મ વેશમાં કહેવાતા દેશભક્તો કે રાષ્ટ્રપ્રેમીઓનો આશય જે તે વ્યક્તિ કે સંસ્થાની નિષ્ઠા, પ્રમાણિકતા અને સ્વચ્છ છબીને લોકોની નજરે દૂષિત કે કલંકિત કરી પોતાની અથવા જેમના માટે તેઓ આ કૃત્ય કરે છે એમની મેલી મુરાદ બર લાવવાનો હોય છે. આસુરી શક્તિના આવા દુષ્પ્રચારી કૃત્યો સામે સરકારનું મૌન અને સહેતુક નિષ્ક્રિયતા એ સરકારની એમાં મૂક સંમતિ દર્શાવે છે. સરકાર કે સરકારમાં સામેલ અન્ય કોઈ પક્ષ કે વ્યક્તિને લગતી કોઈપણ બાબતમાં જરાક જેટલી અસહમતિને પણ સરકારનો વિરોધ માની લઈ જોરશોરથી એવો પ્રચાર કરવામાં આવે છે કે અમુક પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થા દેશ વિરોધી છે અને દેશહિત વિરુદ્ધના કાર્યો કરે છે, આવા લોકો પર યેનકેન પ્રકારેણ દેશદ્રોહીનું લેબલ લગાવી પ્રજામાનસમાં એમના વિરુદ્ધ ઝેર ભરવાની વિધ્વંશક પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. 

લોકશાહીમાં લોકો અને લોકોનો અવાજ સર્વોપરી છે, પછી એ અવાજ અસહમતિ કે આક્રોશનો કેમ નથી. ઘણી વાર વિરોધ વ્યક્ત કરવાની રીત કદાચ અયોગ્ય હોય તો પણ એ વિરોધમાં રહેલ સચ્ચાઈના સૂરને દબાવી શકાય નહીં. સરકારોને ચૂંટીને મોકલનારા લોકો હોય છે એટલે સરકાર સાથે અસહમત થવાનો એમને હક છે, એમાં સરકારના વિરોધી હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. વસ્તુત: કોઈ ચોક્કસ હેતુ સાથે સમાજમાં વૈમનસ્ય ફેલાવનારા, સમાજસેવાનો અંચળો ઓઢી ફરતા અને રાજકીય પક્ષોનો હાથો બની ફરતા દૂષિત તત્ત્વોને ખુદને જ વિરોધ અને અસહમતિ વચ્ચેના ભેદની ખબર હોતી નથી, એટલે કોઈની વ્યાજબી અસહમતિને પણ વિરોધના વાઘા પહેરાવી લોકોને ગેરમાર્ગે દોરી સમાજમાં વિખવાદની આગ લગાડી એમાં પોતાના સ્વાર્થનો રોટલો શેકી લેતા હોય છે. વાસ્તવમાં તેમની આવી ખંડનાત્મક પ્રવૃત્તિમાં કોઈ દેશહિત હોતું જ નથી, જે હિત હોય છે એ એમનું પોતાનું વ્યક્તિગત હોય છે. આવા ફસાદી તત્ત્વો દ્વારા સમાજમાં ચારેકોર નર્યાં જૂઠાણાં અને ભ્રામક વાતોનો એટલો મારો ચલાવવામાં આવી રહ્યો છે કે સાચા-ખોટાનો ભેદ પારખવાનું લોકો માટે મુશ્કેલ બન્યું છે. આવા સંજોગોમાં લોકોએ હવે આવા લેભાગુ, તકસાધુ અસામાજિક તત્ત્વોને ઓળખવા પડશે. કોઈની પણ વાતો પર આંધળો વિશ્વાસ મૂકતા પહેલા પોતાની સાદી સમજ અને સ્વ-વિવેકનો ઉપયોગ કરી તથ્યો અને હકીકતોને આધારે સત્ય અને અસત્યને અલગ પાડતા શીખવું પડશે, અને તો જ સાચા-ખોટા વચ્ચેનો ભેદ પારખી શકાશે. 

પરિવારની ઘરેલું બાબતોમાં ઘરના વડાએ લીધેલ અમુક નિર્ણયમાં પરિવારનો કોઈ સભ્ય અસહમતિ દર્શાવે તો એનો અર્થ એવો જરા ય નથી થતો કે એ વ્યક્તિ પરિવારના વડાની કે પરિવારની વિરોધી છે. ઘરના વડાએ લીધેલ અમુક નિર્ણયોના કારણે પરિવારમાં એવી ઘણી બાબતો આકાર લેતી હોય છે જેમાં પરિવારના કોઈ સભ્ય સંમત ન પણ હોય. આવા સંજોગોમાં એ સભ્ય ઘરના વડા કે પરિવારનો વિરોધી છે એવું અર્થઘટન વાહિયાત છે. સમાજના પ્રાથમિક એકમ એવા પરિવારમાં પણ પરિવારના સભ્યને પણ એટલી સ્વતંત્રતા તો છે જ કે પરિવારની અમુક બાબતોમાં તે અસહમતિ દર્શાવી શકે, ત્યારે સરકારના કોઈ પગલાં કે નિર્ણય વિશે અસહમતિ દર્શાવવી એટલે સરકારના વિરોધી હોવું એ તર્કહીન, વાહિયાત અને સગવડિયું અર્થઘટન છે. પારિવારિક બાબતોનું સંચાલન કરતી વખતે પરિવારના વડાએ જેમ ઘરના અમુક સભ્યોની અસહમતિને ધ્યાને લેવાની હોય છે એમ દેશનો વહીવટ ચલાવતી સરકારે બધી બાબતોમાં પોતાની મનમાની કરવાને બદલે દેશના અદના નાગરિકનો અવાજ પણ કાને ધરવો જોઈએ, પછી ભલે એ અવાજ અસહમતિ અને વિરોધનો કેમ નથી. વળી, સરકાર એ દેશ કે રાષ્ટ્રનો એક ભાગ છે તે સ્વયં દેશ કે રાષ્ટ્ર નથી. દેશની એકેક વ્યક્તિ, સમુદાય, સમાજ, એકમ, સંસ્થાઓ, સંગઠનો, વ્યવસ્થાઓ, તંત્રો અને સંસાધનો વગેરેથી એક દેશ કે રાષ્ટ્ર બને છે. આમાં પાંચ-પાંચ વર્ષે આવ-જા કરતી એવી સરકારનાં કોઈ પગલાં કે કાર્ય સાથે અસહમતિ દાખવવી એ દેશ કે રાષ્ટ્રનો વિરોધ કોઈ કાળે નથી જ નથી. સરકારના નિર્ણય કે પગલાં સાથે અસહમતિ એ સરકાર સાથે અસહમતિ છે, એમાં દેશનો, રાષ્ટ્રનો કે કોઈ વ્યક્તિનો વિરોધ જરા ય નથી. સરકાર પ્રજાથી, પ્રજા માટે અને પ્રજા વતી ચૂંટાય છે. સરકાર કામચલાઉ છે, પ્રજા કાયમી છે. સત્તાધિશોએ એક વાત સમજી લેવી પડશે કે પ્રજાએ એમને પાંચ વર્ષ માટે શાસન ચલાવવા મોકલ્યા છે, કંઈ હમેશ માટે શાસન લખી નથી આપ્યું. સરકાર જે કાંઈ કરે એ બધું સાચું, કાયદેસર, બંધારણીય અને લોકહિતમાં જ હોય એમ માની લેવાને કોઈ કારણ નથી. પ્રજાની સાચી વાત કે અસહમતિને જો અન્યથા લેવામાં આવશે તો પ્રજાના પ્રતિકારનો સામનો કરવાની તૈયારી સત્તાએ રાખવી પડશે.

લોકશાહી શાસનપ્રણાલિનું સૌથી મજબૂત પાસુ હોય તો એ વિરોધ છે. જો કોઈ વિરોધ જ ન હોય તો શાસન કરવામાં વળી શાણપણ કેવું! સાચો શાસક એ છે જે વિરોધીઓને પણ પોતાની સાથે લઈને ચાલે. વિરોધ અને વિરોધીઓનો ડર એ નબળા શાસકની નિશાની છે. દરિયો ખેડતા નાવિકે દરિયામાં કોઈ મોજું એની સામે ન આવવું જોઈએ એમ માનવું એ એની બાલિશતા છે. વિરોધ હોય તો પણ વિરોધથી ડર્યા વિના વિરોધનું સમાધાન કરવાનું કૌવત પણ સરકારે દાખવવું જોઈએ. પોતાના પક્ષીય હેતુઓથી પોતાને અલગ કરી પ્રજાહિત અને લોક-કલ્યાણની દિશામાં કામ કરતી સરકારો જ સાચા અર્થમાં પ્રજાપ્રિય થઈ શકે છે અને લાંબા ગાળા સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકે છે.

ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે જેમાં તમામ વ્યક્તિ, સંપ્રદાય અને ધર્મને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીં દરેક વ્યક્તિનો સૂર એકસરખું મહત્ત્વ ધરાવે છે, કોઈના પણ સૂરને અવગણી શકાય નહિ, પછી એ સૂર સંમતિનો હોય કે અસંમતિનો. અમુક મુદ્દા પર હું કોઈની સાથે અસહમત છું તો એનો અર્થ એ જરા ય નથી કે હું એમનો વિરોધી છું. અસહમતિને વિરોધમાં ખપાવવાની પ્રવૃત્તિ પાછળ વાસ્તવમાં સત્યને દબાવવાની મંશા છે. અસહમતિને વિરોધના વાઘા પહેરાવી સત્યને બિહામણું દેખાડવાની વૃત્તિ એ વાસ્ત્વમાં સત્ય સામેનો ડર છે.

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

ભારતમાં અઢળક રાજકીય પક્ષો સામે રાષ્ટ્રીય પક્ષો છ જ છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 November 2025

ચંદુ મહેરિયા

૨૦૨૪ની લોકસભા ચૂંટણી  ૭૪૩ રાજકીય પક્ષોએ લડી હતી. ૨૦૨૦ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ૨૧૧ અને ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. ભારત બહુદળીય લોકતાંત્રિક દેશ છે. તેમાં અનેક રાજકીય પક્ષો છે. છેલ્લે ઓગસ્ટ ૨૦૨૫માં ઈલેકશન કમિશન ઓફ ઇન્ડિયા( ECI) એ સતત છ વરસો સુધી ચૂંટણ્રી નહીં લડેલા ૩૩૩ પક્ષોની માન્યતા રદ્દ કર્યા પછી, હાલમાં દેશમાં નોંધાયેલા રાજકીય પક્ષોની સંખ્યા અઢી હજાર કરતાં વધુ (૨,૫૨૦) છે. 

ભારતની બહુપક્ષીય લોકશાહીમાં ત્રણ પ્રકારના રાજકીય પક્ષો છે : રાષ્ટ્રીય પક્ષો, રાજ્યકક્ષાના પ્રાદેશિક પક્ષો અને નોંધાયેલા પરંતુ રાષ્ટ્ર કે રાજ્યસ્તરીય પક્ષની માન્યતા નહીં ધરાવતા પક્ષો. બંધારણના અનુચ્છેદ ૩૨૪ અને લોકપ્રતિનિધિત્વ કાયદો ૧૯૫૧ની ધારા ૨૯(બ) હેઠળ રાજકીય પક્ષોએ ઈલેકશન કમિશનમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. ભારતના ચૂંટણી પંચની રાજકીય પક્ષો અને ચૂંટણી પ્રતીકો, ૨૦૧૯ની હેન્ડબુક પ્રમાણે રાષ્ટ્રીય પક્ષ માટેના નિયમો કે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. તે માપદંડો પૂરા કરનારા રાજકીય પક્ષને ચૂંટણી આયોગ રાષ્ટ્રીય પક્ષની માન્યતા આપે છે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ બેઠકોમાંથી ઓછામાં ઓછી બે ટકા બેઠકો પર વિજ્ય મેળવે, અથવા જે રાજકીય પક્ષ ચાર કે વધુ રાજ્યોમાં રાજ્યકક્ષાના પક્ષની માન્યતા મેળવે, અથવા જે રાજકીય પક્ષ લોકસભા કે કમ સે કમ ચાર રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓમાં કુલ માન્ય મતોના ઓછામાં ઓછા ૬ ટકા અને લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી ચાર બેઠકો જીતે તેને રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળે છે. 

૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ તથા ૨૦૧૪ પછી થયેલી ૨૧ વિધાનસભા ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના દેખાવ પરથી ચૂંટણી પંચે કેટલાક રાજકીય પક્ષોનો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો રદ્દ કર્યો હતો અને બીજા કેટલાક પક્ષોને રાષ્ટ્રીય પક્ષો ઘોષિત કર્યા હતા. 

હાલમાં ભારતમાં આમ આદમી પાર્ટી (AAP), બહુજન સમાજ પક્ષ (BSP), ભારતીય જનતા પાર્ટી (BJP), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ) CPI(M), ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ (INC) અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) આ છ જ પક્ષો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવે છે. કેન્દ્રીય ચૂંટણી પંચના ૧૯૬૮ના નિયમ મુજબ આમ આદમી પાર્ટીએ પંજાબ, ગોવા, દિલ્હી અને ગુજરાતમાં તેની પ્રભાવી ઉપસ્થિતિ નોંધાવીને આ રાજ્યોમાં રાજ્યકક્ષાના પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરતાં ૧૦મી એપ્રિલ ૨૦૨૩ના ચૂંટણી પંચના આદેશથી તેને નેશનલ પાર્ટીનો દરજ્જો હાંસલ થયો છે. છ રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી જૂની કાઁગ્રેસની સ્થાપના ૧૮૮૫માં, સી.પી.આઈ.(એમ.)ની ૧૯૬૪માં, બી.જે.પી.ની ૧૯૮૦માં, બ.સ.પા.ની ૧૯૮૪માં, ‘આપ’ની ૨૦૧૨માં અને એન.પી.પી.ની ૨૦૧૩માં થઈ હતી. નેશનલ પીપલ્સ પાર્ટી શાયદ ઉત્તરપૂર્વની પહેલી પોલિટિકલ પાર્ટી છે જેણે નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવ્યો છે. આપ અને એન.પી.પી. સ્થાપનાના માંડ એક જ દસકમાં રાષ્ટ્રીય પાર્ટી બની શક્યાં છે તે નોંધપાત્ર છે. 

ઈલેકશન કમિશને મમતા બેનરજીની તૃણમૂલ કાઁગ્રેસ, શરદ પવારના એન.સી.પી. (નેશનાલિસ્ટ કાઁગ્રેસ પાર્ટી) અને ડાબેરી પક્ષ સી.પી.આઈ. (કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા)નો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો રદ્દ કર્યો છે. સી.પી.આઈ.એ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં, એન.સી.પી.એ ગોવા, મણિપુર અને મેઘાલયમાં અને તૃણમૂલ કાઁગ્રેસે મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં રાજ્યસ્તરની પાર્ટીનું સ્ટેટસ ગુમાવતાં આ ત્રણ પક્ષો હવે ચાર કરતાં ઓછા રાજ્યોમાં રાજ્યસ્તરના પક્ષનો દરજ્જો ધરાવતાં હોઈ તેની રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા રદ્દ કરવામાં આવી છે. 

રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવતા પક્ષને આખા દેશમાં એક સરખા ઈલેકશન સિમ્બોલ પર ચૂંટણી લડવાનો અધિકાર મળે છે. રાષ્ટ્રીય પક્ષનું પ્રતીક અન્ય કોઈને ફાળવી શકાતું નથી. ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી અને આંધ્ર પ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીનું ચૂંટાણી ચિહન સાઈકલ છે. હવે જો તે બંને પક્ષો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવે તો જે પક્ષને પહેલાં નેશનલ પાર્ટીનો દરજ્જો મળે તેને સાઈકલનું નિશાન મળે છે. ચૂંટણી પ્રતીક ઉપરાંત રાષ્ટ્રીય પક્ષોને દૂરદર્શન અને અન્ય સરકાર નિયંત્રિત માધ્યમોમાં ચૂંટણી પ્રચાર માટેનો સમય ફાળવવામાં આવે છે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરેલ પક્ષને રાજધાની દિલ્હીમાં તેના પક્ષના કાર્યાલય માટે સરકારી જમીન મળે છે. ચૂંટણી પ્રચાર માટે ચાળીસ સ્ટાર પ્રચારકોને પ્રચારમાં ઉતારવાની સગવડ માત્ર રાષ્ટ્રીય પક્ષોને જ મળે છે. સ્ટાર પ્રચારકોનો ખર્ચ ઉમેદવારના વ્યક્તિગત ચૂંટણી ખર્ચના ખાતે નહીં પણ રાજકીય પક્ષોના ખાતે ગણાય છે. રાષ્ટ્રીય પક્ષોને જેમ દૂરદર્શન પર નિ:શુલ્ક ચૂંટણી પ્રચારનો સમય મળે છે તેમ મતદાર યાદીઓ પણ મળે છે. 

ભારતના ચૂંટણીકારણમાં રાજકીય પક્ષોની સંખ્યા વધતી રહી છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા સતત વધતી રહી નથી. ૧૯૫૧-૫૨ની પહેલી લોકસભા ચૂંટણીમાં ૫૩ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. ૨૦૨૪ની છેલ્લી લોકસભા ચૂંટણીમાં ૭૪૩ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. જો કે દેશમાં આજે કુલ રાજકીય પક્ષો ૨,૫૨૦ છે. દેશમાં સૌથી વધુ રાષ્ટ્રીય પક્ષો ૮ હતા અને સૌથી ઓછા ૪ હતા. ૧૯૯૬ની લોકસભા ચૂંટણી ૮, ૧૯૯૮ની ૭, ૧૯૯૯ની ૭, ૨૦૧૪ની ૬, અને ૨૦૧૯ની ૭ રાષ્ટ્રીય પક્ષોએ લડી હતી. હવે આજે દેશમાં ૬ રાષ્ટ્રીય પક્ષો છે. કોઈ એક રાજકીય પક્ષે પહેલીથી છેલ્લી લોકસભા ચૂંટણી સુધી તેનું નેશનલ પાર્ટીનું સ્ટેટસ જાળવી રાખ્યું નથી. તેનું કારણ રાજકીય પક્ષોમાં ભાગલા અને વિલય છે. કાઁગ્રેસ લોકસભાની સૌથી વધુ ચૂંટણી જીતી છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષ તરીકે તે કોઈ એક જ ચૂંટણી પ્રતીક સાથે પહેલી અને છેલ્લી લોક્સભા ચૂંટણી લડી નથી. પહેલી બે લોકસભા ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ રહેલા સી.પી.આઈ.નું વિભાજન થતા ૧૯૬૪માં સી.પી.આઈ.(એમ.) બન્યો હતો. તો બેવડા સભ્ય પદના મુદ્દે જનસંઘનો નવો રાજકીય અવતાર ભારતીય જનતા પક્ષ તરીકે ૧૯૮૦માં થયો હતો. 

આઝાદીથી આજ દિન સુધીમાં કાઁગ્રેસ, પ્રજા સમાજવાદી પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, જનસંઘ, અખિલ ભારતીય હિંદુ મહાસભા, રિવોલ્યુશનરી સોશલિસ્ટ પાર્ટી, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક, ભારતીય જનતા પાર્ટી, સી.પી.આઈ.(એમ.), જનતા દળ, જનતા પાર્ટી, લોકદળ, ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ (તિવારી), સમતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, જનતાદળ (સેક્યુલર), જનતાદળ( યુનાઈટેડ), રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી, તૃણમૂલ કાઁગ્રેસ, આમઆદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી એ એકવીસ રાજકીય પક્ષો રાષ્ટ્રીય પક્ષોનો દરજ્જો ભોગવી ચૂક્યા છે કે ભોગવે છે.

દેશમાં રાજકીય પક્ષોની ભરમાર છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. વળી તેમાંનો કોઈ રાજકીય પક્ષ આજે અખિલ ભારતીય કક્ષાએ છવાયેલો જોવા મળતો નથી. રાષ્ટ્રીય પક્ષ માટેના ઈલેકશન કમિશનના ઉદાર માપદંડને કારણે તે વધુમાં વધુ ચાર રાજ્યોના ઈલેકશન પરફોરમન્સ પરથી રાષ્ટ્રીય પક્ષ બની શક્યો છે. એટલે લોકસભાના મુખ્ય વિપક્ષ કે હાલના સત્તા પક્ષે પણ પૂર્ણપણે રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ બનવું હજુ બાકી જ છે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

ચલા મુરારી હીરો બનને : ‘કોમેડિયન’ની ‘હીરો’ બનવાના સંઘર્ષની કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 November 2025

રાજ ગોસ્વામી

એક બહેતરીન હાસ્ય કલાકાર તરીકે અસરાનીએ ભલે આપણું મન ભરીને મનોરંજન કર્યું હોય, એક અભિનેતા તરીકે તેમને એ વસવસો રહી ગયો હતો કે ફિલ્મકારોએ તેમને કોમેડીના પિંજરામાં જ કેદ રાખ્યા. અસરાનીની એ તીવ્ર ઇચ્છા હતી કે તેઓ ખુદને એક ગંભીર અભિનેતા તરીકે સાબિત કરે. તેમણે ઘણી ભૂમિકાઓ પસંદ કરતી વખતે આ ઇચ્છાને ધ્યાનમાં પણ રાખી હતી. એટલું જ નહીં, ફિલ્મકારો તેમના વિશે કોમેડિયનથી આગળનું વિચારતા નહોતા એટલે અસરાનીએ ગાંઠનું ગોપીચંદન કરીને એક ફિલ્મ પણ બનાવી હતી, જેમાં તે હીરો હોય. 

તે ફિલ્મ એટલે 1977માં આવેલી ‘ચલા મુરારી હીરો બનને.’ અસરાનીએ કહ્યું હતું કે તેમણે આ ફિલ્મ કેવળ મનોરંજન માટે નહોતી બનાવી, પરંતુ પોતાનાં સપનાંની અને તેને સાકાર કરવાના સંઘર્ષની વાર્તા કહેવા માટે બનાવી હતી. 

‘ચલા મુરારી હીરો બનને’ની વાર્તા-રૂપરેખા ખુદ અસરાનીના અનુભવોથી પ્રેરિત હતી. મુરારી નામનો એક નાનકડા શહેરનો છોકરો સપનાંની નગરી મુંબઈમાં આવે છે, સંઘર્ષ કરે છે, હાર-જીત કરે છે અને અંતે સફળ થાય છે – આ વાર્તામાં અસરાનીએ પોતાના આંતરિક અવાજ અને અનુભવોને સમાવ્યા હતા. 

ગયા અઠવાડિએ આપણે ‘ગુડ્ડી’ ફિલ્મની ચર્ચા કરી ત્યારે જોયું હતું કે પૂણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગનો કોર્સ કરતા ગોવર્ધન કુમાર અસરાનીએ કેવી રીતે ઋષિકેશ મુખર્જીની પાછળ પડી જઈને એ ફિલ્મમાં કુંદન નામના એક ગામડિયા યુવાનનો રોલ મેળવ્યો હતો, જે ગ્લેમરથી અંજાઈને હીરો બનવા માટે મુંબઈ આવે છે અને પછી હતાશાનો ભોગ બને છે.

અસરાનીએ અનેક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે આ ફિલ્મ તેમની ‘હીરો બનવાની લાલચ’નું પ્રતિબિંબ હતી – તેમણે તેમની કોમેડિયનની છબીને તોડીને પોતાને મુખ્ય હીરો અને ફિલ્મ નિર્દેશક તરીકે જોવાની કોશિશ કરી હતી.

કોમેડિયન-અસરાનીની સરખામણીમાં નિર્દેશક-અસરાનીનો માર્ગ આસાન નહોતો. તેમણે જ્યારે આ ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો, ત્યારે ઘણા સહકલાકારોએ તેને નકારી કાઢ્યો હતો. એમાં અમુક તો તેમના મિત્રો પણ હતા. “હું સહ-અભિનેતા તરીકે બરાબર હતો,” અસરાનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “પણ જેવી મેં હીરો બનવાની વાત કરી, તો જે લોકો સાથે માટે ખાવા-પીવાના સંબંધો હતા તેમણે પણ ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં.”

અસરાનીને આનાથી બહુ દુઃખ થયું હતું. તે દરેક કલાકાર સાથે કામ કરવા માટે હરહંમેશ તૈયાર રહેતા હતા, પણ જ્યારે ખુદની ફિલ્મ બનાવી ત્યારે તેમાંથી ઘણાને તેમની નિર્દેશકની કાબેલિયત પર શંકા થવા લાગી હતી. “હીરો લોકોને એક કોમેડિયનની આજ્ઞાનું પાલન કરવાનું પચતું નહોતું,” એમ અસરાનીને લાગ્યું હતું.

ફિલ્મની નિર્માણ-પ્રક્રિયા દરમિયાન એવી ઘણી ક્ષણો આવી હતી; અસરાનીને તેમના આ નિર્ણય અંગે શંકા પડી હતી. તેમણે પહેલીવાર અનુભવ કર્યો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈમેજ અને સ્ટેટસનું ઘણું મહત્ત્વ છે. તેમણે જ્યારે ફિલ્મ નિર્દેશક બનવાનો નિર્ણય જાહેર કર્યો, ત્યારે ઘણા લોકોએ તેમને ચેતવ્યા હતા કે “જે લોકો પ્રસિદ્ધ છે તેમને તેમની ઈમેજ બદલતાં વાર લાગે છે.” મતલબ કે, અસરાનીને લોકો કોમેડિયન તરીકે જ જોવા ટેવાયેલા છે અને હીરો-નિર્દેશક તરીકે નહીં સ્વીકારે. 

‘દીવાર’ અને ‘ત્રિશુલ’ જેવી ફિલ્મોના નિર્માતા ગુલશન રાયે અસરાનીને એક કડવી સલાહ આપી હતી કે “એકવાર એક્ટર ખુદને નિર્દેશક તરીકે જાહેર કરે છે, પછી ફિલ્મ જગતમાં લોકો તેને કલાકાર તરીકે જોવાનું બંધ કરે છે. આઈ.એસ. જોહર, મહેમૂદ, જોની વોકર અને દેવેન વર્મા સાથે એવું જ થયું હતું.”

તેમ છતાં, અસરાનીએ ફિલ્મ બનાવવાનું તેમનું સપનું પૂરું કર્યું. ‘ચલા મુરારી હીરો બનને’માં વાર્તાની શરૂઆત એક નાના શહેરમાંથી થાય છે. ત્યાં મુરારીના પિતા કપડાંની દુકાન ચલાવે છે અને મુરારી ફિલ્મોમાં જવાનાં સપનાં જુએ છે. ફિલ્મમાં, અસરાનીએ એ બતાવ્યું હતું કે કેવી રીતે સપનાં જોવામાં કેટલાં સરળ લાગે છે પરંતુ તેને સાકાર કરવામાં કેટલી અડચણો આવે છે.

ફિલ્મની થીમમાં તે સમયના સામાજિક-સાંસ્કૃતિક પરિવર્તનની ઝલક પણ જોવા મળે છે. એક તરફ ભારતના હજારો યુવાનોનાં સપનાં, રોમાંચ અને ફિલ્મના હીરો બનવાની ઇચ્છા છે; તો બીજી તરફ ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતા, સંઘર્ષ અને કડવી હકીકત છે. એક રીતે, ‘ચલા મુરારી હીરો બનને’માં તે સમયની ફિલ્મોની ખોખલી દુનિયાને ઉજાગર કરવામાં આવી હતી.

ફિલ્મના નિર્માણ પાછળની અસરાનીની માનસિકતા વિશે વાત કરીએ તો, તેમણે જણાવ્યું કે આ ફિલ્મ બનાવી ત્યારે તેમની કેરિયરનો સૌથી નબળો તબક્કો ચાલતો હતો. તેઓ સહ-અભિનેતા તરીકે તો પ્રસિદ્ધ હતા, પરંતુ હીરો કે નિર્દેશક તરીકે તેમને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. આ ફિલ્મ પછી અસરાનીએ લોકોને મળવાનું અને તેમની સાથે ઉઠવા-બેસવાનું ઓછું કરી નાખ્યું હતું. તેમને મહેસૂસ થયું કે બોલ બચ્ચનથી કંઈ વળતું નથી, આ કઠોર દુનિયા છે અને લોકો તમને પાડવા માટે ટાંપીને બેઠા હોય છે.

ફિલ્મમાં અસરાનીએ અમુક યુક્તિઓ કરી હતી. જેમ કે મહેમાન કલાકાર તરીકે તેમાં મોટા સ્ટાર્સ હતા. જેમ કે – અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા મલિની, ઋષી કપૂર વગેરે. ફિલ્મને વ્યવસાયિક દૃષ્ટિએ ફાયદાકારક બનાવવા માટે એમાં અમુક નામો અને ચહેરા હોવા જરૂરી હતા. આર.ડી. બર્મન અને કિશોર કુમારે આ ફિલ્મમાં મધુર ગીતો પણ આપ્યાં હતાં.

આ ફિલ્મ બહુ મોટી હિટ તો સાબિત ન થઇ, પરંતુ અસરાનીને એ આશા તો બંધાઈ કે તેઓ તેમની વાત કહી શકે તેમ છે અને પોતાની રીતે કામ કરી શકે તેમ છે. આ ફિલ્મ પછી તેમણે નિર્દેશકના રૂપમાં વધુ પ્રયાસો કર્યા હતા. તેમની આ કોશિશથી એક સંદેશ મળ્યો કે એક સાચા કલાકારે એવી ઈમેજમાં કેદ રહેવાની જરૂર નથી જે ઇન્ડસ્ટ્રી તેમના માટે નક્કી કરે – પરંતુ તેમાં પરિવર્તન લાવવા માટે હિંમત રાખવી જોઈએ.

‘ચલા મુરારી હીરો બનને’ કેવળ એક ફિલ્મ માત્ર નથી, પરંતુ તે અસરાનીનાં બાહ્ય અને આંતરિક સંઘર્ષ, તેમની ઊંચી આકાંક્ષાઓ, ફિલ્મ જગતની નગ્ન વાસ્તવિકતાઓ અને સમાજના લોકોનાં સપનાં વચ્ચેના તનાવની પ્રતિક છે. આજે જ્યારે આપણે આ ફિલ્મને યાદ કરીએ છીએ ત્યારે, આપણે તેને મનોરંજન તરીકે નહીં પરંતુ અસરાનીના તે ભાવનાનું પણ સ્મરણ કરીએ છીએ, જેણે એક કોમેડિયનને હીરો અને નિર્દેશક બનવા માટેનો રસ્તો બનાવ્યો હતો. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 12 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...182183184185...190200210...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved