Opinion Magazine
Number of visits: 9962727
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે જ કિસાન આંદોલન અને રાજનીતિની કસોટી છે

ભરત મહેતા|Opinion - Opinion|1 December 2021

કપરાં કોરોનાકાળમાં વટહૂકમથી લેવાયેલાં ત્રણ કૃષિબિલ આખરે મોદી સરકારે પાછા ખેંચવા પડ્યાં! ૧૪ મહિના કડકડતી ઠંડી, કાળઝાળ ગરમી, ભારે વરસાદ ઉપરથી સરકારી ત્રાસ છતાં ય ખેડૂતો ડગ્યાં નહીં. નવસો ખેડૂતો શહીદ થયાં છે. ઉત્તરાખંડથી યુ.પી. સુધી સરકારે સેંકડો ખેડૂતો પર આંદોલન કરવા બદલ કેસો કર્યાં છે. સામ, દામ, દંડ, ભેદની તમામ સરકારી પ્રયુક્તિને કિસાન એકતાએ પાછી પાડી. મોદીનો પહેલો પરાજય સુપ્રિમ કૉર્ટ આ ત્રણ કોર્પોરેટી કાળા કાનૂન સ્થગિત કર્યા હતા ત્યારે જ થયો હતો, પરંતુ આંદોલનથી એ નિર્ણયને બળ મળ્યું. કિસાન આંદોલનની આ જીત ભારતની રાજનીતિમાં ઐતિહાસિક સીમાચિહ્‌ન છે.

હજુ હમણાં જ બે દાયકા પૂર્વે નંદીગ્રામમાં ત્રણ હજાર કિસાનો મરી ગયાં, સેંકડો સ્ત્રીઓ પર બળાત્કાર થયાં પણ ટાટાને જમીન આપવા બાબતમાં કિસાનો ઝુક્યાં નહીં અને એમનો વિજય થયેલો એ અત્યારે યાદ આવે. ટાટા માટે લાલ જાજમ અને માર્ક્‌સને ટાટા કરનાર બંગાળની પાંત્રીસ વર્ષની સરકારનું નંદીગ્રામે પતન કર્યું. ગાંધીજીનો ભારતીય રાજનીતિમાં પ્રવેશ ચંપારણના કિસાન આંદોલનથી, વલ્લભભાઈ પટેલની આગળ 'સરદાર’ વિશેષણ ઉમેરાયું બારડોલીના કિસાન આંદોલનથી. આ પરંપરામાં આ કિસાનોના સત્યાગ્રહને ય જોવો જોઈએ. આઝાદી પછી તેલંગણામાં કિસાનોએ નેહરુને ય હંફાવેલા અને જમીનદારીનો કાયદો રદ્દ કરાવેલો.

નાનપણથી આપણને ભણવામાં આવે છે કે ભારત ખેતીપ્રધાન દેશ છે. પણ ભારતમાં ખેડૂત જ અવગણાતો જાય છે – સહુથી વધારે. ભારત ગામડાંમાં જીવે છે એમ પણ કહેવાયું છે. આ છ લાખ ગામડાંમાં ભારત રોજ રોજ મરે છે. મોદી આવ્યા ત્યારે ભૂખમરાથી પીડિતોનો આંકડો ત્રીસ કરોડથી ઓછો હતો (એ પણ કંઈ આશ્વાસન પામવા જેવી વાત નહોતી જ) આજે જેમને મહિને પાંચ કિલો અનાજ અપાય છે એવાનો આંકડો એંસી કરોડ છે. એંસી કરોડને રોજનું પચાસ ગ્રામ અનાજ મળે છે! મનરેગામાં ૧૫૦ રૂપિયા દલાલી ન આપે તો કામ મળતું નથી. આમાંના મોટા ભાગનાં ખેતમજૂરો જ છે. યુ.પી.ની જેમ અન્ય સરકારોએ પણ આગામી ચાર વર્ષ સુધી મજૂર કાયદાઓ સ્થગિત કર્યાં છે! કહેવાનો અર્થ છે આ સરકાર ખેડૂત, મજૂર, ગરીબ, વિદ્યાર્થી વિરોધી સરકાર છે. તેથી મોદી સરકારનું આ દેખીતું ‘હૃદયપરિવર્તન’ આગામી દિવસોમાં આવી રહેલી પાંચ રાજ્યોની ચૂંટણીનું દબાણ છે. પોતાની સઘળી તાકાત વાપર્યા છતાં, ૭,૦૦૦ કરોડ ખર્ચા છતાં, બંગાળનો પરાભવ તાજો છે. તેથી શૂરા બોલ્યા ન ફરે, એ ફર્યાં છે! સત્તાના મદમાં મસ્ત સરકારને કિસાન એકતાએ ઠેકાણે લાવી દીધી છે. હવે જ કિસાન આંદોલનની અને રાજનીતિની કસોટી છે. ભા.જ.પ.ના આ મતદાર કિસાનો ભા.જ.પ.થી નિભ્રાંત થયાં છે અને 'વોટ પે ચોટ’ના સૂત્રોચ્ચાર કરે છે, અને કુંભકર્ણની નિંદ્રામાં ખલેલ પાડી છે.

આમ છતાં, આ બિલ પાછા ખેંચતી વખતે પણ એમણે તંગડી તો ઊંચી જ રાખી છે! કિસાનોના એક જૂથને મનાવી ન શક્યાં એટલે બિલ પાછા ખેંચું છું. અરે ભાઈ, ભારતના કયાં કિસાન સંગઠને આ બિલનું સ્વાગત કરેલું એ તો બતાવો? એક બે મીડિયામાં ચમકેલાં એ પણ બનાવટી નીકળ્યાં! આ બિલ વાપસીના ભાષણમાં એક પણ શબ્દ, જીવ ગુમાવેલાં કિસાનો માટે નહીં? આ તમારી સંવેદનશીલતા?! તમે કહો છો કે કિસાનોના ભલા માટેના કાનૂન હતા તો કેમ તમે એકવાર પણ કિસાનોને મળવા ન ગયા? તમારા રહેઠાણથી કેવળ ૨૫ કિલોમીટર જ દૂર હતા! અયોધ્યા-સોમનાથના આંટાફેરા મરાય પણ જગતના તાતને મળવાનો સમય જ નહીં, અને હવે મગરના આંસુ! કિસાનોના હિતમાં આ બિલ હતા એ સરાસર જુઠ્ઠાણું છે. સંસદને વંદન કરીને સંસદમાં તમે પ્રવેશ્યા પછી તમે સતત સંસદનું ચીરહરણ કર્યું છે. કોઈ પણ સુધારો સંસદીય સમિતિની ચર્ચા વિચારણા પછી થાય એના બદલે સીધો ‘વટ્ટ હુકમ’. સંસદીય સમિતિની રચના જ નહીં! એ જ રીતે સાંસદો, સાથીપક્ષો સાથે વિધિવત્‌ની બેઠક વગર જ પાછો ખેંચવાની જાહેરાત! આ સરકાર છે કે કોઈ પેઢી? કૃષિસુધારણાઓ રાજ્યસરકારના ક્ષેત્રમાં આવે છે તો તમે કેન્દ્રીય હસ્તક્ષેપ દ્વારા પુનઃ સંસદીય ગરિમાનો ભંગ કર્યો. વળી, ચૂંટાયેલા પ્રધાનો ચેનલે ચેનલે કિસાનોને નક્સલવાદી, દેશદ્રોહી, ખાલિસ્તાની ગણાવે. તમે એકવાર પણ એક પણ નેતાને એ અંગે ટકોર્યા હતા? તેથી જ કિસાનનેતાને તમે જાહેરમાં બિલ પાછું ખેંચ્યું છતાં વિશ્વાસ નથી. કૃષિબિલ તમારા ઘોષણાપત્રનો ભાગ હતું જ નહીં. ઘોષણાપત્રમાં પ્રતિવર્ષ બે કરોડ નોકરીઓ હતી. ક્યાં છે? તમે જે નથી કરવાનું એ કરો છો, કરવાનું છે એ નથી કરતાં એનું નોટબંધી પછીનું આ બીજું ઉદાહરણ છે.

ભારતમાં ૬૦ કરોડ ખેડૂતો છે. એમના સંતાનો તમે જેની સાથે દિવાળી ઊજવી એ ભારતીય સેનામાં છે. જેણે કદી ગાય દોહી નથી, ગાયની સાની (ખોરાક) તૈયાર નથી કરી એ એકાએક કૃષિબિલ લાવી નાંખે? કિસાનસંગઠનોને બિલ આવતાં પહેલાં બોલાવી શકાત. અરે, બિલ પાછું ખેંચ્યું ત્યારે પણ કિસાનનેતાઓને બોલાવી, પત્રકાર પરિષદ બોલાવી, સન્માનપૂર્વક પાછું ખેંચી શકાત. બિલવાપસી પશ્ચાત્‌ના તમારા ભાષણમાં અહંકારમઢી નમ્રતા દેખાઈ જતી હતી. કૃષિબિલ લાવતા કે પાછું ખેંચતા સાથી પક્ષો કે વિરોધ પક્ષોને ય કંઈ નહીં પૂછવાનું? તમે ભારતના રાજા છો કે લોકતંત્રના વડા? ઉત્તર પ્રદેશથી ઉત્તરાખંડ, રાજસ્થાન વગેરે જગ્યાએ જગ્યાએ કિસાન આંદોલન સંદર્ભે થયેલી ધરપકડો તાકીદે રદ્દ કરો, સેંકડો કેસો પાછા ખેંચો, જો તમારામાં સંવેદનશીલતા બચી હોય તો.

આ આંદોલને બતાવી દીધું કે રાજનીતિ એ શિક્ષિતોનો ઠેકો નથી. પછી ચૂંટણીમાં વેરવાના અઢળક નાણાં જ છે, ભોંયુ પ્રચારમાધ્યમો ખડા પગલે ૨૪ ગુણ્યા ૭ [24 x 7] સેવામાં લાગેલાં રહેશે. ગામેગામ કિસાન આંદોલને નાની-નાની સભાઓ કરી તીવ્રપણે કોર્પોરેટ હાઉસની ગુલામી કરી રહેલ સરકારને ચૂંટણીમાં પરચો દેખાડવાનું કામ હજુ કરવું પડશે. શેરડીના ૭,૦૦૦ કરોડ સરકારને ચૂકવવાના બાકી છે, એ લેવાના છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ મોંઘી વીજળી યુ.પી.માં છે, ઔદ્યોગિક એકમોને વીજળી-પાણીમાં અભૂતપૂર્વ લાભ અપાય છે એ ખેડૂતોએ માંગવો રહ્યો. ગુજરાતમાં નેનોને એક યુનિટ ૪૦ પૈસે વીજળી મળે છે! આંદોલનની ચાદર સમેટી લેવાને બદલે કિસાનોએ ભારતીય લોકતંત્રના તારણહાર બની, ભજન કરનારને ભગવાનના ભજન કરવા મોકલી દેવા જોઈએ. જેમને અદાણી અંબાણી પર ખૂબ જ વહાલ ઉભરાતું હોય એમને ત્યાં નોકરી કરવા મોકલી દેવા જોઈએ. પાંચ ટ્રિલિયન ઇકોનોમીની વાત કરનારાં તમે જે તબાહી સર્જી છે એને ‘રૂક જાવ’ કહેનાર કિસાન આંદોલન ધન્યવાદને પાત્ર છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 04

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|30 November 2021

વિદ્યાયાત્રાના કેટલાક અંશ ફરીથી પ્રકાશિત કરું છું :

૫ : અધ્યાપનકાળના કેટલાક બનાવો

ઉપલેટા કપડવણજ બોડેલી અને અમદાવાદ એમ સઘળાં અધ્યાપનસ્થળો દરમ્યાનના કેટલાક બનાવો મને બહુ યાદ રહી ગયા છે :

ઉપલેટામાં ૧૯૬૪માં હું પ્રોફેસરપદે હતો. કારકિર્દીનો એ શુભારમ્ભ હતો.

પહેલા વર્ષે અમે કેટલાક અધ્યાપકો નવા ને અમારા પ્રિન્સિપાલ પણ નવા. પ્રોફેસર હોવાથી હું પ્રિન્સિપાલ પછીનો ફર્સ્ટ આસિસ્ટન્ટ. તે મને કહે, ટાઇમટેબલ બનાવી દો. મને કેમ આવડે? મેં બીજા બેએક મિત્રોની મદદ મેળવીને બનાવેલું.

અમે કેટલાક અધ્યાપકો ‘ભવાન ગોકળની ચાલ’-માં ઉપલા માળે રહેતા’તા અને ‘પ્રિન્સિપાલ-નિવાસ’ નીચે ગ્રાઉન્ડફ્લોર પર હતો. રશ્મીતાના પત્રો ત્યારે હું કૉલેજના સરનામે મંગાવતો તે લેવા અને આમે ય કૉલેજના કામે મારે અવારનવાર નીચે એમને ત્યાં જવું પડતું’તું. કેમ કે એમને વાતે વાતે મદદની જરૂર પડતી. એમનાં પત્ની મિલનસાર. મને કહે, તમારે સાહેબને નાનીમોટી હૅલ્પ કરતા રહેવું. પછી હસીને કહેતાં, લૉ આ તમારો પ્રેમપત્ર, આજે જ આવ્યો. એમ લૅણાદૅણીનો પણ મીઠો સમ્બન્ધ ઊભો થયેલો.

પણ એ સમ્બન્ધ વિકસે એ પહેલાં બીજે વર્ષે તેઓ અમદાવાદ ચાલી ગયેલા. મેં જ્યારે સાંભળેલું કે તેમનું મૃત્યુ અ-સહજ હતું, મન ખિન્ન થઇ ગયેલું. 

પ્રિન્સિપાલ બદલાઇ ગયેલા ને તેથી એકડો નવેસર ઘૂંટવાનો વારો આવેલો. કેમ કે એ તો કારણ વગરના ચીકણા હતા. વળી, સાહેબગીરીના શોખીન તે વાતે વાતે અમને બધાને મૅમા આપે. લખ્યું હોય : બે દિવસમાં ખુલાસાવાર જવાબ કરજો : એમણે મને પણ મૅમો આપેલો. કારણ શું? એ કે – તમે રવિવારે ધોરાજીના વિદ્યાર્થીને ત્યાં ગયા તે ઠીક ન કર્યું. વિદ્યાર્થીની બીહેવીયર સારી નથી. હું એકલો તો ગયો ન્હૉતો, બેત્રણ બીજા અધ્યાપકો પણ હતા ! અને વિદ્યાર્થી તો બાપડો એના ખેતરે અમને મગફળી ને ગૉળ ખાવા લઇ ગયેલો. મને યાદ છે, એણે સૌરાષ્ટ્રની ઢબના અડદિયા પણ ખવરાવેલા. આખો વખત મૅમાનું કાગળિયું જોયા કરું. મન મારું બેચૅન થઇ ગયેલું.

પરન્તુ સદ્ભાગ્યે એ વર્ષે બે નવા અધ્યાપકમિત્રો જોડાયેલા – પૂરા કાઠિયાવાડી જણ. મને ક્હૅ, એમાં શું ! મામાને સીધો કરશું. જો કે એ વાતે હું વળી ફફડતો’તો. 

સારું હતું કે સામે ઑઇલમિલ હતી ને પિલાતી મગફળીની સોડમ રાતદિવસ આવ્યા કરતી’તી. મોટી બારીમાંથી ચન્દ્ર જોઉં એટલે મન પ્રસન્ન થઇ જતું. બાજુમાં વેપારી રહેતા’તા. ક્હૅતા – સુમનભાઇ, આ તેલનો ડબ્બો હાલ ત્રીસમાં મળે છે ઇ એક દી ત્રન્સોમાં મળતો થૈ જસે. એમને ક્યાં ખબર હતી કે ડબ્બો તો ઉત્તરોત્તર વધીને ચાર આંકડાનો થઇ જવાનો’તો !

ચાલની બાજુમાં મગફળીનો ખુલ્લો ભંડાર હતો. એ તરફ ભીંતે કોટે કોટે ચાલતા જવાય ને ત્યાં બેસીને મગફળી જેટલી ખાવી હોય એટલી ખવાય. ઘરે લઇ જવાની ચોખ્ખી મનાઇ. રસ્તા પર થોડે આઘે એક ફાફડાવાળો હતો. ગરમાગરમ ઉતારતો હોય. કાચી મગફળીથી મારું માથું ચડતું ને ફાફડા જોડેનાં મરચાં હું કદીક જ ખાઇ શકતો.

ત્યારે ઉપલેટામાં એક ભારે ભડ વકીલ હતા. ગામ આખાના પ્રશ્નો જાણે ને ઉકેલે. લોક પણ એમની પાસે દોડ્યું જાય. અધિકારીઓ એમનાથી બીવે. એક રવિવારે મારે ત્યાં અમે મિત્રો ફાફડાભોજન કરતા’તા, અમારામાંથી કોઇએ બારીમાંથી જોયું તો વકીલ જતા’તા. મને ક્હૅ, વકીલ જાય છે, બોલાવો બોલાવો. મેં બોલાવ્યા. એ આવ્યા. વકીલ પૂછે, પ્રિન્સિપાલને ફાફડા ખાવા – ? આમ હોય કૈં? બોલાવો એમને !

બોલાવ્યા તો વકીલનું નામ સાંભળીને પ્રિન્સિપાલ ઝટ આવ્યા. બેઠા. ફાફડો ખાતા’તા એ દરમ્યાન મહા સંકટકારક બનાવ શરૂ થયો.

વકીલે સ-સ્મિત પ્રિન્સિપાલના ખિસ્સાની પેન કાઢી, ખોલી ને ઊંધી કરીને શાહીને ફ્લોર પર ઢોળી દીધી – ક્હૅ, આજ પછી કોઇને મૅમા આપસો ને સાયેબ, તો ઉપલેટે રહૅવાસે નૈં, હમજ્યા ! સોપો પડી ગયો. પ્રિન્સિપાલ મૉં ચડાવીને જતા રહ્યા. વકીલ પણ – તમે લોકો નિરાંત રાખો, હું બેઠો છું, કહીને નીકળી ગયા. મિત્રો પણ વેરવિખેર થઇ ગયા. હું ને રશ્મીતા શિયાવિયા. અમને થાય, આ શું બની ગયું આપણે ત્યાં.

શાઇ તો મેં લૂછી નાખેલી પણ બીજે દિવસે સવારે અમને બધાને તાજા મૅમા મળેલા. લખેલું, પ્રિન્સિપાલનું અપમાન કરવાનું પૂર્વાયોજન, મુખ્ય જવાબદાર છે, સુમન શાહ, પગલાં લેવાશે. કૉપી ઍડમિનિસ્ટરને ફોરવર્ડ કરેલી.

ત્યારે કૉલેજ ઉપલેટા મ્યુનિસિપાલિટી ચલાવે પણ અનેક કારણોસર સુપરસીડ થયેલી એટલે ઍડમિનિસ્ટ્રેટ ફાઇનલ ઑથોરિટી હતા. પગલાં તો એ કે – છૂટા કરવામાં આવશે. કેમ કે પ્રિન્સિપાલે હઠ પકડેલી – કાં આ બધા નહીં, કાં હું નહીં.

કાઠિયાવાડી બન્ને બળિયા મિત્રો બાતમી મેળવી લાવ્યા – આપણને બધાને છૂટા કરવાની નોટીસો ટાઇપ થઇ ગઇ છે. પણ બન્ને કહે – ગભરાશો નહીં, અમે બિલકુલ એની વાંહે લાગેલા છીએ.

વાત એમ હતી કે ઍડમિનિસ્ટ્રેટરની દીકરી કૉલેજમાં ભણતી’તી, રશ્મીતા એને જાણે. એને કાને વાત નાખી એટલે, વગેરે લાંબી વાર્તા છે પણ ટૂંકમાં કહું કે, ઍડમિનિસ્ટ્રેટરના ઘરે અમને સૌને બોલાવાયા. મીટિન્ગ ગોઠવાણી. અમે પાથરણા પર નીચે બેઠેલા. એઓ ખુરશી પર.

બધાને એક પછી એક ખુલાસા કરવા કહ્યું. છેલ્લો સવાલ મને કરવામાં આવ્યો : તમારા ઘરે પ્રિન્સિપાલ જેવા પ્રિન્સિપાલ જોડે આવો અઘટિત બનાવ બન્યો, તમારે શું કહેવાનું છે? મેં કહ્યું – સર, જે થયું તે ખોટું થયું છે. મારે ત્યાં થયું એ માટે હું ખરેખર દિલગીર છું. પણ એક વાત નક્કી કહું કે એ માત્ર અકસ્માત હતો.

ત્યાં પેલા મિત્રોએ કહ્યું – અમને છૂટા કરાતા હોય તો ભલે કરો, પણ સાહેબ, પ્રિન્સિપાલે બીજી કૉલેજમાં ઑર્ડર મેળવેલો છે, એમના વતનમાં, આપડી કૉલેજ છોડી જવાના છે. ઍડમિનિસ્ટ્રેટરે કહ્યું, એમ છે? ભલે. તમે જઇ શકો છો.

એમણે પૂરેપૂરી માહિતી મેળવીને ખાતરી કરેલી ને અમારી નોટિસો રદ કરેલી. મને કહેવામાં આવેલું – તમને પ્રિન્સિપાલ બનાવીએ. પણ મારે બનવું ન્હૉતું. પ્રોફેસર રહેવું’તું. કપડવણજ અને ડાકોરના બે-બે ઑર્ડર છેક ફેબ્રુઆરીથી મારા હાથમાં હતા. મારે તો વહેલી તકે ‘ગુજરાત’ જવું’તું. કોઈ અમદાવાદ તરફ જાય તો એ લોકો ક્હૅતા – ગુજરાત જવાના, નૈં…

ડાકોરને બદલે હું કપડવણજ ગયો. કપડવણજમાં પહેલી વાર કામૂની નવલકથા ‘આઉટસાઇડર’ વાંચી ને નાયક મ્યરસોંને એમ કહેતાં સાંભળ્યો કે – આરબની હત્યા કરવાનો પોતાનો આશય ન્હૉતો, એ તો તડકાને કારણે થયેલું – બીકૉઝ ઑફ ધ સન. ત્યારે મને ઉપલેટાવાળો પ્રિન્સિપાલના અપમાનનો બનાવ યાદ આવી ગયેલો. મારે પણ એવું જ કંઇક કહેવું હતું કે – એવો મારો ઇરાદો ન્હૉતો, એ તો ફાફડાને કારણે બનેલું …

જો કે એ બુઝુર્ગ મનુષ્યની છબિ જ્યારે જ્યારે ચિત્તમાં જાગે છે ત્યારે ત્યારે મને દિલસોજી થાય છે ને એમ પણ થાય છે કે એમ ન થયું હોત તો સારું થાત.

(ક્રમશ:)

= = =

(November 24, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|30 November 2021

અધ્યાપનકાળના કેટલાક બનાવો (2)

જો કે મને મારી નાખવા લગીની ઘટનાઓ પણ ઘટી છે.

એ જ ઉપલેટામાં જી.ઍસ.ને બહુ જ ફિશપૉન્ડ મળેલાં. જનરલ સૅક્રેટરીઓ એ જમાનામાં તો નાના રાજકારણી ગણાય. પણ વિદ્યાર્થીઓ જી.ઍસ.ની મશ્કરી કરવામાં પાછીપાની ન કરે. એને મળેલાં ફિશપૉન્ડમાં એવું કશું અજૂગતું ન્હૉતું. બધાંનાંની તારવણી મેં કરેલી. મને કહે – તમે પાસ કર્યાં જ કેમ. મેં કહ્યું – એ તો જે હોય એ સ્વીકારવાનાં હોય છે ને ભલામાણસ, એની મજા લેવાની હોય.

પણ એટલી સાદી વાત એ માન્યો નહીં, મને ક્હૅ – હું તમને જોઇ લઇશ, જોઉં છું કે ધોરાજી છરકીને કેવા જાવ છો ગુજરાત. ટ્રેન પર મળશું.

એ ધોરાજીનો હતો. અમે વૅકેશન માટે ‘ગુજરાત’ જતાં’તાં, ટ્રેન ધોરાજી સ્ટેશને પાંચ મિનિટ થોભે. મેં અને રશ્મીતાએ એક સહપ્રવાસી સરદારજીને કહી રાખેલું – હૅલ્પ કરના, પ્લીઝ … એ તો આવ્યો. ઝપાઝપી થયેલી પણ લાંબી ચાલે એ પહેલાં એને ઊતરી જવું પડેલું કેમ કે ટ્રેન ચાલુ થઇ ગયેલી. મારું શર્ટ ચોળાઇ ગયેલું.

આ વાર્તા ઉત્તરાર્ધે સુખાન્ત હતી. એ રીતે કે વૅકેશન માણીને અમે પાછાં ફરતાં’તાં ત્યારે ધોરાજીના એ જ સ્ટેશને એણે અમારી ભરપૂર માફી માગેલી – સાએબ, મોટી ભૂલ થૈ ગૈ. વીસરી જજો.

મેં માફી આપેલી એનો પ્રતાપ હશે કે શું મોટી ઉમ્મરે એણે સક્રિય રાજકારણી તરીકે નામ કાઢેલું. આજે પણ જો મળી જાય તો મને ગમી જાય, હું એને ભેટું. પણ એટલું બધું તો કદી બનતું નથી હોતું.

કપડવણજના પ્રિન્સિપાલ પણ ઑલ્ડ-સ્કૂલ ડિસિપ્લિનરી હતા. અંગ્રેજ પ્રોફેસરો પાસે ભણેલા. જો કે મૅમા ન્હૉતા આપતા. પણ સવારે સાત વાગે શરૂ થનારી કૉલેજનાં પગથિયે છ-પિસ્તાલિસે ઊભા જ હોય. વિદ્યાર્થી કે અધ્યાપક મૉડો આવે એ એમને પાલવે જ નહીં. એ તો સારી વાત હતી. પણ કહે – નાતાલની રજાઓ નહીં આપું, એ આપણો તહેવાર નથી, આ વખતથી બંધ.

ત્યારે પણ હું ફર્સ્ટ આસિસ્ટન્ટ તે એમની જોડે રૂડો સમ્બન્ધ હતો. એમના વિજ્ઞાનવિષયક લેખો તેઓ ‘સંસ્કૃતિ’-માં છપાવતા. મને ક્હે, મારું ગુજરાતી જોઈ જજો. હું પ્રેમથી જોઈ દેતો. મેં કહ્યું, સાહેબ, ક્રિસ્ટમસબ્રેક ઑફિશ્યલ છે, આ રજાઓ યુનિવર્સિટીએ આપેલી છે. ક્હૅ, ભલે એમ હોય. ન જ માન્યા. હડતાલ પડી. રજિસ્ટ્રારનો એમના પર ફોન આવ્યો. રજાઓ આપવી પડી.

મને તે દિવસથી આગ્રહ, સદાગ્રહ અને દુરાગ્રહના ભેદ સમજાઇ ગયેલા.

અમારા પહેલા દીકરાના જન્મના સમાચાર આપવા, ફોન એમને ત્યાં તે વધાઇ આપવા, મારે ત્યાં જાતે આવેલા. પણ જ્યારે મેં કહ્યું, મારે રશ્મીતાને મળવા ડભોઇ જવું છે, રજા જોઈએ છે. તો ક્હૅ, તમારે ત્યાં જઈને શું કામ છે, બે દિવસ વીતી ગયા છે, ડિલિવરી તો સક્સેસફુલ થઇ છે ! મારે એમને કેમ સમજાવવું કે ‘આવી જોઇ દયિત ઉચરો લોચને કોણ જેવો’ કહેવાને ઝંખતી સદ્યપ્રસૂતાની આતુરતા શી હોય …

બોડેલીમાં હું કયા નસીબે પ્રિન્સિપાલ થયો, ભગવાન જાણે. પણ એ સાડાપાંચ વર્ષના ગાળા દરમ્યાન ‘નવનિર્માણ’ આંદોલન પણ શરૂ થયેલું. તે ઘણી જ ઝંઝટભરી મુશ્કેલીઓમાં મુકાયેલો. ટોળાં આવે ને કૉલેજ બંધ કરાવીને છોડે. છેલ્લે તો તદ્દન બંધ કરવાની વાત આવેલી. મેં કહેલું – એવી જરૂર નથી, વિદ્યાર્થીઓ કૉલેજ પૂરી થાય પછી આંદોલનમાં જરૂર જોડાશે. પણ કોઇ માનવા તૈયાર નહીં.

હું સ્કૂટર પર જતો’તો ને સામાવાળો જાણીજોઇને અથડાયો. મને પિત્તળની મૂઠથી માર્યો. એની પન્ચ મારા સદ્ભાગ્યે ગળા પર કે છાતી પર ન લાગી, નહિતર હું કદાચ જીવ્યો જ ન હોત. પણ ગાલ પર ખૂબ વાગેલું, આંખ સૂજી ગયેલી. હું એક મહિના લગી પથારીવશ હતો. બોડેલીમાં રૂ-નો વેપાર, જિનમાં ઢગલાબંધ રૂ ખડકાયાં હોય. કહે કે – કૉલેજ બંધ નહીં કરો તો જિન બાળી નાખશું.

મૅનેજમૅન્ટે મને મનાવ્યો કે નમાવ્યો. એક અદનો પ્રિન્સિપાલ શું કરી શકે? સમજાય એવું છે.

= = =

(ક્રમશ:)

(November 26, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,7991,8001,8011,802...1,8101,8201,830...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved