Opinion Magazine
Number of visits: 10,225,617
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણી ધાર્મિકતા પુનર્વિચાર માંગે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 January 2022

અત્યંત દુ:ખદ રીતે 2022ની શરૂઆત ધાર્મિક દુર્ઘટનાથી થઈ છે. વૈષ્ણોદેવી પવિત્ર તીર્થધામ છે ને ત્યાં શ્રદ્ધાળુઓ એટલી સંખ્યામાં આવ-જા કરતા રહે છે કે અપવાદરૂપે પણ ત્યાં ભીડ ન હોય એવું બનતું નથી. રાતના 2.45નો સમય. આમ તો જગત પોઢી ગયું હોય, પણ વૈષ્ણોદેવીનું ભવન બારે મહિના ભીડથી ભરેલું હોય છે. 2022ની પહેલી અને વહેલી સવારે પણ રાબેતા મુજબ હજારોની ભીડ હતી. ત્યાં કૈં એવું થયું કે એકદમ નાસભાગ મચી ગઈ અને કૈં ખબર પડે ત્યાં તો 12 લાશ પડી ને 20 લોકો ઘવાયા. તેમાંના કેટલાંક તો ગંભીર છે ને હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. મૃતકોની સંખ્યા વીસની થઈ હોવાનું પણ કહેવાય છે. આવે વખતે બીજું કૈં થાય કે ન થાય, પણ વળતર જાહેર થવા લાગે છે. અહીં પણ જાહેર થયું. કેન્દ્ર સરકારે મૃતકોને નામે 2 લાખ અને ઘાયલોને 50 હજાર જાહેર કરી દીધા છે. જમ્મુ-કાશ્મીરનાં ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાએ પણ મૃતકોનાં સંબંધીઓને 10 લાખ અને ઘાયલોને 2 લાખ વળતર પેટે જાહેર કર્યા છે. ઘણીવાર તો મૃતકોની ખબર પડે ન પડે કે તેના સંબંધીઓ જડે કે ન જડે, તો પણ વળતર જાહેર થઈ જતું હોય છે. કેમ જાણે એટલું કરવાથી જવાબદારી પૂરી થઈ જતી હોય છે. આટલી પ્રોમ્પ્ટ સર્વિસ ભાગ્યે જ બીજે મામલે જોવા મળે છે. પ્રશાસનને પણ એ જાહેરાતની ખબર હશે કે કેમ, તે નથી ખબર, પણ આટલી ઝડપી સેવા માટે તો પ્રજાએ પ્રશાસનને બિરદાવ્યે જ છૂટકો છે. મૃતકોની સંખ્યા વધે તો તે પ્રમાણે વળતર પણ વધે એમ બને. એ સાથે જ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ગૃહ મંત્રી વગેરે શોક સંવેદના પ્રગટ કરવામાં જરા પણ પાછળ નથી પડતા એ વાતનીય નોંધ લેવી જ પડે એમ છે.

જો કે, વૈષ્ણોદેવીમાં એવું શું થયું કે લાશો પડી તે અંગે ચોક્કસ વિગતો જાહેર થઈ નથી. સાધારણ રીતે બને છે તેમ ઘટનાની તપાસ કોઈને સોંપાય છે, પણ એનો છેડો ભાગ્યે જ આવતો હોય છે. ઘણી વાર તો તપાસ સોંપાય છે જ એટલે કે હકીકત બહાર ન આવે. જેટલાં મોઢાં એટલી વાતો હોય છે ને એટલી વાતો હોય છે કે ન જાણવાથી વધુ સ્વસ્થ રહી શકાય. વૈષ્ણોદેવી પ્રકરણમાં પણ સાચું હાથમાં આવતું નથી. જમ્મુ-કાશ્મીરના ડી.જી.પી. દિલબાગસિંહનું કહેવું છે કે શ્રદ્ધાળુઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો ને એમાં ધક્કા-મુક્કી થતાં ભાગદોડ મચી ગઈ. કેટલાંક નજરે જોનારાઓનું કહેવું છે કે લોકો એંશી હજાર જેટલા ભેગા થઈ ગયા હતા અને વ્યવસ્થા પૂરતી ન હતી. એ પણ છે કે વર્ષોથી ભીડ થાય જ છે ને વ્યવસ્થા થતી હોય તો પણ તે હંમેશ અપૂરતી જ હોય છે. એમાં નવાં વર્ષે જે બન્યું એ સંદર્ભે એવું પણ કહેવાય છે કે થોડા વી.આઇ.પી.ઓ આવવાના હતા ને એમને માટે રસ્તો કરવાની કોશિશો સી.આર.પી.એફ.ના જવાનો, દંડાથી ડરાવીને કરી રહ્યા હતા. એમાં થર્ડ ચેકપોસ્ટ પર સ્થિતિ એવી થઈ કે કોઈ ચસી જ ન શકે. ન આગળ જવાય કે ન પાછળ ને ઉપરથી વી.આઇ.પી.ઓ માટે જગ્યા કરવાનું દબાણ ! એવામાં નાસભાગ સિવાય શું થઈ શકે? નાસભાગ જ થઈ અને વીસેક જીવો નવાં વર્ષની સવાર જોવા ન પામ્યા.

આવું કૈં પહેલીવાર નથી બન્યું. થોડે થોડે વર્ષે જાણીતા તીર્થધામોમાં કે કોઈ ખાસ વારતહેવારે ભયંકર ભીડ થાય છે ને એમાં કૈં એવું થાય છે કે લોકો કમોતે મરે છે ને સંબંધીઓને રડતાં પાર નથી આવતો. ગયા ડિસેમ્બરની પહેલી તારીખે ભાવનગરના ઘોઘા ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં ભારે પવન ફૂંકાતા ડોમ તૂટયો હતો ને ભાગદોડ મચી ગઈ હતી. સદ્દભાગ્યે મોટી જાનહાનિ ટળી ગઈ હતી, પણ ત્યારે પણ રાજ્યમાં કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી હતી જ ! તે છતાં ભક્તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આવાં જોખમ વચ્ચે ભીડ ન થઈ હોત તો સારું થયું હોત, એવું નહીં? 2018ના દશેરાએ જલંધરથી અમૃતસર જતી ટ્રેનની અડફેટે આવી જવાથી 59 વ્યક્તિઓ કપાઈ ગઈ હતી ને માત્ર 150 મીટરની લંબાઈમાં લાશોના કટકા વેરાઈ ગયા હતા. વાત તો એટલી જ હતી કે લોકો રેલવે લાઇન નજીક રાવણ દહનનો કાર્યક્રમ જોવા જઈ રહ્યા હતા ને ટ્રેન 100 કિલોમીટરની ઝડપે આવી ધમકી હતી. એ હજી સુધી ખબર નથી પડી કે રેલવે લાઇનની નજીક રાવણ દહનના કાર્યક્રમની પરવાનગી કોણે ને કયા આધારે આપી હતી? આઠેક વર્ષ પર રાવણ દહન નિમિત્તે જ પટનામાં બે લાખ લોકો ભેગા થયા હતા ને એકાએક ધક્કામુક્કી થઈ હતી ને 33 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એના અગાઉના વર્ષે છઠની પૂજા નિમિત્તે પુલ તૂટતાં બિહારમાં 73 લોકો ડૂબી ગયા હતા. તમિલનાડુના સબરીમાલામાં 2019માં ટ્રક અને ટેમ્પો ભટકાતાં 10 ભક્તોનાં મોત થયા હતા ને 5 ઘાયલ થયા હતા. સબરીમાલામાં જ ભાગદોડને કારણે એકથી વધુ વખત સેંકડોની સંખ્યામાં મોત થયાની ઘટના નવાઈની વાત નથી. કુંભના મેળાઓ જ્યાં પણ થાય છે, ક્યારેકને ક્યારેક ભાગદોડ મચે જ છે ને સેંકડો લોકો એનો ભોગ બને છે.

2022ની જ નવાં વર્ષની વાત કરીએ તો અમૃતસર, કાશી, હૈદરાબાદ, ગાઝિયાબાદ જેવાં શહેરોનાં મંદિરોમાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. આવી ભીડ કરવાનું આમ તો કોઈ કારણ હોતું નથી, પણ વાર તહેવારે લોકો મંદિરો પર ધસી જતાં હોય છે ને ભીડમાં રહેવાનો ધર્મ બજાવતા હોય છે. અનેક તકલીફો વેઠવા સિવાય ભાગ્યે જ કશી પ્રાપ્તિ હોય છે, પણ લોકોને આમ જ ફાવતું હોય છે એટલે જીવને જોખમે પણ ભીડનો લાભ લેતા હોય છે. એવી બીજી ઘણી ઘટનાઓ છે જેમાં ધાર્મિક કારણોસર લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે. કૈં નથી થતું ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો, પણ કૈં થયા વગર ન જ રહે એવી સ્થિતિ ઘણી વખત થાય છે. ભીડ બેકાબૂ થાય જ છે અને ધક્કામુક્કીમાં ખૂબ ખરાબ રીતે લોકો મરે પણ છે. એવે વખતે અપૂરતી વ્યવસ્થાને નામે પ્રશાસનને ભાંડવાનું સહેલું છે, પણ લોકો ભીડ કરવાને જ પોતાનો ધર્મ માનતા હોય તો વ્યવસ્થા વધી વધીને કેટલીક વધવાની હતી? પ્રશાસન વળતર આપીને કે શોક પ્રદર્શિત કરીને ફરજ બજાવી લે છે, પણ લોકોએ પણ એ જોવાનું રહે જ છે કે જે કૈં થાય છે તેમાં તેમની કોઈ જવાબદારી બને છે કે કેમ? એક વાત સ્પષ્ટ છે કે કોરોનાની વકરતી સ્થિતિમાં ને ઓમિક્રોનમાં થઈ રહેલ વધારાને કારણે સરકારે 31 ડિસેમ્બરની રાતની ઉજવણી પર રોક લગાવી હોય, ત્યારે વૈષ્ણોદેવીમાં હજારોની સંખ્યામાં ઊમટી પાડવાનું કોઈ કારણ ખરું? અમર્યાદ સંખ્યામાં ભીડ થતી જ રહેતી હોય ત્યાં ને તંત્રોની કામ કરવાની ઇચ્છાશક્તિ જ મરી પરવારી હોય ત્યાં જોખમો વધે જ તેટલી સાદી સમજ પણ શ્રદ્ધાળુઓ દાખવી ના શકે?

છેલ્લાં થોડાં વર્ષોમાં જે ભક્તિભાવ એકાએક વધી પડેલો જણાય છે તે ફેરવિચારને પાત્ર છે. મંદિરોમાં અવરજવર વધી છે ને આશ્ચર્ય એ વાતનું છે કે એમાં યુવા ભક્તોની સંખ્યા વધારે છે. સાધારણ રીતે ભક્તિભાવ વૃદ્ધોમાં વધતો હોય છે, પણ હવે યુવાનોની ભીડ મંદિરોમાં વધતી આવે છે એ વાત નવી છે. આ યુવાનો ઘણી બાબતોમાં વૃદ્ધો કરતાં વધારે વહેમી ને અંધશ્રદ્ધાળુ છે. આ ભક્તિ રાજકારણ પ્રેરી ન હોય એમ ઈચ્છીએ, કારણ જ્યારથી કોરોના પ્રવેશ્યો છે ને સાવધાનીની વાતો વધી છે, ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન પણ વધતું જ આવે છે. ચૂંટણી જીતવા રાજકીય પક્ષો કોઈ પણ હદે જઈ શકે એમ છે. એમને ભીડ કરવામાં કોરોના કદી આડે આવતો નથી. એનો જ પડઘો ધાર્મિક ભીડમાં પણ પડતો સંભળાય છે. દુનિયામાં લાખોની સંખ્યામાં કેસ વધતા હોય ને ભીડ ન થાય એટલે રાજ્યોમાં કરફ્યુ નખાતો હોય કે 144મી પણ લાગુ કરાતી હોય, તો મંદિરોમાં નવા વર્ષની સવારે ભીડ કરવાનું સલાહભરેલું કેટલું તે વિચારવા જેવું છે. આવી ભીડને કારણે સંક્રમણ તો વધે જ છે, પણ વૈષ્ણોદેવી જેવી ઘટનાઓ જોખમ પણ વધારે જ છે.

કોઈ દેવીદેવતા ભીડ કરવાનું કહેતાં નથી તો આવી ભીડ દ્વારા કઇ ભક્તિ કે કયો ધર્મ, ભક્તો નભાવે છે તે નથી સમજાતું. આવી ભક્તિથી ઈશ્વર ને ધર્મ વધારે રાજી થતા હોય એવું પણ નથી જણાતું, એટલું ચોક્કસ છે કે આ જે ચાલી રહ્યું છે એમાં ભક્તિ ઓછી ને દેખાડો વધારે છે. આવી ભીડથી કમસેકમ સંક્રમણ તો નથી જ ઘટતું એ દીવા જેવું સ્પષ્ટ છે, તો કોને ખુશ કરવા ભક્તો આવું ભયંકર સાહસ કરતાં હશે તે અકળ છે. આ ધર્મ છે? ધર્મ આવો જોખમી હોય? આવો જોખમી હોય તો તે ધર્મ હોય? જે રીતે ધર્મ અત્યારે મંદિરોમાં ઊછરી રહ્યો છે તે દર્શનનો નહીં, પણ પ્રદર્શનનો મહિમા વધારી રહ્યો છે ને તે ભક્તોનું હિત કરે છે એવું માનવાની ભૂલ કરવા જેવી નથી. ધર્મને વધુને વધુ અંગત બનાવવાની જરૂર છે ને આપણે તેને જાહેર દેખાડાનો વિષય બનાવી દીધો છે તે દુ:ખદ છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જાન્યુઆરી 2022

Loading

ભગવદ્‌ગોમંડળના પુનર્મુદ્રણમાં હિંદુ શબ્દના મૂળ અર્થ બદલાઈ ગયા છે !

ધીમંત પુરોહિત|Opinion - Literature|3 January 2022

લગભગ અઘોષિત હિંદુ રાષ્ટ્ર બની ગયેલા નરેન્દ્ર મોદીના હિન્દુસ્તાનમાં હિન્દુને કોઈ ગુલામ, લૂંટારુ, ચોર કે ડાકુ કહે તો એની શી વલે થાય? થોભો, આ હું નથી કહેતો. ગુજરાત અને ગુજરાતીમાં સૌથી પ્રતિષ્ઠિત જ્ઞાનકોશ કમ શબ્દકોશ ‘ભગવદ્‌ગોમંડળ’માં ‘હિંદુ’ શબ્દનો આ અર્થ આપેલો છે. ‘ભગવદ્‌ગોમંડળ’, પુનર્મુદ્રણ ૧૯૮૬, પ્રવીણ પ્રકાશન, રાજકોટ, ભાગ – ૯, પાનાનંબર : ૯૨૧૬.

‘ભગવદ્‌ગોમંડળ’ મૂળે તો ગોંડલના વિદ્વાન અને પ્રજાવત્સલ રાજા ભગવદ્‌સિંહનું ભવ્ય સર્જન. એ સાંજે ફરવા નીકળતા, ત્યારે પણ ખિસ્સામાં છુટ્ટા પૈસા રાખતા અને રસ્તામાં સામે મળતા લોકોને નવા નવા શબ્દો પૂછતા અને નવો શબ્દ આપે એને એ જમાનાના રણકતા સિક્કા આપતા. એમના સેવક ચંદુભાઈ પટેલે જૂનાનવા બધા શબ્દોનું સંપાદન કરીને ૧૯૪૪થી ૧૯૫૫ દરમિયાન ગુજરાતી ભાષાની યશકલગી સમાન ‘ભગવદ્‌ગોમંડળ’ના નવ ભાગ પ્રકાશિત કર્યા. 

ગૂજરાત વિદ્યાપીઠનો સાર્થ જોડણીકોશ માત્ર જોડણી પૂરતો શબ્દકોશ હતો, જ્યારે ‘ભગવદ્‌ગોમંડળ’ તો ગુજરાતી ભાષામાં આ પ્રકારનો સર્વપ્રથમ જ્ઞાનકોશ હતો. મહારાજ ભગવદ્‌સિંહ, ચંદુભાઈ પટેલ અને એમની કોશ કચેરીની ૨૬ વર્ષની મહેનતના પરિણામે પ્રગટ થયેલા નવ ગ્રંથોનાં કુલ ૯,૦૦૦થી વધુ પૃષ્ઠોમાં ૨,૮૧,૩૭૭ શબ્દોના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ રૂઢિપ્રયોગોનો સંગ્રહ છે. સામાન્ય રીતે હળવાશથી કહેવાય છે કે ગુજરાતીમાં દરેક શબ્દના બે અર્થ હોય છે, જ્યારે અહીં તો દરેક શબ્દના સરેરાશ ચાર-ચાર અર્થ છે.

આમ છતાં, એક હિંદુ રાજવીએ ‘હિંદુ’ શબ્દનો સાવ આવો અર્થ કેમ આપ્યો હશે? તમને સવાલ થવો જોઈએ. મને તો થયો. મેં અભ્યાસ કર્યો તો ખબર પડી કે ગુજરાતી, હિન્દી કે સંસ્કૃતના જૂના ગ્રંથોમાં ‘હિંદુ’ શબ્દ જ નથી તો અર્થનો તો સવાલ જ નથી. આપણા અભ્યાસુ કટારલેખક નગીનદાસ સંઘવી કહી ગયા છે કે સંસ્કૃતમાં ક્યાં ય ‘હિંદુ’ શબ્દ જ નથી. સ્વામી ધર્મબંધુએ વધુ વિગતવાર અભ્યાસ કરીને શોધ્યું કે વેદ, ઉપનિષદ, પુરાણ કે પ્રાચીન ધર્મગ્રંથોમાં, રામાયણ, મહાભારત કે સંસ્કૃત સાહિત્યમાં પણ ક્યાં ય ‘હિંદુ’ શબ્દ મળતો જ નથી, આર્ય શબ્દ છે. હિંદુ નહિ.

સ્વામી ધર્મબંધુના અભ્યાસ મુજબ, સૌ પ્રથમ આપણને હિંદુ તરીકે સંબોધ્યા આરબોએ, બાદમાં મુસલમાનોએ અને બ્રિટિશરોએ. એટલે, હિંદુ બીજા લોકોએ આપણને આપેલી ઓળખ છે, આપણે પોતે આપણને આપેલી કે ઊભી કરેલી નહિ. એમાં પણ હિંદુ પ્રજાની વાત હતી, હિંદુ ધર્મની નહિ. પછી સાદી સમજ એ બની કે હિંદુઓ જે ધરમ રીતરિવાજ પાળે, તે હિંદુ ધર્મ.

જો કે, ‘હિંદુ’ શબ્દનો અનર્થ કરવામાં ભગવદ્‌સિંહ, ચંદુભાઈ પટેલ કે એમની કોશકચેરીનો કોઈ વાંક નથી. એ વખતે એમણે કોઈ ફારસી શબ્દ કોષમાંથી ‘હિંદુ’ શબ્દનો અર્થ લીધો હશે, જે મુસ્લિમ દૃષ્ટિકોણથી ‘ગુલામ, લુટારુ કે ચોર અને ડાકુ’ એવો આપેલો છે. ‘ભગવદ્‌ગોમંડળ’નાં વખાણ તો બધાં બહુ થયાં, પણ એનો વ્યવસ્થિત અભ્યાસ ભાગ્યે જ કોઈએ કર્યો. એટલે જ આટલા મોટા અનર્થ તરફ કોઈનું ધ્યાન ના ગયું.

પ્રવીણ પ્રકાશને ૧૯૮૬માં જે ગ્રંથોનું પુનર્મુદ્રણ કર્યું, તે મૂળ ગ્રંથોનાં પાનાંના ફોટા પાડીને મૂળ રૂપે જ છાપ્યા, કારણ કે એને ફરી કમ્પોઝ કરી છાપવા લગભગ અશક્ય હતા. આ પુનર્મુદ્રણના અકલ્પ્ય વખાણ થયાં પણ એનો અભ્યાસ ભાગ્યે જ કોઈએ કર્યો અને ગુજરાતમાં ભાગ્યે જ બને એવી ઘટનામાં આ ગ્રંથો વેચાઈ પણ ગયા.

૨૦૦૭માં એની બીજી આવૃત્તિ છાપવાની થઈ ત્યારે નરેન્દ્ર મોદીની ભા.જ.પ. સરકાર મધ્યાહ્ને હતી. મોદી ગુજરાતી વિશ્વકોષના વિમોચન-કાર્યક્રમોમાં આયોજકોને જાહેરમાં ખખડાવતા કે તમારા ગ્રંથો અકબરથી શરૂ થાય છે અને ઔરંગઝેબ પર પૂરા થાય છે! આવા વાતાવરણમાં ‘ભગવદ્‌ગોમંડળ’માં ‘હિંદુ’ શબ્દના અનર્થ તરફ કોઈ હિંદુવાદી વિદ્વાને ધ્યાન દોર્યું. જો કે ગ્રંથો ફરી કમ્પોઝ કરવા શક્ય જ નહોતું, એને પહેલી આવૃત્તિની જેમ એની સ્કૅનકૉપી રૂપે જ છાપવાના હતા. તેમ છતાં, જુગાડ તરીકે ‘હિંદુ’ શબ્દ અને તેના અર્થવાળો ભાગ કટ કરી, ત્યાં ‘હિંદુ’ શબ્દ અને એનો નવો અર્થ પેસ્ટ કરી દીધો. જાણકાર ના હોય એ પણ જરા ધ્યાનથી જુએ તો આસાનીથી પારખી શકે કે પેસ્ટ કરેલા ‘હિંદુ’ના ફૉન્ટ અલગ છે. આટલો મોટો ફેરફાર કોઈને જાણ કર્યા વગર તદ્દન છાનામાના કરાયો. ૧૩ વરસ સુધી એના પર પણ કોઈનું ધ્યાન ના ગયું.

‘ભગવદ્‌ગોમંડળ’ની ૨૦૦૭ની બીજી આવૃત્તિમાં ‘હિંદુ’ શબ્દનો અર્થ છે, “૧. જે ભારતને પોતાની પવિત્ર ભૂમિ માને છે, તે લોકો હિંદુ છે. ૨. જે હિંસાને દૂર કરે, તે પ્રજા હિંદુ છે. ૩. હિંદુધર્મનો અનુયાયી. ૪. દુષ્ટોને હણે તે લોકો હિંદુ છે.” સામાન્ય ગુજરાતી પણ કહી શકે કે આ અર્થ ખરાબ ભલે ન હોય, ખોટા જરૂર છે.

આખરે હિંદુ શબ્દના આ અર્થ આવ્યા ક્યાંથી? એનો ઉત્તર મેળવવા પ્રવીણ પ્રકાશનના માલિક ગોપાલભાઈ પટેલનો સંપર્ક કર્યો. એમણે ભોળાભાવે કબૂલ્યું કે, “આપણા હિંદુ શબ્દનો આટલો ખરાબ અર્થ ચલાવી જ કઈ રીતે શકાય, એટલે અર્થ બદલી નાખ્યો.” પણ આટલો મોટો ફેરફાર કેમ અને કોની સલાહથી કર્યો? નવી આવૃત્તિમાં ‘હિંદુ’ શબ્દના નવા અર્થો કોણે કર્યા ? એનો એમની પાસે કોઈ જવાબ નથી મળતો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 09

Loading

સાંસ્કૃતિક સ્મૃતિમાં અનુભવોનો ઉમેરો અને શબ્દની નવી અર્થચ્છાયા

નીલેશ રૂપાપરા|Opinion - Literature|3 January 2022

ભગવદ્‌ગોમંડળમાં અપાયેલા હિંદુ શબ્દના ‘ખરાબ’ અર્થો વિશે ડૉ. ધીમંત પુરોહિતે લખેલો અને કવિશ્રી અનિલ જોશીએ ફેસબુક પર શેર કરેલો લેખ વાંચતાં એવી લાગણી થઈ કે હિંદુ શબ્દના ગુલામ / ચોર / લૂંટારો જેવા અર્થને કારણે ધીમંતભાઈને એટલું ખરાબ નથી લાગ્યું, જેટલું નવા અર્થો ‘ખોટા’ હોવાનું ખરાબ લાગ્યું છે.

મુદ્દો એ છે કે ભગવદ્‌ગોમંડળે હિંદુ શબ્દની એક વ્યુત્પત્તિ ‘ફારસી’ દર્શાવીને એના ગુલામ/ચોર/લૂંટારો જેવા અર્થ આપ્યા છે. આનો મતલબ એ થયો કે ફારસી ભાષા બોલનારા વિદેશી મુસ્લિમ આક્રમણકારોએ હિંદુઓને આવી અપમાનજનક ઓળખ આપી હતી. હકીકતમાં, દરેક પ્રજાની એક સિવિલાઇઝેશનલ મેમરી / સાંસ્કૃતિક સ્મૃતિ હોય છે, જેમાં એણે પોતાની મિત્રપ્રજાને આપેલી સન્માનજનક અને શત્રુપ્રજાને આપેલી અપમાનજનક ઓળખો સચવાઈ રહે છે.

રહી વાત ભગવદ્‌ગોમંડળની, તો એ એક શબ્દકોશ અને જ્ઞાનકોશ છે, જેણે ઉપર્યુક્ત ઓળખ યથાતથ મૂકી આપી. એટલું જ નહીં, ભગવદ્‌ગોમંડળે તો મ્લેચ્છ, યવન, વિલાયતી, વલંદા, ફિરંગી અને મુસલમાન જેવી જાતિઓની ઓળખ પણ મૂકી છે, જે હકીકતમાં હિંદુ પ્રજાએ વિદેશી આક્રમણકારોને આપેલી અપમાનજનક ઓળખ છે. વિશ્વાસ ન આવતો હોય, તો આ શબ્દોના અર્થો ભગવદ્‌ગોમંડળની ઑનલાઇન આવૃત્તિમાં જોઈ લેવા.

દાખલા તરીકે વિલાયતી શબ્દનો અર્થ ‘અંગ્રેજ સંબંધી’ તો થાય જ છે, સાથે-સાથે ‘તોછડું’ અને ‘મૂર્ખ’ પણ થાય છે. મુસલમાન શબ્દનો અર્થ ઇસ્લામનો અનુયાયી છે તો સાથે-સાથે ઉદ્ધત/તોફાની/ટીખળી પણ છે. વલંદો એટલે ‘ડચ’ તો ખરો જ, પણ ‘લુચ્ચો’ ય ખરો. એના સામે છેડે જુઓ તો યહૂદીને ‘પૅલેસ્ટાઇનનો વતની’ કહેવાયો છે, પણ અપમાનજનક ઓળખ નથી અપાઈ, કેમ કે હિંદુઓને યહૂદી અને પારસી જેવી પ્રજા સાથે વાંધા નથી પડ્યા.

આવી ઓળખો દુનિયાની દરેક જાતિએ બીજી જાતિને આપી હશે. જો કે પ્રજાની સાંસ્કૃતિક સ્મૃતિમાં જેમજેમ નવા અનુભવોનો ઉમેરો થતો જાય તેમતેમ આવી પરિચયાત્મક સંજ્ઞાઓ પર નવી અર્થચ્છાયાઓનાં પડ ચડતાં રહે છે. જેમ કે હિંદુ શબ્દનો અર્થ હવે હિંદુઓ તો ઠીક, મુસ્લિમો પણ ‘ગુલામ’ જેવો નથી કરતા. સામે પક્ષે મુસલમાન શબ્દનો અર્થ હિંદુઓ પણ ઉદ્ધત / તોફાની / ટીખળી જેવો નથી કરતા.

આટલી તાત્ત્વિક વાત પછી એટલી નુક્તેચીની જરૂર કરવી છે કે કેટલાક હિંદુઓ હિંદુ હોવા વિશે પ્રચંડ ગર્વ અનુભવે છે અને કેટલાક ધરતી મારગ આપે તો એમાં સમાઈ જવા જેટલી ભીષણ લજ્જા પણ અનુભવે છે. ગર્વ અનુભવતા લોકો પાસે શો-ઑફ કરવા માટે આશરે પાંચ હજાર વર્ષ જૂની હિંદુ સંસ્કૃતિ ભાથું છે. બીજી તરફ, શરમ અનુભવતા લોકો પાસે સાતસો-આઠસો વર્ષની ગુલામીના પરિણામે જન્મેલો સ્ટૉકહોમ સિન્ડ્રોમ છે. આ બે ય માનસિક સ્થિતિ સ્વાભાવિક તો છે, પણ તંદુરસ્ત નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 09-10

Loading

...102030...1,8191,8201,8211,822...1,8301,8401,850...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved