Opinion Magazine
Number of visits: 10,225,692
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રિલાયન્સ ઇન્‍ડસ્ટ્રીઝ લિમિટેડ : ભવિષ્યની ગણતરી અને મૂળિયાંની સમજનો પરફેક્ટલી ગણાયેલો દાખલો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 January 2022

કોર્પોરેટ પરીકથાના લેજન્ડ઼્ઝ સમા ધીરૂભાઇ અને મૂકેશ અંબાણીની કામ કરવાની શૈલી આવનારી પેઢીઓ માટે દૃષ્ટાંત રૂપ

તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી  લિમિટેડની એન્યુઅલ જનરલ મીટિંગ થઇ અને તેમાં આગલી પેઢીને સુકાન આપવાનો ઉલ્લેખ ચેરમેન મૂકેશ અંબાણીએ કર્યો. દેશના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશનનું ઉત્તરદાયિત્વ મળવું કોઇ નાની સૂની વાત નથી. આમ પણ ધીરૂભાઈ અંબાણીએ જે શરૂ કર્યું તેને આગળ ધપાવવા માટે, વિકસાવવા માટે મૂકેશ અંબાણીએ જે કર્યું તે કોઇ દંતકથાથી કમ નથી. બહુ પહેલાં મેં ક્યાંક વાંચ્યું હતું કે દલાલ સ્ટ્રીટમાં એક જાણીતો જોક છે કે ભારતીય અર્થશાસ્ત્રને સમજવું હોય તો સેલ્ફ – રિલાયન્સ(આત્મ નિર્ભરતા)થી રિલાયન્સ સુધીના પરિવર્તનને સમજી લેવું. રિલાયન્સના સામ્રાજ્યની આસપાસ અહોભાવ અને સફળતાનો તેજોવલય જાણે રહેલો છે.  દેશમાં બીજા કોઇ પણ ખાનગી કોર્પોરેશને જૂના અને નવા બન્ને અર્થતંત્રમાં અને એ પરિવર્તન દરમિયાન પણ આટલો બધો વિકાસ નથી કર્યો. અમુકે કર્યો છે તો તે પચાવી નથી શક્યા, સંભાળી ન શક્યા. રિલાયન્સની વિકાસ ગાથા કોઇ કોર્પોરેટ પરીકથાથી કમ નથી.

ધીરૂભાઇની શરૂઆતી જિંદગી વિશે ઘણું લખાઇ ચુક્યું છે, ચોરવાડના શિક્ષકના દીકરા હોવું, સામાન્ય નોકરી કરવી, પોલિસ્ટર, શેર માર્કેટ અને ઘણું બધું. જોવાનું તો એ છે કે ધીરૂભાઇ અંબાણી જ્યારે ૨૦૦૨માં મૃત્યુ પામ્યા ત્યારે તે કોઇ વસિયત લખીને નહોતા ગયા. બન્ને દીકરાઓ મૂકેશ અને અનિલ અંબાણી વચ્ચેના મતભેદ ૨૦૦૪માં સપાટી પર આવ્યા. જ્યારે ઔદ્યોગિક મિલકતની માલિકીના વિખવાદો ચાલતા હતા, ત્યારે મૂકેશ અંબાણી તરફથી  રિલાયન્સના દરેક કર્મચારીને ઇ-મેઇલ ગયો હતો, જેનો સાર હતો કે ધીરૂભાઇના વારસાને મામલે કોઇ અસ્પષ્ટતા નથી અને મૂકેશ અંબાણી જ RILને લગતી તમામ બાબતોમાં આખરી સત્તા ધરાવે છે.

ધીરૂભાઇના સમયમાં જે ઔદ્યોગિક માળખું હતું તે મૂકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ સામ્રાજ્ય બનીને વિકસતું રહ્યું. ૧૯૭૭માં ૫૦ કરોડના રોકાણ અને ૬૦ હજાર શૅર હોલ્ડરથી શરૂ થયેલા RILએ ક્યારે ય કોઇ પણ ક્ષેત્રે હરણફાળ ભરવામાં પાછું વળીને નથી જોયું. રિવર્સ એન્જિનિયરિંગ જે ધીરૂભાઇએ અપનાવેલું તે મૂકેશભાઇએ પણ અપનાવ્યું અને કોઇ પણ ક્ષેત્ર હોય તેનું શ્રેષ્ઠ જ ખડું કરવું, શ્રેષ્ઠ જ અપનાવવું એ જ તેમનો સિદ્ધાંત રહ્યો છે. ધીરૂભાઇ અંબાણીના RILની સફર ટેક્સ્ટાઇલથી હાઇડ્રોકાર્બન સુધીની રહી છે. ૨૦૦૪માં રિલાયન્સ ભારતની પહેલી ખાનગી કંપની બની જે ફોર્ચ્યુન 500 કંપનીઝના લિસ્ટમાં મુકાઇ. રિફાઇનરી સ્થાઇ થઇ અને બીજી હરણફાળની તૈયારીઓ માટે મેદાન તૈયાર હતું. ૧૫ વર્ષ પહેલાં રિટેલ બિઝનેસિઝમાં ટોચ પર પહોંચવાનો નિર્ણય લેવાયો અને આજે રિલાયન્સ રિટેલ નેટવર્ક ૧૨,૦૦૦ જેટલા તો સ્ટોર્સ સાથેનું ૭,૦૦૦ શહેરોમાં વિસ્તરી ચૂક્યું છે. આમ તો રિલાયન્સ કોર્પોરેશન એક યા બીજી રીતે આપણી રોજિંદી ઘટમાળનો ભાગ રહ્યું પણ બદલાતા સમય સાથે ડેટા ઇઝ ધી ન્યુ ઓઇલના ફંડાને દૂરંદેશી ધરાવતા મૂકેશ અંબાણી સારી પેઠે સમજતા હતા અને આ સમજણ માત્ર સમજણ ન રહેતા વાસ્તવિકતામાં પણ ફેરવાઇ. જિઓ લૉન્ચ થયું અને લાખો લોકોની જિંદગી સુધી રિલાયન્સની પહોંચ વિસ્તરી. ભારતના ટેલિકોમ સેક્ટરમાં જિઓએ અણધાર્યા ફેરફાર કર્યા. આજે જિઓ દેશનું અગ્રણી ટેલિકૉમ ઑપરેટર છે. લૉંચ થયાના ચાર વર્ષના ગાળામાં તો જિઓનો માર્કેટ શેર ભારતીય ટેલિકૉમ સેક્ટરના ૩૩ ટકાથી વધુ થઇ ગયો. ૨૦૨૦માં RILના અલગ અલગ હિસ્સાઓ જેમ કે ટેલિકૉમ, રિટેલ, પેટ્રોલિયમ વગેરેમાં વિશ્વ ભરના જાયન્ટ્સે એક યા બીજી રીતે રોકાણ જાહેર કર્યા. લૉકડાઉન અને વાઇરસમાં સપડાયેલા દેશના અર્થતંત્રમાં જે હિલચાલ આંખે ઊડીને વળગી એવી રહી તે રિલાયન્સના રોકાણ જ રહ્યા એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

ટેસ્લાના ઇલોન મસ્કને પાછળ છોડનારા મૂકેશ અંબાણીએ ભૂતકાળમાં પણ કહ્યું છે કે તે ભવિષ્યના બિઝનેસિઝને અપનાવવામાં પાછું વળીને નહીં જુએ. રિટેલ અને ડિજીટલ સેક્ટરમાં રિલાયન્સનો પગદંડો જે રીતે જામ્યો છે તે આ વિધાનનો પુરાવો છે. આર્થિક ધક્કાઓને આ સેક્ટર્સ પહોંચી વળ્યા છે. ધીરૂભાઇ અંબાણીનું દૂરંદેશી વિઝન દીકરા મૂકેશ અંબાણીને વારસામાં મળ્યું છે. સામાજવાદી નીતિઓને ધંધા પર લાગુ નહીં કરીને હવે કયું ક્ષેત્ર વિકસશેની ગણતરીઓ યોગ્ય રીતે માંડવી એ RILની વિચારશૈલી છે. મૂકેશ અંબાણીએ પોતાની આ સમજને ઇન્ટ્યુશન એટલે કે આંતરસૂઝ ગણાવી છે, પણ તેમના મતે એક સારા બિઝનેસમેનમાં આ સમજ હોવી સ્વાભાવિક છે. 5Gમાં રોકાણ કરીને બેઠેલા મૂકેશ અંબાણીને વાંચનનો શોખ છે અને ટેક્નોલૉજી આર્ટિકલ્સ વાંચવાના શોખીન મૂકેશ અંબાણીએ આ ટેક્નોલૉજીની સમજ સાથે વૈશ્વિક રાજકીય પરિબળોને પણ ગણતરીમાં લીધા. વર્તમાન વૈશ્વિક સંજોગોમાં 5Gને મામલે ચીન સિવાયના દેશો સાથે કામ કરવા માગતા ઘણાં રાષ્ટ્ર છે. સ્વાભાવિક છે ભારત અને તેમાં ય RIL જે આ માટે સજ્જ છે તેની પર જ પસંદગીનો કળશ ઢોળાશે.

વળી ડાઇવર્સિફિકેશન અને નવું કરવાના પડકાર ઓછા નથી હોતા, પરંતુ તેની સાથે ડિલ કરવા માટે RILમાં ક્ષેત્રના શ્રેષ્ઠ માઇન્ડ્ઝને કામે લગાડાય છે. વળી RILના ડાઇવર્સિફિકેશનમાં યુવાનો માટે નોકરીની તકો વધારે હોય તેની ગણતરી પણ કરાય છે. આ એક લક્ષી નહીં પણ બહુકોણિય વિકાસ હોય છે જેમાં માત્ર એક કંપનીની નહીં પણ તેની સાથે એક યા બીજી રીતે જોડાતા દરેકનો આગવો – પોતાની ક્ષમતા અનુસારનો વિકાસ થાય.

મૂકેશ અંબાણીની આ સૂઝ માત્ર આધુનિક વિશ્વનાં પરિવર્તનોને સમજવાથી નથી બની પણ તેમાં આંતરિયાળ ભારતની જરૂરિયાત, તેમની માનસિકતા અને તેમની ક્ષમતાઓ માટેની સમજ પણ કામ કરે છે. જિઓનું કામ માત્ર ફોન નેટવર્ક સુધી સિમિત નથી આ પ્લેટફોર્મથી ખેતી, શિક્ષણ, હેલ્થકેર, ગેમિંગ, મીડિયા, એન્ટરટેઇનમેન્ટ, ઇકોમર્સ – રિટેલ, ઇપેમેન્ટ્સ અને બ્રોડબેન્ડ બધાંને આવરી લેવાયા છે.

અંબાણી ભાઇઓના વ્યક્તિત્વમાં આસમાન જમીનનો ફેર છે. મૂકેશ અંબાણી લો પ્રોફાઇલ રહેવામાં માને છે, ચિવટ તેમનો સ્વભાવ છે, સતત કામ કરતા રહેવું તેમની વૃત્તિ છે અને ભવિષ્યની ગણતરીઓની ત્રિરાશી માંડીને આજનું પ્લાનિંગ કરવામાં તેમને કોઇ ન પહોંચે. અનિલ અંબાણીની લાઇફ સ્ટાઇલ ગ્લેમરસ રહી છે, પરિણામોથી આપણે વાકેફ છીએ. આ અને બીજા અનેક પરિબળોને પગલે રિલાયન્સના ભાગલા થયા અને પછી જે થયું તે આપણી નજર સામે છે અને સમાચારોમાં RILના વિકાસ વિશે સાંભળવું હવે સાહજિક બની ગયું છે.

બાય ધી વેઃ

હંમેશાં સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં જોવા મળતા મૂકેશ અંબાણી કૌશલ્ય અને શિક્ષણ પર ભાર મૂકે છે. ઊંમરના છ દાયકા પાર કરી ચૂકેલા મૂકેશ અંબાણી આજના પંદર વર્ષના યંગસ્ટર્સને કાલે શું જોઇ શકે છે તેની પર ગંભીરતાથી વિચાર કરે છે, નવી પેઢીના વિચારોને ગણતરીમાં લે છે. તેમને કોઇ ગુજરાતીમાં પૂછે કે કેમ છો? તો ઇન્ડિયન વોબલ અને મંદ સ્મિત સાથે તેમનો કાયમી જવાબ હોય છે, ‘ફર્સ્સ ક્લાસ.’ તેમના સંતાનો ઇશા, આકાશ અને અનંત ત્રણેયે પિતાને કામ કરતાં જોયા છે. તેમની દીકરીમાં રહેલો સ્પાર્ક આંખે ઊડીને વળગે છે અને દીકરાઓની આવડત અને સૂઝના દૃષ્ટાંત વાર્ષિક મીટિંગ્ઝમાં જોવા મળે છે.

કયા બિઝનેસ ફેમિલીમાં આવનારી પેઢીને સત્તા સોંપવાના વિવાદો વકર્યા અને કોનું કામ શાંતિથી થયું?

ગોદરેજ પરિવાર : 

વિખ્રોલીની ૩,૦૦૦ એકરની જમીનને લઇને ગોદરેજ પરિવારમાં વિખવાદ થયા. અદી, જમશેદ અને નાદિર – ગોદરેજ ભાઇઓ વચ્ચેનો સંપ જમીનને કારણે તૂટ્યો. ત્રીજી પેઢીએ ગોદરેજમાં પાંચ પરિવારો છે. પાંચ કુટુંબો ૨૦૧૯થી પોતાના શૅર્સ ધીમે ધીમે ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી રહ્યા છે જેથી આ વિભાજન સરળ બને પણ એમ થવું મુશ્કેલ છે. બની શકે કે ગોદરેજ ગ્રૂપમાં એક તરફ અદી અને નાદિર હશે તો બીજી તરફ જમશેદ અને સ્મિતા હશે. રિશાદને સંતાન નથી અને તેના શૅર્સ તેના નિધન પછી બાકીના સભ્યોમાં સરખે ભાવે વહેંચાશે. પરિવારનું નામ ન ખરડાય તેની કાળજી રાખીને કોઇ પણ હો હા વગર તેઓ પાંચ પરિવારો વચ્ચે કોર્પોરેશનને વહેંચવા ધારે છે.

સિંઘાનિયા પરિવાર :

રેમન્ડ ગ્રૂપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ જ્યારે પિતા વિજયપત સિંઘાનિયા સાથે શિંગડા ભેરવ્યા ત્યારે એ વિખવાદો જગ જાહેર થયા. ૨૦૧૯માં ગૌતમે પિતા સાથે વાતચીત કરવાની તૈયારી બતાડી. વિજયપતે પોતાના દીકરાના હાથમાં બધો બિઝનેસ સોંપી દીધાને પોતાની મૂર્ખતા ગણાવી. વિજયપતે લખેલા પુસ્તક પર બોમ્બે હાઇકોર્ટે સ્ટે મુકાવ્યો છે. ગૌતમ સિંઘાનિયા નાના દીકરા છે, પણ વિજયપતને પોતાના મોટા દીકરા મધુપતિ સાથે પણ નથી બનતું તે પરિવાર સાથે છેડો ફાડીને સિંગાપોર સેટલ થઇ ગયા છે.

તાતા ગ્રૂપ :

સાયરસ મિસ્ત્રીને તાતા ટ્રસ્ટ સાથે જે કજિયા થયા તેનાથી સૌ વાકેફ છે. રતન તાતાને મામલે બીજી પેઢીને સુકાન આપવાનો પ્રશ્ન ખડો થતો નથી. તાતા ગ્રૂપનું સુકાન કોણ સંભાળશે તે મહત્ત્વનો પ્રશ્ન છે કારણ કે રતન તાતાએ ગ્રૂપને જે સ્તરે મૂક્યું છે તે પછી કોઇ અણઘડના હાથમાં આ લગામ સોંપાય તેમ નથી. તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને બીજી ટર્મ મળશે કે નહીંની ચર્ચાઓ ચાલ્યા કરે છે. ચંદ્રશેખરે કોઇ પણ વિવાદો વિના અત્યાર સુધી સંતુલન જાળવ્યું છે. સૉલ્ટ ટૂ સૉફ્ટવેર સુધીના બિઝનેસિઝને ડિસ્ટર્બ કર્યા વિના ચલાવી શકે તેવી જ કોઇ વ્યક્તિને શોધવી પડે જે બોર્ડ અને ટ્રસ્ટના વિચારોને રફેદફે ન કરી દે.

બજાજ પરિવાર : 

રાહુલ બજાજે બજાર ઓટોના ચેરમેન તરીકે એપ્રિલ ૨૦૨૧માં રાજીનામું આપ્યું. તેમણે કહેલું કે મૂર્ખાઓ જ રિટાયર થાય પણ છતાં તેમણે પોતાની ચેરમેનશીપને અલવિદા કહ્યું. આ કરતા પહેલાં તેમણે પોતાના ભાઇઓ, પિતરાઇઓ અને દીકરાઓ વચ્ચે ગ્રૂપ કંપનીઝની માલિકીની શાંતિપૂર્વક વહેંચણી કરી. બજાજ પરિવારમાં આ ચોથી પેઢી છે. ફાઇનાન્સ, ફિનસર્વ અને ઑટોમોબાઇલ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલુ બજાજ ગ્રૂપ વિશ્વની ટોચની મૂલ્યવાન કંપનીઓમાંની એક રહી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  02 જાન્યુઆરી 2022

Loading

મને એમ કે એ તો મૂંગો છે

દેવિકા રાહુલ ધ્રુવ|Opinion - Opinion|2 January 2022

ગ્રીષ્મઋતુની સવાર હતી. ગરમી તો ખૂબ જ, પણ સવારેસવારે જરા ખુલ્લી હવા અને થોડા છાંયડે ચાલવા જવાની સૂરીલીને ટેવ. ૪૫ મિનિટને બદલે આજે તો સવા કલાક થઈ ગયો. કેમ વાર થઈ હશે, એવી ચિંતા શરૂ થાય તે પહેલાં તો ‘મૉર્નિંગ વૉક’ પછી એક અજબની સ્ફૂર્તિ ભરી, ઘેર આવી, તેણે આજના અનુભવની વાત શરૂ કરી …

“મા, આજે તો મઝા આવી ગઈ ચાલવાની. એણે મારી સાથે અવનવી વાતો કરી.”

“કોણે ? કોણ મળ્યું ? સવારે-સવારે તારા જેવું કોણ નવરું પડ્યું?” મેં પ્રશ્નોની ઝડી વરસાવી.

“મા, આજે તો મને એ ખૂબ ગમ્યો.”

પહેલી વાર દીકરીના મોંએ કોઈના ગમવાની વાતે હું ચમકી. મારા કાન હવે વધુ સરવા થયા.

લગભગ કલાક પછી હાથમાં પેન અને નોટ લઈને અંદરના રૂમમાંથી બહાર આવતાં-આવતાં મસ્તીથી એ કંઈક ગણગણવા માંડી. મારી ચિંતા અને કુતૂહલ ઓર વધી ગયાં, પણ એની તરફ લક્ષ આપ્યા વગર ‘આમાંથી વાંચી લેજે ને પછી! મારે કૉલેજ જવાનું મોડું થાય છે’ કહી એણે સોહામણું સ્મિત આપ્યું ને બહાર નીકળી ગઈ.

અધીરાઈથી મેં એની 'નોટ’ વાંચવા માંડી ..

“મને એમ કે, એ તો મૂંગો છે. પણ આજે તો એણે કેટલી બધી મન મૂકીને વાતો કરી. ‘વૉક’ કરતાં-કરતાં એક નાનકડી ઠોકર વાગી. પડી ન જાઉં એ બીકે જરા બેસી ગઈ. ધ્યાનથી જોયું તો રસ્તાની એક તિરાડ વચ્ચે નાનો અમસ્તો પથ્થર પડ્યો હતો કે જેની ઠોકર લાગી હતી. એને હાથમાં લઈ દૂર ફેંકવા જતી હતી, ત્યાં તો મને શબ્દો સંભળાયા. આશ્ચર્ય! મૂંગા પથ્થરને વાચા ફૂટી હતી! રસ્તો બોલતો હતો!”

“પૃથ્વી પર સઘળે પથરાયેલો પડ્યો છું. સતત અને અવિરત કેટલી ચહલપહલ ? બધું જ મારી છાતી પર. સજીવ ચરણથી માંડીને, ર્નિજીવ ચક્રો સુધીનાં તમામનું હું એક સાધન. કદીયે એક ઉફ પણ કર્યા વગર હું વેંઢારતો જાઉં છું. ધગધગતો કાળો ડામર, માટી, રેતી, પથ્થર કંઈ કેટલું બધું ભર્યુંપડ્યું છે મારામાં? કોને જોવાની ફુરસદ છે કે હું શું છું, કઈ રીતે બન્યો છું, કેવો ચત્તોપાટ પડ્યો છું, કેટલું બધું વહન કરું છું, સહન કરું છું. ટાઢ, તાપ, વરસાદ કે બરફ; કોઈ પણ અવસ્થામાં ચૂપચાપ સૌનાં કામમાં લાગુ છું. કોઈ ખોદે કે તોડે, હળ ચલાવે કે ચાલે, પૈડાંથી કોચે કે ડ્રીલથી વીંધે, લોખંડી પાટા મૂકી ગરમ એન્જિન પણ દોડાવે, બધું જ સ્થિર રહી ઝીલું છું.

“એક વખત હતો કે માણસ માણસને પૂછ્‌તો’તો આ રસ્તો ક્યાં જશે?’ અરે બહેન, હું તો અહીંનો અહીં જ છું. તમે બધા  ગમે તેમ જઈ રહ્યા છો! ભાન ભૂલી મને ખોઈ રહ્યાં છો.”

સાંભળતાં-સાંભળતાં મને હસવું આવ્યું. મા વાંચશે તો એને કેટલું ગમશે? સૂરીલીની પેન આગળ ચાલતી હતી.

“અને હવે એવો સમય આવ્યો છે (ટેક્નોલૉજીની બલિહારી) કે મને તમારા વાહનની અંદર જ ગોઠવી દીધો છે! કોઈ કોઈને પૂછતું નથી. કારણ કે, આ રાહ, રસ્તો, સડક, માર્ગ, પથને હવે બનાવી દીધો છે GPS ! 

એક છેલ્લી વાત કહી દઉં? અમે તો બધે જ હોઈએ છીએ. નક્કી તો તમારે કરવાનું કે તમારે ક્યાં જવું છે? અમે તો બસ, તમારા માટે જ છીએ. ખડક હોય કે સડક, ગલી હોય કે ગરનાળું, કેડી કે પગદંડી, સીધો રાહ હોય કે પગથિયાં; સ્થિર રહીને તમને ઉપર ચડાવીએ, આગળ વધારીએ. હા, લિસ્સો બની લપસાવીએ ખરાં, પણ નક્કી તો તમારે કરવાનું કે તમારે લપસવું છે કે આગળ વધવું છે! આજે જો જરા મારી તરફ જોઈને તું ચાલી હોત, તો આ ઠોકર વાગત?!!”

રસ્તાની વાતો પૂરી કરી સૂરીલી આગળ લખતી હતી …

એની વાતો શીરાની જેમ ગળે ઊતરી ગઈ.

શૂન્ય પાલનપુરીનો શેર સાંભર્યો.

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.

સઘળી વાતોને આનંદપૂર્વક નોંધી, કંઈક ગાંઠે બાંધી મેં પણ એની નોટ બંધ કરી, ઘરેણાંની જેમ ઠેકાણે મૂકી દીધી. મેં જોયું તો આજની સવાર ઝગમગતી હતી, નવા વર્ષની જેમ ..

હ્યુસ્ટન

E-mail: ddhruva1948@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 10

Loading

સુખનો રોટલો

રમણીક અગ્રાવત|Poetry|1 January 2022

ચૂલે ચડ્યા રોટલા મઘ મઘ આખું ય ઘર,
ઘીમાખણની સોડમે સઘળું કૈં તરબતર.
બઠ્ઠા પાડે બાજરો રગમાં ચડતું જોમ,
લીલાલીલા કેફથી ફરકે રોમેરોમ.
દહીં ભરેલું છાલિયું મીઠું મરચું હોય,
જીરુંનો છણકો જરી ના પાડે ના કોઈ.
પીવાનાં સુખ છાશનાં પીવો તો સમજાય,
અમરતના કૈં ઘૂંટડા હલક હેઠ ઠલવાય.
બેસે જીભ પર ડુંગળી તરતો સરતો સ્વાદ,
હાલક ડોલક ભાનમાં અજબ ગજબ સંવાદ.
કડકડતો હો રોટલો ને વાળુમાં દૂધ,
લીલાલબરક કેફમાં આતમ થાતો શુદ્ધ.

૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 15

Loading

...102030...1,8211,8221,8231,824...1,8301,8401,850...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved