Opinion Magazine
Number of visits: 9962903
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આહાર માત્ર પેટ ભરવાનું જ નહીં, આઇડેન્ટિટીનું પણ સાધન છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 November 2021

ગુજરાતમાં માંસાહાર વેચતી લારીઓને લઈને હમણાં ઘણી ચર્ચા થઇ. એક પછી એક ચાર શહેરોમાં કેવી રીતે તેનાં વેચાણ પર પ્રતિબંધ મુકાયા અને કેવી રીતે મુખ્ય મંત્રીએ આખી વાતને ફેરવી તોળી એ તો ખેર એક જુદો જ વિષય છે, પણ એમાંથી જન્મેલો પ્રશ્ન એ છે કે એક રાષ્ટ્ર તરીકે, આપણે કેટલા શાકાહારી અને માંસાહારી છીએ? તે પહેલાં ગુજરાતની વાત.

એક પ્રચલિત માન્યતા એવી છે કે ભારતમાં ગુજરાતીઓ સૌથી વધુ શાકાહારી છે. એ માન્યતા જ છે, હકીકત નથી. ભારત સરકારના ૨૦૧૪ના સેમ્પલ રજીસ્ટ્રેશન સર્વેના આંકડા મુજબ, ગુજરાતમાં ૬૧ ટકા લોકો શાકાહારી છે, અને બાકીના ૩૯ ટકા માંસાહારી છે. ગુજરાતમાં મુસ્લિમો ૯ ટકા છે. જેનો અર્થ એ થયો કે ૩૦ ટકા હિંદુઓ પણ માંસાહારી છે.

ઇન ફેક્ટ, ગુજરાત કરતાં વધુ શાકાહારીઓ રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં છે. સર્વે મુજબ, રાજસ્થાનમાં ૭૫ ટકા, હરિયાણામાં ૭૦ ટકા અને પંજાબમાં ૬૭ ટકા લોકો શાકાહારી છે. સૌથી ઓછા શાકાહારીઓ તેલંગાણા (૧.૩ ટકા),  બંગાળ (૧.૪ ટકા) અને આંધ્ર પ્રદેશ (૧.૭ ટકા)માં છે.

ગુજરાતમાં શાકાહારીઓનું પ્રમાણ કેમ વધુ છે? કારણ કે હિંદુ પરંપરાના વિભિન્ન પંથોનો પ્રભાવ સૌથી વધુ ગુજરાતી સમાજ પર છે. જેમ કે – જૈન, વૈષ્ણવ, બ્રાહ્મણ, સ્વામીનારાયણ. જૂના સમયથી ગુજરાતમાં ૩૦ વર્ષ શાસન કરનાર કુમારપાળ જેવા જૈન રાજા (તેમણે રાજસ્થાન પર પણ શાસન કર્યું હતું) અને આચાર્ય હેમચંદ્રાચાર્ય જેવા સાધુઓની અસર બહુ રહી છે અને પછી વૈષ્ણવ સંપ્રદાયનો પણ પ્રભાવ પડ્યો. ગાંધીજીની જીવન અને વૈચારિક શૈલી પર જૈન સંપ્રદાયની મોટી અસર હતી.  

શાકાહારને આપણે ધર્મ સાથે જોડીને કેમ જોઈએ છીએ? હકીકતમાં, તમામ પ્રકારના આહારનો સંબંધ ધર્મ સાથે છે, કારણ કે ધર્મ સંસ્કૃતિ પહેચાનનું અગત્યનું પરિબળ છે, અને આહારથી માણસની પહેચાન થાય છે.

વિશ્વમાં 8 ટકા લોકો જ શાકાહારી છે, બાકીનું ૯૨ ટકા વિશ્વ માંસાહારી છે. સૌથી વધુ, 31 ટકા, શાકાહારી લોકો ભારતમાં છે. વૈજ્ઞાનિક અને ઐતિહાસિક દૃષ્ટિએ, માણસો જીવતા રહેવા માટે ખાય છે. માણસ જ્યારે જંગલમાં રહેતો હતો, ત્યારે  તે વનસ્પતિ અને પ્રાણીઓનો આહાર કરતો હતો. કૃષિ ક્રાંતિ પછી તે અનાજ પેદા કરતો થયો, પછી તેના આહારમાં શાકાહારનો ઉમેરો થયો.

આહાર સાથે ધર્મનો સંબંધ શરૂ થયો હતો સ્વાસ્થ્યનાં કારણોસર, તેને ઈશ્વરની ભક્તિ સાથે સંબંધ ન હતો. માણસ જ્યારે ભણેલો-ગણેલો ન હતો અને વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો, ત્યારે નુકસાનકારક આહારથી દૂર રહેવા માટે તેમાં ધાર્મિક નિયમો ઉમેરવામાં આવ્યા હતા. એ તે વખતનું 'ડાયેટ વિજ્ઞાન' હતું. મોટા ભાગની પ્રજા ધાર્મિક નિયમોના બહાને અમુક આહારથી દૂર રહેતી હતી.

જો કે, બીજા ઘણા બધા ધાર્મિક નિયમોની જેમ, આહાર પણ ધીમે-ધીમે ધાર્મિક માન્યતાઓનો વિષય બની ગયો. વિશ્વના તમામ ધર્મોમાં આહારને લઈને ચોક્કસ રિવાજો અને માન્યતાઓ છે. આજે પણ, માંસાહારની છૂટ આપતા ધર્મોમાં પણ ઘણી ચીજો વર્જ્ય ગણાય છે.

ભારતમાં શાકાહાર પ્રત્યેના અનુરાગનું કારણ સ્વાસ્થ્યનું વધુ છે. હિંદુ પરંપરામાં સાત્વિક અને તામસિક આહારનો તફાવત છે. જે સાત્વિક છે તે તન-મનને શુદ્ધ રાખે છે, જે તામસિક છે તે નકારાત્મક ગુણો પેદા કરે છે. પ્રાચીન ભારતમાં લેક્ટો-વેજીટેરિયન આહારની ધારણા વિકસી હતી. લેક્ટો-વેજીટેરિયન એટલે દૂધાહાર, જેમાં માંસ-ઈંડા સિવાયનો દૂધમાંથી બનેલો આહાર હોય, જેમ કે દૂધ, ચીઝ, દહીં, માખણ, ઘી, ક્રીમ વગેરે. મહાત્મા ગાંધી દૂધાહારના હિમાયતી હતા. તેમણે આહારને ઇન્દ્રિયવાસના સાથે જોડ્યો હતો. તેમની આત્મકથામાં તે લખે છે;

“બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો સ્વાદેદ્રિય ઉપર કાબૂ મેળવવો જ જોઈએ. જો સ્વાદને જિતાય તો બ્રહ્મચર્ય અતિશય સહેલું છે એ મેં જાતે અનુભવ્યું. તેથી મારા ખોરાકના પ્રયોગો કેવળ અન્નાહારની દૃષ્ટિએ નહીં, પણ બ્રહ્મચર્યની દૃષ્ટિએ થવા લાગ્યા. ખોરાક ઓછો, સાદો, મસાલા વિનાનો, ને કુદરતી સ્થિતિમાં ખાવો જોઈએ એ મેં પ્રયોગો કરી અનુભવ્યું. જ્યારે હું સૂકાં અને લીલાં વનપક ફળ ઉપર જ રહેતો ત્યારે જે નિર્વિકારપણું અનુભવતો તે મેં ખોરાકમાં ફેરફાર કર્યા પછી નથી અનુભવ્યું. ફળાહારને સમયે બ્રહ્મચર્ય સહજ હતું.”

બીજું, આહાર માત્ર પેટ ભરવા પૂરતી સીમિત ચીજ નથી. માણસ સંગઠિત સ્વરૂપે રહેતો થયો, એટલે તેણે તેની સામાજિક ઓળખો બનાવી. જેમાં ધર્મ, આહાર અને પહેરવેશ પ્રમુખ પ્રતિકો છે. એક માણસે બીજા માણસને ‘આપણાવાળો’ ગણવો હોય, તો તે ક્યા ધર્મ-ઈશ્વરમાં માને છે, શું ખાય છે અને કેવો વેશ પહેરે છે તેની નોંધ લેવી પડે. જેમ અલગ-અલગ લોકો અલગ-અલગ રીતે ઘરો બનાવે છે, અલગ-અલગ વસ્ત્રો બનાવે છે અને અલગ-અલગ ઓજારો બનાવે છે, તેવી જ રીતે અલગ-અલગ આહાર પણ બનાવે છે. એટલે એક સરખા આહારવાળા લોકો એક થઈને તેમની સામાજિક ઓળખ નક્કી કરે.

એટલા માટે આહારની એક મજબૂત પારિવારિક પરંપરા પણ હોય છે. કેવો આહાર ખાવો, કેવી રીતે ખાવો, કેવી રીતે તૈયાર કરવો તેના રિવાજો, કાયદાઓ અને પરંપરાઓ પરિવારમાં હોય છે અને દરેક સભ્ય તેને અનુસરે છે. પારિવારિક લગાવનું એ અગત્યનું પરિબળ છે. આપણે કોણ છીએ તે આપણો આહાર નક્કી કરે છે. આપણે કેવી ભૌગોલિક પરિસ્થિતિમાં રહીએ છીએ, તે પણ આપણા આહારથી નક્કી થાય છે.

જ્યારે આ નાની-નાની પારિવારિક પરંપરાઓ વિશાળ સામાજિક પરંપરાઓનો હિસ્સો બની જાય, ત્યારે આહાર એક સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખનું રૂપ લઇ લે છે. શાકાહાર ભારત માટે વિશેષ છે, કારણ કે હિંદુ પરંપરા, બૌદ્ધ પરંપરા અને જૈન પરંપરામાંથી અહિંસાનો એક શક્તિશાળી વિચાર જન્મ્યો હતો. આહાર, વસ્ત્રોની ફેશનની જેમ, દેખાદેખીનું કારણ પણ છે. તમે જે સમૂહમાં રહેતા હો, તેની જીવન શૈલી અપનાવી લો. બાકી, ઇડરમાં લોકો ઈડલી ન ખાતા હોત, અને પ્રાંતિજમાં પંજાબી ફૂડ ન હોત.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 નવેમ્બર 2021

Loading

ટી.વી. ચેનલ્સ ચહેરા વિનાનું માધ્યમ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 November 2021

ભારતમાં મીડિયા ત્રણ પ્રકારનાં છે. એક છે ગોદી ટી.વી. ચેનલો જે ચોવીસે કલાક સરકારનો બચાવ કરવાનું અને અથવા દર્શકોનું ધ્યાન બીજે ભટકાવવાનું કામ કરે છે. વર્તમાન શાસકોને માફક ન આવે એવું ભારતમાં કે દુનિયામાં કાંઈ પણ થાય ત્યારે તેઓ કૂદી પડશે. આવી ગોદી ચેનલો ભક્તોને બહુ ભાવે છે. ભક્ત રાતના જમીને, મોઢામાં ગુટકો ઓરીને, ટી.વી. સામે બેસી જશે. બરાબર નવ વાગે પ્રાઈમ ટાઈમમાં ડાકલાં વાગવાનું શરૂ થાય અને સવા નવ વાગ્યા સુધીમાં તો ભક્ત ધૂણવા લાગ્યો હોય. સાડા નવ વાગે મોબાઈલ હાથમાં લઈને ‘દેશના દુશ્મનોને’ ગાળો આપવાનું શરૂ કરશે. પાછો, ભલો તો ખરો જ! સવારે ઊઠીને ગૂડ મોર્નિંગના મેસેજમાં, ‘સકળ સંસાર’નું ભલું થાય એવી શુભેછા વ્યક્ત કરશે.

બીજા પ્રકારના મીડિયા પ્રિન્ટ મીડિયા છે. તેમાં ભાટાઈ પ્રમાણમાં ઓછી જોવા મળશે. એટલા માટે નહીં કે તે બહુ જવાબદાર છે, પણ એટલા માટે કે તેમની મજબૂરી છે. ધૂણાવવાનું કામ જેટલું અસરકારક ટી.વી. ચેનલો કરે છે, એટલું અસરકારક છાપેલો શબ્દ નથી કરી શકતો. આને કારણે જેનાં હિત ખાતર ભક્તોને ધૂણાવવામાં આવે છે, એ હિત ધરાવનારાઓ ગોદી ચેનલોને પોષે છે, પ્રિન્ટ મીડિયાને નથી પોષતા. જો હાથમાં જોઈએ એટલું કાંઈ ન આવતું હોય તો ભૂંડા શા માટે થવું? સંયમનું પહેલું કારણ આ છે.

સંયમનું બીજું કારણ એ છે કે અખબારો-સામયિકો વિવિધ ભારતીય પ્રદેશોમાંથી અને વિવિધ ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થાય છે અને તેમાં તેમને ગેર-બી.જે.પી. શાસકોના હિતોનું ધ્યાન રાખવું પડે છે. કેટલાંક રાજ્યોમાં દર પાંચ વર્ષે સરકારો બદલાતી રહે છે એટલે ભવિષ્યનો પણ વિચાર કરવો પડે. આ સિવાય પ્રદેશવાર વાચકોની અલાયદી તાસીર હોય છે. ‘ગુજરાત મિત્ર’નો વાચક ‘ફૂલછાબ’ના વાચક કરતાં થોડો જુદો પડે છે. વાચકોનો પોતાની પસંદગીના અખબાર-સામયિક સાથે એક પ્રકારનો ભાવનાત્મક સંબંધ હોય છે અને ખાસ પ્રકારની અપેક્ષા હોય છે. એ દૃષ્ટિએ ટી.વી. ચેનલો ચહેરા વિનાનું માધ્યમ છે. ટી.વી. ચેનલો પણ ચહેરો વિકસાવી શકે જેમ બી.બી.સી. અને અલ-ઝઝીરા ચહેરો ધરાવે છે, પણ એને માટે સ્વતંત્ર બનવું પડે અને પ્રાઈમ ટાઈમનાં ડાકલાં બંધ કરવાં પડે. હમીદ અન્સારી જ્યારે દેશના ઉપ-રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના ખાતામાં આવતી રાજ્યસભા ચેનલે સાંસ્કૃતિક-સામાજિક વિમર્શનો ચહેરો વિકસાવ્યો હતો. ટૂંકમાં અખબારો અને વાચકોનો મળીને એક પરિવાર બનતો હોવાથી અખબારો એક હદથી વધારે લૂગડાં ઊતારી શકતાં નથી. ટી.વી. ચેનલોવાળાઓ આવી કોઈ પારિવારિકતા નડતી નથી એટલે તે ગમે તે હદે નીચે ઊતરી શકે છે.

પ્રિન્ટ મીડિયાનાં સંયમનું ત્રીજું કારણ એ છે કે લખાણ, મુદ્રણ અને પ્રકાશનને લગતા કાયદાઓ તેને નડે છે. જ્યારથી મુદ્રણકળા વિકસી, મુદ્રણયંત્રો આવ્યાં અને અખબારો અને સામયિકો પ્રકાશિત થતાં થયાં એમ તેને લગતાં કાયદાઓ ઘડાવા લાગ્યા, જે બધા અંકુશ અને નિયમનને લગતા છે. આ કાયદાઓ અખબારોને બેફામ બનતા અટકાવે છે. ટી.વી. ન્યુઝ ચેનલો હજુ નવી ઘટના છે એટલે તેના નિયમનને લગતા કાયદાઓ કાં તો છે જ નહીં, અને છે તો  નિર્બળ છે. ટી.વી. ન્યુઝ ચેનલોએ પોતાનો અલગ ચોકો કર્યો છે અને તેના માલિકો આત્માનુશાસકના રૂપાળા નામે સરકારને કાયદાઓ ઘડવા દેતા નથી. શાસકોને પણ બેફામ ટી.વી. ચેનલોને અંકુશમાં રાખવામાં રસ નથી, કારણ કે તે તેમને માટે કામ કરે છે. વાચકો કે દર્શકોને કોઈ કાન પકડીને ઘટનાઓનું અર્થઘટન કરી બતાવે કે માર્ગદર્શન કરે એવા લોકો કરતાં ધૂણાવનારાઓનો શાસકોને વધુ ખપ છે. બીજું ટી.વી. ચેનલોના માલિકો ઉદ્યોગગૃહોના માલિકો પણ છે અને તેમનાં સાસકો સાથે હિતસંબંધ છે. તેઓ નિયમનને લગતા કાયદાઓ ઘડવા દેતા નથી અને શાસકોને ઘડવા પણ નથી. આમ એક પ્રકારની મિલીભગત છે.

બધી જ ટી.વી. ન્યુઝ ચેનલો કોર્પોરેટ કંપનીઓની માલિકીની છે એવું નથી. કેટલાક અખબારી જૂથોની માલિકીની ચેનલો પણ છે. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે અખબારીજૂથોના માલિકો બેવડાં ધોરણો અપનાવે છે. જેમ કે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ ઠાવકું પત્રકારત્વ કરશે અને તેની માલિકીની ટી.વી. ન્યુઝ ચેનલ ‘ટાઈમ્સ નાઉ’ ભક્તોને ધૂણાવવાનું કામ કરશે. એવું જ ઇન્ડિયા ટુડે જૂથનું. ‘ઇન્ડિયા ટુડે’ સામયિક, તેની અંગ્રેજી ટી.વી. ચેનલ ‘ઇન્ડિયા ટુડે લાઈવ’ અને હિન્દી ચેનલ ‘આજ તક’માં જમીન આસમાનનો ફરક નજરે પડશે. એક જગ્યાએ સ્વસ્થતા નજરે પડશે, બીજી જગ્યાએ પ્રમાણમાં ઓછું બેજવાબદારપણું અને ત્રીજી જગ્યાએ બેફામપણું નજરે પડશે. હવે તેઓ એક નવી તરકીબ અપનાવવા લાગ્યા છે. પ્રાઈમ ટાઈમ સિવાયના દિવસમાં ભાગમાં ઓછા મહત્ત્વના સ્લોટમાં ઘડા ભરીભરીને ડહાપણ રેડવામાં આવે છે અને પ્રાઈમ ટાઈમમાં ઘડા ભરીને ગાંડપણ. અમારા ગામમાં નાટક મંડળીઓ આવતી જેમાં એક કલાકાર આજે રાજા ભરથરી બન્યો હોય એ બીજા દિવસે કંસ કે રાવણ બને. અહીં તો થોડા કલાકોમાં રામ રાવણ બની જાય. વેશ પણ બદલવાનો નહીં, માત્ર ભાષા અને અવાજ બદલાઈ જાય.

ત્રીજા પ્રકારના મીડિયા ડિજીટલ છે. એ હમણાં પાંચેક વરસ થયાં અસ્તિત્વમાં આવ્યા છે. એમાં પણ હવે કોર્પોરેટ કંપનીઓએ પગપેસારો કર્યો છે. આમાં ખર્ચો ઓછો હોવાથી સ્વતંત્ર પત્રકારત્વ માટે ઘણી સંભાવના ઊઘડી અને તેનો લાભ લેવામાં આવી રહ્યો છે. સત્ય અને સમાજ માટે પ્રતિબદ્ધતા ધરાવનારા પત્રકારોએ મળીને ડિજીટલ મીડિયા શરૂ કર્યા છે. એમાં ગંભીર વિવેચન કરતા લેખો વાંચવા મળશે, ગોકીરા વિનાની અર્થગર્ભ ચર્ચા  સાંભળવા મળશે, જે તે વિષયોમાંના નિષ્ણાતો સાથેની મુલાકાતો જોવા મળશે, પુસ્તકોનાં પરીક્ષણો અને લેખકો સાથેની ચર્ચા જોવા મળશે. ટૂંકમાં તમારે તમારા યુગને અને તેના પ્રશ્નોને સમજવા હોય તો અત્યારે ભારતમાં ‘ધ વાયર’, ‘ધ સ્ક્રોલ’ અને ‘ધ પ્રિન્ટ’ ઉત્તમ માધ્યમ છે. આ ત્રણેય હવે હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ છે. આ સિવાય ભારતીય ભાષાઓમાં પણ બીજા આવાં માધ્યમો હશે.

ટૂંકમાં, બીજાના ધૂણાવ્યે ધૂણવું ન હોય તો વિકલ્પો છે. ખબર પડશે કે દેશમાં અને દુનિયામાં શું ચાલી રહ્યું છે. વાયદાઓ અને વાસ્તવિકતાઓ વચ્ચેનો ફરક સમજાશે. પગ જમીન ઉપર રહેશે. નીરક્ષીર વિવેક દ્વારા સંતાનોને યોગ્ય માર્ગદર્શન આપી શકાશે.

પણ હા, ધૂણવામાં નશાનો અનુભવ થતો હોય તો વાત જુદી છે. પ્રાઈમ ટાઈમમાં માવા સાથે ડાકલાં ફ્રી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 નવેમ્બર 2021

Loading

કોણ હશે ઉત્તરાધિકારી?: અંબાણી પરિવારમાં આગલી પેઢીને સુકાન સોંપવા યોગ્ય ‘મૉડલ’નું સંશોધન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 November 2021

મૂકેશ અંબાણી સંશોધનના માણસ છે, તે બુદ્ધિશાળી લોકોના મંતવ્યો, કાબેલ લોકોના નિર્ણયો, વૈશ્વિક સામાજિક પરિબળો બધું ગણતરીમાં લઇને ત્રિ-રાશી માંડે એવી વ્યક્તિ છે

આપણે બાળવાર્તાઓમાં વાંચ્યું છે કે એક રાજાને ત્રણ દીકરા હતા પણ કોને ગાદી આપવી એ નક્કી કરવા માટે તેણે પોતાના દીકરાઓની કસોટી કરવાનું નક્કી કર્યું. મોટે ભાગે વાર્તાઓમાં એમ થતું કે નાનો દીકરો ગાદીને લાયક કામ કરી બતાડે અને પછી બાકીના સંતાનો તેની જીત, તેની આવડત અને તેના સંસ્કારને સન્માન આપી તેને ગાદી પર આરુઢ થવા દે. હવે આ તો પરીકથાઓની દુનિયા છે. આજકાલ રાજાઓ રહ્યા નથી, જેને રાજા કહી શકાય તેવા જે છે તે તમામ છે ફોર્બ્ઝના લિસ્ટમાં આવેલા ભારતીયો છે. આમ તો મૂકેશ અંબાણીના સમાચાર આવે અને તે ટ્રેન્ડ ન થાય તેવું તો બને જ નહીં. છેલ્લા અઠવાડિયામાં મૂકેશ અંબાણી એકથી વધુ વાર ટ્રેન્ડ થયા છે. એક સમાચાર તો એ હતા કે ગૌતમ અદાણીએ મૂકેશ અંબાણીને સૌથી ધનિક ભારતીયોની રેસમાં પાછળ પાડી દીધા છે. માર્કેટ કેપિટલાઇઝેશનના અપ-ડાઉનને કારણે આ સરખામણીઓની ચર્ચા છેડાઇ. જો કે માર્કેટ કેપિટલાઇઝેશનમાં રિલાયન્સ ઇઆવ્યુન્ડસ્ટ્રીઝ વધારે હોવા છતાં અદાણીનું નામ આગળ આવ્યું કારણ કે પોતાની કંપનીઝમાં તેમની ભાગેદારી મૂકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપનીઓ કરતા વધારે છે. આ માર્કેટનો ખેલ તો ચાલ્યા કરશે પણ મૂકેશ અંબાણીની તોલે પહોંચી જવુ કંઇ સરળ નથી.

આ સમાચાર ઉપરાંત એક બીજી બાબતે મૂકેશ અંબાણીની ચર્ચા ચાલી હતી અને તે હતી કે તેઓ પણ આપણી વાર્તાઓના રાજાની માફક પોતાની ગાદી કોને આપવી તે અંગે વિચાર કરી રહ્યા છે. મૂકેશ અંબાણી સંશોધનના માણસ છે, તે બુદ્ધિશાળી લોકોના મંતવ્યો, કાબેલ લોકોના નિર્ણયો, વૈશ્વિક સામાજિક પરિબળો બધું ગણતરીમાં લઇને ત્રિ-રાશી માંડે એવી વ્યક્તિ છે. તેમના ત્રણ સંતાનોમાં પોતે ખડા કરેલા સામ્રાજ્યની વહેંચણી કેવી રીતે કરવી તેના પર મૂકેશ અંબાણી હાલમાં કામ કરી રહ્યા છે તે સમાચારે ભારે કૌતુક ખડું કર્યું. હવે આ કંઇ પ્રાચીન કાળ તો છે નહીં કે રાજા સંતાનોને કસોટી આપે અને પછી કોઇ મ્હોમાં બજરબટ્ટુ મૂકીને આગનો દરિયો પાર કરતા શીખી જાય કે પવનપાવડી પહેરીને ઊડી જઇને કોઇને બચાવી લે એવી બધી ઘટનાઓ થાય. વળી મૂકેશ અંબાણી પરીકથાના રાજા નથી, તે પોતાના સંતાનોની આવડત, ક્ષમતાઓ અને ક્ષતિઓ સારી પેઠે જાણતા જ હોય એટલે કોને માટે સામ્રાજ્યનો કયો પોર્ટફોલિયો બંધ બેસતો રહેશે તે નક્કી કરવામાં તેમને મુશ્કેલી ન પડે.

વિશ્વભરના ધનિકોએ પોતાની સંપત્તિની વહેંચણી કેવી રીતે કરી છે તેની પર મૂકેશ અંબાણી નજર ફેરવી રહ્યા છે. તેમનું સામ્રાજ્ય ૨૦૮ બિલિયન ડૉલર્સ જેટલું છે. વૉલ્ટનથી માંડીને કોચ પરિવાર જેવા ધનિકોએ કઇ રીતે પોતાની સંપત્તિની વહેંચણી કરી તેની પર તેમણે અભ્યાસ કર્યો છે. તેમણે વિવિધ પરિવારોની વ્યૂહરચનાઓ દ્વારા જાણવાનો પ્રયાસ કર્યો કે તેમના પરિવાર પર કયું મૉડલ ગોઠવાઇ શકશે. સ્વાભાવિક છે કે કોઇ પિતા એમ ન ચાહે કે સંપત્તિ કે મિલકતને મામલે સંતાનોમાં વિખવાદ થાય અને માટે જ વસિયતનામું બનાવવું એક અગત્યની કામગીરી ગણાય છે. એમાં પાછું મૂકેશ અંબાણીની વાત આવે તો દુકાનના ચાર ગાળા કે, પાંચ ફેક્ટ્રી કે ચાર ફ્લેટની વાત તો ન જ હોય તે સ્વભાવિક છે. એક રિપોર્ટ અનુસાર મૂકેશ અંબાણીએ કરેલા સંશોધન પછી તેમને વૉલ્ટન પરિવારે પોતાની સંપત્તિની વહેંચણી જે રીતે કરી છે તે મોડલ માફક આવ્યું છે.

પહેલાં તો વૉલ્ટન પરિવાર અને તેમની સંપત્તિની વહેંચણીના મોડલ પર નજર કરીએ. વૉલમાર્ટ ઇંક કંપનીના ફાઉન્ડર સેમ વૉલ્ટનનું ૧૯૯૨માં મૃત્યુ થયું. વૉલ્ટન પરિવારે ૧૯૮૮ની સાલથી જ પોતાના તમામ કારોબારને રોજિદાં હિસાબથી મેનેજર્સન સોંપ્યો હતો અને આ આખી કામગીરી પર નજર રાખવા એક ખાસ બોર્ડની રચના કરાઇ હતી. આ બોર્ડમાં સેમ વૉલ્ટનના મોટા દીકરા રૉબ વૉલ્ટન હતા અને તેમના ભત્રીજા સ્ટુઆર્ટ વૉલ્ટનને પણ તેમાં સમાવવામાં આવ્યા. સેમની પૌત્રીના પતિ ગ્રેગ પેનરને આર્કન્સાન્સની બેન્ટોવિલ કંપનીના ચેરમેન બનાવાયા જે ૨૦૧૫માં થયું. સેમ વૉલ્ટને પોતાના મૃત્યુના ૪૦ વર્ષ પહેલાં ૧૯૫૩માં પોતાના સક્સેશનના પ્લાનિંગ પર કામ શરૂ કરી દીધું હતું. તેમના ફેમિલી બિઝનેસનો એંશી ટકા ભાગ તેમણે પોતાના ચાર સંતાનોમાં વહેંચી દીધો હતો. દરેકના હાથમાં વીસ ટકા ભાગ આવ્યો હતો. આમ વધુ પડતો ટેક્સ કોઇ એક પર ન આવે તેની પણ તકેદારી રખાઇ અને સામ્રાજ્ય વધતું ચાલ્યું, પ્રોફેશનલ સુકાની આવ્યા તો ય પરિવારનો કાબૂ તો રહ્યો જ. આજે પણ વૉલ્ટન પરિવાર આખા સામ્રાજ્યમાંથી વૉલમાર્ટના ૪૭ ટકા પર માલિકી ધરાવે છે જે વૉલ્ટન એન્ટ્રપ્રાઇસિઝધ એલ.એલ.સી. અને અન્ય પરિવારની માલિકીના ટ્રસ્ટ દ્વારા મેનેજ થાય છે. શેર હોલ્ડર્સને બદલે ઘરનાં લોકોને આગળ કરાયા તે વાતે વૉલ્ટન પરિવારની ટીકા થઇ પણ મોટા ભાગના દૂરનાં સગાંઓ એટલે કે પિતરાઇ વગેરેએ વૉલમાર્ટ સ્ટોર સિવાયના બિઝનેસિઝ પર ધ્યાન આપ્યું જેમાં સસ્ટેનેબલ એનર્જી અને ફિલાન્થ્રોફી વગેરેનો સમાવેશ થતો હતો.

હર્મિઝ ફેશન એમ્પાયર ધરાવતો ડ્યુમાસ પરિવાર અને એસ.સી. જ્હોન્સન એન્ડ સન્સને સંભાળતો જ્હોન્સન પરિવાર પણ પોતાના સગાંઓને રોજિંદી કામગીરીમાં પરોવતો. વૉલ્ટન પરિવારે તો માત્ર બોર્ડ સ્તરે જ ઓવરસાઇટ રાખી બાકી તેમનો રિટેલ બિઝનેસનું મેનેજમેન્ટ ૧૯૮૮થી આઉટસોર્સ કરાયું જ્યારે સેમ વૉલ્ટને ડેવિડ ગ્લાસને સી.ઇ.ઓ. તરીકે નિમ્યા. આ મોડલમાંને સમજવા માટે એક જૂદો લેખ જરૂર પડે એટલી વિગતો તેમાં છે પણ એ વાંચતા પહેલાં આપણે કોઇ એક એશિયાના ધનિક જેટલી સંપત્તિ પણ એકઠી કરી લઇએ.

છેલ્લા અઠવાડિયામાં જે મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે તે અનુસાર મૂકેશ અંબાણી પોતાની સંપત્તિને ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરશે. આ ટ્રસ્ટ પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માલિકીના હક હશે જેમાં અંબાણી પરિવારના સભ્યો – એટલે કે મૂકેશ તથા નીતા અંબાણી અને ત્રણેય સંતાનોની ભાગીદારી હશે. આ ટ્રસ્ટના સલાહકાર તરીકે અમુક ચોક્કસ વિશ્વાસુ લોકોને નિયત કરાશે. એવી શક્યતા છે કે તેઓ બોર્ડના મેનેજમેન્ટ માટે બહારના લોકોને સુકાન સોંપશે – જેઓ આ પ્રકારનું કામ પ્રોફેશનલી કરવા કેળવાયેલા હોય.

વળી પોતાના સામ્રાજ્યનો આગામી તબક્કો શું હોવો જોઇએ તેવું નક્કી કરનારા મૂકેશ અંબાણી એક માત્ર છે તેમ નથી. એશિયાના ધનિકો જે હવે ઉંમરના એ તબક્કે છે કે તેમણે આગળનો પ્લાન વિચારવો જોઇએ તે બધા જ પરિવર્તન કઇ રીતે કરવું તેની પર વિચાર કરી રહ્યા છે. બીજા વિશ્વ યુદ્ધ પછી આ સામ્રાજ્ય ખડા કરનારાઓએ અણધારી સંપત્તિ બનાવી.  ક્રેડિટ સુઇસ ગ્રૂપ એજી અનુસાર એશિયામાં ૧.૩ ટ્રિલિયન ડૉલર્સ જેટલી સંપત્તિ આ ધનિકોના સામ્રાજ્યમાં છે અને એશિયાના પહેલી પેઢીના આ ધનિકો આગામી દાયકામાં આગલી પેઢીને પોતાના સામ્રાજ્યનું સુકાન આપવાની યોજના બનાવી રહ્યા છે. કોરોનાવાઇરસ રોગચાળાને પગલે એશિયાઇ ધનિકોમાં આગલી પેઢીને સુકાન આપવાની બાબતે વધુ ગંભીરતાથી ચર્ચા વિચારણા થવા લાગી છે.

બાય ધી વેઃ

ધીરૂભાઇ અંબાણીની સંપત્તિની વહેંચણી અને વિવાદ અંગે કોણ વાકેફ નથી. આખરે મેરે પાસ માં હૈ વાળા ડાયલોગને શોભે એ રીતે કોકિલાબહેને વચ્ચે પડી પોતાની સૂઝબૂઝ વાપરીને બધું થાળે પાડ્યું. પછી કોણે શું ભુંહાડિયો વાળ્યો અને કોણે યોગ્ય દિશામાં સામ્રાજ્યને આગળ વધાર્યું તે આપણે જાણીએ છીએ. જો કે જરૂર પડ્યે પરસ્પરને પડખે ઊભા રહી સમસ્યા ઉકેલવામાં અંબાણી ભાઇઓએ ક્યારે ય પાછું વળીને નથી જોયું. આપણે અંબાણી ન થઇ શકીએ તો કંઇ નહીં પણ કમ સે કમ તેમના આ પ્રોફેશનલ મેનેજમેન્ટવાળા સત્તા પરિવર્તનમાં કંઇક મેનેજ કરવા જેટલી આવડત કેળવી લઇએ તો ય બહુ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  28 નવેમ્બર 2021

Loading

...102030...1,8011,8021,8031,804...1,8101,8201,830...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved