Opinion Magazine
Number of visits: 9963068
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—121

દીપક મહેતા|Opinion - Opinion|27 November 2021

જ્યારે દૂધ આવતું તબેલામાંથી સીધું તપેલામાં

૧૯૦૨માં શરૂ થયું પહેલું ગુજરાતી ઇવનિંગર ‘સાંજ વર્તમાન’

ટપાલીઓનું સમૂહગીત : નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક

વહેલી સવારે બારણાંની બહાર દૂધના પાઉચ મૂકી જાય છે તે માણસ દિવસ દરમ્યાન મળે તો તેને ઓળખો ખરા? રોજે રોજ તાજા સમાચાર આપતાં છાપાં જે છોકરો તમને ઘેર બેઠા પહોંચાડે છે તેનું નામ તમે જાણો છો? છેલ્લાં ૭૫-૮૦ વરસમાં ઘણું બદલાયું છે મુંબઈમાં. પણ દૂધ અને છાપાંની હોમ ડિલિવરી બદલાઈ નથી. પરદેશ જઈને વસેલા મુંબઈગરાઓને આ બે બાબતમાં તો આપણી ઈર્ષા આવતી હશે. અને હા, પાંચ-છ માળનું મકાન હોય તો મુંબઈના દૂધવાળા, છાપાંવાળા લિફ્ટ પણ નથી વાપરતા. દાદર ચડી-ઉતરી જાય છે. કારણ? કારણ લિફ્ટ વાપરે તો ઘણો વધુ ટાઈમ જાય. વળી, આ બંને કામ કરનારા ઘણુંખરું બીજાં કામ પણ કરતા હોય કે નાની-મોટી નોકરી કરતા હોય, કે ભણવા જતા હોય. ત્યાં જતાં મોડું થાય એ પાલવે નહિ. એના કરતાં ધડ ધડ ધડ દાદર ચડી-ઊતરી જવા એ બહેતર.

દૂધ આવતું તબેલામાંથી તપેલામાં

પહેલાં પાઉચમાં નહિ, પિત્તળના ચકચકતા હાંડામાં દૂધ આવતું, તાજું તબેલામાંથી સીધું તપેલામાં. હાંડાનાં મોઢા પર સૂકા ઘાસની ઇંઢોણી મૂકી હોય. હાંડાની બે બાજુ બે હેન્ડલ હોય તેના પર અડધો શેર, પા શેર, છટાંકનાં માપ લટકતાં હોય. તમે માગો તેટલું દૂધ માપીને તમારી તપેલીમાં ધાર થાય એ રીતે રેડે. પછી લટકામાં આપે થોડું ઉમેરણ! આ લખનારને એ દિવસો બરાબર યાદ છે. દૂધવાળો આવે ત્યારે નાનકડી પ્યાલી લઈને ઊભા રહી જવાનું. દૂધવાળો બાબાભાઈની પ્યાલી ભરી દે અને બાબાભાઈ એ તરત ગટગટાવી જાય. એ વખતે જે દૂધ આવતું એ રો – કાચું દૂધ આવતું. થોડી વારમાં ગરમ ન કરી લો તો બગડી જાય. પણ એવું કાચું દૂધ પીવાથી બાબાભાઈ ક્યારે ય માંદા પડ્યા હોય એવું યાદ નથી. અને આ રોજનો લાગો હોં! એના પૈસા લેવાનું ન ભૈયાજીને સૂઝે, ન આપવાનું અમને સૂઝે. રોજ તો નહિ, પણ થોડો ટાઈમ હોય તે દી’ બે-ચાર વાતો પણ કરી લે ભૈયાજી. ગાય વિયાઈ હોય તે દિવસે ‘બળી’ના કટકા કેળના પાનમાં બાંધીને લેતા આવે. દર વરસે એકાદ મહિનો ભૈયાજી ‘દેશ’માં જાય. જતાં પહેલાં બે-ત્રણ દિવસ ‘બદલી’ ભૈયાજીને સાથે ફેરવે. દરેક ઘરની જરૂરિયાત સમજાવે. મહિના પછી પાછા આવે ત્યારે મીઠાઈનું નાનું પડીકું લેતા આવે, દરેક ઘરાક માટે. પણ પછી આરે કોલોની આવી. દૂધની બાટલીઓ આવી. શરૂઆતમાં તો સવારના પહોરમાં ‘મિલ્ક કાર્ડ’ સાથે લઈને સેન્ટર પર લેવા જવું પડતું. પણ પછી તો બાટલીની હોમ ડિલીવરી પણ શરૂ થઈ અને પછી પાઉચની. પણ પેલું ‘ઉમેરણ’ ગયું, પ્યાલીમાં રેડાતું તાજું દૂધ ગયું.

૧૯૨૦ના અખબારનું એક પાનું

છેલ્લા સાતેક દાયકામાં છાપાવાળો તો ખાસ બદલાયો નથી, પણ છાપાં ખાસ્સાં બદલાયાં છે. એ વખતે આઠ પાનાનું છાપું. આખું બ્લેક એન્ડ વ્હાઈટ. ફોટા કે ચિત્રો બહુ ઓછાં છપાય. ભલભલા અંગ્રેજ હાકેમનો ફોટો રોજેરોજ છપાતો જોવા ન જ મળે. સૌથી વધુ સમાચાર મુંબઈના. પછી દિલ્હી, કલકત્તા, મદ્રાસ જેવાં મોટાં શહેરોના. પછી ‘દેશાવર’ના. અને આ દેશાવર એટલે મોટે ભાગે ગ્રેટ બ્રિટન. જાહેર ખબરો ત્યારે પણ છપાતી. નાટક-સિનેમાની પણ છપાતી. પણ બધી જાહેર ખબરો ડાહી-ડમરી. કામની વાત સીધી ને સટ કરનારી. કોઈ વર્ગ કે જાતિની ‘લાગણી દુભાઈ જાય’ એવી જાહેર ખબરો હજી જન્મી નહોતી. અડધું પાનું ભરીને મુંબઈના બંદરે આવતી-જતી સ્ટિમરોની માહિતી છપાતી, દરેક કંપનીના ‘લોગો’ સાથે. મોટા સરકારી કે લશ્કરી અમલદારોની બદલીના સમાચાર અચૂક છપાય. વાચકને આકર્ષવા માટે મુખ્ય સાધન જાહેર ખબરોની ભાષા, ચિત્ર-ફોટા નહિ. પૂર્તિઓ લગભગ નહિ. બહુ બહુ તો રવિવારે કે કોઈ મોટા તહેવારના દિવસે ચાર પાનાં વધારે મળે. ઘણું બદલાયું, પણ એક વસ્તુ નથી બદલાઈ – રોજેરોજ અડધું કે આખું પાનું રોકતી ‘મૃત્યુ નોંધ.’

અરદેશર બેહરામજી પટેલ
‘સાંજ વર્તમાન’ના સ્થાપક-તંત્રી

ટાંચાં સાધનોના એ જમાનામાં ‘ઇવનિંગર’ – સાંજનાં છાપાં ફૂલ્યાંફાલ્યાં હતાં. ગુજરાતીનું પહેલું ઇવનિંગર શરૂ થયેલું ૧૯૦૨ના ઓગસ્ટની ૧૬મી તારીખે. એનું નામ ‘સાંજ વર્તમાન.’ કોટ વિસ્તારમાં આવેલા પોતાના છાપખાનામાં તે છપાતું. તંત્રી હતા અરદેશર બેહરામજી પટેલ. એવણનો જન્મ ૧૮૫૪માં. આ છાપું શરૂ કર્યા પછી ત્રણેક મહિનામાં જ અરદેશરજી બેહસ્તનશીન થયા, પણ સાંજ વર્તમાન ચાલુ રહ્યું. ક્રિકેટના ભારે રસિયા. પારસીઓ અને અંગ્રેજો વચ્ચેની પહેલી ક્રિકેટ મેચ એવણે ગોઠવેલી. એ માટે ગ્રેટ બ્રિટનની મુસાફરી પણ કરેલી. પારસી બોલીમાં નાટકો અને નવલકથા પણ લખેલાં. એ વખતે એક બીજો પણ ચાલ. દિવસ દરમ્યાન કોઈ બહુ મોટો બનાવ બને તો સવારનાં છાપાં ‘વધારો’ બહાર પાડતાં. પહેલે પાને સમાચાર બદલાય. અંદરનાં પાનાં સવારવાળાં જ રહે.  

માનશો? આઝાદી પછી કેટલાંક વરસ તો કાગળની એટલી અછત હતી ૧૯૬૨ અને ૨૦૦૪માં સરકારે ‘ન્યૂઝ પ્રિન્ટ કંટ્રોલ ઓર્ડર’ બહાર પાડેલો. દરેક છાપું રોજ કેટલાં પાનાં, કેટલી નકલ છાપી શકે એ આ ઓર્ડર નીચે નક્કી થાય. સરકાર માબાપ જે સારી કે ખરાબ ક્વોલિટીનો કાગળ બાંધે ભાવે આપે તે મૂંગે મોઢે લઈ લેવાનો. રોજે રોજ કેટલો કાગળ વપરાયો, કેટલી નકલ છાપી, કેટલી વેચી, કેટલી વેચ્યા વગરની રહી – વગેરે માહિતી સરકારને આપવી પડતી. પણ પછી મોટા મોટા સ્લોગન્સ વગર, યોજનાઓ ઘડ્યા વગર, ધીમે ધીમે દેશ ન્યૂઝ પ્રિન્ટની બાબતમાં સ્વાવલંબી બન્યો. પાનાં વધ્યાં, ફેલાવો વધ્યો. ચિત્રો-ફોટા વધ્યાં. ન્યૂઝ ઉપરાંત વ્યૂઝનું મહત્ત્વ વધતું ગયું. અને કલર પ્રિન્ટિંગે તો છાપાનો ચહેરોમહોરો, રૂપરંગ, જાહેર ખબરો, બધું જ બદલી નાખ્યું. પહેલાં છાપાંમાં જાહેર ખબરો આવતી. હવે જાહેર ખબરોમાં છાપાં આવતાં થયાં.

સવારે નવેક વાગે છાપાંના સમાચાર વંચાઈ રહે ત્યાં સગાંવહાલાં, મિત્રો-અમિત્રોના સમાચાર લઈને આવી પહોંચે ટપાલી. અને પાછો દિવસમાં ત્રણ વાર આવે – સવાર, બપોર, સાંજ. એ પણ દૂધવાળાની જેમ ઘડી-બે ઘડી રોકાઈ થોડી સુખદુઃખની વાતો કરે. એ વખતે પોસ્ટ કાર્ડ સૌથી વધુ વપરાય. સસ્તું અને સહેલું. પછી ઇન્‌લેન્ડ-લેટર અને પછી પરબીડિયું. એ વખતે ટપાલનો ઉપયોગ ફક્ત બિલ મોકલવા કે જાહેર ખબર માટે નહોતો થતો. ટપાલી આવે એની રીતસર રાહ જોવાતી. કોઈ પત્ર વાંચીને હરખ થાય, કોઈ વાંચીને ચિંતા કે શોક. પત્રો કેમ લખવા એ સ્કૂલોમાં શીખવાતું. ઝાઝું ભણ્યા ન હોય તે પણ પરંપરાગત રીતે વાંકાચૂકા અક્ષરોમાં પેન્સિલથી કાગળ લખતાં : ‘સ્વસ્તિ શ્રી મુંબઈ ગામ, ને સર્વે શુભોપમાયોગ્ય પરમ પૂજ્ય રમેશભાઈ વિશ્રામ. નવસારી નગરીએથી છોરું છગનનાં પાયલાગણ. આપ સૌની સુખાકારીની પ્રાર્થના સાથે જત જણાવવાનું કે આપ સૌના આશીર્વાદથી ચિ. મગન બીજી ટ્રાયલે મેટ્રિકની પરીક્ષામાં પાસ થઈ ગયો છે. અને તેને હિરાલાલ શેઠની પેઢીમાં નોકરી પણ મળી ગઈ છે. લલ્લુકાકા, કમળામાસી અને બીજાં કુટુંબીઓને આ સારા સમાચાર પહોચાડવા વિનંતી. અમારે લાયક કામકાજ લખતા રહેશો અને આજ સુધી રાખી છે તેવી મીઠી નજર રાખશો.’

આવો હતો મુંબઈનો ટપાલી

અંગ્રેજીમાં લેખકને ‘મેન ઓફ લેટર્સ’ પણ કહે છે. પણ આપણા ઘણા અત્યંત પ્રતિષ્ઠિત લેખો ‘મેન ઓફ પોસ્ટ કાર્ડ’ હતા. એક, આપણા મુંબઈના ગુલાબદાસ બ્રોકર અને બીજા અમદાવાદના ઉમાશંકર જોશી. બંને કાગળ નહિ, પોસ્ટ કાર્ડ જ લખે. પણ બંને વચ્ચે એક મોટો ફેર. ગમે તેવા અજાણ્યાને પણ પોસ્ટ કાર્ડ લખીને જવાબ આપ્યા વગર ગુલાબદાસભાઈ રહે નહિ. અને ગમે એટલા નિકટનાને પણ ઉમાશંકરભાઈ જવાબમાં પોસ્ટ કાર્ડમાં બે-પાંચ વાક્યો લખે તો ય પેલો આઠમી અજાયબીની જેમ એ પોસ્ટ કાર્ડ સામે તાકી રહે, અને પોતાને બડભાગી માને. બંને પાછા મિત્રો. આ પોસ્ટ કાર્ડ લખવા અંગે એક વાર વાત નીકળી. ઉમાશંકરભાઈ કહે : તમારી જેમ દરેકને જવાબ તો મારે પણ લખવો હોય છે, પણ એટલો સમય મળતો નથી. ગુલાબદાસભાઈ હળવેકથી કહે : પરદેશની યુનિવર્સિટીમાં ભાષણ માટેનું આમંત્રણ મળે ત્યારે તો એટલો સમય કાઢવો પડતો હશે, નહિ? તો સુરતના અત્યંત પ્રતિષ્ઠિત વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પોતાની વાત પૂરી ન થાય ત્યાં સુધી ૧-૨-૩ પોસ્ટ કાર્ડ લખે અને એક સાથે પોસ્ટ કરે!

લોકોમાં પોસ્ટ કાર્ડનો વાપર ઘટ્યો ત્યારે જાહેર ખબરવાળાનું ધ્યાન પોસ્ટ કાર્ડ તરફ ગયું. આ તો સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા. થોડો વખત તો જાહેર ખબરનાં પોસ્ટ કાર્ડ ફૂલ્યાંફાલ્યાં. સરકાર ગમે તે હોય, એની એક ટેવ કાયમની હોય છે : ઘોડા ભાગી જાય પછી ઘોડારને તાળાં મારવાનો દેખાવ કરવો. પણ કયું પોસ્ટ કાર્ડ જાહેર ખબરનું એ નક્કી કોણ કરે, કેવી રીતે કરે. એટલે જાહેર કર્યું કે છાપેલા પોસ્ટ કાર્ડ પર કવરના જેટલી જ ટિકિટ ચોડવી પડશે. પહેલાં રિપ્લાય પોસ્ટ કાર્ડ પણ આવતાં. આજે ય કદાચ આવતાં હોય. પણ હવે તો પોસ્ટ કાર્ડ, કવર, ટપાલ ટિકિટ લેવા પોસ્ટ ઓફિસ જાય છે જ કોણ? એ બધાની જરૂર જ ક્યાં પડે છે? પહેલાં ‘તાર-ટપાલ’ એમ સાથે બોલાતું. એમાંથી ‘તાર’ તો હાર માનીને ભાગ્યો. હવે જતે દહાડે સરકાર ટપાલ સેવા બંધ કરી દે કે તેનું ‘મોનિટાઈઝેશન’ કરી નાખે તો નવાઈ નહિ. 

અને ત્યારે બધા ટપાલીઓ સમૂહગાનમાં કવિ નર્મદની જેમ ગાશે :

નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક.
યથાશક્તિ ખતપાન કરાવ્યું, ડિલીવરી કીધી બનતી. 
જગત નીમ છે જનમ મરણનો, દૃઢ રહેજો હિંમતથી.
મને વિસારી નેટ સમરજો, સુખી થાશો એ લતથી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 27 નવેમ્બર 2021

Loading

ચૂંટણી ન હોય તો રાજકારણીઓ લોકો પર થૂંકે પણ નહીં –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 November 2021

ઓર્ગેનિઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ – ‘ઓપેક’ તરીકે ઓળખાય છે. આ ઓપેક પેટ્રોલ ઉત્પાદન કરતાં દેશોનો સમૂહ છે ને તે ક્રૂડના ભાવો મરજી મુજબ વધારે-ઘટાડે છે. અત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેટ્રોલના ભાવ આસમાને છે. એક તરફ વૈશ્વિક સ્તરે આર્થિક વ્યવસ્થાઓને ઠેકાણે લાવવા વિશ્વના દેશો મથી રહ્યા હોય, ત્યારે ઓપેક મનમાની રીતે ભાવો વધાર્યા જ કરે તો ઘણાં દેશોને તે ન પરવડે એ સ્વાભાવિક છે, એટલે અમેરિકાએ ઓપેકને ઓઇલનું ઉત્પાદન વધારવાનું સૂચન કર્યું, જેથી ભાવો કાબૂમાં રહે, પણ ઓપેકને તે માફક ન આવ્યું અને તેણે પોતાની રીતે જ વર્તવાનું ચાલુ રાખતા અમેરિકા, ભારત, ચીન, જાપાન સહિતના દેશોએ ઓઇલનો રિઝર્વ જથ્થો બજારમાં મૂકવાનું નક્કી કર્યું. આમ થાય તો જ  આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલનો ઉપાડ ઘટે અને ઓપેકને ઓઇલનું ઉત્પાદન વધારવાની અને ભાવો નિયંત્રિત કરવાની ફરજ પડે. એ રીતે અમેરિકાએ 5 કરોડ બેરલનો રિઝર્વ જથ્થો કાઢવાની વાત કરી છે ને એ દિશામાં ભારતે પણ તેનાં 3.7 કરોડ રિઝર્વ બેરલમાંથી 50 લાખ બેરલ બજારમાં મૂકવાનું નક્કી કર્યું છે. આમ થતાં વૈશ્વિક સ્તરે તો બહુ ફેર કદાચ નહીં પડે ને ભાવ તો ઘટતા ઘટશે, પણ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધે તો દેશમાં પેટ્રોલ મોંઘું કરવાનું જરા પણ પોષાય એમ નથી. રિઝર્વ જથ્થો બજારમાં મૂકીને સરકાર કમ સે કમ  દેશમાં ભાવ કાબૂ કરવા મથે છે ને ત્રણેક રૂપિયાનો ભાવમાં ઘટાડો થાય એમ પણ બને, પણ એવું જરા પણ માનવાની જરૂર નથી કે લોકોને મોંઘવારીમાં રાહત આપવા સરકાર રિઝર્વ જથ્થો બહાર કાઢી રહી છે. એમાં જીવદયા સિવાય જ બધું છે.

અત્યારે તો વૈશ્વિક સ્તરે ક્રૂડનો ભાવ બેરલના 85 ડોલરની આસપાસ ચાલે છે, પણ એપ્રિલ-મે, 2020માં લોકડાઉનની સ્થિતિ હતી ત્યારે ઓઇલનો વપરાશ જ એટલો ઘટી ગયો હતો કે ઓઇલ, બેરલના 19 ડોલર સુધી નીચે આવી ગયું હતું. ભારતે ત્યારે લગભગ 17 મિલિયન બેરલ ઓઇલ ખરીદ્યું હતું. ભારતને ઓઇલ સસ્તું મળ્યું હતું, પણ ઓઇલ સસ્તું આપવાને બદલે, વર્ષ દરમિયાન ભાવ વધારતા જઈને સરકારે દેશ ભરમાં પેટ્રોલ, લિટરના 100ની પણ ઉપર પહોંચાડી દીધું હતું. એમ કહેવાય છે કે એ વધારો, રસી મફત અપાતી હતી તે ખર્ચ સરભર કરવા થયો હતો. એ માની લઇએ, પણ એવો ખુલાસો જાહેરમાં કરતાં સરકારને કોણ રોકતું હતું? એવું જાહેર કર્યું હોત તો પ્રજાએ ખુશી ખુશી એ વધારો સ્વીકાર્યો હોત ને પોતાનું શોષણ થઈ રહ્યું છે એવા ભાવમાંથી પ્રજા ઊગરી ગઈ હોત.

આ ભાવ વધારાની માઠી અસર એ પડી કે દેશમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભા.જ.પ.નું તળિયું દેખાઈ ગયું ને સરકાર સમજી ગઈ કે વધતા ભાવોથી પ્રજા નારાજ છે ને તેણે રાતોરાત ડ્યૂટી ને વેરો ઘટાડી દઈને ઓઇલ 100ની નીચે લાવવાની કોશિશ કરી. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓપેક ભાવ વધારે તો ભારતે પણ ભાવ વધારવા જ પડે ને ભાવ વધે તો પ્રજા નારાજ થાય એ સ્થિતિ છે. આ વર્ષે દિવાળી સુધી તો પ્રજા ઓઇલને મામલે નારાજ થતી જ રહી, પણ સરકારે પૂરી બેશરમીથી ઓઇલના ભાવ વધાર્યા જ ! પણ, હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધે તો પણ સરકાર ઓઇલ મોંઘું કરી શકે એમ નથી, કારણ, 2022માં ઉત્તર પ્રદેશ, ગુજરાત અને અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ને ભાવ વધારીને સરકાર પ્રજાને નારાજ કરી શકે એમ નથી. ભાવ વધારાનું પરિણામ ભા.જ.પે. પેટા ચૂંટણીમાં જોઈ લીધું છે. આથી વધુ ઝેરનાં પારખાં કરવા સરકાર તૈયાર ન જ હોય એ સમજી શકાય એમ છે.

એ જ કારણ છે કે સરકારે ત્રણ કૃષિકાનૂનો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. એમાં એને ખેડૂતનું બહુ લાગી આવ્યું છે એવું નથી જ, પણ ખેડૂતો નારાજ રહે તો તેમના મત ગુમાવવાના થાય ને સ્થિતિ કદી ભા.જ.પ.ની તરફેણમાં ન જ આવે તે સરકાર જાણે છે. એટલે જ તો 5 કિલો અનાજ મફત આપવાની યોજના પણ લંબાવવામાં આવી છે. રાજકીય પક્ષો જાણે છે કે પ્રજા નાના નાના લાભોથી રાજી થઈ જાય છે. તેને થોડો લાભ આપીને વર્ષો સુધી હેરાન કરો તો પણ બહુ વાંધો આવતો નથી, પણ ચૂંટણી નજીક હોય ત્યારે એને હથેળી પર રખાય તો તે મત ખડકી દે છે. એટલે દેવા માફી કે મફત અનાજ, પ્રજાને આપવાની વાતો ચાલે છે ને પ્રજા એમાં ભોળવાય છે એવું પક્ષોને લાગે છે, થોડી ભોળવાય પણ છે, પણ પ્રજાની કોઠાસૂઝ પરિણામ લાવે  છે ને તે મોટે ભાગે તો પ્રજાના સ્પષ્ટ અવાજનો પડઘો જ છે તે સ્વીકારવું પડશે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે પ્રજાનો મિજાજ પારખી ગયેલી સરકાર ખરેખર તો ભયભીત છે એટલે ખાતર પર દિવેલની જેમ થઈ શકે એટલી લીપાપોતીમાં તે લાગી છે. અત્યારે ને આમ પણ, રાજકારણમાં અખાડા ને દેખાડા આમ વાત છે. એનો તાજો દાખલો સૂરતે ભા.જ.પ.ના કાર્યકરો માટે યોજેલા સ્નેહમિલન કાર્યક્રમે પૂરો પાડ્યો છે. એ સાચું કે ભા.જ.પ. પ્રદેશપ્રમુખ ઊંચી લીડે જીતવા અને ભા.જ.પ.ને સક્ષમ બનાવવા અને બતાવવા માટે જાણીતા છે ને એ એમની જ મહેનતનું પરિણામ છે કે મુખ્ય મંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ એમને મન મૂકીને બિરદાવ્યા છે. એ જ ભરોસે ગુજરાતનાં મુખ્ય મંત્રીએ આગામી ચૂંટણીમાં ભા.જ.પે. 182 સીટ પર જીતવું જોઈએ એવી જાહેરાત પણ કરી છે. એમ થાય તો આશ્ચર્ય નહીં થાય.

આમ પણ ભીડ કરવાનો ભા.જ.પ.નો સ્વભાવ છે. આ ભીડ થઈ નથી જતી, તે કરવામાં આવે છે જેથી મોવડી મંડળને લાગે કે લોકો તેમના પક્ષે છે. એવું ખરેખર હોય તો આનંદની વાત છે, પણ આ ભીડ ચૂંટણીમાં મત અપાવે જ એવું ચોક્કસપણે કહી શકાય નહીં. દૂર ન જવું હોય તો પશ્ચિમ બંગાળનો દાખલો યાદ કરી લેવા જેવો છે. વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ ભીડવાળી ઘણી સભાઓ સંબોધી પણ, પરિણામમાં ભીડ અનુભવાઈ નહીં. સૂરતમાં સ્નેહમિલન કાર્યક્રમમાં ભીડ થઈ ને તે ભા.જ.પ. તરફના લોકોના પ્રેમનું પરિણામ છે એવું પણ રાજ્ય ગૃહ મંત્રીએ ગાઈ બજાવીને કહ્યું. એવું હોય તો એનો આનંદ જ હોય, વળી આ ભા.જ.પ.ના કાર્યકરોનું સ્નેહમિલન હતું એટલે સ્વાભાવિકપણે જ ભીડ થાય એ પણ સમજી શકાય, તો સવાલ એ આવે કે કાર્યકરોને બે લિટર પેટ્રોલની અને ભોજનની કૂપનો કેમ આપવી પડી? કેમ, બસો દોડાવવી પડી? ભા.જ.પ.ને જ એના કાર્યકરો પર ભરોસો ન હતો, શું? જો કાર્યકરોને લાલચ આપવી પડતી હોય તો સાધારણ મતદાર એમ જ ભીડ કરે એમ માની લેવામાં ભોળપણ છે.

પ્રજા એ પણ જુએ છે કે શાસકો પોતાનો કાર્યક્રમ પાર પાડવા બીજા માટે ઘણી મુશ્કેલીઓ સર્જી શકે છે. જેમ કે, સ્નેહમિલન કાર્યક્રમમાં ટ્રાફિક લાંબો સમય સુધી રોકી રાખવો પડ્યો, કોર્પોરેશને વેક્સિનેશનનું સર્ટિફિકેટ ન હતું એવા નવેક હજાર મુસાફરોને બસમાં મુસાફરી ન કરવા દીધી ને બીજી તરફ સ્નેહમિલન કાર્યક્રમમાં એવી કોઈ ચકાસણીની જરૂર સત્તાધીશોને ન જણાઈ. લગ્નમાં આજે પણ 400ની લિમિટ નક્કી છે, એ લિમિટ રાજકારણીઓને ને એમના કાર્યકરોને નડતી નથી ને આ એકાદ દાખલા પૂરતો અપવાદ નથી. રાજકારણીઓના કોઈ પણ કાર્યક્રમોને કોવિડ 19ની કોઈ ગાઈડલાઇન ક્યારે ય નડી નથી. આમ પણ રાજકારણીઓને કોરોના બહુ નડ્યો જ નથી એટલે એમને છૂટછાટ હશે, પણ સાધારણ માણસોને કોરોના અને નિયમો નડ્યા જ નથી એમ કહી શકાશે નહીં. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવા વડા પ્રધાને ગ્રેટર નોઇડા નજીક જેવર એરપોર્ટનો શિલાન્યાસ કર્યો ત્યારે પણ હજારોની ભીડ તો ભેગી થઈ જ, એટલે નીતિનિયમો સાધારણ માણસો માટે જ છે એ વાત માનીને જ પ્રજાએ ચાલવાનું રહે છે.

એટલું સારું છે કે ચૂંટણીઓ છે તો સરકારને અને પક્ષોને લોકો યાદ આવે છે. તેમાં જો ચૂંટણી નજીક હોય તો વધારે યાદ આવે છે ને નેતાઓ લાલચો ફેંકીને મત સમેટવાના પ્રયત્નો કરતા રહે છે. મત માટે કરવાં જેવાં ને ન કરવાં જેવાં કામો થતાં રહે છે, તેમાં હેતુ કોઈ પણ ભોગે ચૂંટણીમાં વિજય મેળવવાનો હોય છે. આ જીત જનતા જ અપાવી શકે છે. સારું છે કે જનતા પાસે મતનું સાધન છે, નહીં તો કોઈ રાજકારણી મદદ માટે તો શું, જનતા પર થૂંકવા પણ તૈયાર થાય કે?

આડે દિવસે થૂંકવાય રાજી નહીં, એવા રાજકીય પક્ષોને એમ લાગે કે જનતા નારાજ છે તો તે પેટ્રોલના ભાવ ઘટાડી દેશે, એરપોર્ટનો શિલાન્યાસ કરી આપશે, મફત અનાજ આપશે ને એવું તો ઘણું ઘણું કરશે ને જેવી સત્તા હાંસલ થશે કે જે ખરચ્યું તે પાવડે પાવડે કઈ રીતે વસૂલ કરવું એની ગણતરીમાં લાગી જશે. એની સામે પ્રજા પણ ઓછી નથી. તેની સૌથી મોટી નબળાઈ એ છે કે તે નાના નાના લાભોથી રાજી થઈ જાય છે. એ સ્થિતિમાં તેને સરકાર પણ નબળી અને લોભી મળે તેમાં નવાઈ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 નવેમ્બર 2021

Loading

રતન ટાટાની સખાવત

આશા બૂચ|Gandhiana|26 November 2021

ઇતિહાસના પાને કોઈ એક દેશના વતનીઓ વિદેશે વસતા હોય તેઓ સ્વદેશમાં ચાલતી ચળવળો કે લડતોને આર્થિક તેમ જ નૈતિક સહાય અને ટેકો આપતા રહેતા હોય છે તેમ નોંધાયું છે. અમેરિકા અને અન્ય દેશોમાં વસતા જુઇશ લોકોની ઈઝરાયેલને અપાતી સહાય તેમ જ આયર્લેન્ડના વતનીઓને વિદેશે વસતા આઈરીશ લોકોની કુમક સર્વ વિદિત છે. તાજેતરમાં ભારતમાં થયેલ કિસાન ચળવળને વિદેશી સહાય મળી છે. પરંતુ મૂળ દેશમાં રહેતા વતનીઓ વિદેશે વસતા પોતાના દેશબાંધવોને તેમની માનવ હક્ક માટેની લડાઈ અને તે પણ એક અવનવી ઢબની અહિંસક લડાઈમાં તન, મન, ધનથી સહાય કરવા તત્પર થયા હોય તેવા જૂજ ઉદાહરણો છે. એવું એક અદ્વિતીય ઉદાહરણ આજે અહીં પ્રસ્તુત છે.

રેવરન્ડ નાગસે લંડન પીસ પેગોડા સ્થિત બૌદ્ધ સાધુ છે, જેઓ ગાંધી ફાઉન્ડેશનના હિતેચ્છુ છે અને તેના કાર્યક્રમોમાં સક્રિય હાજરી આપતા રહે છે. તેમણે ગાંધી ફાઉન્ડેશનના ત્રૈમાસિક ‘ગાંધી વે’માં  રતન ટાટાએ ગાંધીજીને લખેલ પત્ર આપ્યો તે પ્રકાશિત થયો, જેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.

એ પત્રના અનુસંધાને બીજી હકીકત જાણવી રસપ્રદ બની રહેશે :  

1905માં રતન ટાટાએ ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા સ્થપાયેલ ‘સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા’ને માતબર રકમનું દાન કરેલું. તેના સ્વયંસેવક સભ્યોએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી અને ભારતની પ્રજાના સામાજિક, આર્થિક અને રાજકીય કલ્યાણ હેતુ કામ કરવા જીવન સમર્પિત કરેલું જેને રતન ટાટાએ દસ વર્ષ સુધી ટેકો આપેલો જેનો કુલ સરવાળો 1,11,000 રૂપિયા થયેલ.

ગાંધીજીએ ટ્રાન્સવાલ-દક્ષિણ આફ્રિકામાં શરૂ કરેલી અસહકારની ચળવળમાં પણ રતન ટાટાએ ખાસ્સી રકમનું અનુદાન કર્યું, તે તેમની ઉમદા હેતુ સર થતા કાર્યોમાં આર્થિક સહાય આપવાની નૈતિક નેતાગીરીનું ઉદાહરણ પૂરું પડે છે. ગોખલેની ટ્રાન્સવાલની મુલાકાત બાદ રતન ટાટાએ પહેલું રૂ. 25,000નું દાન કર્યું. અને ત્યાર બાદ બીજા બે એટલી જ રકમના ચેક મોકલ્યા. નીચે આપેલ રતન ટાટાએ લખેલ ગાંધીજી ઉપરના જોશીલા અને ચેતનવંતા પાત્ર ઉપરથી ગાંધીજીનાં કાર્યના મૂલ્ય અને રતન ટાટાની ઉદાર સખાવતની ઝાંખી થાય.

− આશા બૂચ

યોર્ક હાઉસ,

ટ્વિકનહામ

18 નવેમ્બર 1910

પ્રિય મિસ્ટર ગાંધી,

હું ટ્રાન્સવાલમાં ભારતીય પ્રજાની પોતાના અધિકારોની સુરક્ષા માટેની લડત માટે રૂ. 25,000નો બીજી વખત ફાળો આપવા ઇચ્છું છું.

ગયે વર્ષે આ સમયે મેં આટલી જ રકમ સહર્ષ આપેલી અને ત્યારે બાદ અસમાનતા વિરુદ્ધની આ ચળવળમાં થતા ભારે ખર્ચને પહોંચી વળવા ભારતના અલગ અલગ વિભાગોમાંથી લગભગ લાખ રૂપિયાનું અનુદાન આપણા દેશવાસીઓએ કરેલ છે. આ રકમ મોકલવા બાબતનો સંતોષ છે, પરંતુ એ પૂરતી નથી. ખરેખર હું જ્યારે આ સમસ્યાની મહત્તાનો વિચાર કરું છું, અને ટ્રાન્સવાલમાં રહેતા આપણા મુઠ્ઠીભર દેશવાસીઓ જે અદ્દભુત તાકાતથી આપણી માતૃભૂમિના સન્માન ખાતર લડ્યા અને હજુ લડી રહ્યા છે; ત્યારે મારી એ કહેવાની ફરજ બની રહે છે કે પોતાનાં સપૂતો અને પુત્રીઓએ દૂર દેશમાં રહીને સત્ય માટે જે વીરતાથી સંઘર્ષ કર્યો છે, તે માટે ભારતીય જનતાએ જે ટેકો આપ્યો છે તે પૂરતો નથી.

હું કહી શકું કે વર્તમાન સમયમાં માત્ર સ્વહિત ખાતર નહીં, પરંતુ સમસ્ત દુનિયામાં વસતા ભારતીય લોકોના માન અને સુખાકારી માટેની મોટા ભાગની જવાબદારી અમારે શિરે છે. અમારે એ સમસ્યાઓથી વાકેફ થવું જોઈએ અને જે મહાન બલિદાનો અપાયાં છે અને દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય લોકોએ સ્વેચ્છએ જે યાતનાઓ સહન કરી છે, તે આપણી નિષ્ક્રિયતા અને અવગણનાને કારણે એળે ન જાય એની ખાતરી રાખવી જોઈએ. ભારતમાં રહેનાર આપણે ભૂલવું ન જોઈએ કે ટ્રાન્સવાલમાં આપણા સાથીઓએ આપણા દેશની ગરિમા જાળવવા ઘણી કઠણાઈઓ સહી અને ઘણા ત્યાગ કર્યા છે અને અલબત્ત તમારો જુસ્સો અને હિંમત અડગ રહ્યા છે, પણ તમારી પાસેના સાધનો હવે આ લાંબી લડતમાં ઘટવા લાગ્યા હશે. આથી મને લાગે છે કે તમને જો વધુ સહાય ન મળે તો આ લડતને લાંબો વખત ટકાવી નહીં શકાય. જો ભારતીય પ્રજાની મૂલવણી અને ટેકાના અભાવે આ લડત માંડી વાળવી પડે તો મને ભય છે કે આપણી શ્વેત જાતિથી ઉતરતા હોવા પણાની  સ્વીકૃતિની સમકક્ષ એ પગલું ગણાશે. તેના પરિણામ સ્વરૂપ દુનિયામાં જુદી જુદી જગ્યાએ વસતા આપણા દેશબાંધવો સાથે શ્વેત પ્રજા દ્વારા કેવો વ્યવહાર કરવામાં આવશે તેનું સહેલાઈથી અનુમાન લગાવી શકાય તેવું છે.

મને ભરોસો છે કે બ્રિટનની આમ પ્રજાને આપણી પ્રજા ઉપર ગુજારવામાં આવતા અન્યાય વિષે જો માહિતી હોય તો તેઓ એને નૈતિક ટેકો ન આપે, અને તેથી જ આપણે માત્ર ભારતની જ નહીં પરંતુ ઇંગ્લેન્ડની પણ સામાન્ય જનતામાં આપણા લોકો પર કેવો જુલ્મ વર્તવામાં આવે છે એ વિષે જાગૃતિ લાવવાની કોશિષ કરવી જોઈએ.

દક્ષિણ આફ્રિકાની નવી સરકારનું પ્રથમ કાર્ય આ ગૂંચવાડા ભરેલી સમસ્યાનો સંતોષકારક ઉકેલ લાવવાનું હશે કે જે બધાનું માન  જાળવનાર અને આપણા બ્રિટિશ રાજના નાગરિકો તરીકેના દરજ્જાને સુસંગત હશે તેવી મારી હૃદયપૂર્વકની આશા છે.

જો કે માત્ર આશા સેવવી તે જ પૂરતું નથી. એ પણ દર્શાવવું જોઈએ કે આપણે કૃતનિશ્ચયી છીએ. આથી મને લાગે છે કે આ તબક્કે ભારતમાં રહેતા અમે સહુએ પોતાની સત્તાના દાયરામાં હોય તે તમામ કરી છૂટવું તે અમારી ચોખ્ખી ફરજ છે. આ અત્યંત મહત્ત્વની ચળવળમાં જોડાયેલા લોકોને ભારતમાં વસતા તેમના દેશબાંધવોનો આવશ્યક દ્રવ્યના રૂપમાં અને નૈતિક બળ ટકાવવાના અર્થમાં ઉત્સાહપૂર્ણ અને સમર્થ ટેકો મળતો રહેશે, તેવો વિશ્વાસ આપવો જરૂરી છે. જો આપને તથા આપના સાથી કાર્યકરોને થોડે ઘણે અંશે પણ આ લાગણી પ્રેરવામાં મદદરૂપ થશે તો આ સાથે બિડેલો મારો ચેક મોકલવાનો મારો મકસદ સાર્થક થશે.

આપનો અંતઃકરણપૂર્વક 

રતન ટાટા 

Loading

...102030...1,8031,8041,8051,806...1,8101,8201,830...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved