Opinion Magazine
Number of visits: 10,225,764
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|17 January 2022

(૧૦) વ્યાખ્યાન ઍક્ટિન્ગ નથી, પરફૉર્મન્સ છે

= = = વર્ગવ્યાખ્યાનોના અને અન્ય વ્યાખ્યાનોના મારા આજ સુધીના સુ-દીર્ઘ અનુભવનો એક સાર એ છે કે વ્યાખ્યાન રજૂઆત જરૂર છે, પરફોર્મન્સ, પણ એ ઍક્ટિન્ગ નથી. = = =

કોઈ કોઈ અધ્યાપકો સાભિનય વ્યાખ્યાન કરતા હોય છે. હાથ ઊંચા-નીચા કે લાંબા-ટૂંકા કરે. નયન આમતેમ ફેરવતા રહે. મુખમુદ્રાઓ બદલ્યા કરે. અહીંથી તહીં આવ-જા કરે. શક્ય બધું આંગિકમ્ કરે. એને એમ હોય કે – અભિનયથી વ્યાખ્યાન અને હું છવાઇ જઇશું.

નાટકના ‘ખાં’ ગણાઇ ગયેલા એક અધ્યાપકનો સાંભળેલો પણ સાચમાચનો એક કિસ્સો કહું :

કહેનારે કહ્યું મને : એક અધ્યાપક, હમેશાં નાટ્યાત્મક વ્યાખ્યાન કરે છે; કહે, દાખલો આપું, નવલકથામાં આવેલા વર્ણનને એમની સ્ટાઇલમાં સાંભળો; કહે :

અધ્યાપક આસ્તેથી બોલે છે : રૂમનાંઆં … બારણાંઆં … ખૂલ્યાંયાં (અધ્યાપક સાઇડમાં જઈને બારણાં ખોલવાનું માઇમ કરે છે). પ્રિયતમે પ્રિયાને પલંગમાં સૂતેલી જોઈ (અધ્યાપક લયપૂર્વકના હસ્તાભિનયથી ‘સૂતેલી’ દર્શાવે છે). પછી હળવેકથી ઢંઢોળી (અધ્યાપક હળવેકથી ઢંઢોળવાની ચેષ્ટા કરે છે). પ્રિયતમ નમ્રતાથી બોલ્યો – વ્હાલી કુંજુઉઉ …! (ખરેખર તો અધ્યાપક બોલેલા) … જો, મારે તારા જીવનમાં પાછા ફરવું છે … આટલી વખત મને માફ કરી દે … સદા કાળ તારો જ રહીશ … એમ કહી પ્રિયતમે એને બાહુપાશમાં લીધી. (અધ્યાપક બાહુ ફેલાવીને હવામાં બાથ ભીડી બતાવે છે. અને, લાઇક ધૅટ લાઇક ધૅટ કરતા, ફટાફટ, હતા એવા થઈ જાય છે). તાજ્જુબ થઈ વર્ગ એમને જોતો રહી જાય છે.

આ ઉદાહરણમાં મને લાગેલું કે કહેનારે અતિશયોક્તિ કરી છે, પણ વાત પાછળનો કટાક્ષ હું પકડી શકેલો.

વર્ગવ્યાખ્યાનોના અને અન્ય વ્યાખ્યાનોના મારા આજ સુધીના સુ-દીર્ઘ અનુભવનો એક સાર એ છે કે વ્યાખ્યાન રજૂઆત જરૂર છે, પરફોર્મન્સ, પણ એ ઍક્ટિન્ગ નથી.

મેં વ્યાખ્યાનને સર્જકતા સાથે જોડવાની વાત કરેલી. એ સર્જકતાનો શુભારમ્ભ અધ્યાપકના અવાજથી થાય છે. એણે અવાજનું મૉનિટરિન્ગ આવડવું જોઈએ. જરૂર પડ્યે સૉફ્ટ કે હાર્ડ; ફાસ્ટ કે સ્લો.

બીજું, પરફૉર્મન્સને વાગ્મિતાનો હમેશાં ખપ પડે છે. અલબત્ત, વ્યાખ્યાતાએ વાગ્મી નથી થઈ જવાનું પણ વાણીનો ઉચિત માત્રામાં વિનિયોગ કરવાનો છે : એક્કી શ્વાસે ન બોલવું. યતિ, વિરામ – અંગ્રેજીમાં જેને ‘પૉઝ’ કહે છે – એ લેવા. જરૂર હોય ત્યાં પ્રવાહી થઈ જવું : સૂર – ટોન – જાળવવો. કાકુ, સ્વરભાર, હ્રસ્વત્વ-દીર્ઘત્વ કે આરોહ-અવરોહ પણ જાળવવાં.

લખવામાં, અલ્પ અર્ધ પૂર્ણ અને ગુરુ વગેરે વિરામચિહ્નો છે. આજ્ઞાર્થ છે. પ્રશ્નાર્થચિહ્ન છે. ઉદ્ગારવાચક છે. આ બધાં વાણીનાં રૂપો છે. લખીએ ત્યારે તેમ જ બોલીએ ત્યારે પણ એ પ્રગટ થવાં જોઈએ. એટલે તો, સારા લેખકના લેખનમાં જેમ એનો અવાજ 'સંભળાતો' હોય છે તેમ સારા વક્તાની વાણીમાં એનું લેખન ‘દેખાતું’ હોય છે.

સાહિત્યકલા ભાવો અને તદનુસારી અર્થોની સૃષ્ટિ છે. સાહિત્યના અધ્યાપકો પોતાની સર્જક વાણી વડે ભાવોનું ‘અર્થપૂર્ણ દર્શન’ કરાવે અને અર્થોનું ‘ભાવપૂર્ણ શ્રવણ’ કરાવે એ બહુ જરૂરી છે.

વાણીના વિનિયોગને વિશેની ઉચિત સભાનતાથી અભિવ્યક્તિ વધારે સુન્દર બને અને એથી શ્રોતાને વક્તા સાથે જોડાયેલા રહેવાની મજા આવે. સારા વક્તાઓને એ ખાસ આવડતું હોય છે. શ્રોતાને જરા જેટલો ય ચસકવા ન દે.

જો કે અતિ સભાનતા નુક્સાન કરશે. અધ્યાપક ચાવળો લાગશો. આપણા એક વિદ્વાન વિવેચક બોલવામાં પણ હ્રસ્વત્વ-દીર્ઘત્વ અણીશુદ્ધ જાળવતા – પરિશુદ્ધ ! ‘કૂતરું’ બોલે તો ‘કૂઊ’ – એમ લાંબું સંભળાય. જોઈ શકાય કે ‘રું’-ના અનુસ્વાર વખતે એમના નાકનાં ફોરણાં કેટલે ઊંચે ચડી ગયાં.  આરોહ-અવરોહની ચડ-ઊતરથી પણ વક્તા ઘરેડિયો લાગે છે. ઉતાવળે બોલનારને સભા સાંભળવાનું બંધ કરી દે છે.

છેવટે તો ઔચિત્ય જ વ્યાખ્યાતાને અને વ્યાખ્યાનને બચાવી શકે. પરમ ઔચિત્ય એ છે કે વ્યાખ્યાનને અન્તે વ્યાખ્યાતાએ સભામાં કે પોતાના ઘરે થોડા સમય માટે મૌન ધારણ કરવું. મૌન પણ વાણીનું જ એક રૂપ છે.

વ્યાખ્યાનના અનેક પ્રકારો છે. પોતે અધ્યાપક હોય એ નાતે દરેક જગ્યાએ એ-ની-એ સ્ટાઇલમાં લૅક્ચરબાજી કરે તે ન ચાલે. આવકાર-પ્રવચન, વક્તા-પરિચય, અવૉર્ડીની નવાજેશના ફન્કશનમાં પ્રશંસા-વચન, શોકાંજલિ કે આભારદર્શન જેવાં સાવ સામાન્ય વક્તવ્યોને પણ સુન્દર રૂપ આપી શકાય છે. જો કે સવિશેષે તો એ વક્તાની વૈયક્તિક સર્જકતાના પ્રતાપે થવાનું.

પણ, શું ન કરવું કે અનિવાર્યપણે શું કરવું એ કહું :

આવકારમાં પોતાની સંસ્થાની જીવનકથા કહીને લાંબું સ્તુતિગાન ન કરવું. કહેવું તો એ યોગ્ય કહેવાય કે – અમે કાર્યક્રમ પાછળના સાહિત્યિક આશયને ચરિતાર્થ કરવા જોડાયા છીએ.

તાજેતરના એક સમારમ્ભમાં એક જાણીતા વાર્તાકાર-વક્તાનો પરિચય માત્રવિવેચક તરીકે અપાયો. એ તો જાણે બરાબર, પણ સમારમ્ભ તો ટૂંકીવાર્તાઓના પુસ્તક-લોકાર્પણના હતો ! જાણકારો જાણતા હતા કે એ વક્તા ૬ વાર્તાસંગ્રહોના વાર્તાકાર છે, નેશનલ અવૉર્ડી છે, ૨૫ વર્ષથી ટૂંકીવાર્તાને માટેની વર્કશૉપ્સ ચલાવે છે. ખરેખર તો, એ બધી વીગતોને પ્રસંગોચિત વીગતો કહેવાય. સભાને એની જરૂર હોય છે. વક્તાનો આડોતેડો નહીં પણ માત્ર પ્રસંગોચિત પરિચય યોગ્ય ગણાય.

ઍન્કર કે એ કામ કરતો અધ્યાપક ગોખી મારેલાં કવેતાઇ રસિકડાંથી વક્તા અને વિષયને જોડ્યા કરે એથી એ પોતે રસકડો જરૂર લાગે છે, પણ એટલે જ, સભા ધ્યાનસ્થ નથી થઈ શકતી. રાહ જોતી થઈ જાય છે – બીજું રસિકડું ક્યારે આવશે !

અવૉર્ડી કે દિવંગત સાહિત્યકારની સંસિદ્ધિઓના પણ ગુણાનુવાદ કરાય; ત્યારે એની ટીકા ન કરાય. શોકાંજલિસભામાં મૃતક સાથેના પોતાના ‘સબંધ’-ની વાતોનાં વડાં ન કરાય. ‘પોતાની અતિ વ્યસ્તતામાંથી કીમતી સમય કાઢીને પધાર્યા’ – જેવું મસ્કાછાપ આભારવચન ઘણું જ ચવાયેલું તો છે જ, પણ ફાલતુ ખુશામત સૂચવે છે.

Pic Courtesy : Newdesignfile.com

અભિવ્યક્તિ આટલી સુચિન્તિત હોય એટલે સંક્રમણ નામનું ફળ મળે જ મળે. તેમ છતાં, સંક્રમિત થનાર સહભાગી વિદ્યાર્થીઓની કે અન્ય શ્રોતાઓની પણ એ સફળતામાં એટલી જ જવાબદારી છે.

વર્ગમાં બેઠેલો પ્રત્યેક વિદ્યાર્થી સંક્રમણની ઇચ્છા અને ગરજથી ચિત્ત ધરી રહ્યો છે એમ માનવું વિશફૂલ થિન્કિન્ગ છે. ત્યાં વિદ્યાના અર્થીની સરખામણીએ પરીક્ષાના અર્થી વધારે હોય છે. સાહિત્યસભાઓમાં પણ જેને સહેતુક શ્રોતા કહેવાય એવા તો જૂજ મળે. કૉલેજોમાં જેને ગુરુનો 'અન્તેવાસી’ કહેવાય એવો તો કો’ક સદ્ભાગીને જ મળે. મોટા ભાગના ‘આગન્તુક' હોય છે. અધ્યાપક એવા મિક્સ્ડ્ લૉટને સમ્બોધતો હોય છે.

તેથી સંક્રમણ હમેશાં 'પર્ટિક્યુલર કેસ’ હોય છે. કોને થયું કોને ન થયું તેનાં કારણોની વિશિષ્ટ તપાસમાં ઊતરવું પડે છે.

અભિવ્યક્તિ બાબતે ‘ઇન જનરલ’ કહી શકાય છે એવું સંક્રમણ વિશે નથી કહી શકાતું.

તેમ છતાં, એટલું ચૉક્કસ કે વિદ્યાર્થીમાં સંક્રમિત થવાની દાનત હોય, વિદ્યાવૃત્તિ હોય, તો અધ્યાપક એને જરૂર સંભળાય, એ સાંભળતો રહે, ને એમ સંક્રમણ શરૂ થાય. પરન્તુ સંક્રમણ સમ્પન્ન થયું તો ત્યારે જ કહેવાશે જ્યારે અધ્યાપકની વાતો એને સમજાઇ હોય બલકે એની સંચિત સમજમાં ઘડીભર ઠરી હોય.

જો કે, શરૂ થઈને સમ્પન્ન થતાં સુધીમાં તો રીસેસ પડી જાય, છૂટવાનો બેલ પણ પડી જાય. આજના સરેરાશ વિદ્યાર્થીમાં જોડાવાની જિગર નથી એટલી છૂટવાની લ્હાય વધારે છે !

આ સઘળી આપણી કરુણ વાસ્તવિકતા છે ને તેનો મને તો હૃદયથી સ્વીકાર છે ને એટલે સ્તો આટલી નુક્તેચીની ! 

દીવાલો વિનાની યુનિવર્સિટીના આ વિષયમાં, લેખનકલા, વાચન અને ચર્ચા એ ત્રણ પરિમાણની વાત બાકી રહે છે. એ દરેક વિશે પણ મારે ઘણું કહેવું છે, માંડીને કહેવું છે. પણ એટલે જ, બાકી રાખું છું, કોઈ બીજા તબક્કે.

મધુર રસભરી કેરીને ચૂસતાં ચૂસતાં ગોટલા લગી તો ટૅસથી પ્હૉંચી જવાય, પણ પછી ગોટલાને અમુક હદથી વધારે નથી ચૂસી શકાતો, જતો કરવો પડે છે. સાહિત્યકલાની વાતનું પણ એવું છે. મીન્સ, બીજા સુ-અવસરની રાહ જોવી રહે છે.

= = =

(January 17, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

વૈશ્વિક સ્તરે સર્વોદયની હાજરી

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|17 January 2022

‘સર્વોદય’ શબ્દ, ભલા, આવ્યો ક્યાંથી ?

વિકિપીડિયા અનુસાર, ‘સર્વોદય’ શબ્દ મહાત્મા ગાંધી દ્વારા પ્રયોજવામાં આવ્યો હતો. એનો અર્થ 'દરેકના જીવનની દરેક બાબતની સંપૂર્ણ પ્રગતિ થાય' તેવો છે. ગાંધીના મતે આદર્શ સમાજ કે આદર્શ રાજ્યનું અંતિમ ધ્યેય 'સર્વોદય' છે. જૉન રસ્કિનનું 'અન્‌ટુ ધિસ લાસ્ટ' પુસ્તક વાંચીને ગાંધીજીએ 'અંત્યોદય'નો ખ્યાલ આપ્યો હતો. આગળ જતાં અંત્યોદયને બદલે 'સર્વોદય' શબ્દ પ્રયોજાયો.

રસ્કિનના ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ને આધારે મો.ક. ગાંધીએ ‘સર્વોદય’ નામે નાની સરખી ચોપડી આપી છે. નવજીવન દ્વારા 1922માં તેની પહેલી આવૃત્તિ થઈ. એ પહેલાં ‘ઇન્ડિયન ઓપીનિયન’માં આ લખાણ લેવાયું હોય, તેમ બને. ચોપડીની પ્રસ્તાવનામાં, લેખક કહે છે : ‘પશ્ચિમ દેશમાં સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે વધારે માણસોનું(મૅજોરિટી)નું સુખ – તેઓનો ઉદય – એ વધારવાનું માણસનું કામ છે. સુખ એટલે માત્ર શારીરિક સુખ, પૈસાટકાનું સુખ, એવો અર્થ કરવામાં આવે છે. એવું સુખ મેળવવામાં નીતિના નિયમોનો ભંગ થાય તેની ખાસ દરકાર કરવામાં આવતી નથી. તેમ જ વધારે માણસોનું સુખ જાળવવું એવો હેતુ રાખ્યો છે, તેથી જો થોડાને દુ:ખ દઈને વધારેને સુખ અપાય તો તેમ કરવામાં હરકત છે એમ પશ્ચિમના લોકો માનતા નથી. એવું માનતા નથી તેનું પરિણામ આપણે પશ્ચિમના બધા મુલકોમાં જોઈએ છીએ.’

ઑગસ્ટ – ડિસેમ્બર 1860ના અરસામાં જ્હોન રસ્કિને ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ નામક નિબંધો ‘કૉર્નહિલ મેગેઝિન’માં પ્રકાશિત કર્યા. બધુ મળીને એ કુલ ચાર લેખો હતા. પ્રગટ થતા આ લેખો સામે તે દિવસોમાં વાચકોએ ભારે વિરોધ નોંધાવેલો. આમ જોવા જઈએ તો તે ભારે ઊહાપોહ હતો. પરંતુ રસ્કિને તે વિશે ધ્યાન આપ્યા વિના, મે 1862માં તેને પુસ્તકાકારે પ્રગટ કર્યું. ચિત્તરંજન વોરા સરીખા અભ્યાસી કહે છે તેમ રસ્કિને આ ભાતીગળ પુસ્તકમાં ‘અર્થશાસ્ત્ર સંબંધી એક જીવનકલાનો અભિગમ રજૂ’ કરેલો છે. સત્ય-અહિંસાના સર્વોત્તમ પૂજારી, મો.ક. ગાંધીનું ઘડતર કરવામાં આ પુસ્તકનું ભારે મોટું પ્રદાન છે.

છેવાડાની વાત સમજવા સારુ, જોન રસ્કિનકૃત ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ વાટે, બાઈબલનો સંદર્ભ પણ સમજવો જોઈશે. ઈસુ શિષ્યોને કહે છે કે ઈશ્વરનું રાજ્ય દ્રાક્ષની વાડીની વાર્તા માંહેના એક દ્રષ્ટાન્ત જેવું છે. અને આ ગ્રંથને ગુજરાતીમાં ઉતારનાર ચિત્તરંજન વોરા લખે છે, તેમ આ રસ્કિનકૃત ચોપડીના મથાળાનો ગુજરાતીમાં અર્થ પૂરેપૂરો રજૂ કરવો હોય તો લખવું જોઈએ કે ‘વેતનમાં ન્યાય પામવાનો હક્ક જેટલો પહેલાનો છે, તેટલો જ છેલ્લાનો પણ છે.’

‘હિંદ સ્વરાજ’ને ગાંધીનો મેનિફૅસ્ટો ગણાવતા જાણીતા વિચારક-લેખક-સંપાદક તેમ જ કર્મઠ કર્મશીલ કાન્તિભાઈ શાહે ‘હિંદ સ્વરાજ’ : એક અધ્યયન પુસ્તકમાં લખ્યું છે તે ધ્યાનાર્હ છે :

‘તેવામાં 1904માં એક મોટા સીમાચિહ્ન રૂપ ઘટના બની, જેણે ગાંધીના જીવનમાં ધરમૂળથી પલટો આણી દીધો. ગાંધીની વય ત્યારે 35 વરસની. એકાદ વરસથી એમણે ‘ઇન્ડિયન ઓપીનિયન’ નામનું સાપ્તાહિક શરૂ કરેલું. તે ડરબનથી નીકળતું. આ છાપાના કામ માટે ગાંધીને એક વાર જોહાનિસબર્ગથી ડરબન જવાનું થયું. ચોવીસ કલાકની ટેૃનની મુસાફરી હતી. એમના પરમ અંગ્રેજ મિત્ર મિ. હેન્‌રી પોલાક સ્ટેશને મૂકવા આવેલા. “આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય એવું છે. તે વાંચી જજો. તમને ગમશે.” − એમ કહી એક પુસ્તક એમણે ગાંધીના હાથમાં મૂક્યું.

‘ટેૃન ચાલી. ગાંધીએ પુસ્તક હાથમાં લીધું. એમના જ શબ્દોમાં : “આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. ટેૃન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. મેં પુસ્તકમાં સૂચવેલા વિચારો મૂકવાનો ઇરાદો કર્યો.”’

‘આત્મકથા’માં ગાંધીજીએ ‘રાયચંદભાઈ’ પ્રકરણના અંતે લખ્યું જ છે : ‘… મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવનસંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ – સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો.’

માર્ચ ૧૯૦૪માં જ્યારે ગાંધીએ રસ્કિનનું પુસ્તક 'અન્‌ટુ ધિસ લાસ્ટ' પુસ્તક વાંચ્યું, ત્યારે તેના વિશે એમણે પોતાની આત્મકથામાં લખ્યું છે : "આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો મેં ઇરાદો કર્યો.”

રસ્કિનના આ પુસ્તકમાંથી ગાંધીને નવા દર્શનની પ્રેરણા મળી. આ પુસ્તકના સારરૂપ સર્વોદયના મુખ્ય સિદ્ધાંતો એમણે આ મુજબ સમજાવ્યા છે :

સર્વની ભલાઈમાં આપણી ભલાઈ છે.

વકીલ અને વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ કેમ કે સ્વરોજગારી માટે દરેકને એકસરખો અધિકાર મળવો જોઈએ.

સાદું અને પરિશ્રમયુક્ત ખેડૂતનું જીવન જ સાચું જીવન છે.

સર્વોદયનો સિદ્ધાંત એવા વર્ગ, જાતિવિહીન અને શોષણવિહીન સમાજની સ્થાપના કરવા ચાહે છે કે જેમાં દરેક વ્યક્તિ અને સમૂહને, દરેકને પોતાનો સર્વાંગી વિકાસ કરવાનો મોકો મળે. અને એમાં પણ ગરીબોનું સ્થાન વિશેષ છે. ગાંધીએ લખ્યું છે કે મારા સ્વરાજ્યનું સ્વપ્ન એ ગરીબોનું સ્વરાજ્ય છે.

પ્રાધ્યાપક એમ.એલ. દાંતવાલા લખે છે, ‘ગાંધીજીએ ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ વાંચ્યા પછી અનુભવ્યું તે, એમણે લખ્યું : “આ પુસ્તકના આદર્શ મુજબ મારું જીવન બદલવાનો મેં નિશ્ચય કર્યો … જે થોડાં પુસ્તકો મેં વાંચ્યા છે તેને હું ઠીક પચાવી શક્યો છું, એમ કહી શકાય તેવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહેવાય.’ … (આત્મકથા, પાન 272) વળી અન્યત્ર એમણે કહ્યું છે : ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’ એ શબ્દોમાં જે આશય છે તેને હું વળગી રહું છું … ‘અન્‌ટુ ધિસ લાસ્ટ’માં કહેલા સિદ્ધાન્ત પાળવાનું ને તેનો અમલ કરવાનું ખાસ જરૂરી છે, એમ હું માનું છું. તે સિવાય માણસ જાતિ તેના બંધુતા અને સમાનતાનાં ધ્યેયને જીવનમાં ઉતારી શકે નહીં અને આગળ વધી શકે નહીં.”(‘હરિજન, 25 ઑગસ્ટ 1946, પાન 281)

બાઇબલમાં સંત મેથ્યુને નામ એક કંડીકા છે. તે સરસ છે. ચિત્તરંજનભાઈએ તેનું રોચક ગુજરાતી કર્યું છે :

‘ભલા માણસ, હું તને તો કંઈ અન્યાય કરતો નથી,
તેં શું મારી સાથે મહેનતાણાની એક પેની કબૂલી ન હતી ?
તો પછી જેટલું તારું થાય છે તેટલું લઈને તો તારે રસ્તે પડ.
હું તો જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપીશ …’

આમ અહીં છેવાડાના માણસની વાત આવી … ગાંધીએ તદાનુસાર પોતાનું જીવન બદલવાનું રાખ્યું. ‘ઇન્ડિયન ઑપીનિયન’ના સંચાલનમાં ય તેને દાખલ કર્યું. તે સમયે આ જબ્બર ક્રાન્તિકારી પગલું લેખાયું. ડરબન પાસેની ફિનિક્સ વસાહતમાં પણ તે પ્રકારના વિચારને આચરણમાં લાવવામાં આવ્યું. ‘ઇન્ડિયન ઑપીનિયન’માં કામ કરનાર દરેકને વળતર તરીકે એક સરખું વેતન આપવાનું દાખલ થયું. ફિનિક્સ વસાહતમાંના વસવાટીને ય તદાનુસાર વળતર ચૂકવાતું. અને આ પ્રયોગ લાંબા અરસા સુધી કાયમ રહ્યો. જ્હોનિસબર્ગ પાસેની તોસ્લસ્તોય વાડીમાં ય આ પ્રયોગ દાખલ કરાયો હતો.

ગાંધી 1914માં દક્ષિણ આફ્રિકા છોડીને 1915ના આરંભે હિંદ પાછા ફર્યા હતા. તે પછી લાંબા અરસા સુધી તેનું ચલણ ચાલુ હતું. પરંતુ, હવે કદાચ સાપ ગયા અને લિસોટા રહ્યા …

રસ્કિન દીધા છેવાડાના માણસને ધ્યાનમાં લેવાની વાત, કે પછી ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’-નો નાદ  ગજવનાર ટૉલ્સ્ટૉયની વાત કે વળી ગાંધીએ પ્રબોધેલા સર્વોદયની વાત જગતમાં, ભલા, કેટલે નભી હશે ? માર્ક્સવાદ તેમ જ સમાજવાદની અસર ચોમેર વર્તાવા લાગી તેમાં નીચલા સ્તરના સમાજને આવરી લેવાની વાત જરૂર છે, પણ તે બાબત સર્વોદય બનતી નથી. પશ્ચિમના કંઈકેટલા મુલકોમાં ‘કલ્યાણરાજ’ની કલમો રાજ કરતી ભાળીએ તેમાં ય આ સર્વોદય દેખા દેતો નથી. હા, છેવાડાના માણસની વાત નજર અંદાજ કરાઈ નથી, તેમ જરૂર વર્તાય.

આ પરિસ્થિતિ તપાસી લેવી રહી. પૂછીએ, જાણીએ કે અહીં ક્યાં ય સર્વોદયની ભાળ મળે છે કે ? તેની હાજરી વર્તાય છે કે ?

ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકે, ફિનિક્સ આશ્રમમાં, સર્વોદયની પ્રયોગભૂમિ સંવારવામાં હતા તે દિવસોમાં રશિયામાં લેનિન અને તેના સાથીદારો માર્ક્સ દીધા સામ્યવાદનો પરચમ લહેરાવવામાં વ્યસ્ત હતા. એમના એ આંદોલનમાં ગરીબ માણસની વાત કેન્દ્રસ્થ રહી. 1917માં ત્યાં સામ્યવાદ સ્થપાયો. ચોપાસ વિસ્તર્યો. તેમાં છેવાડાના માણસને જોડ્યો જરૂર હતો, પરંતુ તેમાં રસ્કિન, ગાંધી દીધા સર્વોદયની લગીરે ઝાંખી સુદ્ધાં નહોતી. આ સામ્યવાદના બીજાત્રીજા અવતાર ચીન સમેત કેટલેક ઠેકાણે જોવા મળ્યા છે. પરંતુ તેમાં હિંસાનું આચરણ જોડાયું. શાસકે શાસનને સારુ કોઈ પણ માર્ગ અપનાવવાના રાખ્યા છે. હવે તો રશિયામાં ય સામ્યવાદી શાસન નથી પણ તેના લિસોટા વર્તાય છે.

સામાન્ય માણસની વાતને લઈને પશ્ચિમ યુરોપમાં સમાજવાદની અસર વધવા માંડી, અને તેમના પ્રચાર અને પ્રભાવ હેઠળ ક્યાંક કલ્યાણરાજની ગોઠવણ પણ થઈ. સામાન્ય લોકોની સગવડ કેટલેક અંશે સચવાતી લાગે પણ આ આખું તંત્ર ખર્ચાળ બની બેઠું. વરસેવરસે શાસકો તેમાં કાપ મૂકતા ગયા છે. પરંતુ આમાં પણ ક્યાં ય સર્વોદયની હાજરી વર્તાઈ જાણી નથી.

જેમ સામ્યવાદ નિષ્ફળ રહ્યો છે તેમ મૂડીવાદ પણ નિષ્ફળ રહ્યો છે. ગાંધી દીધા હિંદ સ્વરાજને આધારે તેમ જ આ સર્વોદયના પ્રયોગને આ જગતે જોવો બાકી છે. કમભાગ્યે અત્યારે તો આ સઘળું આ વ્યવહારલક્ષી જગતને ચોક કલ્પનામંડિત રાજ્યવ્યવસ્થાથી વિશેષ કંઈ પણ હોય તેમ અનુભવાતું નથી.

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

હેરૉ, 26 જૂન 2021 – 21 જુલાઈ 2021

પ્રગટ : “કોડિયું” ‘સર્વોદય’ વિશેષાંક, જાન્યુઆરી 2022; પૃ.  345-347

Loading

અલગાવથી લગાવ ભણી

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|16 January 2022

પેલું કહે છે ને કે let us begin from beginning – બરાબર એમ જ હું પદગ્રહણ વક્તવ્યનો કંઈક ઉલ્લેખ કરી એના અનુસંધાનમાં થોડીએક દિલી વાતો પહાડ, સમુદ્ર અને રણ એમ ત્રિવિધ સાખે કરવા ઇચ્છું છું.

અંબાલાલ સાકરલાલ. ઉદ્યમી જણ. મહાસભાના અધિવેશનમાં સ્વાગતપ્રમુખ તો વળી પરિષદપ્રમુખ પણ ખરા. એ ગયા ત્યારે રામાનંદબાબુના ‘મૉડર્ન રિવ્યૂ’માં અંજલિનોંધમાં આવેલું કે In some respects he anticipated Gandhi. એમણે લખેલી એક વારતા સંભારું, અને એમ અંબાલાલના ‘અ’થી શરૂ કરું.

એ વારતા શાંતિદાસના જોડાની છે. મલયાનિલની ‘ગોવાલણી’ પ્રસિદ્ધ થઈ એનાયે આગલા દસકાની. ગામમાંથી પહેલો છોકરો દૂર, મોટા શહેરની કૉલેજમાં ભણવા ગયો. રજાઓમાં ઘરે આવ્યો, ત્યારે શહેરી છટાને શોભીતા ચમચમતા બૂટમાં આવ્યો. જેમણે બાપગોતરમાં શહેર (ને ઊંચું ભણતર) નહીં દીઠેલ એ છોકરાંવ સારુ એ બૂટ કેમ જાણે ઉપલી પાયરીની ઓળખ બની રહ્યા. પછી તો દર રજાએ શાંતિદાસ આવે ત્યારે દસવીસપચીસ એમ જોડાની જોડ વરદીથી લેતો આવે. હવે ચમચમતા જોડા તો ઠઠાડ્યા, પછી શું. ઇવનિંગ વૉક, ગામને ગોંદરે સ્તો. ત્યાં શું તો કહે કે ઊભો કરો ચાનો ગલ્લો. જુવાનિયાનો કામધંધો હવે શું, સિવાય કે ચમચમતા જોડા, ગોંદરે ગામગપાટા ને ચાનાં ઠીબરાં. જોડાના એકચક્રી સપાટાએ ગામના મોચીનો ધંધો ભાંગ્યો. વિનિમય પર ચાલતી ગામની અર્થવ્યવસ્થા અને પ્રથા આખી લથડી પડી … પછીની વાત છોડી દઈ એટલું જ કહું માત્ર કે ઔદ્યોગિક ક્રાંતિ અને એક સાંસ્થાનિક મુલકની વિષમ પરિસ્થિતિની એ દાસ્તાં છે.

સામે પલ્લે, એમ તો રા.વિ. પાઠકે – આપણા દ્વિરેફે સ્તો – મુકુન્દરાયની વારતા ક્યાં નથી લખી? શાન્તિદાસના કિસ્સામાં આપણે એક તરેહનો અલગાવ કે વિખૂટાપણું અગર alienation જોયું. અહીં મુકુન્દરાય કૉલેજિયન મિત્રોને લઈને ગામ આવે છે અને એને ગોઠતું નથી. વિધવા બહેન અને બુઢ્ઢા બાપને પણ એના વહેવારથી સોરવાતું નથી. મુકુન્દરાય અને મિત્રો પહેલી તકે પાછા ફરી જાય છે. પિતાના મુખમાં પાઠકસાહેબે વિમળશાહનો પ્રસંગ મૂક્યો છે. વડીલે બંધાવેલી વાવ પર દાપું ઉઘરાવી ખાતા છોકરાને જોયા પછી વિમળશાહ માતાજી પાસે સંતાનને બદલે પોતાનું નખ્ખોદ માગે છે.

પલટાતી વ્યવસ્થાએ અને પેઢીભેદે સરજાતા આ અલગાવનો ઉગાર શો. અંબાલાલ સાકરલાલ અને રા.વિ. પાઠકની વચ્ચે આપણા એકના એક રણજિતરામ સાંભરે છે. એમણે એક સરસ પાત્ર સજ્ર્યું છે, માસ્તર નંદનપ્રસાદ. નિરંજન ભગત રણજિતરામ ચંદ્રક વેળાએ એમનું ભાષણ તૈયાર કરતા હતા તે વખતે જે પણ હાથમાં આવે એને નંદનપ્રસાદની વારતા સંભળાવ્યા વિના છોડતા નહોતા એવી વાયકાનું, ભગતસાહેબ કને એમને જ સાધ્ય એવા અનવદ્ય પઠનથી લાભાન્વિત એવો હું જરૂર સમર્થન કરીશ. આ નંદનપ્રસાદના મોમાં રણજિતરામે એક શબ્દ મૂક્યો છે ennui – એન્યુઈ, ખરેખર ઉચ્ચાર જો કે ઑન્વી. પાંચેક દાયકા પર આપણે સૌ ‘અંબા રમવા આવ તો બતલાવું’ની તરજ પર સાર્ત્ર-કામૂ, સાર્ત્ર-કામૂ કરતા હતા, ત્યારે એન્યુઈ એ ખાસી પ્રચલિત સંજ્ઞા હતી. પણ થાકની, કંટાળાની, બલકે વિરતિની આ વાત એના પણ પાંચ દસકાપૂર્વે રણજિતરામ લઈ આવ્યા હતા.

આ જે વિરતિ અગર અલગાવ, એનું વારણ શું. નંદનપ્રસાદ નાનાવિધ પ્રવૃત્તિઓમાં પરોવાવાના વિકલ્પમાં એનું વારણ જુએ છે. ગુજરાતની વિકાસરેખાના સગડ પકડવા આપણે અંબાલાલ સાકરલાલથી પાછળ જઈએ ત્યાં દલપતરામ સાંભરે છે. ભોળાનાથ સારાભાઈએ, કેમ કે ફૉર્બ્સ કહેતાં ફાર્બસસાહેબને ગુજરાતી શીખવું હતું, દલપતરામને છેક વઢવાણથી તેડાવ્યા. દલપતરામ વઢવાણથી પગપાળા પહોંચ્યા. ફાર્બસ રેનેસાંનો વારસો લઈને આવ્યા હતા. દલપતરામને નવી દુનિયા અને નવા જ્ઞાનનો પરિચય એમના થકી – કહો કે એમણે વઢવાણથી અમદાવાદનું અંતર ગાઉમાં નહીં એટલું સૈકાઓમાં કાપ્યું હતું. ૧૮૪૧થી ૧૮૫૦નો એ આખો દસકો સુરતમાં દુર્ગારામ મહેતાજી અને માનવધર્મ સભાથી માંડી અમદાવાદમાં દલપત-ફાર્બસ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(ગુજરાત વિદ્યાસભા)એ રસકસવંતો છે. નવું જ્ઞાન ને ખૂલતી આવતી દુનિયામાં એવું કશુંક જરૂર હોઈ શકે છે, જેમાં પેલી વિરતિનો મોક્ષ થાય અને અલગાવને સ્થાને સારી સરખી સોબતે લગાવ પણ થતો આવે.

આ જ દસકો, ૧૮૪૧થી ૧૮૫૦નો, તમે જુઓ – પણે પશ્ચિમમાં માક્‌ર્સ અને એન્ગલ્સનો છે. ૧૮૪૪ની માક્‌ર્સની હસ્તપ્રતો (મળી તો એ જો કે મોડેથી, માકર્સવાદ ચિત્રમાં આવ્યો તે પછી) અલગાવની સમસ્યાથી પરિચાલિત હતી. અલગાવમાંથી લગાવ એ યુવા માક્‌ર્સની (એક અર્થમાં માક્‌ર્સવાદપૂર્વ માક્‌ર્સની) તહેદિલ ખોજ હતી. એક પા આ થિયરીની છટપટાહટ અને બીજી પા વાસ્તવદર્શનઃ એન્ગલ્સે લંડન સ્લમ્સમાં બસર થતી જિંદગીઓનો, ઘોલકાતાં જીવતરનો અભ્યાસ કરી જે મનઃસ્થિતિ તારવી હતી તે હતી unfeeling isolationની, લાગણીશૂન્ય એકલતાની. માક્‌ર્સ-એન્ગલ્સનું મળવું એક વૈચારિક ભૂમિકા અને વાસ્તવદર્શનનું મળવું હતું. વિચાર અને વાસ્તવ વચ્ચે સાર્થક આપલેની જે એક આખી સંઘર્ષગર્ભા એટલી જ સર્જનાત્મક પ્રક્રિયા છે, એમાં પણ તમે અલગાવનો ઉગાર જોઈ તો શકો.

અલગાવ અને લગાવનું આ દ્વંદ્વ ક્યાંથી ક્યાં લઈ જાય છે, આપણને? જયંત ખત્રીની વાર્તા ‘અમે બુદ્ધિમાનો’ યાદ આવે છે. સ્વાતંત્ર્યસંગ્રામનું વાતાવરણ છે, એટલે યુવાન હૈયાં અનુભવી શકે એવી લગાવગુંજાશ હાજરાહજૂર છે. પણ એ જે એક સામાજિક સંદર્ભ છે તેમ વૈયક્તિક પ્રશ્નો પણ છે, જેમ કે વયસહજ યૌનખેંચાણ. બુદ્ધિમાનો પૈકી એકની આત્મહત્યા વાચક સમક્ષ આવે છે, ત્યારે સમજાય છે કે અલગાવથી લગાવનું અંતર કાપવું જેટલું સુકર લાગે છે, એટલું સરળ નથી.

આ જે આરત અને અનુવસન, આ જે longing અને belonging – ઉમાશંકરે જે શબ્દ ક્યાંથી ક્યાં અને ક્યાં-ક્યાં લઈ ગયો એનું કવિકૌતુક કીધું છે, એનું સ્મરણ કરતે કરતે બીજા એક કચ્છીમાડુને સંભારવાની છૂટ લઉં? યુસૂફ મહેરઅલી. કચ્છનું સંતાન. ઓગણચાલીસમે વરસે તો મુંબઈના મેયર થયેલા. આપણા બદલતા સંગ્રામકારણનાં બે વળાંકસૂત્રો એમને નામે જમે બોલે છે – ‘સાઇમન ગો બૅક’ અને સવિશેષ તો ‘ક્વિટ ઇન્ડિયા’ (‘હિંદ છોડો’). કશીક મોહની હતી આ સૂત્રોમાં, આ શબ્દોમાં જે યુવાનોને અલગાવની એકાંત કેદ અગર અલગાવના ઐશ્વર્યમાંથી લગાવે લાંગરી આપતી હતી. આ જે લગાવ, અલગાવનું આ જે વારણ, એ ક્યાં-ક્યાં, કેવે રૂપે પ્રગટ થતું હશે? આશક ને માશૂકનું તો જાણે કે સમજ્યા … પણ આપણા આ મહેરઅલી બંધુનો એક અફલાતૂન કિસ્સો બટ્ર્રામ વુલ્ફે ‘ધ સ્ટ્રેન્જ કૉમ્યુનિસ્ટ્‌સ આઇ હેવ મેટ’ કે એવા જ શીર્ષકની કિતાબમાં નોંધ્યો છે. માંદગીની સારવારના એક ગાળામાં યુસૂફ અમેરિકા હતા. ક્યાંક જતા હશે ને દરિયો દીઠો તો કારમાંથી ઊતરી દોડી ગયા ને મહીંથી અંજલિ ભરી – અમ હિંદીવાનોને સારુ તીર્થોદકનો જે મહિમા છે તે તમને અમેરિકનોને ક્યાંથી સમજાય, વારુ. તો, અલગાવને લાંઘી જતા લગાવનું આ પણ એક રૂપ છે સ્તો.

આ વતનપ્રીતિ, આર્થિક-સામાજિક ન્યાય સારુ સંઘર્ષ અને ગતિ, વ્યાપક વિશ્વ-માનવતાનું ખેંચાણ, સ્વતંત્રતા અને સમતાની લહે, અલગાવથી લગાવ ભણીની મથામણ કહો, અસ્તિત્વને અર્થ આપતાં વાનાં છે. કોઈ પણ સમયમાં આ બધી મથામણોએ ‘સત્તા’ સાથે ટકરાવાના પ્રસંગો તો આવતા જ રહેવાના. મનુષ્યજાતિની એ ઇતિહાસનિયતિ છે, આપણા સમયમાં સવિશેષ.

મુદ્દાની વાત એ છે કે સાહિત્ય જો સહૃદયતાને સંવારતુંસંકોરતું મનાતું હોય તો આપણા સમયમાં સહૃદયતાની વ્યાખ્યામાં એક તરેહનું નાગરિક પરિમાણ પણ લગભગ અવિનાભાવ જેવું છે. હિમાંશી શેલતનો કદાચ કંઈક વંચાયેલો પણ ચોક્કસ નહીં ચર્ચાયેલો વાર્તાસંગ્રહ ‘ધારો કે આ વાર્તા નથી –’ અહીં સાંભરે છે. એની તમામ કૃતિઓમાં રાજકીય અને સામાજિક પરિબળોનું દબાણ વરતાય છે. લેખિકાએ કહ્યું છે કે જે કાળખંડમાં જીવવાનું આવ્યું છે એની ભીંસ અનુભવું છું. બૌદ્ધિક નિષ્ઠાની કટોકટીના કાળમાં જે કહેવાનો તરફડાટ જાગતો રહે છે એ જ આ વાતો લખાવે છે એમ પણ એમણે કહ્યાનું સાંભરે છે.

ચોક્કસ સંજોગોમાં નાગર નરસિંહે પોતાને વિશે હળવાં કરમનો હું નરસૈંયો એમ સાભિપ્રાય કહ્યું હતું. આપણો સમય સૌને સારુ, સવિશેષ અક્ષરકર્મી માત્રને વાસ્તે હળવાં કર્મનો હું નાગરિક એમ પ્રીછવાનો છે. ઉચ્ચવર્ણી એવું જે સામાજિક સત્તા-પ્રતિષ્ઠાન, એની વચ્ચે નરસિંહને આ ભૂમિકામાં પોતાની અનન્ય ઈશનિષ્ઠાવશ ધર્મ સમજાયો હતો. જીવ ને શિવના એકાત્મ એકરૂપ થવાનો ધોરી રસ્તો હરિજનવાસની સંગતિમાંયે એને અનુભવાતો હશે. ‘વૈષ્ણવજન’ એ ગાંધીકૃપાએ અતિવ્યાપક રચનામાં ‘પીડ પરાઈ’ની જે જિકર છે તે શત્રુવત્‌ અગર તિરસ્કારપાત્ર ‘ધ અધર’ની અનવસ્થાના સંદર્ભમાં નવઘટન માગે છે એમ પણ હું તો કહું.

વળી દલપતરામને સંભારું જરી ? ૧૮૯૮ પહોંચતે આંખ ગયેલી છે અને અંતર કદાચ વધુ ઊઘડ્યું છે ત્યારે પરમ આસ્તિક દલપતરામે સંકેલાતી સદીએ આવતી સદી જોગ આપેલી ખો એ છે કે મનુષ્યથી થઈ શકે તે કામ પ્રભુને ભળાવવાં નહીં. ને નર્મદ? ન હાલે મસ્ત, ન માલે મસ્ત, પણ ખયાલે મસ્ત. સભાની, મંડળીની, ‘ટેબલ ટાક’ની હિમાયત કરતો નર્મદ. એણે બુદ્ધિવર્ધક સભા છોડેલી; કેમ કે ત્યાં રાજકારભારની ચર્ચા નિષિદ્ધ હતી. સંસાર સંબંધી સર્વ સુખોમાં સૌથી મોટું સુખ તે રાજ્ય સંબંધી સુખનું હોવું છે એવી સાફ સમજ સાથે નર્મદની ફરિયાદ હતી કે આપણે ગુજરાતીઓ એની ચર્ચામાં લગારે મોં ઘાલતાં નથી. તો, દલપતરામે વઢવાણથી અમદાવાદ પહોંચતાં સૈકાઓમાં કાપેલ અંતર અને થંભેલાં મનજળ ઝટ્‌ટ ડહોળી નાખવાના નર્મદબોલને સહારે આપણે જ્યાં આવીને ઊભા છીએ તે પાપપુણ્યની બારી આ છે.

સત્રમાં સ્વાભાવિક જ પારુલ ખખ્ખરનો ઉલ્લેખ થયો. આ પ્રકરણના સંદર્ભમાં અકાદમીના અધ્યક્ષે અને ‘શબ્દસૃષ્ટિ’ના તંત્રીએ લગભગ વ્યાસપીઠ પરથી, જે કહ્યું હતું તે સંભારું? એમણે કહ્યું કે અમે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલા હતા, છીએ અને રહીશું. આનો માયનો સમયજાય છે તમને ? પાયાનો મુદ્દો પારુલકૃતિ કાવ્ય છે કે અકાવ્ય એ નથી – અમારી (સરકારી, સત્તાપક્ષી, સત્તાવાર) રાજકીય વિચારધારા છે.

હમણાં મેં જે પાપપુણ્યની બારીની વાત કરી એનું આ તાજું (પણ એથી ગંધાતું નહીં એવું નહીં) ઉદાહરણ છે. એ જો તમને ને મને સમસમાટ ન જગવે તો આપણે અક્ષરકર્મી છીએ કે અક્કરમી. છેલ્લાં દસબાર વરસમાં આપણે ત્યાં આવેલાં ને કદાચ કોઈક વણલખી સમજૂતીથી ચર્ચાબાહ્ય રહેલાં પુસ્તકો તે ‘ઉમાશંકર જોશીની વિચારયાત્રા’ (શતાબ્દી ગ્રંથનો અદ્યાપિ અગ્રનમૂનો) અને હમણાં ઉલ્લેખ્યો તે હિમાંશીબહેનનો વાર્તાસંગ્રહ છે. આ પુસ્તકોમાં ખાટલે મોટી ખોડ કદાચ એ છે કે એમાં રાજકીય અભિજ્ઞતા પર ખાસો ભાર છે. ટેનિસનની ‘લૅન્ડ ઑફ લોટસ ઈટર્સ’ વાળી કવિતા અહીં સાંભરે છે. પ્રજા કમલજીવી બનીને ખોવાઈ ન જાય એની ચિંતાવશ કવિએ ‘ટુ સ્ટ્રાઈક, ટુ સીક – ઍન્ડ નૉટ ટુ યીલ્ડ’ તરેહના ઉદ્‌ગારો કાઢ્યા છે તે પણ સાથેલગા સાંભરે છે. આ અભિજ્ઞતા હશે તો પેલી ‘ઑન્વી’ જે ઘરનું ઘર શોધે છે એનો રાજપથ ને જનપથ જડવો દુઃસાધ્ય નથી એમ મને એક અદના અક્ષરકર્મીને નાતે લાગે છે.

જાન્યુઆરી ૮, ૨૦૨૨

(તા. ૨૪-૨૫-૨૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના ભુજ જ્ઞાનસત્રમાં પ્રમુખસ્થાનેથી તેમ જ સત્રમાં દરમિયાન થતાં બોલાયેલું ને બોલવા ધારેલું.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 08-09

Loading

...102030...1,8051,8061,8071,808...1,8201,8301,840...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved