Opinion Magazine
Number of visits: 10,225,614
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બજેટ અને વાસ્તવિકતા

રમેશ બી. શાહ|Opinion - Opinion|15 February 2022

બજેટનો એક ઉદ્દેશ અર્થતંત્રમાં જો કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો એનો ઉકેલ શોધવાનો હોય છે. આ દૃષ્ટિએ એ જોઈએ તો આગામી વર્ષ માટેનું કેન્દ્રીય અંદાજપત્ર વાસ્તવિક્તાથી વિમુખ રહીને તૈયાર કરવામાં આવ્યું છે. નોટબંધીથી શરૂ કરીને જેને અર્થતંત્રનું બિનસંગઠિત ક્ષેત્ર કહેવામાં આવે છે અથવા જેને અર્થતંત્રનું અનૌપચારિક ક્ષેત્ર કહેવામાં આવે છે તે સંકોચાતું જાય છે. અર્થતંત્રના આ વિભાગમાં લગભગ ૮૫ ટકા લોકોને રોજગારી મળે છે. આનો અર્થ એવો થાય કે લોકોને મળતી રોજગારી ઘટતી રહી છે. એમાં જી.એસ.ટી.ના અમલથી વધારો થયો છે. કોવિડની મહામારી દરમિયાન એક વધુ ફટકો લાગ્યો છે. આમ અર્થતંત્રના બિનસંગઠિત વિભાગમાં રોજગારી ઘટી રહી છે. અને પરિણામે લોકોની ગરીબીમાં વધારો થયો છે. આ ગરીબો અને બેકારોને એમનાં નસીબ ઉપર છોડવાાં આવ્યાં છે. બજેટમાં એના માટે કોઈ પગલાં સૂચવાયાં નથી.

અર્થતંત્રની બીજી સમસ્યા બેકારીની છે. જે યુવાનો અર્થતંત્રમાં રોજગારી શોધવા માટે આવે છે એમને રોજગારી પૂરી પાડી શકાતી નથી. એને પરિણામે અર્થતંત્રમાં છેલ્લાં ચાર કે પાંચ વર્ષોમાં બેકારીનું પ્રમાણ બેવડું થઈ ગયું છે અને બેકારી ઝડપથી વધી રહી છે. ત્યારે બજેટમાં આગામી પાંચ વર્ષોમાં કેટલાંક ક્ષેત્રોમાં રોજગારીમાં ૬૦ લાખનો વધારો થશે એ વાત ભારપૂર્વક કહેવામાં આવી છે. પણ દર વર્ષે જે ૯૦ લાખથી વધારે યુવાનો રોજગારી શોધવા માટે આવે છે એમના માટે રોજગારીનો કોઈ પ્રબંધ કરવામાં આવ્યો નથી. રોજગારીના અભાવમાં કેટલાક લોકો નિરાશ થઈને રોજગારી શોધવાનું જ માંડી વાળે છે. અર્થશાસ્ત્રની ભાષામાં એ લોકો શ્રમના બજારમાંથી બહાર નીકળી જાય છે એને પરિણામે ભારતમાં શ્રમનો સામેલગીરીનો દર બીજા વિકાસશીલ દેશોની તુલનામાં ઓછો છે. આને પરિણામે આપણે આપણી શ્રમશક્તિનો ઉપયોગ કરીને ગરીબીમાંથી બહાર આવી શકતાં નથી. ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાતો માત્ર વાતો જ રહી છે.

અર્થતંત્રમાં ફુગાવાનું દબાણ સર્જાઈ રહ્યું છે. એવા કેટલાક નિર્દેશો મળ્યા છે ભારતમાં સરકારની કરવેરાની આવકમાં બજેટમાં મૂકવામાં આવેલા અંદાજની તુલનામાં ઘણી વધારે આવક થઈ છે. પણ એના પરિણામે રાજકોષીય ખાધમાં જોઈએ એટલો ઘટાડો થઈ શક્યો નથી. વિશ્વમાં ફુગાવાનું દબાણ સર્જાઈ રહ્યાંના નિર્દેશો સાંપડે છે. એને પરિણામે વ્યાજના દરમાં ઘટાડો કરીને મૂડી રોકાણને ઉત્તેજન આપી શકાશે નહીં. એ માટે રાજકોષીય ખાદ્યનું પ્રમાણ ઘટાડવું જ પડશે.

બધો મદાર બજેટમાં સરકાર દ્વારા પાયાની સવલતો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પાછળ મૂડી રોકાણમાં વધારો કરવામાં આવ્યો છે, એના ઉપર રાખવામાં આવ્યો છે. એ પાયાની સવલતોમાં આગલા વર્ષમાં કરવામાં આવેલા મૂડીરોકાણમાં ૫૦ ટકાનો વધારો સૂચવાયો છે. એની સાથે ‘મનરેગા’ જેવી કલ્યાણ યોજનાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એના પરિણામે વધનાર મૂડીરોકાણથી આવક અને રોજગારીમાં કેટલો વધારો થશે તે અનિશ્ચિત બાબત છે. પાયાની સવલતો જેવી કે રસ્તાઓ, બંદરો, વીજળી એ બધાં પાછળ થનાર મૂડીરોકાણ સમય જતાં ફળદાયી નીવડતું હોય છે. તેથી એ મૂડીરોકાણને પરિણામે તાત્કાલિક જે રોજગારી સર્જાય એની અસર અર્થતંત્ર પર પડે છે.

દરમિયાન, દેશનું શેરબજાર ઘણા સમયથી તેજીની અવસ્થામાં છે. પણ એ અર્થતંત્રની પારાશીશી નથી. એ માત્ર દેશનાં કોર્પોરેટ વિભાગની પારાશીશી છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રમાં એના સંદર્ભમાં જે રીકવરી ચાલી રહી છે. તેને અંગ્રેજી K આકાર જેવી વર્ણવી છે. એનો અર્થ એ કે કેટલાંક ક્ષેત્રોમાં તેજીની સ્થિતિ પ્રવર્તતે છે. પણ અન્ય ક્ષેત્રોમાં મંદીની સ્થિતિ પ્રવર્તે છે. દેશના અર્થતંત્રના અસંગઠિત વિભાગમાં હજી રીકવરી નથી આવી એનો આ નિર્દેશ છે.

ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધારે અસમાનતા ધરાવે છે. તે હકીકત તાજેતરમાં બહાર પાડેલા અસમાનતાના રિપોર્ટમાં પ્રગટ થઈ છે. ભારતનું અર્થતંત્ર તીવ્ર અસમાનતા ધરાવે છે. તેની સાથે એ એક ગરીબ અર્થતંત્ર છે એ પણ હકીકત નોંધવામાં આવી છે. આવા અર્થતંત્રમાં સમાનતાની દિશામાં કોઈ પગલાં ભરવામાં ના આવે એ ગરીબોની કમનીસીબી છે. ભારતનું અર્થતંત્ર આજે સમાજના ઉપલા વર્ગો માટે કામ કરી રહ્યું છે. આને સર્વસમાવેશી બનાવવા માટે અનેક ઉપાયો કરવા પડે એને બદલે વાતોથી સંતોષ માનવામાં આવે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 02

Loading

સંસદમાં જુઠ્ઠાણાંના વરસાદની મોજ લેતા મોદીજી

ભરત મહેતા|Opinion - Opinion|15 February 2022

છેલ્લાં કેટલાંક વખતથી મોદીજીએ એક નવી શૈલી કે સંસ્કૃતિ વિકસાવી છે. જૂઠું બોલો, જોરથી બોલો. એમની આ શૈલી એમના ભાષણેભાષણે ભયજનક રીતે વધી રહેલી માનસિક બીમારી થઈ ચૂકી છે. રાજનેતાઓ માટે પ્રજા પપ્પુ કે ફેંકુ જેવાં નામ પાડી દે છે એ એક અર્થમાં આજનું લોકસાહિત્ય છે. આ વખતે સંસદમાં અદાણી-અંબાણી જેવાં કોર્પોરેટની વધી રહેલી સંપત્તિ, મોંઘવારી અને ચીન-પાકિસ્તાનની વધી રહેલી દોસ્તી વિશે રાહુલ ગાંધીએ પ્રશ્નો પૂછ્યા તો એ પ્રશ્નોને ચાતરીને કોરોના પર ઊતરી આવ્યા! કોરોના માટે વિપક્ષ જ જવાબદાર છે, એમણે ભારતને બદનામ કર્યું છે–ની રાડારોળ કરવા માંડ્યા.

કોરોના વિષયક એક પછી એક જુઠ્ઠાણાંનો વરસાદ વરસાવી, એક કલાક અને વીસ મિનિટ સુધી આનંદ લીધો! એમણે કહ્યું કે લૉકડાઉન WHOની સૂચનાથી કરાયું હતું. WHOએ રદિયો આપ્યો કે એમણે આવી કોઈ સૂચના આપી ન હતી. માત્ર ચાર કલાકની અવધિમાં. એકાએક લૉકડાઉન લાગુ કરાયું હતું જેણે લાખો મજૂરોની પરિસ્થિતિ કફોડી બનાવી. મોદીજીના ભાષણ વખતે હવે હવે 'નિકાહ’નું ગીત યાદ આવે કે આ હવે છેલ્લાં સિતમ હશે, પરંતુ એના પછીનું વ્યાખ્યાન અગાઉની ઊંચાઇને પણ આંટી દે. એમના વ્યાખ્યાનનું જુઠ્ઠાણું, વ્યાખ્યાનનાં વિરોધી વિધાનોથી જ પકડાઈ જાય છે. એક તરફ એમણે કહ્યું તમારી (કાઁગ્રેસ) પાસે જનાધાર નથી, કેવળ ૪૪ સાંસદો છે. બીજી તરફ કહ્યું કે કાઁગ્રેસે મુંબઈના ૪ કરોડ યુ.પી.-બિહારના મજૂરોને ગામડે ધકેલી દઈને ભારતભરમાં કોરોના ફેલાવ્યો! થોડીક શરમ કરો વડા પ્રધાનજી. લૉકડાઉન જાહેર કરી સત્તા તો કુંભકર્ણની નિંદ્રામાં ચાલી ગઈ હતી. ટ્રમ્પના દરબારમાં મુજરો કરતી હતી; કુંભના મેળામાં સરકાર સ્નાન કરતી હતી!

તમે બીજું જુઠ્ઠાણું કોરોનાની રસી સંદર્ભે ફેલાવો છો. આટલા કરોડને મફત રસી આપી! અરે સાહેબ, તમે તો લેખિતમાં કહ્યું હતું કે મફત રસી નહીં આપી શકાય. સુપ્રીમ કોર્ટે લાલ આંખ કર્યા પછી તમે મફત રસી આપી છે. આ ગાળામાં તમે હાઈ કોર્ટે અને સુપ્રીમ કોર્ટે કેટલીવાર ઠપકા આપ્યા એ યાદ કરો. શું આ ન્યાયાલયો ભારતને બદનામ કરે છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કંપની વચ્ચે રસી બિચારી કેટલી ફસાઈ હતી એ યાદ કરો? તમે કોરોનાની એક પણ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી? આ જ તમારી સંવેદનહીનતાનો જીવતો-જાગતો પુરાવો છે.

માત્ર ચાર કલાકમાં થોપાયેલું લૉકડાઉન આ સદીનું સૌથી મોટું પાપ હતું. ત્યારે સોનિયા ગાંધીએ સૂચન કરેલું કે ૨૦ હજાર કરોડનો સેન્ટ્રલ વિસ્ટાનો પ્રોજેકટ અટકાવી મજૂરોને મદદ કરો પરંતુ તમે ગણકાર્યું જ નહીં. પગપાળા મજૂરોની હિજરત અવિસ્મરણીય અને દુઃખદ છે. મુંબઈમાં વિપક્ષના કારણે ગયાં તો સુરતમાંથી કોના કારણે ગયાં? મજૂરોને વતન મોકલવાની વ્યવસ્થા પૂરી પાડનાર પર દોષનો ટોપલો ઢોળી દેવો તમને શોભતો નથી.

વળી, તમે ભાષણમાં વિષ્ણુપુરાણની જેમ યોગને અને દેશી દવાઓને ખેંચી લાવ્યા. વિપક્ષે એનો વિરોધ કર્યો એમ કહ્યું. મોદીજી, જે બાબા રામદેવની કોરોનિલ નીતિન ગડકરીએ લોન્ચ કરી હતી એ દવાને ભારતભરના વૈજ્ઞાનિકોએ નકારી. બાબા રામદેવે દવા પાછી ખેંચી, માફી માંગી. તથાકથિત દવાનો સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને વિરોધ કર્યો તો આપે એમને મંત્રીપદેથી રવાના કર્યાં!

ઓક્સિજન અને દવાના અભાવે લાખો લોકો મર્યા એ કોરોનાના કારણે નહીં પણ વ્યવસ્થાના અભાવે મર્યાં છે, જેના માટે સીધી જવાબદારી આપની છે. વળી, તમે આંકડાઓ છૂપાવ્યાનું ઘોર પાતક પણ કર્યું. સરકારી ચોપડે ગુજરાતમાં દસ હજાર મર્યાનું કહો છો? અને મૃતકોનું વળતર લેવાં લાખ નાગરિકોએ ફોર્મ ભર્યું છે! આ તો એક નાનું ઉદાહરણ છે. વેન્ટિલેટર ખરીદીના ભ્રષ્ટાચાર કૌભાંડનો શું જવાબ આપશો?

તમારી જુઠ્ઠાણાં સંસ્કૃતિનો પ્રભાવ કેવો પડે છે એનું એક ઉદાહરણ જુઓ. યુ.પી.ની ચૂંટણી સભામાં તમારી તર્જ પર યોગીજી પણ ગરજે છે કે ઓક્સિજનના અભાવમાં એક પણ મૃત્યુ થયું નથી! કોરોના પૂર્વે જ પાંત્રીસ બાળકો ઓક્સિજન વિના ટળવળી મરી ગયાં! કોરોનામાં તો બેહિસાબ નાગરિકો. TMC સાંસદ ડેરેક બ્રાયને ગંગામાં વહી ગયેલી લાશોની વિગત માંગી હતી જેનો જવાબ જળશક્તિ મંત્રી વિશ્વેશ્વર ટૂંડુંએ આપ્યો કે અમારી પાસે શૂન્ય માહિતી છે! જ્યારે ૧૪મી મે, ૨૦૨૧ના ‘દૈનિક ભાસ્કરે’ ગંગાના ૧,૧૪૦ કિ.મી.માં સર્વે કરી બે હજારથી વધુ લાશો વહેતી મૂકાયાનો હેવાલ આપેલો છે!

તમે વારેતહેવારે વિપક્ષને ઝૂડવાના બદલે આત્મનિરીક્ષણ કરો. પ્રજાએ વિપક્ષને નહીં તમને  સૂંડલે સૂંડલે મત આપ્યાં છે. તમે ગેસના બાટલા માટે, પેટ્રોલ માટે ર્નિભયા માટે શેરીઓ ગજવતા હતા. આજે? શું જવાબ આપશો? સેંગર માટે, હાથરસ માટે, ચિન્મયાનંદ માટે, પાટણ માટે મૌન ધારણ કરી લો છો! સાત વર્ષમાં વિદેશી દેવું છગણું કરી બેઠા એ તમારી અણઆવડતનો બોલતો પુરાવો છે. તમારું રોલ મોડલ કાઁગ્રેસ છે? કે તમે એને જ યાદ કર્યા કરો છો? નહેરુ-ઇન્દિરાને છોડો. અત્યારે તમે આવ્યા ત્યારે જે કાળું નાણું સ્વિસ બેંકમાં હતું એ બમણું થયું છે એ તમે યાદ કરો. દેશ કો બીકને નહીં દુંગા, તમે હવે કેમ બોલી નથી શકતા? ડોલર-રૂપિયાની હરીફાઈ વિશે તમે કેટલું બોલતા હતા? આ બધાનો જવાબ નથી એટલે શીખોની હત્યા, હિંદુને ખતરોનું જ ગીત હવે ગાવું પડે છે. તમારી રાષ્ટ્રભક્તિ પણ ચીનની અરુણાચલની ઘૂસણખોરીમાં બહાર આવી ગઈ. ત્યાંના ભા.જ.પ.ના ધારાસભ્યો તમને માહિતી આપે છે છતાં ચૂં કે ચા નથી થઈ શકતું. પુલવામાના જવાબદારોને પકડી શકયા નથી. જે CRPF માટે તમે હવાઈવ્યવસ્થા આપી ન હતી, એ પક્ષ યુ.પી.માં ચૂંટણી માટે ૪૨ હેલિકોપ્ટર ભાડે રાખે છે!

છેલ્લી વાત :

તમે વિષ્ણુપુરાણ નિમિત્તે ભારતની સરહદોને યાદ કરી. સંસદમાં સંવિધાનને યાદ કરો. રાષ્ટ્ર-રાજ્યની વિભાવના, સમાનતાની વિભાવના તે કાળે ન હતી. તમે રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી છો, પંડિત નહીં. આમાંથી મારા જેવાને હિંદુરાષ્ટ્રની ગંધ આવે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 03

Loading

વ્હેન યુ આર ગૂડ ટુ અધર્સ, યુ આર બેસ્ટ ટુ યૉરસેલ્ફ : બેન્જામિન ફ્રેન્કલિન

સોનલ પરીખ|Opinion - Opinion|14 February 2022

આપણે આત્માઓ છીએ. આપણને શરીર મળ્યું છે કે એના દ્વારા આપણે આનંદ અને જ્ઞાન મેળવીએ, લોકોનું કંઈક ભલું કરીએ અને આપણા સરજનહાર જેવા મૈત્રીપૂર્ણ, પ્રેમાળ, ઉદાર અને કરુણાભર્યા બનવા પ્રયત્ન કરીએ. પણ જ્યારે શરીરમાં આ બધું કરવાની યોગ્યતા ન રહે, જ્યારે એ આનંદને બદલે પીડાનું કારણ બને, મદદરૂપ થવાને બદલે ભારણ બને, જે હેતુઓ માટે એ આપણને મળ્યું છે એને વહન કરવા યોગ્ય ન રહે ત્યારે આપણને એનાથી છૂટવા મળે એવો કોઈ  કલ્યાણકારી માર્ગ હોવો જોઈએ. મૃત્યુ એ માર્ગ છે.

— બેન્જામિન ફ્રેન્કલિન

કોઈ વ્યક્તિ એક ક્ષેત્રમાં પ્રતિભા ધરાવતી હોય તો પણ આપણે પ્રભાવિત થઈએ છીએ. પણ જે વ્યક્તિ અનેકવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતી હોય – તે પણ આજથી બેત્રણ સદી પહેલા અને આખી દુનિયાને ઉપયોગી થાય એવા અનેક નવાં પ્રદાનો કરી ગઈ હોય એને શું કહીશું? 17 જાન્યુઆરીએ જેમનો જન્મદિન હતો, એ બેન્જામિન ફ્રેન્કલિન આવી એક બહુમુખી અને અત્યંત દુર્લભ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા. એમના વિશે કહેવું કે જાણવું એ પણ એક પ્રાપ્તિ જેવું છે.

1700ની શરૂઆતમાં ભારતમાં તાજમહાલ બંધાયાને પચાસેક વર્ષ થયાં હતાં. મોગલ સામ્રાજ્ય ટોચ પર હતું. ભારતની સમૃદ્ધિથી આકર્ષાયેલા અંગ્રેજોની ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં કોઠીઓ નાખી હતી, એમનો રાજકીય પગપેસારો શરૂ થઈ ગયો હતો, પણ શાસન શરૂ થવાને થોડા દાયકાઓની વાર હતી.

આ સમયે 1706માં અમેરિકાના બોસ્ટનમાં એમનો જન્મ. તેમના જન્મ સમયનું અમેરિકા એટલે યુરોપના દેશોની, ખાસ કરીને ઇંગ્લૅન્ડની વસાહતો. એ કાળની જે મોટી ઘટનાઓ વિશે આપણે ઇતિહાસમાં ભણીએ છીએ, તેમાંની અનેક એમના જીવનકાળ દરમ્યાન બની અને તેઓ એના સાક્ષી અને ઘડવૈયા બન્યા. વિજ્ઞાનની શોધખોળોનું પણ એવું જ. લાઈટનિંગ રોડ, બાયફૉકલ ચશ્માં, ફ્રેન્કલિન સ્ટવ, ઑડોમીટર, ગ્લાસ આર્મેનિકા આ બધી એમની શોધ. ફૂટપાથ, આગબંબા, લાયબ્રેરીને સર્વસુલભ એમણે બનાવ્યા. યુનિવર્સિટી સ્થાપી. ભાષાઓ શીખ્યા. આગનો વીમો શરૂ કર્યો. પોલિસવ્યવસ્થા અને હૉસ્પિટલની શરૂઆત કરી. પોતે પોસ્ટમાસ્તર અને પ્રકાશક-મુદ્રક-સંપાદક-લેખક તો ખરા, સાથે ઉદ્યોગપતિ પણ ખરા. અમેરિકન સ્વાતંત્ર્યયુદ્ધની નીતિઓ ઘડી. સ્વતંત્રતાનું ઘોષણાપત્ર અને બંધારણ ઘડનારી કમિટીમાં રહ્યા. અનેક મહત્ત્વની સંધિઓ પર એમની સહી છે. યુરોપમાં અમેરિકન રાજદૂત બન્યા. દરેક ક્ષેત્રમાં ભારોભાર મૌલિકતા અને પ્રયોગશીલતા. ગુલામીપ્રથા વિરુદ્ધ પણ કામ કર્યું હતું.

સ્વતંત્ર અમેરિકાની સંસ્કૃતિ ઊભી કરવામાં એમનો મોટો ફાળો છે. તેઓ અમેરિકાના આદ્યસ્થાપકોમાંના એક અને જ્યૉર્જ વૉશિંગ્ટન પછીની બીજી મહત્ત્વની હસ્તી ગણાય છે. અમેરિકાએ તેમને ફર્સ્ટ અમેરિકનનો ખિતાબ આપ્યો અને અનેક માનદ્દ ડિગ્રીઓ, પુષ્કળ ચંદ્રકો, ઢગલાબંધ પ્રતિમાઓ, પદકો, ટપાલટિકિટો, એમના નામની સ્કૂલો-કૉલેજો, માર્ગો, પુલો, વિસ્તારો, મ્યુઝિયમો અને સ્મારકો દ્વારા ઋણસ્વીકાર કર્યો. અમેરિકામાં એમના નામનું યુદ્ધજહાજ પણ છે અને ફ્રેન્કલિન નામનું એક વૃક્ષ પણ છે. સુંદર શ્વેત પુષ્પો આપતું આ નાનું વૃક્ષ હવે ખુલ્લામાં જોવા નથી મળતું, પણ બાગબગીચાને શોભાવે છે.

એવું શું હોય છે જે માણસને મહાન બનાવે છે? બેન્જામિન ફ્રેન્કલિનની આત્મકથા વાંચવા જેવી છે. પિતાના સત્તર સંતાનોમાં બેન્જામિન સોળમા. આર્થિક સંકડામણે ભણવાનું છોડાવ્યું, આડાઅવળાં નાનામોટાં મહેનતનાં કામો કર્યાં, ભાઈના પ્રેસમાં શિખાઉ મદદનીશ તરીકે છાપું વહેંચવા જવાથી લઈ, કાઢવા સુધીની કાળી મજૂરી કરી. પુસ્તકો ગમતાં. સમુદ્રયાત્રા આકર્ષતી. સંગીત અને શતરંજના શોખીન હતા. કુશળ તરવૈયા હતા અને અનેક ઓજારો વાપરી જાણતા. પેપર કરન્સીને લોકપ્રિય બનાવવામાં તેમનો મોટો ફાળો છે. દરેક અનુભવમાંથી શીખતા ગયા, લખતા ગયા, પ્રયોગો કરતા ગયા, દેશકાળના બદલાતા પ્રવાહોને ઝીલતા ગયા. પોતાનું જ નહીં, સૌનું શ્રેય જોતા ગયા અને બુદ્ધિ, કાબેલિયત, ધૈર્ય અને દૂરંદેશીની મદદથી પોતાની કેડી કંડારતા ગયા. 

જાહેર જીવનની અપ્રતિમ સફળતાએ અંગત જીવનનો ભોગ પણ લીધો. પ્રથમ સંતાન નાની ઉંમરે મૃત્યુ પામ્યું, પત્ની ડેબોરેહ એકલતા અને ડિપ્રેશનનો શિકાર બની. એના મૃત્યુ વખતે ફ્રેન્કલિન પ્રવાસમાં હતા. એમને એક અવૈધ પુત્ર હતો, વિલિયમ. તેને એમણે ન્યૂ જર્સીનો ગવર્નર બનાવ્યો હતો, પણ પિતાપુત્ર વચ્ચે સારા સંબંધ ન હતા. જીવનનાં આખરી વર્ષોમાં તેઓ એકલા અને બીમાર હતા. 1788માં એમણે જાહેર જીવન છોડ્યું અને 1790માં 84 વર્ષની ઉંમરે પ્લુરસીથી એમનું મૃત્યુ થયું. એમની કબર ફિલાડેલ્ફિયાના ક્રાઈસ્ટ ચર્ચ બરિયલ ગ્રાઉન્ડમાં છે.

તેઓ કહેતા, ‘દુનિયામાં નિશ્ચિત બાબતો બે જ છે, પુસ્તકો અને મૃત્યુ.’ બાવીસમાં વર્ષે એમણે પોતાની કબર પર કોતરાવવાનું લખાણ તૈયાર કરેલું, ‘અહીં પ્રિન્ટર બેન્જામિન ફ્રેન્કલિન જૂના પુસ્તકના પૂંઠાની જેમ, કીડાઓથી કોતરાતો સૂતો છે. પણ એનું કામ એટલું નાશવંત નથી. કેમ કે એ ફરી આવશે –  સર્જકે સુધારેલી અને સત્યની વધુ નજીક એવી નવી અને વધારે સારી આવૃત્તિની જેમ.’ જો કે એમની ખરી કબર પર ચાર જ શબ્દો છે : ‘બેન્જામીન અને ડેબોરાહ ફ્રેન્કલિન.’

જિંદગી અને મૃત્યુ વિશે એમના આ શબ્દો યાદ રહી જાય એવા છે : ‘સવારે નવ વાગ્યે હું જાગું છું અને તરત તાજું છાપું હાથમાં લઉં છું. છેલ્લે શ્રદ્ધાંજલિનું પાનું જોઉં છું. મારું નામ એમાં ન હોય તો ઊભો થાઉં છું.’ ‘જો મૃત વ્યક્તિઓની જેમ વિસ્મૃત રહેવું ન હોય, તો કંઈક લખો અથવા કોઈને તમારા વિશે લખવાનું મન થાય એવું કરો.’ ‘કેટલાક લોકો 25માં વર્ષે મરી જાય છે અને 75માં વર્ષે કબરમાં દટાય છે.’ ‘જિંદગીની કરુણતા એ છે કે આપણે વૃદ્ધ ઘણા વહેલા થઈ જઈએ છીએ અને ડહાપણ ઘણું મોડું આવે છે.’ ‘જ્યારે તમે પરિવર્તનનો અંત આણો છો ત્યારે પોતે પણ અંત પામો છો.’ ‘હું મૃત્યુને ઊંઘ જેવું ગણું છું. સવાર પડે એટલે સ્ફૂર્તિ સાથે ઊભા થવાનું.’

એક મિત્રની અંતિમક્રિયા સમયે એમણે કહ્યું હતું, ‘આપણે આત્માઓ છીએ. આપણને શરીર મળ્યું છે કે એના દ્વારા આપણે આનંદ અને જ્ઞાન મેળવીએ, લોકોનું કંઈક ભલું કરીએ અને આપણા સરજનહાર જેવા મૈત્રીપૂર્ણ, પ્રેમાળ, ઉદાર અને કરુણાભર્યા બનવા પ્રયત્ન કરીએ. પણ જ્યારે શરીરમાં આ બધું કરવાની યોગ્યતા ન રહે, જ્યારે એ આનંદને બદલે પીડાનું કારણ બને, મદદરૂપ થવાને બદલે ભારણ બને, જે હેતુઓ માટે એ આપણને મળ્યું છે એને વહન કરવા યોગ્ય ન રહે ત્યારે આપણને એનાથી છૂટવા મળે એવો કોઈ  કલ્યાણકારી માર્ગ હોવો જોઈએ. મૃત્યુ એ માર્ગ છે.’

એમણે પોતાના જીવન અંગે પણ અમુક નિયમો નક્કી કર્યા હતા અને એ જ નિયમોની સીમાઓમાં રહી જીવ્યા હતા. આ નિયમો એટલે સ્વચ્છતા, શ્રમ, વ્યવસ્થા, કરકસર, સંકલ્પ, શાંતિ, અંકુશ, વિનમ્રતા, સંયમ, નિષ્ઠા, મિતભાષીપણું, ચારિત્ર્ય અને ન્યાય.

જીવનમાં એમને સફળતાઓ સાથે નિષ્ફળતાઓ પણ મળી જ હતી. તેઓ સફળતાથી ફુલાયા નહીં અમે નિષ્ફળતાથી હાર્યા નહીં. એમનાં થોડાં વચનો સાથે જ વિરમીએ : ‘તમારા શત્રુને ચાહો, કેમ કે એણે જ તમને તમારી ક્ષતિઓ બતાવી’, ‘પોતાની જાત સાથે જેને દોસ્તી હોય, તેનો કોઈ શત્રુ હોતો નથી.’, ‘આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો’, ‘આપણી બારીઓ કાચની હોય ત્યારે બીજાના ઘર પર પથ્થર ન ફેંકાય’, ‘તમે જે બનવા ધારો, બની જ શકો’, ‘વ્હેન યુ આર ગૂડ ટુ અધર્સ, યુ આર બેસ્ટ ટુ યૉરસેલ્ફ’, ‘સ્વતંત્રતા કોઈને આપી શકાતી નથી. એ એક અધિકાર છે, ઈશ્વર અને પ્રકૃતિના કાયદાએ આપેલો અધિકાર.’

અને ‘જે સમાજ થોડી સલામતી મેળવવા થોડી સ્વતંત્રતા જતી કરે તેને છેવટે સ્વતંત્રતા કે સલામતી બેમાંથી એકે મળતી નથી.’

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 જાન્યુઆરી 2022

Loading

...102030...1,7721,7731,7741,775...1,7801,7901,800...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved