Opinion Magazine
Number of visits: 9963038
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અધર્મ સંસદ: હિટલરના જર્મનીનું ભારતમાં પુનરાવર્તન થશે?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|25 December 2021

જે ભગવાધારીઓએ હરદ્વારમાં "ધર્મ સંસદ"માં શસ્ત્રો ઉઠાવીને અન્ય ધર્મના લોકોની "હત્યા" કરવા માટે હિન્દુઓને એલાન કર્યું છે, તેમને ખબર જ નથી કે હિન્દુ ધર્મ શી ચીજ છે. બધા નહિ તો આવા ભગવાધારીઓ હિન્દુ ધર્મની બાબતમાં સાવ અંગૂઠાછાપ છે. એમાંના કેટલા ભગવાધારીઓ હિન્દુ ધર્મનો સાચો અર્થ સમજે છે, એ જ મોટો સવાલ છે.

આ ભગવાધારીઓ અને એમના મળતિયાઓ દેશનું સત્યાનાશ કાઢવા બેઠા છે. તેમને હિન્દુ ધર્મ અને હિન્દુઓની રક્ષા કરવી છે, પણ ખરેખર તો તેઓ જ હિન્દુ ધર્મને અને હિન્દુઓને ભયંકર હાનિ પહોંચાડી રહ્યા છે.

શું આ ભગવધારીઓએ સર્વપલ્લી રાધાકૃશ્ણન્‌ અને સ્વામી વિવેકાનંદ વાંચ્યા છે ખરા? મોટે ભાગે રામ, ભાગવત, હનુમાન અને એવી બીજી બધી કથાઓ કરી ખાતા અને હિન્દુ ધર્મના જાતે બની બેઠેલા ઠેકેદાર આવા ભગવાધારીઓ, પોતાની જાતને "સનાતની હિન્દુ" કહેનારા મહાત્મા ગાંધીને ન વાંચે કે ન સમજે એ તો સાવ જ સ્વાભાવિક છે. આ ત્રણ વ્યક્તિઓને વાંચવાથી પણ સાચો હિન્દુ ધર્મ શો છે એની એમને સમજણ પડે.

તેત્રીસ કરોડ દેવતાઓની માન્યતા હોવાનું અને સૌથી વધુ લોકશાહી હોવાનું ગૌરવ જે ધર્મને પ્રાપ્ત છે એ હિન્દુ ધર્મની જે વિવિધતાભરી સંસ્કૃતિ છે તેને જ ખતમ કરવા માટે જાણે કે હવે ભા.જ.પ., રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સંસ્થાઓ, ભગવાધારીઓ અને એ બધાની અંધ ભક્તિ કરનારા એમના ભક્તો, ભારત નામનો રાજકીય પ્રદેશ ધરાવતો જે દેશ તા.૨૬-૦૧-૧૯૫૦ના રોજ બન્યો છે, તેને છિન્નભિન્ન અને વેરવિખેર કરવાની શક્યતા ઊભી કરી રહ્યા છે, એની એમને જ સમજણ નથી.

જો તમે કોઈને સતત દેશદ્રોહી કે નક્સલી કહીને ગાળ દીધા કરો, તો એ એક દિવસ "જા છું દેશદ્રોહી" એમ ના કહી દે? અને એમ પણ બની શકે કે એ ખરેખર દેશદ્રોહી થઈ પણ જાય! જ્યારે એક આખો સમુદાય આવી વંચિતતાની લાગણી લાંબા સમય સુધી અનુભવે ત્યારે રક્તપાત થાય છે, એ આ ભગવાધારીઓ કે એમના રાજકીય અને સાંસ્કૃતિક રીતે મૂઢ ભક્તોને સમજાતું નથી. એમણે પ્રથમ વિશ્વ યુદ્ધ પછીનો દુનિયાનો ઇતિહાસ વાંચવાની અને એ અંકે કરવાની જરૂર છે કે કેવી રીતે દુનિયામાં દેશોના ટુકડા થયા છે.

આવા ભગવાધારીઓ આવું બેફામ બોલે છે કારણ કે ભારતમાં મોદી સરકાર આવી તે પછી કાયદાનું શાસન નિતાંત રહ્યું નથી. બળાત્કારનો ભોગ બનેલ અને મૃત્યુ પામેલ એક યુવતીને મધરાતે જંગલ જેવા વિસ્તારમાં પોલિસ સળગાવી દે, એક જ ધર્મના કેટલાક યુવાનોને જાહેરમાં રહેંસી નાખવામાં આવે અને સરકાર લગભગ મોં વકાસીને જોયા કરે, ખેડૂતો પર કેન્દ્રના પ્રધાનની કાર ચડાવી દેવામાં આવે અને મોદી સરકાર એને ગર્ભિત સમર્થન આપે, કેન્દ્રના એક પ્રધાન એક ચૂંટણી સભામાં રાજકીય વિરોધીઓને "ગોલી મારો સાલોં કો" એમ કહે અને એ પ્રધાન હોદ્દા પર ચાલુ રહે; અને આવી બીજી અનેક ઘટનાઓ સાથે દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાતો રહે; ત્યારે એક મહાન દેશનું જે રાજકીય અને સાંસ્કૃતિક પતન થયું છે, એનો અંદેશો ભારતના બધા નાગરિકોને આવી જવો જોઈએ. પણ હજુ એની કંઈ પતીજ આ નાગરિકો કહેવાતી જણસને પડતી હોય એવું લાગતું નથી.

આ એટલાં ગંભીર પાપ છે કે, જો ગંગા પાપ ધોનારી નદી હોય તો પણ એમાં અનેક ડૂબકીઓ મારવાથી પણ તે આવાં પાપ ધોઈ નહિ શકે એટલું સમજીએ તો સારું.

મહા મહેનતે જવાહરલાલ નેહરુના નેતૃત્વ હેઠળની સરકારે સરદાર પટેલ અને ભીમરાવ આંબેડકર સહિતના મહાન નેતાઓના અથાગ પરિશ્રમથી હજારો વર્ષોની પ્રાચીન એવી આ ભવ્ય હિન્દુ સંસ્કૃતિ માટે માત્ર અઢી વર્ષના ગાળામાં એક જ રાજકીય નકશો પહેલી વાર ૧૯૫૦માં બનાવ્યો છે. કહેવાતી "ધર્મ સંસદ"માં હિન્દુઓને અન્ય ધર્મો પ્રત્યે હિંસક રીતે ઉશ્કેરવા માટે જે ભાષણો કરવામાં આવ્યાં તે શું આવા દેશના નાગરિકોને અંદરોઅંદર લડીને તેમ જ મારાકાપી કરીને આ દેશના ટુકડા કરવા તરફ લઈ જવા માટેનું ભાથું પૂરું પાડે છે, એવું તો નથી ને? જરા વિચારીએ શાંત ચિત્તે.

વળી, આ ભગવાધારીઓ "સાધુસંત" છે એવું કહેવાની કે માનવાની ભૂલ પણ ના કરવી જોઈએ. 'સાધુ' અને 'સંત' શબ્દોના અર્થ તો સાવ જુદા છે. એટલે આ ભગવાધારીઓ તો હિન્દુ ધર્મ જન્મજાત રીતે કેટલો હિંસક પણ છે તેનો જ ગુનાઇત પુરાવો આપી રહ્યા છે.

તેમના કહેવા મુજબ જો હિન્દુઓ અન્ય ધર્મના લોકો સામે શસ્ત્રો ઉઠાવે તો શું થાય એનું કંઈ એમને ભાન છે ખરું? જો હિન્દુઓ અહિંસક ના હોય કે ન રહે તો પછી બીજા ધર્મના લોકો કંઈ બુદ્ધ, મહાવીર અને ગાંધીના અનુયાયીઓ તો ના જ બની રહેને! જીવ તો સૌને વહાલો હોય ને! આ ભગવાધારીઓ બીજાઓ સામે શસ્ત્રો ઉઠાવવાની સલાહ આપે છે, તેનો અર્થ જ એ છે કે તેઓ ભારતને હિટલરના જર્મનીમાં તબદીલ કરવા માગે છે. ભગવાધારીઓનું આહ્વાન વીરત્વ માટે નથી, પણ નૃશંસતા, અમાનવીયતા અને ઘાતકીપન માટે છે, એ હિન્દુઓ બહુ મોડું થાય તે પહેલાં સમજે. આ અર્થમાં કહેવાતી "ધર્મ સંસદ"ને 'અધર્મ સંસદ' કહેવાનું જ મન થાય.

તા.૨૪-૧૨-૨૦૨૧

સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==17

સુમન શાહ|Opinion - Opinion|24 December 2021

લખતો થયો, લખતો રહ્યો છું, લખતો રહીશ …

મને બરાબર યાદ છે કે નાનપણમાં મારી બા-એ સલેટમાં ચાર ખાનાં પાડીને ૧ ૨ ૩ ૪ લખેલાં. મારી જમણી હથેળીને પોતાની હથેળીથી લગીર ઘુમાવીને શીખવેલું કે : આ રીતે આ દરેકને એકદમના જાડા થાય ત્યાંલગી ઘૂંટ્યા કર – પતંગના દોરાની લચ્છી જેવા થવા જોઈએ : ઊપસેલી લીલી નસોવાળી એની હથેળી અને તેમાં સંગોપાયેલી હૂંફ મને હજી યાદ છે.

સલેટ એટલે કે, સ્લેટ. કાળી હોય. પાણી-ભેગો કોલસો ઘસીને સ્લેટની બન્ને બાજુઓને તદ્દન ચોખ્ખી રાખતો. લખેલું ભૂંસવા નાના ભીના કકડાનું ચૉવડ પોતું રાખતો. વર્ગના બીજા છોકરાઓ થૂંકીને કરતા. મારાથી એ દુર્ગન્ધ ભુલાઈ નથી. પૅણને ઓટલે ઘસીને હું એની અણીને માફકસરની રાખતો. સલેટના ઉપરના ભાગેથી એકાદ ઇન્ચ નીચે લાઈન મારતો ને એ ખાનામાં વચ્ચે ‘શ્રી સવા’ અને આજુબાજુ તારીખ અને વાર લખતો. પછી નીચે લેસન કરતો.

એ સાહેબો નિસબતવાળા. મારા વર્ગશિક્ષક ઘાંટો પાડીને કહેતા : લેસન ન લાવ્યા હોય એ ઊભા થાવ ! : ‘હોમવર્ક’ શબ્દ ન્હૉતા બોલતા. એમ ઊભા થવાનો પ્રસંગ મારે તો કદ્દી પણ નહીં પડેલો.

મારા હસ્તાક્ષર સારા, એ જમાનામાં કહેવાતું હતું એમ મોતીના દાણા જેવા. એવા ક્યારથી કાઢવા લાગેલો, યાદ નથી. પછી તો છેક કમ્પ્યૂટર પર લખવાનું ચાલુ થયું ત્યાંલગી મને બધાં જ ક્હૅ : તમારા અક્ષર બહુ સુન્દર છે, હાં : એટલે મને પાનો ચડતો ને હું વધુ ને વધુ સમય આપીને અક્ષર સારા કાઢતો. ઝડપ કરું તો પણ બગડતા ન્હૉતા.

પણ આપણા આ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયો ત્યારથી સુન્દર હસ્તાક્ષરની દરકાર કરવાનું આપોઆપ છૂટી ગયું. અંદરથી આવનારા ‘લખાણ’ પર જીવ વધુ ને વધુ સ્થિર થયો ને તે આજે પણ એમ જ છે. કાચી નૉંધ માટે કાગળ પર લખું છું ખરો પણ એ એવું તો ગૂંચપૂંચિયું હોય છે કે બીજી વાર મને પણ નથી ઉકલતું. કોઈ માને નહીં કે હવે મને માત્ર ને માત્ર કમ્પ્યૂટર-રાઇટિન્ગ જ ગમે છે; એ જ ખપે છે.

માધ્યમિકમાં હતો ત્યારે પહેલું લખાણ નિબન્ધ માટે હતું. એ જમાનામાં લગભગ બધા શિક્ષકો ‘જો હું વડાપ્રધાન હોઉં તો’, ‘ચાંદની રાતે ગાડાની મુસાફરી’, ‘તૂટેલા ચમ્પલની આત્મકથા’ જેવા વિષયો આપતા. મેં કદ્દી પણ ‘જો હું વડાપ્રધાન હોઉં તો’ નિબન્ધ નથી લખ્યો. અલબત્ત, મને લૉન્ગકોટના કૉલર પર ગુલાબ ખોસીને ઊભેલા જવાહરલાલ નહેરુની છબિ હમેશાં ગમતી.

સંકલ્પપૂર્વકનું પહેલું સર્જનાત્મક લેખન, વાર્તા માટે હતું. ડભોઇની કૉલેજના વાર્ષિક ‘દર્ભાવતી’-માં એ વાર્તા પ્રકાશિત થયેલી. એ પછી લખાયેલી વાર્તાઓ ‘આરામ’-માં અને ‘યુવક’-માં છપાયેલી. પહેલો વિવેચન-લેખ હતો, ‘મણિલાલની કાવ્યવિભાવના – પાંચ મુ્દા’. ત્યારે હું જુનિયર બી.એ.માં હતો. એ લેખ ‘બુદ્ધિપ્રકાશ’-માં છપાયેલો. તન્ત્રી યશવન્ત શુક્લે અમારા પ્રિન્સિપાલને લખેલું : તમારે ત્યાં એક વિદ્વાન ઊછરી રહ્યો છે, એનું ધ્યાન રાખજો : મને બહુ પોરસ ચડેલો.

બી.એ.ના વર્ષોમાં મને મારું તખલ્લુસ ‘સુન્દરમ્’-ની જેમ ‘સુમનમ્’ રાખવાનો વિચાર આવેલો. જો કે આવ્યો’તો એમ જ એ વિચાર ઝટ ઊડી ગયેલો ! એ રીતે, સારું થયેલું.

પ્રત્યક્ષ વિવેચન કહેવાય એવા લેખો ૧૯૬૬-૬૭થી શરૂ થયેલા, યશવન્ત દોશીના નિમન્ત્રણથી ‘ગ્રન્થ’-માં લખતો’તો. એ લેખનો પણ વાર્તા અંગે હતાં. વાર્તાસંગ્રહોનાં એ અવલોકનો હતાં.

મારું પહેલું પ્રકાશિત પુસ્તક ચેખવના ‘થ્રી સિસ્ટર્સ’ નાટકનો એ જ શીર્ષકથી કરેલો અનુવાદ છે, ૧૯૬૫. પછીની આવૃત્તિઓમાં બદલીને શીર્ષક ‘ત્રણ બહેનો’ કરેલું. મને હજી નથી સમજાતું કે મને શીર્ષકો અંગ્રેજી જ કેમ સૂઝે છે ! મારી કેટલી યે વાર્તાઓનાં એમ જ છે !

‘સમકાલીન’ દૈનિકમાં પહેલી નવલકથા ‘ખડકી’ હપતાવાર છપાયેલી – જો કે મેં તો પૂરેપૂરી લખીને મોકલેલી, ૧૯૮૭.

કોઈક વાર ‘બુદ્ધિપ્રકાશ’-માં અને ‘રે’-માં મારાં એક -બે કાવ્યો છપાયાનું યાદ છે. પહેલા પહેલા પ્યાર ઐસા હી હોતા હૈ, એ રીતે કાવ્યો કરેલાં. ‘તોટક’ જેવા સરળ અને ‘પૃથ્વી’ જેવા સરખામણીએ મુશ્કેલ છન્દમાં પણ કરેલાં. મેં પણ મૉંઘા મૂલની ડાયરી રાખેલી. નસીબ તો કેવું – એ જડતી જ નથી ! આજકાલ એવું થાય છે ખરું કે જુદા જ પ્રકારનાં કાવ્યો કરીશ ખરો.

શરૂ શરૂના આ સઘળા પ્રયાસો જોડે વર્તમાનના પ્રયાસોની સરખામણી કરું છું તો એક જ સત્ય બહાર આવે છે કે કોઇપણ લખાણ ઉત્તરોત્તર સુધરે છે ને એ સુધારને છેડો નથી હોતો. એ અનન્ત હોય છે. આજે તો મારા લખાણમાં એક પણ ભ્રાન્ત વાક્ય, એક પણ અનુચિત શબ્દ, કે એક પણ ખોટું વિરામચિહ્ન ઘૂસી ગયું હોય, મને જરાપણ પરવડતું નથી. અને ધાસ્તી પણ રહે છે કે ક્યાંક કંઈ-ને-કંઈ ચૂક તો થઈ જ હશે.

હૅમિન્ગ્વે ઊભાં ઊભાં લખતા હતા. ઘણા કહેતા હોય છે – સૂતાં સૂતાં લખું છું. હું બેસીને જ લખું છું. ટેબલ પર ક્વચિત, બાકી, હમેશાં કાગળ ને પૅડ ખૉળામાં રાખીને જ લખ્યું છે. હવે તો, ખૉળા સિવાયનું કશું જ નહીં, જુઓ ને, કમ્પ્યૂટરનું નામ જ લૅપ-ટૉપ છે, પછી !

મેં એક વાર રમૂજમાં લખેલું કે સાહિત્ય લખતાં બધાંને નથી આવડતું તે સારી વસ્તુ છે. પણ ‘નથી આવડતું’ વાતનો કેટલીક વ્યક્તિઓ ભારે ગર્વ લેતી હોય છે :

એકદમનું મુશ્કેલ નામ ધરાવતી વિદ્યુલ્લતાદ્યુતિરાણી ( વિદ્યુલ્લતા = વીજળીની લતા. એ લતાના જેવી જેની દ્યુતિ = તેજ છે, એવા તેજની રાણી ) કહેતી હોય : કવિતા-ફવિતા ! ના રે બાબા, એવી બધી ચાવળાઇ મને ના પરવડે ! : પાણીમાં છાશ જેવું સરળ નામ ધરાવતા રમણશી કહેતા હોય : એવું છે ભૈ, તમાર લોકની જેમ સબ્દોના સાથિયા પૂરવાનો ટૅમ મારે કાઢવો કાંથી -?

પણ જેઓને આછુંપાછું ય લખતાં આવડી ગયું હોય, જેમકે, બચીબેનને ગઝલ કે બચુભાઇને વાર્તા કે બકુભાઇને નિબન્ધ, તો એ લોકોને થોડાક જ દિવસમાં થાય, એવું શું કરું તો એકદમનું ફાંકડું લખાય ને ગ્રેટ થઈ જવાય – ! ‘એવું શું કરું’ નામનો પ્રશ્ન થાય એ સારી નિશાની છે. એક-ને-એક દિવસે એ લોકોને યોગ્ય રસ્તો દેખાઈ જાય છે.

યોગ્ય રસ્તો મને ક્યારે દેખાઇ ગયો, નથી ખબર. સાચું કહું તો, સાહિત્યલેખનનો કોઈ પણ રસ્તો અ-યોગ્ય નથી હોતો, દરેક લેખકે યોગ્યને શોધી લેવાનો હોય છે, કહું કે, સરજી લેવાનો હોય છે. આમ તો મારે મન લેખન પોતે જ સર્જન છે, કેમ કે ભાષા પોતે જ એક સર્જનાત્મક આવિષ્કાર છે. આ પાયાની વાત મનમાં એવી તો બેસી ગઈ છે ને તેથી વ્યાખ્યાન સંશોધન વિવેચન અનુવાદ ટુચકો કે જેને આજે ચૅટિન્ગ કહેવાય છે એ વાતચીતને પણ હું સર્જન ગણું છું – સર્જકતાની માત્રા ઓછીવત્તી હોઈ શકે છે …

શરૂમાં તો ભૂરી લીટીવાળા સફેદ ફુલ્સકૅપ પર લખતો, પછી ‘સન્લિટ બૉન્ડ’ જેવા પાતળા ને મુલાયમ પર. એ સાથે જ મનમાં એમ પણ ઊગેલું કે સીધી લીટીને આધારે લખવા કરતાં સીધી લીટીનું લખવું એ કસોટી છે. એટલે લીટી વિનાના કાગળ પર શરૂ કર્યું. એક પાછળ બીજો એમ એકદમના ડાહ્યા એ શબ્દો, એ ય તમારે રવાલ ચાલે વહ્યા જાય. લાઇનોથી સમ્પન્ન ફકરો કોઈ કામગરા સોનીએ ઘડીને સજાવેલી સૅરો જ જોઈ લો !

લખાણ છપાવા મોકલતાં પહેલાં કાર્બન મૂકીને કૉપિ ઘરે રાખી લેતો. પછી સાઇક્લોસ્લાઇડ આવ્યું, પરીક્ષાનાં પેપર એ પર કોતરતો’તો. પછી ઝેરોક્ષ આવ્યું ને છેલ્લે આવી લાગ્યો રૂડોરૂપાળો આ કમ્પ્યુટર-સ્ક્રીન …

શાહી મને કાળી જ ગમે, ભૂરી નહીં. એ ખડિયા સૂકાયેલા પડ્યા છે. કેટલી બધી ફાઉન્ટન પેનો – જાતજાતની; વડોદરાની ‘પ્રતાપ’થી માંડીને વિદેશની ‘લૅમિ’ સુધીની. ‘લૅમિ’ તો રૂપેરી ને હળદરિયા રંગની એમ બે-બે હતી. પણ એ બધી જ પેનો વ્હીલી પડીને કાયમ માટે સૂની પડી ગઈ છે. શાહીનું લખાણ ભૂસવા માટેનાં કરકરાં રબર, ને એ જો કામ ન આપી શકે, તો બ્લેડ. એ બધો જ સરંજામ કમ્પ્યૂટરના આગમને ભૂતકાળમાં દટાઈ ગયો છે તે આમ સારું છે પણ રોમૅન્ટિક સ્ટાઈલમાં મને એમ કહેવું સૂઝે છે કે – મારી એ ‘લૅમિ’ ક્યાં ગઈ? વિરહ એનો બહુ સતાવે મને – બેમાંની એકાદને તો જગાડો, પ્રભુ ! કાગળની એ સફેદ કુમાશ ને એની અનોખી સોડમને કેમ રે ભૂલી શકું? વગેરે.

ગણીએ તો મારા લેખનપુરુષાર્થની વય સાંઠ તો ખરી જ. એ દરમ્યાન મને એક ખબર એ પડી છે કે લેખનની મારી ક્ષમતા તો ખરી પણ ગુજરાતી ભાષાની પોતાની ક્ષમતા અપરમ્પાર છે. એમ પણ સમજાયું છે કે ભાષાના ભંડારમાં ઘણાં શબ્દબાણ છે – થોડાં જો મારા ભાથામાં હોય તો ધાર્યું નિશાન પાડી શકું …

(December 24, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

એ બે ન બને : સત્તા અને સાહિત્ય

દિલીપ રાણપુરા|Opinion - Opinion|24 December 2021

કોઈ પદ કે ઈનામ મેળવવાની આકાંક્ષા હોવાને કારણે ચૂપ રહેવું કે ચાપલૂસી કરવી એમાં સર્જકધર્મ છે? એવા સાહિત્યકારોનું સર્જનમૂલ્ય કેટલું? સાહિત્ય માત્ર અર્થમૂલ્ય, રંજનમૂલ્યમાં જ બધી પ્રાપ્તિ અનુભવવાની છે?

સત્તા, તે ગમે તે સમયની હોય કે ગમે તે સ્વરૂપની, ગમે તે પ્રદેશની, દેશની હોય, પણ તેને એક અભિશાપ લાગેલો જ છે, એ સદાય શબ્દથી ડરતી, થરથરતી રહી છે. સત્તા શબ્દની તાકાતને સમજે છે. એટલે તો એ એનાથી ડરે છે. પછી તે શબ્દ કવિતામાં વપરાય કે વાર્તામાં; નિબંધમાં વપરાય કે પત્રકારત્વમાં. સત્તા સામે ઝૂકી જનારા સાહિત્યકારો માત્ર વેપારીઓ જ ગણાય. કોઈ પદ કે ઈનામ મેળવવાની આકાંક્ષા હોવાને કારણે ચૂપ રહેવું કે ચાપલૂસી કરવી એમાં સર્જકધર્મ છે ખરો? એવા સાહિત્યકારોના સાહિત્યનું સર્જનમૂલ્ય કેટલું? સાહિત્ય શું માત્ર અર્થમૂલ્ય, રંજનમૂલ્યમાં જ બધી પ્રાપ્તિ અનુભવવાની છે? માત્ર સૌન્દર્ય, માત્ર કલા, માત્ર સુષ્ઠુ સુષ્ઠુ જ સર્જન કરવાનું છે?

મોરારિદાસને ત્યાં આવકવેરાની રેઈડ થયા પછી એમની વિરુદ્ધ પત્રકારોએ લખ્યું. એથી મોરારિદાસે લેખકો, કવિઓ, છાપામાં લખતા હોય તેવા સર્જકોને પોતાને ત્યાં બોલાવી, આગતા સ્વાગતા કરી સર્જકોને ખરીદવા માગતા હોય એવી સ્થિતિ ઊભી કરી છે. મોરારિદાસ એવા સર્જકોને જ બોલાવે છે જેની પર સહેલાઈથી પ્રભાવ પાડી શકાય. એમણે ક્યારે ય રમણ પાઠકને બોલાવ્યા નથી, અહોભાવ સાહિત્યને બોદું કરે છે. કાં વ્યક્ત થવા દે, કાં તોડીફોડી નાખું – એમ કહેનારા સર્જકો મોરારિદાસના અસ્મિતા પર્વમાં જઈ ધન્ય બન્યાનું કહે ત્યારે ચક્કર આવી જાય છે. કમિટેડ ભક્તોની હાજરીમાં જ થતા સાહિત્યના આવા પરિસંવાદ કે કાવ્યસંમેલનથી સાહિત્યની કઈ સેવા થાય છે?

સાહિત્ય કદી પણ રાજ્ય, સમાજ, ધર્મ, સંઘ સાથે એકરૂપ નથી થઈ શકતું. તે આ બધી જ સંસ્થાઓને ઓળંગી જાય છે. એટલે તેની ઉત્તમત્તા માટે આવી સંસ્થાઓના આશ્રયની જરૂર નથી હોતી. આશ્રય સર્જકની અભિવ્યક્તિમાં અવરોધ ઊભા કરે છે. સાહિત્ય અકાદમીઓ એ પણ એક પ્રકારનો રાજયાશ્રય જ છે. પેન, તલવાર, સત્તા, અકાદમી ‘અસ્મિતા પર્વ’ કરતાં બળૂકી છે.

સશક્ત સાહિત્યકાર ક્યા રેય ભયભીત ન હોય, પણ એને ડર તો હોય છે, સત્તાનો નહીં, સીતમનો નહીં, અસ્તિત્વનો પણ નહીં, પણ પોતે જે કહેવા માગે છે તેને રુંધવાની શાસન પાસે અમર્યાદ સત્તાઓ અને સાધનો, યુક્તિઓ અને ઉપાયો હોય છે, એનો હોય છે. એના શબ્દ પર લોખંડી આવરણ ઢળી જ જાય છે. જે લોકો સુધી એનો અવાજ પહોંચવો જોઈએ ત્યાં સુધી એ ન પહોંચે, એનો જ ભય હોય છે; પણ કાળાંતરે એ લોખંડી આવરણ પણ પીગળી જતું હોય છે. સર્જકના વિલય પછી પણ શબ્દ તો ધબકતો હોય છે, વધુ બળુકો બનીને જીવતો હોય છે.

રમેશ સવાણી સમ્પાદિત ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તિકા (સમ્પાદક–પ્રકાશક : 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ–મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર.

નવી દૃષ્ટિ, નવા વિચાર, નવું ચિન્તન ગમે છે? તેના પરિચયમાં રહેવા નિયમિત રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવિન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  24/12/2021

Loading

...102030...1,7741,7751,7761,777...1,7801,7901,800...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved