Opinion Magazine
Number of visits: 9962642
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સર્વાઇવલ ઑફ ધ સિટી’ : મહામારીના અનુભવ પછીનું શહેરીજીવન અંગેનું પુસ્તક!

કિરણ કાપુરે|Opinion - Opinion|9 December 2021

હાવર્ડ યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનોમિક્સ’ના એડવર્ડ ગ્લેસર અને ડેવિડ કટલરે ‘સર્વાઇવલ ઑફ ધ સિટી’ નામક પુસ્તક લખ્યું છે. પોસ્ટ-પેન્ડેમિક પછી આ બંને લેખકોએ અનેક બાબતો નોંધી છે જે શહેરોનાં ભવિષ્ય માટે અગત્યની છે. શહેરો પર તોળાતી ભવિષ્યની મહામારીનું જોખમ અટકાવવું હશે તો પૂરા વિશ્વનાં સ્વસ્થતાના માપદંડ એક રાખવા પડશે – એમ આ બંને લેખકોનું માનવું છે. સૌને સ્વસ્થતા પ્રદાન થવી જોઈએ. આ ઉપરાંત જવાબદાર – યોગ્ય સરકાર સાથે તેઓ જાગ્રત નાગરિકોની સહભાગિતાની પણ જરૂર જૂએ છે અને જાગ્રત નાગરિકોને પણ કેટલીક જવાબદારી સાથે સત્તા આપવાનું સૂચન કરે છે. સૌથી અગત્યનું કે નવેસરથી શીખવા માટેની તૈયારી રાખવાનું પણ તેઓ સૌને જણાવે છે.

આ પુસ્તક સંદર્ભે હાલમાં ‘હાવર્ડ કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ’માં માસ્ટર ઇન પબ્લિક પોલિસીમાં અભ્યાસ કરતાં આરન પટેલે પુસ્તકના લેખક એડવર્ડ ગ્લેસરની મુલાકાત લીધી છે. આ મુલાકાત ‘સ્ક્રોલ.કોમ’ પર મુકાઈ છે. મુલાકાતમાં આરન પટેલ ‘સર્વાઇવલ ઑફ ધ સિટી’ પુસ્તક વિશે ગ્લેસરને પૂછે છે કે, શહેરોની ગીચતા જ ચેપી રોગને આમંત્રે છે અને તે શહેરોનું સર્વવ્યાપી લક્ષણ છે; તો ભૂતકાળમાં શહેરોએ ગીચતાના દાવાનળથી બચવા શું કર્યું છે અને ભવિષ્યમાં શું કરવું જોઈએ? આ પ્રશ્નના સંદર્ભમાં એડવર્ડ ગ્લેસર કહે છે : “પુસ્તકમાં આ વિશે મેં ઓગણીસમી સદીનો આધાર લીધો છે. અઢારમી સદી સુધીમાં સરકાર લોકોને મૃત્યુનાં બારણે લાવીને મૂકવા અર્થે અગત્યનો ભાગ ભજવતી હતી. આ ગાળા દરમિયાન જ વિશ્વના કેટલાક ભાગોમાં લોકોનો જીવ સુરક્ષિત થવો જોઈએ તેવાં પ્રયાસો થયા. આ સુરક્ષિતતા માટે અગત્યનું રોકાણ પીવાલાયક પાણી, નહેરો અને ગટરનિર્માણ ક્ષેત્રે થયું. આ રોકાણ સરળ કે સસ્તુ નહોતું. આ માટે ઘણી જગ્યાએ સરકાર પર લોકોનું દબાણ થયું અને તે રીતે શહેરોનું ચિત્ર બદલાયું. જેમ કે, અમેરિકાના ડો. સ્ટિફન સ્મિથ, જેઓએ ન્યૂયોર્ક શહેરમાં ગરીબ લત્તાઓને સ્વચ્છ કરવા માટે સરકાર પર દબાણ કર્યું. તેમણે જ ન્યૂયોર્ક શહેરમાં મેટ્રોપોલિટીન બોર્ડ ઓફ હેલ્થ બનાવડાવ્યું અને તેની અધ્યક્ષતા કરી, જેથી શહેરી લોકોનું સરેરાશ સ્વાસ્થ સુધરે.”

એડવર્ડ ગ્લેસર જે શહેરી વ્યવસ્થા ઊભી થઈ છે તેને લઈને પાણી વિશેની વાત ટાંકે છે. તેઓ કહે છે કે, “મેં સ્વચ્છ પાણીને લઈને ઝામ્બિયામાં કામ કર્યું છે અને ત્યાં પાણી માટે ગરીબ વર્ગ પાસે નાણાં માંગવામાં આવતાં. આ સમસ્યા સર્વવ્યાપી છે. સમૃદ્ધ એજન્સી જેની પાસે પાણી છે તે ગરીબ-વંચિત વર્ગ પાસે નાણાં માંગે છે. આ સ્થિતિ નિર્માય છે ત્યારે જે વર્ગને પૈસા આપીને સગવડ પોસાતી નથી ત્યારે તે ઉપલબ્ધ ગુણવત્તા વિનાનાં વિકલ્પને અપનાવે છે.” એડવર્ડ ન્યૂયોર્ક શહેરની ઘટના ટાંકીને જણાવે છે કે, “ન્યૂયોર્કમાં ગરીબ વર્ગ પાસે પાણીના પૈસા માંગવામાં આવ્યા ત્યારે તેઓએ પીવા માટે નજીકના કૂવા અને ટાંકીનો ઉપયોગ કર્યો અને એ રીતે કોલેરોનો ભોગ બનતાં રહ્યા. આ માટે એડવર્ડ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવાની હિમાયત કરે છે. એ રીતે ભારતનો દાખલો આપીને એડવર્ડ જણાવે છે કે, “બ્રિટિશ કાળ દરમિયાન અસમાનતાનો અંધારપટ હિંદુસ્તાનમાં પણ હતો. જેમ તે વખતે કોલેરાથી ન્યૂયોર્ક, લંડન અને પેરીસમાં લાખો લોકોના જાન કોલેરાએ લીધા તે જ કોલેરા ગંગાના પટ પર પ્રસર્યો અને પછીથી હિંદુસ્તાન ભરમાં લાખો લોકો તેનાથી માર્યા ગયા. ઓગણીસમી સદીના અંત સુધીમાં એ રીતે હિંદુસ્તાનમાં પ્લેગ આવ્યો અને લાખો લોકો તેના ભોગ બન્યા. 1918-19માં બ્રિટિશ સામ્રાજ્ય અર્થે જે હિંદુસ્તાની સૈનિકો ફ્રાન્સમાં લડતા હતા અને તેઓ જ્યારે દેશમાં પાછા ફર્યા ત્યારે ઇન્ફ્લૂએન્ઝા લઈને આવ્યા. ત્યારે પણ લાખો લોકો મર્યા. મહામારી દરમિયાન ભારતમાં મૃત્યુ આંક સૌથી વધુ જોવા મળે છે. આનું અગત્યનું કારણ કે ભારતમાં સ્વચ્છતા અર્થે જે માળખાગત સુવિધા નિર્માણ પામવી જોઈએ તે ન થઈ. અંગ્રેજો જે વિસ્તારમાં રહ્યા ત્યાં તેની વ્યવસ્થા થઈ, પરંતુ જ્યાં તેઓ ન રહ્યાં ત્યાં લોકોને સગવડ મળી રહે તેને લઈને માળખાગત સુવિધામાં રોકાણ ન થયું.”

એડવર્ડ તે પછી ભારતમાં અત્યારે જે શહેરીકરણ થઈ રહ્યું છે તે વિશે પોતાનો મત જણાવે છે. તેઓ કહે છે કે, “ભારતમાં અત્યારે જે માસ અર્બનાઇઝેશન થઈ રહ્યું છે તે ભવિષ્યમાં વધુ બહેતર બનાવવાની સંભાવના છે. અને તે વિશે સૌથી પહેલું પગથિયું બ્રિટિશ ટાઉન પ્લાનિંગના અયોગ્ય કાયદાઓને રદ્દબાતલ કરવાનું છે. આમ કરવાનું કારણ એ જ કે જે બાબત લંડન માટે યોગ્ય હોય તે મુંબઈ શહેરને નયે લાગુ પડે. બીજી અગત્યની બાબત એ છે કે શહેરનું આયોજન એ રીતે થવું જોઈએ જેથી ઓફિસ અને રહેણાંક વિસ્તાર એકમેકથી જોડાયેલા હોય. લાખો લોકો માટે શહેર રહેવાલાયક બનાવવું હશે તો તે એ રીતે નિર્માણ થવું જોઈએ કે લોકો ડ્રાઈવ કરે તે કરતાં ચાલતાં જ પોતાના કાર્યસ્થળે પહોંચે. મહામારી દરમિયાન ચાલવા કરતાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં સફર વધુ જોખમી બની હતી.

શહેરીવ્યવસ્થા વિશે એડવર્ડ એક પ્રશ્નમાં વધુ ઊંડાણમાં સમજાવતાં કહે છે કે, “ભારત જેવા વિકાસશીલ દેશોમાં જ્યારે હાઉસિંગ વિશે વિચારવાનું આવે ત્યારે તેમાં પશ્ચિમના સમૃદ્ધ દેશોની ટેકનોલોજી સાથે ગરીબ દેશોના ટેક્નોલોજીનો પણ ઉપયોગ થવો જોઈએ. હાઉસિંગમાં આ રીતે સમૃદ્ધ-ગરીબ દેશોની ટેક્નોલોજીનો ઉપયોગ એક સાથે થઈ શકે. પરંતુ જો ગટર કે પાણીની વ્યવસ્થા ગોઠવવી હોય તો તેમાં અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તે સગવડ સૌને કેવી રીતે મળે તેનું પ્રાધાન્ય હોવું જોઈએ. એ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશનમાં પણ જો બસનો વિકલ્પ હોય તો પછી મોંઘી ટ્રેઇન નિર્માણ ન કરવી. બસ રેપિડ ટ્રાન્સિસ્ટ સિસ્ટમ સસ્તી છે, ફ્લેક્સિબલ છે, જ્યારે તેના પ્રમાણમાં રેલ ખૂબ મોંઘી ટ્રાન્સપોર્ટેશન છે. એ રીતે જે ચાલીછાપરાંના વિસ્તાર કેવી રીતે વધુ સ્વસ્થ, વધુ કાર્યક્ષમ અને પગપાળા ચાલનારાંઓ વધુ સગડવદાયક બને તે જોવાનું છે.

શહેરના પર્યાવરણને લઈને પણ એડવર્ડ કેટલાક ઉપાયો આપ્યા છે. ભારતમાં આ મુદ્દો ખૂબ પ્રસ્તુત છે. દિલ્હીની સ્થિતિ આજે આપણે જોઈએ છીએ, જ્યાં પ્રદૂષણના કારણે અંશત લોકડાઉન કરવાની સ્થિતિ આવી છે. આ માટે પણ તેઓ પૂરતા ગ્રીન સ્પેસની હિમાયત કરે છે. એડવર્ડના નિરીક્ષણ મુજબ ભારતના શહેરોમાં ગ્રીન સ્પેસની ખૂબ કમી છે. તે કહે છે કે ભારતમાં પાર્ક કે ગ્રીન સ્પેસમાં રહેવા માટે લોકો વધુ નાણાં ચૂકવે છે. પરંતુ શહેરોમાં એ હંમેશાં કાળજી રાખવાની હોય છે કે આવી ઓપન સ્પેસ ઉકરડો ન બની જાય. એડવર્ડ એ માટે પોતાનો જ દાખલો ટાંકે છે. તેઓ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે તેઓ ન્યૂયોર્કમાં સેન્ટ્રલ પાર્કની નજીક રહેતા હતા. 1972 સુધી સેન્ટ્રલ પાર્ક જવું તે તેમના માટે આકર્ષણ હતું પણ 1980 આવતાં સુધીમાં તો તે એક જોખમી જગ્યા બની ગઈ.

આ ઉપરાંત પણ એડવર્ડ અને ડેવિડ કટલરે પુસ્તકમાં શહેરીજીવન સુધારવા માટે અનેક ઉપયોગી સૂચનો કર્યા છે. તેમાં સૌથી અગત્યનું છે તે હેલ્થ સિસ્ટમ. કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનના સિલિન્ડર માટે જે રીતે લોકોએ રઝળપાટ કરવી પડી તે ચિત્ર આંખ સામેથી હટતું નથી. સરકારે આ બાબતે યોગ્ય સમયે પગલાં લીધાં હોત તો તે રઝળપાટ ન થઈ હોત અને લોકોના જીવ બચાવી શકાત.

e.mail : kirankapure@gmail.com

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == [3]

સુમન શાહ|Opinion - Opinion|9 December 2021

ચાલો અમેરિકા … કેટલાક બનાવો (3)

રાઇટર-ઇન-રેસિડેન્સ એટલે યુનિવર્સિટીમાં નિવાસીલેખક. જાણકાર વ્યક્તિને યુનિવર્સિટી પોતાને ત્યાં બોલાવે અને તેનો વિદ્યાકીય લાભ અંકે કરે તે. બોલાવતાં પહેલાં યુનિવર્સિટીએ જેમ મારી પાસે મારો ‘કરિક્યુલમ વીટે’ મંગાવેલો તેમ બીજા પાંચ-છ ગુજરાતી સાહિત્યકારો પાસે ય મંગાવેલો. એમાંથી મારી પસંદગી થઈ એથી મને અનહદ આનન્દ થયેલો.

ભારતમાં સાહિત્યકાર વ્યક્તિનું ગૌરવ કરવાનો જાણીતો તરીકો એ છે કે એને ઇનામ-અકરામ આપવાં, ચન્દ્રકો આપવા, ઍવૉર્ડ્ઝ આપવા. પરન્તુ દેશના દરેક ક્ષેત્રમાં છે એમ એ બધી નવાજેશોમાં પણ નાનુંમોટું રાજકારણ જરૂર છે.

એટલે મને નિવાસીલેખક રૂપે અને એવા સાવ ચોખ્ખા સન્માનથી સારું લાગ્યું હતું. વિદેશી યુનિવર્સિટી વડે થયેલી મારી એ પસંદગી, માત્ર ગુણવત્તાને ધોરણે હતી એટલે હું એને ખાસ્સું મૂલ્ય આપી શકેલો. મને કે મારા નામને જોયા વિના, માત્ર મારાં પેપર્સ જોઇને, એટલે કે માત્ર મારા કામને જોઇને થયેલી એ પસંદગી સાચે જ ચોખ્ખી વસ્તુ હતી.

મને કોઈ કોઈએ પૂછેલું – તમારે ત્યાં જઈને શું કરવાનું? આમ તો કંઈ નહીં ! સમજો, વરસોથી કરતા આવ્યા છીએ એ ! સાહિત્યકલા વિશે વ્યાખ્યાનો વાર્તાલાપો ગોષ્ઠીઓ ને ચર્ચાઓ. પણ એ બધું મારે ગુજરાતી તેમ જ ભારતીય સાહિત્યો અંગે કરવાનું હતું. ખાસ તો એ બધું મારે અમેરિકન વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને અન્ય શ્રોતાજનો સમક્ષ કરવાનું હતું. એટલે કે, એવી વ્યક્તિઓ આગળ કે જેમને ભારતીય સાહિત્ય વિશે ઠીકઠીક ખબર હતી અને ગુજરાતી સાહિત્ય વિશે સાવ જ નજીવી ખબર હતી.

મારી કારકિર્દીમાં બે બાબત ખાસ મારા ધ્યાનમાં આવી છે :

એક તો એ કે લગભગ હમેશાં મેં એવા ઑડિયન્સને સમ્બોધ્યું છે જેને તે-તે વ્યાખ્યાનવસ્તુની આછીપાતળી જ જાણ હોય. ઘણીવાર તો એમણે વિષયનું માત્રનામ સાંભળ્યું હોય.

બીજું, મારી ૫૬થી વધુ વર્ષની કારકિર્દીમાં મને અનેક વાર અઘરા વિષયો સોંપાયા છે. દરેક વાર મેં શિંગડાંભીડ વેઠી છે – ડાયલેમા. વાતને સરળતાથી રજૂ કરવાનું વિચારું તો જમણી બાજુનું શિંગડું વાગે – કહે કે, વિષયને અન્યાય કરી બેસીશ. અને જરાક પણ અઘરું કહેવાની લાલચ થાય તો ડાબી બાજુનું શિંગડું વાગે – કહે કે, સભા બોર થઇ જશે. એટલે મારે જમણું કે ડાબું એકેય શિંગડું ન વાગે એવા વચલા રસ્તા લેવા પડે છે.

ફિલાડેલ્ફીઆને કદાચ લાડમાં ‘ફિલા’ કહે છે અને યુનિવર્સિટી ઑફ પેન્ન્સીલ્વેનિયાને ‘પૅન્ન’ કહે છે. અનેક અમેરિકન યુનિવર્સિટીઓમાં ‘ડિપાર્ટમૅન્ટ ઑફ સાઉથ એશિયા સ્ટડીઝ’ હોય છે. એને ટૂંકમાં ‘ઍસેઍસ’ કહે છે. પૅન્નમાં પણ એ છે. હું એ ડિપાર્ટમૅન્ટમાં જ ગયેલો. એમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા સહિતના લગભગ બધા દક્ષિણ એશિયાઇ દેશોનાં ભાષા-સાહિત્યો અને સંસ્કૃતિ-સભ્યતાઓનાં અધ્યયન અને અધ્યાપન થતાં હોય છે. અમેરિકામાં વસતા ઘણા ગુજરાતી / ભારતીયો આ વાતથી ભાગ્યે જ વાકેફ હોય છે.

સામાન્ય સમજ એવી છે કે યુરપ-અમેરિકા વિજ્ઞાન-ટૅક્નોલૉજી ભણવા માટે છે. એમ પણ માન્યતા છે કે અમેરિકા તો ઇજનેરો ને દાક્તરો માટે જ છે. પણ આ સમજ અધૂરી છે. અનેક અમેરિકન યુનિવર્સિટીઓ ભાષા-સાહિત્યનું શિક્ષણ આપે છે. એમને ત્યાં ઍસેઍસ હોય છે. એમને ત્યાં તુલનાત્મક સાહિત્ય-અધ્યયન માટેનાં ‘ડિપાર્ટમૅન્ટ ઑફ કમ્પેરેટિવ સ્ટડીઝ’ પણ હોય છે. ટૂંકમાં, લગભગ બધી જ માનવવિદ્યાઓ અમેરિકન યુનિવર્સિટીઓમાં શીખવાય છે, સુન્દર રીતે શીખવાય છે.

પરન્તુ ભારતવાસીને પરદેશ જવાનું થાય એટલે જાણે સાત કોઠાનું યુદ્ધ લડવાનું થાય :

પાસપોર્ટ ન હોય તો કઢાવવાનો; અવધિ પૂરી થઇ ગઇ હોય તો રીન્યૂ કરાવવાનો.

સ્પૉન્સર-લેટર સહિતનાં વિઝાપેપર્સ તૈયાર કરવાનાં, એ પણ મોટું કામ.

પછી વિઝાને માટેના ઇન્ટર્વ્યૂની નિર્ણાયક તાવણીમાંથી પસાર થવાનું – વિઝા મળે ખરા, ન પણ મળે.

ઍરટિકિટો ખરીદો, પોતાને અનુકૂળ તારીખોની ખરીદો. એ વરસોમાં તો એ ટિકિટોને રી-કન્ફર્મ્ડ કરાવવી પડતી.

ત્યારબાદ, ભેટસોગાદો અને કપડાં ખરીદવાનાં. બૅગ ભરવાની પણ સામાનને વત્તોઓછો કરીને વજનની સ્ટાન્ડર્ડ લિમિટ મુજબનો કરવાનો.

બૅગેજીસમાં કે હાથ પરની ઍટેચીમાં ભરાય એથી પણ વધારે ભરવાના કામને પણ હું તકલીફવાળું કામ જ ગણું છું.

આપણે ગુજરાતીઓ એકબીજાને બરાબર ઓળખીએ છીએ એટલે કહું કે ઠાંસી ઠાંસીને ભરવું એટલે શું તે તો કોઇ આપણી પાસેથી જ શીખે !

સીધોસાદો ભલોભોળો ગુજરાતી અમેરિકા જાય ત્યારે તે વખતના નિયમ પ્રમાણે ૩૨-૩૨ કિલોગ્રામની બે બૅગેજીસ અને યુરપ જાય ત્યારે ૨૦ કિલોગ્રામની એક એવી ભરે કે ઍરપોર્ટવાળાનો કાંટો દરેકમાં ૪-૫ કિલો તો વધારે જ બતાવે.

Pic Courtesy : alamy

એટલે, બધું એકદમનું માપનું કરવા બૅગેજીસના પટારા ખોલીને કુટુમ્બ આખું ભૉંયે બેસીને ઘાંઘાની જેમ વસ્તુઓની કાઢ-ઘાલમાં જે મંડ્યું હોય, બીજા પૅસેન્જરો અવાક જોતા રહી જાય.

મારી ઍકમ્પનિન્ગ પાર્ટનર તરીકે પત્ની રશ્મીતાને આવકારતાં અમેરિકન યુનિવર્સિટીને કશો વાંધો પડેલો નહીં, પણ અમદાવાદની VFS ઑફિસની ગુજરાતી બહેને ટૅક્નિકલ પ્રશ્ન કરેલો. કહે કે – રશ્મીતા તમારાં પત્ની છે એ વાતનું પ્રુફ શું? છે કાંઇ?

મને ૬૩ની વયે પ્હૉંચેલાને એ સાંભળીને અચરજ ન્હૉતું થયું કેમ કે હું જાણતો હતો કે એ બેન એમના નિયમની વાત કરી રહી છે. પણ એને બોલતાં ન્હૉતું આવડ્યું.

ઘડીભર મને સૂઝ્યું નહીં કે શું કહેવું. જરા વાર પછી મેં પૂછ્યું – પ્રૂફમાં શું જોઇએ તમારે? તો કહે – મૅરેજસર્ટિ લાવો, મૅરેજના ફોટા પણ ચાલશે. એટલે પછી અમે દાદા-દાદીની કોટિએ પ્હૉંચેલાં પતિ-પત્નીએ ઘરમાંથી મૅરેજ-સર્ટિફિકેટ અને ફોટા શોધી કાઢ્યાં ને બીજે દિવસે રજૂ કર્યાં.

૩૭ વર્ષ પહેલાંનાં એ બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફોટા જોતાં અમને નવેસર સમજાયું કે અમે કાયદેસરનાં પતિ-પત્ની જ છીએ અને એકમેકને કમ્પની આપવાની અમારી લાયકાત પણ કાયદેસરની જ છે.

એ ઑફિસરબેનને મનોમન તો થયું જ હશે કે આ જોડું સાચું જોડું જ છે. પણ નિયમ એટલે નિયમ : તમારી પત્ની ન હોય એવી અન્ય કોઇ મનગમતી સ્ત્રીને તમે અમેરિકા લઇ જાઓ તો …?…

= = =

(December 9, 2021 : Amedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == [1]

સુમન શાહ|Opinion - Opinion|8 December 2021

ચાલો અમેરિકા … કેટલાક બનાવો (1)

પછીનાં વરસોમાં મારી એ વિદ્યાવૃત્તિ પશ્ચિમના સાહિત્યના અધ્યયન અને અધ્યાપન વિશે નિરન્તર વિકસી હતી અને છેક ૧૯૯૨માં બાવન વર્ષની વયે હું અમેરિકાની ધરતી પર પગ મૂકી શકેલો. મારા મિત્રો, ખાસ તો લાભશંકર ઠાકર, અવારનવાર કહ્યા કરતા કે પશ્ચિમના સાહિત્યમાં આટલો બધો રસ છે તો કશો રીસર્ચ-પ્રૉજેક્ટ લઇને કોઈ અમેરિકન યુનિવર્સિટીમાં શા માટે ન જવું -? અને હું ગયેલો.

મારો પ્રોજેક્ટ હતો, ‘સાહિત્યિક અર્થનો કોયડો’ – ‘પ્રૉબ્લેમ ઑફ લિટરરી મીનિન્ગ’. બધું અંગ્રેજીમાં કરવું પડે. તો કર્યું. અમેરિકાની ૧૨-૧૩ યુનિવર્સિટીઓને મોકલી આપ્યું. નૉર્થ કૅરોલાઇના અને યૅલ એમ બે યુનિવર્સિટીઓએ સ્વીકાર્યું. મેં કનેટિકટની યૅલ યુનિવર્સિટીમાં જવાનું પસંદ કરેલું.

જ્યારે જાણ્યું કે યૅલ અમેરિકાની ‘આઈવિ લીગ’ યુનિવર્સિટીઓમાંની એક છે, બહુ સારું લાગેલું. કેમ કે એ યુનિવર્સિટીઓ પોતાના એક નિયમ તરીકે એવા અનુભવી અધ્યેતાઓને આવકારતી કે જેમણે આગવી વ્યક્તિમત્તાથી પોતાના સંદર્ભોને વિકસાવ્યા હોય. કેળવણીપરક ગુણવત્તાઓનો સમાદર એ જ ‘આઈવિ લીગ’-નો ધ્યાનમન્ત્ર હતો, એ જ એની આબરૂ હતી. આજે પણ એમ જ છે.

Yale University : Founded -1701

ગુજરાતી સાહિત્યના અધ્યાપક તરીકે તેમ જ પ્રાદેશિક ભાષાના સાહિત્યકાર તરીકે મને લાધેલા એ વિરલ રોમાંચક અનુભવે મારી કારકિર્દીમાં ચૉકક્સ વળાંક સરજેલો છે. વળાંક એ કે વિવેચનને પણ મહિમાવન્ત ગણવું કેમ કે એ પણ એટલું જ સર્જનાત્મક હોઈ શકે છે બલકે સર્જન અને વિવેચન, બન્ને, માત્ર લેખન છે, વિશેષ કંઇ નથી.

બીજું એ સમજાયેલું કે વિશ્વસાહિત્યની જે કંઇ વાત કરવી તે અહોભાવ કે અધોભાવ વિના ગુજરાતી સાહિત્યના હિતાર્થે માત્ર વિદ્યાનન્દી માહિતીના પ્રસારણ માટે કરવી.

અમારા પરમ મિત્ર રાધેશ્યામ શર્માના ઘર પાસે ફૂટપાથ પર એક થાંભલી ને એ પરના પાટિયા પર લખેલું – ‘ફેરિયાઓને ઊભા રહેવાની જગ્યા’. રાધેશ્યામ, હું અને ટોપીવાળા ક્યારેક ત્યાં ઊભા રહેતા’તા ને પોતાને પશ્ચિમના સાહિત્યના ફેરિયા ગણીને સારું એવું હસી લેતા’તા.

યૅલના એ વિદ્યાનુભવને મેં ભાષાભવનની ટી-ક્લબમાં મિત્રો પાસે ઊલટથી કહી બતાવેલો. ખેડબ્રહ્મામાં દીપક રાવલે પોતાની કૉલેજમાં એ માટે ખાસ કાર્યક્રમ રાખેલો. એ સિવાય, કોઇ પણ ગુજરાતી સાહિત્યકારે એ વિશે કિંચિત્ પણ જાણવા-પૂછવાની દરકાર નહીં કરેલી એ વાતનો મને આજે પણ રંજ છે.

મને તો આપણો કોઇ સાહિત્યકાર વડનગર કે બાયડ જઇ આવ્યો હોય તો પણ એ જાણવાની તાલાવેલી થાય છે કે ત્યાં જઈને એણે શું કર્યું ને બધું કેવું હતું. મારી મોટાઇ માટે તો નહીં જ નહીં, મહામોટી જ્ઞાનપિપાસા માટે ય નહીં, પણ અમસ્તી જિજ્ઞાસા ખાતર પણ, સાહિત્યકારજીવને ઇંતેજારી જેવું તો કંઈ થાય કે નહીં? એ પ્રશ્નનો ઉત્તર મને હજી જડ્યો નથી. થાય છે, કેવા છીએ આપણે !

બાકી, સાંભળો, કેટલી રસપ્રદ વાત હતી : પહેલે દિવસે ખાલી ઇન્ટ્રોડક્ટરી મીટિન્ગ હતી એટલે મારી સાથે રશ્મીતાને પણ આવવા મળેલું. સૅક્રેટરીબાઈએ મને મારા શ્કેજ્યુઅલની ફાઇલ આપીને કહ્યું – ઑન થર્સડે યુ હૅવા મીટિન્ગ વિથ પ્રૉફેસર જ્યૉફ્રે હાર્ટમન. નામને બરાબર સાંભળ્યા વિના મેં આમ જ ‘ઑકે’ કહેલું. પછી એણે કહ્યું – યુ કૅન હૅવા કપ ઑફ કૉફી, ઈફ યુ લાઇક; ઈટિઝ ધૅર. જે તરફ આંગળી ચીંધેલી એ ઑટોમૅટિક મશીન હતું. અમે જેમતેમ કરીને અમારા પેપરકપ ભરેલા.

ત્યાં સામે થોડે દૂર એક ભાઈ ઊભા ઊભા બોલતા’તા ને ટેબલ પરનો માણસ પેલા જે બોલે તે ફટોફટ ટાઇપ કરતો’તો. અમને સૅક્રેટરીબાઈએ ચૂપ-નો ઈશારો કર્યો અને વ્હીસ્પરીને બોલી : હી ઈઝ મિસ્ટર હાર્ટમન.

Geoffrey Hartman : 1929 – 2016

અમે જોતાં રહી ગયેલાં એ શ્વેતકેશીને, બ્લૂ સૂટમાં સજ્જ ‘યૅલ સ્કૂલ ઑફ ડીકન્સ્ટ્રક્શન’-ના વિખ્યાત સિદ્ધાન્તકારને.

મને બરાબર યાદ છે, દેખાય છે, હાર્ટમન પગની આંટી કરીને સ્વસ્થ ઊભા’તા ને ઝૂકીને સ્ટાઇલમાં બોલતા’તા. બાબરી એમની સ્હૅજસાજ ઊડતી’તી.

મારે જણાવવું જોઇએ કે ત્યારે મારાં પુસ્તકો ‘સંરચના અને સંરચન’ તથા ‘સંજ્ઞાન’ પ્રગટી ચૂક્યાં’તાં. તાત્પર્ય, સ્ટ્રક્ચરાલિઝમ, ડીકન્શટ્રક્શન અને આધુનિકોત્તર સાહિત્યિક પરિબળોથી હું સાવ અણજાણ ન્હૉતો. એ સઘળું જાણવા-સમજવાની મારામાં એક તીવ્ર તાલાવેલી જાગી ચૂકી’તી.

સાહિત્યિક અર્થનો પ્રશ્ન છે, કોયડો છે, એ વાત પણ ચિત્તમાં રણઝણ્યા કરતી’તી. યૅલ-દિવસો દરમ્યાન મેં કોઈને પૂછેલું કે દેરિદા તમારે ત્યાં રહેલા તે કયા રૂમમાં બેસતા’તા? કોઈએ એ રૂમ બતાવેલો પણ મને એ કોઈમાં વિશ્વાસ નહીં પડેલો.

એ ગુરુવારે હું હાર્ટમનના રૂમમાં એમની સામે બેઠો ત્યારે મેં જોયું કે એમના હાથમાં મેં અમદાવાદથી મોકલેલા ‘પ્રૉબ્લેમ ઑફ લિટરરી મીનિન્ગ’ પ્રોજેક્ટનાં પેપર્સ હતાં. હસ્તાક્ષરમાં ન્હૉતા તેથી એકદમ સારા કાગળ પર ટાઇપ કરાવેલા. ખરચો ખાસ્સો થયેલો પણ નકલો લઇને તે વખતના ‘મુકુન્દ-મનોરમા’-ના ઘરે પ્હૉંચેલો ત્યારે એમ લાગેલું જાણે જગ જીત્યો છું.

હાર્ટમનને પ્રારમ્ભની ઔપચારિક વાતોમાં જ્યારે મેં જણાવ્યું કે – હું ને મારા ગુરુ સુરેશ જોષી તમારા સાહિત્યિક મન્તવ્યોની અમારે ત્યાં અવારનવાર વાતો કરીએ છીએ, તો, પોતે ‘સાચા રીજ્યોનલ લિટરેચર’-માં પ્હૉંચી ગયા છે એ વાતે એમનું અચરજ શમતું ન્હૉતું. ઇઝિટ? ઇઝિટ? પૂછ્યા કરતા’તા.

પછી થૅન્ક્સ કહીને પોતે ટિકમાર્ક કરી રાખેલા મુદ્દાઓની એમણે મારી પાસે કેટલીક સ્પષ્ટતાઓ માગેલી. પછી કહેલું, આયૅમ સો પ્લીઝ્ડ, બટ સો સૉરિ. દિલગીરીથી કહેલું : કેમ કે અમારી પાસે હાલ સંસ્કૃતમાં એકેય ફૅકલ્ટી નથી, નહિતર આ પ્રોજેક્ટ આપણે કૉલાબોરેશનમાં પાર પાડી શક્યા હોત.

એમણે ઉમેરેલું કે અર્થનો કોયડો સંસ્કૃત અને પશ્ચિમની પરમ્પરાઓ સંદર્ભે એમને પોતાને પણ ખૂબ જ વિચારણીય લાગ્યો છે. એમ કહીને એમણે મને પોતાનું એક પુસ્તક ભેટ આપ્યું. ને એમાં લખ્યું – વિશ યુ મીનિન્ગફુલ ટ્રિપ …

હા, ૧૯૯૨ની અમેરિકાની એ પહેલી ટ્રિપ સાચે જ સાર્થક નીવડેલી. ત્યારે ગુજરાતીઓ સમક્ષ અમેરિકાનાં ૨૦-૨૫ શહેરોમાં આ છેડેથી પેલે છેડે જઈને રહેવાનું બનેલું અને મારી બાવીસેક સભાઓ થઇ હતી.

યૅલને ‘આવજો’ કરીને અમે નીકળતાં’તાં તે દિવસે મિત્ર ગણેશ દેવી (Ganesh Devy) પોતાના પ્રોજેક્ટ અર્થે યૅલમાં દાખલ થતા’તા. અમારા બન્નેનાં આશ્ચર્ય વચ્ચે પ્રગટેલો એ કેટલો તો રમ્ય વિદ્યાકીય અકસ્માત !

= = =

(December 3, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,7891,7901,7911,792...1,8001,8101,820...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved