Opinion Magazine
Number of visits: 9962842
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ધ ફ્રેક્ચર્ડ હિમાલય’ : ભારત-ચીન વિવાદને સ્પષ્ટતાથી સમજાવતું પુસ્તક

કિરણ કાપુરે|Opinion - Opinion|11 December 2021

ભારતનાં પૂર્વ ફોરેન સેક્રેટરી નિરૂપમા રાવનું ‘ધ ફ્રેક્ચર્ડ હિમાલય’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકનો વિષય છે ભારત અને ચીન સંબંધોના આરંભનાં વર્ષો. દેશ આઝાદ થયો અને ચીન સાથે જે રીતે આપણા સંબંધો વિકસ્યા તેનો ઇતિહાસ અને વિશ્લેષણ નિરૂપમા રાવના પુસ્તકમાં છે. પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો વિશેની માન્યતાઓ જનમાનસમાં દૃઢ બની ચૂકી છે તેમાં કશો ય નવો દૃષ્ટિકોણ મૂકવો તે પડકારજનક છે. આ પડકારને ઝીલીને નિરૂપમા રાવે આ વિષય પર પુસ્તક લખવાનું સાહસ કર્યું છે. રાવ સિવિલ સર્વન્ટ્સના ઊંચા પદે બિરાજી ચૂક્યાં છે. 1973ની બેચના આઈ.એ.એસ. અધિકારી તરીકે તેઓ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયાં અને આગળ જતાં 2009માં ઇન્ડિયન ફોરેન સેક્રેટરીના પદે આવ્યાં. નિવૃત્ત થવાના પૂર્વે તેઓ અમેરિકામાં ભારતના એમ્બેસેડર રહ્યાં હતાં. વિદેશી બાબોતને લઈને તેમની સમજણના કારણે તેઓ આ પદે રહ્યાં અને હવે તેઓ પ્રોફેશનલી રાઈટીંગ કરે છે. નિરૂપમાં રાવના ‘ધ ફ્રેક્ચર્ડ હિમાલય’ પુસ્તકના રિવ્યૂ હજુ તો આવી રહ્યાં છે, પણ તે રિવ્યૂમાં એક સૂચન સર્વત્ર થયું છે કે ભારત-ચીન વચ્ચેના સંબંધો સમજવા આ પુસ્તક ઉપયોગી છે.

ભારત-ચીન સંબંધો સામાન્ય રહ્યા નથી. સીમા વિવાદથી માંડી ને વેપારી સ્પર્ધાના બાબતે બંને દેશો વચ્ચે મતભેદ છે. એશિયાની આ બંને મહાસત્તાઓના સંબંધોનું ફલક વ્યાપક છે અને એટલે તે સંબંધોનું સંપૂર્ણ આકલન કરવું અશક્ય છે. તેમાં કોઈ એક કેન્દ્રવર્તી વિષય લઈને આકલન થાય તો તે સંબંધને સહેલાઈથી સમજી શકાય. નિરૂપમા રાવે આ પુસ્તકમાં બંને દેશો વચ્ચેનો કેન્દ્રવર્તી મુદ્દો તિબેટ લીધો છે.

આ પુસ્તક અંગે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ અખબારે નિરૂપમા રાવનો ઇન્ટરવ્યૂ લીધો છે. નિરૂપમા રાવને અહીં પહેલો પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે, ‘શું ચીન સાથેના સીમા વિવાદના કારણે તમે આ પુસ્તક લખવા પ્રેરાયાં છે?’ આ વિશે નિરૂપમા કહે છે કે, “2020માં લદાખમાં થયેલા સંઘર્ષના કારણે આ પુસ્તક પૂર્ણ કરવાનો મને ધક્કો મળ્યો. મારો ઉદ્દેશ છે બંને દેશો વચ્ચેના સૂક્ષ્મ ને જટીલ સંબંધોને વિશે એક પૂર્ણ ચિત્ર આપવું. ઉપરાંત મેં વાત પર પણ ધ્યાન આપ્યું છે કે ચીન વિશેના સંબંધ અંગે નેહરુ પર સમગ્ર દોષ ઠાલવી દેવામાં આવે છે. મેં એ તથ્યો પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે કે નેહરુ ચીન સાથેના ભય અને વ્યવહાર કરવાના જોખમોથી અજાણ નહોતાં. જ્યારે ચીને તિબેટમાં પ્રવેશ કર્યો ત્યારે લ્હાસામાં આપણા અધિકારી સુમૂલ સિન્હાએ જે કહ્યું હતું તે આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના શબ્દો હતા : ‘ચીન તિબેટમાં પ્રવેશી ચૂક્યું છે અને હવે હિમાલયનું અસ્તિત્વ જોખમમાં છે.’”

આગળ નિરૂપમા રાવ કહે છે : “હું માનું છું કે નેહરુ પાયાના કેટલાક ભયથી વાકેફ હતા, અને તેઓ કયા પ્રકારના પડકાર આવી શકે તે વિશે પણ માહિતગાર હતા. પરંતુ તેઓ શાંત માહોલ સર્જાય તેમ ઇચ્છતા હતા. અને તેથી જ તેઓ ચીન સાથે મિત્રતા બનાવી રાખી અને સંવાદભર્યું વાતાવરણ રાખ્યું. તેમણે વિચાર્યું કે એશિયાના બે મોટા દેશો જો એક થઈને કામ કરશે તો વિશ્વ રાજનીતિમાં ભારતને લાભ થશે. અત્યારે એ સાબિત થઈ ચૂક્યું છે કે તેઓ તેમની ગણતરીમાં થાપ ખાધી છે. જો કે એ ભૂલવું ન જોઈએ કે તેમણે એવાં નિર્ણય લીધા હતા કે હિમાલયની નજીક આપણું વહીવટી માળખું ગોઠવાય. ઉપરાંત કનેક્ટિવિટી વધે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામે તે પ્રયાસ પણ તેમણે કર્યાં હતા.”

નિરૂપમા રાવને ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના પ્રતિનિધિ એમ પણ પૂછે છે કે આ પુસ્તક પર પર કામ કરતી વેળાએ સરદાર પટેલનો ચીન અંગેના દૃષ્ટિકોણ અને નેહરુના મત વિશે તમે ક્યાં ભેદ જુઓ છો? આ વિશે તેઓ કહે છે : “હું માનું છું કે કોમ્યુનિઝમ પટેલને નાપસંદ હતું અને તેઓ કોમ્યુનિસ્ટ ચીન પ્રત્યે અવિશ્વાસ રાખતા હતા. ચીન તિબેટમાં પ્રવેશ્યું ત્યારથી પટેલ ચીન તરફથી કશો ય લાભ ભારતને મળશે તેમ જોતા નહોતા. નેહરુ પણ આ વાત સમજી ચૂક્યા હતા. કમનસીબે, 1950માં પટેલ અવસાન પામ્યા અને ચીન વિશેની બૃહદ્દ નીતિ ઘડાઈ ત્યારે તેઓ ન હતા. એટલે એ આપણે જાણતા નથી કે તેઓ હોત તો ચીન વિશેની તેમની હાજરીમાં નીતિ કેવી હોત. સંશોધન દરમિયાન મેં જોયું છે કે 1949થી નેહરુ એ બાબતે ચિંતા કરવા લાગ્યા હતા કે ચીન તિબેટમાં પ્રવેશી રહ્યું છે અને તિબેટના પ્રવેશથી આપણી સુરક્ષા મામલે ચિત્ર બદલાતું ગયું.”

જવાહરલાલ નેહરુ દલાઈ લામા અને ચીનના પ્રથમ વડા પ્રધાન ઝો એનલાઈ સાથે 1956માં દિલ્હી ખાતે યુનેસ્કોની બુદ્ધિસ્ટ કોન્ફરન્સમાં

રાવ આગળ કહે છે : “નેહરુ દ્વારા ચીન વિશે નીતિ ઘડવામાં આવી ત્યારે સમય શીતયુદ્ધનો હતો અને નેહરુ કોઈ પણ પક્ષે ભારતને જોતરાવવું ન પડે તેમ ઇચ્છતા હતા. ભારત વિશ્વ રાજનીતિમાં ત્રીજી શક્તિ તરીકે સ્થાપિત થાય તેમ તેમની ઇચ્છા હતી. નેહરુને ખ્યાલ હતો કે ચીન સાથેનો સૌહાર્દપૂર્ણ વ્યવહારથી એશિયામાં શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખી શકાશે. આપણી સરહદની નીતિમાં ચીન માટે એક ઇંચ પણ છોડી દેવાની વાત નહોતી. જો કે ભૂલ ત્યાં થઈ જ્યારે ચીન તિબેટમાં પ્રવેશ્યું. આપણે ત્યારે તિબેટમાં રહેલાં આપણા તમામ અધિકારો છોડી દીધા અને પછી બંને દેશોની સહદર પરની એક સામાન્ય નીતિ પણ ન ઘડાઈ.”

આ પછી એક અગત્યનો પ્રશ્ન છે જે વિશે રાવે આપેલા ઉત્તરથી નેહરુની ચીન અંગેની સમજ જાણી શકાય. પ્રશ્ન છે કે, ચીનમાં ભારતના પ્રથમ રાજદૂત કે.એમ. પન્નીકરની ભૂમિકા શું રહી હતી? આ વિશે રાવનું રિસર્ચ કહે છે : “મારું માનવું છે કે નેહરુ અને પન્નીકરની સમજણ સારી હતી. તે વખતે વિદેશ વિભાગના કાર્યાલય પન્નીકરના ચીન પ્રત્યેના વલણથી નારાજ હતા, તેમ છતાં પન્નીકર પોતાના લખાણમાં જે-તે મુદ્દાને રજૂ કરતા, તેથી નેહરુને સંતોષ હતો. પન્નીકર નેહરુ સાથે સીધા જ સંદેશાની આપલે કરી શકે તે રીત સ્વીકાર્ય બનાવી શક્યા હતા. હું એમ માનું છું કે નેહરુ પન્નીકરનો મત સ્વીકાર્ય માનતા હશે અને એટલે જ્યારે તિબેટમાં ચીન આવ્યું ત્યારે પન્નીકરનું કહેવું હતું કે આ કિસ્સામાં ભારત ઝાઝું કરી શકે એમ નથી. તેથી આ સ્થિતિને ભારત દ્વારા સ્વીકારી લેવામાં આવી. મને એવું લાગે છે કે પછી પન્નીકરનું સૂચન માનીને નેહરુએ ભારતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેટલાં પગલાં લેવાવાં જોઈએ તે લીધાં.”

વર્તમાન સમય અંગેના પ્રશ્નો પણ નિરૂપમાને પૂછવામાં આવ્યાં છે જેમાં હાલમાં ચાલી રહેલી બંને દેશોની વાર્તા સંબંધિત પ્રશ્ન છે. આ અંગે રાવનું કહેવું છે કે : “આ વાર્તા દરમિયાન મને એવું લાગતું નથી કે ચીનને જાણવામાં આપણે કોઈ પણ થાપ ખાધી હોય. આપણે સાત દાયકાથી તેમની સાથે વ્યવહાર કરી રહ્યા છીએ. આપણે ઘણું શીખ્યા છીએ અને હવે કેટલીક ઠોસ બાબતો પર પહોંચ્યા છીએ. હવે પ્રશ્નોને સ્પષ્ટ રીતે આપણે ઓળખીએ છીએ. મને નથી લાગતું કે હવે કોઈ એવી ભૂલ થાય. ચીન સાથે સરહદ પર આપણી જોખમી અને જટિલ સ્થિતિ છે. દુનિયામાં સૌથી લાંબા ગાળાથી જે વિવાદો સરહદ પર ચાલી આવ્યાં છે તેમાંની આ ભારત-ચીનની બોર્ડર છે. મારા મતે પૂર્વીય લદ્દાખની સરહદ પર ચીન હવે વધુ પડતું પ્રવૃત્ત અને આક્રમક છે એટલે હવે બોર્ડર પર એ રીતે ખૂબ ઝડપથી સ્થિતિ બદલાઈ છે. બંને દેશો વચ્ચેના સંબંધો તંગ થયા છે અને હવે સ્થિતિ શાંત રાખવા અર્થે કરાર કરવા સુધી વાત પહોંચી છે. જો કે ભારત અત્યારે ચીન સાથેના સંબંધો અંગે સાચા માર્ગે છે. આપણે ધીરજપૂર્વક સંવાદ કરી રહ્યાં છીએ. અને ક્યાંક ક્યાંક અપ્રવૃત્ત રહીને ને બળ ઘટાડીને પણ સ્થિતિ સામાન્ય કરવા અર્થે પ્રયાસ કરીએ છીએ.”

e.mail : kirankapure@gmail.com

Loading

રાષ્ટ્રીય સુરક્ષાના પર્યાય બિપિન રાવતની આખરી વિદાય નિમિત્તે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 December 2021

આઠમી ડિસેમ્બર, 2021ની બપોર કારમી નીવડી ! તમિલનાડુનાં કુન્નુરમાં વૃક્ષોને ટકરાઈને એક હેલિકોપ્ટર ભડકો થઈ ઊઠયું ને તેણે સ્પેરપાર્ટસની સાથે જ તેમાં સવાર 14 લશ્કરી અધિકારીઓને સોનેરી ભડકામાં લપેટી લીધા. એમાં કેટલાક તો એવા સળગ્યા કે અગ્નિસંસ્કારની ય જરૂર ન રહી. હેલિકોપ્ટર ક્રેશની નવાઈ નથી, એમાં ઘણા બચી પણ જાય છે તો ઘણાં ભડકો ય થઈ જાય છે, પણ કુન્નુરમાં જે MI 17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું તેણે તો દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સી.ડી.એસ.) બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત બીજા 11 લશ્કરી અધિકારીઓનો ભોગ લીધો છે. ચોપરમાં 14 અધિકારીઓ સવાર હતા, તેમાં કેવળ ગ્રૂપ કેપ્ટન વરુણસિંહ ગંભીર હાલતમાં સૈન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ વર્ષે જ સ્વતંત્રતા દિવસે કેપ્ટનનું શૌર્ય ચક્રથી અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. એ બચી જાય તો ખરેખર શું બન્યું એ જાણી શકાય. બિપિન રાવત લશ્કરી વડા તરીકે દેશને સમર્પિત જીવ હતા ને તેમણે છેલ્લે પણ વેલિંગ્ટન ખાતે ડિફેન્સ કોલેજમાં લેકચર આપવાનું સ્વીકાર્યું હતું, પણ ચોપર ક્રેશ થતાં કોલેજ તેમના વક્તવ્યથી કાયમને માટે વંચિત રહી ગઈ છે.

હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાએ તેર તેર લશ્કરી અધિકારીઓનો ભોગ લેતા આખો દેશ આઘાતથી વ્યગ્ર થયો છે. તેમાં પણ જનરલ રાવતના અણધાર્યા નિધને ત્રણેય લશ્કરી પાંખને તીવ્ર આંચકો આપ્યો છે. 63 વર્ષીય રાવતે દેશની સુરક્ષા માટે અનેક હોદ્દે રહીને અવિસ્મરણીય સેવાઓ જ કરી છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તો તેઓ 2019-20માં થયા, પણ તે પહેલાં લશ્કરી વડા તરીકે તેમણે જુદા જુદા હોદ્દાઓ પરથી અભૂતપૂર્વ સુરક્ષા સેવાનાં ઉદાહરણો પૂરાં પાડ્યાં છે. ઉરીની સર્જિકલ સ્ટ્રાઈક કે ચીની સરહદે લાંબી સુરક્ષા સેવાથી રાવત કાયમને માટે યાદ રહેશે. તેઓ ઊંચાઈ પર બર્ફીલા પહાડો વચ્ચે સુરક્ષા વ્યવસ્થાના નિષ્ણાત હતા. તેમનો ચીન અને પાકિસ્તાન પર ભારે પ્રભાવ હતો. પાકિસ્તાને તો શોક પણ વ્યક્ત કર્યો છે. ચીન પાસેથી તો એવી ઔપચારિક્તાની પણ આશા રાખી શકાય એમ નથી. 1962માં ચીન સાથેના યુદ્ધમાં મળેલી નિષ્ફળતા પછી ભારતીય સુરક્ષા બાબતે વિશ્વનો બહુ સારો મત ન હતો ને પાકિસ્તાન જેવું પણ કાશ્મીરનો કેટલોક ભાગ કબજે કરીને ફૂંફાડતું રહેતું હતું. એ સ્થિતિ રાવતના લશ્કરી વડા થતાં બદલાઈ. ચીન માટે હવે ભારતનો સામનો કરવાનું 1962 જેટલું સરળ નથી. તે ભલે ઘૂસણખોરી કરીને સરહદી ચિંતા ઊભી કરે કે યુદ્ધની તૈયારીઓનું નાટક કરે, પણ સીધું યુદ્ધ છેડતાં પહેલાં તેણે સો વાર વિચાર કરવો પડે એમ છે. એ જ સ્થિતિ પાકિસ્તાનની પણ છે. તેણે નકલી નોટોથી ભારતના અર્થતંત્રને હાનિ પહોંચાડવાની કોશિશ કરી જોઈ ને બીજી તરફ આંતકી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપીને ભારત પર આતંકી હુમલાઓ પણ કરાવ્યા છે, પણ સીધું યુદ્ધ કરવાની તેનામાં હિંમત નથી. ચીન અને પાકિસ્તાનને આમ નાહિંમત કરવાનું કામ ભારતના સુરક્ષાતંત્રને આભારી છે. ભારત આધુનિક શસ્ત્રો અને વ્યવસ્થાથી સુસજ્જ છે ને તેની જલ, થલ અને વાયુ સેના કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કટિબદ્ધ છે. આ શક્ય બન્યું બિપિન રાવત અને એમના જેવા ત્રણેય પાંખના લશ્કરી વડાની લશ્કરી કુનેહ અને વ્યવસ્થા શક્તિને કારણે ! બિપિન રાવત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિમાયા પછી ત્રણે પાંખના વડાઓ સાથેના તેમના માનવીય વ્યવહારે ત્રણે પાંખ વચ્ચે સમન્વય અને સામંજસ્યની ભૂમિકા ઊભી થઈ. એને કારણે જે સામૂહિક સાહસ માટેની કટિબદ્ધતા જન્મી તેણે સમગ્ર લશ્કરી વ્યવસ્થા પર સારો એવો પ્રભાવ પાથર્યો. આ સમન્વયકારી સી.ડી.એસ. રાવત હવે આપણી વચ્ચે નથી. તેમની લશ્કરી માન-સન્માન સાથે દિલ્હીમાં અંતિમ વિધિ થશે તે સાથે એક લશ્કરી વડાની કાયમી ખોટ વર્તાશે. તેમનું સ્થાન પણ એવા જ કોઈ બાહોશ વડા લે એમ બને, પણ જે સ્થાન રાવતનું હતું તે ઘણી બધી રીતે ખાલી રહે એમ બને, કારણ મૃત્યુ ભવિષ્ય પર કાયમી ચોકડી મારે છે. રાવત હયાત હોત અને જે કરી શક્યા હોત તે હવે કદી થવાનું નથી. એ રીતે એમની ખોટ કાયમી છે.

Cartoon courtesy : Satish Acharya

રાવતના અને અન્ય અધિકારીઓના નિધનથી આખું રાષ્ટ્ર શોકગ્રસ્ત છે. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સુરક્ષા મંત્રીથી માંડીને આખા ય દેશે આ દુર્ઘટનાથી તીવ્ર આઘાત અનુભવ્યો છે. તમામ રાજદ્વારી નેતાઓએ રાવતને અને અધિકારીઓને ભાવપૂર્ણ અંજલિઓ આપી છે. આ ઘા તો હવે સમય જ રૂઝવશે, પણ જે બન્યું તે માન્યામાં આવે એમ નથી. પ્લેનક્રેશ કે હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનાઓ દેશવિદેશમાં બનતી રહે છે. ગુજરાતનાં મુખ્ય મંત્રી બળવંતરાય મહેતા, ડૉ. હોમી ભાભા, પૂર્વ પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીના દીકરા સંજય ગાંધી, સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝ, આંધ્રના પૂર્વ મુખ્ય મંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડી, સિનિયર કોંગ્રેસ લીડર માધવરાવ સિંધિયા, લોકસભા સ્પીકર અને તેલુગુ દેશમના વડા બાલયોગી, હરિયાણાના મંત્રી ઓ.પી. જિંદાલ, પંજાબના ગવર્નર સુરેન્દ્ર નાથ ને એવા તો ઘણા મહાનુભાવોનાં મૃત્યુ હવાઈ દુર્ઘટનામાં થયા છે. જો કે, સુભાષબાબુનું મૃત્યુ આજ સુધી વણઉકલ્યું જ રહ્યું છે, પણ બીજી હવાઈ દુર્ઘટનાઓ વિષે કોઈ શંકા નથી. હા, કુન્નુર હવાઈ દુર્ઘટના થોડું મનન-મંથન કરવા પ્રેરે છે. લશ્કરી વડા બિપિન રાવત અને તેમના અધિકારીઓનું આકસ્મિક મૃત્યુ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસના હુકમો અપાયા છે એટલે વધુ વિગતો અધિકૃત રીતે બહાર આવશે જ, પણ કુન્નુરમાં થયેલી હવાઈ દુર્ઘટના અનેક રીતે વિચારતા કરી મૂકે એવી છે. આમ તો રાવત પોતે આ અગાઉ ચોપર ક્રેશનો ભોગ બનેલા, પણ સદ્દભાગ્યે બચી ગયેલા. કમનસીબે 8મી ડિસેમ્બરે જે બન્યું તેમાં રાવત સહિત 13 જણાંનો ભોગ લેવાયો.

જે ચોપર વડા પ્રધાન વાપરે છે તે MI 17 બહુ જ સુરક્ષિત અને અત્યાધુનિક ગણાય છે. એ જ ચોપરનો રાવતને માટે પણ ઉપયોગ થયો એટલે જ્યાં સુધી હેલિકોપ્ટરનો સવાલ છે, કોઈ કચાશ એમાં ન જ હોય તે સમજી શકાય એવું છે. વારુ, સેનાના સર્વોચ્ચ વડા ને અધિકારીઓ જેમાં ઊડવાના હોય તેનું ઉત્તમ રીતે ચેકિંગ સ્વાભાવિક રીતે જ થયું હોય એમાં પણ શંકા નથી. આટલી તપાસ પછી પણ હેલિકોપ્ટર ક્રેશ થાય તો આશ્ચર્ય અને પીડા જ થાય. રક્ષા મંત્રીએ સંસદમાં જે માહિતી આપી છે તેમાં હેલિકોપ્ટરે 11.48 કલાકે ટેક ઓફ કર્યું ને 12.08 કલાકે સંપર્ક તૂટયો એવી વાત છે. આ સમય બપોરનો છે, પણ વાતાવરણ ઊજળું ન હતું તે પણ હકીકત છે. બ્લેક બોક્સ હાથ લાગ્યું છે એ રહસ્ય ઉકેલે એમ બને, પણ એટલું ચોક્કસ કે બધા પ્રયત્નો છતાં હવાઈ ઉડ્ડયન સલામત ન હતું. નીલગિરીનો પહાડી જંગલોનો વિસ્તાર, વાદળો નીચાં ને હળવો વરસાદી માહોલ, ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ખૂબ ઓછી ! આવામાં ચોપર ઊડતું હતું.

વિઝિબિલિટી ઓછી હોય તો પણ બપોરનો સમય હતો ને હેલિકોપ્ટરની એટલી ક્ષમતા તો હતી જ કે રાતના અંધકારનેય ભેદી શકે. જો આ સ્થિતિ હોય તો દિવસની ઓછી વિઝિબિલિટીથી હેલિકોપ્ટર ઝાડને અથડાય એ વાતમાં દમ નથી. જો કે, હેલિકોપ્ટર નીચાઇએ ઊડતું હતું એ સૂચવે છે કે વાતાવરણ હેલિકોપ્ટર ઉડાડવા માટે કોઈ રીતે યોગ્ય ન હતું. હવામાન વિભાગે ખરાબ હવામાનની આગાહી કરી જ હતી ને વાતાવરણ એવું જ ખરાબ હતું, છતાં હેલિકોપ્ટરે ટેક-ઓફ કર્યું. બિપિન રાવત જેવા લશ્કરી વડા જે પર્વતીય ઠંડાં હવામાનથી પૂરા માહિતગાર હોય, એ વાતાવરણ કળી ન શકે ને હેલિકોપ્ટર ઊડવા દે એ ગળે ઊતરે એમ નથી. તો, પ્રશ્ન એ થાય કે પાયલટે કોના કહેવાથી ઉડાન ભરી? કોઈ દબાણ વશ હેલિકોપ્ટર ઊડયું કે સહજ ક્રમે તે નથી સમજાતું? આ બધી શંકાઓને આધાર મળે એવી વાત નિવૃત્ત બ્રિગેડિયર સુધીર સાવંતે કરી છે, તેમણે હેલિકોપ્ટર ક્રેશ થવામાં એલ.ટી.ટી.ઈ. – આઈ.એસ.આઇ.ના સ્લીપર સેલની સંડોવણી જોઈ છે. 35 વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવનાર સાવંતને બોમ્બ પ્લાન્ટ થયો હોવાની શંકા છે. સી.ડી.એસ.ના ચોપરને ટાર્ગેટ બનાવવું લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઇલમ(એલ.ટી.ટી.ઈ.)ની રણનીતિનો ભાગ હોઈ શકે એવું બ્રિગેડિયર સાવંતનું માનવું છે. એવી જ, ષડ્યંત્રની શંકા સિનિયર બી.જે.પી. લીડર ને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ કરી છે. તેમનું કહેવું છે કે તપાસ ન તો સેનાની વ્યક્તિને કે ન તો સરકારની કોઈ વ્યક્તિને સોંપાવી જોઈએ. આખી તપાસ સુપ્રીમ કોર્ટને સોંપાય તો જ સાચી વાત બહાર આવશે એવું સ્વામીને લાગે છે.

જનરલ રાવતને લઈને ઊડેલાં હેલિકોપ્ટરમાં ખરેખર શું બન્યું તેની આ ક્ષણે તો કશી પાકી ખબર નથી, તપાસમાં કૈં બહાર આવે કે ન આવે, પણ એટલું નક્કી છે કે જનરલ રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત બીજી અગિયાર વ્યક્તિઓ કદી પણ પાછી ફરવાની નથી, ગમે તેવી ઉત્તમ તપાસ પણ આ લશ્કરી અધિકારીઓને પરત લાવી શકે એમ નથી. હકીકત એ છે કે મૃત્યુ, લેવામાં જ માને છે, પરત કરવાનું તેનાં લોહીમાં નથી ! ને દુ:ખદ છે તે આ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ડિસેમ્બર 2021

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == / [4]

સુમન શાહ|Opinion - Opinion|10 December 2021

મારા FB મિત્રોમાં વિદ્યાર્થીમિત્રો ઘણા છે. એમાં એક-બે મિત્રમંડળી પણ છે. એ લોકો અવારનવાર મને, સર, આ વિશે લખો ને અમારે એ જાણવું જરૂરી છે, એમ કહેતાં હોય છે. છેલ્લા કેટલાક વખતથી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર વિશેની વિનન્તી ચાલ્યા કરી છે. એ તો ગહન વિષય છે. પણ 'મારી વિદ્યાયાત્રા'માં મારાં લેખનની વાત કરતી વખતે મેં એના જે થોડા નિર્દેશ કર્યા છે તે અહીં મૂકું છું :

'હું લખતો થયો, લખું છું, લખતો રહીશ' પ્રકરણનો એક અંશ અહીં રજૂ કરું છું :

હું સંસ્કૃત કાવ્યશાસ્ત્ર ભણ્યો છું, ભણાવ્યું ય છે. અધ્યયન-અધ્યાપનના એ અનુભવોથી પણ લેખનને વિશેની મારી દૃષ્ટિ વિકસી છે.

‘નાટ્યશાસ્ત્ર’-માં ભરત મુનિએ આપેલું ‘રસસૂત્ર’ હું કાયમ ભણાવતો. સૂત્ર એમ છે કે – વિભાવ અનુભાવ અને સંચારીભાવના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. મને સમજાયેલું કે હું વાર્તા લખું એમાં મારે આ ભાવોનો સંયોગ કરવો રહે, મારો વાચક એ સંયોગને સમજે, એ પણ પોતાની સર્જકતાથી સંયોગ કરે, તો રસની નિષ્પત્તિ થાય. અને મારી વાર્તા સ-ફળ થઈ કહેવાય. એને રસાનુભવ થાય અને આનન્દ મળે. ટૂંકમાં, મારે ભાવોને એવી રીતે સંયોજવાના જેથી વાચક એમાં જોડાય, પૂરો સક્રિય થાય, અને મારો એ સર્જનવ્યાપાર રસરૂપને વરે.

ભાવોનું એ રીતે રસમાં રૂપાન્તર થાય એ ખરું, મારી અને મારા વાચકની સર્જકતા અનુસાર એ સિદ્ધ પણ થાય, પરન્તુ એ બધું થવાનું તો ભાષાની ભૂમિકાએથી, ઉચિત શબ્દોની અર્થવત્તાથી થવાનું. કેમ કે છેવટે તો કોઈ પણ રચના એક ભાષિક હસ્તી હોય છે. મને એવો સાર પકડાયેલો કે મારી વાર્તામાં સર્વેસર્વા ને કોઈપણ પરિણામ બાબતે નિર્ણાયક બનનારી કોઈ વસ્તુ હશે, તો તે છે ભાષા !

ક્રમે ક્રમે મને પ્રશ્ન એ થયેલો કે લેખન વિશે શીખવા મળે એવા ભાષાવિષયક ઠેકાણાં કયાં – એવાં કે જ્યાંથી મને એવા સંકેતો મળે જેથી હું કંઈ ને કંઈ શીખી શકું. અને મેં સારવેલું કે એ સંકેતો રસ અને ધ્વનિ સમ્પ્રદાયમાંથી મળવાની શક્યતા નહિવત્ છે. એટલા માટે કે એમાં રસાનન્દને લક્ષમાં લેવાય છે કેમ કે સામાન્યત: એ બન્ને સમ્પ્રદાયો અનુભવલક્ષી છે. એટલે પછી એમાંથી મુક્ત થઈને મારી લેખનપરક સૂઝબૂઝ, રીતિ અલંકાર અને વક્રોક્તિ સમ્પ્રદાયો વિશે ઠરી કેમ કે એ ત્રણેય સમ્પ્રદાયો અનુભવને નહીં પણ અનુભવને પ્રગટાવનારી ભાષાને લક્ષમાં લે છે.

સાહિત્યનું માધ્યમ ભાષા છે – મીડિયમ, તેમ ભાષા એનું ઉપાદાન પણ છે – મટિરિયલ. મેં વિચાર્યું કે લેખક તરીકે મારે મારી સર્વ શક્તિઓને એ બે હકીકતો વિશે જોડવાની જરૂર છે. એમ કરવું મારા માટે આવશ્યક છે એટલું જ અનિવાર્ય છે.

Short note about Kalidas in sanskrit language.

Pic Courtesy : Brainly.com

સંસ્કૃત કાવ્યશાસ્ત્રના કેન્દ્રમાં રસ છે પણ રસની પ્રકૃતિ સૂચવનારું તત્ત્વ ધ્વનિ પણ એમાં છે. રસ અને ધ્વનિ બન્ને સમ્પ્રદાયો કાવ્યવિચારની પરમ સીમા દર્શાવે છે એ ખરું, એ પણ ખરું કે બન્ને ખૂબ જ ધ્યાનાર્હ છે. પરન્તુ જુઓ કે – રીતિને કાવ્યનો આત્મા કહેનારા વામન આદિ કાવ્યશાસ્ત્રીઓ – અલંકારને કાવ્યનું સર્વસ્વ ગણનારા ભામહ આદિ આલંકારિકો અને રસસિદ્ધ કાવ્યનું જીવિત – પ્રાણ – તો વક્રોક્તિ છે એમ કહેનારા કુન્તક આદિ કાવ્યાચાર્યો પણ એટલા જ ધ્યાનાર્હ છે. મારી દૃષ્ટિ તો એમ કહે છે કે એ ત્રણ સમ્પ્રદાયોના ઉમેરણથી જ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સુસમ્પન્ન થયું છે.

જુઓ, રસ અનુભવ છે પણ રીતિ એ અનુભવને જન્માવનારો એક અતિ આવશ્યક વ્યાપાર છે. આચાર્ય વામન રીતિને કાવ્યનો આત્મા કહે છે પણ તરત જણાવે છે કે ‘વિશિષ્ટા પદરચના રીતિ’ અને ઉમેરે છે કે ‘વિશેષો ગુણાત્મા’.

રસ અનુભવ છે પણ એ અનુભવને જન્માવનારું એક અતિ મહત્ત્વનું તત્ત્વ તો અલંકાર છે. સાહિત્યકૃતિ કર્ણમંજુલ હોય છે. એ મંજુલતા જન્મે છે, શબ્દાલંકારોથી. સાહિત્યકૃતિ અર્થસમ્પન્ન હોય છે. એ સમ્પન્નતા જન્મે છે અર્થાલંકારોથી.

અને જુઓ, કોઈ પણ અલંકારની પ્રકૃતિ સૂચવનારું તત્ત્વ વક્રોક્તિ છે. જ્યારે માણસ વક્ર અને તેથી સુન્દર લાગે એવું બોલતો હોય છે, ત્યારે રસપ્રદ લાગે છે, વધારામાં એ કવિ પણ ભાસે છે. કાવ્યના સમગ્ર વ્યાપારને કુન્તક વક્ર ગણે છે.

રીતિ અલંકાર અને વક્રોક્તિ ભાષાના ગુણો છે. માધુર્ય વગેરે ગુણોના અનુલક્ષમાં પ્રાસાદિક કે કઠોરતા વગેરે ગુણોના અનુલક્ષમાં નારીકેલપાક આદિ રીતિઓનો વિચાર થયો છે. ભામહે ‘કાવ્યાલંકાર’-માં ૩૯ અલંકાર વર્ણવ્યા છે. દણ્ડિએ ‘કાવ્યાદર્શ’-માં ૩૫ અલંકારોની નિરૂપણા કરી છે. અલંકારવિષયક સંસ્કૃત ગ્રન્થોમાં બધા મળીને ૧૪૦-થી વધુ અલંકાર દર્શાવાયા છે. કુન્તકે ‘વક્રોક્તિજીવિતમ્’-માં વક્રોક્તિના ૬ પ્રમુખ પ્રકાર વર્ણવ્યા છે. શબ્દાલંકારોના મૂળમાં પદ-પૂર્વાર્ધ આદિ વક્રોક્તિઓ છે, તો અર્થાલંકારોના મૂળમાં વાક્યવિન્યાસ વક્રોક્તિ છે. કુન્તક તો પરિચ્છેદ અને સમગ્ર રચનાવિષયક પ્રબન્ધ-વક્રતાની પણ વાત કરે છે.

આ બધા ભાષિક ગુણો ખરેખર તો ભાષિક રૂપો છે – linguistic forms. ઉપર આંકડા આપીને દર્શાવ્યું એમ એ રૂપોની શક્યતાઓ અપાર છે. લેખકની સર્જકતાને ભાષા મૉકળું મૅદાન અર્પે છે. એ મૅદાન જીવન જેટલું વિશાળ છે.

મેં પશ્ચિમનો સાહિત્યવિચાર પણ જાણ્યો છે. ‘ન્યૂ ક્રટિસિઝમ’ ભણાવ્યું છે. એ વિશે લખ્યું છે. એ વિદ્યાવ્યાસંગથી પણ લેખનને વિશેની મારી દૃષ્ટિ વિકસી છે. એક આધુનિકતાવાદી વિચારક તરીકે હું ભરત-કથિત વિભાવાદિને સામગ્રી – કન્ટેન્ટ – અને સંયોગને સર્જનાત્મક રૂપ – ફૉર્મ – ગણું છું, creative form. પણ કહું કે એ એક નથી, અનેક છે, અન્તહીન છે. જો કે એને પણ ધારણ તો કરે છે, મૅટાફર મૅટોનમિ ઇમેજ સિમ્બલ વગેરે ભાષિક રૂપો ! એ બધાં, રીતિ અલંકાર અને વક્રોક્તિનાં ભાઈભાંડું જ છે.

હું સમજવા લાગેલો કે ભાષિક રૂપોને મારે સર્જનાત્મક રૂપો સાથે સંયોજવાં જોઈશે, ને તો જ હું ભાષા અને કલા વચ્ચે મનોરમ્ય સાયુજ્ય રચી શકીશ.

કાવ્યશાસ્ત્રનું અપર નામ અલંકારશાસ્ત્ર છે. અતિશયોક્તિ એક અલંકાર તો છે જ પણ તાત્ત્વિક રીતે જોતાં અલંકારમાત્ર અતિશયોક્તિ છે. એથી પણ આગળ વધીને એમ કહેવાય કે સાહિત્યકલા પોતે પણ અલંકાર જ છે અને એક અર્થમાં અતિ પણ છે.

ઍરિસ્ટોટલે કહેલું એમ સાહિત્ય કશુંક અતિ છે. એમાં સારાં જનોને વધારે સારાં અને નરસાંને વધારે નરસાં બતાવાય છે. જીવનમાં માથાભારે માણસ મળી આવે છે પણ દસ માથાંવાળો – દશાનન – નથી મળતો, સાહિત્યમાં મળે છે. બળિયો મળી આવે છે પણ વીસ ભુજાવાળો નથી મળતો, સાહિત્યમાં મળે છે. હાથી હોય છે પણ ૭ સૂંઢવાળો તો સાહિત્યમાં જ હોય છે.

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પાસેથી મને બીજું પણ ઘણું શીખવા મળ્યું છે. તે કાળે કવિપદવાંછુ માટે પિંગળ અને ‘અમરકોશ’-નું અધ્યયન અનિવાર્ય હતું. જુઓ ને, આપણા નર્મદને પિંગળ શીખવું જરૂરી લાગેલું. જાણીતું છે કે એણે ગોરધન કડિયાને પટાવીને એના પટારામાંથી ‘છન્દરત્નાવલિ’ મેળવી લીધેલું. રામનારાયણ પાઠક-વિરચિત ‘બૃહદ પિંગળ’ મેં બરાબર જોયેલું. કદાચ એટલે જ હું છન્દથી ભાગી ગયો હોઈશ ! કાવ્યપાઠ અને કાવ્યગાનની તાલીમ મેળવવી પણ ત્યારે એક અનિવાર્યતા હતી. સમુચિત પાઠ વખતે દરેક વર્ણનું કદ-માપ સચવાય છે અને ગાન વખતે દરેકનું સ્વ રૂપ, એટલે કે નાદ, ધ્વનિ સચવાય છે.

મને આજે પણ કાવ્યપાઠ કરવો ગમે છે બલકે એથી હું મારી વાર્તાઓનું પણ કલાત્મક પઠન કરતાં શીખ્યો છું. ‘અમરકોશ’ મેં વાંચ્યો નથી પણ જાણ્યું છે કે પર્યાયો અને અર્થચ્છાયાઓની એમાં સદૃષ્ટાન્ત ચર્ચાઓ છે.

આચાર્ય મમ્મટે યશ ધન વગેરે ૬ 'કાવ્યપ્રયોજનો' ગણાવ્યાં છે. મારે નક્કી કરવાનું હતું કે સાહિત્ય લખીને હું કયું પ્રયોજન પાર પાડવા માગું છે. સાહિત્યકાર તરીકેનો યશ તો કોને નથી જોઈતો? પણ લખીને હું પૈસાદાર થવા માગું છું તો આ મલકમાં થવાશે કે કેમ એનો, મને થયું, મારે તોલ બાંધવો જોઈશે. કહી દઉં કે મેં ધનના કે વ્યવહારજ્ઞાનના કે શિવેતરક્ષયના પ્રયોજનથી કદી નથી લખ્યું. આનન્દનું પ્રયોજન રાખ્યું છે ને મારું લેખન કાન્તાની રીતેભાતે મારા વાચકને ઉપદેશ આપે તેનો મને વાંધો નથી હોતો. પણ હું જાતે કાન્તા બનું ને મારી વાર્તામાં ઉપદેશને વણી લઉં એવી ચતુરાઈ મેં કદી કરી નથી.

'કાવ્યહેતુ'-ની વાત કરતાં આ કાવ્યાચાર્યોએ ‘પ્રતિભા’, ‘વ્યુત્પત્તિ’ અને ‘અભ્યાસ’ એમ ત્રણ કાવ્યહેતુ ગણાવ્યા છે. અહીં ‘હેતુ’ એટલે કે કારણસમવાય, કાવ્યસર્જનનાં પરિબળો. પ્રતિભા ઈશ્વરે આપી હોય, તો હોય. પણ ન આપી હોય તો એમાં આપણો કશો વાંક નથી હોતો. રવીન્દ્રનાથ ૭ વર્ષની વયે પયાર છન્દમાં કશુંક રચી શકે, પણ હું કંઈ એવો ‘પ્રોડિજી’ એટલે કે, અજબગજબ, થોડો છું? નથી. મારાથી કે બીજા સાહિત્યકારોથી સમ્પ્રાપ્ત જીવનમાં જે કંઈ લખાય એનો જ મહિમા છે.

પ્રતિભાનો આંધળો મહિમા ગાનારા કોઈ કોઈ કાવ્યશાસ્ત્રીઓએ એમ પણ કહ્યું છે કે પ્રતિભા વિનાનાએ લખ્યું હશે તો એ ઉપહસનીય થશે. ઉપહસનીય એટલે હસી કાઢવા જેવું. હાસ્યાસ્પદ. આપણે ત્યાં આજકાલ આપણી આસપાસ એ પ્રકારનું હસી લેવાને ઘણી ઘણી તકો છે પણ આપણે નથી હસતા. શાણા થઈને લિટરરી કલ્ચરનો મલાજો પાળીએ છીએ : ચલાવી લેવાનું. બધા સરખા ન હોય. આપણા આ કવિ કેટલા પ્રતિભાશાળી છે, એમને માણો.

મને પ્રતિભાશાળીમાં ગણાઈ ગયેલાનાં લેખનો જરૂર ગમે પણ હું એના બાહ્ય ઠાઠમાઠથી અંજાઈ ન જઉં. કેમ કે પ્રતિભા એની આપ-સરજત નથી હોતી ને તેથી મારાથી એનો બારોબારિયો મહિમા નથી થતો. દાઢી-વાળ વધારવાથી ને સુષ્ઠુ સુષ્ઠુ વાણીનો વિલાસ કરવાથી કોઈ પ્રતિભાશાળી દેખાતો થાય એથી હું સાવધ રહું છું. રવીન્દ્રનાથ રવીન્દ્રનાથમાં કે બૉર્હેસ બૉર્હેસમાં ફર્ક હોય છે.

‘અભ્યાસ’ એટલે રોજે રોજનો મ્હાવરો, રિયાઝ. અંગ્રેજી શબ્દ છે, પ્રૅક્ટિસ. સર્જકે પોતાની વર્કશોપમાં અહર્નિશ પરોવાયેલા રહેવું તે. હરિપ્રસાદ ચૉરસિયા ભલે કશી તાકીદ ન હોય, રોજ સવારે બાંસુરીવાદન કરે તે. વાન ગોઘ ભલે કશું કારણ ન હોય, મન પડે ત્યારે ત્યારે ચીતરવા માંડે તે. પણ આપણા સરેરાશ સાહિત્યકારને એ નથી ફાવતું. એને થાય છે, હથોટી આવી ગઈ છે પછી એવી ખટપટ શું કામ કરવી. એટલે એ તો, બધા લખતા હોય એમાં સીધો જ જોડાઈ જાય છે.

૬૦-૫૫ વર્ષ પર આધુનિકતાએ આપણે ત્યાં પોતાનાં સત બતાવવા માંડેલાં એ અરસામાં આપણા સાહિત્યકારોને એની કેવી તો લ્હૅ લાગેલી ! કવિ કે કવયિત્રી અછાન્દસ જ લખે. નાટ્યકાર નાટક ઍબ્સર્ડનું જ ગોઠવે. વાર્તાકાર વાર્તામાં ઘટનાનો લોપ કરે જ કરે. નિબન્ધકાર નિબન્ધમાં અતીતરાગી કલ્પનોની ભરતી કરે પછી જ ટાઢો પડે. દરેકને બા, બાપુ ને દાદા સાંભરે જ સાંભરે ! દરેકે નાનપણમાં રામાયણ-મહાભારતની કથાઓ સાંભળી જ હોય ! હિહિ કરતો ક્હૅ – મારી ‘પોસ્ટઑફિસ’ સાલી ખુલ્લી રહી ગયેલી ! એને થાય, હાલ ટાઇવાળા જ્ઞાનીઓ જેનાં વખાણ કરતાં થાકતા નથી એ અનુ-આધુનિકતામાં હું ય ઝંપલાવું. અનુ-આધુનિક ગણાઈશ, વટ પડશે !

આજે પણ ચાલુ ગાડીએ ચડી સાહિત્યજંગ જીત્યાની વ્હિસલો વગાડવાની પ્રવૃત્તિ ફાલી છે. એટલા માટે કે કડક ટીકા નામનું લાલ ફાનસ બતાવનારા મોવડી વિવેચકો જૂના વેઇટિન્ગરૂમમાં નિદ્રાધીન છે …

પણ મને 'અભ્યાસ' નામક કાવ્યહેતુમાં રસ પડેલો છે. અભ્યાસ એટલે કલાની નિર્હેતુક સાધના. સાધના વડે સાહિત્યકાર પોતાની કલાને જીવન્ત રાખે છે અને એ રીતે પોતાના જીવનને અર્થવતું કરે છે. મને ક્યારે મનમાં બેસી ગયું, યાદ નથી, કે મારે પણ રોજે રોજ લખવાનો અભ્યાસ કરવો જોઈશે. મારી જીવનશૈલીમાં એની એક રિવાજ રૂપે સ્થાપના થવી જોઈશે. એ દિવસથી આ ઘડી લગી મેં એ રિવાજ પાળ્યો છે. આટલાં વરસે આશ્ચર્ય પણ થાય છે કે રોજ સવારે હું એ કરતો રહ્યો છું તે શી રીતે ચાલ્યું છે …

પણ ‘વ્યુત્પત્તિ’-ને શરૂઆતમાં હું એક સામાન્ય જાણકારી સમજતો’તો. એમ કે સાહિત્યકારને પુષ્પોની, પંખીઓની, ઋતુઓની ખબરો હોવી જોઈએ. પણ પછી વ્યુત્પત્તિ-વિચારને મેં મારી રીતે ઘટાવ્યો છે : વ્યુત્પત્તિ એટલે વિદ્વત્તા – અંગ્રેજી શબ્દ છે, erudition : સર્જકે જાણવું રહે કે દેશ દુનિયા સમાજ કેમ ચાલે છે; પ્રકૃતિ શું છે, મનુષ્યપ્રકૃતિ શું છે, સંસ્કૃતિ શું છે, મનુષ્યપુરુષાર્થ શો છે, માનવનિયતિ શું છે – વગેરે વગેરેનું જ્ઞાનભાન, સૂઝબૂઝ, તે વ્યુત્પત્તિ.

સાહિત્યકાર વ્યક્તિની વ્યુત્પત્તિ તે એના જીવનના તમામ સંદર્ભોને વિશેની જાગૃતિ, સાવધાની, તકેદારી, કહો કે, સમ્પ્રજ્ઞતા. મને સમજાયું હતું કે મારી એ સમ્પ્રજ્ઞતા લોકલને વિશે તેમ જ યુનિવર્સલને વિશે હોવી જોઈશે. હું ગુજરાત અને ભારતને જાણીને બેસી રહું તે નહીં ચાલે.

મારે મને આવડતી ભાષા ઉપરાન્તના અન્ય ભાષાના વિશ્વભરમાંથી ઉપલબ્ધ સાહિત્યને સમજવું જોઈશે. વાંચી-લખીને હું જેમ મારા અંગત સમયનો ધબકાર અનુભવું છું તેમ મારે જાગતિક સમયને – ટાઇમસ્પિરિટને – પણ અનુભવવો જોઈશે.

સમગ્રપણે એમ કહેવાય કે જિવાતા દેશકાળ અંગે કલાકાર જીવને હોય એવી ભારોભારની નિસબત તે વ્યુત્પત્તિ.

આ નિસબત કશા ચૉક્કસ કારણ સાથે જોડાય છે ત્યારે ‘પ્રતિબદ્ધતા’ બની જાય છે. અને ત્યાંથી વાત એક જુદો જ વળાંક પકડે છે…

(December 10, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,7881,7891,7901,791...1,8001,8101,820...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved