Opinion Magazine
Number of visits: 10,225,546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંદૂકવાલાઃ અંતરાત્માનો અવાજ

ગણેશ દેવી|Opinion - Opinion|16 February 2022

વડોદરા વીસમી સદીમાં કોસ્મોપોલિટન શહેર ગણાતું. હું ૧૯૮૦માં અહીં સ્થાયી થયો એ પછી કોમી બહિષ્કારની બે ઘટનાઓ જોઈને અને ઘણા દાયકાઓ પહેલાં ઘટેલી ત્રીજી વિશે વાંચીને જરા વિચલિત થયો. પહેલાંના સમયમાં બનેલી એ ત્રીજી ઘટના બાબાસાહેબ આંબેડકરને લગતી હતી. કોલમ્બિયા યુનિવર્સિટીમાં તેમનો અભ્યાસ પૂરો કરીને તેઓ વડોદરા આવ્યા ત્યારે તેમણે એક પારસીના ઘરમાં આશ્રય લેવો પડ્યો હતો, કારણ કે ભલે તેમને બરોડાના મહારાજાના બરોડા સ્ટેટના કાનૂન અધિકારી તરીકે નિમ્યા હોય, પણ તેમને કોઈ હિન્દુ પરિવાર ઘર ભાડે આપવા તૈયાર નહોતો. આ અભિગમથી વ્યથિત થઈને આંબેડકરે બે અઠવાડિયાંમાં આ શહેર છોડવાનો ર્નિણય કર્યો.

મેં જે બે પ્રસંગ નજીકથી જોયા તેમાંના એકમાં ખ્યાતનામ નાટ્યકાર હબીબ તન્વીરને હાલાકી ભોગવવી પડેલી. ૧૯૮૫માં તેઓ વડોદરા આવેલા અને એક વર્ષ રહીને એક નવું નાટક તૈયાર કરવાના હતા. આંબેડકરની જેમ તન્વીરને પણ થોડા જ સમયમાં શહેર છોડવું પડેલું. હિન્દુઓ એક મુસ્લિમને ઘર આપવા તૈયાર નહોતા, અને મુસ્લિમો એક વામપંથીને પોતાની નજીક આવવા દેવા તૈયાર નહોતા. એંસીના દાયકામાં આર.એસ.એસ.એ ગુજરાતને પોતાની પ્રયોગશાળા બનાવવાનું કામ શરૂ કરી લીધું હતું. તેનાં પરિણામો પછીથી દેશ–દુનિયાની સામે આવવાનાં હતાં.

સામાજિક બહિષ્કારનું જે ત્રીજું પ્રકરણ હું જાણું છે તે છે જે.એસ. બંદૂકવાલાનો અનુભવ. ન્યુક્લિયર ફિઝિક્સનું ભણતર પૂરું કરીને તેઓ સિત્તેરના દાયકાની શરૂઆતમાં મ.સ. યુનિવર્સિટીમાં ભણાવવા આવ્યા હતા. તેમને તેમની જ કોમે અળગા કર્યા – તે શું હતા તે કારણે નહિ પણ તેમના વિચારોના કારણે. અજાઝ અશરફ સાથેની એક મુલાકાતમાં તેમણે કહેલું, “અમેરિકામાં મારો અભ્યાસ પૂરો કર્યા પછી હું ૧૯૭૨માં ભારત પાછો આવ્યો. એક વાર વડોદરામાં મેં (મુસ્લિમોના બોહરા સમુદાયના આધ્યાત્મિક નેતા) બોહરા સૈયદનાને જોયા. તેઓ એક બગીચામાં નમાઝ પઢી રહ્યા હતા. મને થયું કે હું એમને મળીને જઉં અને મેં તેમના પરિવારની બે વ્યક્તિઓ સાથે વાત કરી. મેં તો પેન્ટ–શર્ટ પહેર્યાં હતાં. તેમને જ્યારે ખબર પડી કે હું પણ બોહરા છું, ત્યારે તેમણે ઊંચા અવાજે મને કહ્યું કે મેં સૈયદનાને આવા લિબાસમાં મળવાનું કેવી રીતે વિચાર્યું. કોઈ બોહરા જ્યારે સૈયદના સાહેબને મળે ત્યારે તેણે બોહરા સમુદાયનો પરંપરાગત પોષાક પહેરવાનો હોય છે, અને અમુક રીતે જ ઊભા રહીને અમુક રીતે જ તેમની સમક્ષ જવાનું હોય છે. એ લોકોએ મને કહ્યું કે, તમારે તો ‘અબ્દે સૈયદના’ (એટલે કે સૈયદનાના ગુલામ) તરીકે વર્તવું જોઈએ. મેં કહ્યું કે અલ્લાહ સિવાય કોઈના પણ ગુલામ થવું મારે માટે અશક્ય છે. તેમણે મારા પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો, પણ હું કોઈ સમાધાન કરવા તૈયાર નહોતો.”

એંસીના દાયકામાં હું મ.સ. યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં ભણાવતો હતો, બંદૂકવાલા ભૌતિકશાસ્ત્ર વિભાગમાં; અને મને એમની ઓળખાણ કરવાનું મન થાય તે સ્વાભાવિક હતું. મેં ત્યારથી અત્યાર સુધીની એમની સંઘર્ષયાત્રા નજીકથી જોઈ છે, તેમની હિમ્મત અને જાન લેવા ધમકીઓ સામે પણ ર્નિભયપણે પોતાની વાત કહેવાની તેમની ક્ષમતાથી હું પ્રભાવિત પણ થયો છું અને પ્રેરિત પણ. અડધી સદીથી, છેક ૨૯મી જાન્યુઆરીએ તેમના અવસાન સુધી, તેમણે સત્તાધીશો સામે સત્ય બોલવાનું – સ્પીકિંગ ટ્રુથ ટુ પાવર – છોડ્યું નહિ, અને એ માટે ભારે કિંમત પણ ચૂકવી.

યુવાનીમાં જ્યારે તેઓ લેક્ચરર હતા અને યુનિવર્સિટી કેમ્પસમાં એક હોસ્ટેલના વોર્ડન હતા, ત્યારે અમુક વિદ્યાર્થીઓએ તેમના ઘરમાં ઘૂસીને બધું વેરણછેરણ કરી નાંખેલું. તેમણે જ્યારે ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે યુનિવર્સિટીના સત્તાવાળાઓએ તેમની રજા અરજી મંજૂર કરવાની ના પાડી. યુનિવર્સિટીના ઇતિહાસમાં એક અપવાદ સર્જીને તેમણે કેમ્પસમાંના તેમના કામ માટે વેતન લેવાની ના પાડી. તેમણે ગરીબ પરિવારોનાં બાળકોને કોઈ ફી લીધા વિના ભણાવવાનું શરૂ કર્યું. સાથે પોતાનું ઘર ચલાવવા તે સમૃદ્ધ પરિવારોનાં પણ થોડાંક બાળકોને ભણાવતા. લેક્ચરર તરીકે તેમને જે નાનો ફ્લેટ મળેલો તેના પર ગુંડાઓએ હુમલો કર્યો તે પછી યુનિવર્સિટીએ તેમને પ્રોફેસરો માટેના મોટા ફ્લેટમાંથી એક આપેલો, ત્યાં થોડો સમય રહ્યા પછી તેઓ સમા વિસ્તારમાં બનાવેલા એક બંગલામાં રહેવા જતા રહ્યા. ૨૦૦૨નાં રમખાણો વખતે એ ઘર પર પણ ટોળાએ હુમલો કરેલો. મિત્રોની મદદથી તેઓ ભાગી નીકળી શક્યા, નહિતર એ દિવસે તેમને જાનનું જોખમ હતું. પણ હુમલાખોરોએ પરિવારની જૂની તસવીરો અને જૂના પત્રો જેવી તેમની સૌથી વધુ અમૂલ્ય ચીજવસ્તુઓ તેમની નજર સામે સળગાવી નાખી હતી, એ વાત તેમણે મને કહેલી.

રમખાણો પછી તેમણે તેમનાં સંતાનોને વડોદરાથી છેટે મોકલી દીધાં, અને પત્નીના અવસાન પછી તેઓ એકાકી જીવન ગાળી રહ્યા હતા. એ દરમિયાન પણ તેમણે સમાજ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું, અસંખ્ય બાળકોના ભણતર માટે નાણાકીય મદદ કરી, સામાજિક સંવાદિતાને સ્પર્શતા મુદ્દાઓ પર લખવાનું આગળ વધાર્યું, અને સૌથી મહત્ત્વનું એ કે ર્નિભયતાનો સદ્દગુણ પકડી રાખ્યો. જીવનભર તેમણે મુસ્લિમ મુલ્લાઓના ફતવા અને ઝનૂની હિન્દુઓની ધમકીઓ અને સતામણીનો સામનો કર્યો.

તેમની ઓળખ અને વિચારોના કારણે તેઓ વડોદરાનાં ભારે ભૌતિકવાદી અને કંઈક અંશે બોહેમિયન વર્તુળોથી વિખૂટા જ રહ્યા. મોટા ભાગનો સમય તો વડોદરાના મહાનુભાવો એમ જ વર્તતા કે બંદૂકવાલા અહીં પ્રતાપગંજમાં એક નાના ફ્લેટમાં હજુ રહે છે એ વાત જાણે તેઓ સૌ ભૂલી જ ગયા હોય. જો કે, દુનિયાના ખૂણેખૂણેથી અગ્રણી વિચારકો અને સામાજિક નેતાઓ જ્યારે બંદૂકવાલાને મળવા આવતા ત્યારે તે સૌને તેમની હયાતીની નોંધ લેવાની ફરજ પડતી.

એક અંતરાત્માનો અવાજ (કોન્શ્યન્સ કીપર), જેને પોતાના શહેરમાં અવગણના અને વિશ્વભરમાં નામના મળી; એક પ્રેરણાદાયી મિત્ર, અને માનવસમ્માન અને સમાનતા માટેના જુઝારુ લડવૈયા એવા જે.એસ.બી.એ આ દુનિયામાંથી વિદાય લીધી છે. વડોદરાના નૈતિક માળખામાં એક મોટી ગેરહાજરી અને કોમી વિખવાદમાં ફસાયેલા આપણા દેશની સામૂહિક સ્મૃતિમાં એક મોટી છાપ તેમણે છોડી છે.

અનુવાદ :  આશિષ મહેતા

(મૂળ લખાણ અંગ્રેજીમાં, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ૩૧મી જાન્યુઆરીએ પ્રકાશિત થયેલું, અનુવાદ સૌજન્યથી.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 08

Loading

ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં અવસર જોવાનો ‘ખેલ’

કિરણ કાપુરે|Opinion - Opinion|15 February 2022

સરકાર ગેમિંગ ક્ષેત્રમાં શક્યતા જોઈ રહી છે. એક સમયે ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝને કાયદેસર રાખવી કે નહીં તે વિશે ચર્ચા થતી. હવે ખુદ સરકાર આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું મન બનાવી ચૂકી છે. આ અર્થે નાણાં મંત્રીએ બજેટ સુધ્ધામાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીનો ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત, પોસ્ટ બજેટ સ્પીચમાં વડા પ્રધાને પણ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં યુવાનો માટે ભરપૂર તકો છે તેમ કહ્યું. આગામી બે વર્ષમાં આ ઇન્ડસ્ટ્રીઝમાં થોકબંધ રોકાણ થવાનું છે. આ અંદાજો સ્વાભાવિક છે કે ગત વર્ષોમાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીના વધી રહેલાં વ્યાપથી લગાવવામાં આવ્યો છે. દસ વર્ષ અગાઉ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ સામાન્ય હતો, પરંતુ સ્માર્ટ ફોનની જે રીતે સંખ્યા વધવા માંડી તે રીતે ગેમિંગનો હિસ્સો માર્કેટમાં વધવા માંડ્યો. હવે તો તે ઓર વધશે કારણ કે કિશોર વયના જ નહીં, પણ બાળકોના હાથ સુધ્ધા હવે મોબાઈલ સુધી પહોંચી ચૂક્યા છે.

સમય પ્રમાણે બાળકોની વ્યસ્તતાનું એન્ગેજમેન્ટ પણ બદલાય છે. એક સમય હતો જ્યારે બાળકો આખો દિવસ શેરીમાં રમ્યા કરતાં. એક જગ્યામાં બાળકોને બેસાડી રાખવાનું સપને ય વિચારાતું નહીં. બાળક માટે મેદાની રમતો જ મનોરંજન હતી. તે પછી ટેલિવિઝન આવ્યાં અને તેમાં આવનારાં કાર્યક્રમોએ બાળકોની મેદાની રમતો છીનવાઈ તેવી ફરિયાદો થવા માંડી. જો કે આ ફરિયાદો છતાં ય ટેલિવિઝન બાળકોને સદંતર મેદાનથી અળગા ન કરી શકી. ટેલિવિઝનના આગમન ટાણે તેમાં કાર્યક્રમોની પણ મર્યાદા હતી. પરંતુ તે પછી શહેરમાં ઝડપથી બદલાયેલાં રહેણાંક ડિઝાઈનમાં બાળકોની ખુલ્લા જગ્યાની રમતો ઘટતી ગઈ. અને સ્માર્ટ ફોન આવ્યા બાદ તો જાણે બાળકોને ખીલે બાંધી દીધા હોય તેવી સ્થિતિ નિર્માવા માંડી. હવે તો બાળકોને ટાઇમપાસ કરવા માટે સ્માર્ટ ફોન સૌથી હાથવગું બની ગયું છે. અને તેમાં પણ ટેકનોલોજીના કારણે અવનવી ગેમ્સ બાળકોને કલાકો સુધી એન્ગેજ રાખી શકે છે.

ગેમિંગ જ્યાં સુધી ફાજલ સમયમાં અડધો-એક કલાકની વાત હોય ત્યાં સુધી તે સહ્ય છે અને તે રીતે અત્યાર સુધી ગેમિંગ જગ્યા હતી. પણ હવે જાણે બાળકોને તેમાં જ વ્યસ્ત કરી દેવાના હોય તેવો કારસો ઘડી કાઢવા સરકાર પણ બોલી રહી છે. વડા પ્રધાને સુધ્ધા તેમની સ્પીચમાં એમ કહ્યું છે કે, હવે બાળકોને આપણે ગેમ રમતા અટકાવી શકીએ એમ નથી. અને જો આમ ન કરી શકતાં હોય તો વિદેશી કરતાં આપણા જ યુવાનો કેમ ગેમ ન બનાવે.

સરકારનું આ ક્ષેત્ર પર ધ્યાન તેનાં વધી રહેલાં માર્કેટના આંકડાથી ગયું છે. 2014માં ડિજિટલ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝનો વેપાર 2,000 કરોડ સુધી સીમિત હતો, જે હવે છ ગણો વધીને એટલે કે 12,000 કરોડ સુધી પહોંચ્યો છે. ગેમિંગ ક્ષેત્રને એનિમેશન, કોમિક્સ અને વિઝ્યુઅલ ઇફેક્ટસ સાથે જ જોવામાં આવે છે, કારણ કે ટેક્નોલોજીની રીતે આ બધા ક્ષેત્ર એકબીજા સાથે સંલગ્ન છે. આ બધાં જ ક્ષેત્રનો એક વાર્ષિક અહેવાલ પ્રગટ થાય છે અને તે અહેવાલ મુજબ હાલમાં ગેમ ડેવલપિંગ કંપનીઓની સંખ્યા 250 મિલિયન છે, જે 2018 સુધી 20 મિલિયન હતી. આ રિપોર્ટ મુજબ હજુ સુધી દેશના મોટા શહેરોમાં જ ઓનલાઈન ગેમનું ચલણ છે. નાનાં શહેરો સુધી તેનું વળગણ પહોંચ્યું નથી. પણ આગામી સમયમાં ગામેગામ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ પહોંચે તે માટે તાડામાર તૈયારી થઈ રહી છે. જેમ કે સૌથી પહેલાં તો બધી જગ્યાએ સ્માર્ટ ફોન પહોંચી રહ્યા છે અને ઇન્ટરનેટની ફોર.જી. સ્પીડ સામાન્ય થઈ રહી છે. ગેમ માટે જરૂરી સંસાધનો છે તે હવે સર્વત્ર પહોંચી રહ્યાં છે અને એટલે તે માટે ગેમિંગ કંપનીઓએ બાંયો ચઢાવી છે. જેમ કે, ‘સુપરગેમિંગ’ કંપનીના સી.ઈ.ઓ. રોબી જોહ્ન મુજબ તેઓ હવે અવનવી ગેમ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમની ‘માસ્કગન’ નામની ગેમ ખાસ્સી પ્રચલિત છે અને અત્યાર સુધી તેની ડાઉનલોડિંગની સંખ્યા 60 મિલિયન સુધી પહોંચી છે. ગેમ ક્ષેત્રની તમામ કંપનીઓ અત્યારે સરકારે જે કહ્યું છે તે જ વાતનું પુનરાવર્તન કરી રહી છે. તેઓ બધી જ રોજગારી ખુલશે અને યુવાનોને તક મળશે તેમ કહીને ગેમનો વિસ્તાર કરવા માંગે છે. ખરેખર તો આ પૂરો ટ્રેન્ડ પશ્ચિમનો છે, જ્યાં બાળકો સામાન્ય રીતે શેરીઓમાં ટોળાંમાં રમતાં નથી. આપણે ત્યાં શેરી, સોસાયટી, પોળ કે ગામમાં બાળકો એક સાથે રમે તેવી પરંપરા છે. આ પરંપરાને હડસેલીને હવે તેમને એકલા ગેમ રમવા પર લઈ જવાની વાત કંપનીઓ કરી રહી છે.

બજેટમાં જેવી જાહેરાત થઈ તેના અનુસંધાને મુંબઈમાં અનેક ગેમિંગ કંપનીઓ માર્કેટમાં વધુ ઉત્સાહથી ઉતરવા માંગે છે. આમાં એક કંપની ‘લોસ્ટ ફેરી’ નામની છે. આ કંપનીના આર્ટ ડિરેક્ટર દિયા સેનગુપ્તા છે. તેમનું કહેવું છે કે આપણા દેશમાં વૈવિધ્ય ખૂબ છે, વાર્તાઓનો ખજાનો છે, કળા પ્રતિભા છે, પરંતુ ગેમિંગમાં પ્રવેશવા જે સ્ટાન્ડર્ડ પશ્ચિમના દેશોના છે, તે આપણી પાસે નથી. દિયાનું કહેવું છે તે માટે આપણે મહેનત કરવી પડશે. ગેમિંગ ક્ષેત્રમાં આવવા યુવાનો કેવી રીતે તલપાપડ થઈ રહ્યા છે તેના સરવે પણ કંપનીઓ રજૂ કરતી થઈ ગઈ છે. કંપનીઓને પણ ખબર છે કે ગેમિંગની સૌથી મોટી મર્યાદા બાળકોની આંખો, મસ્તિષ્કને થતું નુકસાન છે. ઉપરાંત બાળકમાં મેદાની રમતથી જે સાહસ ખીલે છે તે ડિજિટલ ગેમિંગ ક્યારે ય ન ખીલી શકે. તે માટે ગેમિંગ કંપનીઓ ક્યારે ય પણ ગેમ રમવાના લાભ તો દર્શાવી શકવાની નથી, તેથી તેઓ હવે રોજગારીનું ગાજર લટકાવીને ઇન્ડસ્ટ્રીઝને આગળ વધારવા માંગે છે.

ગેમિંગ કેટલું નુકસાન પહોંચાડી શકે તે થોડાં વખત પહેલાં સરકારે જ જાહેર કર્યું હતું. ‘મિનિસ્ટ્રી ઑફ એજ્યુકેશન’ દ્વારા જાહેર થયેલી એડવાઈઝરીમાં એવું સ્પષ્ટ હતું કે ગેમિંગ ક્ષેત્ર કેટલું ઘાતક છે. ભા.જ.પ.ના જ સુશીલ કુમાર મોદીએ તે વિશે જે ગેમિંગ એડિક્શન અંગે અહેવાલ રજૂ કર્યો હતો, જે અહેવાલ પર સરકારને એક્શન લેવાનું રાજ્ય સભાના ચેરમેન વૈકૈંયા નાયડુએ જણાવ્યું હતું. તે અહેવાલમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે, ઓનલાઈન ગેમિંગ બાળકોને તેના વ્યસન તરફ દોરી જાય છે. અને તેઓને ન રોકવામાં આવે તો ‘ગેમિંગ ડિસોઓર્ડર’ સુધી વાત પહોંચી શકે છે. વાલીઓ અને શિક્ષકો માટે તેમાં વિશેષ સૂચન કરવામાં આવ્યું હતું. એક સૂચન તો એવું ય હતું કે આ પ્રકારનાં ગેમિંગના એપ માટેના પેમેન્ટની કોઈ અપર લિમિટ નિર્ધારીત થવી જોઈએ.

આ ઉપરાંત પણ તે અહેવાલમાં જે નોંધ હતી તે પ્રમાણે ઓનલાઈન ગેમિંગમાં બાળકોથી અંતર રાખવાનું મુનાસિબ માનવામાં આવ્યું હતું. એક અન્ય નોંધ મુજબ ગેમિંગથી બાળકોને શારીરિક અને માનસિક તાણ પડે છે. આમ થવાનું કારણ દરેક નવી ગેમ વધુને વધુ અઘરી અને ગૂંચવણ ભરેલી હોય છે. અને જો તેમાં કોઈ સ્વમર્યાદા નક્કી ન કરવામાં આવે તો તે વાત એડિક્શન સુધી પહોંચતાં વાર લાગતી નથી.

ભા.જ.પ.ના સુશીલકુમારે ગેમિંગનાં ઘાતક નુકસાન બતાવ્યાં તેનું એક કારણ તેમાં વધી રહેલું એન્ગેજમેન્ટ છે. કોવિડ આવ્યા બાદ ગેમિંગમાં એન્ગેજમેન્ટ 65 ટકા સુધી વધ્યું છે. 43 કરોડથી વધુ લોકો વર્ચ્યુઅલ ગેમિંગમાં પોતાનો સમય વ્યતિત કરે છે. ગેમિંગમાં આ બધું જ ઝડપભેર થઈ રહ્યું છે કારણ કે તે અંગેના કાયદામાં ટેક્નોલોજી પ્રમાણે બદલાયા નથી. બીજું કે ગેમિંગ બાબતે કાયદા ઘડવાનો અધિકાર રાજ્યોને છે. આસામ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને તમિલનાડુ દ્વારા ગેમિંગ પર કેટલીક મર્યાદા મૂકી છે. તેમ છતાં બાળકોના ગેમમાં સટ્ટા સુધી પણ વાત પહોંચે છે. જેમ કે આપણે ત્યાં લુડો સૌથી પ્રચલિત ગેમ છે અને તે પણ આ પ્રકારના વિવાદમાં ઘેરાઈ ચૂકી છે. પબજી અને બ્લુવ્હેલ ચેલેન્જ જેવી ગેમ તો આત્મહત્યા અને હિંસા આચરવા સુધી લઈ જાય છે તેવું સાબિત થઈ ચૂક્યું છે અને હવે આ ગેમ પર પ્રતિબંધ પર લાદી દેવામાં આવ્યો છે.

જો કે હવે આ ક્ષેત્રનું નુકસાન સામે જોવાતું હોય અને તે નુકસાન બાળકોનું હોય તેમ છતાં જો સરકાર તેમાં રોજગારી અને તકો જોતી હોય તો હવે ધ્યાન લોકોએ જ રાખવાનું છે. નહીંતર નુકસાન સમાજને સરકારને પછી થવાનું છે પહેલાં તે નુકસાન પરિવારનું હશે.

e.mail : kirankapure@gmail.com

Loading

બજેટ અને વાસ્તવિકતા

રમેશ બી. શાહ|Opinion - Opinion|15 February 2022

બજેટનો એક ઉદ્દેશ અર્થતંત્રમાં જો કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો એનો ઉકેલ શોધવાનો હોય છે. આ દૃષ્ટિએ એ જોઈએ તો આગામી વર્ષ માટેનું કેન્દ્રીય અંદાજપત્ર વાસ્તવિક્તાથી વિમુખ રહીને તૈયાર કરવામાં આવ્યું છે. નોટબંધીથી શરૂ કરીને જેને અર્થતંત્રનું બિનસંગઠિત ક્ષેત્ર કહેવામાં આવે છે અથવા જેને અર્થતંત્રનું અનૌપચારિક ક્ષેત્ર કહેવામાં આવે છે તે સંકોચાતું જાય છે. અર્થતંત્રના આ વિભાગમાં લગભગ ૮૫ ટકા લોકોને રોજગારી મળે છે. આનો અર્થ એવો થાય કે લોકોને મળતી રોજગારી ઘટતી રહી છે. એમાં જી.એસ.ટી.ના અમલથી વધારો થયો છે. કોવિડની મહામારી દરમિયાન એક વધુ ફટકો લાગ્યો છે. આમ અર્થતંત્રના બિનસંગઠિત વિભાગમાં રોજગારી ઘટી રહી છે. અને પરિણામે લોકોની ગરીબીમાં વધારો થયો છે. આ ગરીબો અને બેકારોને એમનાં નસીબ ઉપર છોડવાાં આવ્યાં છે. બજેટમાં એના માટે કોઈ પગલાં સૂચવાયાં નથી.

અર્થતંત્રની બીજી સમસ્યા બેકારીની છે. જે યુવાનો અર્થતંત્રમાં રોજગારી શોધવા માટે આવે છે એમને રોજગારી પૂરી પાડી શકાતી નથી. એને પરિણામે અર્થતંત્રમાં છેલ્લાં ચાર કે પાંચ વર્ષોમાં બેકારીનું પ્રમાણ બેવડું થઈ ગયું છે અને બેકારી ઝડપથી વધી રહી છે. ત્યારે બજેટમાં આગામી પાંચ વર્ષોમાં કેટલાંક ક્ષેત્રોમાં રોજગારીમાં ૬૦ લાખનો વધારો થશે એ વાત ભારપૂર્વક કહેવામાં આવી છે. પણ દર વર્ષે જે ૯૦ લાખથી વધારે યુવાનો રોજગારી શોધવા માટે આવે છે એમના માટે રોજગારીનો કોઈ પ્રબંધ કરવામાં આવ્યો નથી. રોજગારીના અભાવમાં કેટલાક લોકો નિરાશ થઈને રોજગારી શોધવાનું જ માંડી વાળે છે. અર્થશાસ્ત્રની ભાષામાં એ લોકો શ્રમના બજારમાંથી બહાર નીકળી જાય છે એને પરિણામે ભારતમાં શ્રમનો સામેલગીરીનો દર બીજા વિકાસશીલ દેશોની તુલનામાં ઓછો છે. આને પરિણામે આપણે આપણી શ્રમશક્તિનો ઉપયોગ કરીને ગરીબીમાંથી બહાર આવી શકતાં નથી. ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાતો માત્ર વાતો જ રહી છે.

અર્થતંત્રમાં ફુગાવાનું દબાણ સર્જાઈ રહ્યું છે. એવા કેટલાક નિર્દેશો મળ્યા છે ભારતમાં સરકારની કરવેરાની આવકમાં બજેટમાં મૂકવામાં આવેલા અંદાજની તુલનામાં ઘણી વધારે આવક થઈ છે. પણ એના પરિણામે રાજકોષીય ખાધમાં જોઈએ એટલો ઘટાડો થઈ શક્યો નથી. વિશ્વમાં ફુગાવાનું દબાણ સર્જાઈ રહ્યાંના નિર્દેશો સાંપડે છે. એને પરિણામે વ્યાજના દરમાં ઘટાડો કરીને મૂડી રોકાણને ઉત્તેજન આપી શકાશે નહીં. એ માટે રાજકોષીય ખાદ્યનું પ્રમાણ ઘટાડવું જ પડશે.

બધો મદાર બજેટમાં સરકાર દ્વારા પાયાની સવલતો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પાછળ મૂડી રોકાણમાં વધારો કરવામાં આવ્યો છે, એના ઉપર રાખવામાં આવ્યો છે. એ પાયાની સવલતોમાં આગલા વર્ષમાં કરવામાં આવેલા મૂડીરોકાણમાં ૫૦ ટકાનો વધારો સૂચવાયો છે. એની સાથે ‘મનરેગા’ જેવી કલ્યાણ યોજનાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એના પરિણામે વધનાર મૂડીરોકાણથી આવક અને રોજગારીમાં કેટલો વધારો થશે તે અનિશ્ચિત બાબત છે. પાયાની સવલતો જેવી કે રસ્તાઓ, બંદરો, વીજળી એ બધાં પાછળ થનાર મૂડીરોકાણ સમય જતાં ફળદાયી નીવડતું હોય છે. તેથી એ મૂડીરોકાણને પરિણામે તાત્કાલિક જે રોજગારી સર્જાય એની અસર અર્થતંત્ર પર પડે છે.

દરમિયાન, દેશનું શેરબજાર ઘણા સમયથી તેજીની અવસ્થામાં છે. પણ એ અર્થતંત્રની પારાશીશી નથી. એ માત્ર દેશનાં કોર્પોરેટ વિભાગની પારાશીશી છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રમાં એના સંદર્ભમાં જે રીકવરી ચાલી રહી છે. તેને અંગ્રેજી K આકાર જેવી વર્ણવી છે. એનો અર્થ એ કે કેટલાંક ક્ષેત્રોમાં તેજીની સ્થિતિ પ્રવર્તતે છે. પણ અન્ય ક્ષેત્રોમાં મંદીની સ્થિતિ પ્રવર્તે છે. દેશના અર્થતંત્રના અસંગઠિત વિભાગમાં હજી રીકવરી નથી આવી એનો આ નિર્દેશ છે.

ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધારે અસમાનતા ધરાવે છે. તે હકીકત તાજેતરમાં બહાર પાડેલા અસમાનતાના રિપોર્ટમાં પ્રગટ થઈ છે. ભારતનું અર્થતંત્ર તીવ્ર અસમાનતા ધરાવે છે. તેની સાથે એ એક ગરીબ અર્થતંત્ર છે એ પણ હકીકત નોંધવામાં આવી છે. આવા અર્થતંત્રમાં સમાનતાની દિશામાં કોઈ પગલાં ભરવામાં ના આવે એ ગરીબોની કમનીસીબી છે. ભારતનું અર્થતંત્ર આજે સમાજના ઉપલા વર્ગો માટે કામ કરી રહ્યું છે. આને સર્વસમાવેશી બનાવવા માટે અનેક ઉપાયો કરવા પડે એને બદલે વાતોથી સંતોષ માનવામાં આવે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 02

Loading

...102030...1,7711,7721,7731,774...1,7801,7901,800...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved