ભારતમાં યુનિવર્સિટીઓ 'વાંઝણી' થઇ ગઈ છે. યુનિવર્સિટીઓમાંથી લીડર પેદા થતા બંધ થઇ ગયા છે. ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમણને તેની ચિંતા સતાવે છે. દેશમાં પાછલા અમુક દાયકાઓથી વિધાર્થી સમુદાયમાંથી કોઈ મોટો લીડર નથી આવ્યો, એવું જજ સાહેબે કહ્યું છે.
તાજેતરમાં નેશનલ લો યુનિવર્સિટીના કોન્વોકેશન પ્રસંગે જસ્ટિસ રમણ બોલ્યા હતા કે, "વિધાર્થીઓ સમાજનો અભિન્ન હિસ્સો છે. તેઓ અલગથલગ જીવી ન શકે, પરંતુ ભારતીય સમાજ પર નજર રાખવાવાળી વ્યક્તિને ધ્યાનમાં આવશે કે છેલ્લા અમુક દાયકાઓથી વિધાર્થીઓમાંથી કોઈ મોટો લીડર આવ્યો નથી."
જસ્ટિસ રમણે તેનું કારણ આપતાં કહ્યું હતું કે ભારતમાં આર્થિક ઉદારીકરણ પછી સામાજિક મુદ્દાઓમાં વિધાર્થીઓની ભાગીદારી ઓછી થઇ ગઈ છે. તેમનો ઈશારો એવું કહેવાનો હતો કે ઉદારીકરણના પગલે પૈસા કમાવાની અને વાપરવાની ઊભી થયેલી જબરદસ્ત તકોના કારણે યુવાનો ભૌતિક સુખ-સુવિધા મેળવવામાં પડી ગયા છે, અને સામાજિક-રાજકીય મુદ્દાઓમાં તેમનો રસ ઘટી ગયો છે.
જજ સાહેબનો મુદ્દો સાચો છે. વિધાર્થીઓમાં જાહેર જીવનમાં આવવા માટેની પ્રેરણા ઘટતી જાય છે. એનું કારણ, તેમણે નોંધ્યું તેમ, ભૌતિક સુખ-સુવિધાઓની લાલચ હશે જ. કોઈ કોર્પોરેટ કંપનીમાં વર્ષે દહાડે જો ૨૦-૨૫ લાખના પગારનું પેકજ મળતું હોય, તો કયો વિધાર્થી આવેદનપત્રો આપવાની કે ભૂખ હડતાલ કરવાની કે મોરચા કાઢવાની જફામાં પડે?
પણ આ એક જ કારણ છે? જજ સાહેબ જાણકાર અને અનુભવી વ્યક્તિ છે. રાજનીતિમાં સક્રિય વિધાર્થીઓ સાથે પોલીસ, ન્યાયતંત્ર અને સ્થાપિત રાજકીય પક્ષો કેવો વ્યવહાર કરે છે તે હકીકત પણ તેમનાથી છૂપી નહીં હોય. વિધાર્થીઓ નેતાઓને ‘લીડર’ બનવા દેવાને બદલે ક્રિમીનલ બનાવી દેવાનું કામ પણ એટલું જ તાકાતથી થઇ રહ્યું છે, જેટલી તાકાતથી તેમને કંપનીઓમાં મેનેજર બનવા માટે લલચાવવામાં આવે છે.
રાજનીતિ એક જમાનામાં સૌથી નૈતિક કર્મ કહેવાતું હતું. રાજનીતિનું જેમ જેમ પતન થયું છે, તેમ તેમ તેમાં સારા માણસો આવતા બંધ થઇ ગયા છે. વિધાર્થીઓમાંથી કેવા-કેવા લીડર આવ્યા હતા! ‘સંપૂર્ણ ક્રાંતિ’ના જનક જયપ્રકાશ નારાયણ, ભૂતપૂર્વ મુખ્ય મંત્રી લાલુ પ્રસાદ યાદવ, હાલના મુખ્ય મંત્રી નિતીશ કુમાર બિહારના વિધાર્થી નેતા હતા.
બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી, સ્વર્ગસ્થ અરુણ જેટલી, સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજે યુનિવર્સિટી કેમ્પસમાં રાજનીતિના પાઠ ગોખ્યાં હતા. આસામના સૌથી યુવા મુખ્ય મંત્રી બનેલા પ્રફુલ્લ કુમાર મહંત શક્તિશાળી અખિલ ભારતીય આસામ વિધાર્થી સંઘના નેતા અને પાછળથી અધ્યક્ષ બન્યા હતા. ૧૯૭૪માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ સામે અમદાવાદની એલ.ડી. કોલેજમાંથી નવનિર્માણ અંદોલન શરૂ થયું હતું. ચીમનભાઈ પટેલ ખુદ વિધાર્થી નેતા હતા, અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના સૌથી પહેલા અધ્યક્ષ ચૂંટાયા હતા.
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર પોલિટીકલ સ્ટડીઝનાં પ્રોફેસર ડો. સુધા પાઈ ‘ધ હિંદુ’ અખબારમાં એક જગ્યાએ કહે છે કે, “વિધાર્થી રાજનીતિનું દેશભરમાં દરેક જગ્યાએ પતન થયું છે, પણ તેના માટે માત્ર વિધાર્થીઓ જ દોષિત નથી. રાજકીય પક્ષોએ પણ ઘણું આત્મમંથન કરવાની જરૂર છે. મોટા રાજકીય પક્ષો તેમને આંબા-પીપળી બતાવીને ભ્રષ્ટ બનાવી દે છે, અને તેમને તેની ખબર પડે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે.”
દિલ્હીની ઝાકીર હુસેન કોલેજના પોલિટીકલ સાયન્સના ફેકલ્ટી રવિ રંજન એ જ લેખમાં કહે છે, “દેશના મોટાભાગના પક્ષો ભાવિ લીડરોની આળપંપાળ કરવાને બદલે પોતાની અંગત મહત્ત્વાકાંક્ષાઓને સિંચવાનું કામ કરે છે. આવા પક્ષોએ અંગત હિતોને પ્રોત્સાહન આપીને તેમ જ સેવાને બદલે પૈસાને મહત્ત્વ આપીને વિધાર્થી ચળવળને અને રાજનીતિને બદનામ કરી છે. વિધાર્થી રાજનીતિ શું કહેવાય અને તેમાં શું કરવું જોઈએ તેનો એક પણ રાજકીય પક્ષ પાસે કાર્યક્રમ નથી.”
આનું સૌથી તાજું ઉદાહરણ અન્ના હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી અંદોલન છે. ૨૦૧૧માં, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના નામથી અન્ના અને અન્ય નેતાઓએ પાટનગરમાં જબ્બર અંદોલન કર્યું હતું. તેમાં યુવાનોની હિસ્સેદારી સૌથી વધુ હતી. બધાને ભ્રષ્ટાચાર મુક્ત ભારત જોવું હતું. આખા દેશના યુવાનોમાં તેનાથી જોશ આવી ગયો હતો અને ખૂણે-ખૂણે વિધાર્થીઓએ તેનો ઝંડો ઉપાડી લીધો હતો.
એ અંદોલનના કારણે જ ડો. મનમોહન સિંહની સરકારનું પતન થયું હતું અને ૨૦૧૪માં ‘અબ કી બાર મોદી સરકાર’ માટે રસ્તો સાફ કર્યો હતો. આજે એ અંદોલનનું શું થયું? જન લોકપાલ બેસાડવાનું શું થયું? ભ્રષ્ટાચાર ઘટ્યો કે વધ્યો? એમાંથી જ આમ આદમી પાર્ટીનો જન્મ થયો હતો. કેજરીવાલને યાદ પણ છે કે તેઓ ક્યા હેતુથી રાજનીતિમાં આવ્યા હતા? એ અંદોલનના ઘણા નેતાઓ આજે સત્તામાં છે અને અને એ સત્તા કેમ જાળવી રાખવી તેમાં મશગૂલ છે.
એ આખું અંદોલન સત્તા માટેનું હતું. જજ સાહેબ કહે છે તેવી વિધાર્થીઓની હિસ્સેદારી ઇન્દિરા ગાંધીની કટોકટીમાં ભારતે જોઈ હતી. આજે જે જવાહરલાલ યુનિવર્સિટીના કેમ્પસને બદનામ કરવામાં આવે છે, તેના જ વિધાર્થીઓએ ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીના રાક્ષસી દમન સામે લડાઈ કરી હતી.
એક અંદોલનમાં વિધાર્થીઓએ સત્તાને ઝુકાવી હતી, બીજા અંદોલનમાં સત્તા મેળવવા માટે વિધાર્થીઓને હાથો બનાવવામાં આવ્યા હતા. ભારતની વિધાર્થી રાજનીતિની આટલી પ્રગતિ છે.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 ડિસેમ્બર 2021