કોવિડ-19ના કારણે વિશ્વભરમાં શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ ‘ઝૂમ’ એપના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. જો કે આ પ્રકારની શિક્ષણપદ્ધતિ માત્ર યુવાનો માટે નથી. અમારા જેવા પ્રૌઢો માટે પણ તે ઘણી ઉપયોગી નીવડી શકે છે. એટલે જ થોડા સમય પહેલાં મેં દેશના ટોચના આરોગ્ય નિષ્ણાતોના બે કલાકના ડિજિટલ ક્લાસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેનો ફાયદો એ થયો કે વર્તમાન મહામારી વિશે મને વધુ ઊંડાણથી સમજવા મળ્યું, જે પ્રાઇમ ટાઇમની ટી.વી. ચર્ચાઓમાંથી ક્યારે ય ન મળી શકે.
આરોગ્ય નિષ્ણાતોના ડિજિટલ ક્લાસમાં કુલ છ અનુભવી વ્યાવસાયિકો હતાઃ વર્ષો સુધી આરોગ્યક્ષેત્રે કામ કરી ચૂકેલા બે પૂર્વ અધિકારીઓ, સામુદાયિક આરોગ્ય નિષ્ણાત તરીકે જાણીતા બે તબીબો અને યુનિવર્સિટીમાં અધ્યાપન કરાવતા બે તબીબ. આ તમામ વચ્ચે એક સમાનતા હતી. તે બધા ભારતમાં જ રહે છે, તેમનું કાર્યક્ષેત્ર પણ ભારત જ છે, એ લોકો સન્માનનીય વ્યક્તિઓ છે. છતાં, મોદી સરકારે આ તજ્જ્ઞો પાસેથી ક્યારે ય કોઈ જાતની સલાહ લીધી નથી. (આ લેખ પાછળનો ઉદેશ્ય એ જ છે કે સ્થિતિ બદલાય.)
તજ્જ્ઞોના બે કલાકના વર્ગમાંથી ઘણી મહત્ત્વની વાતો મેં નોંધી. મને જે જાણવા-શીખવા મળ્યું તે અહીં સંક્ષિપ્તમાં રજૂ કરું છું. એક વાત સ્પષ્ટ જણાય છે કે, શરૂઆતના લૉક ડાઉને વાઇરસને વધુ ફેલાતો અટકાવી બીમારીને નિયત્રિંત કરી. પરંતુ સરકારે આ સમયનો ઉપયોગ વધુ ટેસ્ટ કરવા, નવાં થનારાં સંભવિત હૉટ સ્પોટને અટકાવવા કે લોકોને સાચી અને વિશ્વસનીય માહિતી આપવા માટે ન કર્યો.
લૉક ડાઉનની સામાજિક અને આર્થિક અસરોની ઘણી ટીકા કરવામાં આવી. કેન્દ્ર સરકારે તેના અણધાર્યા અને ઓચિંતા નિર્ણયથી નાગરિકોની રોજી-રોટી છીનવી લીધી. માત્ર ચાર જ કલાકની નોટિસથી દેશના લાખો શ્રમિકો પોતાના વતનથી દૂર ભોજન, આશ્રય અને રોકડ રકમ વગર રઝળી પડ્યા. જનઆરોગ્યની દૃષ્ટિએ પહેલું લૉક ડાઉન કોઈ પણ જાતના આયોજન વગરનું હતું. માર્ચની મધ્યમાં ઘરે પાછા ફરવા ઈચ્છુક શ્રમિકો કોરોનાથી સંક્રમિત ન હતા. જો તેમને ઘરે જવાનો સમય આપવામાં આવ્યો હોત, તો તે સહીસલામત રીતે ઘરભેગા થઈ શક્યા હોત. આ ભૂલ બહુ મોડેથી સુધારીને, લૉક ડાઉનનાં છ અઠવાડિયા પછી સરકારે સ્પેશિયલ શ્રમિક ટ્રેન શરૂ કરી, ત્યાં સુધીમાં તો વતનવાપસી માટે ઇચ્છુક સેંકડો લોકો સંભવતઃ કોરોનાના વાહક બની ચૂક્યા હતા. કેન્દ્ર સરકાર હવે રાજ્યો પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ દેશના ભાગલા પછીની આ સૌથી મોટી માનવસર્જિત આપત્તિની અને કારુણીની જવાબદારી છેવટે તો વડાપ્રધાનની જ છે. લૉક ડાઉનની કલ્પના અને ત્યાર પછી તેના અમલમાં ચોક્કસ પ્રકારનો વર્ગભેદ ઊડીને આંખે વળગતો હતો. પરિણામે પહેલેથી વ્યાપક રીતે ઘર કરી ગયેલા સામાજિક ભેદભાવનાં મૂળિયાં વધુ ઊંડાં ઊતર્યાં અને મજબૂત થયાં. આવક અને રોજી વિનાના લાખો કામદારો અભાવ અને આર્થિક સંકડામણના આરે આવી ઊભા છે. તેમની પાસે હલકી ગુણવતાનું અને પેટ પૂરતું નહીં એવું ભોજન છે, જેનાથી તે કોવિડ-19નો જ નહીં, બીજી અનેક બીમારીઓનો પણ ભોગ બની શકે છે.
મહામારીના મુકાબલા સંદર્ભે મોદી સરકારે ઘણી બધી ભૂલો કરી છે. તેમની ભૂલોને કારણે સ્થિતિ વધુ વણસી છે. આપણી અર્થવ્યવસ્થા સુસ્ત છે. સામાજિક સૌહાર્દ તણાવગ્રસ્ત છે. આરોગ્યસેવાઓ પર જરૂર કરતાં વધારે બોજ છે. છતાં પણ હજુ કેટલીક એવી બાબતો છે, જેને સરકાર સુધારી શકે છે. આ સંદર્ભમાં જ નિષ્ણાતોનાં પાંચ મહત્ત્વનાં સૂચન છે.
વાઇરસ હજુ ગ્રામીણ વિસ્તારમાં ફેલાયો નથી. આસામ, ઓડિશા અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં ઓછા કેસ છે. જો કે, એવો આત્મસંતોષ લેવાનો કોઈ અર્થ નથી. કેમ કે આગામી દિવસોમાં આ સ્થિતિ બદલાઈ શકે છે. જો આ રાજ્યોમાં કેસ વધશે તો તે રાજ્યોની નબળી આરોગ્ય સેવાઓની પોલ ખુલી જશે.
સરકારે ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) સાથે સંકળાયેલા ન હોય તેવા પણ કેટલાક ટોચના મહામારી નિષ્ણાતોની મદદ લેવી જોઈએ. છેલ્લા કેટલાક સમયગાળામાં જે તજ્જ્ઞોએ આપણને HIV, H1N1 અને પોલિયો પર કાબૂ મેળવવામાં મદદ કરી છે, તેમનો સરકારે બિલકુલ સંપર્ક કર્યો નથી. આ નવી મહામારીના મુકાબલા માટે અને તે અંગેની નીતિ ઘડવા માટે તેમનું જ્ઞાન ઉપયોગી સાબિત થઈ શકે. આ પગલું હજુ પણ લઈ શકાય છે. આ મહામારી માત્ર આરોગ્યને લગતો નહીં, સામાજિક મુદ્દો પણ છે. એ બાબતના પૂરતા સંકેતો મળી રહ્યા છે કે કોવિડ-19 મહામારી દારુનું સેવન, ઘરેલુ હિંસા, તણાવ, આત્મહત્યા માટેનું કારણ બની રહી છે. તેની સાથે જ મૃત્યુ, ગરીબી, બીમારી, બેરોજગારી પણ આ મહામારીનું અનિવાર્ય પરિણામ છે. એટલે આરોગ્ય નિષ્ણાતો ઉપરાંત પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત એવા અર્થશાસ્રીઓ, સમાજવિજ્ઞાનીઓ અને મનોવિજ્ઞાનીઓ સાથે પણ સરકારે પરામર્શ કરવો જોઈએ.
સરકારે તેના વહીવટના હાલના કન્ટ્રોલ એન્ડ કમાન્ડ (નિયત્રંણ અને નિર્દેશ) માળખા અંગે ફેરવિચાર કરવો જોઈએ. કેન્દ્રે હાલની સરખામણીમાં રાજ્ય સરકારોનું વધારે સન્માન કરવું જોઈએ. રાજ્યોને ચુકવાનું જેટલુ ભંડોળ બાકી છે, તે ઝડપથી ચૂકવી દેવું જોઈએ. આ ઉપરાંત રાજ્યોને વધારાની રકમ પણ આપવી જોઈએ. કેમ કે મહામારી સામેની લડાઈના મોરચે રાજ્યો જ આગળ છે. કેન્દ્રથી રાજ્યો અને રાજ્યોની રાજધાનીઓથી લઈને પંચાયતો-નગરપાલિકાઓ સુધી શાસનનું અધિક વિકેન્દ્રીકરણ થવું જોઈએ.
ભીલવાડા કે કેરળમાં મળેલી સફળતા નીચેથી ઉપર તરફ જોવાના દૃષ્ટિકોણ અને સશક્ત સ્થાનિક નેતૃત્વનું પરિણામ છે. કમનસીબે મોદી સરકાર તેનું અનુકરણ કરવાને બદલે દ્વેષપૂર્ણ રીતે મહામારીની આડમાં પોતાની તાકાત વધારવામાં પડી છે. વડાપ્રધાનનું ખુદનું ધ્યાન વ્યક્તિગત છબી ચમકાવવામાં છે, તો તેમના ગૃહપ્રધાન સતત રાજ્યો સામે દંડો ઉગામતા રહે છે. નિષ્ણાતોની ચર્ચા દરમિયાન એક નિષ્ણાતને પૂછવામાં આવ્યું કે આગામી દિવસોમાં સરકારે શું કરવું જોઈએ? તો તેમનો જવાબ હતો, “કોવિડ સંબધી મુદા અને નિર્ણયોમાંથી ગૃહ મંત્રાલયને સદંતર બાકાત કરી દેવું જોઈએ."
મહામારી સામે એકસંપ થઈ લડવાની ભાવનાને વધુ દૃઢ બનાવવાની જરૂર છે. મોદી સરકારે તેના છ વરસના શાસનકાળમાં સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) સાથે દુશ્મનીભર્યો અને અવિશ્વાસપૂર્ણ વ્યવહાર કર્યો છે. આ મહામારીથી કદાચ એમની આંખ ખૂલી હશે કે હતાશા ઓછી કરવામાં આ ક્ષેત્ર અગત્યની ભૂમિકા ભજવી શકે છે. લાચાર બનેલા લોકો માટે જમવાની વ્યવસ્થા હોય, આરોગ્યસંબંધી કોઈ સલાહ હોય કે પછી લોકોની રહેવાની વ્યવસ્થા કરીને તેમનું કાઉન્સિલિંગ કરવું હોય. નાગરિક સંગઠનોએ આ મુશ્કેલ ઘડીમાં શ્રેષ્ઠ કામ કર્યું છે.
ભવિષ્ય તરફ નજર નાખતાં એ વાતની હાશ થશે અને આશા બંધાશે કે ઉત્તર અમેરિકા અને યુરોપની સરખામણીમાં આપણી વસતિમાં યુવાનોનું પ્રમાણ વધુ છે. નસીબજોગે ભારતમાં રોગચાળો કદાચ ઓછા લોકોનો જીવ લેશે. એટલે જ કહી શકાય કે સંકટ ટળી ગયા પછી આપણે અર્થવ્યવસ્થા, સમાજ અને આરોગ્યસેવાઓનું વધુ સુરક્ષિત અને સતર્ક રીતે પુનર્ગઠન કરવાની જરૂર છે. એ ત્યારે જ શક્ય છે જ્યારે કેન્દ્ર સરકાર તેની કામ કરવાની શૈલીમાં પરિવર્તન લાવે.
કેન્દ્ર સરકારે રાજ્યોને વધુ સ્વતંત્રતા સાથે ભંડોળ આપતા શીખવું પડશે. તેણે સ્વતંત્ર વિચારોને અને નાગરિક સંગઠનોને કાયમ દબાવ્યા કરવાને બદલે વધુ વિકસવા દેવાં પડશે. આ માટે વડાપ્રધાનની કાર્યશૈલીમાં પણ મૌલિક પરિવર્તન આવવું જોઈએ. તેમણે બીજાને ધ્યાનથી સાંભળવાની અને વ્યાપક રીતે સલાહ લેવાની જરૂર છે. તેમણે એવા એકતરફી નિર્ણયો ન લેવા જોઈએ જેનાં પરિણામનો અંદાજ તેમને ખુદને જ ન હોય. દેશમાં મોટી સંખ્યામાં એવા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો છે, જેમને વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર કોવિડ પછીની દુનિયાનો કઈ રીતે સામનો કરી શકાય, તેની ચર્ચા માટે નિમંત્રી શકે છે. બેશક, વડાપ્રધાન એટલા ખુલ્લા મનવાળા અને ઉદાર છે કે નહીં તે અલગ મુદ્દો છે.
અનુવાદઃ ગૌતમ ડોડીઆ
e.mail : gautamdodia007@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 મે 2020