ન્યાયની પ્રક્રિયા અને કાયદાની પ્રણાલી પ્રત્યે લોકોને અને તેની સાથે સંકળાયેલા વ્યાવસાયિકોને કાયમ અસંતોષ રહે છે. એ પણ ખરું કે સંકટ સમયે જ બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતાની કસોટી થાય છે. જીવન અને સ્વતંત્રતાની બંધારણીય ખાતરીને અભરાઈએ ચડાવતી ૧૯૭૫ની કટોકટીના કાળે સર્વોચ્ચ અદાલતની વિશ્વસનીયતાની કસોટી થઈ હતી. હેબિયર્સ કોપર્સ (કેદીને સદેહે અદાલત સમક્ષ હાજર કરવાની જોગવાઈ) નકારીને તે સમયની સર્વોચ્ચ અદાલતે પોતાની નિષ્ફળતા દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટની આ નિષ્ફળતાને કારણે તે સમયની સરકારે હજારો લોકોને ગેરકાયદે જેલમાં ગોંધી રાખ્યા. ‘ન્યૂ યોર્ક ટાઈમ્સે’ આ ઘટનાને ભારતની બેફામ બનેલી સરકાર સમક્ષ સર્વોચ્ચ અદાલતનું સંપૂર્ણ સમર્પણ ગણાવ્યું હતું.
તેમ છતાં લોકતંત્ર બચી ગયું અને તે સમયના ન્યાયાધીશોએ પછીથી માફી પણ માગી હતી. જસ્ટિસ પી.એન. ભગવતીએ ૩૫ વરસ પછી કહ્યું હતું, “એ સમયે હું ખોટો હતો. બહુમતીએ લેવાયેલો નિર્ણય જ સાચો નિર્ણય નથી હોતો. જો હું ફરી વાર ચુકાદો આપી શકતો હોત તો હું જસ્ટિસ એચ.આર. ખન્નાના નિર્ણય સાથે સહમત થયો હોત. મને એ ચુકાદા માટે ખેદ છે.” આ કલંક મિટાવવા માટે સુપ્રીમ કોર્ટે ન્યાયિક સક્રિયતાના નવા ચરણનો આરંભ કરીને અભણ, નબળા અને વંચિતોના લાભાર્થે અવિશ્વસનીય કામ કર્યું. સર્વોચ્ચ અદાલતે બંધારણીય સંસ્થા પરનો લોકોનો ભરોસો કાયમ કર્યો, એટલું જ નહીં તેને જનઅદાલત બનાવી ! સર્વોચ્ચ અદાલતે સામાન્ય માનવીના હિતમાં અને તેની ગરિમા સ્થાપિત કરતા ઘણા ઉમદા ચુકાદા આપ્યા.
પરંતુ ફરી એક વાર સંકટનો સમય આવી ગયો છે. આજની સ્થિતિ કટોકટીથી જરા ય ઓછી નથી. પરંતુ સુપ્રીમ કોર્ટ એક વખત ફરી તેનું કર્તવ્ય નિભાવવામાં નિષ્ફળ નીવડી છે. તેણે અઘોષિત કટોકટીના નામે સરકારને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે રામમંદિર, રાફેલ કેસ, જજ લોયાનું મૃત્યુ જેવા ઘણા ચુકાદા દ્વારા સરકારની મદદ કરી હોવાની સામાન્ય માન્યતા ઊભી થઈ છે. જમ્મુ-કશ્મીરની બંધારણીય સ્થિતિ બદલી નાખતી ૩૭૦મી કલમના કેટલાક હિસ્સાની નાબૂદી અંગેના સરકારના નિર્ણયની બંધારણીય અને કાયદાકીય સમીક્ષા કરવાથી પણ સુપ્રીમ કોર્ટ દૂર રહી છે. આઘાતજનક બાબત તો એ પણ છે કે જમ્મુ-કશ્મીરના લોકોનાં જીવન અને સ્વતંત્રતા ખતરામાં હોવા સંબંધી હેબિયર્સ કોપર્સ અરજીઓ તરફ પણ કોર્ટે ધ્યાન આપ્યું નથી અને આ કેસોને ગંભીર ત્રુટિઓ ધરાવતા તથા નિરર્થક ગણાવીને પરત કરી દીધા છે. એટલું જ નહીં, જ્યારે સરકારે જમ્મુ-કશ્મીરમાં લદાયેલા પ્રતિબંધો જલદીમાં જલદી ઘટાડી દેવામાં આવશે એમ કહ્યું, ત્યારે કોર્ટે સરકારને પરિસ્થિતિની સમીક્ષા માટે વધારે સમય આપવાનો આદેશ કર્યો હતો. નાગરિકની સ્વતંત્રતાના મામલે સુપ્રીમ કોર્ટનું આ વલણ યોગ્ય નહોતું.
જો કે હજુ એનાથી પણ કપરો કાળ આવવાનો બાકી છે. ‘કોર્ટ સરકારને આદેશ આપે કે તમામ જિલ્લા કલેકટરો પરપ્રાંતીય સ્થળાંતરિત મજૂરોની ઓળખ કરીને તેમને ભોજન, અને આશ્રય આપે તથા તેમને તેમના રાજ્યમાં સરકારના ખર્ચે પહોંચાડે’ — તેવી માગ કરતી રિટ જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ કૌલ અને જસ્ટિસ ગવઈની બેન્ચે ફગાવી દીધી હતી. આ ચુકાદો ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બે જુદી જુદી દુર્ઘટનાઓમાં ૧૪ પરપ્રાંતીય કામદારોનાં મોત અને ૬૦ કરતાં વધુના ઘાયલ થયાના એક દિવસ પછી આવ્યો હતો.
કેન્દ્ર સરકારે કોરોના વાઇરસનો મુકાબલો કરવા ચાર કલાકની ટૂંકી નોટિસ પર અભૂતપૂર્વ લૉક ડાઉન લાગુ પાડ્યું હતું. આ નિર્ણય કરીને સરકારે લાખો લોકોના જીવ જોખમમાં મૂકી દીધા. લોકો ખાસ કટોકટીની સ્થિતિ સિવાય જ્યાં છે ત્યાં જ રહે, તેવી ન તો સલાહ આપવામાં આવી કે ન એ લોકો માટે કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી. સરકારોએ સ્થળાંતરિત મજૂરોના રહેવા-ખાવાની વ્યવસ્થાનાં વચનો તો આપ્યાં, પણ વાસ્તવમાં તેનો અમલ ન કર્યો. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે પરપ્રાંતીય શ્રમિકોના મુદ્દે તાલમેળ નહોતો. આખરે, લોકોએ ભૂખથી છૂટકારો મેળવવા માટેના પ્રયાસ આદર્યા. લૉક ડાઉન એક સરકારી કાર્યવાહી હતી, જેણે આમ આદમીની રોજીને સીધી અસર કરી. સુપ્રીમ કોર્ટની રોજગારના અધિકાર સંબંધી અનુચ્છેદ ૨૧ અંગેની સૌથી ચર્ચિત વ્યાખ્યા એ છે કે જીવનના અધિકારમાં કેવળ શારીરિક અસ્તિત્વનો અધિકાર જ સામેલ નથી, આત્મસન્માન સાથે જીવવાનો અધિકાર પણ સામેલ છે. માનવ ગરિમાના ન્યાયશાસ્ત્રમાં રોજી, રહેઠાણ અને સ્વસ્થ વાતાવરણનો અધિકાર પણ સામેલ છે. એટલે કોઈ વ્યક્તિને આજીવિકાના અધિકારથી વંચિત કરવાનો મતલબ તેને જીવનના અધિકારથી વંચિત કરવાનો છે. (ઓલ્ગા ટેનિસ વિરુદ્ધ બૉમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન, ૧૯૮૫ અને ડી.ટી.સી વિરુદ્ધ મજદૂર કૉન્ગ્રેસ) સુપ્રીમ કોર્ટે એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે ન્યાયતંત્ર રાજ્ય સરકારના કામની તપાસ કરવા અને તેને બંધારણીય જોગવાઈઓ મુજબ રાખવા બંધાયેલું છે.
ન્યાયમૂર્તિ એલ. નાગેશ્વર રાવના નેતૃત્વ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે કામદારોને રેલવેના પાટા પર સૂતા કોઈ કઈ રીતે અટકાવી શકે? લોકો રસ્તે જઈ રહ્યા છે અને જવાનું અટકતું નથી. તેને કઈ રીતે રોકી શકાય? ત્યાર પહેલાં, સરકાર પરપ્રાંતીય સ્થળાંતરિત શ્રમિકોને લઘુતમ વેતન ચુકવે તેવી માગણી કરતી એક જાહેર હિતની અરજી પર ૧લી એપ્રિલ ૨૦૨૦ના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “સરકાર ખાવાનું આપી રહી છે, તો પછી મજૂરી આપવાની જરૂર શી છે?” “રસ્તા પર કોણ ચાલી રહ્યું છે અને કોણ નહીં, એની તપાસ કરવાનું અદાલત માટે શક્ય નથી.” સુપ્રીમ કોર્ટનો અસહાય સ્થળાંતરિત શ્રમિકો પ્રત્યેનો દષ્ટિકોણ નિરાશાજનક અને સ્થાપિત ન્યાયશાસ્ત્રની વિરુદ્ધ છે.
આ બાબતે ઇન્દિરા ગાંધીની નિરંકુશ કટોકટીની પીડાને તાજી કરી દીધી છે. ૩.૩ કરોડ કેસોના બૅકલોગ સાથે વધતા પડતર કેસો, સરકાર કે વહીવટી તંત્રના દબાણ હેઠળ થતી ન્યાયતંત્રની નિમણૂકો, સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટાચારના આરોપ, નિમણૂકો સહિતના મામલાઓમાં વરિષ્ઠ ન્યાયાધીશો વચ્ચેના મતભેદ, (તત્કાલીન) ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા વિરુદ્ધ કહેવાતા જાતીય શોષણના આરોપ, સરકારની પ્રશંસા કરનારા ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટનું સતત સરકાર સાથે હોવાનું વલણ હવે સામાન્ય બની રહ્યું હતું. તે પરપ્રાંતીય શ્રમિકો પ્રત્યેના વલણ પછી ખતરનાક સ્તરે પહોંચ્યું છે. જનતાની અદાલત તરીકેની સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠા ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. એવી આશંકા જન્મે છે કે હાલની ન્યાય તંત્રની પડતી વધારે ગહન અને દીર્ઘ હોઈ શકે છે. એટલું જ નહીં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા બહુ ઓછી છે.
[સૌજન્ય લાઈવ લૉ, અનુવાદઃ ચંદુ મહેરિયા]
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 મે 2020