પક્ષની અંદર સાચુકલી લોકશાહી હોય એવો એક જ પક્ષસમૂહ બચ્યો છે અને તેનું નામ છે; ડાબેરી મોરચો. ભારતીય સામ્યવાદી પક્ષ હોય, માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ હોય કે ડાબેરી મોરચાના બીજા ઘટક પક્ષ હોય તેમાં લોકશાહી મજબૂત છે. ૧૯૯૬માં ત્રીજા મોરચાના ઘટક પક્ષોએ પશ્ચિમ બંગાળની સામ્યવાદી સરકારના મુખ્ય પ્રધાન જ્યોતિ બસુને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા હતા. જ્યોતિ બસુએ ઉમેદવારી નહોતી કરવાની, નિર્ણય લેવાઈ ગયો હતો અને ત્રીજા મોરચાની સરકારને બહારથી સમર્થન આપનાર કૉંગ્રેસે બસુના નામને મંજૂર રાખ્યું હતું. જ્યોતિ બસુએ કહ્યું હતું કે તેઓ નિર્ણય લેવા સ્વતંત્ર નથી. પક્ષ નિર્ણય લેશે અને પક્ષનો નિર્ણય તેઓ માથે ચડાવશે. પક્ષની બેઠક મળી જેમાં જ્યોતિ બસુ વડા પ્રધાન નહીં બને એવો નિર્ણય લેવાયો હતો. કારણ એવું આપવામાં આવ્યું હતું કે ત્રીજા મોરચામાં ડાબેરી પક્ષો નિર્ણાયક બેઠકો નથી ધરાવતો અને ઉપરથી કૉન્ગ્રેસ સરકારને ટેકો આપવાની છે જેની નીતિઓનો ડાબેરી મોરચો દાયકાઓથી વિરોધ કરતો આવ્યો છે. જ્યોતિ બસુ સીનિયર નેતા છે, આદરણીય છે, બધા તેમને સ્વીકારે છે એ વડા પ્રધાન બનવા માટે પૂરતું નથી.
ભારતના રાજકીય ઇતિહાસમાં એ વિરલ ઘટના હતી. જે પક્ષ તાત્ત્વિક રીતે મજૂરોની તાનાશાહીમાં માને છે એ તેના આંતરિક પક્ષીય માળખામાં લોકશાહીમાં નિષ્ઠા ધરાવે છે. કૉન્ગ્રેસમાં એક જમાનમાં મજબૂત લોકતંત્ર હતું. આઝાદી પહેલાં અને આઝાદી પછીનાં શરૂનાં વર્ષોમાં. ગાંધીજીની મરજી વિરુદ્ધ સુભાષચન્દ્ર બોઝ પ્રમુખપદ માટેની ચૂંટણી લડી શકતા હતા અને જીતી શકતા હતા. સી. રાજગોપાલાચારી જેવા નેતા ભારત છોડો આંદોલનનો વિરોધ કરી શકતા હતા. આઝાદી પછી કૉન્ગ્રેસના હિંદુ વલણ ધરાવનારા નેતાઓ ગાંધી અને નેહરુની ઉપરવટ જઇને સોમનાથનું મંદિર બાંધી શકતા હતા. નેહરુની મરજી વિરુદ્ધ પુરુષોત્તમદાસ ટંડન કૉન્ગ્રેસના પ્રમુખપદ માટેની ચૂંટણી લડી શકતા હતા અને જીતી શકતા હતા. કોન્ગ્રેસના અનેક નેતાઓએ સમૂહ ખેતી(કલેકટીવ ફાર્મિંગ)નો વિરોધ કર્યો હતો.
પણ જવાહરલાલ નેહરુના અવસાન પછી પક્ષઅંતર્ગત લોકશાહી ધરાવતી કૉન્ગ્રેસ લોકશાહી ગુમાવવા લાગી. પક્ષ સત્તાકેન્દ્રી બનવા લાગ્યો અને ગાંધી પરિવાર કૉન્ગ્રેસનો ચહેરો બની ગયો. કોઈ પણ સંગઠન જ્યારે સાચી ટકોરાબંધ લોકશાહી ગુમાવે છે ત્યારે તે સંગઠન નેતાઓનું સંગઠન બની જાય છે અને નીચેથી વાયા કાર્યકર્તા પ્રજા દ્વારા મળતી પ્રાણશક્તિ મળતી બંધ થઈ જાય છે. કૉન્ગ્રેસની અંદર પણ આવું જ થયું છે. લોકોના પ્રશ્નો ઉઠાવવાથી અને લોકોની ભાગીદારી સાથે કામ કરવાથી લોકનેતાઓ પેદા થતા હોય છે. કૉન્ગ્રેસમાં લોકનેતાઓનું ઘડતર અટકી ગયું. દિલ્હીમાં રહેનારા અને ડ્રોઈંગરૂમ પોલિટિક્સ કરનારા લોકો કૉન્ગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ બની ગયા. જે કદાવર લોકનેતાઓ હતા તેમને કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા હતા કે જેથી પરિવારની આજ્ઞા ઉથાપે નહીં. પોતાની તાકાત હોય એ માથું ઊંચું કરે, જેની તાકાત જ ન હોય અને જેઓ પરિવારના ઋણી હોય એ માથું ઊંચું કરવાના નથી.
કૉન્ગ્રેસ ૩૨ વરસથી ક્રમશ: ક્ષીણ થઈ રહી છે. રાજીવ ગાંધીના અવસાન પછી પરિવારે કૉન્ગ્રેસને મુક્તિ આપી હતી, પરંતુ કૉન્ગ્રેસના નેતાઓ મુક્તિનો લાભ લઈ શક્યા નહોતા. દરેકને પક્ષ અંતર્ગત લોકતંત્રનો અને એકબીજાનો ડર લાગતો હતો અને પરિવારની ધરીમાં સલામતી લાગતી હતી. ધરી મજબૂત હશે તો ગાડું ગબડ્યા કરશે, કાલ કોણે જોઈ છે અને પક્ષની આવતી કાલની ચિંતા કરવાની આજે આપણે જરૂર પણ શું છે! ૧૯૯૮માં પક્ષે ફરી વાર ગાંધી પરિવારની શરણાગતિ સ્વીકારી લીધી.
હવે એ ધરી પણ કામ આવતી નથી અને ગાડું ચાલી શકે એમ નથી ત્યારે કરવું શું? આનો દ્વિસૂત્રીય ઉપાય રાહુલ ગાંધીએ બતાવ્યો છે. એક છે પક્ષ ફરી વાર સીધો લોકોની વચ્ચે જાય અને લોકોના પ્રશ્નો ઉઠાવે. કાર્યકર્તાઓની કેડર વિકસાવવામાં આવે અને જે કાર્યકર્તાઓ છે એને પ્રતિષ્ઠા આપવામાં આવે. કાર્યકર્તાને એમ લાગવું જોઈએ કે તે પોતાની તાકાતથી વડા પ્રધાન બની શકે છે. વડા પ્રધાન બનવા માટે ગાંધીપરિવારમાં જન્મવું જરૂરી નથી. બીજો ઉપાય છે પક્ષની અંદર લોકતંત્ર દાખલ કરવામાં આવે. લોકતંત્ર એક એવી સીડી છે જે અદના કાર્યકર્તાને તેનામાં જો તાકાત હોય તો તેને ઉપર સુધી પહોંચાડી શકે છે. તેમણે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા યોજીને પહેલો કષ્ટપ્રદ ઉપાય અજમાવવાનું બીડું ઝડપ્યું છે અને પક્ષની અંદર પ્રમુખપદની ચૂંટણી પણ યોજાઈ રહી છે, જેમાં તેઓ કે તેમના પરિવારના કોઈ સભ્ય ઉમેદવાર નથી. મહેનતના મોરચે આગળ રહીને અને પદની બાબતે બાજુએ ખસીને તેઓ નવી કૉન્ગ્રેસ માટે કામ કરી રહ્યા છે.
પ્રમુખપદની ચૂંટણીમાં બે ઉમેદવાર છે. એક છે મલ્લિકાર્જુન ખડગે અને બીજા છે શશી થરૂર. ખડગે પરિવારના ઉમેદવાર છે એમ કહેવાય છે અને થરૂર સ્વતંત્ર ઉમેદવાર છે જેને પરિવારનો ટેકો નથી. એક અર્થઘટન એવું પણ કરવામાં આવી રહ્યું છે કે ખડગે સત્તાવાર ઉમેદવાર છે અને થરૂર બળવાખોર ઉમેદવાર છે. શશી થરૂર તેમના પ્રચારમાં કહે પણ છે કે જો તમારે નવી કૉન્ગ્રેસ જોઈતી હોય તો મને મત આપો અને એ રીતે તેઓ એમ સૂચવી રહ્યા છે કે ખડગે જૂની પરિવારની મરજી દ્વારા ચાલતી રગશિયા ગાડા જેવી કૉન્ગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. થરૂર યુવાન છે, ચાર્મિંગ છે, વિદ્વાન છે, દુનિયા જોઈ છે, વૈશ્વિક પ્રશ્નોની સમજ ધરાવે છે, વાચાળ છે, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે અને સરસ હિન્દી પણ બોલી જાણે છે. સૌથી વધુ તો નવી યુવા પેઢીને અપીલ કરી શકે એમ છે. થરૂર નવી કૉન્ગ્રેસનું પ્રતિક છે.
પણ વિડંબના એવી છે કે મલ્લિકાર્જુન ખડગે અસ્સલ કૉન્ગ્રેસમાં નીચેથી નિસરણી ચડીને ઉપર આવ્યા છે અને શશી થરૂર પરિવારની ડ્રોઈંગરૂમ કૉન્ગ્રેસમાં સીધા ઉપરથી આવ્યા છે તેનું શું? ખડગે દલિત છે અને વિદ્યાર્થી આંદોલન દ્વારા પક્ષમાં પ્રવેશ્યા હતા. ખડગેનો મજૂર આંદોલન સાથે સંબંધ રહ્યો છે અને તેમણે મજૂરોના વકીલ તરીકે કર્ણાટકમાં નામના મેળવી હતી. તેઓ ૧૯૭૨માં પહેલીવાર કર્ણાટક વિધાનસભામાં ચૂંટાઈને ગયા હતા અને ત્યારથી આજ સુધી એકેય ચૂંટણી હાર્યા નથી. (અપવાદ ૨૦૧૯ની લોક સભાની) ખડગે ખરા અર્થમાં લોકોની વચ્ચે રહેનારા લોકનેતા છે. શશી થરૂર આખી જિંદગી યુનોમાં નોકરી કર્યા પછી સીધા કૉન્ગ્રેસમાં જોડાયા હતા અને લોકસભાની ટિકિટ મેળવીને સંસદ સભ્યબન્યા હતા. એ વાત સાચી કે થરૂર જેવું આકર્ષક વ્યક્તિત્વ ખડગેનું નથી, પરંતુ ખડગે કૉન્ગ્રેસની અંદરના એક સમયના સાચા લોકતંત્રની પેદાશ છે, જ્યારે થરૂર બિન લોકતાંત્રિક ડ્રોઈંગરૂમ પોલિટિક્સની પેદાશ છે.
ખડગે વિજયી થશે તો એ એક સમયના કૉન્ગ્રેસ અંતર્ગત લોકતંત્રનો વિજય થયો ગણાશે, પણ દેશના લોકતંત્રને બચાવવા માટે આજે થરૂર જેવા નેતાની જરૂર છે જે લોકોની સાથે તાર જોડી શકે. કૉન્ગ્રેસની અંદર લોકતાંત્રિક ધર્મસંકટ પેદા થયું છે એ પણ કેવો સંયોગ! કૉન્ગ્રેસ જો નવો અવતાર પામશે તો એ દેશ માટે આશીર્વાદરૂપ ગણાશે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2022