સામાન્ય લોકોમાં તો ભગતસિંઘ (૧૯૦૭-૧૯૩૧) અંગ્રેજ અફસરની હત્યા કરનાર અને એસેમ્બલી પર બોંબ ફેંકનાર વીરલ લોકનાયક, ક્રાંતિવીર અને શહીદેઆઝમ તરીકે જ વધુ જાણીતા છે. પરંતુ તેઓ લેખક, વિચારક, ચિંતક અને અધ્યયનશીલ બૌદ્ધિક પણ હતા. માંડ સાડા ત્રેવીસ વરસની આવરદામાં એમણે જે બે વરસ જેલમાં ગાળ્યા ત્યાં ગહન અધ્યયન કર્યું હતું. સરકારી રેકર્ડ મુજબ જેલવાસ દરમિયાન તેમણે અંગ્રેજી. હિંદી, ઉર્દૂ, પંજાબી અને બંગાળી ભાષાનાં ૩૦૨ પુસ્તકો વાંચ્યા હતા. અગાઉ લાહોરની નેશનલ લૉ કોલેજ કહેતાં ‘તિલક સ્કૂલ ઓફ પોલિટિક્સ’ના વાચનસંસ્કાર તો હતા જ. ભગતસિંઘે જેલવાસમાં માર્ક્સથી ગાંધી અને ગોર્કીથી રવીન્દ્રનાથ સુધીના અગિયારેક લેખકોના પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, નાસ્તિકતા, શોષણ જેવા વિષયો પર ગંભીર ચિંતન કર્યું હતું. ૭૧૬ દિવસોના જેલવાસ દરમિયાન તેમણે ૪૦૪ પૃષ્ઠોની જેલ ડાયરી, અસંખ્ય પત્રો અને લેખો તથા ‘મેં નાસ્તિક ક્યોં હું’ પુસ્તિકા લખી હતી.
લગભગ છ ભાષાના જાણકાર ભગતસિંઘે ‘કિરતી’ અને ‘અકાલી’ સામયિકોનું સંપાદન પણ કર્યું હતું. ‘ભગતસિંઘ ઔર ઉનકે સાથીયોં કે દસ્તાવેજ’ પુસ્તકમાં ભગતસિંઘના પત્રો, લેખો અને વિચારો પ્રગટ થયા છે. ‘કિરતી’ના જુલાઈ ૧૯૨૮ના અંકમાં છપાયેલ અને આ પુસ્તકમાં સંગૃહિત “નયે નેતાઓં કે અલગ-અલગ વિચાર” લેખમાં ભગતસિંઘે નેતાજી સુભાષચન્દ્ર બોઝ (૧૮૯૭-૧૯૪૫) અને પંડિત જવાહરલાલ નહેરુ(૧૮૮૯-૧૯૬૪)ના વિચારોની તુલના કરી છે. ૧૯૨૮માં ૨૧ વરસના ભગતસિંઘે ૩૯ વરસના નહેરુ અને ૩૧ વરસના નેતાજીના વિચારોનું જે મૂલ્યાંકન કર્યું છે તેમાં તેમની વૈચારિક સ્પષ્ટતા અને પાકટતાના દર્શન થાય છે.
અસહયોગ આંદોલનની નિષ્ફળતા અને કોમી રમખાણોને કારણે દેશમાં ફેલાયેલી નિરાશાના એ દિવસોમાં આધુનિક વિચારોના જે અનેક નવા નેતાઓ ઉભરી રહ્યા હતા તેમાં ભગતસિંઘને નેતાજી અને નહેરુજી સવિશેષ ઉલ્લેખનીય લાગ્યા હતા. ભગતસિંઘ નેતાજીને ‘બંગાલના પૂજનીય’ અને નહેરુજીને ‘માનનીય’ તરીકે ઓળખાવે છે. તેઓ આ બંને નેતાઓને સમજદાર, સાચા દેશભક્ત અને આઝાદીના કટ્ટર સમર્થક ગણાવે છે.
જવાહરલાલ ૧૯૧૯માં અને સુભાષચન્દ્ર ૧૯૨૧માં ગાંધીજીને પ્રથમવાર મળ્યા હતા. બંને યુવાવયથી જ કાઁગ્રેસમાં સક્રિય હતા. એટલે ભગતસિંઘ જ્યારે તેમના વિચારોની મૂલવણી કરે છે ત્યારે બંનેનું ખાસ્સા એક દાયકાનું જાહેરજીવન હતું. ભગતસિંઘ લેખના આરંભે બંનેનો ટૂંકો પરિચય આપી તેમના વિચારો વચ્ચે આભ-જમીનનું અંતર હોવાનું જણાવી દે છે. મદ્રાસ, અમૃતસર અને મહારાષ્ટ્રના કાઁગ્રેસ અધિવેશનોમાં તેમણે આપેલા ભાષણોને સંભારે છે મુંબઈની એક જાહેરસભામાં નહેરુ અધ્યક્ષ હતા અને સુભાષબાબુ વક્તા હતા તેની જિકર કરી ત્યાં આપેલા પ્રવચનોના આધારે તેમના વિચારોની તુલના કરે છે.
ભગતસિંઘ સુભાષબાબુની ભાવુક બંગાળી, પ્રાચીન સંસ્કૃતિના ઉપાસક અને અંગ્રેજ સરકારની નજરે “તખ્તાપલટ ગિરોહ”ના સદસ્ય તરીકેની ઓળખ આપે છે. નહેરુની અધ્યક્ષતા હેઠળની મુંબઈની સભામાં નેતાજીએ કહ્યું હતું કે, “હિંદુસ્તાનનો દુનિયાને એક વિશેષ સંદેશ છે. તે વિશ્વને આધ્યાત્મિક શિક્ષણ આપશે.” નેતાજીના પૂનાના એક અન્ય પ્રવચનમાં તેમણે રાષ્ટ્રવાદને આંતરરાષ્ટ્રીયવાદીઓ સંકીર્ણ વિચારધારા માને છે તેને ભૂલભરેલી ગણાવી હતી તે નોંધીને નેતાજીએ ભારતીય રાષ્ટ્રવાદનું મૂળ સત્યમ્, શિવમ્, સુંદરમ્ અર્થાત્ સત્ય, કલ્યાણકારી અને સુંદર છે તેમ જણાવ્યું હોવાનું ભગતસિંઘ નોંધે છે ભગતસિંઘ નેતાજીના આ વિચારોને કોરી ભાવુકતા, દીવાનાપણું અને પુરાતનપંથી ગણાવે છે.
પંડિત નહેરુના વિચારો સુભાષબાબુ કરતાં સાવ સામા છેડાના હોવાનું ભગતસિંઘ જણાવે છે. નહેરુને તેઓ પૂર્ણરૂપે પશ્ચિમના શિષ્ય અને યુગ પલટો કરનાર તરીકે ઓળખાવે છે. ભગતસિંઘ નહેરુને એમ કહેતા ટાંકે છે કે, “દુનિયાના કોઈ પણ દેશમાં જાવ તે તમને તેનો વિશ્વને એક વિશેષ સંદેશ હોવાનું કહેશે. ઈંગ્લેન્ડ તો આખી દુનિયાને તેણે જ સંસ્કૃતિ શીખવ્યાનું કહે છે. પરંતુ હું કોઈ વિશેષ વાત મારા દેશ પાસે જોતો નથી. સુભાષબાબુને આવી વાતોમાં બહુ ભરોસો છે મને નથી.” નહેરુજી યુવાનોને ન માત્ર રાજકીય ક્ષેત્રે સામાજિક, આર્થિક અને ધાર્મિક ક્ષેત્રે પણ વિદ્રોહ કરવા આહ્વવાન આપે છે. પંડિતજીના શબ્દોમાં તો તેમને એવી કોઈ વ્યક્તિની આવશ્યકતા નથી જે એમ કહે કે ફલાણી વાત કુરાનમાં લખી છે. જે વાત આપણી સમજદારી અને વિવેકબુદ્ધિને સ્વીકાર્ય ન હોય તેને ભલે ગમે તે ધર્મશાસ્ત્રએ સારી બાબત ગણાવી હોય આપણે માનવી ન જોઈએ.
ભગતસિંઘ નહેરુજી અને નેતાજીના વિચારોની તુલના કરીને નહેરુના વિચારોને યુગાંતકારી અને નેતાજીના વિચારોને રાજપરિવર્તનકારી ગણાવે છે. નેતાજીના વિચારોમાં અતીતની મહાનતાના ગુણગાન છે જ્યારે નહેરુજી તેની વિરુદ્ધમાં વિદ્રોહ ઝંખે છે. સુભાષ અને નહેરુ બંને પૂર્ણ સ્વરાજ ઝંખે છે. ગાંધીજીની ઉપરવટ જઈને તેમણે કાઁગ્રેસને પૂર્ણ સ્વરાજના ઠરાવની ફરજ પાડી હતી. અને કેટલાક વરસો ગાંધીની કાઁગ્રેસ નહેરુ-સુભાષની કાઁગ્રેસ બની રહી હતી. પરંતુ નેતાજીને મન પૂર્ણ સ્વરાજ એટલે અંગ્રેજો પશ્વિમના છે અને હિંદુસ્તાનીઓ પૂર્વના છે એટલો જ છે જ્યારે નહેરુ કહે છે કે આપણે પૂર્ણ સ્વરાજ મેળવીને આપણું રાજ્ય સ્થાપીને સમગ્ર સમાજવ્યવસ્થા બદલવી જોઈએ. તે માટે પૂર્ણ સ્વરાજ જરૂરી છે.
સુભાષચન્દ્ર બોઝના વિચારો યુવાનોના દિલને ઝકઝોરી મૂકે તેવા હોવાનું શહીદેઆઝમ ભગતસિંઘને લાગે છે, પરંતુ જવાહરલાલ નહેરુના વિચારો દિલની સાથે દિમાગને પણ ઝકઝોરે છે. પંજાબના યુવાનોને માત્ર મનનો જમણવાર જ ખપનો નથી, દિમાગનો પણ આવશ્યક છે. એમ લખીને ભગતસિંઘ લેખના અંતે નહેરુના વિચારો જ તેમના માટે જરૂરી હોવાનું જણાવે છે.
નેતાજી અને નહેરુજીના વિચારોની ભગતસિંઘે બહુ સીમિત સામગ્રીના આધારે મૂલવણી કરી છે તે સ્વીકારીને પણ કહી શકાય કે તેમનું મૂલ્યાંકન ઘણું દીર્ઘદૃષ્ટિયુક્ત છે. ભગતસિંઘ આ લેખ લખ્યાના ત્રણેક વરસો પછી જ શહાદતને વર્યા હતા. જ્યારે નેતાજી-નહેરુજી લાંબુ જીવ્યા અને તેમનું જાહેરજીવન દીર્ઘ સમયનું હતું એટલે આ લેખમાં બંને નેતાઓની સમગ્ર વિચારસૃષ્ટિની તુલના નથી પણ તેની ઝલક જ છે. જો કે દેશમાં આજે બળવત્તર જમણેરી પરિબળો જ્યારે નહેરુને ભૂંસી નેતાજીને મહાન દર્શાવી રહ્યા છે કે નેતાજી અને ભગતસિંઘના વિચારો એક સમાન હોવાની છાપ ઉપસાવી રહ્યા છે ત્યારે ભગતસિંઘનું આ મૂલ્યાંકન ખૂબ જ મહત્ત્વનું બની જાય છે.
ભગતસિંઘના જન્મને એકસો પંદર વરસ અને શહાદતને એકાણું વરસો વીતી ગયા છે ત્યારે કે નેતાજી વિરુદ્ધ નહેરુ, ભગતસિંઘ વિરુદ્ધ ગાંધીજી અને સરદાર વિરુદ્ધ નહેરુના વર્તમાન માહોલમાં જે તે સમય સંદર્ભમાં આ નેતાઓના વિચારો અને તેમના પરસ્પર સાથેના સંબંધોને જોવા-તપાસવા રહ્યા.
e.mail : maheriyachandu@gmail.com