પોલીસ અને નક્સલવાદીઓ જેવી બે સરખી હિંસક તાકાતો વચ્ચે છત્તીસગઢનાં આદિવાસીઓ પીસાતા રહ્યા છે
નક્સલવાદી હિંસાથી આતંકિત છત્તીસગઢમાં આદિવાસીઓ પરના અત્યાચાર અને અન્યાયના સતત આવતા દર્દનાક અહેવાલોની વચ્ચે દિલાસો આપનારા સમાચાર તાજેતરમાં મળે છે. તેના સહુથી પીડિત એવા બસ્તર વિસ્તારના, ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ એસ.આર.પી. કલ્લુરીને રાજ્ય સરકારે ગયા ગુરુવારે નેવું દિવસ માટે રજા પર ઊતરી જવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ત્રીસ જન્યુઆરીએ બસ્તર પોલીસની જુલમી કામગીરી માટે કાઢેલી ઝાટકણી પછી રાજ્ય સરકારે આ પગલું લીધું છે. શિવરામ પ્રસાદ કલ્લુરી હેઠળ ગયાં વર્ષે 135 નક્સલવાદીઓ એનકાઉન્ટરમાં મરાયા છે અને 1210 શરણે આવ્યા છે એમ સરકારી આંકડા જણાવે છે. જો કે શરણાર્થીઓમાંથી માત્ર ત્રણ ટકા જ સરકારના ધોરણોમાં બંધબેસતા હોવાનું બહાર આવ્યું છે. તદુપરાંત, કલ્લુરીના અઢી વર્ષના કાર્યકાળમાં છત્તીસગઢમાં કામ કરતાં કર્મશીલો, પત્રકારો, ઍકેડેમિશિયન્સ અને વકીલોને સતામણી, ધાકધમકી, હુમલાના અને પોલીસની કાનૂની ફસામણીનો સતત સામનો કરતા રહેવું પડ્યું હતું. એટલા માટે કે આ બધાં, આદિવાસીઓ પરના માઓવાદીઓ અને પોલીસના જુલમ, સરકાર અને કંપનીઓ દ્વારા તેમનાં શોષણ અટકાવવાની, તેમને ન્યાય અપાવવાની, સરકારની લોકવિરોધી નીતિઓની સમીક્ષા કરવાની અને અસમાનતા દૂર કરવાની કોશિષ કરી રહ્યાં છે.
બંધારણને કોરાણે મૂકવાનો જાણે રાબેતો હોય તેવાં છત્તીસગઢની ગતિવિધિઓથી દેશનો ઘણો હિસ્સો ઠીક ઓછી જાણ ધરાવે છે. દેશના કુલ આદિવાસીઓમાંથી સાડા સાત ટકા આદિવાસીઓની વસ્તી ધરાવતું આ રાજ્ય જંગલ અને ખનિજોથી ખૂબ સમૃદ્ધ છે. આ સંપત્તિની સરકાર અને કૉર્પોરેટ સેક્ટરની મિલીભગતથી લૂંટ ચાલતી રહી છે. તેમાં વિકાસનાં નામે આદિવાસીઓનાં જંગલો અને જમીનો છિનવાતાં તે વધુ ને વધુ કંગાલ બનતા જાય છે. વળી વંચિતોના સાચા કલ્યાણ માટેની રાજકીય ઇચ્છાશક્તિને અભાવે સરકારો પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો અહીં પહોંચાડી શકી નથી. સામે જંગલ-જમીન છિનવવા માટે સુરક્ષાદળોનો ઉપયોગ વધતો રહ્યો છે. આવા સંજોગોમાં, અલગ સરકાર થકી ન્યાય અપાવવાનો દાવો કરનાર માઓવાદી જુથો આદિવાસીઓને દંડ-ભેદ દ્વારા પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સદીની શરૂઆતથી દસ રાજ્યોમાં ફેલાતાં રહેલા માઓવાદની સહુથી વધુ પકડ છત્તીસગઢમાં છે. સમાનતાના વિવાદાસ્પદ વિચારો અને હથિયારોથી સજ્જ માઓવાદીઓને પોલીસ જેર કરી શકતી નથી. એટલે તે દરેક આદિવાસીને નક્ષલવાદી કે તેના સમર્થક ગણીને તેની પર અત્યાચાર કરે છે. આમ એક તરફ પોલીસ અને બીજી તરફ નક્ષલવાદીઓ એવી બે એક સરખી હિંસક તાકાતો વચ્ચે છત્તીસગઢનાં આદિવાસી સ્ત્રી-પુરુષો પિસાતાં રહ્યાં છે. તેમાં સરકારે 2006માં સાલ્વા જુડુમ નામનું સશસ્ત્ર નાગરિક દળ ઊભું કરીને આદિવાસીઓને હિંસાચાર માટે પરસ્પરની સામે મૂક્યા. યાદવી જેવા ખતરનાક માહોલ તરફ લઈ જનાર આ દળોની સામે કર્મશીલોએ તર્કબદ્ધ રજૂઆતો કરી. એટલે પાંચ વર્ષ બાદ સર્વોચ્ચ અદાલતના આદેશથી રાજ્યને સાલ્વા જુડમ વિખેરી નાખવાની ફરજ પડી. સાલ્વા જુડુમના ટેકેદાર કલ્લુરી તેના થોડા ઓછાં હિંસક રૂપો એવા એક્શન ગ્રૂપ ફૉર નૅશનલ ઇન્ટેિગ્રટી (અગ્નિ) અને સામાજિક એકતા મંચ જેવા વિજિલાન્ટે ગ્રૂપ્સ એટલે કે રક્ષક દળોની સહાય લેતા હતા. સુરક્ષાકર્મીઓ દ્વારા કથિત નક્ષલવાદીઓનાં એન્કાઉન્ટર્સ, સાવ નાનાં અંતરિયાળ ગામોમાંથી તેમને પકડવા માટે કોમ્બિન્ગના નામે લૂંટ અને બળાત્કારના કિસ્સાઓ બહુ વધ્યા હતા.
સુરક્ષાદળો દ્વારા ચાળીસ આદિવાસી મહિલાઓ પર બળાત્કારનો સિલસિલો રાજ્યની દક્ષિણે આવેલા બિજાપુર જિલ્લાના ચાર ગામોમાં 2015ના ઑક્ટોબરમાં પાંચ દિવસ ચાલ્યો હતો. તે પછીના જાન્યુઆરીના પહેલા અઠવાડિયાના ચાર દિવસ પણ આ જિલ્લાના નેન્દ્રા ગામે પણ આમ જ બન્યું હતું. બિજાપુરની ઘટનાની તપાસ માટે માનવ અધિકાર પંચની ટુકડી સાથે સંશોધક બેલા ભાટીઆ ગયાં હતાં. બેલા જગદલપુરની સરહદે આવેલા પાર્પા ગામમાં રહીને આ પંથકમાં ભૂખ, ગરીબી, શિક્ષણ અને સ્વાસ્થ્યની પરિસ્થિતિ પર કામ કરે છે. તપાસ કરીને તેઓ પાછાં આવ્યાં એ પછીના જ દિવસે 23 જાન્યુઆરી 2017 ના રોજ એક હથિયારધારી ટોળાએ તેમને ઘર ખાલી કરવા માટે ધમકીઓ આપી. જાણીતા અર્થશાસ્ત્રી જ્યાં ડ્રેઝના પાર્ટનર એવા બેલા પરના હુમલાના પડઘા દેશ-વિદેશમાં પડ્યા. તે પૂર્વે નવેમ્બરમાં દિલ્હી યુનિવર્સિટીના માનવવંશશાસ્ત્રનાં વિખ્યાત અધ્યાપક નંદિની સુંદરની પણ છત્તીસગઢ સરકારે કનડગત કરી હતી. નંદિની અને તેમનાં ત્રણ સાથીઓ ( અર્ચના પ્રસાદ, વિનિત તિવારી, સંજય પરાતે) પર એક આદિવાસીની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ટુકડીએ ગયાં વર્ષે મે મહિનામાં તપાસ કરીને ‘કૉટ ઇન અૅન ઇરિસ્પૉન્સિબલ વૉર’ નામે એક અહેવાલ લખ્યો હતો. તેમાં તેમણે રાજ્યની પોલીસ અને કેન્દ્રના અર્ધલશ્કરી દળો દ્વારા થતાં ધાકધમકી, જમીન હડપી, જબરદસ્તી ધરપકડ, બળાત્કાર અને એક્સ્ટ્રા જ્યુડિશ્યલ એગ્ઝિક્યૂશનના કિસ્સા નોંધ્યા હતા. નંદિની સાલ્વા જુડુમની સામે પણ અદાલતમાં જનારામાંના એક હતાં. છત્તીસગઢની દુર્દશા વિશેનું તેમનું પુસ્તક ‘ધ બર્નિંગ ફૉરેસ્ટ’ તાજેતરમાં પ્રગટ થયું છે.
નંદિની પહેલાં માલિની સુબ્રમન્યમનો વારો હતો. માલિની પાંચેક વર્ષથી બસ્તરની અરાજકતા વિશે એક ન્યૂઝ પોર્ટલ અને અન્યત્ર લખતાં હતાં. લાંબા ગાળાની ધાકધમકી, સાથીદારોની કનડગત અને જોખમોને લઈને માલિનીને બરાબર એક વર્ષ પહેલાં ઉચાળા ભરવાની ફરજ પડી હતી. માલિનીને અને અનેક આદિવાસીઓની કાનૂની સહાય કરવા માટેની સ્વયંસેવી સંસ્થા જગદલપુર લીગલ એઈડ ગ્રૂપનાં વકીલ શાલિની ગેરા અને ઇશા ખંડેલવાને પણ ધમકીઓ મળતી રહી છે. શાલિની ગયા વર્ષે ડિસેમ્બરમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા તેર વર્ષના સોમારુ પોટ્ટમનો કેસ લડી રહી છે. પોટ્ટમના કિસ્સાની તપાસ માટે આવેલા તેલંગણા ડેમૉક્રેટિક ફ્રન્ટ નામના મંચની ટુકડીને છત્તીસગઢ પોલીસે રદ નોટો અને માઓવાદી સાહિત્ય થકી નક્ષલવાદીઓને મદદ માટેના આરોપ હેઠળ ત્રીજી જાન્યુઆરીએ ધરપકડ કરી.
છત્તીસગઢમાં ગયાં તેર વર્ષથી શાસન કરનાર ભારતીય જનતા પક્ષની સરકારના અને પોલીસ તેમ જ માઓવાદીઓના અત્યાચારોને બહાર લાવનાર કરનારા પ્રામાણિક અને નીડર પત્રકારોનું કામ અત્યંત કપરું છે. એટલું બધું કે તેમણે રાજ્ય સરકાર પાસે પત્રકાર સુરક્ષા કાનૂન લાવવાની માગણી કરી છે. નેમિચંદ જૈન અને સાઇ રેડ્ડી માઓવાદીઓને હાથે 2013માં મરાઈ ચૂક્યા છે. પોલીસ પરેશાનીની ઝાળ લાગી ચૂકી હોય તેવા પત્રકારોની યાદી લાંબી છે.
સરકારી દમનનો 2011 સુધી પાંચેક વર્ષ સામનો કરનાર સેવાભાવી ડૉકટર વિનાયક સેનને કેમ ભૂલાય ? યાદ કરવાં જ પડે સોની સોરીને. સરકાર અને પોલીસના અમાનુષ સિતમથી એકતાળીસ વર્ષની આ શિક્ષિકાની જિંદગી તબાહ થઈ ચૂકી છે. છતાં આદિવાસીઓના જંગલ, જમીન, શિક્ષણ, રોજીના અધિકારો માટે તે લડી રહ્યાં છે. શાંતિ, શિક્ષણ અને કલમને તેમણે પોતાનાં હથિયારો બનાવ્યાં છે. બરાબર ત્રણસો પંચાવન દિવસ પહેલાં તેમના પર જ્વલનશીલ પ્રવાહી નાખીને તેમના ચહેરાને વિકૃત બનાવવાની કોશિશ થઈ. છતાં આ આદિમાયા ક્રાન્તિજ્યોતિ બસ્તરનાં અંધકારમાં ઉજાસ માટે લડનારાને રાહ બતાવતી રહી છે.
9 ફેબ્રુઆરી 2017
+++++
e.mail : sanjaysbhave@yahoo.com
(લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 10 ફેબ્રુઆરી 2017)