Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375718
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—99

દીપક મહેતા|Opinion - Opinion|12 June 2021

બોમ્બે હાઈ કોર્ટનો ઉદ્ઘાટન સમારંભ થયેલો ટાઉન હોલમાં

સમારંભમાં ગવર્નર હતા ગેરહાજર

બોમ્બે હાઈ કોર્ટના પહેલા હિન્દી જજ અને પહેલા ચીફ જસ્ટીસ હતા ગુજરાતી

બોમ્બે, કલકત્તા અને મદ્રાસ હાઈકોર્ટનાં નામ બદલવાની માગણી અવારનવાર ઊઠતી રહે છે. છતાં એ નામ બદલાતાં નથી એનું કારણ શું? કારણ તેની જન્મ કુંડળી. ત્રણે હાઈકોર્ટની કુંડળીમાં કેન્દ્રસ્થાને બ્રિટિશ પાર્લામેન્ટ નહિ, પણ ગ્રેટ બ્રિટનનાં રાણી રહેલ છે. ૧૮૫૭માં આ ત્રણ હાઈકોર્ટ શરૂ થઈ તે પછી અંગ્રેજોએ આપણા દેશમાં જે બીજી હાઈ કોર્ટો શરૂ કરી તે બધી બ્રિટિશ પાર્લામેન્ટના કાયદા હેઠળ કરી હતી. તો આ ત્રણ હાઈ કોર્ટ ગેરકાયદેસર છે? એનો જવાબ મેળવવા માટે આપણે મુંબઈ હાઈકોર્ટની જન્મગાથા જાણવી પડશે.

ક્વીન વિક્ટોરિયા – ૧૮ વરસની ઉંમરે રાજ્યારોહણ પ્રસંગે

૧૮૬૧માં બ્રિટિશ પાર્લામેન્ટે ‘ઇન્ડિયન હાઈ કોર્ટ’ એકટ પાસ કર્યો. પણ આ કાયદા દ્વારા પાર્લામેન્ટે હાઈ કોર્ટની સ્થાપના કરી નહિ. પણ જો અને જ્યારે યોગ્ય અને જરૂરી જણાય તો અને ત્યારે આ ત્રણ ઇલાકામાં હાઈ કોર્ટ સ્થાપવાની સત્તા બ્રિટિશ સામ્રાજ્યનાં નામદાર મહારાણીને આપી. આ મહારાણી એટલે ક્વીન વિક્ટોરિયા. ૧૮૧૯માં જન્મ, ૧૯૦૧માં અવસાન. માત્ર ૧૮ વરસની ઉંમરે મહારાણી બન્યાં અને પૂરાં ૬૪ વરસ સુધી અડધી દુનિયા પર રાજ કર્યું. પાર્લામેન્ટે આપેલી સત્તા પ્રમાણે ૧૮૬૨ના જૂનની ૨૬મી તારીખે રાણી વિક્ટોરિયાએ બોમ્બે હાઈકોર્ટની સ્થાપના કરતો ઢંઢેરો બહાર પાડ્યો. પહેલવહેલા સાત ન્યાયાધીશની નિમણૂક પણ કરવામાં આવી. એ સાત તે: સર મેથ્યુ રિચર્ડ સોસ (ચીફ જસ્ટીસ), સર જોસેફ આર્નોલ્ડ, સર રિચર્ડ કોચ, મિસ્ટર હેન્રી હર્બર્ટ, મિસ્ટર કલોડિયસ જેમ્સ અર્સ્કિન, મિસ્ટર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ, અને મિસ્ટર હેન્રી ન્યૂટન.

પહેલા સાત જજસાહેબોની નિમણૂકની જાહેરાત

આ સાતમાંથી એક જજ ગુજરાતનાં ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય, સંસ્થાઓ, વગેરે સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એ જજ તે એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ. કવીશ્વર દલપતરામની સહાયથી જરૂરી સાધનો મેળવીને ગુજરાત વિશેનું પહેલવહેલું અંગ્રેજી પુસ્તક ‘રાસમાળા’ લખનાર આ અંગ્રેજ અધિકારી. ૧૮૪૮માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થપાઈ તે એમને  પ્રતાપે. બદલી થતાં સુરત ગયા તો ત્યાં ૧૮૫૦માં એન્ડ્રુઝ લાઈબ્રેરી શરૂ કરાવી. મુંબઈ આવ્યા પછી ૧૮૬૫માં ‘ગુજરાતી સભા, મુંબઈ’ની સ્થાપનામાં આગળ પડતો ભાગ લીધો અને તેના પહેલા પ્રમુખ ચૂંટાયા. તેમના નેજા નીચે શરૂ થયેલી આ ત્રણે સંસ્થા આજ સુધી ટકી રહી છે. ફોર્બ્સના અવસાન પછી તેમની યાદગીરી કાયમ રાખવાના ઉદ્દેશથી મુંબઈની સંસ્થાનું નામ બદલીને ‘ફાર્બસ ગુજરાતી સભા’ રાખવામાં આવ્યું.

જસ્ટિસ એલેક્ઝાન્ડર ફોર્બ્સ

ફોર્બ્સનો જન્મ લંડન શહેરમાં ૧૮૨૧ના જુલાઈ મહિનાની સાતમી તારીખે. યુવાન વયે તેમણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાવાનું પસંદ કર્યું. તાલીમ પૂરી થયા પછી બોમ્બે પ્રેસિડેન્સીની સિવિલ સર્વિસમાં ફાર્બસ ૧૮૪૨ના ડિસેમ્બરની ૩૦મી તારીખે જોડાયા. પણ તે પછી લગભગ એક વર્ષે, ૧૮૪૩ના નવેમ્બરની ૧૫મી તારીખે તેમણે પહેલી વાર હિન્દુસ્તાનની ધરતી પર – મુંબઈના બારામાં — પગ મૂક્યો. જિંદગીનાં બાકીનાં બધાં વર્ષો તેમણે હિન્દુસ્તાનમાં, બલકે બોમ્બે પ્રેસિડેન્સીમાં જ વિતાવ્યાં. પૂના ખાતે ૪૪ વર્ષની ઉંમરે ૧૮૬૫ના ઓગસ્ટની ૩૧મી તારીખે તેમનું અવસાન થયું.

‘બોમ્બે ગેઝેટ’માં પ્રગટ થયેલો ઉદ્ઘાટન સમારંભનો અહેવાલ

ખેર, આપણે પાછા બોમ્બે હાઈ કોર્ટ જઈએ. એ દિવસ હતો ૧૪ ઓગસ્ટ, ૧૮૬૨નો. કંપની સરકારનું રાજ ખતમ થઈ ગયું હતું અને ગ્રેટ બ્રિટનના તાજનું રાજ સ્થપાઈ ચૂક્યું હતું. બોમ્બે હાઈકોર્ટની સત્તાવાર વેબસાઈટ પરથી કે વિકીપીડિયા પરથી ઉદ્ઘાટન સમારંભ વિષે તેની તારીખ સિવાય બીજી કશી માહિતી મળતી નથી. એ વખતે મુંબઈના ગવર્નર હતા તાજે નીમેલા પહેલવહેલા ગવર્નર સર બાર્ટલ ફ્રેરે. સામાન્ય રીતે તો આવા મોટા પ્રસંગે ગવર્નર હાજર હોય. પણ બોમ્બે ગેઝેટ નામના અખબારના ૧૪ ઓગસ્ટ ૧૮૬૨ના અંકમાં છપાયેલા ખબર પ્રમાણે એ વખતે પૂનામાં લેજિસ્લેટીવ કાઉન્સિલની બેઠક ચાલતી હતી અને ગવર્નર તેના અધ્યક્ષસ્થાને હોવાથી તેમણે પૂનામાં રહેવું અનિવાર્ય હતું. છતાં ૧૩મી ઓગસ્ટે સવારે તેઓ પૂનાથી મુંબઈ આવ્યા હતા, દિવસ દરમ્યાન હાઈ કોર્ટના ઉદ્ઘાટન માટેની બધી તૈયારી કરી હતી, અને સાંજે પાછા પૂના જવા ઉપડી ગયા હતા. ૧૫મી ઓગસ્ટ, ૧૮૬૨ના બોમ્બે ગેઝેટમાં છપાયેલા સમાચાર પ્રમાણે ટાઉન હોલના દરબાર હોલમાં હાઈ કોર્ટનો ઉદ્ઘાટન સમારંભ ૧૪મી તારીખે યોજાયો હતો. એ વખતે શહેરના અગ્રણીઓની હાજરીમાં દબદબાપૂર્વક યોજાયેલા સમારંભમાં બોમ્બે ગવર્નમેન્ટના એક્ટિંગ સેક્રેટરી જે.એમ. શો સ્ટુઅર્ટ, એડવોકેટ જનરલ મિસ્ટર લુઈ, બ્રિગેડિયર લિડેલ, કર્નલ બાર, ડોક્ટર બ્રોટન, કર્નલ ફ્રેંચ, તથા અન્ય પ્રતિષ્ઠિત નાગરિકો હાજર હતા. રાણીએ નીમેલા કુલ સાત જજ સાહેબોમાંથી માત્ર ચાર જ આ સમાંરભમાં હાજર રહી શક્યા હતા. સૌથી પહેલાં સર મેથ્યુ રિચર્ડ સોસે ચીફ જસ્ટીસ તરીકેના સોગંદ લીધા હતા. તે પછી મિસ્ટર હેન્રી હર્બર્ટ, મિસ્ટર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ, અને સર રીચર્ડ કોચ એ ત્રણેએ જજ તરીકેના શપથ લીધા હતા. ઉદ્ઘાટન સમારંભ પૂરો થયા પછી આ ચારે ન્યાયાધીશ સાહેબો સરઘસ આકારે એડમિરાલ્ટી હાઉસ ગયા હતા. ત્યાં ચીફ જસ્ટિસની ચેમ્બરમાં ચારેની મિટિંગ મળી હતી જે લગભગ ત્રણ કલાક ચાલી હતી.

આ કોર્ટની સ્થાપના થઈ તે પછી છેક ૧૯૩૫માં ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. ત્યાં સુધી મુંબઈ ઇલાકા પૂરતી બોમ્બે હાઈ કોર્ટ સર્વોચ્ચ અદાલત હતી. તેના ચુકાદા સામે અપીલ માત્ર લંડનની પ્રિવી કાઉન્સિલમાં જ થઈ શકતી. દિલ્હીમાં આવેલી આજની સુપ્રીમ કોર્ટની સ્થાપના તો ભારત પ્રજાસત્તાક બન્યું તે પછી ૧૯૫૦ના જાન્યુઆરીની ૨૮મી તારીખે થઈ. ૧૯૬૦ના મે મહિનાની પહેલી તારીખે ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને તે જ દિવસે ગુજરાત હાઈ કોર્ટની સ્થાપના કરવામાં આવી, અને એ રાજ્ય પરની બોમ્બે હાઈ કોર્ટની હકૂમત પૂરી થઈ. ૧૯૩૬માં નાગપુર ખાતે અલાયદી હાઈ કોર્ટ સ્થપાઈ હતી કારણ એ વખતે નાગપુર સેન્ટ્રલ પ્રોવિન્સ(પછીથી મધ્ય પ્રદેશ)ની રાજધાની હતું. અલગ મહારાષ્ટ્રની સ્થાપના વખતે નાગપુર હાઈ કોર્ટ બની બોમ્બે હાઈ કોર્ટની પહેલી બેંચ. તે પછી ૧૯૮૨માં ઔરંગાબાદ બેંચ અને પણજી બેંચ શરૂ થઈ. આ ઉપરાંત દાદરા, નગર હવેલી, દમણ, અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશો પણ બોમ્બે હાઈ કોર્ટની હકૂમત હેઠળ છે. શરૂઆતથી છેક ૧૯૧૯ સુધી બોમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા સાતની જ રહી હતી. પણ પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી એકાએક કેસની સંખ્યા પુષ્કળ વધી ગઈ. એટલે વખતોવખત જજસાહેબોની સંખ્યા વધતી ગઈ. આજે બોમ્બે હાઈ કોર્ટના મંજૂર થયેલા ન્યાયાધીશોની સંખ્યા ૯૪ છે.

૧૮૬૨થી ૧૮૮૩ સુધી બોમ્બે હાઈ કોર્ટના બધા જ ન્યાયાધીશો અંગ્રેજ હતા. ૧૮૮૩માં નિમાયેલા જસ્ટિસ નાનાભાઈ હરિદાસ પહેલવહેલા કાયમી ‘દેશી’ જજ હતા અને ૧૮૮૯માં તેમનું અવસાન થયું ત્યાં સુધી એ પદે રહ્યા હતા. જો કે તેમના પહેલાં જગન્નાથ વાસુદેવજીની નિમણૂક કેટલાક વખત માટે કામચલાઉ ન્યાયાધીશ તરીકે થઈ હતી. દેશને આઝાદી મળી ત્યાં સુધી બોમ્બે હાઈ કોર્ટના એકેએક ચીફ જસ્ટિસ અંગ્રેજ હતા. ૧૯૪૮માં એ પ્રથાનો અંત આવ્યો અને મહંમદ કરીમ ચાગલા ચીફ જસ્ટિસ બન્યા. ૧૯૫૮માં નિવૃત્ત થયા. તેમની નિમણૂક અમેરિકા ખાતેના રાજદૂત, બ્રિટન ખાતેના હાઈ કમિશ્નર, કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રી અને વિદેશ ખાતાના મંત્રી,  જેવાં મહત્ત્વનાં સ્થાનો પર થઈ હતી. ગુજરાતી ઈસ્માઈલી ખોજા કુટુંબમાં ઈ.સ. ૧૯૦૦ના સપ્ટેમ્બરની ૩૦મી તારીખે જન્મેલા ચાગલાનું ૧૯૮૧ના ફેબ્રુઆરીની નવમીએ અવસાન થયું હતું. આમ, બોમ્બે હાઈ કોર્ટના પહેલા દેશી જજ અને પહેલા દેશી ચીફ જસ્ટિસ બંને, ગુજરાતી હતા. આ ઉપરાંત દેશની સુપ્રિમ કોર્ટના પહેલવહેલા ચીફ જસ્ટિસ હરીલાલ જેકીસનદાસ કણિયા પણ મૂળ બોમ્બે હાઈ કોર્ટના, અને ગુજરાતી. દેશના પહેલવહેલા એટર્ની જનરલ એમ.સી. સેતલવાડ પણ બોમ્બે હાઈ કોર્ટના, અને તેઓ પણ ગુજરાતી. આઝાદ હિન્દના પહેવાહેલા સોલિસીટર જનરલ સી.કે. દફતરી પણ મુંબઈ હાઈ કોર્ટના અને ગુજરાતી.

૧૯૪૭માં દેશને આઝાદી મળી તે વખતે ટ્રાન્સફર ઓફ પાવર એકટ હેઠલ બ્રિટિશ પાર્લામેન્ટે ભારતને લગતા કાયદાઓમાં સુધારાવધારા કરવાની કે તેમને રદ્દ કરવાની સત્તા આપણી પાર્લામેન્ટને આપવામાં આવી. એટલે જે હાઈ કોર્ટોની સ્થાપના બ્રિટિશ સરકારે કાયદા હેઠળ કરેલી તેનાં નામ બદલવાની સત્તા આપણી પાર્લામેન્ટને છે. પણ બોમ્બે, કલકત્તા, અને મદ્રાસ હાઈ કોર્ટની સ્થાપના કાયદા દ્વારા થઈ નથી, પણ ગ્રેટ બ્રિટનનાં મહારાણીના ઢંઢેરા દ્વારા થઈ છે. અને તેમાં ફેરફાર કરવાનો હક્ક નથી આપણી પાર્લામેન્ટને કે નથી આપણા પ્રમુખને. એટલે નામ બદલવું કઈ રીતે? હા, આગલાં રાણીના ઢંઢેરામાં બ્રિટનનાં હાલનાં રાણી ફેરફાર કરી શકે ખરાં. પણ આજે જે દેશ પર પોતાની હકૂમત જ નથી એ દેશને લગતા ઢંઢેરામાં તેઓ કઈ રીતે ફેરફાર કરી શકે? એટલે બોમ્બે અને બીજી બે હાઈ કોર્ટોનાં નામ બદલી શકાય એમ નથી!

નામ ભલે ન બદલાય, પણ હાઈ કોર્ટે મકાન તો બદલ્યું છે. શરૂઆતથી ૧૮૭૯ સુધી તે એડમિરાલ્ટી હાઉસમાં કામ કરતી હતી. તેનું હાલનું મકાન બાંધવાની શરૂઆત ૧૮૭૧ના એપ્રિલમાં થઈ હતી. આજે જ્યાં આ મકાન આવેલું છે તે જગ્યા સરકારે પહેલાં તો યુનિવર્સિટી ઓફ બોમ્બેના મકાન માટે ફાળવી હતી. ત્યાં તેના મકાનનો શિલારોપણ વિધિ પણ થયો હતો. પણ પછી સરકારે એ જગ્યા હાઈ કોર્ટના મકાન માટે ફાળવી. નવા મકાનમાં હાઈ કોર્ટનું કામકાજ ૧૮૭૯ના જાન્યુઆરીની ૧૦મી તારીખથી શરૂ થયું. 

હાઈ કોર્ટમાંથી નીકળીને હવે આવતે અઠવાડિયે? આગે આગે ગોરખ જાગે!

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 12 જૂન 2021

Loading

12 June 2021 દીપક મહેતા
← દેશનો વારસો સાચવતા ‘નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયા’ પર તોળાતું જોખમ ..
લોકશાહીનો ઉપયોગ કરીને લોકશાહીનું કાસળ કાઢવાની રમત ?! →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved