હાંડીઓ અને કાચના ગ્લાસમાં મલોખાંના દીવાથી ઝગમગતું મુંબઈ
ચીનાબાગની લાઈટો જોવા આખું મુંબઈ ઉમટે
મરાઠી દિવાળી અંકોની ૧૧૧ વરસ જૂની પરંપરાના મૂળમાં ગુજરાતી માસિક
ઓગણીસમી સદીના મુંબઈમાં દિવાળી
દિવાળીના દિવસોમાં મુંબઈમાં જેટલો ઉત્સાહ જોવા મળે છે તેટલો આખી દુનિયામાં બીજે ક્યાં ય જોવા મળતો નહિ હોય. આ ઉત્સવ સતત પાંચ દિવસ ચાલે છે અને એ જોવા લોકો દૂર દૂરથી મુંબઈ આવતા હોય છે. જાતજાતનાં ચિત્રો, અરીસા, હાંડીઓ, ઝુમ્મર વગેરેથી ઘરોનાં દિવાનખાના, પેઢીઓ, વગેરે એટલાં તો શણગારાય છે કે તેની સામે શ્રીમંતોના આરસમહેલ તો પાણી ભરે. કિલ્લામાં, બજારોમાં, રસ્તાઓ અને ગલ્લીઓ પર, ઘરોમાં અને ઘરોની બહાર, હાંડીઓ અને કાચના ગ્લાસમાં મલોખાંનાં દીવા ઝગમગતા જોવા મળે છે. આ જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડે છે અને ઠેર ઠેર ઘોડા ગાડીઓની લાંબી હાર જોવા મળે છે. ચોપડા પૂજનની સાંજે તો પેઢીઓમાં જે ઉજવણી થાય છે તેનું વર્ણન કરવું અશક્ય છે. નવા આણેલા ચોપડાઓનું પૂજન દરેક પેઢીમાં થાય છે. તે સાંજે તો કોટ અને બજાર વિસ્તારમાં એટલા લોકો હોય છે કે તેમની ગાડીઓની લાંબી લાંબી કતાર જાણે નદીમાં પૂર આવ્યું હોય તેમ આગળ ને આગળ ધપતી જોવા મળે છે.
તે દિવસે ગુજરાતી ઘોડાવાળાઓ એક સરખો પોશાક પહેરી એકઠા થાય છે અને પગે ઘૂઘરા અને કમ્મરે કમરબંધ બાંધી, હાથમાં બે બે લાકડી લઈ ઘરે ઘરે જઈ નાચતા હોય છે અને ગાતા હોય છે. તેમને આઠ આના-રૂપિયાની બક્ષીસ આપીને લોકો રાજી કરતા હોય છે. બલિપ્રતિપદા એ ગોવાળિયાઓ માટે બહુ મોટો તહેવાર હોય છે. તે દિવસે પોતાનાં ગાય-ભેંસને શણગારીને તેઓ પંચવાદ્ય વગાડતા ઘરે ઘરે ફરે છે. લોકો પંચારતી (પાંચ દીવાવાળી આરતી) કરીને તેમને વધાવે છે.
દિવાળીના દિવસોમાં અડોશપડોશનાં બૈરાંઓ સાંજે ભેગાં મળીને કેવળ મોજ ખાતર જાતજાતનાં ગીતો ગાય છે. જેમ કે,
મુંબઈ શે’રની મોજ માણવા
નીકળ્યાં બૈરાં ઘરની બા’ર,
મુંબઈમાં બઈ, જહાં જુઓ ત્યાં રસ્તાનો નહિ પાર.
બંને બાજુ ઘર છે મોટાં, શોભે નકશીદાર.
ઘરને રંગ્યાં અનેક રંગે, રંગોનો શણગાર.
મુંબઈ તો છે ભપકાદાર, મુંબઈ તો છે ઠસ્સાદાર.
મુંબઈ શે’રની મોજ માણવા ..
મુંબઈમાં તો અલી! જુઓ ને શોભે તૈણ બજાર,
ભાયખળામાં શાક સવારે, ફૂલ, ફળોની હાર,
માર્કેટની બાજાર, તહીં કીડિયારું અપરંપાર.
માળી ઘરે ન આવતા, મુંબઈ શે’ર મોઝાર.
ફૂલ લાવવા જવું પડે બઈ ઠેઠ ચીરાબાઝાર.
ગુલાબ દેશી, વેલાતી ચંપો,
આસોપાલવનાં તોરણની ઠેર ઠેર છે હાર.
મુંબઈ શે’રની મોજ માણવા ..
મુંબઈમાં તો એક નહિ, પણ બબ્બે છે દરબાર,
ટંકશાળમાં સિક્કા ને નોટોની છે લંગાર,
ટૌન હોલમાં જહાં જુઓ ત્યાં ચોપડીઓની હાર.
મુંબઈના દરિયાને કાંઠે બંદર તો છે સાત,
બોરીબંદર, ચીંચબંદર, કોયલાબંદર,
ઉરણબંદર ચાર,
માહિમનું ને ભાયખળાંનું બંદર,
અને સાતમું ભાઉચા ધક્કાનું બંદર
છે મુંબઈ મોઝાર.
મુંબઈ શે’રની મોજ માણવા
નીકળ્યાં બૈરાં ઘરની બા’ર,
મુંબઈમાં બઈ, જહાં જુઓ ત્યાં રસ્તાનો નહિ પાર.
(૧૮૬૩માં પ્રગટ થયેલ ગો.ના. માડગાંવકરના મરાઠી પુસ્તક ‘મુંબઈચે વર્ણન’માંથી મુક્ત અનુવાદ)
મુંબઈની દિવાળી ગાંધીજીની નજરે
હવે દિવાળી આવી પહોંચી. શહેરની શેરીઓ બધી આંખને આંજી નાખનારી રોશનીથી ઝળાંહળાં થઈ રહી છે. અલબત્ત, જેણે લંડનના રિજન્ટ સ્ટ્રીટ અથવા ઓક્સફર્ડ સ્ટ્રીટ જોયાં જ નથી તેને જ એ આંજી નાખનારી લાગે, અને તેની સરખામણી ક્રિસ્ટલ પેલેસ પર જે પ્રમાણમાં રોશની કરવામાં આવે છે તેની સાથે કરવાની હોય નહિ. મુંબઈ જેવાં મોટાં શહેરોની વાત વળી જુદી છે. પુરુષો, સ્ત્રીઓ, અને બાળકો પોતાનાં સારામાં સારાં વસ્ત્રો પહેરી ફરવા નીકળે છે. એ વસ્ત્રોના રંગોની વિવિધતાનો પાર નથી. તેથી અદ્ભુત એવી ચિત્રવિચિત્ર અસર પેદા થાય છે ને બધાં વસ્ત્રો એકઠાં મળી સુમેળવાળું અખંડ રંગબેરંગી સુંદર દૃષ્ય ઊભું કરે છે. વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા પણ આજે રાતે કરવાની હોય છે. વેપારીઓ ત્યારે નામાનો પહેલો આંકડો પાડી નવા ચોપડા શરૂ કરે છે. પૂજા કરાવનારો સર્વવ્યાપી બ્રાહ્મણ પૂજામાં થોડા શ્લોકો બબડી જઈ દેવી સરસ્વતીનું આવાહન કરે છે. પૂજા થઈ રહે એટલે છેક અધીરાં થઈ ગયેલાં બાળકો દારૂખાનું ફોડવા મંડી પડે છે અને આ પૂજાનું મુહૂર્ત આગળથી નક્કી થયેલું હોવાથી શહેરની બધી શેરીઓ ફટાકડાઓના અને બીજા દારૂખાનાના ફૂટવાના ફટફટ ને સૂ સૂ અવાજોથી ગાજી ઊઠે છે. ધાર્મિક વૃત્તિના લોકો પછી મંદિરોએ દર્શને જાય છે પણ ત્યાંયે આ રાતે તો આનંદ અને ઉત્સાહ આંજી નાખનારી રોશની અને જાતજાતની શોભા વગર બીજું કંઈ જોવામાં આવતું નથી.
– ગાંધીજી
(લંડનના સામયિક ‘ધ વેજિટેરિયન’ના એપ્રિલ ૪, ૧૮૯૧ના અંકમાં લખેલા લેખના અનુવાદના સંકલિત અંશો)
***
ચીનાબાગની લાઈટો જોવા આખું મુંબઈ ઉમટે
જરા મોટપણે જોયેલા ચીનાબાગના ઓચ્છવ-જમણવારો પણ મને બરાબર યાદ છે. દિવાળી ટાણે ચીનાબાગની લાઈટો જોવા આખું મુંબઈ ચાર દિવસ ઉમટે. ચીનાબાગમાં જમણ હોય. ગીરગામમાં એકજથ્થે સેળભેળ વસતાં અને મોરારજી ગોકુળદાસની નોકરીઓ કરતાં અમારા પાંચ-સાત દખણી ગુજરાતી કુટુંબોને સાકટમે નોતરાં હોય. જમણ પછી નાના શેઠિયાઓને હાથે પુરુષવર્ગને અને ધનીમા તરફથી પાછળ બૈરાંઓને નવાજેશો થાય. બંગલાના કિમતી પર્શિયન ગાલીચા બિછાવેલા મોટા હોલમાં મખમલ મશરૂથી મઢેલાં કોચ ગાદીતકિયા પર, કપાળે કેસરપીળ કાઢેલા નાના શેઠિયાઓ અઢેલીને પૂર દમામથી બેસે, ને અમારા મહેતા-કારકૂન કુટુંબોના વડીલો બધા બેઉ બાજુ ધોળી ફૂલ ખોળો ચઢાવેલી ઊજળી દૂધ ગાદીઓની બિછાયતો પર ઠેઠ દેશી પોશાકોમાં (અહીંની જ નવાજેશોમાં મળેલાં પાઘડી, અંગરખા, ઉપરણા ને ત્રણ આંગળ પહોળી લાલ રેશમી કિનારનાં નાગપુરી ધોતિયામાં) હારબંધ બેસે. અમે નાના છોકરાઓ બધા તેમની આગલી બાજુએ અદબપૂર્વક બેસીએ.
પછી અકેક કુટુંબનો વડીલ ઊઠીને અકેક છોકરાને અગાડી કરે. લાવીને શેઠિયાઓ સન્મુખ ઊભો રાખે, ને દર વખતે નવેસર ઓળખ કરાવે! અમને તો આ પ્રસંગે કેમ ઊભા રહેવું, કેમ જવાબ દેવા, કેમ લળીલળીને હાથ જોડવા, શેઠિયાઓ આપે તે ભેટની વસ્તુ કેવી નમનતાઈથી નીચા નમીને લેવી, ને કપાળે અડકાડી પાછે પગે પોતાની જગાએ જઈને કેમ બેસવું, એવી અકેક બાબતની દિવસોના દિવસો અગાઉથી અમારા ઘરોમાં તાલીમ અપાઈ હોય, ને રિહરસલો પણ કરાવી હોય! વરસોવરસનો આ ક્રમ તે મુજબ જ બધું કરવાનું.
પછી ભરજરીના તોરાવાળી નવીનકોર લાલ ચણોઠી જેવી પાઘડીઓ અને કોરી કડકડતી બાસ્તા જેવી ધોળી જગન્નાથનાં ચૂડીદાર ટૂંકા અંગરખાં પહેરેલા સતારા મામલેસરના ધિપાડ ધિંગા ઘાટીઓને હાથે પાનબીડાંના થાળ ફરે. સોનવાણી ગુલાબદાનીઓમાંથી ગુલાબજળ છંટાય. મોંઘા અત્તરના મઘમઘાટથી હોલ બહેકી ઊઠે, ને અમને દરેકને અમારા નાના શેઠિયાઓને હાથે સપરમા દિવસની નવાજેશો થાય. ઘરની મિલોના વણાટની કોરી ધોતલીઓના જોટા, ઝીકભરતની કે રેશમી ભરતની ગોળ મખમલ-ટોપીઓ, રેશમી રૂમાલ, સાવલિયાં, ને વડીલ વર્ગને મિલનાં કે નાગપૂરી હાથવણાટનાં કિમતી ધોતી જોટા, લાલ પાઘડીપાગોટાં, જગન્નાથીના તાકા, — એવું એવું મળે.
પાછલી પરસાળે ધનીમા કુંવારકા છોકરીઓને ચણિયાઓઢણી, અને મોટાંને બબ્બે છાયલ ને ચોળખણ આપે. વડીલ બઈરાંઓને દખણી હાથવણાટનાં ને કાળી કે લાલ સળીનાં સોલાપૂરી લૂગડાં, ને ક્યારેક શાલજોડી મળે. સોભાગવતીની ઓટી પુરાય. હલદીકંકુના પડા, ને ક્યારેક કાળી ચંદ્રકળાઓ પણ મળે.
(નોંધ: સ્વામી આનંદની પોતીકી જોડણી વ્યવસ્થા હતી, અને તેના તેઓ આગ્રહી હતા. એટલે ઉપરના લખાણમાં ભાષા-જોડણી મૂળ પ્રમાણે રાખ્યાં છે.)
(સ્વામી આનંદ કૃત નિબંધ ‘ધનીમા’માંથી)
મરાઠી દિવાળી અંકોની ૧૧૧ વરસ જૂની પરંપરા
આજે તો મરાઠીમાં દર વર્ષે લગભગ દોઢ સો જેટલા દિવાળી અંક પ્રગટ થાય છે. તેમાં માસિક-સાપ્તાહિકના વિશેષાંકો તો ખરા જ પણ વરસમાં એક જ વાર પ્રગટ થતા હોય તેવા દિવાળી અંકોની સંખ્યા ઘણી મોટી. મરાઠી દીવાળી અંકોની પરંપરાને આ વરસે ૧૧૧ વરસ પૂરાં થયાં. ૧૯૦૯ની દિવાળી વખતે ‘મનોરંજન’ માસિકનો દિવાળી અંક પ્રગટ થયો તે મરાઠીનો પહેલો દિવાળી અંક. કાશીનાથ રઘુનાથ આજગાંવકર (મિત્ર) નામના ૨૩ વરસના છોકરડાએ ૧૮૯૫ના જાન્યુઆરીમાં ૧૨ પાનાંનો ‘મનોરંજન’ માસિકનો પહેલો અંક મુંબઈથી બહાર પાડ્યો. પણ આવો વિચાર તેને સૂઝ્યો કઈ રીતે? આપણી ગુજરાતી ભાષામાં મુંબઈથી પ્રગટ થતું ‘પખવાડિયાની મજાહ’ નામનું પાક્ષિક જોઈને. બીજી ઘણી બાબતોની જેમ હળવું (હલકું નહિ) મનોરંજન આપતાં સામયિકોની બાબતમાં પણ પારસીઓએ પહેલ કરી હતી. છેક ૧૮૮૫ના ફેબ્રુઆરીની પહેલી તારીખે જીજીભાઈ ખરશેદજી કાપડિયાએ ‘પખવાડિયાની મજાહ’ નામનું પાક્ષિક મુંબઈથી શરૂ કર્યું હતું. લગભગ ત્રણ વરસ તેમણે તે ચલાવ્યું અને પછી તે વખતના ખૂબ જાણીતા પ્રકાશક જાંગીરજી બેજનજી કરાણીની કંપનીને વેચી દીધું. મરાઠી માસિક શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે પહેલાં તો આજગાંવકરે તેનું નામ ‘માસિક મૌજ’ રાખવાનું નક્કી કર્યું હતું. એ નામવાળાં જાહેરાતનાં હેન્ડ બિલ પણ વહેંચ્યાં હતાં. પણ આ નામ પોતાના સામયિકને ઘણું મળતું આવે છે એમ જણાવી જહાંગીર કરાણીએ મરાઠી સામયિકનું નામ બદલવા જણાવ્યું. એટલે પછી નામ રાખ્યું ‘મનોરંજન.’ પોતાનું પાક્ષિક વેચી દીધા પછી જીજીભાઈએ ૧૮૯૦માં ‘ગમ-ગોસાર’ નામનું માસિક કાઢેલું. આ ઉપરાંત ‘એ તે બૈરી કે …’ ‘વેલાતી મલાઉન’ નામનાં કથાત્મક પુસ્તકો પણ તેમણે લખેલાં.
ત્યારથી શરૂ થયેલી મરાઠી દિવાળી અંકોની પરંપરા આજે તો ઘણી સમૃદ્ધ થઈ છે. છેલ્લાં કેટલાંક વરસથી છાપેલા અંકની સાથોસાથ તેની ડિજિટલ આવૃત્તિ પણ ઘણાં દિવાળી અંકોએ શરૂ કરી છે, તો કેટલાક હવે માત્ર ડિજિટલ આવૃત્તિ જ પ્રગટ કરે છે. બીજો એક નવતર પ્રયોગ પણ શરૂ થયો છે, ઓડિયો દિવાળી અંકોનો. આનો લાભ એક બાજુથી ઘડપણને લીધે વાંચવાની તકલીફ હોય તેવા લોકો લઈ શકે છે, તો બીજી બાજુ અંગ્રેજી માધ્યમને કારણે મરાઠી ભાષા લખી-વાંચી શકતા નથી, પણ સમજી અને બોલી શકે છે તેવા યુવક-યુવતી લે છે. અને મરાઠી દિવાળી અંકોમાં માત્ર કવિતા, વારતા, લેખ, વગેરે જ હોય છે એવું ય નથી. કુટુંબજીવન, લગ્નજીવન, કમ્પ્યુટર શિક્ષણ, સમતોલ આહાર, સ્ત્રીઓના પ્રશ્નો, ઇતિહાસ, વિજ્ઞાન જેવા કોઈ એક વિષય પરના લેખો અને માહિતી આપ્યાં હોય એવા દિવાળી અંકો પણ દર વરસે પ્રગટ થાય છે અને સારા એવા વેચાય છે પણ ખરા. ગિરગામ, દાદર, પાર્લા ઇસ્ટ, જેવા વિસ્તારોમાં આવેલી સરક્યુલેટિંગ લાઈબ્રેરીઓમાંથી પાંચ-છ મહિના સુધી લાવીને દિવાળી અંકો વાંચનારો પણ મોટો વર્ગ છે. દર વરસે પ્રગટ થયેલા દિવાળી અંકોની સ્પર્ધા પણ થાય છે, અને ઇનામો અપાય છે. પણ આં સમૃદ્ધ પરંપરાના મૂળમાં એક પારસી નબીરાએ શરૂ કરેલું ગુજરાતી સાપ્તાહિક રહેલું છે એ હકીકત આજે ભાગ્યે જ કોઈ જાણતું હશે.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 14 નવેમ્બર 2020