૧૯મી સદીના મુંબઈમાં ફેલાયેલો ‘સ્ટેચ્યુમેનિયા’નો રોગ
કોઈ પણ પૂતળું તોડાય ત્યારે હથોડાની સામે ટાંકણાની હાર થતી હોય છે
જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.
માણસની સૌથી મોટી ઇચ્છા-આકાંક્ષા કઈ? અમર બનવાની. સદેહે નહિ તો ચિત્ર, પૂતળું, સ્મારક. અંગ્રેજ કવિ બાયરને કહ્યું છે કે ‘પબ્લિક ફેમ’ની ભૂખને કારણે ઊભાં થાય છે પૂતળાં, બાવલાં, પ્રતિમા, સ્ટેચ્યુ. આવાં સ્મારક ઊભાં કરવાં જેટલાં સહેલાં છે એના કરતાં ઘણાં વધારે સહેલાં છે એને તોડવાં. કોઈ પણ પૂતળું તોડાય ત્યારે હથોડાની સામે ટાંકણાની હાર થતી હોય છે.
યરપ અને અમેરિકામાં ૧૯મી સદીમાં ‘સ્ટેચ્યુમેનિયા’નો રોગ ફેલાયેલો એમ કહેવાય છે. રાજ્સત્તાએ, ધર્મસત્તાએ, ધનસત્તાએ જ્યાં જુઓ ત્યાં પૂતળાં ખડકી દીધાં, સ્મારકો ઊભાં કરી દીધાં. બ્રિટિશ શાસન નીચેનું મુંબઈ પણ આ ‘સ્ટેચ્યુમેનિયા’ની અસર નીચે આવ્યા વગર કેમ રહે? પોર્ટુગીઝ શાસન વખતે મુંબઈમાં કોઈ પૂતળું મૂકાયું હોય એવું જાણ્યું નથી. મૂકાયું હોય તો વિસ્મૃતિમાં ધકેલાઈ ગયું છે. પોર્ટુગીઝ સરકારને વેપાર સિવાય, પૈસા કમાવા સિવાય, બીજા કશામાં ભાગ્યે જ રસ હતો. તેમના પછી આવેલી કંપની સરકારને પણ શરૂઆતમાં બીજો કશો રસ નહોતો. મુંબઈના ઉજ્જવળ ભાવિનો વર્તારો જેણે પહેલી વાર ભાખ્યો તે ગવર્નર જેરાલ્ડ ઓન્ગિયારનું નથી ક્યાં ય પૂતળું, નથી ક્યાં ય ચિત્ર.
મુંબઈ શહેર જેમ જેમ વિકસતું ગયું તેમ તેમ તેનું કેન્દ્ર ખસતું, બદલાતું ગયું. પોર્ટુગીઝ રાજવટ દરમ્યાન અને કંપની સરકારના શરૂઆતના દાયકાઓમાં મુંબઈ શહેરનું કેન્દ્ર હતું કોટન ગ્રીન – હાલનું હોર્નિમન સર્કલ – પર આવેલું સેન્ટ થોમસ કેથીડ્રલ. તેને ‘શૂન્ય’ માનીને બીજી બધી જગ્યાએ માઈલના પથ્થર ખોડાતા.
કોટન ગ્રીન પર આવેલું લોર્ડ વેલેસ્લીનું પૂતળું
કંપની સરકારે મુંબઈમાં સૌથી પહેલું પૂતળું કોનું મૂકેલું એ તો જાણવા મળ્યું નથી. પણ કોટન ગ્રીન વિસ્તારનાં બે પૂતળાં વિશેની માહિતી મળે છે. આ પૂતળાં કદાચ મુંબઈમાંનાં પહેલવહેલાં બ્રિટિશ પૂતળાં. ૧૭૯૭થી ૧૮૦૫ સુધી લોર્ડ વેલેસ્લી બંગાળના ગવર્નર જનરલ હતા. એ જમાનામાં બંગાળના ગવર્નર જનરલ તે હિન્દુસ્તાનમાંના આખા બ્રિટિશ રાજના ગવર્નર જનરલ ગણાતા. મૈસૂર અને મરાઠાઓ સાથેના યુદ્ધોમાં વેલેસ્લીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. અને છતાં નસીબની બલિહારી જુઓ : તેમનું આ પૂતળું બનાવવા માટે ગ્રેટ બ્રિટનમાં ઓર્ડર અપાયો. પૂતળું સમયસર મુંબઈ પહોચ્યું. પણ પછી? પછી એને મોકલી દેવાયું ગોડાઉનમાં! સર ચાર્લ્સ ફોર્બ્સ મૂળ તો વેપારી. પણ હિન્દુસ્તાન-પ્રેમી. ‘દેશીઓ’ના હક્કો માટે અવાજ ઉઠાવનાર. તેમના ધ્યાનમાં આવ્યું કે લોર્ડ વેલેસ્લીનું પૂતળું ગોડાઉનમાં સબડે છે. તેમણે સારી એવી મહેનત કરીને એ પૂતળું બહાર કઢાવ્યું અને કોટન ગ્રીન વિસ્તારમાં ટાઉન હોલ નજીક મૂકાવ્યું.
લોર્ડ કોર્નવોલિસનું સ્મારક – કોટન ગ્રીન
કોટન ગ્રીનમાં આવેલું બીજું પૂતળું હતું ગવર્નર જનરલ અને કમાન્ડર ઇન ચીફ ઓફ ઇન્ડિયા કોર્નવોલિસનું. તેમનો જન્મ ૧૭૩૮ના ડિસેમ્બરની ૩૧મી તારીખે, અવસાન ૧૮૦૫ના ઓક્ટોબરની પાંચમી તારીખે. બે વખત ગવર્નર જનરલના પદે રહ્યા. ૧૭૮૬ના સપ્ટેમ્બરની ૧૨મી તારીખથી ૧૭૯૩ના ઓક્ટોબરની ૨૮મી સુધી, અને બીજી વાર ૧૮૦૫ના જુલાઈની ૩૦મીથી એ જ વરસના ઓક્ટોબરની પાંચમી સુધી. હિન્દુસ્તાનમાં કંપની સરકારના રાજના પાયા ઊંડા કરવામાં તેમનો સારો એવો ફાળો. હિન્દુસ્તાનમાં કુલ ચાર સ્થળે તેમનાં સ્મારક હતાં : મદ્રાસ, મુંબઈ, કલકત્તા, અને જ્યાં તેમનું અવસાન થયું તે ગાઝીપુર.
સદીઓનાં વહાણાં વાઈ ગયાં છે. દેશ આઝાદ થયો છે. ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું વિભાજન થયું અને મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યો સ્થપાયાં છે. એ વાતને ય પાંચેક વરસ થઈ ગયાં છે. ૧૯૬૫ના ઓગસ્ટની ૧૦મી તારીખ. રોજની જેમ વહેલી સવારે વોચમેન હોર્નિમન સર્કલ પર ફરી રહ્યો છે – સબ સલામત છે કે નહિ એ જોવા. પણ ના. આજે સબ સલામત નહોતું. એની નજર લોર્ડ કોર્નવાલીસ અને લોર્ડ વેલેસ્લીનાં પૂતળાં પર પડી. જે જોયું તે પહેલાં તો માન્યું નહિ. આંખો ચોળીને ફરી જોયું : બંને પૂતળાંનાં માથાં ધડથી જૂદાં થઈ ગયાં હતાં. એણે ઉપરી-અધિકારીની ઓફિસ તરફ દોટ મૂકી. એ પોતાની વાત કહી રહ્યો હતો ત્યાં તો શહેરના જુદા જુદા ભાગોમાંથી આવા જ સમાચાર આવવા લાગ્યા. કોઈ પૂતળાનું નાક કપાયું, કોઈનો મુગટ ચોરાયો. અને મ્યુનિસિપાલિટી સફાળી જાગી. થોડાક દિવસમાં બધાં જાહેર સ્થળોએથી અંગ્રેજોનાં પૂતળાં દૂર કર્યાં.
એસ્પ્લનેડ રોડ પરનું ક્વીન વિક્ટોરિયાનું પૂતળું
પણ આ બે ગવર્નર જનરલ કરતાં વધુ બૂરી દશા તો રાણી વિક્ટોરિયા(૧૮૧૯-૧૯૦૧)ના પૂતળાની થઈ. એ જમાનાના પ્રખ્યાત શિલ્પકાર મેથ્યુ નોબલ (૧૮૧૭-૧૮૭૬). તેમણે બનાવેલું રાણી વિક્ટોરિયાનું પૂતળું બ્રિટનથી દરિયાઈ રસ્તે મુંબઈ લાવવામાં આવ્યું. ૧૮૭૨ના એપ્રિલની ૨૯મી તારીખે એસ્પ્લનેડ રોડ – આજનો મહાત્મા ગાંધી રોડ — પર મહત્ત્વની જગ્યાએ મૂકવામાં આવ્યું. આ પૂતળું મુંબઈ શહેરને વડોદરાના ગાયકવાડ તરફથી ભેટ આપવામાં આવ્યું હતું. રાણીનું પૂતળું આઠ ફૂટ ઊંચું હતું પણ તેમને માથે જે છત્રી (કેનોપી) હતી તે ૩૪ ફૂટ ઊંચી હતી. એટલે આખા સ્મારકની ઊંચાઈ ૪૨ ફૂટની હતી. પૂતળું અને કેનોપી બંને, સફેદ આરસનાં હતાં. મુંબઈમાં બ્રિટિશ શાસકોનાં જે પૂતળાં મૂકાયાં હતાં તેમાં આ સૌથી વધુ સુંદર અને પ્રભાવી પૂતળું હતું. હિન્દુસ્તાનમાં મૂકાયેલું આ પહેલવહેલું રાણીનું પૂતળું હતું. પછીથી જ્યાં વિદેશ સંચાર નિગમ(ખાનગીકરણ પછી તાતા કમ્યુનિકેશન્સ લિમિટેડ)ની ઈમારત ઊભી છે ત્યાં રાણીનું પૂતળું મૂકાયું હતું. એ જ શિલ્પકારે બનાવેલું પ્રિન્સ આલ્બર્ટનું પૂતળું વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ(આજનું ભાઉ દાજી લાડ મ્યુઝિયમ)માં મૂકેલું હતું. મૂળ યોજના રાણી વિક્ટોરિયાનું પૂતળું એ મ્યુઝિયમમાં પ્રિન્સ આલ્બર્ટના પૂતળાની બાજુમાં મૂકવાની હતી. પણ કોણ જાણે કેમ, પછીથી તે એસ્પ્લનેડ રોડ પર મૂકવામાં આવ્યું. ૧૯૬૫ના અરસામાં બીજાં પૂતળાંની સાથે રાણીનું આ પૂતળું પણ તેની જગ્યાએથી હટાવવામાં આવ્યું. પણ તેનું નસીબ કઠણ હશે એટલે તેના બે ભાગ અલગ કરવામાં આવ્યા. મુંબઈના એક ઉદ્યોગગૃહે માત્ર કેનોપી ખરીદી લીધી, પૂતળું નહિ. અને એ કેનોપીની નીચે ગોઠવી દીધું પોતાના સ્થાપકનું પૂતળું! અને રાણીનું પૂતળું પહોચ્યું ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં. એટલે મૂળ યોજના પ્રમાણે હવે રાજા-રાણી એક જ જગ્યાએ રહે છે. એ વખતે કહેવાતું કે રાણી વિક્ટોરિયાના સામ્રાજ્યમાં ક્યારે ય સૂર્ય આથમતો નથી. હવે રાણીનું પૂતળું રોજ આથમતો સૂર્ય જુએ છે, ટાઢ-તડકો-વરસાદ ઝીલે છે. અને હવે તો માથા પર પેલી છત્રી પણ નથી!
ગિરગામ ચોપાટી પરનું લોકમાન્ય ટિળકનું પૂતળું
પણ આ પૂતળાં ઊભાં શા માટે કરાય છે? કોણ કરે છે? એક કારણ, કોઈ અગ્રણી વ્યક્તિની સ્મૃતિ જાળવવા માટે. જેમ કે મુંબઈમાં ચોપાટી ખાતે આવેલું લોકમાન્ય ટિળકનું પૂતળું. એ કોઈની સત્તાનું નહિ, લોકોના પ્રેમનું પ્રતિક છે. એ પ્રેમને પારખી જઈને જ અંગ્રેજ સત્તાવાળાઓએ પોતાના બે બે નિયમ નેવે મૂક્યા. ટિળકની અંતિમ ક્રિયા ગિરગામ ચોપાટી જેવી જાહેર જગ્યાએ કરવાની કોર્પોરેશને પરવાનગી આપી અને ગવર્નરે તેને મંજૂરી આપી. અને આ બધું થયું એક રાતમાં. પછી જ્યાં અગ્નિસંસ્કાર થયેલા એ જગ્યાએ ટિળકનું પૂતળું મૂકવાની માગણી પણ સ્વીકારી લીધી. કોર્પોરેશને ૧૯૨૫માં આ માગણી સ્વીકારી. ૧૯૨૬માં ગવર્નરની મંજૂરી મળી. પૂતળું ઊભું કરવા માટે લોકમાન્ય ટિળક મેમોરિયલ કમિટી બની જેના પ્રમુખ હતાં સરોજિની નાયડુ. આમજનતા પાસેથી ઉઘરાવીને જરૂરી પૈસા ઊભા કર્યા. એ વખતના પ્રખ્યાત શિલ્પકાર રઘુનાથ કૃષ્ણ ફડકેને કામ સોંપાયું. ટિળકની હયાતીમાં જ આ શિલ્પકારે તેમની આરસની અર્ધપ્રતિમા બનાવેલી. એ બનાવવા માટે તેમણે ટિળકના મોઢા અને શરીરનું માપ લીધેલું. બધી બાજુથી ફોટા પણ પાડેલા. પછી જે અર્ધપ્રતિમા તૈયાર થઈ તે સાંગલીના લોકમાન્ય ટિળક સ્મારક મંદિરમાં મૂકવામાં આવેલી. એટલે ચોપાટી પર મૂકવા માટેનું પૂતળું તૈયાર કરવાનું કામ ફડકેને સોંપાયું. બે શરતે : તેમણે પૂતળું ૧૮ મહિનામાં તૈયાર કરી આપવું, અને તે માટે તેમને ૧૯ હજાર રુપિયા ચૂકવવા. જો કે પૂતળું મુંબઈમાં નહિ, પણ વડોદરાના એક સ્ટુડિયોમાં તૈયાર થયું. કેટલાંક કારણોને લીધે વિલંબ થતો ગયો. છેવટે ૧૯૩૩ના ઓગસ્ટની પહેલી તારીખે, ટિળકના અવસાન પછી તેર વરસે, પૂતળાની ચોપાટી પર પ્રતિષ્ઠા કરવામાં આવી. અને યાદ રહે, ટિળકના અંતિમ સંસ્કાર અને પૂતળા માટે મંજૂરી આપનાર બ્રિટિશ સરકારે જ ટિળક પર ત્રણ-ત્રણ વખત ‘સેડેશન’ના ગુના સબબ કેસ માંડ્યા હતા અને તેમાંના બે કેસમાં ટિળકને સજા થઈ હતી. એક કેસમાં તો તેમને બર્માના માંડલેની જેલમાં ૧૮ મહિનાની કેદની સજા થઈ હતી. એ જમાનામાં માંડલેની જેલ આંદામાનની જેલ જેટલી જ ખરાબ ગણાતી. અને છતાં એ જ ટિળકના અગ્નિસંસ્કાર ગિરગાંવ ચોપાટી પર કરવાની અને પછીથી ત્યાં તેમનું પૂતળું ઊભું કરવાની મંજૂરી એ જ બ્રિટિશ સરકારે આપી.
દેશને આઝાદી મળી તે પછીનાં પહેલાં ૧૫-૧૭ વરસમાં ‘અંગ્રેજ પૂતળાં હટાવ’ની ઝુંબેશ શરૂ ન થઈ અને છેક ૧૯૬૫ના અરસામાં ઝનૂનપૂર્વક શરૂ થઈ તેનું શું કારણ? એક વ્યક્તિની ડહાપણભરી સૂઝ, સમજ, અને વિચારણા. એ વ્યક્તિ તે દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ. આ પ્રખર બુદ્ધિવાદી રાષ્ટ્રવાદી નેતા માનતા અને વારંવાર કહેતા કે બ્રિટિશ શાસન એ હિન્દુસ્તાનના ઇતિહાસનો એક હિસ્સો છે. એટલે એને ભૂંસી નાખવાનું નથી શક્ય, કે નથી યોગ્ય. તેઓ કહેતા કે આપણે જેમ મોગલ સામ્રાજ્યનાં સ્મારકો જાળવી રાખ્યાં છે, એ જ રીતે અંગ્રેજોએ બનાવેલાં સ્મારકોની પણ જાળવણી કરવી જોઈએ. અલબત્ત, છેલ્લાં વરસોમાં માંદગીને લીધે તેમની પકડ થોડી ઢીલી પડી હતી. એ તકનો લાભ લઈને એ વખતના ‘સમાજવાદીઓ’એ પાર્લામેન્ટના પ્રવેશદ્વાર પાસેના લોર્ડ ઈરવિનના પૂતળાનું નાક કાપી નાખ્યું હતું. આજે તો હવે ભૂતકાળને ભૂંસી નાખવામાં કોણ ચડે એની ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે.
આવતા શનિવારે પૂતળાં પારાયણનો અધ્યાય બીજો.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 03 જૂન 2023