હળવું-મળવું ય સજા લાગે છે !
હોઉં તન્હા; તો મજા લાગે છે !
ખૂબ કંટાળો મને આવે છે,
મારી જેવા જ બધા લાગે છે !
મારો શબ્દ જ નકામો હો જાણે,
તારું હસવું ય કળા લાગે છે !
બંધ પરબીડિયા મહીં કોઈ,
નક્કી વસમી જ બલા લાગે છે !
તૂં ઉદાસી છે, તો ગઝલ સાંભળ,
એ જ અક્સીર દવા લાગે છે !
એને ગમતી નથી ઉદાસ આંખો,
માણસો ખૂબ ભલા લાગે છે !
આજ જૂદી જ છે દશા મનની,
આજ જૂદી જ અદા લાગે છે !
એમને ઓળખી શક્યા જ નહીં,
આપણી એ જ ખતા લાગે છે !
હોય તારી કે મારી; કે સહુની,
એકસરખી જ કથા લાગે છે !
જીવ અંદરથી રાજી રાજી છે,
જાણીતી આબો-હવા લાગે છે !
બેસી રહીશું ‘પ્રણય’; તો પસ્તાશું,
કૌરવોની આ સભા લાગે છે !
તા. ૦૩/૦૫/૨૦૨૧