જીતી રહેલા જણાતા ભાજપને હાંફ અને હરીફાઈનો સામનો ખાસા બે દાયકે કરવાનો આવ્યો.
એક રીતે, હવે એ ઠીક જ છે કે 18મી ડિસેમ્બરે વિધિવત્ પરિણામ શું હશે એનાં અનુમાનોની સટ્ટાબજારી અને રાજકીય મગજમારીથી હટીને થોડી ચર્ચા કરી લઈએ. હારજીતથી નિરપેક્ષપણે એક વાત 2017ની વિધાનસભા ચૂંટણીમાં બેલાશક ઉભરી રહી, અને તે એ કે છેલ્લા બે દાયકામાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી આટલાં સક્રિય અને પ્રભાવક કદાપિ નહોતાં. જોવાનું એ નથી કે હારે છે અગર જીતે છે. જોવાનું હોય તો એ છે કે તે એનો અત્યારનો ટેમ્પો 2019ની લોકસભાની ચૂંટણી લગી ટકાવી શકે છે કે કેમ.
રાહુલ ગાંધીએ છેલ્લા મહિનાઓમાં સહસા જે કાઠું કાઢ્યું જણાય છે તે પછી એમની શક્તિ અને સંભાવનાને ગુજરાતની હારજીત સાથે નહીં સાંકળતાં સ્વતંત્રપણે જોવામૂલવવાનું વલણ ઠીક રહેશે. વિધિવત્ પક્ષપ્રમુખપદ અને ગુજરાતની સૂચિત ફતેહ, બેઉની સહોપસ્થિતિ જેમણે કલ્પી તે ભલે કલ્પી, પણ પ્રશ્ન કેડે કાંકરો મેલવાનો હતો અને મગજમાં ખાલી કાંકરા ન ખખડતા હોય એનો હતો, આ બેઉ કસોટીએ રાહુલ ધોરણસર પ્રવેશ અને પ્રતિષ્ઠાના હકભાગી છે. માત્ર, એમણે હમણે લગીની કેમિયો તાસીરને વટીને ચાલવું રહેશે અને પૂરતું બળ રેડી વંશનિરપેક્ષ પ્રતિષ્ઠાના હકદાર પુરવાર થવું પડશે.
ખરું જોતાં, કોઈ પણ કહી શકે કે ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં સળંગ છઠ્ઠીવાર સરકાર રચવાના વિક્રમ તરફ જઈ રહ્યો જણાતો હોય ત્યારે લખાતી સમીક્ષાનોંધમાં ઉઘાડ અને ઉપાડ એનાથી હોય કે કોંગ્રેસથી. ભાઈ, વાત દેખીતી સાચી છે પણ લાગટ જીતથી સ્થાયી જેવું જે લક્ષણ બની ગયું હોય એને વાસ્તવિક પડકારનો પ્રસંગ આટલે લાંબે ગાળે આવી મળે ત્યારે ચર્ચાનો ક્રમ શીદ ન બદલવો.
હકીકતે, જીતી રહેલા જણાતા ભાજપને પોતાને પક્ષે અન્યને મુકાબલે હાંફ અને હરીફાઈનો અનુભવ ખાસા બે દાયકે કરવાનો આવ્યો. પાંચ વરસમાં ત્રણ પૈકી બે મુખ્યમંત્રીઓ લગભગ નાકામ જણાતાં વડાપ્રધાને ચૂંટણીબોજ લગભગ પોતાને ખભે વેંઢારવો પડ્યો તે સૂચવે છે કે એક પક્ષ અને સંગઠન તરીકે તેમ જ પ્રાદેશિક નેતૃત્વ બાબતે ભાજપ તપાસના દાયરામાં છે. કેમ કે સામે કોંગ્રેસ છે, આ પક્ષ મજબૂત લાગે છે. પણ, આવી કોઈ સરખામણી વગર એ સ્વયમેવ મજબૂત લાગતો હતો એવું ક્યારેક હશે. આજે એ હદે નથી તે નથી.
અને એની હાંફ ને હરીફાઈ કિયે છેડેથી ઝાઝી હતી તે તો કોઈ નોંધો. કોંગ્રેસથી નહીં એવો ને એટલો પડકાર એને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર ને જિજ્ઞેશ મેવાણી તરફથી હતો. આ ત્રણેએ જે અસંતોષ અને ફરિયાદને વાચા આપી એને કેવળ નાતજાતગત ખાનામાં ખતવીને જોઈ શકાય એમ નથી. કથિત વિકાસથી વધેલી વંચિતતા અને વિષમતા (પાટીદારોના કિસ્સામાં, તે ઉપરાંત, રાજકીય પ્રભાવ ઓસરતો હોવાની લાગણી) આ પડકારની પૂંઠે હતી અને છે.
કોંગ્રેસનું પોતાનું બળ ક્યાં છે? આ તો હાર્દિક-અલ્પેશ-જિજ્ઞેશ ઘટનાનું પરિણામ છે, એવી ટિપ્પણીને અવશ્ય અવકાશ છે. પણ આ પ્રકારના હર ઉઠાવે એકંદરે આગળ ચાલતાં કોઈને કોઈ રાજકીય પક્ષપરિબળ સાથે જોડાવું પડતું હોય છે. એ સંદર્ભમાં ગુજરાતમાં સત્તા-પ્રતિષ્ઠાન સામે કોંગ્રેસનું એક વિકલ્પ હોવું સહજ હતું. રાહુલ ગાંધી અને એમના સલાહકારોની સફળતા એ વાતે છે કે એમણે આ સૌને યથાસંભવ પોતાના કીધા. માત્ર, સ્વરાજની વડી પાર્ટી તરીકે તે આ સૌને નાગરિક સમાજના મુખ્ય પ્રવાહમાં નાતજાતથી ઊંચે ઊઠીને કેટલે અંશે સાંકળી શકે છે તે જોવાનું રહેશે.
કોંગ્રેસને સારુ આ પ્રશ્ન એક અર્થમાં પોતાનું વજૂદ પુરવાર કરવાનો બની રહેશે. પહેલા અને બીજા દોરના મતદાન પછી જે એક અવલોકન બહાર આવ્યું તે એવું છે કે પાટીદારો વહેંચાયા. જે ઉઠાવ અને અસંતોષ હતો તે ધોરણે તેઓ એકજૂટ ન રહ્યા. એક રીતે, આ અવલોકન નાતજાતને ધોરણે સુવાંગ વોટબૅંક બની રહેવાની વાયકાથી જુદું પડે છે, અને એમાં એક પ્રગતિશીલ સંભાવના રહેલી છે.
નાતજાતથી નિરપેક્ષપણે પક્ષપસંદગીની પ્રક્રિયા તે સાથે શરૂ થાય છે. જો કે આ અવલોકનમાં બીજુંયે એક નિરીક્ષણ સમાયેલું છે. અને તે એ કે પાટીદાર મતદારોનો એક ધડો મતદાન બાબતે ઉદાસીન બની ગયો હોઈ તે બહાર જ નીકળ્યો નહીં. આપણા પક્ષો પોતપોતાના વૈચારિક અભિગમને ધોરણે નાગરિકોને જોડી ન શકે – મત માંગવામાં એ હદે સંડોવાય કે મત ઘડવાની ફુરસદ (કે અગ્રતા) જ ન રહે – એવી સ્થિતિ મુદ્દલ ઈષ્ટ નથી. રાહુલ ગાંધીના નવા ચમકારાએ અને હાર્દિક-અલ્પેશ-જિજ્ઞેશ એ યુવા ઘટનાએ તેમ જ સંગઠન અને સત્તા પર મુસ્તાક ભાજપ શ્રેષ્ઠીઓએ આ બાબત ગંભીરતાથી વિચારવાની રહેશે.
હમણાં એકજૂટ મતદાનનો મુદ્દો છેડ્યો તે સાથે કોમી ધ્રુવીકરણની રાજનીતિનું સ્મરણ થવું સ્વાભાવિક છે. ભાજપે ગુજરાત મોડેલ અને વિકાસનો મુદ્દો જોરશોરથી આગળ કીધો પણ ધારી ભોં ભાંગી નહીં એટલે પાકિસ્તાન, અહમદ પટેલ, પાક-કોંગ્રેસ કાવતરું જેવા મુદ્દા, શાહજહાંનો વારસ તો ઓરંગઝેબ જ હોય એમ ખાસ પ્રકારના કાકુએ અધોરેખિત નામોચ્ચાર, આ બધું એણે શીર્ષસ્તરેથી ઉછાળવા માંડ્યું. જિજ્ઞેશના સહાયસ્રોતનો સંબંધ આવા કોઈ ભળતા છેડા સાથે હોય એવો ઇશારામારો પણ ચલાવ્યો. ભાજપને બીજા દોરમાં જે લાભ થયો ગણાય છે એની પાછળ એનો આ કોમી રાબેતો કામ કરી ગયો હશે એમ માનવાને કારણ છે.
પ્રચારના છેલ્લા દિવસે જ્યારે રોડ શોની રજા શક્ય નહોતી ત્યારે વિકલ્પે ભાજપને નમોનો આસમાની જળવિહાર સૂજી રહ્યો. સલામતીના સર્વે નિયમોના છડે ચોક ભંગ સાથે તેમ જ વિપક્ષને સુલભ નહીં એવા પ્રચારસાધનના ‘સત્તા’ વાર દુરુપયોગ સાથે આ સી-પ્લેન ખેલ પડ્યો એ તો ટીકાપાત્ર છે જ. એક નિરીક્ષક તરીકે આ લખનારને જે રસ પડ્યો તે આ આસમાની જળવિહાર વાસ્તે ભાજપે બહાર પાડેલી અધિકૃત યાદીમાં હતો: ‘શ્રી નરેન્દ્ર મોદી આજે સવારે 9.30 વાગ્યે સૌ પ્રથમ વાર રિવરફ્રન્ટથી સી-પ્લેન દ્વારા ધરોઈ ડેમ થઈ અંબાજી દર્શને જશે, તો મોદીજીના આ વિકાસના કામને સત્કારવા, વધુ ને વધુ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈએ.’ નોંધ્યું તમે? લોકોએ ‘વિકાસના કામ’ને સત્કારવા ઉમટવાનું છે અને વિકાસને વિશેષણમંડિત કરતાં કહ્યું છે કે ‘મોદીજીના આ વિકાસ કામ’ને સત્કારવાનું છે. બાવાજીના બાયોસ્કોપમાં છોકરાંવને જેમ દિલ્હીદર્શન કરાવી ‘બારા મન કી ધોબન દેખો’ જેવી ચમત્કારિક સહેલ કરાવી ફદિયું ફદિયું રળી ખાનાર હવે ભલે જોવા ન મળે, તમારે એક મતદાર તરીકે વિકાસ નામના જાદુગરને (એના જાદુટોનાને) વશ વર્તવાનું છે.
ગમે તેમ પણ, ઇચ્છીએ કે 18મી ડિસેમ્બર 2017થી મે 2019નો ગાળો વિકાસની તપાસ અને વ્યાખ્યાવિવેક બાબતે જાગૃતિનો બની રહે.
સૌભન્ય : ‘હકીકત’, “દિવ્ય ભાસ્કર”, 16 ડિસેમ્બર 2017