કેટલાને આ ક્ષણે અહેસાસ હશે કે હજુ પણ આપણે વિખંડિત તબક્કામાં, ભલે કંઈક જુદી રીતે પણ છીએ
ખંડ ગુજરાત આજે મતદાન કરશે. ખંડ એ અર્થમાં કે આ તો પહેલો દોર છે. બીજો અને છેલ્લો દોર હજુ પાંચ દિવસ પછી હશે. પણ આ તો ‘ખંડ’ એ પ્રયોગનો સાચો પણ ઉભડક-ઉપલક અર્થ થયો. કેન્દ્રમાં વચલાં કેટલાંક વરસ મિશ્ર સરકારનાં ગયાં. તે વખતે એક લાગણી (અને વાસ્તવિકતા પણ) એ હતી કે જનાદેશ ફ્રૅક્ચર્ડ કહેતાં વિખંડિત રહેતો. આજે ગુજરાત અને ભારત બેઉ સ્તરે પૂર્ણ બહુમતપૂર્વકની – અને એ રીતે અખંડ – સરકારો છે. પણ ખબર નથી, ગુજરાતના સમાન્ય મતદાર બાંધવો પૈકી કેટલાને આ ક્ષણે અહેસાસ હશે કે હજુ પણ આપણે વિખંડિત તબક્કામાં, ભલે કંઈક જુદી રીતે પણ છીએ.
એક વિખંડિતતા તો ગાંધીનગર અને નવી દિલ્હીની વર્તમાન સરકારોમાં લગભગ ગળથૂથીગત જેવી છે. એને નઠારા ‘ધ અધર’ વગર સોરવાતું નથી એટલે ધર્મને ધોરણે રાષ્ટ્રની વ્યાખ્યાપૂર્વક એક નિત્યશત્રુ એણે નક્કી કરેલ અને નિર્ધારેલ છે. એક ખ્રિસ્તી ધર્માધ્યક્ષે જ્યારે ચૂંટણીમાં ‘રાષ્ટ્રવાદી’ઓની કૃષ્ણછાયા બાબતે સાવધાનીના સૂર ઉચ્ચાર્યા ત્યારે સ્વાભાવિક જ એમના ચિત્તમાં આ ‘અધરામૃત’ની વિષાક્ત-વિભાજક સંભાવનાઓ હશે.
અલબત્ત, એમનું આ રીતે કહેવું, સત્યાંશ સંભાવના છતાં, ‘પોલિટકલી કરેક્ટ’ ઉર્ફે રાજ્કીય રીતે સલાહસગવડવાળું નહોતું અને સ્પિનોડીને સારુ તો એમાં બખ્ખેબખ્ખા હતા. ખ્રિસ્તી ધર્માધ્યક્ષ રાજકારણના ખેલાડી નહીં એટલે એ કાં તો આ વાનું વીસરી ગયા, કે પછી પોતે ઉમેદવાર નહીં અને ગુજરાતમાં ખ્રિસ્તી સમાજની કોઈ નિર્ણાયક હાજરી નહીં એટલે વ્યાપક અભિગમપૂર્વક એમને આ કહેવાનું સાહસ સૂજી રહ્યું હશે, એવા અનુમાનને પણ અવકાશ છે.
પણ એમણે જે ચિંતા વ્યક્ત કરી એમાં રાષ્ટ્રવાદને નામે વિખંડનની રાજનીતિ જોતાં સચ્ચાઈ નથી એવું કહી શકાતું નથી. આ સચ્ચાઈ બોલી બતાવવામાં નાગરિક દૃષ્ટિએ વિચારતાં વિખંડનને બદલે અખંડ–સમગ્ર રીતે પ્રીછવા જોગ એક મૂલ્ય ચોક્કસ પડેલું છે.
પણ વિખંડન બાબતે નાગરિક ચિંતા માત્ર આટલા પૂરતી સીમિત નથી. જેને આધારે રાષ્ટ્રની વ્યાખ્યા કરવાની રાજનીતિ હાલનો સત્તાપક્ષ કરે છે તે હિંદુસમાજને જ્ઞાતિગત ધોરણે ઊંચનીચની મૂર્છા સ્વરાજસિત્તેરી પછી પણ ઊતરી નથી. હિંદુ હોવાને ધોરણે ગોળબંદ થયા પછી પણ, નઠારા ‘ધ અધર’ની તીવ્રતા કંઈક ઓછી થાય ન થાય કે તરત ઊંચનીચનો ખ્યાલ ઢેકો કાઢ્યા વગર રહેતો નથી.
નાગરિક અપીલ પર હિંદુ અપીલ હાવી થાય ન થાય અને નાતજાતની અપીલ એકદમ સામે આવે છે. એમાંથી ઓળખનું રાજકારણ એવી રીતે બહાર આવે છે કે રાષ્ટ્રીય પોત સુઘટ્ટ થવાની નાગરિક પ્રક્રિયા પાછી પડે છે.
મજ્જાગત એવાં આ ઊંચનીચ, પછીથી, એવાં એવાં સ્પિન વાસ્તે પીચ પૂરી પાડે છે જે ન તો ઈષ્ટ હોય, ન તો અભીષ્ટ હોય. તમે આટલા નીચે કેમ જાઓ છો એવો મુદ્દો ઉપસ્થિત કરવા માટે અંગ્રેજીના તરજુમાશાઈ ગોથામાં મણિશંકર અય્યરે ‘નીચ’ પ્રયોગ કર્યો અને ભાષાચૂક એટલી જ જીભચૂક સાથે એમણે બાણું લાખ વૈખરીના ઘણીને આઠો પ્રહર સ્પિનની સવલત કરી આપી. કૉંગ્રેસે અય્યરને સસ્પેન્ડ કર્યા, પણ બુંદસે ગઈ હોજ સે નહીં આતી – અને ભાજપ આ પ્રકારના ઉદ્્ગારોવાળી એક આખી બીજી હરોળ અને ટ્વિટસેના નભાવે છે એ મુદ્દો પણ કોઈક મનોવૈજ્ઞાનિક ક્ષણે ગૌણ થઈ જાય છે.
2017ના ગુજરાતમાં જે રીતે પાટીદાર, ઓબીસી અને દલિત સમુદાયો ‘રાજકીય હિંદુ’ મટતા મામૂલ પડે છે એમાં કોમી ગોળબંદને ધોરણે થતાં એકત્રીકરણ(અને કોમી રાહે વિખંડન)ની કળ વળવાનાં ચિહ્ન હોય તો પણ વ્યાપક નાગરિક વલણની દૃષ્ટિએ આ પ્રક્રિયા સારુ દિલ્હી હજી પૂરતું નજીક નથી. ભલે સુદૂર ન હોય, દૂર તો છે જ. તેમ છતાં, ધીમી પણ એક સ્વાગતાર્હ શક્યતા ખૂલી છે.
પાટીદાર આંદોલન વળ અને આમળા ખાઈ ખાઈને આજે દલિત-ઓબીસી જોગવાઈઓના સમાદરપૂર્વક પોતાની હકમાંગને સમાયોજવાનું વલણ દાખવી રહ્યું છે એને જરૂર એક નાગરિક ઉન્મેષરૂપે ઘટાવી શકીએ. અલબત્ત, બેઉ છેડાની શક્યતાઓનો દોર હજુ એણે નિર્ણાયકપણે વટાવ્યો નથી. કિસન સોસા જેને રણ તરફ કે નદી તરફ એવી નિર્ણાયક ક્ષણ લેખે વર્ણવવી પસંદ કરે એ તરેહની પરિસ્થિતિ આ છે. વિધાયક વિકલ્પબારી ખૂલી છે પણ ખેંચાણ બેઉ છેડાના છે.
બેઉ છેડાનાં ખેંચાણ અને સત્યનિરપેક્ષ સ્પિનસાલારોના દુર્દૈવ વાસ્તવ વચ્ચે આજે ખંડ ગુજરાતે મતદાન કરવાનું છે ત્યારે એની નજર સમક્ષ અખંડ-અભંગ મુદ્દો શો હોવો જોઈએ, એ સવાલનો જવાબ આમ તો સાવ સાદો છે. એટલો બધો સાદો કે તે બોલી બતાવવા સારુ આપણી વચ્ચે ‘એલિમેન્ટરી, માય ડિયર વોટ્સન’–ખ્યાત કોઈ શેરલોક હોમ્સનુંયે હોવું અનિવાર્ય નથી. સાદો મુદ્દો આ છે – ભાઈ, તમે કેન્દ્રનાં દસ વરસ અને ગાંધીનગરનાં વીસ વરસનાં કામને ધોરણે સરખો જવાબ તો આપો.
તરેહવાર સ્પિન-શોરમાં અને દબંગ માહોલમાં ડૂબી જાય એવો આ સવાલ છે, અને વિકાસની મરીચિકા સમજાવા છતાં ઝાંઝવાનાં ભળતાં સળતાં ખેંચાણે મતદાનની ગુંજાશ બરકરાર રહે એવો આ માહોલ છે.
જે એક પરિપ્રેક્ષ્ય હાલના પરિદૃશ્યમાં કેળવવા જોગ છે તે વસ્તુત: આ સવાલ-દાર ભૂમિકા સાથે અને ઉપરાંત એ છે કે અત્યારે મતદારે ભાજપ વિ. કૉંગ્રેસ કે કૉંગ્રેસ વિ. ભાજપ – એ ધોરણે પરિચાલિત થવા કરતાં પણ સવિશેષ તો અખંડ ગુજરાત અને રૂંવે રૂંવે નાગરિકને ધોરણે વિચારવાપણું છે. આ અખંડ અલબત્ત ભારતનું સહજ અંગ છે એ જુદું કહેવાની જરૂર ન હોય. પ્રધાનમંત્રીએ ‘ગુજરાતના પુત્ર’ તરીકે દાવેદારી ન કરવાની હોય, જો એ ભારતીય નાગરિક હોય તો! ભૂતકાળમાં પણ કથિત ‘ગુજરાત મોડેલ’ની ટીથિંગ ટ્રબલ્સ વખતે એમણે આવો ખેલ પાડેલ છે.
લોકની સ્મૃિત પેલી કહેતી પ્રમાણે ટૂંકી હોય છે એટલે જરી સમજ ખાતર થોડું સંભારી લઈએ તે ઠીક રહેશે. રાજ્ય સરકાર જ્યારે નિ:શાસન કે દુ:શાસન તરીકે ટીકાપાત્ર બની ત્યારે ટીકાકારને ગુજરાતશત્રુ તરીકે અને સરકારની ટીકાને ગુજરાતદ્રોહી તરીકે ચીતરવાનું વલણ, દુ:શાસન મૂરતને દાબી દેવા સારુ કર્ણબધિર ગૌરવનાદ, ચૂંટણી પંચ – લઘુમતી પંચ – માનવ અધિકાર પંચ જાણે વિપક્ષ જ નહીં ‘બહાર’નાં હોય એમ એમની સામે શત્રુબોધપૂર્વકનું ‘ગુજરાત …’ હવે જો આજે હું છું વિકાસ અને હું છું ગુજરાત એવું કહેવાય તો એ તો ફ્રાન્સના લુઈ રાજાઓની જેમ ‘આય્ એમ ધ સ્ટેટ’નો હુંકાર થયો. ગમે તેમ પણ, સૌને – રિપીટ, સૌને – ઓળખ ઓળખનો આદર અને એની સીમારેખાની પણ સમજ, આ બે સાથેલગાં હશે તો એ મતદાન ખંડથી અખંડ ભણીનું હશે.
સૌજન્ય : ‘જનાદેશની પાછળ’, “દિવ્ય ભાસ્કર”, 09 ડિસેમ્બર 2017