કટોકટી(ઇમર્જન્સી)નું સામ્ય લાગે તેવા આ સમયમાં કટોકટીની કેટલીક યાદો મમળાવવાની ઇચ્છા થાય છે. ખાસ તો ચંદ્રકાન્ત દરુની શતાબ્દીનું આ વર્ષ છે. અનેક લોકોને એમનો પરિચય હશે, તે અધિકારપૂર્વક એમના વિશે લખી શકશે. આજે કોઈ પણ અંગત પરિચય ન હોવા છતાં એમને યાદ કરવાની થોડી ધૃષ્ટતા કરું છું. આ ખાસ એટલા માટે કે ત્યારના અને અત્યારના વડાપ્રધાનની કાર્યશૈલીમાં પણ ઘણું સામ્ય છે. અને આ સંજોગોમાં કટોકટી સામે કોર્ટમાં લડેલા દરુસાહેબ અત્યારના સંજોગામાં શું વલણ લેત, એ વિચારણીય છે.
કટોકટીની જાહેરાત થઈ, ત્યારે હું વિદ્યાર્થી હતો અને પ્રિ આર્ટ્સમાં અભ્યાસ કરતો હતો. મતદાનનો હક્ક હજી કદાચ મળ્યો નહોતો. રાજકીય ઘટનાઓ અંગે એવી કોઈ ખેવાનાઓ નહોતી. અનેક નેતાઓને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તેમાં મોરારજી દેસાઈ પણ હતા, એ વાતથી ચિંતિત નહીં તો ય ક્ષુબ્ધ હતો. મોરારજીભાઈને એક અણીશુદ્ધ પ્રામાણિક માણસ માનતા હતા. મોરારજીભાઈને અનેક સભાઓમાં સાંભળેલા તેમ અત્યંત નજીકથી એમને જોવા-સાંભળવાનું બનેલું એટલે પણ કદાચ એમના વિશે વિચાર આવેલા. આપણે ત્યાં ગુજરાતમાં તો નવનિર્માણ-આંદોલન ચાલેલું તેમાંના નેતાઓના રોલથી પરિચિત હતો, પણ તે સમયે હું સ્કૂલમાં હતો. આંદોલનને કારણે પરીક્ષાઓ નહોતી લેવાઈ અને માસ પ્રમોશન મળેલું એ ગમેલું છતાં તેનો વિરોધી હતો. ગુજરાતના શિક્ષણની ત્યારથી જ કદાચ અધોગતિ શરૂ થઈ. તે મેં તો વ્યાખ્યા કરી કે ક્ષણે-ક્ષણે જે ક્ષીણ થાય તે શિક્ષણ. એ આજે સાચું લાગે છે.
વર્તમાનપત્રો-અખબારો ઉપર સેન્સરશિપ હતી. એ વખતે મુંબઈથી પ્રગટ થતું ’જનશક્તિ’ વાંચતાં. હરીન્દ્ર દવે તેના તંત્રી હતા. ’જનસત્તા’ ય ખાસ વાંચતાં. આ અખબારો તે સમયે અન્ય અખબારો કરતાં જુદી તરેહનાં હતાં. ’જનસત્તા’માં સુરેશ જોશીની કૉલમ ’માનવીનાં મન’ આવતી. તેમાં કયાંક ગર્ભિત રીતે કટોકટીની વિરુદ્ધ વાત આવતી. સામયિકો અનેક વંચાતાં. પણ એ સમયે ’વિશ્વમાનવ’ ખાસ વાંચતાં. તેમાં પહેલા પાને ગાંધીજીનો ફોટો હોય અને તેની નીચે લખ્યું હોય ’સબકો સન્મતિ દે ભગવાન’. અને એ વાતને કટોકટીના સંદર્ભમાં જોવાની રહેતી. એ વખતે કોઈ એક અંકમાં આઇકમેન વિશે ઘણું બધું આવેલું. અને જર્મનીના નાઝી ત્રાસવાદ ઉપરનો ’વિશ્વમાનવ’નો એ અંક કેટલોક સમય સાચવી રાખેલો, તેમ જ અનેકને વાંચવા આપેલો.
કટોકટીની ઘોષણા થઈ પછી જે રીતે સરકારી તંત્રમાં નિયમિતતા આવી ગઈ હતી, તેની ખાસ નોંધ લીધી હતી. ટ્રેનો સમયસર ચાલતી. કર્મચારીઓ પણ વિવેકી, શિસ્તબદ્ધ અને આજ્ઞાકારી થઈ ગયા હતા. આ બધું આવકાર્ય હતું, તેમ ગમતું પણ હતું. પણ પછી ધીરે-ધીરે કટોકટીની વાસ્તવિકતા જાણવા મળવા લાગી. મોરારજીભાઈ વડાપ્રધાન બન્યા, ત્યારે તેમના પ્રેસસચિવ થયેલા કમલકાન્ત ભટ્ટ કટોકટી વખતે દિલ્હી છોડીને ભુજ રહેવા આવી ગયા હતા. એ ભાગીને આવ્યા છે અને ધરપકડને ટાળવા ભુજ રહે છે, તેવું જાણવા મળેલું. કેટલાક ઓળખીતા મિત્રો અને અમારા એક કુટુંબી પણ મિસામાં પકડાયેલા. અને કટોકટી દરમિયાન જેલમાં રહેલા. ત્યારે એવો પ્રશ્ન થતો કે આ બધાને શા માટે પકડ્યા છે. પણ પછી ધીમે ધીમે કટોકટીનાં કાળાં કામોની જાણકારી મળવા લાગી. ઉમાશંકર જોશીનું ’સંસ્કૃિત’ એમણે બંધ કર્યું. આપણે ત્યાં જનતા પાર્ટીની સરકાર હતી તેથી થોડો ફેર પડેલો. પણ સરકારના પતન પછી જાહેર થયેલા રાષ્ટ્રપતિશાસન દરમિયાન કટોકટી બધાને અસર કરી ગયેલી.
કટોકટી ઊઠી ગયા પછી તેના વિશે ખૂબ વાંચવા-સાંભળવા બન્યું. ફિલ્મ ’કિસ્સા કુર્સીકા’ની ચર્ચા ચાલેલી. અભિવ્યક્તિ સ્વાતંત્ર પ્રત્યે પહેલેથી જ વિચારો સ્પષ્ટ હતા. અને એ મળવી જ જોઈએ, તેમ માનતો હતો. જે એક વાતથી અત્યંત ખિન્ન થવાયું તે કન્નડ અભિનેત્રી સ્નેહલતા રેડ્ડીને જેલમાં આપવામાં આવેલા ત્રાસની જાણકારીથી. એ કદાચ મૃત્યુ પણ એ જ કારણે પામેલી. આ બધું અસહિષ્ણુતા નહીં ? આ લોકોએ ફક્ત સરકારના કાર્યનો વિરોધ કરેલો. ત્યારની અને આજની વિરોધ કરવાની રીતો જુદી છે. આજે ઍવૉર્ડ વાપસીથી વિરોધ થઈ રહ્યો છે.
કટોકટીમાં જે અનેક લોકોની ધરપકડો થઈ, તેમાં ગુજરાતના પણ અનેક લોકો હતા, અને તેમાંના એક ચંદ્રકાન્ત દરુ પણ હતા. મને યાદ છે, ત્યાં સુધી એમની ધરપકડ જનતા પાર્ટીની બાબુભાઈ પટેલની સરકારના પતન બાદ જે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું, ત્યારે થઈ હતી. એમને મિસા હેઠળ પકડીને જામનગરની જેલમાં રાખવામાં આવેલા. મિસા હેઠળ પકડાયેલા અને જેલમાં રહેલા રાજકીય કેદીઓને જો અનુકૂળ હોય તો બહારથી કોઈને ત્યાંથી જમવાનું ટિફિન મંગાવવાની છૂટ હતી. દરુ સાહેબને જેલનો ખોરાક અનુકૂળ નહોતો અને જામનગરમાં એમના કોઈ ઓળખીતા નહોતા, એટલે એમની જેલમાં તબિયત બગડી હતી. પણ અમદાવાદના કોઈ નેતાએ એમની સાથેના સંબંધને કારણે જામનગરના એક કૉંગ્રેસી નેતા અને ધારાસભ્યને શક્ય હોય તો દરુસાહેબના ટિફિનની કંઈક વ્યવસ્થા કરવાનું સોંપેલું. એ કૉંગ્રેસી નેતા ઇંદિરા ગાંધીની નજીક હતા, તેથી કટોકટીના કાળમાં આવું કામ કરવામાં હિચકિચાટ અનુભવતા હતા. એમણે પોતે જાતે કોઈ વ્યવસ્થા કરવાને બદલે કોઈને આ કામ સોંપેલું. પણ સમય જ એવો હતો કે જેલમાં ટિફિન પહોંચાડવાને માટે કોઈ તૈયાર ન હતું.
એ સમયે પદુભાઈ તરીકે ઓળખાતા પદમસી વિશ્રામ તન્નાએ વ્યવસ્થા કરવાનું સ્વીકારેલું. આ પદુભાઈ એટલે હાઈકોર્ટમાં વકીલાત કરતા જાણીતા ધારાશાસ્ત્રી ભાસ્કર તન્નાના પિતાશ્રી. પણ પદુભાઈ એમની નાદુરસ્ત તબિયતને કારણે પથારીવશ હતા. તેઓ મારા પિતાશ્રીના અત્યંત નિકટના મિત્ર હતા. તેથી હું અવારનવાર એમના ઘેર જતો. એમણે મને કહ્યું કે જેલમાં એક ટિફિન પંહોચાડવાનું છે, તું જઈશ? મને આમાં કંઈ બહુ ડર ન જણાતા મેં હા પાડેલી. તે જમવાનું એમને ત્યાં બનતું અને તેમનાં પત્ની શાંતાબહેન બાર વાગે ટિફિન ભરી આપે, તે હું સાઇકલ પર જઈ જેલમાં પહોંેચાડતો હતો. આવું કંઈક પાંચેક દિવસ ચાલેલું પછી પદુભાઈએ કોઈક અન્ય વ્યવસ્થા કરેલી.
પણ હું જ્યારે જેલમાં ટિફિન પહોંચાડતો જતો હતો, ત્યારે પહેલી જ વાર ચંદ્રકાન્ત દરુનું નામ સાંભળતો હતો. એથી વિશેષ એટલું જાણવા મળેલું કે સરકાર સામેના કોઈ કેસના કારણે તેમને જેલમાં મોકલવામાં આવેલા છે, તે વાતથી વિશેષ એમનો પરિચય નહોતો. (એ પણ કદાચ પદુભાઈએ જ જણાવી હતી.) કટોકટી ઊઠી ગયા પછી એમના વિશે થોડી જાણકારી મળેલી. પણ એ બહુ અલ્પમાત્રામાં હતી. જોગાજોગ જે દિવસે દરુસાહેબનું અવસાન થયું તે દિવસે હું અમદાવાદ હતો. અને એમના અવસાનને કારણે કોર્ટમાં રજા હતી. તે સમયે પણ એમની વકીલ તરીકેની પ્રતિભા અને પ્રતિષ્ઠા વિશે જાણવા મળેલંુ.
પણ પછી એમના વિશે કેટલાક લેખો વાંચ્યા. ’સાધના’ના કેસમાં હાઈકોર્ટમાં એમણે કરેલી રજૂઆત, વગેરે અનેક બાબતો વાંચવા મળી. વિષ્ણુ પંડ્યાએ એમના ઉપર ખાસ્સું લખ્યું છે, તે પણ વાંચવા મળ્યું. અને એ બધામાંથી દરુસાહેબની એક વિશિષ્ટ છબી મનમાં ઊભરી. ખૂબ-ખૂબ માન થયું. પણ મનમાં એક ડંખ રહી ગયો. એમનું નામ ક્યાં ય વાંચું એટલે એમને મળવાનું નહીં જોયાનું સ્મરણ થાય છે.
જ્યારે એમને મળવા(જોવાનું)નું થયેલું, ત્યારે એમને જાણતો નહોતો, અને જાણતો થયો, ત્યારે એઓ આ જગત છોડીને ચાલ્યા ગયા હતા. દરુ સાહેબ આજ હોત તો? હાલની પરિસ્થિતિને કઈ રીતે મૂલવત? મોરલ પોલીસ તરીકે કાર્ય કરતા સરકારના કેટલાક ઘટકો, કેટલાંક પુસ્તકો અને ફિલ્મો ઉપર લગાવાયેલો વિધિસર અને અવિધિસરનો પ્રતિબંધ વગેરે બાબતોને માટે કેવો અભિગમ અપનાવત? અલબત્ત, આ બધા જો તોના પ્રશ્નો છે અને સગવડતા અને અનુકૂળતા મુજબ બધા એનો અલગ-અલગ અર્થ કરતા હોય છે. પણ દરુસાહેબની કાર્યવાહીઓને જોયા-જાણ્યા પછી એ જવાબ મનમાં જ સમજાઈ જાય છે.
e.mail : abhijitsvyas@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2016; પૃ. 16 અને 15