(અર્થશાસ્ત્રના અભ્યાસુ અને 'બુદ્ધિપ્રકાશ' ના તંત્રી)
“ટૂંકમાં, ‘ગુજરાતનો વિકાસ’ હવે કેન્દ્રસ્થાનેથી ખસવો જોઈએ અને ‘ગુજરાતના તળિયાના 40 ટકા લોકોનો વિકાસ’ કેન્દ્રસ્થાને મુકાવો જોઈએ”.
પૂર્વે (21/5/2009) આપણે અહીં જોઈ ગયા તેમ જેને કેટલાક લાગતાવળગતા રાજકારણીઓ ‘ગુજરાત મોડલ’ કહીને બિરદાવે છે તે વાસ્તવમાં બીજું કશું જ નથી, પણ રાજ્યની સહાયથી ઝડપથી ખીલી રહેલા મૂડીવાદનું મોડલ છે અને પૂર્વ એશિયાના કેટલાક દેશો અગાઉ એનો સફળતાપૂર્વક અમલ કરી ચૂક્યા છે. જો કોઈ ગુજરાત મોડલ વિકસાવવાનો ઇરાદો હોય (અને હોવો પણ જોઈએ) તો તેને માટે બહુ વિગતમાં ગયા વગર પણ સાદી સમજથી લક્ષમાં આવવા જોઈતા થોડા મુદ્દા આ રહ્યા.
તે મૂકતા પહેલાં જોકે ભૂમિકારૂપે એટલું કહેવું જોઈએ કે ગુજરાતમાં ઉદ્યોગો, ખેતી વગેરે ક્ષેત્રોના વિકાસની ગાડી પાટે ચડી ગઈ છે ત્યારે રાજ્યે હવે ગુજરાતના વિકાસની દિશા બદલવાની છે : વિકાસને લોકાભિમુખ કરવાનો છે. ગુજરાતમાં સમૃદ્ધિ વધે એ પૂરતું નથી, એ વધતી સમૃદ્ધિનો વધતો જતો ભાગ તળિયાના 60-70 ટકા લોકોને મળતો થાય એવી સ્થિતિ સર્જવાની છે. ગુજરાતને આર્થિક વિકાસને સર્વાશ્લેષી (ઇન્કલુઝિવ) બનાવવાની દિશામાં ‘ગુજરાત મોડેલ’ પૂરું પાડવાની આપણને તક છે. એ દિશામાં કેટલાંક કાર્યક્ષેત્રોનો નિર્દેશ કરી શકાય.
(1) પ્રાથમિક શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોની કામગીરી ગુજરાતમાં પણ દેશનાં અન્ય રાજ્યો જેટલી જ રેઢિયાળ છે. સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી આ સેવાઓના લાભાર્થીઓ મુખ્યત્વે તળિયાના 30-40 ટકા લોકો છે. ગુજરાતનું રાજ્ય તેની આ સેવાઓને કાર્યદક્ષ બનાવીને ગુજરાતની વધતી સમૃદ્ધિનો લાભ ગુજરાતની આમ જનતા સુધી પહોંચાડી શકે. જો ગુજરાત સરકાર આ કરી બતાવશે તો કેવળ દેશમાં જ નહીં, દુનિયાભરના વિકાસશીલ દેશોમાં તેની આ કામગીરી બેનમૂન બની રહેશે.
(2) ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ દેશનાં અન્ય રાજ્યોના જેવી જ અને જેટલી નીચી ગુણવતા ધરાવે છે. પૂર્વ એશિયાના જે દેશોને ગુજરાતના મુખ્યમંત્રીઓ લક્ષ્ય (રોલ મોડલ) બનાવતા આવ્યા છે એમાંના કોઈ દેશમાં માધ્યમિક અને ઉચ્ચશિક્ષણની ગુણવત્તા ગુજરાત જેટલી નીચી નથી. ઔદ્યોગિક રીતે પ્રગતિશીલ રાષ્ટ્રમાં ઉદ્યોગોના વિકાસની સાથોસાથ શિક્ષણની ગુણવત્તા પણ સુધરતી જાય છે. ગુજરાતે આ દિશામાં પહેલ કરવાની છે. સમગ્ર દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધરે ત્યાં સુધી ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય રાહ ન જોઈ શકે.
(3)સ્વનિર્ભર કૉલેજોને નામે જ્યારે શિક્ષણને, ખાસ કરીને વ્યાવસાયિક શિક્ષણને દેશમાં બજારને હવાલે કરી દેવામાં આવ્યું છે ત્યારે આમ જનતા પાસેથી શિક્ષણ દ્વારા વિકાસની સમાન તકો પામવાનું સાધન છિનવાઈ ગયું છે. પ્રજાના નબળા વર્ગોનાં સંતાનોને વ્યાવસાયિક શિક્ષણની તકો સુલભ રહે તે માટે રાજ્યે શિષ્યવૃત્તિઓ અને વ્યાજના ખૂબ નીચા દર સહિતની હળવી શરતો સાથેની લોનો પૂરી પાડવા માટેનો સંસ્થાકીય પ્રબંધ કરવાનો છે. અમેરિકા જેવા મૂડીવાદી દેશની સરકારે પણ આવો પ્રબંધ કરવાનું જરૂરી માન્યું છે તે અહીં ઉમેરવું જોઈએ. વ્યાવસાયિક ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે રાજ્યે હાથ ઊંચા કરી દીધા છે એના પરિણામે એણે જે નાણાં બચાવ્યા છે તેનો કેટલોક ભાગ આ માર્ગે તેણે વ્યાવસાયિક શિક્ષણ તરફ વાળવાનો છે. ગુજરાતનું રાજ્ય જો આ કરી બતાવશે તો શિક્ષણને બજારને હવાલે કર્યા છતાં સમાન તકો સર્જવાની શિક્ષણની ગુંજાશને યથાવત્ રાખવાનો યશ તે કમાઈ શકે છે.
(4)છેલ્લા ત્રણ દસકા દરમિયાન ક્રમશઃ ગુજરાતની સમૃદ્ધિ ઝડપથી વધતી ચાલી છે. 1991 પછીના લગભગ બે દસકા દરમિયાન મોટા ભાગનાં વર્ષોમાં ગુજરાતના આંતરિક(ઘરેલુ) ઉત્પાદનની વૃદ્ધિનો દર દેશના રાજ્યોમાં ટોચ ઉપર રહેવા પામ્યો છે. પરંતુ આ વધતી જતી સમૃદ્ધિનો સિંહભાગ ટોચનાં 20-30 ટકા કુટુંબોને જ મળી રહ્યો છે. પરિણામે ગુજરાતમાં આર્થિક અસમાનતા ઝડપથી વધી રહી છે. ગુજરાતનું રાજ્ય, ગુજરાતની આ વધતી જતી સમૃદ્ધિની વધુ સમાન વહેંચણી કરવા માટેની અસરકારકનીતિઓ ઘડીને સમગ્ર દેશને એક મોડલ પૂરું પાડી શકે. સમાનતા સાથે સમૃદ્ધિના સૂત્રને સાકાર કરવા માટેનું મોડલ રજૂ કરવાનો પડકાર જો ગુજરાતના શાસકો ઝીલી બતાવશે તો તેઓ કેવળ ગુજરાતની જ નહીં, સમગ્ર દેશની જનતાની મોટી સેવા કરશે.
ટૂંકમા, ‘ગુજરાતનો વિકાસ’ હવે કેન્દ્રસ્થાનેથી ખસવો જોઈએ અને ‘ગુજરાતના તળિયાના 40 ટકા લોકોનો વિકાસ’ કેન્દ્રસ્થાને મુકાવો જોઈએ. રાજ્યની શક્તિ જેઓ પોતાનો વિકાસ પોતાની રીતે સાધી લેવા સક્ષમ છે તેમના લાભાર્થે ન ખર્ચાવી જોઈએ. જેઓ પોતાના જ પગ પર ઊભા રહીને પોતાનો વિકાસ સાધવા સક્ષમ નથી તેમને રાજ્યે મદદ કરવાની છે. જે રાજ્યની સ્થાપના ગાંધીઆશ્રમમાં થઈ હોય તેની પાસેથી આના કરતાં કોઈ જુદી અપેક્ષા રાખવાની હોય નહીં.